SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
વાયરસ
દૂરથી ફાસ્ટ ટ્રેનની વ્હીસલનો અવાજ બંધ બેડરૂમમાં પહોંચી આવ્યો.
વોટ્સ હેપન્ડ ?
ડૉક્ટર ડીસોઝાને સાડા સાત અક્ષર બોલતાં હાંફ ચડી આવી. જોકે આ પ્રશ્ન આજનો ન નહીં રોજનો હતો. છેલ્લાં એક વર્ષથી પૂછાતો હતો અને એનો કોઈ ઉત્તર ન હતો. ડૉક્ટર ડીસોઝા એટલે કે પીટર ડીસોઝા અંધારામાં તાકી રહ્યા. હાંફતાં ફેફસાંમાંથી ફેંકાતી હવાથી અલ્કાના કપાળ પર સરી આવેલી થોડી લટો હલતી હતી. અલ્કા જવાબ આપ્યા વગર પડી રહી. ડૉક્ટર ડીસોઝાએ પોતાનો મૂછો વગરનો ઉપલો આખો હોઠ મોંમા લઈ લીધો. થોડીવાર તે અલ્કાના રૂપાળા મોં સામે તાકી રહ્યા. સાવ આછાં અજવાળાંમાં છ બાય છના બેડ પર સુતેલી અલ્કાના સુડોળ દેહ પર નજર ફેરવી ડૉક્ટર ડીસોઝાએ સુંવાળા ઓશીકા પર કોણી ટેકવી અલ્કાના કાન પાસે હોઠ લાવી બોલ્યા –
અલ્કા, પ્લીઝ ટેલ મી. વોટ્સ પ્રોબ્લેમ ? ડુ યુ નો ઈટ્સ વેરી ટેરીફીક કંડીશન ફોર મી ?
અલ્કાની રૂપાળી આંખોના પોપચાં જરા ઉંચકાયા. જાણે હમણા કોઈ ચમત્કાર થશે, અલ્કા પહેલાની જેમ ખીલ ખીલ હસી પડી વિંટળાઈ વળશે એવું વિચારતા ડોક્ટર ડીસોઝાની રગોમાં વહેતા લોહીને ધક્કો વાગે તે પહેલા તો અલ્કાએ પોપચાં ઢાળી દીધાં. અલ્કાની કમાનાકાર ભ્રમર પર હળવેથી આંગળી ફેરવતાં ડોક્ટર ડીસોઝાના અવાજમાં કંપારી આવી ગઈ. અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળ કરી ડોક્ટર ડીસોઝા જડની જેમ પડેલી અલ્કાના હોઠને અડતાં બોલ્યા. –
અલ્કા માય ડીયર આમ જો. પ્લીઝ સે વોટ્સ ધ પ્રોબ્લેમ ? તને રાતે શું થઈ જાય છે ? આઈ કાન્ટ અંડરસ્ટેન્ડ. ડીયર તું પહેલા કેવી મસ્ત હતી. યુ નો તારી સાહિત્યની લેંગ્વેઝ્માં તમે શું કહો છો ? યા ! કલ કલ કરતાં ઝરણા જેવી. બટ મને એ સમજાતું નથી કે તને સડનલી શું થઈ ગયું છે ? તારામાં આટલો ચેન્જ કેમ આવી ગયો છે ? પ્લીઝ આજે ઓપનલી કહી દે. વી આર નોટ ઓન્લી હસબન્ડ વાઈફ. વી આર બેસ્ટ ફ્રેન્ડસ. શું હું તને ગમતો નથી ? મારી કોઈ હેબીટ ગમતી નથી ? આખર વાત શું છે ? મને તું જોઈએ. મારી સ્વીટ અલ્કા જોઈએ. માય વાઈફ માય લાઈફ ! પ્લીઝ, ટેલ મી....
ડોક્ટર ડીસોઝા પાસે શબ્દો ખૂટી પડ્યા. આનાથી વધુ અપીલીંગ લેંગ્વેઝ તેમને આવડતી ન હતી. જેટલું હતું એ બધું છેલ્લાં મહીનાઓમાં વાપરી નાખ્યું હતું. એમને ખબર હતી કે અલ્કા રીસાયેલી હોત તો કદાચ મનાવી લેત. પણ આ રીસ નહીં કંઈક બીજું જ હતું. અને શું હતું તે સ્ત્રીઓના ડૉક્ટર પીટર ડીસોઝાને મુદલેય સમજાતું ન હતું. ચાર દીવાલો વચ્ચે ગુંગળાતી રાતોનો ઉપાય તેમને જડતો ન હતો.
બેડરૂમનું અંધારું બફારાની જેમ ડૉક્ટર ડીસોઝાને અકળાવા લાગ્યું. વારંવાર મૂર્છામાં સરી જતા દર્દીને ઢંઢોળતા હોય તેમ અલ્કાને ઢંઢોળતા રહ્યા. અલ્કા અંગો જ નહીં પુરું શરીર સંકોચીને પડી રહી.
યુધ્ધ હારી ગયેલા સેનાપતિની જેમ ડોક્ટર ડીસોઝાએ અલ્કા પર નજર નાખી. એમની ગરદન ધીરેથી ઝુકી ગઈ. એ.સી.ના ફેનની આછી ઘરઘરાટી સિવાય અલ્કાના હળવે હળવે ચાલતા શ્વાસનો અવાજ ડૉક્ટર ડીસોઝાના બેડ પર વેરાતો રહ્યો. ડોક્ટરે પોતાની ખુલ્લી છાતી પર હાથ ફેરવ્યો. એ.સી.ના કારણે ઝડપથી સુકાઈ ગયેલા પરસેવાની ચીકાસ હથેળીમાં ચોટી ગઈ. ડોક્ટર ડીસોઝાએ જરા દાંત ભીંસ્યા. જોકે એમની જાણ બહાર ભીંસાઈ ગયા.. દવા ન ખાતા કોઈ હઠીલા દરદીને સમજાવવો તે પણ પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને ! તે પછી પણ એ દવા ન ખાય એના જેવી એક પીડા અનુભવી રહ્યા હતા ડૉક્ટર ડીસોઝા !
ડૉક્ટર ડીસોઝા એટલે ડૉક્ટર પીટર ડીસોઝા. ગાયનોકોલોજીસ્ટ. સ્ત્રીઓના શરીરશાસ્ત્રના નિષ્ણાંત. તેમાંય સ્ત્રીઓને થતા એવા રોગો અને એવા અંગો જેની જાહેરમાં ચર્ચા નથી થતી એના જાણકાર. એવા ડોક્ટર પોતાની પરી જેવી પત્નીના શરીરમાં બરાબરનાં ગુંચવાઈ ગયા છે. એક પુરૂષ તરીકેની પોતાની તમામ આવડતો અજમાવ્યા પછી હારી ગયેલા ડોક્ટર ડીસોઝાને હવે પોતાની ખૂબસૂરત પત્ની પર ધીમો ધીમો ગુસ્સો આવવા લાગ્યો હતો. ન પરખાય તેવા લક્ષણો ધરાવતા રોગના જંતુ જેવો ગુસ્સો !
આમ જુઓ તો ડૉક્ટર ડીસોઝાની કારકીદિ એમની ચામડી જેવી જ ઝગમગ ! પાંત્રીસ વર્ષે દાક્તરીમાં ખ્યાતિ મેળવી લીધી. બાપ- દાદાની સંપતિ વારસામાં મળેલી જ હતી. પણ એ બધુંય જેની સામે કંઈ જ નહીં તે એટલે અલ્કા ! કોઈ અકળ ચોઘડિયે બેય પરિચયમાં આવ્યા અને બહુ જલ્દી પતિ - પત્ની બની ગયા. અલ્કા એટલે કવિની ભાષામાં કુદરતે એને ઘડીને હાથ ધોઈ નાખ્યા હશે. ડૉક્ટર ડીસોઝા લગ્ન પછી અલ્કાના પતિ તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ અલ્કા સાથે જ્યારે પાર્ટીઓમાં જતા ત્યારે સંયમી પુરુષો પણ અલ્કાને જોયા વગર રહી શકતા નહી. એવી જ કોઈ પાર્ટીમાં ડૉક્ટર ડીસોઝાના એક મિત્રે પૂછી નાખેલું.- યાર ડીસોઝા અલ્કાએ તારામાં એવું શું જોયું ? ત્યારે ડૉક્ટર ડીસોઝા જવાબ આપે તે પહેલા આધેડવયના હાડકાંના ડૉક્ટર બોલી પડ્યા હતા - ડીસોઝા ગાયનોકોલોજીસ્ટ છે. સ્ત્રીઓને તો એ જ જાણી શકે ને ? કોઈ કામણ કર્યું હશે ! તે વખતે ડૉક્ટર ડીસોઝાએ સ્ત્રીઓના ટોળામાં અલગ પડી જતી અલ્કા પર નજર નાખી છાને ખૂણે ગર્વ અનુભવ્યો હતો.
જોકે ડીસોઝાને ગર્વ થાય એવી જ હતી અલ્કા ! એક તો ડૉક્ટર ડીસોઝાથી પુરો અર્ધો દાયકો પાછળ જન્મી હતી. મૂળ બંગાળી પરિવારમાં પેદા થયેલી અલ્કાની માતા પંજાબી હતી. એટલે બે પ્રદેશોનુ સાયુજ્ય તેના વ્યક્તિત્વમાં છલકાતું. અસ્સલ ભારતીય સ્ત્રીનો ચહેરો અને નમણાઈ ધરાવતી અલ્કા સંયુક્ત પરિવારમાં ઉછરી હતી. તે સાડી પહેરતી ત્યારે કોઈ કેમેરામેનને ક્લીક કરવાનું મન થાય એટલી હદે તેનો ચહેરો ફોટોજેનીક હતો. વળી અલ્કાના હાથમાં જાદુ હતો. તે જન્મજાત ચિત્રકાર હતી. મનની કલ્પનાઓને કેન્વાસ પર ઉતારતી ત્યારે ડૉક્ટર ડીસોઝા જોઈ જ રહેતા.
લગ્ન પછી પોતાની અદભૂત પત્નીને જોઈ ડૉક્ટર ડીસોઝાના હૈયામાં હેતનો હિલ્લોળ ચડતો. ભીની ભીની મોસમ જેવી સોહામણી અલ્કા હસતી ત્યારે તેના ડાબા ગાલમાં ગલ પડતો. અને એ ગલમાં ડોક્ટર ડીસોઝાનું આખુંય પેથોલોજી ડૂબાડૂબ થઈ જતું. લગ્નના શરુઆતના દિવસોમાં કોઈ રંગીન ક્ષણોમાં ભાવુક થઈ જતા ડૉક્ટર ડીસોઝા ખૂબ પ્રયત્ન કરતા તોય એવું કોઈ ગીત યાદ આવતું નહીં જેનાથી પોતાની સર્વાંગ સુંદર પત્નીના રૂપની તારીફ કરી શકાય. ક્વચિત યાદ આવી જાય તો એ ગાવાનું એમને ફાવતું નહી. અંદર કેટલુંય ધક ધક થતું, પણ પેથોલોજીની ભાષાથી ટેવાઈ ગયેલી તેમની જીભને કાવ્યરંગી શબ્દો જડતા નહીં. હા તેમના ટેરવાંમાં સળવળાટ વ્યાપી જતો. રક્તવાહિનીઓમાં લોહી રંગ બદલવા માંડતું. રાતના સમયે ડૉક્ટર ડીસોઝા કેટલુંય મથતા તોય તોય ધીરજ ધરી શકતા નહીં. ચામડીના બેલગામ અશ્વોનો રથ અલ્કાને કચડીને ધમધમાટ પસાર થઈ જતો. ઊડતી ધૂળના ગોટમાં જરા સ્તબ્ધ બની ગયેલી અલ્કા ડૉક્ટર ડીસોઝાના રતુમડા કપાળ પર ઉપસી આવેલી નસોને જોઈ રહેતી. બેડરૂમ ધૂંધળો ધૂંધળો લાગતો. એર ફ્રેશનરની સુગંધ થીજી જતી.
બેડરૂમના આગળના વળાંક પાસે રાખેલાં કૂંડાંમાં વાવેલાં છોડ પર બે વર્ષમાં ફૂલો ખીલી અને ખરી ગયાં. તોય ડૉક્ટર ખુશ અને અલ્કા પણ ખુશ !
પણ, એકાદ વર્ષથી ડૉક્ટર ડીસોઝાનું શરીરશાસ્ત્રનું જ્ઞાન ગુંચળું વળી રહ્યું છે. જાત જાતના રોગ લઈ આવતી સ્ત્રીઓને સાજી કરી દેતા ડૉક્ટર ડીસોઝા પોતાની સ્ત્રીના શરીરમાં બરાબરના અટવાયા છે. તે હંમેશની જેમ ક્લિનિક પર જાય છે. હંમેશની જેમ રાતે ઘેર આવે છે, ખાય છે, ટીવી જુવે છે, પોતાના કિમતી બેડ પર સુવા જાય છે તે પછી અટવાઈને ઊભા રહી જાય છે. જરા ફ્રેશ થઈને અલ્કા બેડ પર આવે છે અને ડોક્ટરની પરીક્ષા શરુ થઈ જાય છે. તેઓ કુદી પડે છે. પણ સઢ ખુલતા જ નથી. વહાણ હાલક ડોલક થાય છે પણ એક તસુય આગળ ખસતું નથી. ડૉક્ટર છેવટે અકળાય છે, અમળાય છે. કંટાળે છે. થાકે છે, નીરાશા સાથે ધીમા પગલે ટેરેસ પર જાય છે. ક્યારેક ક્યારેક સીગારેટ પીવાનો શોખ રાખતા ડૉક્ટર ડીસોઝાને હવે રાતે સીગારેટ વગર ચાલતું નથી. અને અલ્કાને હવે સીગારેટની વાસ અકળાવતી નથી.
ડૉક્ટરે જરા ઝુકીને અલ્કાના ગાલ પર પોતાનો સુંવાળો હાથ ફેરવ્યો. જાણે કોઈ અણગમતી ચીજ અડી ગઈ હોય તેમ અલ્કાનું આખુંય શરીર સંકોચાઈ ગયું. ડૉક્ટર ડીસોઝાએ ફરી હોઠ ભીડ્યા. આખરી દાવ ફેંકતા હોય તેમ બોલ્યા - અલ્કા આમ લાઈફ કેમ નીકળશે ડીયર ? તારા મનમાં શું ચાલે છે તે મને કહી દે. પ્લીઝ બીલીવ મી કે તું જે કહીશ તે હું કરીશ. તું પહેલા જેવી બનીજા. મારી ગુડિયા ! તને યાદ છે આપણે પહેલીવાર શીમલા ગયા હતા ત્યારે શું બન્યું હતુ ? એ હોટેલમાં રાતે પોલીસ આવી હતી. તને જોઈને પોલીસવાળાએ તને પૂછેલું.,મેડમ તમે ફિલ્મોમાં કામ કરો છો ?..............
ડોક્ટર ખાસ્સું મથ્યા તોય અલ્કા એમ જ પડી રહી. જાણે કોઈ મડદું પડ્યું હોય ! પછી કદી બન્યું ન હતું તે બન્યું. ડૉક્ટર ડીસોઝાના મર્મ સ્થાન પર કશુંક વાગ્યું હોય તેમ એકદમ ટટ્ટાર થયા. એમની અંદરનો પુરૂષ ઉછળ્યો. અવાજ બરછટ થયો. જરા દાંત ભીંસી ને બોલ્યા.
ઓકે. તારે આવું જ કરવાનું હોય તો હવે હું પણ હાથ નહીં જોડું. કાલથી હું બીજા બેડરૂમમાં સુઈશ. પડી રહેજે અહીં એકલી. સાલ્લી નકામી ઓરત......
ઝડપથી ઊભા થઈને ડૉક્ટરેનાઈટ ગાઉન પહેર્યો. ટીપોય પરથી સીગારેટનું કેશ અને લાઈટર લઈ જરા અવાજ થાય તે રીતે બારણું બંધ કર્યું.
અલ્કા અવાચક થઈ ગઈ. આ પહેલો બનાવ હતો કે ડોક્ટર આવી તોછડાઈથી વર્ત્યા હોય.. એના હોઠ ધ્રુજ્યા. તે બેઠી થઈ ઘૂંટણ પર માથું રાખી બેસી ગઈ. ગાલ પરથી આંસુ સરતા રહ્યા. તેણે પોતાને જ કહ્યું
અલ્કા તેં આ શું માંડ્યું છે. આટલું ભણી છે તોય તને નાની વાત સમજાતી નથી ? ડૉક્ટર તને કેટલો પ્રેમ કરે છે !
અલ્કાને એવુંય થયું કે તે દોડીને ટેરેસ પર જાય. ડૉક્ટરનાં ગળામાં હાથ નાખીને રડતાં રડતાં બધુંય કહી દે, જે મનમાં ઘોળાય છે. જે એક ભણેલી આધુનિક સ્ત્રીને જરાય શોભા દેતું નથી. ડૉક્ટરની માફી માગી લે. હાથ પકડી બેડ પર દોરી લાવે. પછી ડૉક્ટરને અચંબામાં નાખી દે !
અલ્કાએ આવું વિચાર્યું તો ખરું પણ કરી શકી નહીં. તેને યાદ અવી બાળવયે દાદીએ કહેલી વાતો. અને પેલી લોપાની વાતો !
લોપા મિસ્ત્રી અલ્કાની ક્લોઝ ફ્રેન્ડ. ઘણા સમય પછી અચાનક મળી ગયેલી. બિંદાસ સ્વભાવની પત્રકાર લોપાએ કૉફી પીતા પીતા કહેલું. - અરે ! અલ્કાડી પસંદ કરી કરીને તેં ગાયનોકોલોજીસ્ટ પસંદ કર્યો ? જે માણસ આખો દિવસ કેટલીય સ્ત્રીઓને ઊઘાડી કરતો હોય, એની સાથે તુ પરણી ? અનેક સ્ત્રીઓને અડી અડીને એના હાથ જ બેજાન બની ગયા હોય.
લોપાને બરાબરની મસ્તી ચડી હતી. તેણે અલ્કાને કહેલું – એય માનવામાં ન આવતું હોય તો જજે એના ક્લિનિકમાં. જોજે તો ખરી તારો એ ડોક્ટર કેવી કેવી સ્ત્રીઓનાં કપડાં ઉતારે છે તે.
લોપા એના સ્વભાવ પ્રમાણે હસતી રહી હતી. અલ્કા લોપાને એકધારું જોઈ રહેલી અલ્કાને ગંભીર બની ગયેલી જોતાં લોપાએ કહેલું. – લે તું તો ચિંતામાં પડી ગઈ. યાર હું મશ્કરી કરું છું. ધેટ્સ હીઝ જોબ ! એન્ડ ડોક્ટર ઓલવેઝ ધ ન્યુટ્રલ અબાઉટ હ્યુમન બોડી. ચાલ એન્જોય ધ લાઈફ !
લોપા ચાલી ગઈ, પણ પાછળ તોફાન મુકી ગઈ. જે તોફાન એવું તો ઘેરાયું કે અલ્કા અલ્કા જ ન રહી. કોઈ બળુકા વાયરસની જેમ લોપાએ કહેલી વાત અલ્કાના મનની સીસ્ટમમાં જેમ ફેલાઈ ગઈ. એ બીજા જ દીવસે ક્લિનિક પર જઈ ચડી. અલ્કાને અચાનક આવેલી જોઈ ડોક્ટર ખુશ થઈ ગયા હતા. પણ અલ્કા ગંભીર બની ગઈ હતી.
પછી તેણે રોજ ક્લિનિક પર જવાનું શરુ કર્યું. એ જોયા કરતી. એની આંખોમાં દશ્યો ઉતરતા રહેતા. ક્લિનિકમાં આવતી નાની-મોટી, યુવાન - વૃધ્ધ, રૂપાળી – કદરૂપી જાતજાતની સ્ત્રીઓ, ડોક્ટર સ્ત્રીને તપાસે, કેબીનની અંદર લઈ જાય, બહાર આવે, વોશબેઝીનમાં હાથ ધુએ, થોડીવારે કેબીનમાંથી પેલી સ્ત્રી કપડાં સરખાં કરતી બહાર આવે. પછી ડૉક્ટર એની સાથે ચર્ચા કરે. એક સ્ત્રી જાય, બીજી આવે, પછી ત્રીજી આવે, પછી ચોથી, પછી પાંચમી……
અલ્કા પોતાના ડૉક્ટર પતિના માંસલ ગળાને ઓપ આપતી ટાઈને, વારંવાર ધોવાતા હાથને, ડોક્ટરસામે એકીટશે જોઈ રહેતી સ્ત્રીઓને જોયા કરે. એને લોપાના શબ્દો સતત યાદ આવે. ભૂલવા મથે તોય ભૂલાય નહીં. અચાનક શરીરમાં બધું સમેટાતું હોય એવું લાગે.
રાતે સુગંધી બેડરૂમમાં ડોક્ટરનાં સુંવાળા હાથ અડે અને આખુંય શરીર ઠંડૂંગાર ! ન કોઈ સંચાર કે ન કોઈ ઉન્માદ ! અલ્કાને યાદ આવે ફિનાઈલ અને દવાની વાસ વચ્ચે એક પછી પછી આવતી સ્ત્રીઓ, કેબીનનું ઉઘાડ બંધ થતું બારણું, વૉશબેઝીનના નળમાંથી છૂટતું પાણી, વારંવાર હાથ લૂછવાને કારણે ભીનો થઈ ગયેલો નેપ્કિન ! એ બધુંય અલ્કા પર ચડી બેસે. કોઈ અજાણી ચીડથી તંગ થઈ ગયેલું શરીર પ્રતિક્રિયા જ મૂકી દે ! પોતાના પર ઝુકેલા ડોક્ટર ડીસોઝા કોઈ અજાણ્યો માણસ લાગે.
રોજ એનું એજ અંધારું ભીંસતું રહે. કેટલુંય સમજાવ્યા છતાં મન ત્યાં જ ઉભું રહી જાય છે. એને એવું થાય કે જોરથી ચીસ પાડીને ડૉક્ટરને કહી દે, તમારા શરીરમાંથી વાસ આવે છે. અજાણી સ્ત્રીઓની વાસ !
અલ્કા ધીમેથી ઊઠી અને વૉશબેઝીનનો નળ ચાલુ કર્યો. આંખો પર પાણીની છાલક મારી. દરવાજો ખુલ્યો. ચાર્મસ સીગારેટની માદક ગંધ ઓરડામાં આવી. ડૉક્ટરે અલ્કાના ખભા પર હાથ મુક્યો. અચાનક અલ્કા ચીસ પાડતાં બોલી – પ્લીઝ, ડોન્ટ ટચ મી. આઈ એમ નોટ યોર પેશન્ટ !
ફરી ટ્રેનની જોરદાર વ્હીસલ સંભળાઈ !
******************************
માવજી મહેશ્વરી
‘ સારંગ ’ મહાદેવ નગર ૧૯૯/૬
અંજાર – કચ્છ ૩૭૦૧૧૦
ફોન ૮૯૮૦૪૧૦૩૦૫
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel