SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
ઉત્તર ગુજરાતનાં વણકર સમાજના લગ્નગીતો
“ લોકગીત એટલે લોકોનાં મધુર કંઠેથી રાગ અને લય સાથે ગવાતું ગીત તે લોકગીત. “ લોકગીતો ક્યાંથી ઉતરી આવ્યાં ? એનાં રચયિતા કોણ ? એનો ઉદ્દભવ ક્યાંથી થયો ? વગેરે પ્રશ્નોના જવાબ આજ સુધી કોઇ જાણી શક્યું નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે લોકગીતો લોકોનાં કંઠમાંથી સીધા જ ઉતરી આવ્યા છે અને માનવના જન્મની સાથે લોકગીતોનો પણ ઉદ્દભવ થયો હશે તેમ કહી શકાય. આમેય માનવનાં જન્મથી માંડી મૃત્યુ સુધીનાં દરેક પ્રસંગો સાથે લોકગીત જોડાયેલુ, વણાયેલું છે. મેઘાણી પણ લોકગીતનાં ઉદ્દ્ભવ વિશે વાત કરતાં કહે છે “ જેનાં રચનારાઓએ કદી કાગળ અને લેખણ પકડ્યા નહિ હોય, એ રચનારાં કોણ તેની કોઇને ખબર જ નહિ હોય, અને પ્રેમાનંદ કે નરસિંહની પૂર્વે કેટલો કાળ વીંધીને એ સ્વરો ચાલ્યા આવે છે તેની ભાળ કોઇ નહી લઇ શક્યું હોય તેનું નામ લોકગીત “ [1] મેઘાણી કહે છે તે પ્રમાણે લોકગીતો તે પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે જમાને-જમાને પ્રદેશે-પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે. તો પશ્ચિમી વિદ્વાન રાલ્ફ વિલિયમ લોકગીત વિશે કહે છે “ A folk song is neither new or not old it is like a forest tree,with its root deeply burried in the past, but which continually puts forth new branches new leaves and new fruits “ [2]
( “ લોકગીત એ નવું પણ નથી અને જુનું પણ નથી. તેતો જંગલી વૃક્ષ જેવું છે, કે જેનાં મૂળીયા ભૂતકાળ સાથે જોડાયેલ હોવાં છતાં તેને સતત નવી શાખાઓ , નવી ડાળો ફુટે છે. તેમજ નવાં નવાં પર્ણો અને ફળફળાદી આવતાં રહે છે. “ )
આમ લોકગીતો પરિવર્તન સાથે નવીન ઢબે પ્રગટ થાય છે. તથા ભાવક સાથે અનુબંધ રીતે જળવાય છે. પરંતુ અહીં લગ્નગીતોની વાત કરવાની છે. તેથી લોકગીતોની વધારે ચર્ચા ન કરતાં લગ્ન ગીતોને જોવામાં આવશે.લોકગીતોમાં લગ્નગીતો બહુસંખ્યક પ્રમાણમાં જોવા મળે છે. લગ્ન સમયે ગવાતાં ગીતો તે લગ્નગીતો. ભારતીય સંસ્કૃતિમાં અને મુખ્યત્વે હિન્દુ ધર્મમાં લગ્નનું અનેરૂ અને આગવું મહત્વ છે. હિન્દુ ધર્મમાં લગ્ન એક પવિત્ર બંધન છે. જીવનનો સંસ્કાર છે. લગ્ન એટલે બે ભીન્ન ભીન્ન વ્યક્તિઓનું બે આત્માઓનું અગ્નિની સાક્ષીએ એક થવું અને જીવનભર એકમેકને સુખ: દુ:ખમાં સાથ આપવાનો કોલ લેવાય છે. લગ્ન એ માત્ર વર અને કન્યાને જ પવિત્ર બંધનમાં નથી બાંધતા પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારને પણ એક સાથે બંધને બાંધી દે છે. જોડી દે છે. લગ્નનાં આગળના દિવસથી માંડીને વિદાય સુધી ઘરનું વાતાવરણ આનંદ ઉલ્લાસથી હર્ય-ભર્યુ બની રહે છે. લગ્નની દરેક વિધિ પ્રમાણે તેનાં લગ્નગીતો પણ જુદા-જુદા જોવા મળે છે.
અહીં પ્રસ્તુત લગ્નગીતો તે ઉત્તર ગુજરાતનાં પાટણ,મહેસાણા પંથકના આસપાસનાં વિસ્તારોમાં વણકર જ્ઞાતિના લગ્ન પ્રસંગે ગવાતા લગ્નગીતો છે. તેને ચોક્કસ વિધિ-વિધાનુસાર ગોઠવીને તેને સંદર્ભ અભિવ્યક્તિની દ્રષ્ટ્રીએ ચકાસવાનો મારો ઉપક્રમ છે.
“ કૂવાને પાવઠડે [1] લીલી લેબુડી રે , લેબુ વળગ્યા લચકા ને લોળે કે ,
આ શી રૂડી લેબુડી રે
હસુવીરા લેબુડા બે ચૂસો તમારા મખડો[2] માં અમી રે શે રે
અમી રે શે રે કમળામાંની કૂખ, કૂખે કુંવર જન્મ્યા રે “
૨) સાંજીના ગીતો :-
સાંજીના ગીતો ગાવાની અનોખી પરંપરા છે. સાંજીના ગીતો એટલે સાંજે ગવાતા ગીતો સાંજીના ગીતો લગ્ન લખાયા પછી ગવાય છે. આ ગીતો મુખ્યત્વે સાંજ ઢળતી વખતે ગવાતા હોવાથી તેને સાંજીના ગીતો કહે છે.
“ લીલી રે વાડીમાં લીલુડો આંબલો રે,
ત્યાં રે કોયલડીનો વાસ,કોયલ બોલે રે
૩) લગ્ન વધાવતી વખતેના ગીતો :-
લગ્ન લખાયા બાદ કન્યા પક્ષવાળા વરપક્ષના ધરે આવે છે. ત્યારબાદ વરને બાજવઠ પર બેસાડી તેને માતા, કાકી, બહેન, તથા સગા-સબંધીઓ કંકુનો ચાલ્લો કરી આશિષ આપે છે.
“હાથીદંતની મોચી[3] રે,મોચીએ તો રતન જ્ડયા
મોચીએ બેઠા હસુભાઇ રે, દાદાજી ન હરખ ઘણા,
દાદા મજલો ખોવાણો રે, સોનુ – રૂપુ દેજ ચડ ”
૪) તોરણ વધાતી વખતેના ગીતો :-
લગ્નની સાંજે જે ધરે લગ્ન પ્રસંગે ઉજવાતો હોય ત્યાં બ્રાહ્મણ આસોપાલવના તોરણ બાંધવા આવે છે. પછી માતા, કાકીઓ, ભાભીઓ, વગેરે એક પછી એક આવીને બ્રાહ્મણને ચાલ્લો કરી તેને ગોળ ખવડાવી દક્ષિણા આપે છે. ત્યાર બાદ બ્રાહ્મણ સગા-સંબંધીના ધરે જઇ આસોપાલવના તોરણ બાંધે છે.
“ હું તો થાળ ભરુ રે સેજે મોતીડા,
હું તો તોરણ વધાવવા જઇશ મારો,
સોના સરીખો સૂરજ ઉગીયો રે ”
૫) ગણેશ બેસાડવાનું ગીત :-
લગ્ન પ્રસંગમાં ગણેશજીને બેસાડવામાં આવે છે એટલે કે તેમની સ્થાપના કરવામાં આવે છે.તે સમયે ગવાતા ગીતો.......
“ ગણેશ ડુંડાણા[4] ગણપત સેજે સૂંઢાણા,
સમરી[5] સૂરજ કામળગારા રે
મારા ગણેશ ડુંડાણા ”
૬) માંડવાના ગીતો :-
કન્યાનાં ઘરે જાનના આગમન પૂર્વે મંડપ બાંધવામાં આવે છે. તે સમયે ગવાતાં ગીતો............
“ ઉંચો માંડવડો રોપાવો,
જીણી કાજળીએ શણગારો માણારાજ,
તેમનાં માતાને બોલાવો,
તેમનાં પિતાને બોલાવો માણારાજ,
લાડે કોડે દિકરી પરણાવો માણારાજ. “
૭) પીઠી ચોળતી વખતેનું ગીત :-
પીઠીને શુભ શુકન માનવામાં આવે છે. તેથી લગ્નનાં દિવસે વર અને કન્યાને પીઠી ચોળવામાં આવે છે. તે સમયે ઘરની સ્ત્રીઓ વર વહૂ ને પીઠી ચોળતી વખતે આવા મીઠા મધુરા ગીતો ગાય છે.
“ પીઠી પીઠી ચોળો રે, પીતરાણી રે,
હાથ પગ ચોળે રે, વરની ભાભી રે. “
૮) વરને પોંખતી વખતેનાં ગીતો :-
વર જ્યારે કન્યાના ઘરે જાન લઇને આવે છે ત્યારે મંડપમાં જતાં પૂર્વે વરને કન્યાની માતા કે ભાભી દ્વારા પોંખવાની વિધિ કરવામાં આવે છે.
“ સીતાને તોરણ રામ પધારિઆ રે,
રામ પધારિઆને મોતીડે વધાવીઆ. “
૯) ચોરી ફેરાનું ગીત :-
વર અને વહુ મંડપમાં લગ્નની વિધિ દરમ્યાન અગ્નિની સાક્ષીએ ચોરીના ફેરા ફરે છે. તે સમયે ગવાતું ગીત.......
“ પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ શેના તે દાન અપાય રે,
પહેલે મંગળ સોનાના દાન અપાય રે. “
૧૦) ફટાણાં :-
ફટાણાં ગાવાની પણ દરેક સમાજમાં એક આગવી મજા છે. વર જ્યારે મંડપમાં પ્રવેશે છે. ત્યારે કન્યાપક્ષવાળા મોટે મોટેથી વરને ગાળો ગાય છે. આ ગાળો તે હાસ્યથી ભરપુર ભરેલી હોય છે. જેમકે
“ વરને ઉઘટડ ગડાવો રે વર તો ઉંઘસ
વર ન કાગડા એટલા કાકા રે, વર તો ઉંઘસ,
વરન સમરી[6] એટલી માસી રે, વર તો ઉંઘસ.”
૧૧) મામેરાનાં ગીતો :-
વર-વહુ પરણી ઉઠ્યા બાદ મોસાળપક્ષ તરફથી મામેરૂ ભરાય છે. મામેરૂ ભરાવતી વખતે સમાજનાં માણસો અને મામા મોરિયાનાં સગાઓને ભેગા કરવામાં આવે છે. અને તુરંત મામેરાની વિધિ ભરાય છે. મામેરામાં મોસાળ તરફથી કન્યા અને માતા માટે લાવેલ ભેટ સોગાદોને મુલવવામાં આવે છે. અને ત્યારબાદ કન્યાની માતા પોતાનાં ભાઇને માથે કંકુનો ચાંલ્લો કરી પ્રસંગમાં હાજરી આપી તે માટે આર્શિવચન ઉચ્ચારે છે.
“ માડીનાં ચાંદલિયો[7] ઉગ્યો, ન હરણો[8] આથમ્યો રે,
માડીનાં ચોરે લગી જોઉં, તમારી વાટ રે ,
મામેરો વેળા વટી જાશે રે.”
૧૨) કન્યા વિદાયનાં ગીતો :-
કન્યાને વિદાય કરતી વખતે ગવાતાં ગીતો..........
“ સીતા રોઇ રોઇ ભરીયા તળાવ રે,
સીતા ચાલ્યા સાસરે. “
“ મો’લો[9] માંથી ઉડણ ચકલી ઉડી જાશે રે,
એવા રૂડા માતાજીનાં હેત મેલી,
બેની ચાલ્યા સાસરે રે.”
૧૩) જાનને મુકીને આવતી વખતે ગવાતું ગીત :-
કન્યાને મુકીને વળતી વખતે એટલે કે ઘેર પાછા ફરતી વખતે ગવાતું ગીત
“ લીલી પીળી પાંખનું પારેવડું રે,
જઇ બેઠું રાજ દરબાર પારેવડું કોને ઉડાડ્યું રે,
લીલી પાંખનાં કમલેશભાઇ રે,
હાથોમાં લાલ ગુલાબ પારેવડું એમણે ઉડાડ્યું રે. “
૧૪) વહુને પોંખતી વખતેનું ગીત :-
કન્યા જ્યારે પરણીને સાસરે આવે છે ત્યારે ઘરનાં ઝાંપે પોંખવામાં આવે છે.
“ ચડ લાડી[10] ચડ લાડી દેખાડું તારુ સાસરુ,
જોણે રજપૂતોનો વાહો[11] એવું તારૂ સાસરુ. “
આમ પ્રસ્તુત ગીતો તે વણકર સમાજનાં લગ્ન પ્રસંગે ગવાતાં ગીતો છે. આ ગીતો અન્ય પ્રદેશમાં કે સમાજમાં પણ ગવાતા હશે. થોડે અંશે તેમાં ભિન્નતા પણ હશે પરંતુ ગીતમાં રહેલો તેનો ભાવ અભિવ્યક્તિ એવીને એવી જ રહે છે. તેમાં કોઇ ફેરફાર થતો નથી. બીજુ કે અત્યારે આધુનિક સમયમાં લોકોનાં કંઠે ગવાતાં આ “ગાણાં” ઓછા જોવા મળે છે. કારણ કે ઢોલ નગારા સાથે ગવાતાં આ “ગાણાં” નો યુગ અસ્ત થયો છે તેને સ્થાને ડી..જે ઓરકેસ્ટ્રાએ ધુમ ધડાકા સાથે ગવાતાં ગીતોનો જમાનો આવ્યો છે. એટલે આવા ગીતો તે ભાગ્યે જ કોઇ જગ્યાએ ગવાય છે. અથવા તો સાંભળવા મળે છે. બીજુ કે ભદ્ર સમાજ આધુનિકતાના રંગે રંગાયેલો હોવાના કારણે તે આવા “ગાણાં” ગાવામાં શરમ સંકોચ અનુભવે છે. જેથી કરીને આ ગાણાં તે લુપ્ત થવાનાં આરે છે. એટલે જેમ બને તેમ વહેલાસર આ ગાણાને સંગ્રહી લેવા , સાબતા કરી લેવા તે જરૂરી છે.
શબ્દાર્થ :-
******************************
મકવાણા નમ્રતા કાંતીલાલ
( M.PHIL, NET,(JRF) PH.D CONT)
નવાવાસ, વણકરવાસ,
તા. સિધ્ધપુર જી.પાટણ. ( ઉ.ગુ )
પિન : ૩૮૪૧૫૧ મો. ૯૫૫૮૨૯૬૬૬૫
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel