"પુત્ર સમોવડી"ની નાયિકા દેવયાનીનો આંતરવિગ્રહ
કનૈયાલાલ મુનશી
ક.મા.મુનશીનું પ્રદાન અનેકવિધ ક્ષેત્રોમા છે. સાહિત્યમા પણ તેમણે અનેકવિધ સાહિત્યસ્વરૂપોનું સર્જન કર્યું છે. સાહિત્યપરિષદનું સુંદર સંચાલન, સ્વતંત્રપક્ષની રચના, રાજયપાલ અને કેન્દ્રીયમંત્રી જેવા ગૌરવવંતા પદો તેમણે દિપાવ્યા હતાં.
તેમનો જન્મ ઇ.સ.૧૮૮૭ મા ભરૂચમાં થયેલો. ઇ.સ.૧૯૦૧ માં મેટ્રિક પાસ થઇને વડોદરાની કૉલેજમાં શિક્ષણની સાથે મહર્ષિ અરવિંદથી તેઓ અભિભૂત થયેલા. ત્યારબાદ ઇ.સ.૧૯૧૬ માં મુંબઇ યુનિવર્સિટીની સેનેટમાં તેઓ સભ્ય તરીકે ચુંટાયા હતા. આપણા દેશના બંધારણના ઘડતરમાં પણ તેમનો બહોળો ફાળો હતો.
ભારત અને વિદેશોમા જાણીતી થયેલી "ભારતીય વિદ્યાભવન" નામની સંસ્થાના તેઓ સ્થાપક કુલપતિ હતા.
દેવયાનીનો આંતરવિગ્રહ
મુનશીનું 'પુત્રસમોવડી' નાટક અન્ય પૌરાણિક નાટકોથી જુદું નથી. તેમાં પુરુષની પડખે સ્ત્રીના સ્વતંત્ર સમાન તેજસ્વી વ્યકિતત્વનો, વિવિધ જાતિઓની સ્વતંત્રતા સમાનતા-બંધુતાનો અને નિરંકુશ એકહથ્થુ સર્વવ્યાપી શાસનપ્રણાલીના અંતનો ભભકભર્યા રૂપમાં, તેજસ્વી જણાતા પાત્રો-કાર્યો-સંવાદો દ્વારા પુરસ્કાર થયો છે.
'શુક્રાચાર્ય' દાનવરાજ 'વૃષપર્વા' ના ગુરુ છે. તેઓ તેમની જન્મભૂમિ-સ્વર્ગમાંથી હાંકી કાઢનાર ઇન્દ્રનો અને તેના દેવમંડળનો પરાજય કરવા ઉત્સુક છે. તેને દેવ-દાનવ-માનવ સર્વમાં સ્વતંત્રતા, સમાનતાનું સમાપન કરવું છે. પણ તેમને પુત્ર નથી-એક માત્ર પુત્રી 'દેવયાની' જ છે. તેનો ભારે વસવસો છે : "પુત્ર હોય તો પિતાના આદર્યા અધૂરાં રહેલ કાર્ય પૂરા કરે. પુત્રી તો પરણી તેને સાસરે જતી રહેવાની." (પૈરાણિક નાટકો, 'પુત્ર સમોવડી', પૃ-૧૮૪)
પરંતુ દેવયાની તો 'શકિત અને સાહસથી તરવરતી', 'સિંહણ' જેવી પિતૃભક્ત યુવતી છે. 'દેવયાની' તેનાં પિતાએ આદરેલ ઇન્દ્રના પરાજયના કાર્યમાં સમભાગી થવા માટે તેવા પ્રેમી બૃહસ્પતિના પુત્ર 'કચ' ના પ્રેમને અને સ્વર્ગના વૈભવને જતાં કરે છે. માનવરાજ 'યયાતિ' સાથે પરણી તેનાં સૈન્યને દાનવ સૈન્યની સહાયાર્થે લઇ આવે છે; 'યયાતિ' ને ઇન્દ્ર સામે યુધ્ધ કરવા તૈયાર કરે છે; અને ઇન્દ્રના પરાજય પછી 'ઇન્દ્રાસનની કચ્ચરો' કરવાના શુક્રાચાર્યના આદેશને 'યયાતિ' માનતો નથી. ત્યારે તેના પતિનો અને અમરાવતીના સ્વામિત્વનો પણ ત્યાગ કરી તે પિતા શુક્રાચાર્ય સાથે 'જગદદ્રિમોચનની યાત્રાએ' નીકળી પડે છે.
'શુક્રાચાર્ય' દાનવોના ગુરુ હોવા છતાં દેવોના ગુરુ 'બૃહસ્પતિ' ના પુત્ર 'કચ' ને પોતાના વિદ્યાર્થી તરીકે સ્નેહપૂર્વક સ્વીકારે છે. પોતાના દુશ્મનના પુત્રને શિષ્ય થઇ આવેલો જોઇ કહે છે કે "આજે હું મારાં ધનભાગ્ય સમજું છું કે વાચસ્પતિએ તને મારે ત્યાં શીખવા મોકલ્યો. બેટા મારા આશિષ છે કે વાચસ્પતિ અને કવિ ઉશનસની વિદ્યાનો વારસ બની તું અમારા બંનેથી ઉત્તમ થજે?" (પૃ-૧૭૫-૭૬) પરંતુ એમના મનમાં 'કચ' અંગે શંકા પણ છે અને તેઓ પોતાની પુત્રીને ચેતવણી પણ પહેલાંથી જ આપે છે કે "યાદ રાખજે કે મારા કટ્ટા વેરીનો એ પુત્ર છે તને લલચાવે નહિ?" (પૃ-૧૮૩)
સાંજ પડી છતાં 'કચ' આશ્રમમાં પાછો આવતો નથી. 'કચ' ની ચિંતામાં કરતી દેવયાનીને ગંભીરતાથી એના પિતા કહે છે "હવે એ ગયો એટલે તું છૂટી." કચને યાદ કરીને રડતી દેવયાનીને તે સમજાવે છે. દાનવોએ કચની કચ્ચરો કરી સોમરસની સાથે તેને 'શુક્રચાર્ય' ના પેટમાં પહોંચાડી દીધો છે.
'શુક્રચાર્ય' આ વાત જાણે છે 'સંજીવની' વિદ્યા થકી તેને સજીવન પણ કરી શકાય છે પરંતુ તેમ કરવા જતાં કચ શુક્રાચાર્યનું પેટ ચીરી બહાર આવે અને પરિણામે તે પોતે માર્યો જાય! એટલે 'દેવયાની' નો કચને જીવતો કરવાનો અતિ આગ્રહ છતાં શુક્રાચાર્ય 'ના' કહી દે છે. પરંતુ એક પ્રેમિકાનું મન માનતું નથી. આજે શુક્રાચાર્યની સામે પ્રેમિકાના રૂપમાં પોતાની પુત્રી ઊભી છે અને તે આત્મહત્યાની ધમકી પોતાના પિતાને આપે છે. પુત્રીની આગળ એક પિતા નમતું જોખી તે કચને સજીવન કરે છે.
'કચ' સજીવન થાય છે પછી 'દેવયાની' તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. 'કચ' તેને પત્ની તરીકે પોતાની સાથે સ્વર્ગમાં લઇ જવા તૈયાર થાય છે. પરંતુ 'પુત્ર સમોવડી' દેવયાની પિતાનું ઘર છોડવા માંગતી નથી. એ 'કચ' ને અહી જ રહી જવાનો આગ્રહ કરે છે, પરંતુ તે માનતો નથી. 'દેવયાની' ત્યારે તેનો તિરસ્કાર કરવાનું શરૂ કરે છે અને શુક્રાચાર્ય તેને પોતાની "વિદ્યા ને પુત્રી બે ચોરવા" ના અપરાધ બદલ શાપ આપે છે : "ચોરેલી વિદ્યા તને કદાપિ ફળશે નહિ" (પૃ-૨૦૧)
'દેવયાની', 'ઇન્દ્ર' ને હરાવવા માટે માનવસૈન્યની મદદ મળે તે માટે, માનવરાજ 'યયાતિ' સાથે રાજકીય લગ્ન કરવા માટે અચાનક તૈયાર બની જાય છે. દેવયાની 'યયાતિ' સાથે પરણ્યા પછી પતિના ગૃહે 'પંદર વર્ષ' સુધી રહે છે !
'દેવયાની' 'વૃષપર્વા' પુત્રી 'શર્મિષ્ઠા' ને "બહેન જેમ એને રાખીશ", કહી પોતાની સાથે સાસરે લઇ આવી છે. છતાં, દેવયાની તેને પોતાની સાથે રાજમહેલમાં ન રાખતાં રાજોઉધાનને એક ખૂણે આવેલી 'ઝૂંપડી' મા રાખે છે. 'શર્મિષ્ઠા' ને પોતાની 'બહેન જેમ' ગણતી હોવા છતાં પણ તેને ભૂલી ગઇ છે; કેમ કે તે શું કરે છે? તે કોને ક્યારે પરણી છે? તેનું ગુજરાન શી રીતે ચાલે છે? વગેરે વિશે કદી કશું પૂછતી નથી. રાજોઉધાનમાં ઝૂંપડી આગળ રમતાં પૂરુને જોઇ. 'દેવયાની' તેને 'અમાવાસ્યાની બહેન' જેવી 'શર્મિષ્ઠાના છોકરા પુરુ' તરીકે ઓળખી કાઢે છે. (પૃ-૨૨૦) પણ શર્મિષ્ઠાને એ છોકરો કોનાથી થયો હશે. તે બાબત કશું જાણવા માટે તેણે ક્યારેય પ્રયત્ન કર્યો નથી.
જયારે 'દેવયાની' ને ખબર પડે છે કે યયાતિ શર્મિષ્ઠા સાથે ગુપ્ત પ્રેમસંબંધ ધરાવે છે અને તેનાથી જ 'શર્મિષ્ઠાને' 'અનુ', 'પુરુ' અને 'દ્રુહ્યુ' જેવા પુત્ર જન્મ્યા છે. ત્યારે તે કોપથી પ્રજવળી ઊઠે છે. ત્યારે તે 'શર્મિષ્ઠા' ને કહે છે: "નીચ મારા અનહદ ઉપકારો વીસરી બીજું કંઇ ન સૂઝયું તે મારો પતિ ચોર્યો !" (પૃ-૨૨૧) શુક્રાચાર્યથી પણ પોતાની પુત્રીનું આ દુ:ખ જોવાતું નથી. પોતાની પુત્રીના આદેશ અનુસાર તેઓ 'યયાતિ' ને તુરત જ શાપ આપી દે છે : 'યયાતિ' સ્ત્રીને દગો દેનારને કર્મે સુખ નથી જ; મારો શાપ છે કે વૃધ્ધને જર્જરિત બની જગતને ભારે પડ’ (એજન પૃ-૨૨૩)
આ શાપથી યયાતિ ખૂબ જ દુ:ખી થાય છે. કેમકે હજી એણે યુધ્ધ જીતવાનું બાકી છે. ત્યારે એ શુક્રાચાર્ય પાસે ઉપાય માંગે છે. ત્યાં જ 'દેવયાની' પણ પોતાના પિતાને 'યયાતિ' ને જુવાન કરવાનું કહે છે "વૃધ્ધ યયાતિ હવે સ્વર્ગે કેમ જીતશે? હાય, હાય બાપુ એને હવે જુવાન કરવા પડશે?" (પૃ-૨૨૪) કેમકે આમાં 'દેવયાની' નો સ્વાર્થ છુપાયેલ છે; યયાતિ અને સૈન્ય વગર દેવયાની યુધ્ધ જીતી શકે એમ નથી.
શુક્રાચાર્ય અંતે યયાતિને એક ઉપાય કહે છે કે "જા તારા પુત્રોને પૂછ કોઇ સંપૂર્ણ સ્વેચ્છાથી તે લેવા તૈયાર છે? હોય તો તું તેને આપી શકશે" (પૃ-૨૨૬) રાજા અને દેવયાનીના પુત્રો પોતાની જુવાની આપવાની ના કહે છે. આખરે શર્મિષ્ઠા કે જેની સાથે રાજા (યયાતિ) ના અનૈતિક સંબંધો હતા. એનો પુત્ર 'પુરુ' પોતાની યુવાની આપવા સ્વેચ્છાએ તૈયારી બતાવે છે.
પાંચમા અંકને અંતે 'ઇન્દ્ર' દ્વારા થતો યયાતિનો અણધાર્યો અને સદ્ય પરાજય તેમજ તેનું છઠ્ઠા અંકના આરંભમાં જોવા મળતું પાતાળખીણમાંનું અદ્ય:પતન ખૂબ સુંદર નાટયકાર મુનશીએ ગોઠવી કાઢેલ જણાય છે.
નાટકના અંતે 'દેવયાની' ને 'ઇન્દ્ર' પોતાની સાથે સ્વર્ગમાં રહેવા માટે ખૂબ વિનંતી કરે છે. પરંતુ તે પોતાના પિતા શુક્રાચાર્યને છોડીને જવાનું ના કહે છે. એ પોતાના પતિ 'યયાતિ' સાથે પણ નથી જતી અને ત્યારે દેવયાની કહે છે : "મારું સ્થાન નથી આ અધમને ત્યાં, ને નથી તેના ઉદ્ધારકને ત્યાં; કવિની પુત્રીનું સ્થાન કવિની સાથે" (પૃ-૨૪૫)
અંતે દેવયાની પોતાના પિતાની સાથે જગદ્વિમોચનની યાત્રાએ નીકળી પડે છે. 'પુત્ર સમોવડી' માં એક બાજુ 'દેવયાની' ના પાત્ર દ્રારા પુરુષસમોવડી, સ્વતંત્ર, ઉગ્ર, તેજસ્વી, મહત્વાકાંક્ષીનારી વ્યકિતત્વની તારસ્વરે પ્રશસ્તિ વર્ણવાઇ છે.