SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
પ્રણયભંગની વેદના અને જાતીય આવેગોને તાટસ્થ્યથી નિરૂપતી 'વી.એમ.'
૧૯૮૦ પછી આપણે ત્યાં તળપદ પરિવેશ રચીને ગજુ કાઢી રહેલાં વાર્તાકારોમાં કિરીટ દુધાતનું નામ અગ્ર હરોળમાં મૂકવા જેવું છે. છેલ્લાં પંદરેક વર્ષથી માત્ર ટૂંકીવાર્તા સ્વરૂપને જ અભિવ્યક્તિના માધ્યમ તરીકે સ્વીકારનાર આ વાર્તાકારે વીસેક વાર્તાઓ આપી છે. દીર્ઘ સમયમાં સંખ્યાની દ્રષ્ટિએ ઓછી કહેવાય પણ દસેક વાર્તા ગુણવત્તાવાળી છે એમાં બે મત નથી. 'બાપાની પીંપર' એમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે જેમાં અગિયાર વાર્તાઓ સમાવાઈ છે. 'આમ થાકી જવું' એ બીજો વાર્તાસંગ્રહ છે, જેમાં માત્ર છ વાર્તાઓ સમાવાઈ છે.
પરિસ્થિતિજન્ય અનિવાર્ય કારાવાસથી મનુષ્યની ક્યારેય મુક્તિ નથી. સમાજજીવનના અન્યાયકારી, શોષણખોર માળખાંઓ વચ્ચે ભીંસાતાં, બંધિયારપણાની, એકલતાની, નિરર્થકતાની સંવેદનાને વ્યંજિત કરતા પાત્રોની વ્યથાને કિરીટ દૂધાત પોતાની વાર્તાઓમાં પ્રગટ કરે છે. પાત્રનું સંવેદનવિશ્વ ભાવકચેતના પર ઊંડી અસર મૂકી જાય છે.
કિશોરવયના કાળુની વી.એમ. સાથેના પ્રણયભંગની વેદના 'વી.એમ.' વાર્તામાં નિરૂપાઈ-વર્ણવાઈ-આલેખાઈ છે. હાઇસ્કૂલમાં ભણતી વી.એમ. વિશે દેહસંબંધથી પર એવા શુદ્ધ પ્રણયની, તારુણ્ય વયના લાગણીસભર-ચૈતસિક પ્રણયમાં રાચતા નાયક કાળુની નજર સામે જ તેના ભ્રમનું નિરસન થાય છે. વી.એમ.ને છેલબટાઉ ફકીરા સાથે દૈહિક સંબંધની પૂર્વતૈયારીની સ્થિતિમાં જોઇને કાળુ ભાંગી પડે છે. ઇંટોના ઘા કરીને નજર સામેથી આ દ્રશ્યને દૂર ભગાડવા મથતો કાળુ મન અને તનથી લથડી-ભાંગી પડે છે. વાર્તાને અંતે ઘરે જવા માટે મોટાંબાનો આધાર લેવો પડે એવી અસહાય હાલતમાં તે મૂકાઈ ગયો છે. કાચી વયના પ્રણયી પાત્રની (પરંતુ પાકટ પ્રણયની) સંવેદના સચોટ રીતે ઝીલતી આ વાર્તા લેખકનો વિશેષ બની રહે છે.
કિરીટ દૂધાતની "વી.એમ." વાર્તા તળપદ ભોંય પર રચાયેલી નોંધપાત્ર વાર્તા છે. 'હું' (વાર્તાનાયક-કાળુ) વી.એમ.ના પ્રેમમાં છે પણ જન્તીએ એના મનમાં શંકા તરતી મૂકી છે કે "વી.એમ.ના દરહણ ફરી ગયા છે એ હવે ફકીરા હાર્યે ફરવા માંડી છે." આ શંકાનું બીજ કથાનાયક કાળુમાં રોપાયા છતાં કાળુનું દિલ હંમેશા વી.એમ.ને જ ઝંખે છે. એકવાર જન્તીની શરત ઉપર વી.એમ.ને એ તમાચો ચોડી દે છે પણ વી.એમ. હસીને પ્રેમથી તમાચાનો જવાબ વાળે છે, ત્યારે કાળુને વી.એમ. પ્રત્યે પહેલા કરતા વધુ સહાનુભૂતિ જાગે છે.
બહારગામથી ગામમાં મોસમ કરવા માટે ઘણાંબધાં માણસો આવતાં. સીમમાં નવો પાક હિલ્લોળા લેતો હોય એ સમયે અમદાવાદથી મિલોવાળા અને સુરતથી હીરાઘસુઓ લાણી કરાવવા ગામમાં આવતાં. આ વર્ષની સીઝનમાં પણ માણસો આવ્યાં છે. નાના દેસાઈનાકા આગળના બજારમાં બધાના 'આંટાફેરા' વધી પડ્યાં હતાં એટલે વી.એમ. કાળુને 'વારેઘડીએ' મળવાની ના પાડે છે. બહારગામથી આવેલાં માણસોમાં ફકીરો પણ આવ્યો છે. વી.એમ.ના ઘર આજુબાજુ તેની-ફકીરાની અવરજવર વધી પડી છે. ફરીવાર જન્તી કાળુને વી.એમ. અને ફકીરા વચ્ચે ચાલતા સંબંધની વાત કરે છે, "તમારા રોજના સમયે ફકીરો આવ્યો, નાના દેસાઈનાકામાં ઘરી ગ્યો. વી.એમ.ની ડેલી મોર્ય ઊભા રહીને એણે વી.એમ. હાર્યે દસ મિનિટ સુધી વાતું કરી....." આ વાત કહો કે કાળુની શંકાને દ્રઢાવવાનું કામ કરે છે -પુનઃ પ્રજ્વલિત કરે છે. કાળુ વી.એમ. વિશે જરાય ઘસાતું સાંભળવા તૈયાર નથી એટલે જન્તી એ વાત સાબિત કરી આપવાનું કહે છે.
ફકીરાની આવનજાવન પરથી કાળુને શંકા થાય છે કે વી.એમ. ફકીરા સાથે લટ્ટ થઇ છે. પણ એની ખરી પ્રતીતિ તો ત્યારે થાય છે જ્યારે કાળુ વી.એમ. માટે સ્નો અને રિબિન આપવા જાય છે. એ વખતના કાળુ અને વી.એમ.ની મુલાકાતના દ્રશ્યમાં કેટલાંક સંકેતો થયા છે, જુઓ :
"બારીનું કડું ખખડાવતાં ભેગી જ ફટાક ખુલી ગઈ. સામે વી.એમ.નું હસું હસું થતો ચહેરો મને જોઇને પડી ગયો. એ પહેલા કરતા ઘણી રૂપાળી લાગતી હતી. એનું આવું રૂપ જોતાં જ કોણ જાણે કેમ પણ હું સાવ નિરાશ થઇ ગયો. એ ખીજથી બોલી,
'શું છે આંયા?'
મેં ખિસ્સામાંથી સ્નો અને રિબિન કાઢીને બતાવ્યાં.
'આ શું છે'?
સ્નો અને બોપટ્ટી લે, ખાસ તારી સાટું અમરેલીથી મગાવી છે અને જો મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તારી.....
એણે મારા હાથમાંથી બેય વસ્તુ આંચકી લઇ સામી ભીંતે ઘા કર્યો,
'વયો જા નૈતર રાડ્યું નાખી બધાંયને ભેગાં કરું છું.'
એવું શું બોલ્ય છો વી.એમ., તને મારી હાર્યે લવ નથી? તું તો કેતી'તી ને કે...
એણે ભડાક દઈને બારી બંધ કરી દીઘી. બારીનું કડું જોરથી મારા કપાળમાં ભટકાયું."
અપમાનજનક શબ્દો બોલીને વી.એમ. કાળુને ધકેલી મૂકે છે, તે જ વખતે ફકીરો આવીને વી.એમ.ના ઘરના બારણાનું કડું ખખડાવે છે. લેખકે અહીં વી.એમ. અને ફકીરા વચ્ચે ચાલતા સંબંધોને ગોપીત રાખીને વાર્તાને બોલકી થતી અટકાવી છે.
આ બધું જે થઇ રહ્યું છે તેના સાક્ષી છે ભીખુમામા. ભીખુમામા કાવલી ગાયને લઇ જતા-આવતા લેખકે દર્શાવ્યા છે. એમની ઉપસ્થિતિ વાર્તામાં ખાસ નથી છતાં તેમનું પાત્ર સરસ રીતે ઉપસી આવ્યું છે. જન્તી અને કાળુ ઉપર એમની ચાંપતી નજર પડછાયાની જેમ ફરતી રહી છે. સાથે બેઠેલા જન્તીને બોલાવીને એ કાળુને કહેવડાવે છે કે કાળુ વી.એમ. પાસે રાખડી બંધાવી લે. ભીખુમામાની ચાંપતી નજરમાં એમના જીવનની અનુભવી નજરનું સંધાન છે. બાળક જેવો કાળુ જે તરફ દોરવાયો છે, જઈ રહ્યો છે તે શક્ય બનવાનું નથી. અથવા તો વી.એમ. સાથેના કાળુના પ્રેમસંબંધો દિલથી આગળ વધીને બીજી કોઈ ભૂમિકા સુધી પહોંચવાના નથી. વી.એમ. સાથેના કાળુના સંબંધમાં બીજો કોઈ વિકાસ નથી. (એ વાત ખુદ કાળુની જન્તી સામેની કબુલાતમાં ફલિત થાય છે. જન્તી એને પૂછે છે :
"કાળુ, કોઈ દી'સવારી કરી છે કે નૈ?
એ શું? એમ પૂછવા જતો હતો ત્યાં મને તરત સમજાઈ ગયું કે જન્તીનો મતલબ શું છે.
હું ખિજાઈને બોલ્યો:
જો જન્તી અમે કાંઈ એવાં દેહનાં ભોગી નથી હોં.")
દિનપ્રતિદિન થતી ઢીલને કારણે જન્તી પણ કાળુને વી.એમ. પાસે રાખડી બંધાવી દેવાની સલાહ આપે છે. ભીખુમામાની કાવલી ગાયનો સંદર્ભ પાછળથી વાર્તા સાથે સંધાન સાધે છે. ગાયનો ગડારવાડે જઈ ઓખર કરવાવાળો પ્રસંગ વાર્તાની મુખ્ય ઘટના સાથે સંબંધ ધરાવે છે. ફકીરા અને વી.એમ.ને વાડામાં બાવળની કાંટય નીચે જે રીતે જોયા તેથી કથાનાયક કાળુનું મન ભાંગી ગયું છે. આખા પ્રસંગનું લેખકે સ-રસ નિરૂપણ કર્યું છે અને જે આ વાર્તાની મુખ્ય ઘટના પણ છે. આસ્વાદ્ય સર્જકકર્મમાંથી પ્રગટતો સૂર જાતીયતાનો સંદર્ભ પણ રજૂ કરી દે છે :
"....પછી અચાનક કંઈક સૂઝતાં દોડીને ફરી દેસાઈનાકામાં જઈ ભીખુમામાની ડેલી સામે ગડારવાડામાં દોડવા માંડ્યો. એક વાડામાં કાંટય નીચે વી.એમ. ચત્તી સૂતી હતી. ફકીરો એના પર ગોઠણભેર ઝૂકવા જતો હતો. મારો સાદ ફાટી ગયો.
: એય સાળાંવ,આ શું કરો છો?
મેં હાથમાં આવ્યું એવડું ઇંટનું રોડું લીધું અને રમરમાવતું ઘા કર્યો. ફકીરો સડાક દેતો ઊભો થઈ ગયો. આમતેમ જોતાંજોતાં પાટલુન સરખું કરતો મારી કોર્ય થઈ નાના દેસાઈનાકામાં ભાગ્યો. વી.એમ. ગભરાઈને ઉભી થઈ નેળિયામાં બીજા છેડે ભાગી ગઈ. મેં ઇંટોડાનો ઘા બાવળની કાંટય પર કરવા માંડ્યાં."
આખરે થાકી-હાર્યો એટલે એ હનુમાનજીની દેરીના ઓટલે આવીને બેસી ગયો. (એ પણ સૂચક છે.) ભૂપત બાબર સાબુના ફીણવાળું પાણી ફેંકવા દુકાનની બહાર આવ્યો ત્યારે એણે કાળુને જોયો. એ કાળુને દાઢી કરાવાનું કહે છે. તે વખતે દાઢી કરાવી રહેલો ઘરાક ખડખડાટ હસીને બોલી પડે છે : "ભૂપત, હવે આમ નાના છોકરાવ મૂંડવા રહેવા દે." ઘરાકના આ વિધાનમાં પણ ભીખુમામાની પેલી સલાહનાં દર્શન થાય છે.
બાળમાનસને વ્યક્ત કરતી આ એક સરસ વાર્તા છે. છેલ્લે વાર્તામાં કશોય ચમત્કાર કે ઘટસ્ફોટ કર્યા વિના લેખકે કથાનાયકના બાળમાનસને શાંત પાડવા માટે તેના માનસમાં મૂકેલું સંવેદન અસરકારક છે. મોટાંબા તેને બોલાવવા આવે એ પહેલા અહીંથી નીકળી જવું હતું પણ કથાનાયક ત્યાં જ રહે છે. મોટાંબા આવે તો તેની સાથે જાઉં એવો વાર્તામાં આવતો નિર્દેશ અપરિચિત વાસ્તવને સંવેદનાત્મક આધાર પૂરો પાડે છે. કથાનાયકના બાળમાનસને લાગેલો આઘાત ખાળવા માટે મોટાંબા સાથે જવાનું એનું વલણ કોઈનો સહારો-સધિયારો ઝંખી રહ્યો હોવાની પ્રતીતિ કરાવે છે. મોટાંબાની રાહ જોવાનું આ આશ્વાસન નાનુંસૂનું તો નથી જ. વાર્તામાં કાળુની કાચી વયનો ઉલ્લેખ છે, તથા એક જગ્યાએ વી.એમ. સાથે દેહનો સંબંધ નથી એમ કથાનાયકે એકરાર કર્યો છે. આ એકરાર પાછળ વાર્તાકારનો આશય વી.એમ.ની પલટાયેલી સ્થિતિ સાથે સંધાન સાધવાનો છે. વી.એમ. કાળુને મૂકીને ફકીરા પ્રત્યે ખેંચાય છે, તેમાં વાર્તાની અનેક શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ કુશળતાપૂર્વક પાર પાડીને વાર્તાની કળાને પ્રતીતિજનક રીતે પ્રસ્તુત કરી છે.
******************************
પ્રીતિ ધામેલિયા
જે.આર.એફ., ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel