SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
“કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો ?” નો નાટ્ય ઝંકાર
‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ ના લેખક મધુરાયનું મૂળ નામ મધુસુદન વલ્લભદાસ ઠાકરનો જન્મ 16, જુલાઇ 1942માં જામખંભાળિયામાં થયો. તેમના પિતા કલકત્તામાં નોકરી કરતાં હોય તેનો અભ્યાસ અને લેખનની શરૂઆત કલકત્તાથી થઇ. કલકત્તાથી અમદાવાદ આવી તેમણે ‘સંદેશ’ દૈનિક અને ‘નિરીક્ષક’ સાપ્તાહિકમાં કામ કર્યું. આ સમય દરમ્યાન નાટકમાં ખૂબ રસ લાગ્યો. લાભાશંકર ઠાકર આદિ મિત્રો સાથે ‘આકંઠ - સાબરમતી’ સંસ્થા સ્થાપી અને પ્રયોગલક્ષી રજૂઆત દ્વારા નવી રંગભૂમિની શરૂઆત કરી. ત્યારબાદ સાંસ્કૃતિક આદાન-પ્રદાન યોજનામાં તેઓ ઇ.સ. 1970માં અમેરિકા ગયા. રંગમંચ અને દિગ્દર્શનની તાલીમ મેળવી. 1972માં ભારત પરત આવ્યા. 1973માં તેમણે લગ્ન કર્યું, અને બંને 1974માં અમેરિકા ગયા, ત્યાં નાટક અ પત્રકારત્વ ક્ષેત્રે તેમણે વધુ સજ્જતા મેળવી.
ગુજરાતી સાહિત્ય સર્જનમાં મધુરાય કોઇપણ વાદના વળગણમાં પડ્યા વિના કે અમુકતમુક સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના પોતાની નિજી સર્જક પ્રતિભાના બળે સાહિત્ય સર્જન કરતાં રહ્યા છે. છેલ્લા સાડા ત્રણ દાયકામાં તેમની કલમ વિશેષતઃ નાટક, નવલિકા, નવલકથા જેવા ગદ્ય સાહિત્ય સ્વરૂપો તરફ વળી છે : ‘કોઇપણ એક ફૂલનું નામ બોલો તો?’, ‘આપણે ક્લબમાં મળ્યાં હતાં’, ‘કુમારની અગાશી’, ‘પાનકોર નાકે જાકે’ જેવા દીર્ઘ નાટકો; ‘અશ્વત્થામાં’, ‘ઝેરવું’, ‘તું એવું માને છે’, ‘ખેલંદો’, ‘ચાન્નઅ’, ‘કિન્નરી’ જેવા રૂપાંતરો મધુરાયની બહુમુખી સર્જક પ્રતિભાની ગવાહી પૂરે છે.
ઇ.સ. 1966માં લાભશંકર ઠાકર અને સુભાષ શાહે રચેલા ત્રિઅંકી ‘એક ઉંદર અને જદુનાથ’ નાટકથી આધુનિક ગુજરાતી નાટ્ય સ્વરૂપમાં પ્રયોગલક્ષી ઉછાળ આવે છે. ‘આધુનિકતા’ ની વિચારધારા અને ‘એબ્સર્ડ’ જેવા આંદોલનો ગુજરાતી નાટ્ય સ્વરૂપમાં પ્રગટ્યા. શ્રી હસમુખ બારાડી આ અંગે નોંધે છે : ‘જોવા બેસો તો સાતમાં દાયકાની શરૂઆતમાં વાર્તામાં સુરેશ જોશીએ અને કવિતામાં ઉમાશંકર જોશીએ ‘છિન્ન ભિન્નતા’ અને હતાશાના, મૂઢત્વ અને અસંગતિના નિર્દેશો આપ્યા હતા. વિશ્વભરના વાતાવરણમાં પ્રણાલીભંજકતા, ઉગ્ર આક્રોશો કે મૂલ્યહાસનો નિર્દેશ અલબત્ત જરૂરી હતો. તે છતાં ઘણાંકોને એકાંકી ક્ષેત્રે જો જોમજુસ્સારૂપે પ્રગટ થયેલાં એ નિરૂપણો ગુજરાતના જીવન અને સંસ્કૃતિમાં ‘આશોપિત્ત’ થયેલા લાગ્યા છે. તખ્તાપરક્તા પછી એકાંકી લેખનના આવા ‘યુ’ ટર્નની પહેલી ત્રિપુટી તે ‘એક ઉંદર અને જદુનાથ’ના લેખકો લાભશંકર ઠાકર અને સુભાષ શાહ તથા એની રજાત કરનાર ડૉ. મીનુ કાપડિયા 1966માં એની રજૂઆત અમદાવાદમાં થઇ. અનેકોને એમાં બકેટના ‘વૈઇટીંગ ફોર ગોદો’નું અનુરણન સંભળાયું તે છતાં એ પછી ગુજરાતનું એકાંકી એનું એ ન રહ્યું. એ હકીકત તો સૌએ સ્વીકારવી રહી’.
‘રે મઠ’ અને ‘આકંઠ સાબરમતી’ જેવી સંસ્થાની પ્રવૃત્તિ અને કાર્યશાળાના પરિણામરૂપે ‘આકંઠ’ અને ‘સાબરમતી’ જેવા સંપૂર્ણપણે એબ્સર્ડ એકાંકીના બે સંગ્રહો મળ્યા, જેમાં વિવિધ સર્જકોની કૃતિઓ ગ્રંથસ્થ કરાઇ છે. જેમાં ચિનુ મોદી, મધુરાય, લાભશંકર ઠાકર, રમેશ શાહ, સુભાષ શાહ, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, ચંદ્રકાન્ત શેઠ, મહેશ દવે, સ્વરૂપ ધ્રુવ, દિપા પાણ્ડેય, સુવર્ણા રાય, સુભાષ દવે, હિંમત કપાસી, બકુલ ત્રિપાઠી વગેરે ગણાય.
એબ્સર્ડના આ તબક્કામાં એકાંકી ક્ષેત્રે ઉક્ત સર્જકોમાં કેટલાંક સર્જકોએ કામ કર્યું અને ત્યારબાદ ત્રિઅંકી અને દીર્ઘ નાટકો પણ આપ્યા. તેમાં ‘આકંઠ સાબરમતી’ની પ્રવૃત્તિના પ્રણેતા મધુરાયના ‘આપણું એવું’ અને ‘ફોરા’ એકાંકી નાટ્યસાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન પામે તેવા સક્ષમ છે. તો ‘ઝેરવું’, ‘અશ્વત્થામા’ જેવા વિશિષ્ટ એકાંકી આપ્યા પછી ‘કુમારની અગાશી’ અને ‘કોઇપણ એક ફૂલનું નામ બોલો તો?’ જેવા દીર્ઘ નાટકો દ્વારા છવાઇ જાય છે. અને બર્નાડ શો નું ‘પેગ્મેલિયન’ નું ‘સંતુરંગીલી’ નામથી કરેલું રૂપાંતર તો સ્વતંત્ર અ મૌખિક સર્જનની કોટિએ પહોંચે છે. બે વર્ષમાં તેના અસંખ્ય પ્રયોગ થયા છે. ઉપરાંત દીર્ઘ નાટકોમાં આ સમયગાળા દરમ્યાન મહત્વના કેટલાક નાટકો મળે છે. તેમાં ચીનુ મોદી (જાલકા, અશ્વમેઘ, ઔરંગઝેબ, નવલશા હીરજી); લાભશંકર ઠાકર (પીળુ ગુલાબ અને હું, મનસુખલાલ મજીઠિયા, કાહે કોયલ શોર મચાયે રે); હસમુખ બારાડી (કાળો કામળો, એકલું આકાશ); રાયનો દર્પણ શાહ, પ્રપંચ, સુમનલાલ ટી. દવે), શ્રીકાંત શાહ (નેગેટીવ), સિતાંશુ યશશ્ચંદ્ર (આ માણસ મદ્રાસી લાગે છે, કેમ, મકનજી ક્યાં ચાલ્યા ?, ખગ્રાસ) રઘુવીર ચૌધરી (સિકંદર સાની, અશોકવન, ઝૂલતા મિનારા) વગેરે ગણાવી શકાય.
વીસમી સદીના છઠ્ઠા દાયકામાં આધુનિક ગુજરાતી સાહિત્યમાં નાટ્યકારો દ્વારા ઘટના, પાત્રવિધાન, ભાષાવિન્યાસ, રજૂઆત રીતિ વગેરેમાં આમૂલ પરિવર્તન કર્યું છે. ‘રે મઠ’ અને ‘આકંઠ સાબરમતી’ ની પ્રવૃત્તિએ એકાંકી વિષયક રૂઢિગત ખ્યાલને મૂળભૂત રીતે બદલી નાખ્યો. સમય જતાં જો કે ભારતીય ધાર્મિક, સાંસ્કૃતિક અસામાજિક ઢાંચામાં તેની અપ્રસ્તુતતાને કારણે એ જુવાળ ઓસરી ગયો, પણ એણે જે કેટલાંક મહત્વના અને કાયમી પરિણામો આપ્યા તેના પરિપાકરૂપે દીર્ઘનાટકોનું કલેવર બદલાયું. 1972 થી 1992 દરમિયાન પ્રગટ થયેલા અને ભજવાયેલા કેટલાક પ્રતિનિધિરૂપ એવા દીર્ઘનાટકોમાં મધુરાયનું ‘કોઇપણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકને મહત્વનું ગણી શકાય.
નાટકનું આંખે ઊડીને વળગે એવું સૌથી વ્યાવર્તક લક્ષણ તે તેની તખ્તાલયકી છે. આ નાટકનો પ્રથમ પ્રયોગ 5 મી, ફેબ્રુઆરી 1968 ના દિવસે ‘દર્પણ’ અમદાવાદ સંસ્થાના ઉપક્રમે દિનેશ હૉલ ખાતે રજૂ થયો. તેનું દિગ્દર્શન મૃણાલિની સારાભાઇએ કર્યું હતું. ત્યારબાદ ઇ.સ. 1974માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. તેમાં સાહિત્યક ગુણવત્તા અને પ્રયોગ ક્ષમતાનો સુભગ સમન્વય જોવા મળે છે. રહસ્ય નાટકના રચના વિધાન થકી માનવમનની સંકુલતાને અને માનવીય સંબંધોની જટિલતાને ઉપસાવવાની મથામણ કરતું આ નાટક રહસ્યગર્ભ છે. નાટકમાં કામિની દ્વારા શેખર ખોસલાની હત્યા એ એક જ સ્થૂળ ઘટનાની આસપાસ સમગ્ર વસ્તુ ઘૂમરાયા કરે છે. મનમાં ને મનમાં શેખર ખોસલાની મિથ બાંધતી અને તોડતી કામિની દ્વારા નાટ્યકારે અંતે તો માનસિક ગૂંચનો એક ભીતરી તનાવ રહ્યો છે. અને ટેલિફોન બૂથ, નેતરની ખુરશી તેમજ ફ્લેશબેકની પ્રયુક્તિ દ્વારા અન્ય પાત્રોના ચિત્તમાં સરળતાથી પ્રવેશ કરાવ્યો છે. આ નાટ્ય પ્રયુક્તિઓ દ્વારા નાટ્યકાર નાટકને પરંપરાગત સ્થૂળ રહસ્ય નાટકને બદલે એક મનોવિશ્લેષણાત્મક સંકુલતાથી ભરેલા નાટકનો ઓપ કેવી રીતે આપી શક્યા તે સર્જકની નાટ્યસૂઝ અને સર્ગશક્તિનું પરિણામ જોઇ શકાય છે.
ચાર અંકમાં વહેંચાયેલા આ નાટકનું કથાવસ્તુ, આત્મરતિ અને શોષણભીતિથી પીડાતી, તખ્તાની કુશળ અને કામણગારી અભિનેત્રી કામિની દેસાઇ પોતાની ‘નીચ મા, ડરપોક ભાઇ અને નિર્માલ્ય પ્રેમી’ ના શોષણમાંથી છટકવા, શેખર ખોસલા નામનો કોઇ પ્રેમી છે – એવી મિથ ઊભી કરે છે. પણ છેવટે એ મિથના કળણમાં પોતે ખૂંપી જાય છે. પોતાની મુક્તિ અર્થે તે શેખર ખોસલા નામના એક ધનાઢ્ય વેરીની હત્યા કરી નાખે છે, તેનું વિગતે આલેખન કર્યું છે.
સર્જકે નાટકના પ્રથમ અંકમાં આંતરનાટકની પ્રયુક્તિ પ્રયોજી છે. તેમાં સ્ત્રી પુરુષના સંબંધોની સંકુલતાઓના સંકેતો મૂકવામાં આવ્યા છે. નાટકમાં આવતું નાટક, નાટકના જ એક પાત્ર કેશવ ઠાકર લિખિત અને અન્ય પાત્ર જગન્નાથ પાઠક દ્વારા દિગ્દર્શિત છે. અને તેમની નાટ્ય મંડળી ‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ પ્રસ્તુત કરે છે.
નાટકમાંના નાટકના પ્રમોદ નામના પાત્રની પત્નિ કાન્તા (જે પાછળથી નાટકમાં કામિનીની ભૂમિકા ભજવે છે) નિરંજન નામના યુવકને પ્રેમ કરે છે. કાન્તાને મળવા આવનાર જ્યોત્સનાને દેશપાંડે નામનો ભૂતકાળનો પ્રેમી છે. અને આ વાત એનો પતિ નંદલાલ જાણે છે. આ દેશપાંડે પ્રમોદના ઘરે આવવાનો હોય છે. ત્યારે નંદલાલ તેની હત્યા કરવાની યોજના વિચારે છે. કાન્તા અને નિરંજન વગેરે પોતાના સંબંધો ખુલ્લા પડી જવાથી આત્મહત્યા કરવાનું વિચારે છે. ત્યારે પ્રમોદ પણ હતાશ થઇ એવો જ નિર્ણય કરે છે. કાન્તાના ડ્રોઇંગરૂમમાં પિસ્તોલ છે. અને જ્યોત્સના એ પિસ્તોલથી દેશપાંડેની હત્યા કરવા માંગે છે, નંદલાલ એના હાથમાંથી પિસ્તોલ છીનવી લે છે. એવામાં જ્યોત્સના એ પિસ્તોલ લઇ નંદલાલને જ મારવા તૈયાર થાય છે. નિશાન લે છે પણ ગોળી છૂટતી નથી. એવામાં કાન્તા આવીને પિસ્તોલ ખૂંચવી લઇ પ્રેક્ષકગૃહમાં પ્રથમ હરોળમાં બેઠેલા શેખર ખોસલા નામના યુવકને મારી નાખે છે. અને એ જ પિસ્તોલથી પોતે આત્મહત્યા કરવાનું વિચારે છે પણ ત્યાં કોઇ આવીને પિસ્તોલ લઇ લે છે. અને કાન્તાને પકડી લેવામાં આવે છે. એ સાથે પ્રથમ અંક પૂરો થાય છે. આ પ્રથમ અંકના અંતે શેખરની હત્યા શા માટે કરી એ પ્રશ્ન પ્રેક્ષકોના મનમાં ઘૂમરાયા કરે છે અને આ રહસ્યના ઉકેલની દિશામાં નાટક આગળ વધે છે.
બીજા અંકમાં સર્જકે ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. જે નાટકમાં સુસંગતતાનો ભાગ બને છે. અહીંથી સ્થૂળ રહસ્યાત્મક નાટક બનવા કરતાં એક મનોવિશ્લેષણાત્મક સંકુલતાથી ભરેલું નાટક બનવાની દિશામાં સહજ ગતિ કરે છે. તેમાં કામિનીએ કરેલી હત્યાની ઘટનાના સાક્ષી નટમંડળીના સભ્યોની પ્રાથમિક તપાસ કરતાં અદાલતી દ્રશ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વ્યવહારની અદાલતથી આ ભિન્ન પ્રકારની અદાલત છે. તેમાં ન્યાયધીશ, વકીલ વગેરે નથી, માત્ર સામેથી પ્રશ્ન પૂછતો અવાજ અને જેને પ્રશ્ન પૂછવામાં આવે છે તે પાત્રની રંગભૂમિ પરના પાંજરામાંથી ઉપસ્થિતિ અદાલતનું દ્રશ્ય દર્શાવાયું છે. અદાલતમાં ચાલતી પ્રાથમિક તપાસના દ્રશ્યની સમાંતરે નાટ્યકારે ફ્લેશબેક પદ્ધતિથી જગન્નાથ, સુંદર, પ્રીતમ, સ્વાતિ, કેશવ તથા કામિનીની નાટ્યમંડળી દ્વારા થતાં નાટકના રિહર્સલની આગળ પાછળની ક્ષણોના દ્રશ્યને પણ રજૂ કર્યું છે. આ બે દ્રશ્યની ભજવણીને નાટ્યકારે એવી કુશળતાથી સાંકળ્યા છે કે તે વેરવિખેર લાગતા નથી, બલ્કે અદાલતના દ્રશ્યમાં આવનાર પાત્ર સાથે તેની જોડે સંકળાયેલા ભૂતકાળના પ્રસંગોને એવી રીતે સંયોજવામાં આવ્યા છે કે જેથી નાટકનું કથાવસ્તુ વિકસતું રહે ને સાથે સાથે આંતર સંબંધો પણ ઉઘડતા રહે છે.
આંતર નાટકના દિગ્દર્શક અને તેમાં પ્રમોદની ભૂમિકા ભજવતાં જગન્નાથ મહાશંકર પાઠક જુબાની આપતા જણાવે છે કે કામિની મારી પ્રેમિકા છે અને તેનો ભૂતકાળ ફ્લેશબેકમાં દર્શાવાય છે. તેમાં કામિની અને પાઠકની વાતચીત પરથી ખ્યાલ આવે છે કે નાટકમાં સુંદર, પ્રીતમ અને સ્વાતિ પણ ભાગ લેતા હતા. ઉપરાંત નાટકના લેખક કેશવ ઠાકરને પણ છઠ્ઠા પાત્ર તરીકે લેવાનો ઉલ્લેખ કરે છે. તેમાં દરેકની જુબાની લેવામાં આવે છે. પ્રીતમ સોની અને સ્વાતિ પતિ-પત્ની છે અને સ્વાતિ સુંદરને પ્રેમ કરતી હોય છે. આમ, નાટકમાં આંતર સંબંધો દ્વારા એક બીજા પાત્રો ખુલ્લા પડે છે. અને વાત તો માત્ર શેખરની હત્યા કામિનીએ શા માટે કરી તેની આતુરતા અને તેના અનુષંગે પ્રશ્નોત્તરી થાય છે. તેમાં નાટ્યકાર બહુ સૂચક રીતે કામિનીને કોર્ટના પાંજરામાં લાવવાનું ટાળે છે. અહીં બીજો અંક સમાપ્ત થાય છે.
ત્રીજો અંક નાટ્યકાર વિશિષ્ટ રીતે પ્રયોજે છે. તેમાં પ્રીતમ, સુંદર અને સ્વાતિએ કામિની તથા એના જીવન અંગે ‘પોતાની જાત સમક્ષ’ કરેલા સ્પષ્ટ એકરારો ‘પબ્લિક ટેલિફોન બોક્સ’ની પ્રયુક્તિ વડે નિરૂપ્યા છે. અહીં નાટ્યકારની નાટકમાં વિશેષતા એ રહી છે કે તેમાં ફોન જોડી શકાય છે. પણ ક્યારેય ફોન રિસીવ થતો નથી, આનો નાટ્યાત્મક વિનિયોગ અહીં થયો છે. આરંભમાં દરેક પાત્ર ટેલિફોન બૂથમાં પ્રવેશ કરે, સિક્કા નાખે, નંબર જોડે ને પછી એકરાર કરે ત્યારબાદ એકરારના વિધાનોના અનુસંધાનમાં ફ્લેશબેક પ્રયુક્તિ દ્વારા ભૂતકાળના દ્રશ્યો, અને એ દ્રશ્ય પૂરું થતાં ફરી એ પાત્રની ‘સ્વગતોક્તિ’ દ્વારા છેવટનું નિવેદન અને એ રીતે કામિનીને શેખરની હત્યા કરવા પ્રેરનાર પ્રીતમ, સુંદર અને સ્વાતિના એકરાર નાટ્યકારે નિરૂપ્યા છે. અહીં એક એક પાત્ર પોતાને અપરાધી સમજે છે. બધાને લાગે છે કે તેઓ કામિનીનું શોષણ કરતાં હતા. લાગણીનો પણ શોષણમાં કેવો ઉપયોગ થઇ શક્તો હોય છે એ ઊંડાણથી દર્શાવવામાં આવ્યું છે.
પ્રીતમે પોતાની જાત સમક્ષ કરેલા એકરારથી અંતે એને જન્મકેદની સજા તો થઇ જ. આમ ત્રીજા અંક માટે નાટ્યકાર જન્મકેદની સજા પછીનો સમયખંડ પસંદ કરે છે. સુંદર પણ કામિની અને એની માનું શોષણ કરતો તે ફ્લેશબેકમાં દર્શાવે છે. અને સુંદરની એકોક્તિથી કામિની દ્વારા શેખરના મિથના ઘડતરની પ્રક્રિયાનો આલેખ પ્રાપ્ત થાય છે. સ્વાતિ પણ એકરાર કરે છે અને કહે છે કે પોતે શેખરને પ્રેમ કરતી અને તેનું વેર લેવા કામિનીને શેખરની હત્યા કરવા ઉશ્કેરે છે. આમ, સ્વાતિના એકરાર સાથે ત્રીજો અંક પૂરો થાય છે.
નાટકના ચોથા અંકમાં અપરાધમાં ખરેખર ભાગ લેનારી વ્યક્તિઓ રજૂ થાય છે. પિસ્તોલમાં ગોળી ભરનાર જગન્નાથ પાઠક અને ખુરશીમાં શેખરને બેસાડનાર કેશવ ઠાકર આ બે પાત્રોના પોતાના ગુનાનો એકરાર કરતાં આત્મનિવેદનો નાટ્યકારે એક અલગ પ્રયુક્તિથી નિરૂપ્યા છે. અહીં ટેલિફોન બૂથની જગ્યાએ નેતરની ખુરશી છે. જેના પર બેઠાં બેઠાં પહેલા પાઠક અને પછી કેશવ ઠાકર પોતાના અંતરાત્મા આગળ નહિ પણ જ્યારે ભરી અદાલતમાં પોતાના ગુનો કબૂલતા હોય એ રીતે આત્મનિવેદન કરે છે. નાટ્યકારે આ બંનેના એકરારો એક અલગ અંકમાં જુદી જ રીતે નિરૂપ્યા છે.
પાઠકની જુબાની ફ્લેશબેકમાં દર્શાવવામાં આવી છે. અહીં તેને શેખરની આખી વાત ઉપજાવી કાઢેલી લાગે છે. તે કામિનીને સ્પષ્ટ જણાવે છે “આ વાત બનાવટી છે. શેખર ખોસલા નામનો કોઇ માણસ છે જ નહિ અને તું પેલા લેખકની પાછળ પાગલ છે... તારી શેખર ખોસલાની ‘મિથ’ ની જેમ કામિની ડાર્લિંગ, એ પણ બનાવટી છે.” અહીં નાટ્યકાર પહેલીવાર પાત્રના મુખે શેખર તો એક મિથ હોવાનો અણસાર આપે છે. નાટ્યકારે કેશવ ઠાકરના એક કરતાં વધારે આત્મનિવેદનો નિરૂપ્યા છે. શરૂઆતના આત્મનિવેદનમાં કેશવ શેખર પોતાનો મિત્ર હોવાની વાત કરે છે. પોતાને અવાર નવાર પૈસાની મદદ કરનાર શેખર વાસ્તવમાં બદમાશ માણસ હતો એવું જણાવે છે ત્યારબાદ ફ્લેશબેકનો ભૂતકાળ આવે છે. શેખર પોતાની જિંદગીનો સડો હતો અને એમાંથી છૂટવા માટે એ સડાને ગુપ્તરોગની જેમ બીજાને આપવા માગતો હતો,, એવો એકરાર કરે છે. અને એ સડો કામિનીને કેવી રીતે વળગ્યો તેનું આલેખન ફ્લેશબેકના દ્રશ્યમાં કરે છે.
નાટકના અંતિમ અંકના અંતિમ દ્રશ્યમાં જેલની દીવાલો વચ્ચે સળિયાથી ઘેરાયેલી અને કેદીના વેશમાં ઊભેલી કામિની કોર્ટના અવાજની નકલ કરતાં તાર સ્વરે પોકારે છે, “શેખર ખોસલા. શેખર ખોસલા. જવાબ દો, હા કે ના ? નથી ઓળખતા ? નથી ઓળખતા ? જેને નિર્માલ્ય પ્રેમી, ડરપોક ભાઇ ને નીચ માતાની જન્મકેદમાંથી તમે છોડાવી લાવ્યા એ કામિની દેસાઇને તમે નથી ઓળખતા ?...” મૃત શેખરને ઉદ્દેશીને બોલાયેલી કામિનીની આ સ્વગતોક્તિરૂપે પહેલી અને છેલ્લીવાર પ્રેક્ષકોને કામિની દેસાઇનો પોતાનો અવાજ સાંભળવા મળે છે.
આપણે જોયું કે વાસ્તવમાં સાચો આરોપી કેશવ ઠાકર છે જે પોતાના શરીરમાં વ્યાપી ગયેલા સડા જેવા શેખર નામના રોગથી મુક્ત થવા માટે કામિનીનો આત્મરતિ અને શોષણભીતિનો લાભ લઇ તેના મનમાં શેખરની મિથ સંક્રાન્ત કરી, તેના હાથે શેખરની હત્યા કરાવે છે અને મુક્તિનો આનંદ મેળવે છે, પણ અદાલત તેને કોઇ જાતની સજા કરી શક્તી નથી.
આ નાટકના કેન્દ્રવર્તી બે પાત્રો છે : કામિની અને કેશવ ઠાકર. કામિની અભિનેત્રી છે. માતા, ભાઇ અને પ્રેમી સુદ્ધાં એની કારકિર્દીનો લાભ ઉઠાવવા માગે છે. સમગ્ર કૃતિ કામિનીના આંતર જીવનનો દસ્તાવેજ બની રહે છે. આ દસ્તાવેજની લાક્ષણિક્તા એ છે કે અહીં કામિની પોતે વ્યક્તિ તરીકે પ્રેક્ષક સમક્ષ સમગ્ર નાટકના અંતિમ દ્રશ્ય સિવાય, તેના અસલ સ્વરૂપે ખડી થતી નથી. કામિની અન્ય પાત્રોની જેમ સમગ્ર નાટકમાં, કોર્ટના પાંજરામાં ઊભી રહીને જુબાની આપતી નથી. પ્રેક્ષકો સમક્ષ તે નિરપેક્ષ વાસ્તવરૂપ નહિ પણ સાપેક્ષ વાસ્તવ રૂપે આવતી રહે છે. મંચ પર આવતી કામિની એ કેશવ, પાઠક, સ્વાતિ, સુંદર, પ્રીતમની આંખોએ નિહાળેલી કામિની છે, તેના એકરાર કે નિવેદનના સંદર્ભમાં આવતા ફ્લેશબેકમાં ડોકાયા કરે છે. નાટકની શરૂઆતમાં શેખર ખોસલાનું ખૂન કરે છે અને તે વાતને લઇને નાટ્યકાર નાટકની વિકાસગતિને વેગ આપે છે. અન્ય પાત્ર કેશવ ઠાકર. તેનું પાત્રાલેખન એ નાટ્યકારની કલાનો વિલક્ષણ આવિષ્કાર છે. બહારથી બાઘો લાગતો, અન્યને સરળતાથી વિશ્વાસભાજન લાગતો અને ખુદના મનમાં ભીતરી તલમાં જુદા જ બીજ નાખીને વિકસાવતો કેશવ ત્રિપરિમાણી, વિપરિમાણી છે.
સંવાદકલાની દ્રષ્ટિએ નાટ્યકારની સૂઝના દર્શન થાય છે. અદાલતમાં જુબાની આપવા આવેલી સ્વાતિને ‘કામિનીનો પાઠક સિવાય બીજો કોઇ પ્રેમી હતો કે નહિ ?’ એ પ્રશ્નના જવાબમાં એ જણાવે છે “... તમે શું કહેવા માગો છો, શું પૂછવા માગો છો ? તમે મારા મોઢેથી શું કબૂલાવવા માગો છો ?” એવો પોકાર કરી ઊઠે છે. તેમાંથી તેનું આખું વ્યક્તિત્વ સ્પષ્ટ થઇ જાય છે. પછી ફ્લેશબેક તરફ નાટક આગળ ચાલે છે, અને ફ્લેશબેકનું દ્રશ્ય પૂરું થાય પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. બીજો પ્રશ્ન પૂછાય છે. ‘મરનાર શેખર ખોસલા વિશે તમે કંઇ જાણો છો?’ સ્વાતિ ઊંચુ જોઇ, આંખો લૂછી “ના, નાજી. હું શેખર ખોસલા વિશે કાંઇ જાણતી નથી.” તેમાં તેની સ્ત્રીસહજ વૃત્તિ જોઇ શકાય છે. ઉપરાંત કામિનીનો સ્વાતિ સાથેનો સંવાદ તથા કામિનીનો છેલ્લો સંવાદ ભારે પ્રભાવક છે. તેમાં નાટકીયતા અને નાટ્યાત્મકતાનો સુભગ સમન્વય છે.
આ નાટકની ખાસ વિશિષ્ટતા એ રહી છે કે તેમાં નાટ્યકારે ફ્લેશબેક પ્રયુક્તિ, ટેલિફોન બૂથ, નેતરની ખુરશી જેવી પ્રયુક્તિથી મંચ ઉપર આકાર લેતી ઘટનાઓ ઉપરાંત દર્શક નાટકમાં સક્રિયપણે સંડોવાય તે માટે લેખક અને દિગ્દર્શક નાટકમાં ન્યાયધીશનો અવાજ પ્રેક્ષક ગૃહમાંથી આવતો દર્શાવી જાણે આખું પ્રેક્ષકગૃહ પ્રશ્નકર્તા કે ન્યાયાધીશ છે અને પ્રેક્ષકો જ ન્યાય તોળશે એવું પ્રસ્થાપિત કરે છે.
આ નાટકનો પ્રથમ પ્રયોગ 1968માં અમદાવાદમાં થયો ત્યારે ગુજરાત સમાચારે વર્ષનું શ્રેષ્ઠ નાટક ગણાવ્યું હતું. જનસત્તા, સંદેશ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં તેની ખૂબ પ્રશંસા થઇ હતી. આ ઉપરાંત અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા દ્વારા 1969ના અરસામાં તેનો પ્રયોગ દિલ્હી ખાતે કર્યો તથા 1985માં ‘નાન્દી’ સંસ્થાના ઉપક્રમે પરેશ નાયકે પણ તેની રજૂઆત કરી હતી.
‘કોઇપણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનો અન્ય ભાષામાં અનુવાદ પણ થયો છે અને મધુરાયે તેના પરથી ‘કામિની’ નામે નવલકથા પણ આપી છે.
આવું સફળતાપૂર્વકનું નાટક ગુજરાતી સાહિત્યને મળ્યું છે જે ગુજરાતી સાહિત્ય અને નાટ્યક્ષેત્રની ઉપલબ્ધી ગણી શકાય.
******************************
સંજય મકવાણા
ગૂજરાત વિદ્યાપીઠઃ રાંધેજા
Email: sanjay8md@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel