SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
કેથરિન મેન્સફિલ્ડ કૃત “સ્મૃતિ” વાર્તા વિશે
અંગ્રેજી લેખિકા કેથરિન મેન્સફિલ્ડનો જન્મ ૧૪/૧૦/૧૮૮૮માં વેલિંગ્ટન-ન્યુઝિલેન્ડ ખાતે થયો હતો. મૃત્યુ તા. ૦૯/૦૧/૧૯૨૩ના રોજ. ૩૪ વર્ષના ટૂંકા આયુષ્ય દરમિયાન તેમણે મહત્વનું સાહિત્યસર્જન આત્મકથા,વિવેચન,નિબંધ અને વાર્તાના ક્ષેત્રમાં કર્યું છે. રશિયન લેખક એન્ટન ચેખોવની અસર તેમણે ઝીલી હતી. ૧૯ વર્ષની ઉંમરે તેણીએ ન્યૂઝીલેન્ડ છોડીને ઈંગ્લેન્ડ પ્રસ્થાન કર્યું અને લેખિકા તરીકે પોતાને સ્થાપે છે. કેથરિન મેન્સફિલ્ડ એવા સમયમાં જીવી હતી કે જે સમયમાં જીવન રૂઢિના બંધનોથી મુક્ત હતું. તેણી ન્યૂઝીલેન્ડમાં મોટી થઈ પણ પછી ઈંગ્લેન્ડ ચાલી ગઈ જ્યાં તે પોતાના પ્રથમ પતિને મળી, પરણી અને ત્રણ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં એને છોડી પણ દીધો. આ સમય દરમિયાન તે તેના કુટુંબના જ નજીકના મિત્ર દ્વારા ગર્ભવતી બની હતી પણ ગર્ભ પડી ગયો. ૧૯૧૧માં તેણીએ ગોનોરિઆ સાથે અમુક સમય પૂરતો કે જે શરતોને આધીન હતો એવો સંબંધ રાખ્યો. તેણે પણ કેથરિનને સાંધાના દુખાવાના રોગ સાથે બાકીની જિંદગી જીવવા એકલી છોડી દીધી. તેણીનો પ્રથમ વાર્તાસંગ્રહ તેણીએ આશા રાખી હતી તેટલો સફળ રહ્યો નહીં એટલે અંગ્રેજીમાં જેને Much Darker કહેવાય તેવી વાર્તા “ધ વુમન એટ ધ સ્ટોર” લખી જેણે તેણીને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી. તેણીના જીવનના અંત સુધી તેનું લખાણ પુખ્ત થતું રહ્યું અને લોકો તથા વિવેચકો પાસેથી તેણીને સન્માન પ્રાપ્ત થયું. વર્જિનીયા વુલ્ફ તેની રોજનીશીમાં લખે છે- “મને હંમેશા એક જ વ્યક્તિના લખાણની ઈર્ષ્યા થઈ છે અને તે લખાણ એટલે કેથરિન મેન્સફિલ્ડનું.” અહી કેથરિન મેન્સફિલ્ડ કૃત અંગ્રેજી વાર્તા “સ્મૃતિ” (અનુ. ભોગીલાલ ગાંધી-સુભદ્રા ગાંધી)ની ચર્ચા પ્રસ્તુત છે.
સ્મૃતિની ગહનતાને રજૂ કરતી “સ્મૃતિ”વાર્તામાં મુખ્યત્વે ત્રણ પાત્રોનો ઉલ્લેખ છે. વૃદ્ધ વુડીફિલ્ડ, વુડીફિલ્ડનો શેઠ-બોસ તથા બોસનો મૃત્યુ પામેલો યુવાન દીકરો. વૃદ્ધ વુડીફિલ્ડ નિવૃત્ત થઈ ગયો છે અને બીમાર રહેતો હોવાથી તેના ઘરના લોકો તેને બહાર જવા દેતા નથી. માત્ર મંગળવારના દિવસે જ તેને બહાર જવાની છૂટ હતી. મંગળવારના રોજ આ વૃદ્ધ વુડીફિલ્ડ તેના શેઠને મળવા આવે છે. વાર્તાની શરૂઆતમાં આ વૃદ્ધ વુડીફિલ્ડ શેઠને મળવા આવ્યો છે. શેઠને વુડીફિલ્ડ તેના વખાણ કરે તે ગમે છે, શેઠને પોતાના ખંડની નવી નવી વસ્તુ, ફર્નિચરનો ગર્વ છે. તે ખંડની દરેક નવી ચીજવસ્તુઓ વૃદ્ધ વુડીફિલ્ડને બતાવે છે પણ- “તેણે પોતાના ટેબલ ઉપર પડેલા ગંભીર મુખમુદ્રા,યુનિફોર્મમાં સજ્જ થયેલ ફોટોગ્રાફરના બનાવટી પાર્કમાં, બનાવટી વાદળાંઓના ઢગ જેની પાછળ ઝઝૂમે છે તેવી ભોમ પર ઊભીને પડાવેલ એક જુવાનના ફોટા તરફ વૃદ્ધ વુડીફિલ્ડનું ધ્યાન ન ખેંચ્યું. એ ફોટો કઈ નવો નહોતો. એ તો ત્યાં જ હતો- છેલ્લા છ વરસ થયાં!” (વિશ્વસાહિત્યની વાર્તાઓ, અનુ-ભોગીલાલ ગાંધી-સુભદ્રા ગાંધી,ચેતન પ્રકાશન ગૃહ પ્રા.લિ., વડોદરા, સંવર્ધિત આવૃત્તિ પહેલી-૧૯૫૭, પૃષ્ઠ ૪૩) ભૂતકાળમાં બની ગયેલી આ ઘટના છે. શેઠનો દીકરો લશ્કરમાં જોડાયો હતો અને શહીદ થઈ ગયો હતો. આ ઘટનાના શોકમાંથી હજુ તે બહાર નથી આવી શક્યો. વૃદ્ધ વુડીફિલ્ડ તેને તેના દીકરાની કબરની યાદ અપાવે છે અને ત્યાંથી આ બોસ-શેઠની સ્મૃતિમાં ભૂતકાળ ઊભરી આવે છે. બોસ પાસેથી વ્હીસ્કી પીને વુડીફિલ્ડ ઘરે જવા નીકળી જાય છે પણ આ બોસ તેના પટાવાળા મેસીને બોલાવી અંદર કોઈને પણ આવવાની મનાઈ ફરમાવી દે છે ને પોતે શોકની ગર્તામાં ડૂબી જાય છે.-“આગળ ઝુકીને બોસે તેનું મો હાથ વડે ઢાંકી દીધું. એની ઈચ્છા હતી. એનો ઇરાદો હતો, એણે નક્કી કર્યું હતું....... રડવાનું! વૃદ્ધ વુડીફિલ્ડે કબરની વાત કરી એને ભારે આઘાત આપ્યો હતો. ***છ વરસ થઈ ગયાં હતાં...બોસે કદી દીકરાની બીજી કોઈ કલ્પના જ કરી ન હતી- સિવાય કે યુનિફોર્મમાં સજ્જ.....એવો ને એવો.....અણબદલાયેલો.....!” (એજન,પૃષ્ઠ-૪૬)
બોસે પોતાના દીકરા માટે જ મોટો વેપાર ઉભો કર્યો હતો પણ તે અકાળે અવસાન પામ્યો હતો. બહારથી કશું પણ કળાવા ન દેતા આ બોસના ભીતરમાં દીકરાની સ્મૃતિએ તેને હલાવી નાખ્યો છે અને એટલે જ વાર્તાકારે અહી એના જે વર્તનને નિરૂપ્યું છે તે વાચકને હતપ્રભ કરનારું છે. આંતરિક ગડમથલને પરિણામે જ તેના શાહીના ખડિયામાં પડેલી માખ સાથે તે જીવન-મરણનો પ્રયોગ આદરે છે. નાનકડી માખને તે બહાર કાઢે છે. આ માખ તાકાત ભેગી કરી શાહી સાફ કરે છે –
“આખરે તેને કામયાબી લાધી.***તેણે બે આગલા નાના પગોને એકબીજા સાથે ધીમે રહી આનંદમાં આવી ઘસ્યા. જીવલેણ ભય દૂર થયો હતો. તે બચી ગઈ હતી. ફરી જિંદગીની ખુશનુમા હવા માટે તે તૈયાર થઈ ગઈ હતી.” (એજન,પૃષ્ઠ-૪૮) માખને બચી ગયાનો આનંદ છે ત્યાંજ –
“બોસને એક વિચાર આવ્યો. એણે કલામ ઉઠાવી સીધી ખડિયામાં ઝબોળી દઈ બહાર બ્લોટિંગ પેપર ઉપર ધરી રાખી. માખીએ જેવી એની પાંખો હલાવી કે તરત જ એક મોટો લબકો આવી બ્લોટિંગ પેપર પર પડ્યો.” (એજન)
બીજીવાર મોતના મુખમાંથી બહાર નીકળવા હિંમતપૂર્વક મહેનત કરતી આ માખીને જોઈને આ બોસ વિકૃત મઝા લે છે. સફળ થયેલી માખી ઉપર બોસ બીજો એક શાહીનો લબકો પાડે છે. માખના માત્ર આગલા પગો હાલે છે અને બોસે બીજો એક લબકો તેના ઉપર પાડ્યો-
“ભિંજાઈ ગયેલા બ્લોટિંગ પેપર ઉપર છેલ્લો લબકો પડ્યો અને ચૂંથાઈ ગયેલી માખ સાવ નિશ્ચેતન બની. કાળા પગો બદનને ચીટકી ગયેલા હતાં. આગલા પગો નજરેય ચઢતા ન હતાં.” (એજન,પૃષ્ઠ-૪૯)
મડદુંને કચરટોપલીમાં ફેંકીને બોસે પટાવાળા મેસીને તાજા બ્લોટિંગ પેપર લાવવાનો આદેશ આપીને વિચારવા માંડયું કે- “હું પહેલાં શાનો વિચાર કરતો હતો?” (એજન, પૃષ્ઠ-૫૦) વાર્તાનું અંતિમ વાક્ય છે-“સ્મૃતિ એને છોડીને ભાગી ગઈ હતી!”
પોતાના દીકરાના મૃત્યુને લીધે છ વરસથી શોકમાં ગરકાવ થયેલો બોસ માખીના મૃત્યુને જોઈને આનંદ માણી શકે એવી સ્થિતિમાં આવી ગયો છે. મૃત્યુની અફરતા સામે તેણે ઘૂંટણિયા ટેકવવા જ રહ્યા અને એટલે જ તેના મનમાં રહીને તેને પીડતી તેના દીકરાની સ્મૃતિ તેને છોડીને ભાગી ગઈ હોવાની વાત સાથે આ વાર્તા પૂરી થાય છે. માખીના અનેક પ્રયત્નો છતાં તે બચી શકતી નથી કારણ કે બોસ તેને મારવા માટે મક્કમ હતો. અને આ ઘટનાની અસર બોસના મનોજગતમાં અલગ થાય છે. દીકરાના મોતથી દુ:ખી બોસનું માખીને મારવાનું વર્ણન અહી વાર્તાકારે સહેતુક કર્યું છે. જીવનની કડવી સત્યતાને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? કેથરિન મેન્સફિલ્ડની આ વાર્તા “સ્મૃતિ” એ સ્મૃતિના તત્વની ગહનતાને અભિવ્યક્ત કરતી વિશ્વસાહિત્યની મહત્વની અંગ્રેજી વાર્તા છે.
******************************
ડો. મનોજ માહ્યાવંશી
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સીલવાસા કોલેજ, સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ-નરોલી
પિનકોડ -૩૯૬૨૩૫, યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી
મો- ૯૮૯૮૬૮૪૬૦૧, E-mail: mahyavanshimanoj@yahoo.co.in
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel