SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
હું ખોટો છું.
સાચું અને ખોટું એ વિશે બધાને કઈ ને કઈ કહેવું હોય છે. મોટા ભાગની કૃતિઓમાં આપણે જોયું છે કે ખોટું બોલનાર છેલ્લી બે ત્રણ લીટીમાં હેરાન થાય છે. એનો સરળ અર્થ એ કે છેલ્લા સમયમાં હેરાન થવાય છે એમ જાણવા છતાં લોકો ખોટને છાંયડે જલસા કરે છે. દરેક જણ, હું સાચો છું એમ માને છે અને મનાવે છે અને પોતાનું જે ખોટું છે એ ખોટું નહિ પણ સાચું જ છે એમ સિદ્ધ કરવામાં જીવન પૂરું કરે છે.
આટલી દાર્શનિક વાતો પછી મારા વિદ્વાન હોવા અંગે ભાગ્યેજ કોઈને શંકા રહી હશે. હવે સરળ વાતો કરું, નાનો હતો ત્યારે લોકો કહેતા કે આ રૂપિયો ખોટો છે. અંધ થયો તો લોકોના મતે કોઈ ખોટા કર્મનું ફળ ભોગવું છું એમ ખબર પડી. મિત્રોના મતે હું ખોટી રીતે લાઈટ વાપરતો હતો (ગયા જનમમાં) એનું બીલ હજુ બાકી છે એટલે આ વખતે વિજળી વિભાગ તરફથી મારા માટે દોરડા કાપી નાખવામાં આવ્યા છે.
થોડોક મોટો થયો એટલે કે રમવા જેવડો થયો ત્યારે મને દહીમાં અને દૂધમાં એ રીતે રમાડવામાં આવતો, એટલે મારે દોડ્યા જ કરવાનું, મારા પર દાવ આવે તો પણ દાવ આપવાનો નહિ. એને લીધે રમનારાઓમાં ઘણી વખત ખોટા ઝઘડાઓ થતા. તો પણ મને ખોટી રીતે રમાડવો તો પડતો જ. અહી સુધી તો બહુ અંદાજ આવતો નહિ પણ ધીમે ધીમે વધુ મોટો થયો અને હું સમજદાર થયો છું એમ માનતો થયો ત્યારે પણ વાતે વાતે ખોટો જ પડતો. શાળા કોલેજમાં મારી માન્યતાઓ અભિપ્રાયો બધું જ ખોટું પડતું. દા.ત. હું જેને હાસ્યની વાર્તા સમજતો, વિદ્વાનોના મતે એ હળવી શૈલીની વાર્તા નીકળતી. મારા પ્રશ્નો અસ્થાને અને ઘણી વખત ખોટા સાબિત થયા છે. ખોટું બોલવાની આદત ન હોવા છતાં હું ખોટો સિદ્ધ થતો રહ્યો છું.
હજુ થોડાક વધારે પુરાવાઓ આપું, પરણવા યોગ્ય થયો એટલે પરણ્યો. પરણવા જેવડો તો હું ક્યારનોય થઇ ગયો હતો. પરણ્યા પછી પત્નીના મતે (એના ધાર્યા કામ ન થાય ત્યારે) હું ખોટો છું અને ખોટું બોલું છું એમ સ્પષ્ટ અભિપ્રાય આવતો. દીકરો તો દા’ડામાં દસ વખત “પપ્પા તમે ખોટું બોલો છો” એમ કહે છે.
કોઈ વખત ખોટી બસમાં બેસીને ખોટી જગ્યાએ ઉતર્યો છું, તો કોઈ વખત સાચી બસમાં બેસીને પણ ખોટી જગ્યાએ ઉતર્યો છું. કોઈને સાચી વાત કહો તો પણ એમને ખોટ્ટું લાગી જાય છે. સત્ય માટે કંઈ કરવાનું નથી તો પણ માનવ જાતે બહુ જતન અને માવજતથી જુઠના ઝાડ ઉગાડયા છે. કેટલાયનો ધંધો પણ જુઠ ઉપર ચાલે છે. આવું જાણવા છતાં પણ મારે ઘણી વખત ખોટ્ટા પડવું પડ્યું છે. આવો અનુભવ ઘણાને હશે. આટલી બધી વાર ખોટ્ટા પૂરવાર થવાનું થાય ત્યારે હું આપો આપ ખોટ્ટો પડું છું. વારંવાર બોલાયેલું જુઠ સત્ય બની જાય છે એ ન્યાએ ઉપરોક્ત વિધાન મેં લખ્યું છે, આશા છે કે આ નાનકડા લેખને તો તમે ખોટ્ટો નહિ જ પાડો, બાકી રામ જાણે.
******************************
લાભુભાઈ લાવરિયા
ધ્રાંગધ્રા
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel