SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
ઊડણચરકલડી
આ દસ આ દસ પીપળો, આ દસ દાદાના દેશ જો,
‘તું તો રે બેની, ઊડણચર...કલ...ડી...’
ડેલાની બાયુંએ આંસુઘેરી આંખ્યે ગીત ઉપાડ્યું ત્યારે ગોરમા’રાજે થાપા દેવાની વિધિની સૂચના કરી. જીવીએ કંકુની થાળીમાં હાથ બોળ્યા ન બોળ્યા ને જરીક અમથો ભાર દઇને થાપા માર્યા. એના હાથ બરોબર ઉપસ્યા નહીં. ‘ગગલી, હરખો ભાર તો દે બટા..’ -એકાદ ખોખલી ડોશીનો અવાજ ગીતમાં ઢંકાઈ ગયો. કે જીવીએ જાણે કંઈ સાંભળ્યું જ નહીં. ડેલાના ખખડધજ બારણાને આ નવું નહોતું. નવીનવેલી પરણેતરો જે ઉમંગથી ડેલામાં પગ દેતી એનાથી ઝાઝો ઉમંગ પરણીને જતી એ ટાણે દીકરીયુંમાં ડેલાએ ભાળેલો.
આજ જીવલીનું ય એવું જ થ્યું. ચરકલડીને ઊડી જવાની એવી ઉતાવળ હતી...!! આગળ મનસુખ, પાછળ જીવી, એની પાછળ જાનડિયું ને એની પાછળ ડેલાની બાયું. ખાંચે મીની ટ્રક ઊભી રાખેલી. રેલ્વે સ્ટેશનેથી અમદાવાદની ગાડીમાં જાન પાછી જવાની હતી.
ઉતાવળી જીવીને આંતરીને એની બેનપણયું રીતસરની ચોંટી પડી. બેન, હાસવીને રેજે. આપડી ‘રામસભા’ને યાદ કરજે. એની ખાસમખાસ બેનપણી સવલી થોડીક વધુ બોલકી. જીવીને ભેટતી વેળા ખોટાં ડૂસ્કાં ભરતી હળવેકથી એના કાનમાં કહે
‘બેન, તને તો સમજી ડોશીના આશરવાદ ભારી ફળ્યાં હો..મજાનો કલૈયાકુંવર જેવો નોકરિયાત મૂરતિયો જડ્યો. ને આંઇનું હાટું વાળી દયે એવું ઘર જડ્યું..તારે તો બેન, ઘરમાં ઘર..ને ફળિયામાં....!!!’ અમારે તો ઇની ઇ રામસભા. તને યાદ કરીને નિહાકા નાખશું, બીજુ હું...?’
જીવી સમજી. સવલી રોજ રાતના ટાણે ડબલાંવાળી વાત કરતી હતી. કમળી ડોશીએ નામ પાડેલું. રાતે બધાં- ગયેલા પોલીટેકનિક ને નામકરણ થયેલું. ડોશી પાછાં રોનકી તે બેઠા બેઠા ગાય. ‘રામસભામાં અમે રમવાને ગ્યા’તા. ડબલાં ભરીને પાણી ઢોળ્યાં રે...’ અટાણે એનું ઇ વાતે મરકલડું...! જીવીએ પડખે ઊભેલા એના એ તરફ નજર કરી. રોવાનો ઢોંગ કરતી મલકી. વિદાયવિધિ લંબાતી હતી ને મૂરત ખોટી થતું હતું. એની ગોર મારાજે ટકોર કરીઃ ‘હાલ્યો, બેન્યું, હવે બેક ઉતાવળ રાખો. પછી ચોઘડિયું નથી હારું.’
એનો વર ટેબલે પગ મૂકીને ટ્રકમા ચડવા જતો’તો. એને એમ કે જીવીને હાથ દઇને ટેકો કરે. પણ ગોરમા’રાજના શબ્દો પૂરાં થતાં ભેળી તો જીવી ચપ લેતાની ટ્રકમાં કૂદી ગઈ. જાનડિયુંને જોણું થ્યું. ‘બાઈ, આંઈ ઉતાવળ તો જૂઓ.’ ડેલાની બાયુંએ જમાઈરાજને ટકોર કરીઃ ‘મનસુખલાલ આને તો વિમાનમાં બેહાડીને લઈ જાવ.’ મનસુખલાલ મલક્યાં. ઠેકડો મારીને અંદર. પાછળ એક પછી એક જાનૈયા.
જાનપક્ષની બાયુંએ જમણાં મોહનથાળના બટકાં સારીપટ ઉડાવેલા તે અવાજ બેસી ગયેલા. તોય ગીત ઉપાડ્યુઃ ‘પરણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણે દેશ ...જો…”
એક હડદોલો લાગ્યો. મીની ટ્રકનું પૈડું સીંચાણું. વરરાજાને લાડી હાર્યે અથડાવાની મજા આવી. ટ્રક સ્ટેશન ભણી રવાના થયો. મજાનાં ગાદલાં બિછાવેલા ટ્રકમાં-‘વવનાં પિયરીયાએ હારી વ્યવસ્થા કરી છે હો.’ એવું બે-ત્રણ વડિલો બોલ્યા તે ગાણાં અવાજમાં સંભળાણું નહીં. જીવીને ઊભા થઈને પોતાનું ગામમ ને ગલીઓ જોઈ લેવાનું મન થઈ આવ્યું. પણ સંકોચથી બેસી રહી. ટ્રક ચાલતી રહી એમ જીવી મનોમન રસ્તામાં આવતાં પરિચિત સ્થળોનો તાળો અંદાજે મેળવતી રહી. એ.વી.સ્કુલ ગઈ...ભીખાની ચાલી..આ હવે...સુલભ...હવે ગામતળાવ...હવે પાનવાડી..હવે...ત્યાં વરરાજાએ કોણી મારી આંખના ઇશારે પ્રશ્નાર્થ કર્યો. જીવી નીચું જોઈ ડોકું સહેજ ધુણાવી કંઈ નહીં..સૂચવ્યું. મનસુખે સમયસર પાછી વાળી. જીવીને થયું. પોલીટેકનિકનું સ્થળ એટલી વારમાં નીકળી ગયું. ‘હારું થ્યું. બળ્યું અટાણે આ રામસભામાં રમવાના ઠેકાણાં જ કાં યાદ આવ્યાં...’ એને તો બધા જ સમરણ જ ભૂંસી નાંખવાતા. હવે આને ક્યાં હાર્યે લઇ જવાના છ...? એની વિચારમાળા આગળ ચાલે ત્યાં એક બુઝર્ગે બાયુંને ગાણાં બંધ કરવાનું કહ્યું..’હવે ટેશન આવી ગયું. ઘડીક જપો.’
વરરાજા ઉતર્યા. સાસુમાએ જીવીને હળવેકથી બાવડું પકડીને ઉતરવામાં મદદ કરી. એમણે જ ટ્રેનથી ટ્રેનનું ટાઇમટેબલ જાન લઇ જવાનું બનાવેલું. રાતના આઠ વાગ્યે ટ્રેનમાં જાન નીકળી. સવારે ગાડીમાં બધા ફ્રેશ થઈ જાય ત્યાં નવ વાગ્યે જીવીના માંડવે. અત્યારે આઠની ગાડીમાં બેઠા...તે સવાર પડતામાં પાછા ઘર ભેગા. છોકરી સારી જડતી હોય તો ક્યાં રયે છે એની ફકર પંચાત શું કરવાની...? આ કોઠાડહાપણ મનસુખની માનું. મનસુખના બાપા પાછા થ્યા પછી મનસુખને મોટો કરવામાં આ ડહાપણ ભણેલી મનસુખની મા. જીવી ને મનસુખને ભેગા બેઠેલા જોઈને એમની આંતરડી ઠરી. છોડી હવે બધું ઉપાડી તો લેશેને...!
જીવીને તો ઝટ્ટ સાસરે પહોંચીને બધું સંભાળી લેવું હતું. પણ ગાડી ઉપડે ત્યારેને...? આ ગાડી સાથે એનો બહુ સારો અનુભવ નહોતો. ‘રામસભા’ ટ્રેનમાં ભરવાનું નક્કી કરવું પડેલું. ડેલાની દસપંદર બાયુ આવી’તી. એને ને સવલીને થોડીક વાર લાગે ને ગાડી ઉપડી ગયેલી. ફફડતે જીવે ઠેઠ ગઢેચી વડલા સ્ટેશને પહોંચી ગયેલા. પાટે પાટે પાછા આવેલા. ત્યાર પછી આજે ગાડીમાં બેસવાનું થયું. તે ય કેવા પ્રસંગે. જાનૈયા તો થાક્યા’તા તે ઝોલે ચડી ગયેલા. મનસુખે થોડીક છૂટ લીધી. હળવેથી પૂછ્યુઃ ‘આ કયું સ્ટેશન..? જીવીએ સાહસ કર્યું. ‘ગઢેચી વડલા’. ધીમેતી ગણગણી. ‘આને ક્યાંથી ખબર.. ? ના ના, એ તો અમથા જ પૂછતા હશે. પણ મારેય હવે ક્યાં સુધી આ યાદ રાખવાનું...? કાલથી તો ઘરમાં ઘર ને ફળિયામાં...! ગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ જીવીના ચહેરા પર ચમક વધતી ગઈ.
મનસુખની માને ખૂબ નવાઈ લાગી. છોડી ધારી’તી એના કરતાં વધુ દઇ નીકળી. ઘરનું કામ બધું ઉપાડી લીધું. સવારમાં ચાર વાગ્યામાં ઊઠી જાય. ફટોફટ ઘર વાળી-ચોળી મનસુખનું ટિફિન બનાવી દ્યે. સાત ખોટની સાસુનું બહુ ધ્યાન રાખે. ‘બા તમને આમ કરી દઉં ને બા તમારા પગ ડાબી દઉં.’ બાના આટલા વરસનાં બધા અભાવ ભાવથી ભરી દીધા. કામે કાજે પાછી ચોખ્ખી. આખા ઘરમાં ધૂળની રજ સરખી ન રહેવા દ્યે. ઘરની લાદી તો પોતા કરી કરીને ચકચકતી કરી નાખે. મનસુખની માને એક વાત ન સમજાય. આખું વરસ હાલતો ફિનાઇલનો બાટલો જીવી એક મહિનામાં ખાલી કરી નાખે. એમાંય લેટરીનમાં તો એટલું બધું ફિનાઈલ નાખે કે વાત નઈ. પાછી અંદર ગઈ હોય તો કલાક કાઢી નાખે. એકવાર તો એમણે જીવીને ચમકાવી દીધી. ‘વહુ બટા..આઠ દિવસથી જોઉં છું, તમને અંદર આટલી બધી વાર કેમ લાગે છે ? આ હું ને મનસુખ તો ગ્યા ભેરા બા’રા. તમને ખાવામાં તો વાર નથી લાગતી. હું પેલો કોળિયો લઉં લઉં ત્યાં તો તમે લૂસ લૂસ ખાઈ લેતા હો છોં. તો ન્યાં કેમ કલાક થઈ જાય છે. અંદર ઊંઘી તો નથી જાતાને બટા.? કે પછી કંઈ પેટમાં ગડબડ રેતી નથી ને...? એવું કંઈ હોય તો વિનાસંકોચ કહી દેવું બાપા. શરમ નોં રાખવી દાકતરને બતાડવું છે...?’
જવાબ શું દેવો તે જીવીને સુઝ્યું નહીં. પોતે આટલા વરસનું સાટું વાળે છે ને ટાઈલ્સવાળી મજાની જગ્યાનો લેવાય એટલો લાભ લેવા બેઠી રહે છે ને બેઠી બેઠી પિયરની પનોતી સંભારતી રયે છે તે બાને કેમ કેવાય. એમને કેવું લાગે.? એટલે, ‘ના, બા એવું કાંઇ નથી એ તો સેજ વાર લાગી જાય છે. હવે નહિ લગાડું’- કહીને વાત વાળવા એણે પ્રયત્ન કરેલો.
મનસુખ ને બા એ જ જીવીની દુનિયા. આટલા સમયમાં એણે એના પિયરીયાને ભાગ્યે જ યાદ કરેલા. એક વાર મનસુખે પૂછી લીધું. ‘જીવી તને તારા મા-બાપ યાદ નથી આવતાં...? આણે જવાનીય ના પાડી દીધી’તી. ને હજી સુધીમાં એકવાર પણ તેં પિયર જવાનું નામ નથી લીધું.’ જીવલીનો જીવ મનસુખ સાથે બરાબર મળી ગયેલો. હવે એની પાસે શું છૂપાવવાનું હોય.? એણે વિના સંકોચે કહી દીધુઃ સાચું કહું...’તમે ને બા, બેય જણાં મને એવી સાચવો છો કે મને પિયરીયાની યાદ નથી આવવા દેતા. નહીં જવાનું એક કારણે તમે બેય. બાએ આખી જિંદગી ઢસરડા કર્યાં છે, હવે એને બે ત્રણ દિ પણ બધું કરવું પડે તો બિચારા થાકી જાય.’
‘બરાબર. હવે બીજું કારણ કહે હાલ,’
જીવી સેજ ઝંખવાણી. ‘બીજું કારણ કહીશ તો તમે હસશો પાછા. આંઇ આપણાં ઘરમાં જે છે ને એ અમારા ડેલામાં નથી’. પછી એણે ડેલાની બાયુંની કઠણાઈની, રામસભાની કહાણી માંડીને ઘણીને કરી. બેયને હસતા હસતા રોવાઈ ગયું. ‘ઠીક ત્યારે એમ વાત છે? ત્યારે અમારા કરતાં તો તને આ નવી રામસભાની માયા લાગી છે. એમ કહેને. આ તો તે મને કોઈ દિ કીધું જ નોતું.?’ -મનસુખે મજા કરેલી.
જીવલીને એવો જલસો પડી ગયો કે આજકાલ કરતાં વરસનું વહાણું વાઈ ગયું. પિયર સાંભરે વાત કરે ફોનમાં. મનસુખે મોબાઈલ અપાવી દીધેલો. પોતાના સુખના સમાચાર મોકલ્યા કરે. સવલી હાર્યે વિગતે વાત કરે. પોતાના સુન્ડલો એક સુખની. મા-બાપ આગ્રહ કરે. ‘એક આંટો તો આવી જા, બેન...’ પણ બેનબાને તો મૈયરમાં મનડું માનતું નથી. બાનું અને મનસુખની નોકરીનું બહાનું જીવલીને હાથવગું જ હોય.
એક સવારમાં મા અને એનો ભાઈ પરેશ પ્રગટ થયા. પરેશના લગનની કંકોત્રી લઇને આવેલા. મા કહેઃ ‘બેન, પરેશના અખાત્રીજના લગન લીધા સે. તેડું કરવા આવ્યા સંઈ. પંદરેક જમણ તો તારે રોકાવું જ પડે. તારા વિના કંઈ થાય નહીં.’
જીવલીને પરેશ ખુબ વહાલો. નાનો હતો ત્યારે ડબલું લઈને રામસભામાં ધરાર આવતો. ‘ઓહો. કાલ સવારનો ટીનકુકડ઼ો પરિયો તો વરરાજો થવાનો.’ બેન પોરસાણી. ભાઈના લગનનો ઉત્સાહ કઇ બેનને નો હોય.?
પણ...જીવલીને તરત જવાબ સૂઝ્યો નહીં.
જીવીની સાસુએ પણ આગ્રહ કર્યો.
‘વહુબેટા જઈ આવો. વરસદિવસથી ગયા નથી. ભાઈનેય હરખ હોય ને...? મારી એકની એક મોટીબેન છેડાછેડી બાંધે.?’
જીવી મૂંઝાણી. માને છાણે ખૂણી સમજાવી. એ જ મનસુખની નોકરી, સાસુની તબિયતની આડી દઈને. ‘જેમ બને એમ વેલા આવી જઈશ.’ કરીને બેયને વળાવ્યા. રાતે મનસુખે મશ્કરી કરી.
‘મને ખબર છે, તું કેમ નથી જાતી. પણ ડેલામાંય હવે તો સગવડ થઈ નહીં હોય રામસભાની...?’
‘ના રે ના..હજી એમનામ જ હાલે છે. હવે મને એ બધું કેમ ફાવે. હાસુ કઉં..? આ ફિનાઈલની સુગંધની માયા લાગી ગઈ છે. અ...ને..તમારી ય માયા લાગી ગઈ છે.’
‘અમારી કે આ ફિનાઈલના બાટલાની..?’
‘જાવને હવે...કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય..જીવી રોવા જેવી થઈ ગઈ.’
પરેશના લગન ઢૂંકડા ને ઢૂંકડા આવતા ગયા ને જીવલીના જીગરમાં ટુકડે ટૂકડા, મૂંઝવણોની કચ્ચરો ઘૂમરાવા લાગી. જાવું જ જોઈએ. પણ વળી ડબલાની ય ચકરાવા લાગી. ના, ના, કંઈ નથી જાવું. આ બાજું જીવલી આવી રીતે મૂઝાણી ને પેલી બાજુ ડેલાની બાયું રાહ જુએ. આવડી આ ઉડણચરકલડી તો નવી નવ્વાઈની પયણી છે. તય્ણ વરહ થ્યા. ડેલામાં પગ ઠામુકો મુક્યો નથ છોડીએ. એકનો એક ભાઈ પયણે સ. લગન આડા તય્ણ દિ ર્યાસ તોય આજ આવું કાલ આવું કરેસ. અલી સવલી, તારે તારી બેનપણી હાર્યે કાંઇ વાતચીત થાય સે કે નંઈ...?
થોથવાતી- સંકોચાતી સવલીએ જીવી કેમ નથી આવતી એની વાત કરી ત્યાં તો કોચા બોલાં કમળી ડોશીનો બાટલો ફાટ્યો. ડબલું ઉલાળતા બોલ્યાઃ ‘મેર મૂઇ...આયાં અમારી હાર્યે ડબલે નીકળતી તંયે શરમ નોતી આવતી.? નવી નવાઈની અં’દાદ ગઈ સે ને સનેસત્તા થઈ ગઇ સે..!! એકના એક ભાઈનોય વસાર નથી કરતી...?’
સવિતા ઉર્ફે સવલીએ રાતે અગ્યાર વાગે- ફ્રી ટોકટાઇમમાં પોતાની ખાસ ફ્રેન્ડ ને આ બળાપો પોગાડ્યો. ‘જીવી તું બરાબર નથી કરતી હોં. આંય માસી ને તારો ભાઈ બેય મુંઝાય છે. બધાને શું જવાબ દેશું. પરિયો તો તું નહીં આવ તો ઘોડે ચડવાની ના પાડતોતો. તું મેરબાની કરીને આવ બેન. લાવ, જીજુને આપ.’
સવલીએ એના જીજુને આખી પરિસ્થિતિ સમજાવી. જીવી તાકી રહી મનસુખને. ‘હું હમજું જ સુ બધુંય. પંદર દીથ્યા ખાવું ગળે નથ ઉતરતું. બધાયની વાત હાસી. પણ મન સેંય માનતું નથી. પસી તમે જેમ ક્યો એમ કરું.’
‘તું આવા સારા પ્રસંગે નહીં જ જાય તો અમે ભૂંડા દેખાશું. એક કામ કરીએ. તને પરણવા ગાડીમાં આવ્યાં’તા ને, એમ રાતની ઇન્ટરસીટીમાં જઈએ. સવારમાં ત્યાં. વળતી ઇન્ટરમાં રાતે ત્યાંથી ઘરભેગા અને ગાડીમાં તો તમારા માટે હાઈક્લા...વ્યવસ્થા છે જ. ઉપડી જાય તો અધવચ્ચે ઉતરીને ટાંટિયા તોડ કરવી પડે એવું તો છે નહીં. અમદાવાદથી અમદાવાદ- સરક્યુલર રૂટ. હું ભેગોને ભેગો’. જીવીએ શરમભર્યા હેતથી છણકો કર્યો. ‘તમે તો એવા જ છો. તમને બધું કહીએ ત્યારે આવી મશ્કરી સૂઝે છે ને...સારું હવે બેલેન્સ હોય તો ફોન જોડીને સવલીને કહઇ દ્યોને કે ...મંડપમૂરતમાં પોગી જાશું.’
ડેલામાં સવલીન્યુઝ- ‘બેન ને મનસુખજીજુ સવારમાં મંડપમૂરતમાં આવે સે.’ ડોશીયુંએ ગણગણ કર્યું.
‘લ્યો, મડમડી મંડપમૂરતમાં આવે સે.’
ડોશીયું હજી વધું સરસ્વતી સંભળાવે ત્યાં જ જીવીને માએ વાળ્યુઃ ‘મંડપમૂરત તો મંડપમૂરત. છોડી ટાણે પૂગે સે ઇ જ ઘણું નંઈ...!?’
******************************
મહેન્દ્રસિંહ પરમાર
ભાવનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel