SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
'એક સામાજિક પ્રશ્ન'
લેખક: મલયાનિલ
સ્નેહી ભાઇ મલયાનિલ,
ઘણા દિવસથી એક અગત્યની બાબત તમને કહેવાનું કરું છું પણ હવે જ્યારે એ બાબતે ગંભીર રૂપ ધારણ કર્યું છે ત્યારેલખવાની વૃત્તિ ઉદભવી છે. અથ ઇતિ મેં નીચે હકિકત લખી છે.
તમે જાણો છો કે હું સેકન્ડલો એક્ઝામીનેશનની ટર્મ ભરું છું અને સાથે સાથે એમ.એ.નો અભ્યાસ કરી આવતે વર્ષે બેસવા માગું છું.
એક દિવસ સાંજે સાત વાગ્યાની લોકલમાં હું સાંટાકૃઝ આવતો હતો. આ ટ્રૈનમાં સાધારણ ભીડ હોય છે અને તેને લીધે મેં સેકંડ કલાસનો જ પાસ કઢાવેલો હતો. પોણો કલાક લગભગ લોકલ લેટ હોવાથી હું મારું સંસ્કૃત પુસ્તક सिद्घान्त बिंदु હતો. મરીન લાઇન્સ ટ્રેન આવી. ત્યાં પ્લેટફોર્મ ઉપરથી એક સત્તરેક વર્ષની છોકરી અમારા કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશી. લગભગ મારી સામે જ એણે જગા લીધી. એક વખત નજર નાખી મેં એને અવલોકી લીધી. મુખ ગૌર હતું. આંખ ચપલ અને નિર્દોષ હતી. હાથમાં ચોપડીઓની નેટ હતી. એને પહેલા જોઇ છે એમ લાગ્યું.
ટ્રેઇન ઉપડી એટલે મેં મારું ધ્યાન પાછું પુસ્તકમાં પરોવ્યું. न सांख्यं न शैवं વગેરે મેં શરૂ કર્યું. કોણ જાણે શાથી પણ એ છોકરી જ્યારની બેઠી ત્યારની મારા સામું અને મારા પુસ્તક સામું જ જોયા કરે. હું આડી નજરે જોતો. વાંદરા આગળથી બધી ભીડ ઓછે થઇ ગઇ. અમારા કમ્પાર્ટમેન્ટમાં એક પારસી ડોસા સિવાય બીજું કોઇ રહ્યું નહિ.
એ જન્મથી જ મુંબાઇમાં ઉછરેલી હતી એટલે જરા હિંમતવાન હતી. કોઇથી અંજાઇ જાય અથવા વાત કરતાં શરમાઇ જાય એવું કાંઇ નહતું. પુસ્તકમાંથી ડોકું કાઢી મેં બહાર નજર નાખી તે લાગ સાધી એણે મને પૂછ્યું ‘તમે શામાં છો ?’
મેં કહ્યું ‘ હું એલ.એલ.બી.માં છું.’
”ત્યારે આ સંસ્કૃત પુસ્તક તો બહારના વિષયનું હશે.”
મેં કહ્યું “ના, હું આ વર્ષે એમ.એ.માં એપીયર થવાનો છું અને તેની આ ટેક્સ્ટ બુક છે.”
"તમે લેંગ્વેજીઝ લીધાં છે ?"
મેં કહ્યું 'હા,અંગ્રેજી અને સંસ્કૃત.'
'તમે સાંટાકૃઝ રહો છો કે અંધેરી ?'
મેં કહ્યું. 'સાંટાકૃઝ.'
મિનિટ બે મિનિટને અંતરાયે ઉપરના સવાલ જવાબ અમારે થયા. આઠ મિનિટ થઇ ગઇ એટલે સ્ટેશન આવ્યું. હું ઉતરી પડ્યો. એ પણ ઉતરી. અમે બન્ને છુટાં પડ્યાં. એ સ્ટેશનની ડાઉન સાઇડએ ગઇ. હું અપ સાઇડ તરફ વળ્યો. રસ્તામાં મને એ જ વિચાર આવવા લાગ્યા. આટલા બધા પ્રશ્નો કરવાનું શું પ્રયોજન. ઘેર આવીને મેં મારી વાઇફને આ બધી વાત કરી. "મુંબાઇમાં ઉછરેલાં કેટલાં 'બોલ્ડ' હોય છે. મારા કરતાં એ વધારે ઝડપથી અને હોંશીયારીથી બોલતી હતી. હું ખચકાતો હતો. અન્ય યુવતી સાથે કેમ વાત થાય એ આપણા અમદાવાદી વિચારથી ગભરાતો હતો પણ એને કહ્યું નહતું. જાણે હું પણ સ્ત્રી હઔં તેમ એ બોલે ગઇ."
બીજે દિવસે અને ત્યાર પછી દરરોજ હું જે કમ્પાર્ટમેન્ટમાં બેસતો તે જ કમ્પાર્ટમેન્ટ શોધીને એ મારી પાસે બેસતી. મારી સાથે યુનિવર્સિટીના કરીક્યુલમ પર. આપણી શિખવવાની પદ્ધતિ પર, અને જુદી જુદી કૉલેજના પ્રોફેસરો ઉપર એ વાતો કરતી. મને ગમે તેવીજ બાબતો પર પોતે પોતાનો અભિપ્રાય સાથે સાથે પૂછતી હોવાથી મને એની કંપનીમાં કંઇક આનંદ મળવા લાગ્યો. જરાક નિરાશા ઉત્પન્ન થઇ કે આવી રીતે આપણાં અમદાવાદી બૈરાં કદી વાત કરી શકે નહિ પતિઓને ગમતા વિષયો ઉપર વાત તો શાનાં કરે પણ એ વાત થતી હોય તો સાંભળી પણ શકે નહિ. ધીમે ધીમે એ પરિચયમાં આવવા લાગી અને થોડાક દિવસ પછી મેં એને પ્રશ્નો પુછવા શરૂ કર્યા, કારણ કે પહેલાં તો હું તેના પ્રશ્નોનો માત્ર ઉત્તર જ આપતો.
"તમે શામાં છો ?" એક દિવસ મેં પૂછ્યું.
" હું પ્રીવિયસમાં છું."
"સેકન્ડ લેંગ્વેજ ફ્રેંન્ચ લીધી હશે " મેં પૂછ્યું.
"ના સંસ્કૃત જ લીધું છે."
"કઇ કૉલેજમાં જાઓ છો. એલ્ફીન્સ્ટનમાં ?"
એણે કહ્યું 'ના ઝેવીઅરમાં.'
"તમે સાન્ટાક્રુઝમાં કોને ત્યાં રહો છો ?"
"તમે મિ.દેસાઇ બેરીસ્ટરનું નામ સાંભળ્યું છે ? તે મારા Fadhar થાય. પહેલાં અમે અમદાવાદ જ રહેતાં હતાં."
"ક્ષત્રિય છો ? હું ધારું છું ખાડિયામાં તમે રહેતાં હતાં."
"હા, હજી અમારું ઘર ત્યાં છે."
ચાલો, અમે એક સ્થાનનાં હતાં એટલે જાણે વધારે પરિચિત થયાં હોઇએ તેમ લાગ્યું.
"તમે અહીં સાંટાકૃઝમાં ક્યાં રહો છો ?"
મેં કહ્યું, "વીલામાં. તમે પેલી બાજુએ રહો છો ?"
"હા," કહી થોડીવાર એ શાંત રહી. મુખ ઉપર કંઇક ગુંચવાડાનાં ચિન્હ જણાયાં. ઘડીવાર રહી એણે મને પૂછ્યું :
"મારે તમને એક વિનંતી કરવી છે."
"શું છે, કહોને."
" તમે મારે વાસ્તે એક કલાક બચાવી શકશો ? મારું ઘણું કાચું છે, જો શીખવો તો."
હું તો એકદમ ગુંચવણમાં પડી ગયો. શું જવાબ દેવો તે સૂઝ્યો નહિ. હું એમને ઘેર તો શિખવવા નહિ જાઉં. પણ મારે ઘેર આવવાનું કેમ કહેવાય ? અને એની પોતાની માંગણીએ એને ઘેર પણ આવવાનું કેમ કહેવાય ? થોડીવાર વિચાર કરી મેં કહ્યું :
" મને કાંઇ વાંધો નથી. પણ એક તો તમારા ફાધરની પાસે મને આ બાબત કહેવરાવો કારણ કે મને માત્ર તમારા કહેવાથી હા કહેવી ઠીક નથી લાગતું. નહિ કે હું ખાસ માન માગું છું. તમારા પિતાની આમાં સંમતિ છે એ એટલા ઉપરથી જણાય. અને બીજું એ કે હું તમારે ત્યાં તો નહિ આવું. જો તમે - "
"ના ના હું તમારે ત્યાંજ આવીશ."
"તો તો સારું. હું તમને એક Female companion આપીશ" મેં કહ્યું.
સંતુષ્ટ હોય, આભાર માનતી હોય, જાણે પરીક્ષા જરૂર પાસ થઇ ગઇ હોય તેમ તેના મુખ ઉપર એક સ્મિત ફરકી હયું. પોતાની ચોપડીઓ તરફ નજર નાખી.
"તમારે કઇ ટેકસ્ટ બુક્સ છે સંસ્કૃતમાં ? " મેં પુછ્યું.
"ન્યાયમાં તર્કસંગ્રહ અને નાટકમાં માલતીમાધવ."
આપણી યુનિવર્સિટીનું કરીક્યુલમ એક રીતે વખાણવા લાયક છે જુદા જુદા Science, arts, literature, politics વગેરે આપણને શિખવાડી આપણને લીબરલ આર્ટસમાં સાધારણ ચંચુપાત કરાવી આપે છે. અને પછી આપણને આપણી વૃત્તિને અનુકૂલ ધંધા રોજગાર શોધવાનું સોંપી દે છે. પરંતુ આપણી આગળ નાટકો, કાવ્યો અને નવલકથાઓ મુકવામાં આવે છે તે આપણને કેવી અસર કરે છે. સેકન્ડરી એજ્યુકેશન લેતી વખતે આપણી યુવાવસ્થાયે જ હોઇએ છીએ, અને જો પ્રાયમરી વખતે આપણી ઉપર આપણા મનને અભ્યાસ સિવાયને માર્ગે જતાં રોકવાનું નથી શિખવવામાં આવતું તો યુવાવસ્થાનો ઉભરાતો પ્રવાહ આવાં નાટકો વગેરેથી મને લાગે છે કે ઉશ્કેરાય છે. કેટલાક યુવાનો માલતી અથવા શકુંતલા જેવી આદર્શ રમણીઓ પોતાના સાથી તરીકે આપણા સમાજમાં શોધ્યા કરે છે અને ન મળવાને લીધે નિરાશ થઇ દુ:ખી બને છે. બાળપણમાં પરણેલા કેટલાક આ જ કારણને લઇને પોતાના ગૃહસ્થાશ્રમને બગાડે છે. ન પરણેલાઓ પરણવા ઇચ્છે છે. અને આવું જ સ્ત્રી વિદ્યાર્થીનીઓમાં પણ બનતું જાય છે. આ વિચાર મને આવી ગયો પરંતુ એને મેં કંઇ કહ્યું નહિ. મારું ઠેકાણું એણે માગી લીધું અને સ્ટેશન આવતાં અમે છુટાં પડ્યાં.
ઘેર જઇ મેં કૌમુદીને આજની વાતચીત કરી અને સંસ્કૃત સાથે સાથે શીખવા બેસવાનું કહ્યું. બીજા જ દિવસે મારા પર મિ.દેસાઇનો કાગળ આવ્યો અને ત્રીજા દિવસે સવારથી એણે મારી પાસે આવવાનું શરૂ કર્યું. 'તર્કસંગ્રહ' અને 'માલતીમાધવ' વારા ફરતી દિવસો રાખ્યા.
દરરોજ સવારમાં કૌમુદી તથા ચારૂચંદા બેસતાં. તર્કસંગ્રહમાં કાંઇ કૌમુદી બરોબર રસ લેતી નહોતી પરંતુ માલતીમાધવ વચ્ચે તો બંન્ને તલ્લીન જ થતાં. જો સત્ય કહું તો મને આ શૃંગાર રસનું નાટક સ્ત્રીને શિખવતાં અત્યંત શરમ લાગતી અને એ લોકો પણ તેટલાંજ શરમાતાં. મારા મોં પર હું ગંભીરતા રાખતો. થોડે દરજ્જે ચારૂચંદા પણ રાખતી, પણ કૌમુદી તો 'બળ્યું આ નાટક' કહી વારંવાર અવળું જોઇ મોં મલકાવતી. જેમ બને તેમ હું મારા શબ્દોમાં શૃંગાર રસ ઓછો મુકતો અને વારંવાર એને નીતિનો "turn' આપતો. પરંતુ શૃંગાર ને શૃંગાર જ. એની અંદર કોઇ શાંત રસ ભળે ? આ છોકરી ઘણી intelligent હતી. જો સમજાવીએ તો તેને મગજમાં ઉતરતાં વાર નહોતી લાગતી, અને તર્કસંગ્રહ જેવા પુસ્તકમાં પણ ઘણી સરળતાથી એ શીખવા મંડી હતી. ભાવાર્થ બરોબર સમજ પડે, ભાષાન્તરમાં ભૂલ ન પડે, શબ્દોની નોટસ ભૂલાય નહિ એ ઇચ્છાઓથી હું મારું જ્ઞાન સંપૂર્ણપણે આ વિષયમાં પરોવતો, આટલો જ મારો દોષ હતો.
ત્રણ મહિના સુધી એના મનમાં કોઇપણ જાતની લાગણી ઉદભવી નહોતી. પરંતુ સમર વેકેશન પડ્યું ત્યારથી એની ચિત્તવૃત્તિ બદલાઇ એનું ધ્યાન તર્કસંગ્રહમાં પહેલાં જેટલું રોકાતું તેટલું હવે નહોતું રોકાતું, અને માલતીમાધવમાં એનેન અત્યંત રસ પડવા માંડ્યો. એના પુસ્તકમાં
व्यतिषजति पदार्थान् आन्तर: कोऽपि ह॓तु: ।
न खलु बहिरूपाधीन् प्रीतय: संश्रयन्ते ॥
એજ. લી. તારો....
આનો ઉત્તર શો લખવો તે મને પણ કાંઇ સૂઝતો નથી. એક તરફ આખી Society ઘસડે છે તો બીજી તરફ એક કુમારિકા ઘસડે છે. સુધારકો, અને શાસ્ત્રીઓ ! કાંઇક ઉત્તર આપશો એમ આશા છે.
******************************
'નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું' સંપાદક રામચંન્દ્ર દામોદર શુકલ, બીજી આવૃત્તિના સંપાદક : જયેશ ભોગાયતા, ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel