SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
“ગજવામાં ગામ” ની વાર્તાઓમાં ગ્રામ ચેતનાનું નિરૂપણ એક અભ્યાસ
આધુનિકોત્તર ગજરાતી સાહિત્યમાં નારીવાદ, દલિતવાદપછી ગ્રામચેતના બીજી એક વધુ ખેડાતી વિચારધારા છે, આ ધારા અંતર્ગત ટૂંકી વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપમાં વિશેષ સર્જન થયું છે. તળજીવનમાંથી આવનારા અને તળજીવનનો બહોળો અનુભવ પામેલા એવા સર્જકોના હસ્તે ગુજરાતી સાહિત્યમાં ગ્રામચેતનાનું અસરકારક નિર્માણ થયું છે. કિરીટ દૂધાત, મોહન પરમાર, રમેશ દવે, અનિલ વ્યાસ,અજીત ઠાકોર, માય ડિયર જયુ, મણિલાલ હ. પટેલ અને મનોહર ત્રિવેદી જેવા સર્જકોએવાર્તાઓમાં વાતાવરણ સંદર્ભે, ચરિત્રચિત્રણ સંદર્ભે, પરિવેશ તથા સંવેદન સંદર્ભે, ભાષા-બોલીના અસરકારક વિનિયોગ દ્વારા ઉચિત એવો ગ્રામપરિવેશ રચી આપી ગ્રામજીવનના ચિત્રને સાકાર કર્યું છે. 1998માં પ્રગટ થતો મનોહર ત્રિવેદીનો વાર્તાસંગ્રહ ‘ગજવામાં ગામ’ તેમાં નિરૂપિત ગ્રામસંસ્કાર-સભ્યતાના વિવિધ રૂપોને કારણે તથા ગ્રામજીવનની-ગામડાનાં માણસની સંવેદનાઓના થયેલા હૃદયગમ નિરૂપણને કારણે ગ્રામચેતના અંતર્ગત રચાતી વાર્તાઓમાં નોંધપાત્ર પ્રદાન બની રહે છે.આ સંગ્રહની બધી જ વાર્તાઓ ગ્રામપરિવેશમાં ઉઘડે છે, અને ગ્રામજીવનના બહોળા પરિમાણોનો વિસ્તાર કરે છે.
‘ગજવામાં ગામ’ સંગ્રહની પ્રથમ આવૃત્તિ 1998માં થઇ, એ પહેલા આ વાર્તાઓ ‘આરામ’, ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ’, ‘સંદેશ’, ‘જનસત્તા’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ જેવા સામયિકોમાં પ્રગટ થઇ ચૂકી હતી. 1998 પછી 2010માં આ વાર્તાઓની બીજી આવૃત્તિ પણ થઇ છે. ઓગણીસ વાર્તાઓના આ સંગ્રહની દરેક વાર્તા ગામડાનાં જનજીવન સાથે, ગ્રામસંસ્કૃતિ સાથે, ગ્રામપરિવેશ સાથે સંકળાઇને જનપદનાં માણસની સંવેદનપટૂતાને તથા તેમના પ્રશ્નો અનેઆંતરિક વિસંગતિઓનું સૂક્ષ્મનિરૂપણ કરતી આવે છે. મનોહર ત્રિવેદીનીઆ વાર્તાઓમાંગામસજીવઅંગ બનીને પ્રગટ થયું છે.ગોહિલવાડી બોલીનો બળુકો પ્રયોગ, વાર્તામાટે યોગ્ય વાતાવરણ બાંધી આપવાની આવડત, વાર્તાકથનની કુશળતા, સંવેદનનેઘૂંટીને પીરસવાની કલા, વાર્તામાં આવતા ગ્રામતત્ત્વો સાથેની સજીવ એકતા ગ્રામચેતનાની આ વાર્તાઓને સહેજે સુંદર બનાવી દે છે.
મનોહર ત્રિવેદી ગ્રામચેતનનાં સર્જક છે, તેમના સર્જનમાં પછી તે કવિતા હોય, વાર્તા હોય કે પછી નિબંધ તેમાં ગ્રામજીવન અભિન્નઅંગ બનીને આવે છે. એ વિશે મણિલાલ હ. પટેલ મનોહર ત્રિવેદીને ગ્રામચેતનાનાં સર્જકગણાવતા નોંધે છે-
“ આ માણસના બધાં લેખન-સર્જનનીગળથૂંથીમાં તળચેતના છે-ગ્રામચેતના છે.ગીતકવિતામાં પણ આ સર્જક કવિ ગ્રામપરિવેશને જીવતો કરી દૈને પછી તરત તળજીવનની ભાવચેતના,જનપદનાં મનેખનાંઉઘાડાં મન અને એમની બોલી તથા એમનાંગાણાં-રોણાં બધું સહજ રીતે સંયોજીને કાવ્યત્વ સિદ્ધ કરે છે... ” [1]
વાર્તામાં વર્ણન દ્વારા વાતાવરણ ઊભું કરવું અને પરિવેશને ઊભો કરવો એ બંને કામ પરસ્પર ભિન્નછે. પરિવેશના નિર્માણ માટે વર્ણન ઉપોયોગી થાય, પણ માત્ર વર્ણનથી જ પરિવેશ નિર્માણ નથી પામતો. એથી આગળ કહીએ તો પરિવેશ રચવો અને પરિવેશનેજીવંત બનાવવાનું કામ નોખું છે, પરિવેશને જીવંત બનાવવામાં સર્જકનીકુશળતા-દક્ષતા સાથે સાથે સર્જકના ગ્રામજીવનનાસંસ્કાર પણ અનિવાર્ય બની જાય છે. સર્જકના લોહીમાં જો ગ્રામજીવનના સંસ્કારો નહિ હોય,તો ગ્રામપરિવેશમાં પ્રાણ પુરવાનું કામ દુષ્કર થઇ પડે. એ દ્રષ્ટીએ જોતાં મનોહર ત્રિવેદી તળજીવનના સંસ્કારપ્રધાન પુરુષ છે,એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેમની વાર્તાઓમાં ગ્રામચેતના બાહ્ય,બેસાડી દીધેલ, વાતાવરણની જમાવટ પુરતી નથી હોતી, પણ ગ્રામજીવનના ધબકારસાથે લોહીના સંસ્કારમાંથી સ્ફુરણ પામતી ચેતનાના પરિણામરૂપ, પરિવેશની સજીવતા સિદ્ધ કરે છે. કોઈ પણ સર્જક ગ્રામસ્તરે જ્યારે કામ કરતો હોય ત્યારે તે ભાષા-બોલીનો શક્ય એટલો નિષ્કર્ષ સાધવાનો પ્રયત્ન કરતો હોય છે. સામાન્ય રીતે સર્જક ગ્રામબોલી-લોકબોલી સંદર્ભે, તથા ગામડાઓમાં જોવા મળતા વાતાવરણ, તેમાં ગ્રામવાસીઓનું રહેઠાણ- ઝૂપડી, આવાસો, ફળિયા, ગામની પાદર-ભાગોળની ભવ્યતા, સીમ, ખેતર, બળદ જેવા ક્ષેત્રો પસંદ કરી તેમાં રચ્યાં-પચ્યાં રહેતાં હોય છે. તો ક્યારેક શહેરી વસવાટને કારણે ગામથી દૂર થયાનો ઝૂરાપાને વિષય તરીકે લઇ ગામ સાથેનો વિચ્છેદ-લગાવને કથાવસ્તુમાં ગૂંથીને રાજી થતાં હોય છે. પણએ પ્રયુક્તિઓ ક્યારેક તકલાદી સાબિત થતી હોય છે. જેનામાં ગ્રામસંસ્કારનો છાંટો પણ નથી એવાસર્જકો તળદેવતાને જીવંત કરી શકે નહિ, કારણકે ગ્રામજીવનનેઊભું કરવામાં તેમનું અનુભવ જગત થોડું તો ઊણું ઉતરવાનોસંભવ છે. મનોહર ત્રિવેદીની વાર્તાઓમાં પરિવેશવર્ણન દ્વારા નિર્માણ પામતા વાતાવરણ પુરતો સીમિત નથી બનતો, પણ એ પરીવેશ વાર્તાની વ્યંજના માટે અનુરૂપ એવીપ્રતીકયોજના ઊભી કરી આપતું સાધનપણ બનીરહે છે. ‘ગજવામાં ગામ’ સંગ્રહની કોઈપણ વાર્તા વાંચી જુઓ, આપણું પરંપરિત ગામ, ગામ સાથે સંકળાયેલી સંવેદના અને ભાવચેતાના તથાગામડાનાં મનેખનાં ઉઘાડા મન અને હૃદય દેખાઈ આવશે.
સંગ્રહની પ્રથમ વાર્તા ‘પગલાં’ ગ્રામજીવનનાસંદર્ભને કારણે જ વિશેષરીતે આસ્વાદભોગ્ય બની છે. ગ્રામજીવન-ગ્રામતત્ત્વ વાર્તાની સંવેદનાને-અંતિમ ચોત આપવાના સબળ માધ્યમ તરીકે આવે છે. નહીંતો આ વાર્તાનો વિષય પણપરંપરાગત ચીલાચાલુ પ્રણયવિચ્છેદનો છે, જે આજકાલ તો ચવાઈ ગયેલો વિષયછે. વર્તાનાયક‘સુંદર’ નાયિકા‘કમુ’ સાથેના વિચ્છેદનો ઝુરાપો અનુભવે છે. ‘સુંદર’નો આ ઝુરાપો તેની ચેતન અચેતન બંને અવસ્થાએ જોઈ શકાય છે, જેની સાથે બાળપણથી લઈને યુવાનીના ઉંબર સુધી સાથે પગલાં માંડેલા અને જેનાથી જીવન ભર્યું ભર્યુંલાગતું હતું, એવી‘કમુ’ કેજેની સાથે સંપૂર્ણ જીવન વિતાવવાના શમણાં જોયા હતા.એને સામાજિક બંધનોને કારણે નપરણી શક્યાની વેદના સુંદરની ઊંઘ ઉડાડી દેછે. કમુની અંતિમ નિશાની રૂપ,ખેતરના ખામણામાં પાણી પીવડાવતા પડેલી પગલાંની છાપને, જીવનનું મહામૂલું ધન માનીનેસાચવી રાખવાની ‘સુંદર’ની મથામણમાં દાદાનો કહ્યાગરો ‘રાઘવ’ ખામણામાંપાણી છોડીને તેને ભસ્મિભૂત કરી દે છે.વાર્તાની શરૂઆતથી અંત સુધી લઇ જતા સર્જકે ‘કમુ’ની વર્તમાન અનુપસ્થિતિ વિષે સેવેલું મૌન અને અંતિમ તબક્કામાં લાવીને કરેલો ઘટ્ટસ્ફોટ ભાવકનીઆંખ ભીંજવી, એક ઘેરી નિરાશા ફેલાવી વિરમે છે. વાર્તાને અંતે ટ્રેજેડી સર્જાય છે -“ કાંય નંઈ કમું, તું નો મળી તો કાંયનંઈ. આ ખામણામાં તો તારી છાપ રહેશે ને ? જો, એમાં તારાં નાનાં નાનાં પગલાં કેવા ફાંફડાં લાગે છે ? જુગોજુગ લગી હું તેને સાચવી રાખીશ.” [2]
કમુને આપેલું વચન તે પાળી શક્યો નહિ, અને પ્રિયતમાની કોઈ નિશાની પણ હવે તેની પાસે રહી નથી, તેનો ઝુરાપો હવે તો જીવનભર રહેશે.
સર્જક મનોહર ત્રિવેદીએ ઊભું કરેલું ‘સુંદર’નું વ્યક્તિત્વ ગ્રામપરિવેશમાં જીવંત બન્યું છે. તેની વિચારશરણી, રહેણીકરણી, આદત, બોલી-ભાષાતોખરી જ પણ સર્જકે ગ્રામપરિવેશનેસજીવતા અર્પવાગ્રામવાસીઓના વ્યશન, બળદગાડું ચલાવાની કલા, અને એમાં પણ બળદને જરા ઝડપથી ચલાવવા માટે તેનું પૂછડું મચેડવું વગેરે જે રીતે આલેખ્યા છે તે જોતા ગ્રામજીવનહુબહુ નિર્માણ પામ્યું છે. એમ કહી શકાય. જેને આપણે ચોક્કસ ગામડાનો માણસ કહી શકીએ તેના Symbolic pattern તરીકે‘સુંદર’નું ચરિત્ર રચાયું છે. આજથી પચાસ સાંઠ વર્ષ પહેલાના ભારત-ગુજરાતનું ગામડું અહીં અંકિત થઈને આવ્યું છે. તેમનું જનજીવન, રીતભાત, ઘર, ઓસરી, છત, ખેતર, ગાડું-બળદ, વાડી, વગરેને તકલાદી રૂપે નહિ પણ પરિવેશમાંજીવંત બની પરિવેશનું એક અંગ બનીને આવ્યું છે. ‘સુંદર’ના આયકોન વડે સર્જકે ગ્રામજીવનનું જીવનદર્શન રજુ કરી આપ્યુંછે.આ વાર્તા ગ્રામપરિવેશમાં ઉઘડે છે તથા વાર્તા આસ્વાદ માટે પણ ગામડાનું પીઠબળ ઉપકારક નિવડે છે. ખેતરતેમાં ‘ખામણું’વગેરેવાર્તા આસ્વાદમાં ઉપકારક બને છે.અહીં ગ્રામજીવનમાં પાંગરતી પ્રિતના સુંદર દૃશ્યો અંકિત થયા છે, જેમાં બાજરીના ખેતરમાં કમુ સાથે માંડવા પર મસ્તી કરતાંહેઠા પડવાનું દૃશ્ય(પૃ.૩), મહાદેવના મંદિરવાળુંદૃશ્ય(પૃ.૪) અનેઅંતિમ પગલાંવાળોપ્રસંગ(પૃ.૬) જે ગ્રામચેતનાના સજીવ દૃશ્યકલ્પનો બની રહે છે.
‘ગજવામાં ગામ’ વાર્તાસંગ્રહમાં પ્રણયજીવનના વિષયને કેન્દ્રમાં રાખતી વાર્તાઓ બાદ જાતીયજીવનના-ગૃહજીવનના પ્રશ્નોને નિરૂપતી, મનુષ્યની આંતરિક વિસંગતિઓને ઉકેલતી વાર્તાઓપણ જોવા મળે છે. આ વાર્તાઓમાં વિષય બદલાય છે, સંવેદન બદલાય છે,પણ ગામ અને ગ્રામતત્ત્વયથાવત્ રહે છે.દરેક વાર્તામાં ગામ અવિભાજ્ય અંગ બનીને આવેછે. ગામ અને ગામડાનો માણસ અહીં કેન્દ્ર સ્થાને રહેલો છે, તેથી જ ગ્રામસંવેદનનાં વિવિધ રૂપો વાર્તાઓમાં નોખી ભાત પડતા નજરે ચડે છે, ‘પગલાં’ની જેમ ‘ઉજાગરાઓ’ અને‘કદાચ’વાર્તામાં પણ પ્રણય સંવેદન રજુ થયું છે. બંને વાર્તાઓ એક જ કથાતંતુ સાથે જોડાયેલ હોય એમ બંને વાર્તા ‘ઈશ્વર’ અને‘રાણું’ નાયક નાયિકાનીપ્રણયકથાને લઇનેચાલે છે. પત્રાત્મક શૈલીએ લખાયેલી વાર્તા ‘કદાચ’માં ઈશ્વરના પત્ર દ્વારા ભૂતકાલીન યાદોનું સ્મરણ અને એ દ્વારા શૈશવજીવનના સંસ્મરણોનું-કાળુભાર નદીને કિનારે અનેગ્રામજીવનનાપ્રાકૃતિક વાતાવરણમાં સર્જાયેલા શિશુસહજછતાં પ્રથમ પ્રેમનું બયાન કરતા એવા કલાત્મક દૃશ્યોસર્જાયા છે. આવા જ દૃશ્યો‘ઉજાગરાઓ’ વાર્તાઓમાં પણ જોઈ શકાય છે. બાળપણમાં નદીમાં સાથે ન્હાવા પડતા સર્જાયેલું રોમેન્ટિક દૃશ્ય(પૃ.૧૩-૧૪) એમાં જાનપદીયરોમાંસ, ગ્રામ-પ્રાકૃતિકવાતાવરણમાં બાળસુલભપ્રણયક્રીડાનાદૃશ્યનુંસુંદર નિરૂપણ થયેલ છે.
વાર્તાકાર મનોહર ત્રિવેદી પાસે પરિવેશને જીવંત બનાવવાની જબરી ફાવટ છે.ઝીણામાં ઝીણું નકશીકામ કરી આંખ આગળ દૃશ્યોને સજીવ કરવાની કલા તેમને હસ્તગત છે. ગ્રામપરિવેશમાં તેઓ પોતે પણ જીવંત બની ઉઠે છે,એ પરિવેશ તેમની વાર્તાઓમાં સહજ રીતે ઉપસી આવે છે. વાર્તામાંઘડાતાં જતા ભાવોને વળ ઉપર વળ ચડાવતા જઈને ચરમ સીમા સુધી વિસ્તારવામાં વાર્તાને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોંચે એ બાબતનું ખાસ ધ્યાન રાખતા હોય એમ વાર્તાઓ સંવેદનાનું ઘેરું પોત ધારણ કરીને આવે છે.વાર્તામાં આવતા પ્રતીકો કલ્પનો પણગ્રામજીવનમાંથી-વાર્તાના પરિવેશમાંથીઊભાં કરીઆપતા હોવાથી સઘળું વાતાવરણ જીવંતએકતાથી સ્થપાય છે.‘છન્નુનું મન’, ‘નાગચૂડ’, ‘ફરક’, ‘બાલકાંડ’, ‘ઝળેળા’, અને‘ઓળખ’ જેવી વાર્તાઓમાં મુખ્ય પાત્રની આંતરબાહ્ય મૂંઝવણોનું કલાત્મક રેખાંકન થયું છે. ‘છાન્નુનું મન’ એ પાત્રપ્રધાન વાર્તા છે.આત્મકથન રૂપે ચાલતી આ વાર્તામાં છન્નુના ચરિત્રની લાક્ષણિકતાઓ સવિશેષ પ્રગટ થવા પામી છે. સમાજનામાણસોથી છેતરાતો રહેતો છન્નુસંસારનાઅવનવા અનુભવોથી તેનું મન ખિન્ન થઇ ગયું છે.ગોહિલવાડી બોલીમાં ચાલતી સ્વગોક્તિઓમાં તેના પાત્રનો વિકાસ થયો છે. સર્જકે અહીં પસંદ કરેલ પાત્ર ગામડાના અદના આદમીનું છે. જે પોતાની દેશીયતાને સિદ્ધ કરે છે. ગ્રામચેતનાને સિદ્ધ કરતો એક પ્રસંગ જુઓ....
“ સામે વંડીની ભીંતપર પોતાના આગલા બે પગ ટેકવીને ભગતે છુટ્ટી મુકેલી બકરી તૂરિયાંના સુકાયેલા વેલાનાં પાનને બુકડાવે છે....નવરું મન ભૂતબંગલો જ કે’વાય, ચા પીવી જોવે. ભગતે સારું કર્યું, બકરીને આજેછૂટી મેકી છે. બકરીબાય, તમેય ટેમસર આવ્યાં છો. આંચળમાં ફાટફાટ દૂધ છે. ભગત એકલો જીવ છે. આટલું બધું દૂધ શું કરશે ઈ ફક્કડ રામ? બકરીનો પાછલો ટાંગો ખેંચીને એનું દૂધ દોહવા માટે એણે ફળિયા વચ્ચે ઊભી રાખી. દોહતાં દોહતાં જ એને હાંકલો દીધો.ભગત એ ભગત, તમારી બકરીના દૂધની ચા પીવી હોય તો આવજો આમના.” [3]
આ પ્રસંગમાં ગ્રામજીવનની લાક્ષણિકતા કે ઉદાર ચિત્તના દર્શન થાય છે. મારું તારુંથી પર એવું સહિયારું કરી લેવાની ભાવનાના દર્શન થાય છે.વાર્તાને અંતે મૂકવામાં આવેલ પ્રસંગબકરીનું તેના લાવેલા જમરૂખને ખાઈ જવું,અને બકરીના એઠાં જમરૂખ ખાવાની તેની તૈયારી જેવા પ્રસંગો વ્યંજના પૂર્ણ છે. જેમાં છાન્નુના પાત્રની વક્રતા છતી થાય છે.
વૃદ્ધપાત્રોની માનસિકતાનું સંકુલ પણ અસરકારક આલેખન ‘નાગચૂડ’ અને‘ફરક’ વાર્તામાં થયું છે. વ્યક્તિત્વના થતાં સતત દમનથી આવતો પ્રચંડ વિષ્ફોટ એ‘નાગચૂડ’ વાર્તાનો વિષય બન્યો છે. ‘રાજાદા’નાવ્યક્તિત્વનું બાળપણથી જ થતું આવેલું દમન ‘વિઠ્ઠલ’ અને ‘નાગ’ના દ્વંદ્વના પ્રસંગથી પ્રોત્સાહન પામી ગામના ઉતાર એવા ગોબર તુરખિયા સાથેની ઝપાઝપી રૂપી અંતિમ વિષ્ફોટમાં જોઈ શકાય છે. ‘વિઠ્ઠલ’ના અને નાગના પ્રસંગનું ઉચિત એવું સંનિધિકરણ રચી આપી સર્જકે ‘રાજાદા’ના વ્યક્તિત્વમાં આવનાર વિષ્ફોટનું આડકતરી રીતે સુચન કરી આપ્યું છે. ‘વિઠ્ઠલ’ને ભરાવેલી નાગચૂડનો આખો પ્રસંગ ગ્રામસભ્યતાનો દ્યોતક બનીને આવ્યો છે. જ્યારે ‘ફરક’વાર્તામાં Love and Hate થિયરીનો વૃદ્ધપાત્રના સંદર્ભમાં વિનિયોગથયેલો જોઈશકાય છે.
આ બધી વાર્તાઓમાં ગ્રામચેતનાપરિવેશ, પાત્રાલેખન, વાતાવરણ, જનજીવન, જેવીબાબતો વડે સિદ્ધથતી આવે છે. જ્યારે‘પડછાયા’ વાર્તામાં તો સીધે સીધો ગ્રામ પ્રત્યેનો લગાવ અને પ્રેમ વાર્તાનો વિષય બન્યો છે. વાર્તાનાયક વર્ષો પછી પોતાના ગામ જવા નીકળે છે, પણ અફસોસ કે એ ગામ હવે રહ્યું નથી. ત્યારે નાયક માટે મનમાં ઢબુરાઈને પડેલી ગામ સાથેની-વતન સાથેની બાળપણની યાદો બસ ભૂતકાળ બની જાય છે. જે ગામમાં મિત્રો સાથે રમ્યા, મોટા થયા, જે ગામ સાથે-ગામની શેરી-શેરી સાથે લાગણીના નાતે જોડાયેલા હતા, જે ગામના લોકો વર્ષો બાદ પણ હૃદય એક મીઠી યાદ બનીને જીવંત રહ્યા-અકબંધરહ્યાઅને વારંવાર યાદ આવ્યા છે.જે ગામનીવ્હાલસોઈ નદી શેતરુંજીના કાંઠે બાળપણમાં મિત્રો સાથે રમતો રમ્યા હતા, એજ નદીમાં- “ જુનું સાતપડું તો ગ્યું ડૂંબમાં.... ભરખાયું ગ્યુંઆ શેતરુંજીમાં..”[4] એવા વિષાદ સાથે વાર્તા વિરમે છે. નાયકનો વતન-ભૂમિ સાથેનો વિચ્છેદ વાર્તાની સંવેદનાને ઘેરી બનાવે છે.
‘કોઈ અમુક ગામની આ વાત છે...’, ‘પાઠડી’, ‘ઓળખ’ અને‘પાછું વળવું’ જેવી વાર્તાઓ વાર્તાકથનની અને પરિવેશના નકશીકામબાબતે સર્જકને દાદ અપાવે એવી વાર્તાઓ બની છે. ‘કોઈ અમુક ગામની આ વાત છે...’ વાર્તામાં ગ્રામજીવનની સાથે તેનો વાર્તાકથનના ટોનના કસબને કારણે પણ વાંચવી ગમે એવી થઇ છે. ‘પાઠડી’ વાર્તા ગ્રામજીવનના સજીવ પ્રતીકો કલ્પનોમાં જાતીયજીવનના પ્રશ્નોનું બયાન કરતી આવે છે. એક ભાણેજના માસી સાથેના દેહવિક્રયને સ્ત્રીની માતૃત્વ ઝંખના તથા જાતીય આવેગો સામે પતિની નપુસકતા અને નવયુવાન ભાણેજ તથા સ્ખલન કરાવેતેવા આંતરબાહ્ય પરિબળો મૂકી આપી સુંદર વાર્તાનું સર્જન કર્યું છે. સર્જક ગ્રામજીવનના ભાવાત્મક પરિવેશમાં અગ્રાહ્ય વિષયવસ્તુનેકલાત્મક વાર્તાના સાધન તરીકે પ્રયોજી શક્યા છે. ગામમાં વ્યાઈ નથી તેવી બકરી માટે ‘પાઠડી’ શબ્દ પ્રયોજાય છે. જેએક રીતે વાર્તાનાયિકા‘ગોમતી’ના ચરિત્રની વ્યંજના માટે ઉપકારક નીવડે છે. ‘પાઠડી’ બકરીનીસહોપસ્થિતિમાં નાયિકા ગોમતીનું વાંઝીયાપણું પ્રતીકાત્મક રીતે રજુ થયું છે. વાર્તાકથક નાટકના સુત્રધારની જેમ ત્રીજાપુરુષની કથનશૈલીથી પ્રવેશકરાવી ત્રણે પાત્રોના મનને વાંચક આગળ ખુલ્લા મૂકી આપવા ત્રણે પાત્રોના આત્મમંથન રૂપે વાર્તા શરુ કરી છે. જેમાં અનુક્રમે ભોળુ, દેવો અને ગોમતી એમ ત્રણેનું અંતરપટ ખુલે છે.
મોટે ભાગે વાર્તાનો કથક સર્જકની ભાષા બોલતો હોય છે પણ અહીં સર્જકેકથકને પણ જે તે પ્રદેશનો બનાવી રજૂ કર્યો છે. વાર્તામાં પ્રથમપુરુષ અને ત્રીજાપુરુષની કથનશૈલીની સમાંતરની પ્રયુક્તિ પણ ધ્યાન ખેંચેછે. સર્જકે પાત્રોને તો બોલી દ્વારા વાત કરાવી જ છે, પરંતુ સાથેસાથે પાત્રો વિચારે છે ત્યારે એમના મનોસંચલનોને પ્રયોજવામાં પણ ગ્રામબોલીનો પ્રયોગ કર્યોછે. વાર્તામાં ગ્રામબોલીનું તળપદુંરૂપ જાળવી રાખ્યું છે. દરેક પાત્ર ગામડામાંથી આવે છે, આથીલોકબોલી બોલવા માત્રમાં નહીં પણ એ પાત્રો જે ભાષા બોલે છે એજ ભાષામાં વિચારે છે. ભોળુ, દેવોઅને ગોમતી એ ત્રણે પાત્રો જ્યારે વિચારોમાં વિહાર કરે છે, ત્યારે સર્જકે પ્રયોજાયેલ વાક્ય રચનાઓમાં એક ચોક્કસ પ્રકારનો લિરીકલ ટોન ગૂંથાયેલો અનુભવી શકાય છે. ત્રણે પાત્રો ભોળુ, દેવોઅને ગોમતી એ ત્રણેના વિચારોમાં તેમની માનસિકતા તો છતી થાય છે, પણ સાથે સાથે પાત્રગત, પ્રદેશગત, અને જાતીઆધારિત ખૂબી પણ દૃષ્ટિપાત થાય છે.
ભોળુ:- “ ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું....
***
મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો ? ચાળીશઢુંકડી પૂગી હશે તયેં મારીબાએ મને જલમ આપ્યો હશે, એમ કે’નારા કે’છે....***
કે’નારે માસીને મા-શી અમથી કીધી હશે ? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડયના દીકરાની ઘોડ્યે સાચવે છ. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી.” [5]***
એવી ગભરામણ કે છાતી પર મણમણની શિલા વળગાડીને એ ઊભો છે, જાણે તસુ પણ ચસકવાનો સોં નથી રહ્યો,...***
તબક્તી હતી એ એની ઝાળઝાળ થતી લાલઘૂમ આંખો હતી કેએના હોઠ વચ્ચે સળગતી બીડીને લીધે એવો ભાસ થતો હતો.....***
ઊભાં થઇ ગયેલા રોંગટાં તીરની જેમ શરીરમાં ‘ખચ્ચ’ દઈને ખૂંતાડી દીધા હોય દુદાએ,...” [11]******************************
વણકર ધર્મેશકુમાર વી.
રિસર્ચ ફેલોશીપ, ગુજરાતી વિભાગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.
મોબાઈલ નંબર : ૭૬૯૮૩૬૦૬૦૮
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel