SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
‘ધ અલ્કેમિસ્ટ’-આસ્વાદ
‘ધ અલ્કેમિસ્ટ’નો સામાન્ય ગુજરાતી અર્થ કીમિયાગર એવો થાય છે. જીવનમાં પ્રત્યેક વ્યક્તિના પોતાનાં કેટલાક સ્વપ્નો સેવેલા હોય છે. આવા સ્વપ્નોને સાકાર કરવા અર્થે પૂરક પુરુષાર્થ અનિવાર્ય છે. આવા જ કોઇ સ્વપનને સાકાર કરવા મથતા સાન્તિયાગોના એક રોમાંચક, સ્વપ્નિલ સફરની રજૂઆત કરતી ‘ધ અલ્કેમિસ્ટ’ નવલકથાનાં સર્જક ‘પોલો કોએલો’ છે. બ્રાઝિલના રિયો ખાતે 1947ના ઓગષ્ટમાં જન્મેલાં પોલોએ બાળપણથી જ લેખકની કારકિર્દી બનાવવાનું નક્કી કરેલું. લેખક તરીકેની તેમની અનન્ય સાહિત્યભાવનાને ઠારી દેવા માટે તેમના માતા-પિતાએ જ અનેક રૂકાવટો પેદા કરેલી. આમ છતાં પોલોની નિયતિને કોઇ અવરોધી શક્યું નહીં.
આજના સમયે પોલો વિશ્વસ્તરના બેસ્ટસેલર લેખક છે અને એમના અત્યંત પ્રચલિત પુસ્તકોમાં ‘ધ અલ્કેમિસ્ટ’ ઉપરાંત ‘બાય ધી રિવર પેએડ્રા આઇ સેટ ડાઉન એન્ડ વેપ્ટ’, ‘ધી ફિફ્થ માઉન્ટ’, ‘વેરોનિકા ડીસાઇડસ ટુ ડાય’, ‘ધી ડેવિલ એન્ડ મિસ પ્રીમ’, ‘મેન્યુઅલ ઑફ ધી વેરિયર ઑફ લાઇટ’, ‘ઇલેવન મિનિટ્સ’ અને ‘ધી ઝહીર’નો સમાવેશ થાય છે.
ઘેટાં ચરાવતાં અને ગોવાળનું ભટકતું જીવન ગાળતાં સાન્તિયાગો નામનાં છોકરાનાં પાત્રથી પ્રસ્તુત નવલકથા આરંભાય છે. રાતના સમયે એક તૂટેલાં દેવળમાં આવેલ અંજીરના વૃક્ષ નીચે એ સૂઇ જાય છે. ઉંઘમાં તેને પિરામિડો પાસે આવેલાં એક ખજાનાનું સ્વપ્ન આવે છે. જે અગાઉ પણ તેને બરાબર આ જ વૃક્ષ નીચે આવ્યું હતું. બે વખત આવેલા એકના એક સ્વપ્નને સાકાર કરવા સાન્તિયાગો કટિબધ્ધ બને છે. અને અહીંથી જ તેની નિયતિના કોયડાઓનો ખેલ શરૂ થાય છે. બીજા દિવસે સાન્તિયાગો તેનાં ઘેટાઓનું ઉન ઉતરાવવા માટે પાસેના ગામનાં એક વેપારીને ત્યાં જાય છે જ્યાં તે હંમેશા પોતાના ઘેટાઓનું ઉન ઉતરાવતો હતો. પ્રેમ વિશેની કશી ઝાઝી સૂઝ ન હોવા છતાંય સાન્તિયાગો એન્ડુલેસિયા પ્રદેશની સૌંદર્યની દેવી સમાન એ વેપારીની છોકરીને જોઇ કોઇ જુદો જ ભાવ અનુભવતો હતો. તો વળી એ વેપારીની છોકરી પણ સાન્તિયાગોને વાંચતો જોઇ અન્ય ભરવાડો કરતાં જરા જુદો માનતી હતી.
સાન્તિયાગો પાસે સંપત્તિ કહી શકાય એવું તો કશું હતું જ નહીં આમ છતાં એનું જેકેટ, પુસ્તક અને હંમેશા સાથે રહેતી વાઇનની બોટલ એની સઘળી સંપત્તિ હતી. સાન્તિયાગો પુસ્તકનો વાંચવા ઉપરાંત રાત્રે સૂતી વખતે ઓશીકા તરીકેય ઉપયોગ કરતો અને એક પુસ્તક વંચાઇ ગયા બાદ તેના બદલામાં અન્ય પુસ્તક મેળવી લેતો અને પુસ્તક વધુને વધુ જાડું લેવાનો તે આગ્રહ રાખતો કારણ કે રાત્રે ઓશીકું પણ એટલું જ જાડું મળી રહે.
સ્વપ્નને વાગોળતો સાન્તિયાગો ટારિફામાં રહેતી વૃધ્ધા પાસે તેનાં સ્વપ્નનો ભેદ ઉકેલાવા માટે પહોંચી જાય છે. વૃધ્ધાને ખજાનો મળ્યે દસમો ભાગ આપવાનું તે વચન આપે છે તો વળી વૃધ્ધા સ્વપ્નનાં ભેદમાં સાન્તિયાગોને સ્વપ્નની જગ્યાએ પહોંચવાનું અનિવાર્ય હોવાનું જણાવે છે. શું કરવું શું ન કરવુંની અવઢવ અનુભવતો સાન્તિયાગો તેની વાઇનની બોટલમાંથી થોડો વાઇન પી તેનાં ઘેટાઓને મિત્રનાં ફાર્મમાં મૂકી નિરાંતે બજારના ચોકમાં પુસ્તક વાંચવા બેસે છે. એ જ સમયે તેને ત્યાં મળવા એક વૃધ્ધ આવે છે જે ‘સાલેમના રાજા’ છે અને તેઓ સાન્તિયાગોના સ્વપ્ન અને એ અંગેની તેનાં મનની તમામ વાતોને જાણે છે. સાન્તિયાગોની સફળતાં માટે તેઓ તેને ‘યુરિમ’ અને ‘થુમિમ’ નામનાં બે રત્નો પણ આપે છે.
સાલેમનાં રાજા સાથેની મુલાકાતથી સાન્તિયાગોનો સ્વપ્નને સાકાર કરવાનો નિર્ણય વધુ દ્રઢ બને છે પરિણામે થોડાં ઘેટાં એ વૃધ્ધાને આપી અન્ય ઘેટાં વેચી એના પૈસાથી એ નીકળી પડે છે ઇજીપ્તના પિરામિડો સુધી પહોંચવા માટે. અખાત પાર કરીને સાન્તિયાગો આફ્રિકા પહોંચે છે. જેની પર તે આંધળો વિશ્વાસ મૂકે છે તે જ યુવક તેની સાથે દગો કરી તેનાં સઘળાં પૈસા લઇ પલાયન થઇ જાય છે. આમ, છતાં નિરાશ થયા વિના સાન્તિયાગો ત્યાંના એક પ્યાલા-બરણી વાળાની દુકાને કામ કરવાનું શરૂ કરે છે. દુકાનદારને તે અઢળક રૂપિયા કમાઇ આપે છે અને થોડાં રૂપિયા પોતે લઇ ઊંટ ખરીદીને સહરાનું રણ પસાર કરનારી એક વણઝાર સાથે તે જોડાઇ જાય છે. અત્યંત ભયાવહ મુશ્કેલીઓ પાર કરી સાન્તિયાગો અલ-ફયુમ નામના રણદ્વીપ પર જઇ પહોંચે છે. અસંખ્ય રંગબેરંગી તંબુઓથી શોભતું અલ-ફયુમ રણનું સ્વર્ગ ભાસે છે. સાન્તિયાગો ત્યાં રહોનારી ફાતિમાનાં પ્રેમમાં પડે છે અને ખજાનો મળતાં તેને પોતાની સાથે લઇ જવાનું વચન આપે છે. વળી, ત્યાં જ થોડે દૂર રહેતાં કીમિયાગરને શોધવામાં તે સફળ રહે છે અને કીમિયાગર પાસેથી તે અનેક અવનવી બાબતો શીખે છે. તો વળી, કયારેય ન જોયેલાં પારસમણીને પણ નજરોનજર જુએ છે.
સાન્તિયાગો-કીમિયાગર બંને રણ પસાર કરી પિરામિડો તરફ આગળ વધતાં રણમાંનાં એક પડાવનાં સૈનિકોને હાથે પકડાઇ જાય છે જયાં સાન્તિયાગોને પોતાનામાં પડેલી એવી અજાણી શક્તિઓને ઉજાગર કરવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. પિરામિડોએ પહોંચીને પોતાનાં સ્વપ્નને સાકાર થતું જો તો સાન્તિયાગો અત્યંત હર્ષિત થઇ ઉઠે છે અને બરાબર સ્વપ્નમાં જોયેલી જગ્યાએ ખોદવાનું શરૂ કરે છે. એ જ સમયે કેટલાક લોકો ત્યાં આવી પહોંચે છે, સાન્તિયાગોને ખાડો ખોદતો જોઇ તે કંઇક છુપાવી રહયો હોવાનું માની તેને ખૂબ માર મારે છે. કીમિયાગરે તેને આપેલો એકમાત્ર સોનાનો ટુકડો પણ તેઓ છીનવી લે છે. જયારે સાન્તિયાગો આ લોકોને પોતાના સ્વપ્નની હકીકત જણાવે છે, ત્યારે તેઓ તેને મારવાનું બંધ કરે છે. એમનામાંનો એક સરદાર જેવો જણાતો માણસ પોતાને પણ સ્પેનના મેદાનોના એક ખંડેર થઇ ગયેલાં દેવળમાં આવેલાં અંજીરના વૃક્ષ નીચે રહેલા ખજાનાનું સ્વપ્ન વારંવાર આવતું હોવાનું જણાવે છે. વળી, પોતે સાન્તિયાગો જેવો મુર્ખ ન હોવાથી ત્યાં જઇ પોતાની શક્તિ, સમય અને પૈસાનો વ્યય કરતો નથી એમ જણાવી તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે. આ પ્રસંગથી સાન્તિયાગોનો આનંદ બેવડાઇ જાય છે કારણ કે હવે તેને પોતાનો ખજાનો કયાં મળશે તેની ખાતરી થઇ ગઇ છે અંતે તે અંજીરના વૃક્ષ નીચે રહેલો ખજાનો મેળવી પોતે જોયેલાં સ્વપ્નને સાકાર કરે છે.
આમ, સમગ્ર નવલકથા સાન્તિયાગો અને એના ઘેટાંઓનાં એક શાંત પરિવેશમાં ઉઘડે છે અને ઘેટાઓની સાથે સતત ફરતાં રહેતાં સાન્તિયાગોના માધ્યમથી વાચકને પણ વિવિધ વિસ્તારોની લટાર મરાવતી રહે છે. સહરાનું રણ ત્યાં પડનારી ગરમી, રાતની એવી જ સખત ઠંડી અને રણદ્વીપ, અલ-ફયુમનાં કૂવા, ખજૂર વૃક્ષો અને રંગીન તંબુઓ ઉપરાંત ત્યાંના લોકોની જીવનશૈલીનું જાણે આખુ ચિત્ર ખડું થાય છે. કથાને પોષક એવી પાત્રસૃષ્ટિનું નિર્માણ થયું છે. મુખ્ય અને ગૌણપાત્રોના સંયોગથી જ કથાપ્રવાહ વધુને વધુ રોમાંચકતાને ઓઢતો જાય છે તો વળી સંઘર્ષ પણ કથામાં આરંભથી અંત સુધી ભરપૂર જણાય છે. નિયતિને પામવા મથતાં સાન્તિયાગોને ડગલે ને પગલે શારીરિક અને માનસિક સંઘર્ષોમાંથી પસાર થતું રહેવું પડે છે. કહેવું હોય તો કહી શકાય કે પ્રસ્તુત નવલકથામાં સાન્તિયાગોનાં પાત્રનો પર્યાય જ જાણે સંઘર્ષ બની રહયો છે. તો વળી, સંવાદકળાની દ્રષ્ટિએ પણ નવલકથામાં ક્યાંય કોઇ ઉણપ વર્તાતી નથી. અત્યંત નાના, શાંત છતાં સચોટ સંવાદો સમગ્ર નવલકથાનો ઘાટ ઘડી આપવા સમર્થ નિવડ્યા છે.
સમગ્ર નવલકથાના સારરૂપે અહીં કહેવું જ રહયું કે સર્જકે વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી ભાવકોને નવલકથાના માધ્યમથી એક સુંદર જીવનલક્ષી બોધ પૂરો પાડયો છે. જીવનમાં આવતાં અવરોધોને નજરઅંદાજ કરી આગળ વધતાં રહેવાથી રસ્તો આપોઆપ જ થતો રહે છે. પારાવાર મુશ્કેલીઓમાંય પ્રત્યેક માણસને પોતાના કાર્યના સુસંગત એવા શુભ સંકેતો મળતાં રહે છે જેને ઓળખવાનો દ્રષ્ટિકોણ વિકસાવવો અનિવાર્ય છે. આપણા દ્વારા થતું કોઇ પણ કાર્ય એ સમગ્ર વિશ્વનીચેતનાને વત્તા-ઓછા અંશે પ્રભાવિત કરે છે જેથી આપણા કાર્યો હંમેશા વૈશ્વિક ચેતનાને હકારાત્મક અસર કરનારા હોવા જોઇએ. એ આપણી નૈતિક જવાબદારી છે.
અંતે નવલકથાના કેટલાક એવા ઉપદેશાત્મક વિધાનો કે જે આપણી સુવાક્યોની જમા પૂંજીનાં બેલેન્સમાં નજીવો વધારો કરશે પણ કદાચ જીવનમાં તો...
******************************
ભાર્ગવ પં ભટ્ટ
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel