SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
ફરજ અને ગરજની કથા – ‘ધર્મયુદ્ધ’
લેખક- ડૉ. કેશુભાઈ દેસાઈ
લેખકશ્રી કેશુભાઈ દેસાઈ જેને પોતાની ફરજ અને ગરજની કથા તરીકે ઓળખાવે છે એ ધર્મયુદ્ધ નવલકથા ગુજરાતનાં કોમી રમખાણો બાદ લેખકના મનમાં ઉદભવેલાં માનસિક સંચલનોની ગાથા છે. કોમી રમખાણોના એ ગોઝારા દિવસો દરમિયાન જ આ કૃતિનું લેખનકાર્ય શરૂ થયેલું લેખક જણાવે છે. આ નવલકથાના કથાનકમાં રહેલા ડૉક્ટરબાપુના પાત્રમાં આપણને લેખકનો પોતાનો ચહેરો વરતાયો છે. ડૉક્ટરબાપુના કલ્પિત પાત્રને લેખકે એમના જ વૈચારિક વાઘા પહેરાવ્યા છે, એમ તેઓ કબૂલે છે. ‘ધર્મયુદ્ધ’ ના ખરા લડવૈયા પણ આ ડૉક્ટરબાપુ જ છે. એના સ્પષ્ટીકરણ અર્થે આપણે એકવીસમા પ્રકરણમાં સમાવિષ્ટ પરિચ્છેદ તરફ નજર કરીએ : “ ભીતર ને ભીતર એક યુદ્ધ ખેલાવા માંડ્યું હતું. પોતે પોતાની જ સામે ભિડાઈ ગયા હતા. એક તરફ એમનામાં પાંગરેલો ધૃતરાષ્ટ્ર હતો, આંધળો ભીંત. ને સામે હરહંમેશ ધર્મનો પક્ષ લઈ કૂદી પડનારો કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર અને કૃષ્ણની લડાઈમાં કોણ જીતતું હતું અને કોણ હારતું હતું એનો અંદાજ મેળવવો અઘરો હતો. બિલકીસ ગાંધારી પણ હતી અને રાધા પણ. એ ધૃતરાષ્ટ્રને ઉશ્કેરી શકતી હતી એમ કૃષ્ણને પિગાળી પણ જાણતી હતી. એક જુદી જ ભાતનું યુદ્ધ ખેલાતું રહેતું. અંદર ને અંદર.” પૃષ્ઠ ૧૪૯
જે ડૉક્ટરબાપુ એક ઘરડા મહારાજને બાદ કરતાં કોઈનીય સામે બિલકીસના બાળકની અસલી ઓળખ પ્રગટ નથી કરતા, બલકે ખુદ સ્વામી સમક્ષ પણ એનાં મા-બાપનું રહસ્યોદઘાટન કરતાં ખચકાય છે, એ જ છેલ્લે આશ્રમ તરફ જયઘોષ સાથે ધસી આવેલા ટોળાની બોલતી બંધ કરવા સારુ ગીતાના સોગંદ ખાઈને સત્ય છતું કરે છે ત્યારે એ જીવ ખરેખર કેટલો વલોવાઈ ગયો હશે !
પોતે હિન્દુ હોવાનું એમને ગૌરવ છે. પણ હિન્દુ હેવાન બની જાય એ વાત જ એમના ગળે નથી ઊતરી શકતી. તંદ્રાવસ્થામાં એમને બિલકીસના પિતા અને વર્ષો પહેલાં શહેરમાં દવાખાનું ખોલવામાં મદદરૂપ બનનાર જાણીતા મુસ્લિમ અગ્રણીની જંજાળ આવે છે. યુસૂફમિયાં તો ત્રીસ વર્ષ પહેલાંના અનુગોધરા પ્રકારના કોમી દાવાનળમાં હોમાઈ ગયા છે. પણ એમના દૌહિત્રને પોતે દીકરાની જેમ સંપૂર્ણ ભગવા સંસ્કારોમાં ઉછેર્યા પછી ઓચિંતો જ એક ગોઝારી સાંજે નગરશેઠના પરિવારની યાત્રાળુ બસ સળગાવી મૂક્યાના સમાચાર મળતાં કોમી દાવાનળ ભડકે છે. એ જ વેળાએ આશ્રમમાં ચાલતી કથામાં જ સ્વામીને મોબાઈલ પર સમાચાર મળે છે ને તેઓ હાથમાં નગ્ન તલવાર લઈને આશ્રમના જ અધિષ્ઠાતા ઘરડા મહારાજે વસાવેલી મુસ્લિમ વસાહતને પળવારમાં જ રાખના ઢગમાં ફેરવી દે છે. ડૉક્ટરબાપુ અને ઘરડા મહારાજ બેઉ અકથ્ય વેદના અનુભવે છે. સ્થિતપ્રજ્ઞ બલકે પરમહંસ દશાને પામેલા બીમાર અને બિસ્માર વૃદ્ધ તાપસની અકળામણ જોઈ વર્ષોથી અંતર્મુખ બની કર્મયોગી જેવી સાધના કરનારા પ્રતિનાયકના પાલક પિતા ડૉક્ટરબાપુ અક્ષરશ: હચમચી જાય છે. ઘરડા મહારાજની તહેનાતમાં રાતભર ઉજાગરો કરી બેસી રહેલા ડૉક્ટરબાપુને વહેલી પરોઢવેળાએ ઝપકી આવી જાય છે, પછી તંદ્રાવસ્થામાં જે જંજાળની ઘટમાળ ચાલું થાય છે – એમાં ક્યારેક એમને યાત્રાળુ ટ્રેનમાં કોમવાદી તત્વો દ્વારા આગ લગાડાતાં સળગી મૂએલી પ્રેમાળ અને ઉદારરચિત જીવનસંગિની દેખાય છે, ક્યારેક પ્રચ્છન્ન પ્રેમિકા સમી બિલકીસ મુખોમુખ થઈ ઊઠે છે, તો ક્યારેક યુસૂફમિયાં તાદ્રશ થઈ જાય છે. યુસૂફમિયાં એક કઠે એવું વિધાન કરી બેસે છે. “ આટલી ક્રૂરતા તમારા હિન્દુ લોહીમાં આવી ક્યાંથી ? મને તો પાક્કો વહેમ છે જરૂર બ્લડ બદલાઈ ગયું હોવું જોઈએ.”પૃષ્ઠ ૧૫૦ ડૉક્ટરબાપુ ઊંઘમાં ને ઊંઘમાં ત્રાડ નાખે છે : ‘ તમે ઉત્સાહમાં ને ઉત્સાહ શું બોલી નાખો છો, કંઈ ભાન છે ?’ પછી પોતાની જ ત્રાડથી ઝબકી પડેલા ડૉક્ટરબાપુ કઠોર વાસ્તવનું વિવરણ કરતાં કહે છે કે, “ છાતીના થડકારા હેઠા બેઠા ત્યાં ડૉક્ટરબાપુની આંખો સામે સ્વામી ખડા થઈ ગયા. બ્લડ બદલાયું નહોતું તો બીજું શું હતું ? એમના મનથી એ એકવીસમી સદીના ઉગ્ર હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. હકિકત એથી તદ્દન જુદી નહોતી ? એમને એમનામાં અસલી મા-બાપનાં ફક્ત નામ જ આપવાની જરૂર હતી કે બીજું કંઈ ? યુસૂફમિયાંને ક્યાં ખબર હતી કે એમનો લાડકો ભાણેજ પૃથ્વીને નક્ષત્રી કરવા મેદાને પડેલા પરશુરામની જેમ હિન્દુસ્તાનની સરજમીન પરથી ઇસ્લામનો એકડો કાઢી નાખવા કૃતસંકલ્પ હતો !”(એજન)
લેખકે ‘ધર્મયુદ્ધ’ ને તેમની બીજી નવલ ‘ઊધઈ’નું જ ઉત્તરાલેખન ગણાવ્યું છે. ફરક એટલો જ હતો કે ‘ઊધઈ’ માં હિન્દુ ડૉક્ટરો ખલનાયકના પાત્રમાં હતા જ્યારે આ નવલમાં હિન્દુ ડૉક્ટર (બાપુ) જ નાયક બની જાય છે. સ્વામી અને ઘરડા મહારાજ અનુક્રમે પ્રતિનાયક અને ચરિત્રનાયકના પાત્રમાં રહે છે. આશ્રમના પરિસરથી કથાનો આરંભ થાય છે. નિત્યક્રમ મુજબ માનસકથા ચાલુ હોય છે એ જ વખતે સ્વામીનો મોબાઈલ રણકે છે. એ સાંભળી શ્રોતાવર્ગ અચંબામાં પડી જાય છે. સામાન્ય રીતે ચાલુ કથાએ સ્વામીજી મોબાઈલની સ્વીચ બંધ રાખતા એ બાબત શ્રોતાઓ જાણતા હતા. આમ અધવચ્ચે કથા છોડીને ઊભા થઈ ગયા હોય એવો તો આ પહેલો જ પ્રસંગ હતો. થોડીવાર બાદ એ જ સ્વામી ‘જય ભવાની ! જય મહાકાલ’ ના ઘોષ સાથે એક હાથમાં સળગતી મશાલ અને બીજા હાથમાં નગ્ન શમશેર લઈ બહાર આવ્યા. એમનું આવું રૌદ્ર સ્વરૂપ તો કોઈએ કલ્પ્યું જ નહોતું. નક્કી કંઈક બનવાજોગ બન્યું હશે ને એટલે જ કંઈ જ પૂછપરછ વિના સમગ્ર જનમેદની સ્વામીની પાછળ ગોઠવાઈ જાય છે. સમાચાર એવા હતા કે નીલગીરી પંથકના કબીરનગરના મુસલમાનોએ ગામની નગરશેઠની યાત્રાળુ બસને આંતરી હતી, અને ઘડીભરમાં સિત્તેર જેટલી લાશો ખડકાવી દીધી હતી. બસ, આટલા જ વાવડને જાણી સ્વામી સમગ્ર શ્રોતાઓ સાથે કબીરનગર પર તૂટી પડવાના આશયથી નીકળી પડે છે. સ્વામીના હ્રદયમાં ઉગ્ર આક્રોશ ઉભરાઈ આવ્યો ને જોતજોતામાં આખીય કબીરનગરની વસાહતને સળગાવીને ભસ્મીભૂત કરી નાખી. આ ઘટના દરમિયાન પોલીસ નામનું પ્રાણી ક્યાંય નજરે ચડ્યું નહોતું. એ વખતના ભક્ષકોના ઉદગારો પણ હિંસાને પ્રેરતા જણાય છે : “ અરે, આ જાત તો અળસિયા જેવી. એના હજાર કટકા કરો ને ! તોય પાંગરતી રહેવાની.”પૃષ્ઠ ૫
સ્વામીના આવા કૃત્યના સમાચાર આશ્રમમાં પહોંચતાં જ સમગ્ર આશ્રમમાં સોંપો પડી ગયો હતો. ઘરડા મહારાજ અને ડૉક્ટરબાપુ અક્ષરશ: ડઘાઈ ગયા હતા. સ્વામીની આવી સંભવિત સમાચારના પગલે કરાયેલી જનહત્યા ઘણેઅંશે ગેરવ્યાજબી ગણાઈ. ઘરડા મહારાજના વલોપાતનો પાર નહોતો. એ વખતની આશ્રમની પરિસ્થિતિને વર્ણવતાં લેખક લખે છે કે, “ આશ્રમ કાળા ડિબાંગ અંધારામાં લપેટાઈ ગયો હતો. ચકલુંય બોલતું નહોતું. પવન જેવો પવન પણ પડી ગયો હતો. ઝાડવાં ઓશિયાળી વિધવાઓની જેમ સ્થિર થઈને ઊભાં હતાં. ભાંભરી ભાંભરીને પોતાની હાજરીની સતત નોંધ લેવડાવવા ટેવાયેલી ગવરી એની ગમાણમાં સડક થઈને ઊભી રહી હતી. સ્વામી ભડભડ બળતી મશાલ લઈને નીકળ્યા એ ક્ષણની બિહામણી છાપ એની કીકીઓનાં દર્પણમાં જડબેસલાક જડાઈ ગઈ હતી. એણે આજે પહેલી જ વાર એના વાછરડાને તરછોડ્યું હતું.”પૃષ્ઠ ૧૧ કબીરનગર સળગતી કબરમાં ફેરવાઈ ગયું હતું. નંદગિરિનાં નગરજનોને હજી સુધી અહિંસાના પૂજારી ગણાતા સ્વામીની તાંડવલીલાનું રહસ્ય સમજાતું નહોતું. લોકોના ઉગ્ર પ્રત્યાઘાતોમાં ક્યાંક સ્વામીને સહયોગ તો ક્યાંક તેમની ટીકા પણ વરતાતી હતી. દહેશતનાં વાદળો ઘેરાતાં ચાલ્યાં. ચોમેર અસલામતીનાં એંધાણ અનુભવાતાં હતાં. વિધર્મીઓના રાત્રી આક્રમણની દહેશતે કારમી ઘટનાની પહેલી રાતે ગામના લોકો શસ્ત્રો સાથે સુસજ્જ બની જાય છે. ગામના રક્ષણની યોજના ઘડાતી હતી ત્યાં જ સમાચાર આવે છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવાભાવી સંસ્થાના નેજા હેઠળ રક્તદાન કરવા ગયેલા એક યુવાનને મારી નાખીને હુમલાખોરોએ સીમના કૂવામાં ફેંકી દીધો છે. ને પછી આખું ગામ એ તરફ દોડી જાય છે. આવા અપકૃત્યના પ્રત્યાઘાત રૂપે અનેક ઉગ્ર વાક્યો ડૉક્ટરબાપુને સાંભળવાં પડે છે. એના મૂળમાં ડૉક્ટરબાપુનો પાલકપિતા તરીકેનો મોભો જવાબદાર ઠરે છે.
ડૉક્ટરબાપુ છેલ્લા ત્રણ દાયકાથી આશ્રમની સેવામાં કાર્યરત છે. આમ તો એ પહેલાં તેઓ શહેરના અમનબાગ વિસ્તારમાં ક્લિનિક ખોલનાર ડૉક્ટર અશોક પટેલ. ડૉક્ટરબાપુને ઘરડા મહારાજની કુટિરમાં સેવા કરતાં કરતાં આખો ભૂતકાળ આંખો સમક્ષ તાદ્રશ થવા લાગે છે. શહેરના મજૂરવિસ્તારની છબિ તેમને તાજી થવા લાગે છે. ડૉ. અશોક પટેલની ઉપસ્થિતિમાં લેખકે પોતાની કલમે આલેખેલા એ વિસ્તારનું વર્ણન અદભૂત છે : “ ગંદકી અને ઘરાખીથી ખદબદતી દુકાનો, ઘોંઘાટ, કિચડ, ઊમસથી ઉભરાતી ગલીઓ. ઊભાં ઊભાં જાજરૂ કરી રહેલાં અસંસ્કારી ગંદાં-ગોબરાં બાળકો. કપાઈને કસાઈની દુકાનમાં લટકતાં એ કમનસીબ જાનવરો. કાગળના ડૂચાઓ પર ગુજારો કરતી ગાવડીઓ. હાડકાં ચગળતાં કૂતરાં. કાગારોળ મચાવી આખી બજાર માથે કરતા કાગડા. સ્થિતપ્રજ્ઞ યોગીની જેમ રસ્તા વચ્ચોવચ નિર્લેપ ભાવે ઊભેલાં ગધેડાં. પરસેવે રેબઝેબ રેંકડીઓ. કઢંગી રીતે, અડધા નાગા દેખાય એમ ગાદી પર બેઠેલા ધોતિયાધારી વેપારીઓ. શરમની મારી આડું જોઈને કરિયાણું ને છૂટક સિંગતેલ ખરીદતી ગૃહિણીઓ.”પૃષ્ઠ ૩૩
પોતાના જીવન દરમિયાન જોયેલી ભયંકર જાનહાનિએ તેમને આશ્રમના ડૉક્ટરબાપુ બનવા તરફ પ્રેર્યા છે. ડૉક્ટર અશોક પટેલને શહેરના સાવ સ્લમવિસ્તારમાં દવાખાનું ખોલવામાં સહયોગ આપનાર યુસૂફમિયાં હતા. અશોક પટેલ પણ પોતાના ક્લિનિક અને પત્ની રમીલાથી ખુશ હતા. પોતે ઘણી સ્ત્રીઓની સફળ પ્રસૂતિ કરનાર ડૉક્ટર હતા છતાં પોતાના ઘરે જ પારણું બંધાયું ન હતું. યુસૂફમિયાંનું ઘર પણ ડૉક્ટરની નજીક હતું. એ જ વખતે કોમી રમખાણો ફાટી નીકળે છે, ને એમાં ડૉક્ટર પોતાની પત્ની રમીલાને ગુમાવી બેસે છે. વ્યથિત ડૉક્ટરને યુસૂફમિયાં આશ્વાસન આપે એટલામાં જ કેટલાક હિન્દુ યુવાનો તેમના ઘરને આગ ચાંપી દે છે. અને ભડકે બળતા ઘરમાં લોકોની આનાકાનીની પરવા કર્યા વિના કૂદી પડેલા ડૉક્ટર હિંમતબાજ સાબિત થાય છે. યુસૂફમિયાંની પત્ની કુદરતબાનો અને રમીલા વચ્ચે પણ સુઘડ સંબંધો હતા. તેમને શોએબ નામે દિકરો અને બિલકીસ નામે દીકરી હતી. બિલકીસને ડૉક્ટરની કાર્યપ્રણાલી પ્રત્યે માન હોય છે. ડૉક્ટરને પણ એ અલ્લ્ડ, તરંગી છોકરી પ્રત્યે કૂણી લાગણી હતી. વળી, બિલકીસના નિકાહ જ્યારે અબ્દુલ નામના યુવાન સાથે થાય છે ત્યારે પણ ડૉક્ટર ખડે પગે પીરજાદા પરિવારને મદદરૂપ બને છે. અબ્દુલથી બિલકીસ સગર્ભા બને છે એવામાં જ આવી કારમી ઘટના બને છે. બિલકીસના ઘરમાં હુમલાખોરોએ લગાવેલી આગમાં ડૉક્ટર કોઈ પણ જાતની પરવા કર્યા વિના કૂદી પડે છે. ઘરના સભ્યો આગની લપેટમાં બળીને ભડથું થઈ ગયેલા જણાય છે. પરંતુ આગમાં બચી ગયેલી બિલકીસને તેઓ મહામહેનતે બચાવી લે છે. પોતાની નાતવાળા બચી ગયેલી બિલકીસ પર ફરી હુમલો કરે છે પણ ડૉક્ટર એને બચાવે છે. થોડા દિવસ બાદ બિલકીસ એક નાનકડો જીવ ડૉક્ટરના ચરણે ધરી આ ફાની દુનિયાથી વિદાય લે છે. વળી બિલકીસના વચન પ્રમાણે ડૉક્ટર એ છોકરાને હિન્દુનું નામ આપી તેનું લાલન-પાલન કરે છે. અને એ જ યુવાન આલોક પિતાના માર્ગે ચાલીને આશ્રમમાં તાપસ બનીને ઉચ્ચ નામના મેળવે છે. બિલકીસના ગર્ભમાંથી અવતરેલો એ કૂમળો જીવ એટલે આ જ સ્વામી. કે જેણે આજે હિંસાનો માર્ગ અપનાવી સમગ્ર કબીરનગરને રાખમાં ફેરવી દીધું.
કથાના અંત તરફ નજર કરીએ તો એક ટોળું આશ્રમ તરફ ધસી આવતું હોય છે. તો આ બાજુ આશ્રમવાસીઓના સંરક્ષણ માટે રક્ષકો ગોઠવાઈ ગયા છે. બાપુના ત્રીસ વર્ષ પહેલાંના ઇતિહાસનું પુનરાવર્તન થતું જણાયું. આજે જે ટોળું સ્વામીના સમર્થન માટે અહીં ધસી આવ્યું છે એ ટોળા સમક્ષ ડૉક્ટરબાપુ સોગંદ ખાઈને કહે છે કે, “ હું ગીતાજીના સોગંદ ખાઈને કહેવા માગું છું કે જેની પાછળ તમે કબીરનગરને બલકે આખા ગામને ખુવાર કરી દીધું એ સ્વામી રામતીર્થ મુસ્લિમ માતા-પિતાનું અનાથ બાળક હતો, જેને મેં હિન્દુ તરીકે ઉછેરવાનું પાપ કર્યું !”પૃષ્ઠ ૧૬૨ પરંતુ પોતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું કહી સમગ્ર ટોળું બાપુની વાતને અવગણીને સ્વામીનો જયઘોષ કરતું આગળ વધે છે. એવામાં જ ઘરડા મહારાજ દેવલોક પામ્યા છે એવા સમાચાર મળતાં ડૉક્ટરબાપુ તેમની કુટિર તરફ પ્રયાણ કરે છે અને ટોળું શાંત બનીને વિખરાઈ જાય છે.
સૂર્યોદય થવાની રાહ જોવાતી હતી. ઘરડા બાપુને ક્યાં સમાધિ આપવી એ વિશે ડૉક્ટરબાપુ વિચારી રહયા હતા. લોકોની આંખો બોલી હતી કે ‘ સ્વામીની રાહ નથી જોવી ? ને એ જ સમયે આશ્રમનો ફોન અમંગળ સમાચાર રેલાવી ગયો . . . . “ કોઈ એક સ્વામી રામતીર્થ નામના યુવાન સાધુની લાશ મળી છે વગડામાંથી. ગઈકાલે થયેલી ભીષણ દુર્ઘટનાના સ્થળ નજીક...”પૃષ્ઠ ૧૬૩ સહુ કોઈના મોં પર પોલીસે આપેલી એ બાતમી અસર જણાતી નથી. કુકર્મનો બદલો ગણીને અવગણી દે છે. અને ડૉક્ટરબાપુ ઘરડા મહારાજના ચરણો પાસે મસ્તક મૂકી બેસી જાય છે, અને નવલકથા પૂર્ણ થાય છે.
લેખકે નવલકથાને પોતાની વ્યથાકથા કહીને આપણી સમક્ષ મૂકી છે. કોમી રમખાણોના પ્રત્યાઘાત રૂપી આ કથા ખરેખર કથાવસ્તુ, પાત્રો, વર્ણનો અને ભાષાશૈલી તથા પરિવેશની દ્રષ્ટિએ ઉત્તમ પૂરવાર થઈ છે. નવલકથાના નાયક ડૉક્ટરબાપુ, પ્રતિનાયક સ્વામી તથા ચરિત્રનાયક ઘરડા મહારાજનાં પાત્રો નવલકથાને મજબૂતી બક્ષે છે. તો સાથેસાથે બિલકીસ, રમીલા તથા મનોમંથનમાં વિહરતી નિહારીકા જેવાં સ્ત્રીપાત્રો પણ નવલકથાના કથાતંતુને સુંદર રીતે જોડી આપે એવાં રજૂ થયાં છે. પરંતુ સર્વે પાત્રોમાં ડૉક્ટરબાપુ જ સાચા અર્થમાં ‘ધર્મયુદ્ધ’ ના ખરા લડવૈયા બની રહે છે. વર્ણનોમાં પણ લેખકે પોતાની અનુભવશૈલી કામે લગાડી છે. આશ્રમનું વર્ણન હોય કે પછી શહેરના સ્લમવિસ્તારનું વર્ણન હોય, એ સર્વેમાં લેખકે પોતાની જાદૂઈ કલમ ચલાવી જાણી છે. તો વળી સંવાદોમાં પણ લેખક શ્રેષ્ઠ સાબિત થયા છે. નવલકથામાં જે-તે ઘટના કે સ્થળને રજૂ કરતા સંવાદોનાં કેટલાક ઉદાહરણ જોઈએ. “ સમાજ તો આરસી છે. આપણે લાખ છુપાવવા મથીએ. પણ એ આપણી સાચી છબી ઝડપીને જંપે. એકવાર ડાઘ લાગી ગયા પછી એ ધોવાતાં વર્ષો નીકળી જતાં હોય છે. ઘણીવાર તો એ પેઢીઓ લગી પજવતો રહે છે. સ્વામીએ આશ્રમની ઊજળી છબી પર પેઢીઓ લગી ન ધોવાય એવો ડાઘ પાડી દીધો હતો.” પૃષ્ઠ ૬૦ “ આ તો ઘાંચીની ઘાણી છે. બળદિયું બાપડું આંખો મીંચીને ચક્કર ચક્કર ફર્યા જ કરે, ફર્યા જ કરે. પછી ઘાંચી સાંજ પડ્યે ડાબલા ખોલે ત્યારે ખબર પડે કે ડગલુંય આગળ તો વધાયું જ નથી !” પૃષ્ઠ ૭૩ “ તમારી કુંડળીમાં પ્રિયજનોથી છેતરાવાનો યોગ પડ્યો હશે. પૂછી જોજો, ન મનાતું હોય તો કોઈ જાણકારને...” પૃષ્ઠ ૧૩૬
******************************
ડૉ. મનીષ બી. ચૌધરી
૯૨૬/૨ સેક્ટર ૭ સી, ગાંધીનગર – ૩૮૨૦૦૭
મો. ૯૬૬૨૫૨૭૫૯૭ ઇમેઇલ : mann_chaudhari@yahoo.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel