SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
ગુજરાતી પ્રવાસ સાહિત્યની આલોચનાત્મક રૂપરેખા
પ્રવાસસાહિત્ય ગુજરાતી ભાષાસાહિત્યમાં ક્રમશ: ઉત્ક્રાંત થતાં થતાં આજે લગભગ એણે લલિત સાહિત્યનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. મધ્યકાળનું ગુજરાતી પ્રવાસસાહિત્ય, અર્વાચીન ગુજરાતી પ્રવાસસાહિત્ય તેનમજ આધુનિક પ્રવાસસાહિત્યને લક્ષ્યમાં લઇએ છીએ ત્યારે એમ થાય છે કે એક ગુજરાતી લેખક પ્રવાસાહિત્ય નિમિત્તે કેટકેટલી રીતે અભિવ્યક્ત થતો રહ્યો છે ! એ વડે ગુજરાતી ગદ્ય પણ ચિંતન-મનના, કળા, સૌંદર્ય, સ્થળવિશેષ, વ્યક્તિવિશેષ અને પ્રકૃતિ આદિને કેટકેટલી રીતે ઝીલી બતાવે છે ! લાગે કે ગુજરાતી ગદ્યનો એક મોટો હિસ્સો પ્રવાસસાહિત્ય રોકીને બેઠું છે. ગુજરાતી સર્જકચેતનાના અને ગુજરાતી ભાષાના અનેક ખુણાઓ એમ અ પ્રવાસસાહિત્ય કાઢી બતાવે છે.
મધ્યકાળમાં રચાયેલા-ગવાયેલા પદ્યમાં ક્યાંક આપણને દૂરદૂરના દેશોમાં જતાં, દરિયાઇ સફરો ખેડતા સોદાગરોના ઉલ્લેખો મળે છે. જેમ કે ‘વા વાયા ને વાદળ ઉમટ્યા’, હાજી કાસમ તારી વીજળી રે’, ‘ ‘પિયુ પરદેશની વાટડી જોતી’ જેવી અનેક પદ્યાત્મક વાર્તાઓમાં વેપારાર્થે દરિયો ખેડતા વણિકજનો, માલથી ભરેલાં વહાણોની કતારો વગેરેનાં વર્ણનો જોવા મળે છે. તે કાળમાં જાત્રાઓનાં કે દરિયાઇ સફરોનાં વર્ણન-નિરૂપણયુક્ત પ્રવાસસાહિત્ય પ્રાપ્ત થવા લાગે છે.
અર્વાચીન સમયથી ગુજરાતી સાહિત્યનું વહેણ બદલાય છે ત્યારથી પ્રવાસસાહિત્યના સુગ્રથિત સ્વરૂપનો પણ કેઅમિક વિકાસ થતો રહ્યો છે. નર્મદયુગમાં પારસી તથા બિનપારસી લેખકો દ્વારા પ્રવાસસાહિત્ય રચાયું તેમાં સુધારાનું પ્રયોજન તેમજ જ્ઞાન,સમજ,વ્યાપાર,પુણ્ય વગેરેની છાંટ જોવા મળે છે.
આ શરૂઆતના તબક્કે નિર્ભેળ આનંદ પ્રાપ્ત કરવાના ઉદેશથી ભાગ્યે જ કોઇ પ્રવાસ થયો છે. તો પંડિતયુગનું પ્રવાસસાહિત્ય એક ડગ આગળ ભરે છે. આ યુગમાં વૈવિધ્ય અને વિકાસ બંને જોવા મળે છે. આ યુગના પ્રવાસલેખકોએ વિશાળ દ્રષ્ટિ રાખી પ્રવાસો કર્યા છે અને સાહિત્યિક સુઝ-સમજપૂર્વક તેમનું નિરૂપણ કર્યું છે. હેતુલક્ષી-માહિતીલક્ષી પ્રવાસનિરૂપણનું સ્થાન, સર્જનાત્મક અંશો ધરાવતું આનંદલક્ષી પ્રવાસસાહિત્ય લેતું જાય છે. જે તે પ્રવાસભૂમિમાં લેખકે જોયેલ – અનુભવેલ પ્રકૃતિ-સંસ્કૃતિ-પ્રસંગોના ચિત્રો સવિશેષ આલેખાવા માંડ્યા. આનંદ માટે પ્રવાસકથાનું સર્જન થવું જોઇએ એવી દ્રષ્ટિ કેટલાંક પ્રવાસલેખકોમાં જન્મી. આવી ધીમી છતાં મક્ક્મ ગતિએ આગળ વધતું ગુજરાતી પ્રવાસસાહિત્ય ગાંધીયુગમાં પ્રવેશ કરે છે ત્યારે ઇયત્તા,ગુણવત્તા અને વૈવિધ્યની દ્રષ્ટિએ તેનો ઘણો વિસ્તાર થયેલો જોવા મળે છે. આ યુગમાં ગુજરાતીઓમાં પ્રવાસ માટે તીવ્ર રસ જાગૃત થયેલો જોવા મળે છે. કોઇપણ જાતના ઇતર પ્રયોજન સિવાય માત્ર આનંદ પ્રાપ્ત કરવાના આશયથી નિરુદેશે ભ્રમણ કરવાની વૃત્તિ તેમનામાં પ્રબળ બની છે. સ્વાતંત્ર્ય માટેના સ્વદેશી આંદોલનો લોકોમાં દેશ માટે પ્રેમ અને ગૌરવની લાગણી પ્રગટાવે છે. દેશના વિવિધ સ્થળો જોવા-જાણવાની તેમનામાં આતુરતા જાગે છે;પરિણામે આ યુગમાં સ્વદેશમાં ઘણાં પ્રવાસ થયાં તેનાં વર્ણનો પણ વધારે લખાવા લાહ્યા. ગાંધીયુગ પૂર્ણ થતાં સુધીમાં તો પ્રવાસસાહિત્ય કલાત્મક, સુપ્રતિષ્ઠિત અને આકર્ષક બને છે. આમ યુગે-યુગે રૂપ, રંગ, બદલતું જતું ગુજરાતી પ્રવાસસાહિત્ય સ્વાતંત્ર્યોત્તર યુગમાં નવાં પરિમાણો અને નવી દીશા સાથે પૂરઝડપે વિકાસ સાધે છે.
આવી રીતે એક તરફ પ્રારંભે ક્વચિત પદ્ય તેનું વાહન બન્યું છે. તો પછી લગભગ ગદ્ય વડે એનો વિકાસ થતો રહ્યો છે. કોઇક વિગતોનો ખડકલો ખડકે છે, તો કોઇ કાલાનુક્રમને જાળવવા મથે છે, કોઇક સૌંદર્યની છાલકથી પોતાને ભીંજવી દે છે, તો કોઇક એ વડે આધ્યાત્મિક આરોહણ કર્યાનો સંતોષ લે છે, કોઇક સ્થળના પ્રેમમાં પડી જાય છે, તો કોઇક વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે, કોઇક અણિયાળા ‘હું’ લઇને આપણી સામે આવે છે, તો કોઇક ‘હું’ને ભૂંસી નાખીને પોતાની જાતમાં વિખેરી દઇને પ્રવાસને સંક્ષિબ્ધ કરે છે, કોઇક શિક્ષક કે પાદરીનો પહેરવેશ પહેરીને આવે છે, તો કોઇક એના બિન્ધાસ્ત સ્વરૂપને સતત આગળ વધારતો રહે છે. પ્રવાસસાહિત્ય આમ પારાવાર વૈવિધ્યસભર છે. અનેક રૂપે, અનેક રીતે એનો વિસ્તાર જોઇ શકાય છે.
અર્વાચીન યુગના પ્રારંભે મહીપતરામ નીલકંઠે ‘ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન’ ૧૮૬૪માં પ્રગટ કર્યું હતું. નર્મદ યુગના અંધશ્રદ્ધાળુ, વહેમી, રૂઢિજડ સમાજમાં પ્રથમવાર દરિયો ઓળંગનાર હિંદુ સાહિત્યકાર મહીપતરામ છે. તેમના ચિત્ત પર અંગ્રેજ પ્રજાની રહેણીકરણીએ અંકિત કરેલી છાપોનું માહિતીપૂર્ણ આલેખન તેમાં થયું છે. તેમાં સમાજસુધારક મહીપતરામે જ્પ્યેલા અંગ્રેજ પ્રજાના જીવન,લગ્નપ્રથા, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ, ઉદ્યોગો વગેરેના માહિતીપ્રચુર વર્ણનો છે. એ જ રીતે કેળવણીકાર મહીપતરામે ત્યાંની નિશાળો, ટ્રેનિંગ સ્કૂલો, લ6ડન યુનિવર્સિટી, સ્ત્રી કેળવણી, વર્તમાનપત્રો ને પુસ્તકો વગેરે અંગેની હકીકતો રજૂ કરી છે. લેખકનું મનોવલણ મોટા ભાગે મુગ્ધભાવી રહ્યું છે. તેઓ સમગ્ર પુસ્તકનું બહુપરિમાણી દ્રષ્ટિથી આલેખન કરે છે.
બે વર્ષ પછી કરસનદાસ મૂળજી 'ઇંગ્લેન્ડમાં પ્રવાસ' પ્રસિદ્ધ કરે છે. તેમાં ઇંગ્લેન્ડનાં મનોહર પ્રાકૃતિક સ્થળો, અંગ્રેજ પ્રજાની રીતરસમો, તેઓનો ગૃહસંસાર, ધર્મ, કેળવણી, વેપારઉધોગ અને રાજકારણ જેવી વિગતોનું આલેખન થયું છે. આવી રસપ્રદ બાબતો આસ્વાદ્ય બની છે. સુધારકયુગમાં પ્રથમવાર આવું રસાળ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મળે છે ત્યારે મહીપતરામ પણ તેને આવકારે છે અને બિરદાવે છે.
જે જમાનામાં સ્ત્રીમુક્તિના અને સ્ત્રીશિક્ષણના પ્રયાસોનો હજુ પ્રારંભ જ થયો હતો, તે જમાનામાં ગુજરાતી પ્રવાસસાહિત્ય ક્ષેત્રે નિર્ભેળ અને સ્વતંત્ર પ્રવાસવર્ણનનો પ્રથમ ગ્રંથ 'ગોમંડળ પરિક્રમ' ગોંડળના મહારાણી નંદકુંવરબા પાસેથી મળે છે. બ.ક.ઠાકોર આ ગ્રંથનીનોંધ લેતાં કહેલું : ' આ ગ્રંથમાં પ્રવાસવર્ણનમાં જે જે ગુણો મુખ્યત્વે કરીને જોઇએ તેમાનાં કેટલાંક એવા સારા પ્રમાણમાં વિદ્યમાન છે કે આપણાં કરતાં એવા વિષયોમાં વધારે ખેડાયેલી ભાષામાં પણ આવો ગ્રંથ પ્રસિદ્ધ થાય તો એ ગ્રંથના પોતાના ગુણોને માટે જ આપોઆપ નોંધ લેવાય.' લેખિકા, રાજધરાનો અને જમાના પ્રમાણે સ્ત્રીકેળવણીનો અભાવ - આવા સંજોગોમાં પ્રગટ થયેલા આ પુસ્તકમાંની તુલનાશક્તિ તથા પરિપક્વ અવલોકનશક્તિ જોતાં નંદકુંવરબાને તે જમાનામાં ઊંચી પંક્તિના ગ્રંથકાર ગણાવી શકાય.
કલાપી એટલે 'કાશ્મીરનો પ્રવાસ'વાળા કલાપી એવી ઓળખ ઊભી કરનાર આ રાજ્વીની કીર્તિદા કૃતિ ગુજરાતી પ્રવાસસાહિત્ય માટે 'માઇલસ્ટોન' બની રહી છે. ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આ કૃતિ વિશે ઘણુંબધું લખાયું છે. સુંદરમ જેવા વિદ્વાનના મંતવ્ય અનુસાર - 'સતર વર્ષના યુવકનું આ લખાણ ગુજરાતી ભાષામાં એક સ્મરણિય પ્રવાસવર્ણન છે. એટલું જ નહીં, પરંતુ ગુઅજરાતી સાહિત્યના ઇતિહાસમાં આટલા કિશોર લેખકની આવી કસાયેલી પહેલી પ્રસાદી છે, અને તે ગદ્યમાં. છ માસના કાશ્મીર પ્રવાસ દરમિયાન કલાપીની ભાવનાશીલ મુગ્ધતા આ પુસ્તકના વર્ણનમાં ઠેર-ઠેર જોવા મળે છે.' કલાપીનું ભાવજગત ઉષ્માભર્યું છે. તેઓનું હ્રદય કોમળ અને સંવેદનશીલ છે. પ્રકૃતિના વિવિધ દ્રશ્યોના આલેખનમાં તેમની સૌંદર્યરસિકતા, કલ્પનાશક્તિ, અલંકારસામર્થ્ય અને સિદ્ધહસ્ત ભાષાશૈલી જોવા મળે છે. ક્યારેક ટૂંકા ટૂંકા વાક્યોમાં પ્રકૃતિના રમ્ય ચિત્રો દોરાયા છે. લેખકે ક્યાંક દ્રશ્યના કોઇ એક ભાગને ઉપસાવતી રેખાઓ દોરી છે. પ્રકૃતિના રમ્ય, રુદ્ર, નાજુક કરાલ રૂપને તેમણે મનભરીને પીધાં છે. પ્રકૃતિવિશ્વ સાથે સમરસતા અને એકરૂપતા એ તેમનું સ્વપ્ન અને તેમનો આનંદ છે. પ્રકૃતિની સાથે તેમણે શ્રીનગરની ખંડેર જેવી સ્થિતિ, ગંદકી, રીતરિવાજો, પહેરવેશ,સ્વભાવ,ખસિયતો,કુટેવો, વ્યવસાયો, લાગવગશાહી, અન્યાય, જુલમ વગેરે બાબતોનું પણ ઝીણવટભર્યું આલેખન કર્યું છે.
'સવાઇ ગુજરાતી' કાકાસહેબ કાલેલકર માત્ર ગાંધીયુગના જ નહી પરંતુ ચિરકાલીન માનભર્યું ટોચનું સ્થાન ગુજરાતી પ્રવાસસાહિત્યમાં ભોગવે છે. તેમણે ભારતમાં તેમજ વિદેશના વિવિધ ભાગોમાં પ્રવાસો કર્યા છે. આજીવન પરિવ્રાજક તરીકે તેઓ જાણીતા છે. હ્રદયની ઉદારતા, વિશાળતા, સમષ્ટિ-કલ્યાણની ભાવના, સમગ્ર વિશ્વમાં સૌંદર્ય તથા ચૈતન્યનાં દર્શન કરવાની ઝંખના વગેરે ભાવ-ભાવનાઓ પરત્વે તેઓ ગાંધીજીના અનુયાયી રહ્યા છે. તેમની પાસેથી 'હિમાલયનો પ્રવાસ' નામની ગુજરાતી પ્રવાસસાહિત્યની પ્રશિષ્ટ કૃતિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમણે 'બ્રહ્મદેશનો પ્રવાસ', 'ઉગમણો દેશ જાપાન', 'પૂર્વ આફ્રિકામાં' જેવા વિદેશ પ્રવાસનાં પુસ્તકો આપ્યાં છે. સ્વદેશમાં પરિભ્રમણનું નિરૂપણ કરતાં સંખ્યાબંધ પ્રવાસલેખો પણ તેમણે લખ્યાં છે. 'લોકમાતા','જીવનલીલા', 'રખડવાનો આનંદ', 'ભારતદર્શન' વગેરે પ્રવાસગ્રંથોમાં સ્વદેશભ્રમણની વાતો સમાયેલી છે.
પ્રવાસપ્રદેશોમાં હિમાલય તેમને સૌથી વધુ આકર્ષતો રહ્યો છે. આનંદ, ઉત્સાહ અને મુગ્ધ ભક્તભાવ્થી તેઓ હિમાલયનો પ્રવાસ કરે છે. આ પ્રવાસના બહુવિધ અનુભવોનું તેમણે 'હિમાલયનો પ્રવાસ'માં જીવંત નિરૂપણ કર્યું છે. અગાઉ હિમાલયની યાત્રાનાં વર્ણનો થયા છે. પરંતુ હિમાલયનાં સાદ્યંત રસિક અનુભવ કરાવે તેવું, નખશિખ લાવણ્ય નીતરતું પ્રવાસવર્ણન સૌપ્રથમવાર કાકાસાહેબ પાસેથી મળે છે. સમગ્ર ગુજરાતી ગુજરાતી પ્રવાસસાહિત્યમાં હિમાલયનું નિતાંત રમણીય કલાત્મક દર્શન કરાવવામાં પણ તેમનું સ્થાન ટોચ પર છે. કાકાસાહેબના તમામ પ્રવાસપુસ્તકો-પ્રકૃતિનાં અવનવા રૂપ, સંવેદનશીલ અને કલ્પનાશીલ કવિહ્રદયથી સભર છે. પ્રકૃતિનાં બહુવિધ રૂપો સાથે સંસ્કૃતિની વિવિધ બાજુઓનું પણ તેમણે દર્શન કરાવ્યું છે તો માનવી, સમાજ અને સંસ્કૃતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું છે. વર્ણનોને પોતાના અનુભવોથી તેમજ પુરા, ઇતિહાસ,ભુગોળ, સાહિત્યગ્રંથોના સંદર્ભોથી રંગી આકર્ષક રીતે રજૂ કરે છે. તેમના અંગત વિચાર, તેમની માન્યતા અને તેમના બહુમુખી વ્યક્તિત્વની ઝલક સર્વત્ર જોવા મળે છે.
કાકાસાહેબના પ્રવાસસાહિત્યને ચિરંજીવ સ્થાન બક્ષનારાં તત્ત્વોમાં સુરેખ, સાક્ષાત્કાર, ઇન્દ્રિયગ્રાહ્ય નિરૂપણ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં એક સરજક કવિની મૌલિક પ્રતિભા, નિર્હેતુક આનંદલક્ષી પરિવ્રાજકતા, લાગણી-કલ્પનાયુક્ત વર્ણનની હ્રદયસ્પર્શિતા, નિર્દોષ અને નિખાલસ મનોરંજતા, વિચારપ્રદ ચિંતનની સૂક્ષ્મતા અને બહુવિધતાનો સ્પષ્ટ તથા સચોટ અનુભવ થાય છે. શિષ્ટ, સંસ્કારી, લલિત-મધુર, ચિત્રાક્ત્મક અને પ્રસંગોપાત નાટ્યાત્મક બનતી રસળતી શૈલીને કારને તેમની પ્રવાસકૃતિઓ ઘણીવાર લલિત સાહિત્યની કૃતિ સમકક્ષ આનંદની અનુભૂતિ કરાવે છે. તેમની પ્રવાસકથાઓ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં સંખ્યા, સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટિએ વિશિષ્ટ અધિકારી બની છે.
ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના જાણીતા કવિ સુંદરમે સુખ્યાત એવું 'દક્ષિણાયન' નામનું ચિરંજીવ પ્રવાસપુસ્તક આપ્યું છે. કર્ણાટકના જોગના ધોધથી વિજયનગર સુધીના પ્રવાસ દરમિયાન લેખક પ્રવાસભૂમિના પ્રકૃતિ, લોકજીવન, તીર્થસ્થાનો અને ઐતિહાસિક સ્થળો સાથે આત્મીયતા કેળવી શક્યા છે. લેખકનું માનસ તીર્થક્ષેત્રોમાં એક ભગવદભક્ત કરતાં શિલ્પ-સ્થાપત્યના તથા જનપરાયણના સૌંદર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યું છે.
લેખકે કરેલા પ્રવાસના ભૂમિભાગની પ્રજાને જોઇ તેમના ચિત્તમાં જે વિવિધ ભાવમુદ્રાઓ અંકિત થઇ, પ્રકૃતિના કે શિલ્પનાં દર્શનથી હ્રદયમાં જે સંવેદનો જાગ્યાં એનો સુરેખ આલેખ અહીં જોવા મળે છે. તેમાં સૌંદર્યપ્રેમી, સંવેદનશીલ, મનનશીલ લેખકનું હ્રદય ધબકતું જોવા મળે છે. પ્રકૃતિપ્રેમ, શિલ્પ અને સ્થાપત્યને જોવાની સમજવાની દ્રષ્ટિ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો અનુરાગ, પ્રજા પ્રત્યેનો સમભાવ,પૌરાણિક તથા દંતકથાઓના સંદર્ભમાં પ્રવાસભૂમિનું દર્શન કરવાની ઇચ્છા, ઇતિહાસદ્રષ્ટિ અને દેશપ્રેમ બધું જ અહીં વ્યક્ત થાય છે. મંદિરોની કલાના વર્ણનમાં સંબંધિત દંતકથાઓ અને પુરાણકથાઓનો સમંવય સાધી તેની રસિકતા વધારી છે.
સુંદરમનું આ પ્રવાસવર્ણન લલિત કૃતિ જેવા આનંદનો અનુભવ કરાવે છે તેનું મુખ્ય કારણ છે તેનું ગદ્ય શિષ્ટ,સંસ્કારી અને મધુર છે. તેમની શૈલી વસ્તુ,દ્રશ્ય કે વાતાવરણને અનુરૂપ વૈવિધ્ય ધારણ કરે છે.' દક્ષિણાયન' વસ્તુનિરૂપણની દ્રષ્ટિએ સફળ કૃતિ ક્ચે. અગાઉ ઘણાં લેખકોએ દક્ષિણ ભારતનાં પ્રવાસવર્ણનો લખ્યાં છે. પરંતુ દક્ષિણ ભારતનાં પ્રવાસનો સાદ્યંત રસાનુભવ કરાવી શકે તેવું લાલિત્યમય પ્રવાસનિરૂપણ સૌપ્રથમ સુંદરમ પાસેથી મળે છે. પ્રવાસના નિતાંત રમણીય સર્જનાત્મક આલેખનને લઇ 'દક્ષિણાયન' ગુજરાતી પ્રવાસસાહિત્યનું એક સ્મરણીય સીમાચિહન બની રહે છે.
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પ્રવાસસાહિત્યના અગ્રણી પ્રવાસલેખક ચંદ્રવદન મહેતા નાટ્કના જીવ છે કે પ્રવાસકથાના જીવ છે એ કળવું મુશ્કેલ છે. તેમણે કવિતા, નવલિકા, આત્મચરિત્ર, વિવેચન વગેરે ક્ષેત્રો પણ ખેડ્યા છે. યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી દુનિયાના અનેક દેશો ફરીને તેમણે 'ગઠરિયાં' શ્રેણીમાં પોતાના પ્રવાસવર્ણનોમાં આલેખ્યાં છે. 'ગઠરિયાં' પ્રવાસસાહિત્યમાં એક અનોખી ભાત પાડે છે. લેખકે શુદ્ધ સાહિત્યિક ઉદેશથી જ પ્રેરાઇને આ 'ગઠરિયાં' ગ્રંથમાળા લખી છે. નાટ્યકાર ચંન્દ્રવદન મહેતા સાહિત્યમાં હંમેશા પ્રયોગશીલ રહ્યાં છે. કોઇ ન જીવે એવું જીવન જીવવું એમને હંમેશા ગમ્યું છે, અને કોઇથી ન લખાય એવું, તેમની રીતે લખવાનું હંમેશા પસંદ કર્યું છે.
આ શ્રેણીના બધા ગ્રંથોમાં માત્ર પ્રવાસવિષયક વિગતોનું નિરૂપણ નથી. મુખ્યત્ત્વે ' ધૃવ ગઠરિયાં', ' રંગ ગઠરિયાં', 'નાટ્ય ગઠરિયાં', ' બાંધ ગઠરિયાં', તેમજ 'અંતર ગઠરિયાં'ના બે ભાગ તેમજ 'ભમીએ ગુજરાત' વગેરેમાં પ્રવાસનાં સંસ્મરણો આલેખાયા છે. તેમનું પ્રવાસક્ષેત્ર મોટા ભાગે ફ્રાંસ, સ્પેન, ઇટાલી, જર્મની, સ્વિટઝરલેન્ડ, અમેરિકા, જાપાન, રશિયા,નોર્વે, સ્વીડન રહ્યું છે. તેમણે જગતને પોતાની ખુલ્લી આંખે જોયું-જાણ્યું-માણ્યું-આલેખ્યું છે. તેમાં જીવનને ધન્ય બનાવે તેવા પ્રસંગો, કથાઓ, કિસ્સાઓ, ચર્ચાવિચારણાઓ વિભૂતિઓ વગેરે રજૂ થયા છે. લેખક પાસે દુનિયાને જોવાની, જાણવાની માણવાની દ્રષ્ટિ છે સાથે સૂક્ષ્મ સંવેદનશીલ હ્રદય છે. આંખથી જે જોયું, મનથી જે માણ્યું તે સ્વાનુભવને સર્વાનુભવરસિક બનાવી આલેખવું એ કલા લેખકને સિદ્ધહસ્ત છે.
ચં.ચી. મહેતાનું પ્રવાસસાહિત્ય શૈલી અને નિરૂપણની દ્રષ્ટિએ એક નવી જ ભાત પાડે છે. વાતચીતની છટામાં અંગત ઉલ્લેખ અને વાચકોને અનુલક્ષી થતાં સીધાં સંબોધન-ઉદબોધન પણ પ્રસંગોપાત તેમાં ભળતા રહે છે. કેટલીકવાર તેમાં વ્યંગ-વિનોદ કે મહેણાં-ટોણા સહજ સ્વાભાવિક રૂપમાં ઉમેરાય છે. વિપુલ શબ્દસમૃદ્ધિ અને તળપદા શબ્દોનું સચોટ સંયોજન તેમના ગદ્યને વિશિષ્ટ મોડ આપે છે. તેમાં નિરૂપિત વ્યક્તિસમષ્ટિના અનેક લલિત,ગતિશીલ ચિત્રો ગદ્યકાવ્યોનો અનુભવ કરાવે છે. વસ્તુનિરૂપણશૈલીની આવી આગવી આકર્ષક વિશેષતાઓને લઇને તેમની 'ગઠરિયાં શ્રેણી' મળે છે. માત્ર ગુજરાતી જ નહીં, ભારતની અન્ય ભાષાઓમાં આવી આત્મજીવન-દર્શનની-પ્રવાસકથા મળવી મુશ્કેલ છે. આથી જ ચં.ચી.મહેતા સ્વાતંત્ર્યોત્તરયુગના પ્રવાસસાહિત્યના અગ્રણી પ્રવાસસાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ છે.
અલ્ગારી પ્રવાસી રસિક ઝવેરી પાસેથી બે પ્રવાસપુસ્તકો 'અલગારી રખડપટ્ટી' અન્એ 'સફરના સંભારણા' પ્રાપ્ત થાય છે. તેમના બંને પુસ્તકોમાં ઇંગ્લેન્ડની પ્રવાસભૂમિનું આલેખન છે. તેમનાં વર્ણનોમાં નિખાલસ, નિરાડાંબરી અને સંવેદનશીલ એવા કલાકારની સર્જકપ્રતિભાનું દર્શન થાય છે. પ્રવાસનો સુરેખ, સમભાવપ્રેરક સાક્ષાત્કાર કરાવતી 'અલગારી રખડપટ્ટી' સ્વાતંત્ર્યોત્તરકાળના ગુજરાતી પ્રવાસસાહિત્યની ઉમદા કૃતિ છે. વળી પ્રમાણમાં માહિતીસભર કૃતિ 'સફરના સંભારણા' પ્રથમ પુસ્તક જેટલી વખણાઇ નથી.
'અલગારી રખડપટ્ટી'માં ઇંગ્લેન્ડની ઊજળી-કાળી, સારી-માઠી બાજુઓનું સમગ્રતયા નિરૂપણ થયેલું છે. અંગ્રેજોના દેશમાં પણ માનવીઓ ગરીબ છે, દુ:ખી છે, ત્યાં પણ સામાજિક વિષમતા છે. આ જોઇ લેખકનો લંડન પ્રત્યેનો મુગ્ધ અહોભાવ ઓગળી જાય છે અને અંતે સ્વદેશ હોય કે પરદેશ 'માનવસ્વભાવની નીપજ બધે જ એકસરખી' હોય છે એવા સ્વાનુભવનું માનવીય, સંવેદનાત્મક આલેખન થયેલું જોવા મળે છે. લંડનની ભભકાદાર જડ સૃષ્ટિ કરતાં ત્યાંના સામાન્ય માનવીઓના રોજિંદા જીવનની માનવીય સૃષ્ટિ લેખકને વધુ સ્પર્શી ગઇ છે. આથી ચીલાચાલુ કે ગાઇડ જેવી માહિતીને બદલે રસાળ અને આસ્વાદવા યોગ્ય નિરૂપણવાળી આ કૃતિ વારંવાર સ્મરવી ગમે છે.
અલગારી પ્રવાસીના રૂપમાં તેમણે લંડનમાં સ્વૈરવિહાર કર્યો છે અને ત્યાંની બાહ્ય ચમકદમકની સાથે તેના ભીતરી ગમગીન જીવનમાં પણ ડોકિયું કર્યું છે. લંડનનો વિશાળ માનવસમુહ, લોકોની રોજિંદી જીવનચર્યા, ગતિશીલ સમાજજીવન આદિના તેમણે સૂક્ષ્મ તેમજ સવિસ્તર સાંગોપાંગ ચિત્ર આલેખ્યાં છે. જીવનની બાહ્ય કે સ્થૂળ સપાટીના નિરૂપણની અપેક્ષાએ તેમાં માનવમનની બહુવિધ તથા જીવનના અંતરંગને સ્પર્ષવાનું વલણ સવિશેષ નજરે પડે છે. લેખકની કથનાત્મક, ચિત્રાત્મક, નાટ્યાત્મક શૈલીમાં થતાં પ્રસંગ-પાત્ર-પરિસ્થિતી અને વાતાવરણનાં વર્ણન ઘણીવાર ગદ્યકાવ્યોનો આસ્વાસ કરાવી જાય છે. શૈલીની અનાયાસે પ્રગટતી વિવિધ છટાઓમાં પ્રવાસની સઘન આત્મીય અનુભૂતિ થાય છે. પ્રવાસભૂમિની આકર્ષક વિશેષતાઓ, માનવજીવનની અનેક લાક્ષણિકતાઓ અને સંવેદનાત્મક નવીનતાસભર નિરૂપણ આ કૃતિને વાચકપ્રિય બનાવે છે.
આધુનિક ગુજરાતી પ્રવાસસાહિત્યના નવીનતમ સર્જકોની પ્રથમ હરોળમાં જેમનું નામ વિના સંકોચે મૂકી શકાય એવા ભોળાભાઇ પટેલ પાસેથી 'વિદિશા', ' દેવાત્મા હિમાલય', 'પૂર્વોત્તર', ' કાંચનજંઘા', 'રાધે તારા ડુંગરિયા પર', દેવોની ઘાટી' જેવી કૃતિઓ મળે છે. આધુનિક પ્રાવાસસાહિત્ય્ને લલિત સમક્ક્ષ લઇ જવામાં લેખકનો ફાળો નોંધનીય છે. પ્રવાસી તરીકે સ્થાનને નિહાળતા અને નિહાળ્યા બાદ લેખક પોતાના સંવેદનને ભાવક સુધી પહોંચાડવા મથે છે. સંબંધિત સ્થળનો ભૂતકાળ, પ્રાચીન-અર્વાચીન કવિઓએ કરેલા ઉલ્લેખો, વર્તમાન પરિસ્થિતિ - આ બધાનો વિનિયોગ કરે છે. 'વિદિશા'ની ચાર; 'પૂર્વોત્તર', દેવોની ઘાટી' અને 'કાંચનજંઘા'ની બે-બે આવૃત્તિ બહાર પડી છે. એ બાબત ગુજરાતી પ્રવાસસાહિત્ય માટે મહત્ત્વની છે.
લેખકનાં વર્ણનોમાં જિજ્ઞાસુવૃત્તિના દર્શન થાય છે. કોઇપણ સ્થળને લગતી સાંસ્કૃતિક-ઐતિહાસિક -પૌરાણિક-ભૌગોલિક માહિતી મેળવવાનું ઔત્સુક્ય લેખકમાં જોવા મળે છે. લેખકની સ્વાભાવિક શૈલી પ્રાસાદિક ભાષા અને સહજ અનુભૂતિથી રચાયેલી પ્રતીતિનાં દર્શન આ કૃતિઓમાં થાય છે. તેમનાં પ્રવાસવર્ણનોનો રસિક આકાર ઘડવામાં પ્રકૃતિ પ્રત્યેનો મુગ્ધપ્રેમ, માનવસમાજની સ્થિતી વિશેની અભિજ્ઞતા, વિદ્યાવિષયક પ્રવૃત્તિઓ પ્રત્યેનો ઉમળકો, અન્ય ભાષાના કવિઓ અને લેખકો પ્રત્યેનો આદરભાવ વગેરે બાબતોનો ફાળો મહત્વનો રહ્યો છે. જેવી રીતે કાકાસાહેબે પ્રવાસવર્ણન અને લલિતનિબંધનો સમન્વય કરીને પ્રવાસવર્ણનને નાવીન્ય બક્ષ્યું હતું તેવી રીતે ભોળાભાઇ પટેલે પણ પ્રવાસવર્ણન અને લલિતનિબંધનો સમન્વય સાધવાનો પ્રયત્ન કરે છે. વળી, ભોળાભાઇના પ્રવાસસાહિત્યમાં અવારનવાર બે બહુ મોટા ગજાના સર્જકોનો પ્રભાવ જોવા મળે છે, સંસ્કૃત કવિ કાલિદાસ અને બંગાળી લેખક રવીન્દ્રનાથ ટાગોરનો. લેખકની મુખ્ય લાક્ષણિકતાઓ એ છે કે તેમનામાં અધ્યયનની સ્મૃતિઓ, અભ્યાસો અને પ્રકૃતિ-સંસ્કૃતિનું સૌંદર્ય એ બધું એકાકાર અને ઓતપ્રોત થઇને આવે છે. તેમજ રચનાને લલિત કૃતિનું સ્થાન બક્ષે છે. આમ વર્ણ્ર્ર્ય પ્રસંગો, ઘટના કે બાહ્ય પ્રકૃતિનું દ્રશ્ય તો આછું નિમિત્ત બની રહે છે. બહારનું દ્રશ્ય એક ધક્કો આપે અને અંદરની લીલાવૃત્તિ મુક્ત થાય. ક્ષણેક્ષણ નવી છટા ધારણ કરતી પ્રકૃતિને તેઓ વિચાર કે જ્ઞાનના માધ્યમમાં નહિ પણ કેવળ સંવેદનાના રૂપમાં જ પામવા ઝંખે છે. ભોળાભાઇના પ્રવાસનિરૂપણમાં સચ્ચાઇનો રણકો જોવા મળે છે. જે જોયું-અનુભવ્યું છે તેને જ માત્ર કલાની એરણ પર ચડાવવાનો પ્રયાસ તેઓ કરે છે. વિષયવસ્તુ ચાતરીને અન્યત્ર તેઓ વિહરતા અંથી. મનિવિરહ પણ જે તે પ્રવાસસ્થળ, શિલ્પ-સ્થાપત્યને કેન્દ્રમાં રાખીને જ કરે છે. તેમનો 'હું' ભર્યોભાદર્યો છે. સ્થળદર્શનની લેખકની કલ્પનદ્રષ્ટિને વધુ સક્રિય કરી મૂકે છે એટલે સ્થળપ્રવાસ સૌંદર્યપ્રવાસ બની રહે છે. એથી પ્રવાસકથા પણ અંગત ઊર્મિના સ્પર્ષવાળું લલિતગદ્ય બની જાય છે. આમ, ભોળાભાઇ અદ્યતન યુગના પ્રવાસસાહિત્યને વધુ એક ડગલું આગળ લઇ જાય છે. તેમની પ્રવાસકથાઓ નવીન પરિમાણો ઊભાં કરે તેવી સક્ષમ છે.
અદ્યતન યુગના પ્રવાસસાહિત્યની વાત કરીએ ત્યારે ભોળાભાઇની સાથે તરત જ સ્મરણમાં આવે એવું નામ પ્રીતી સેનગુપ્તા છે. આ બ્રેવો પ્રવાસિનીએ વિશ્વ આખાને પોતાની ભ્રમણભૂમિ બનાવી છે. ગુજરાતીના નહીં, કદાચ ભારતીય પ્રવાસસાહિત્યમાં પહેલાં એવાં લેખિકા છે કે જે નીડર, સાહસ અને જિજ્ઞાસાવૃત્તિને લઇને નિરંતર વિશ્વદર્શન કરતાં-કરાવતાં રહે છે. તેમને પ્રવાસસ્થળે 'પહોંચી જવામાં' નહીં પણ 'જવું' તેમાં રસ છે. તેમની પાસેથી 'પૂર્વી', 'દેશદેશાવર', 'દૂરનો આવે સાદ', 'અંતિમ ક્ષિતિજો', ' ઘરથી દૂરના ઘર', નૂરના કાફલા', 'નમણી વહે છે નદી' વગેરે પ્રવાસગ્રંથો મળે છે.
લેખિકા જ્યાં જાય છે ત્યાં તે પ્રદેશની ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય ભૂમિકા, એના સમકાલીન રંગો, ઉત્સવો વગેરેનું રસાળ શૈલીમાં વર્ણન કરે છે. તેમની આ લાક્ષણિકતાઓ વાચકને જકડી રાખે છે. તે જે સ્થળે જાય છે તે સ્થળને પોતાનું બનાવી લે છે. કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ કે અનુરાગ વગર માત્ર આનંદને ખાતર જ પ્રવાસે જાય છે. તેમના પ્રવાસસાહિત્યમાં એમેઝોનના ગાઢ જંગલો, અલાસ્કાનો હિમાચ્છાદિત પ્રદેશ, ચીન, આફ્રિકાના સહરાનું રણ, યુરોપના અત્યાધુનિક દર્શનીય વર્ણન, જુદા-જુદા પ્રદેશોનું વૈવિધ્ય, તેમની કલા અને સંસ્કૃતિ જે તે પ્રદેશના ઇતિહાસ, ભૂગોળ અને પ્રજાની સ્વભાવગત લાક્ષણિકતાઓ, માન્યતાઓ, રહેણીકરણી, પોશાક, બોલી વગેરે વસ્તુવિષય તરીકે નિરૂપણ પામે છે. તેમનાં વર્ણનોમાં આયાસ જણાતો નથી. સાહજિકતાનું લક્ષણ જોવા મળે છે.
અદ્યતન યુગના ગુજરાતી પ્રવાસસાહિત્યમાં અવોન્મેષ જન્માવતી અને ખાસ કરીને સાહસિક મહિલા તરીકે એક છબી ઉપસાવતી આ લેખિકાના પૂર્વાર્ધન પ્રવાસવર્ણનો જેટ્લાં આસ્વાદ્ય બને છે તેટલાં ઉતરાર્ધમાં મળી શકતા નથી તે પણ નોંધનીય છે.
અદ્યતન યુગના પ્રવાસસાહિત્યમાં બીજું એક નોંધપાત્ર નામ છે પ્રવીણ દરજીનું. તેમણે 'નવા દેશ,નવા વેશ' અને 'હિમાલયને ખોળે' એમ બે પ્રવાસપુસ્તકો આપ્યાં છે. તેમાં 'હિમાલયને ખોળે' દ્વારા તેમણે ગુજરાતી પ્રવાસસાહિત્યમાં નવો ખૂણો કાઢી બતાવ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામેલ આ પ્રવાસકથાની નોંધ સશક્ત વિવેચકોએ લીધી છે. જે ગુજરાતી પ્રવાસસાહિત્યની ઉપલબ્ધિ છે. 'હિમાલયને ખોળે'માં હિમાલયનું ભવ્ય, વિરાટ અને લોકોત્તર સૌંદર્ય લેખકે માણ્યું છે. પ્રવાસભૂમિની નવી-નવી અનુભૂતિઓને તથા ત્યાંના પ્રકૃતિસૌંદર્યને મૂલગત સંવેદવાની તીવ્ર જિજ્ઞાસા આ પુસ્તકને રોચક બનાવે છે. વાચક લેખકની સાથે સહયાત્રા કરતો હોય તેવું હ્રદયનિરૂપણ રહ્યું છે. જે ક્ષણોમાં ઉત્કટ રીતે ભાવસંવેદન નિપજ્યું હોય તેવી ક્ષણોને લેખક કેન્દ્રીભૂત ક્ષણો તરીકે પ્રયોજીને નિરૂપણ કરે છે. નવી સમજ અને નવું અર્થઘટન ઉપજાવી શકનારી આવી ક્ષણો લેખકચિત્તમાંથી ગળાઇને આવી છે. અન્ય કૃતિઓ જેવો માહિતીનો ઢગ કે તથ્ય જેવી વિગતોથી લેખક દૂર રહ્યાં છે. આદિથી અંત લગી પ્રભાવિત કરતું આ પ્રવાસલેખકનું પ્રસન્ન, ગંભીર તથા સૌન્દર્યલુબ્ધ સર્જકવ્યક્તિત્ત્વ હિમાલયના છલકાતાં પ્રકૃતિસૌંદર્યની જેમ જ અહીં નિખરી આવે છે. એમની સૌંદર્યનિષ્ઠ દ્રષ્ટિમાં કાવ્યમયતા, સંવેદનપટુતા, ચિંતનપ્રણવતા, કલ્પનાશીલતા અને નિખાલસતા જેવા ગુણો જોવા મળે છે. જે વાચકને કૃતિ તરફ જકડી રાખવામાં સહાયભૂત થાય છે. આમ, ગુજરાતી પ્રવાસસાહિત્ય જ્યારે લલિત સમકક્ષ તાલ મિલાવી રહ્યું છે ત્યારે આવી અનેકવિધ લાક્ષણિકતાઓ જન્માવનારી કૃતિઓનો ફાળો નોંધનીય છે.
ઉપરાંત ભગવતીકુમાર શર્માને પણ અહીં સ્મરવા રહ્યાં. તેમનું 'અમેરિકા આવજે' પ્રવાસવર્ણન આ ગાળામાં સારો આવકાર પામ્યું છે. આ પુસ્તકમાં મુખ્યત્ત્વે અમેરિકાની પ્રકૃતિ અને પ્રજા, સંસ્કૃતિ અને સંસ્કાર, જીવનમૂલ્યો અને જીવનવ્યવહાર, માનવજીવનની રીતભાત-રહેણીકરણી, ખાણીપીણી, પહેરવેશ વગેરે બાબતો નિરૂપણ પામી છે. આ યુગની મોટી ઉપલબ્ધિ લલિતગદ્યનું દર્શન આ કૃતિમાં જોવા મળે છે. અદ્યતન યુગના પ્રવાસસાહિત્યનો સર્જક પોતાની કવિત્ત્વશક્તિને ગદ્યમાં ઓગાળી કંઇક નવું ઝંખે છે. પ્રવાસસાહિત્યને નવીનતા આપવા મથે છે. એ મથામણ ઘણે અંશે સફળ પણ રહી છે. ભગવતીકુમાર શર્માની ગદ્યશૈલી વિભિન્ન છટાઓનું પ્રતિબિંબ ઝીલે છે. માણસો અને યંત્રો વચ્ચેનો વિરોધાભાસ ચમત્કૃતિપૂર્ણ રીતે ઉપસાવવામાં આવ્યો છે. સ્થળોના વર્ણનમાં તાદૃશ્યતા છે. વ્યક્તિ અને સંબંધોના વર્ણનમાં સૂક્ષ્મતા અને ઊંડી સૂઝ દાખવતો શબ્દવિવેક છે. ક્યાંક-ક્યાંક પોતાની તો વળી ક્યાંક કોઇક કવિની વચ્ચે વચ્ચે આવતી કાવ્યપંક્તિઓ પ્રસંગાનુરૂપ હોઇ ભાવન માટે ઉપકારક નીવડે છે. લેખકની કલમ ક્યાંય પણ અચકાયા-ખચકાયા વગર પ્રવાહી ગતિમાં સતત ચાલ્યા જ કરે છે.
આ અરસામાં નીવડેલી અને સબળ કલમ પ્રવાસસાહિત્યને પ્રાપ્ત થાય છે. અમૃતલાલ વેગડ નર્મદા મૈયાના સંદર્ભમાં બે ગ્રંથો લઇને આવે છે - 'પરિક્રમા નર્મદામૈયાની' અને 'સૌંદર્યનદી નર્મદા' પહેલા પુસ્તકમાં ૧૮૦૦ કિ.મી. લાંબી પદયાત્રાનું વર્ણન છે, જ્યારે બીજા પુસ્તકમાં ૮૦૦ કિ.મીનું વર્ણન છે. અહીં નર્મદા કિનારાનું લોકજીવન, પ્રકૃતિ, કથા-કલ્પન, કિવદંતી તેમજ રૂઢિ, કહેવતો, તળપદી બોલી વગેરેને ખપમાં લઇ વર્ણનો આપેલા છે. અહીં આધ્યાત્મિક વાતોની પણ લેખકે ચર્ચા કરી છે. વળી પ્રવાસસાહિત્યના વિપુલ સાહિત્યમાં પરદેશભ્રમણનું આકર્ષણ વધ્યું છે. ત્યારે અમૃતલાલ નર્મદાને સ્મરે છે તે નોંધપાત્ર છે. ઉપરાંત હાલમાં ભારતી રાણે 'ઇપ્સિતાયન' લઇને પ્રવાસસાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. ગુજરાતી સાહિત્ય પ્રવાસના સશક્ત માધ્યમ દ્વારા ઉત્તરોત્તર વિકસતું રહે એવી પ્રતીતિ ઉપર્યુક્ત ચિતાર પરથી જણાઇ આવે છે.
આમ આપણે સળંગ પ્રવાસસાહિત્યનો અભ્યાસ કરતાં જોઇ શકાય કે દરેકને આગવું કશુંક કહેવું છે, પ્રગટ કરવું છે. દરેકને પોતાની આગવી ભાષાશૈલી છે. ઉપર જોયા એવા અને બીજા કેટલાંક લેખકોએ પ્રવાસસાહિત્યને લાલિત્યસભર કર્યું છે. આપણે જોઇ ગયા એમાના કેટલાંક લેખકોએ એને શુદ્ધ લલિતરૂપે ઉપાસ્યું છે એવી રચનાઓના સંચયો પણ હવે હાથવગા બન્યા છે. સમગ્રતયા કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ આકાર લેતી જણાય છે -
******************************
ડો. ભાવેશ જેઠવા
ગુજરાતી વિભાગ
કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી
ભુજ
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel