SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
‘દેવરાની વારતા’ – એક સમીક્ષા
નીત નવાં રૂપ ધરતો આદિવાસી ‘લોક’તો વિરાટ છે. તેને અનેક પરંપરાઓ છે. તેને હજાર હાથ પગ-મુખ છે. લોક કંઠથી ગાય છે. હાથથી વાધો વગાડે છે અને સામૂહિક ચરણે ઉમળકાભેર નાચે છે. ડો. હસુ યાજ્ઞિક, ડો. ભગવાનદાસ પટેલ જેવા સંશોધકોએ આદિવાસીઓની કંઠ, સંગીત અને નૃત્યની ત્રિવિધ કળાવાળી વાણીને આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીયક્ષેત્રે અભ્યાસનો વિષય બનાવ્યો છે. છેલ્લા અઢી દાયકામાં ડો. ભગવાનદાસ પટેલ દ્રારા ભીલ આદિવાસીઓનાં ‘રોમ-સીતામાની વારતા’,‘ભીલોનું ભારથ’,‘ગુજરાંનો અરેલો’,‘રાઠોર વારતા’ જેવા સત્વશીલ ચાર લોકમહાકાવ્યો અને રૂપારાણી, તોળારાણી, ગોપીચંદ ભરથરી જેવાં ૨૧ લોકાખ્યાનો તથા ભીલી સાહિત્યની અન્ય વિદ્યાઓ જેવી કે ગીતકથાઓ, લોકકથાઓ, લોકમંત્રો, ગીતો વગેરે આદિવાસી મૌખિક સાહિત્ય પ્રસિધ્ધ થયેલું છે. આમ, ડો. ભગવાનદાસ પટેલ ભીલી સાહિત્યમાં ઊંડો રસ દાખવે છે.
ડો. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘આદિવાસી લોકાખ્યાનો’માં આરંભના સૃષ્ટિસર્જનના વાતાવરણને પ્રગટ કરતી વાર્તા તરીકે બીજી ઘણી વાર્તાની સાથે ‘દેવરાની વારતા’નો સમાવેશ થયેલો છે. ‘દેવરાની વારતા’માં સતયુગમાં થયેલી જળપ્રલયની ઘટનાને અંકિત કરવામાં આવી છે. જળપ્રલયની ઘટના સાથે નવલાખ દેવીઓની કલ્પના કરવામાં આવી છે. જળની દેવી અંબાદેવીને આ નવલાખ દેવીઓમાં પ્રમુખ સ્થાને ગણવામાં આવે છે. તે જળમાંથી ગુણકો (ગણપતિ) કારા-ગોરા ભેરવ, ભેરવ ઘોડો વગેરે દેવોને ઉત્પન્ન કરે છે. પણ આ દેવોના પિતા વિશે કોઇ માહિતી વાર્તામાંથી પ્રાપ્ત થતી નથી. અહીં નવલાખ દેવીઓ સાથે રહે છે. આખી વાર્તાના કર્તા-હર્તા-ધર્તા સ્ત્રી ચારિત્રો છે એ આ વાર્તાની આગવી વિશેષતા છે. ‘દેવરાની વારતા’ની વિશેષતાઓ નીચે પ્રમાણે છે.
૧. સૃષ્ટિની ઉત્પત્તિ કથા:
અનેક જાતિઓમાં વિશ્વની ઉત્પત્તિ વિશેની પુરાકથાઓ મળે છે. આદિજાતિઓ કે પ્રજાતિઓના પૂર્વજોએ ભૂકંપ અને જળપ્રલય જેવા મહાવિનાશકારી સ્વરૂપનાં પ્રત્યક્ષ દર્શન કર્યા હશે. આથી જ વિશ્વની પૂર્વકાલીન જાતિઓના મૌખિક સાહિત્યમાં જળપ્રલયની અનેક પુરાકથાઓ પ્રચલિત બની છે. જળપ્રલયની પુરાકથાઓ ભારતીય લિખિત સાહિત્ય અને મૌખિક-વાચિક સાહિત્યરૂપે ઘણીખરી આદિવાસી સમાજમાંથી પ્રાપ્ત થાય છે. ડો. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘આદિવાસી લોકાખ્યાનો’માંની ‘દેવરાની વારતા’નો આરંભ જળપ્રલયથી થયો છે. અહીં ગંગા-જમના અને મોરનો જન્મ કયા સંજોગમાં ઉદ્દભવેલ છે તેની વાત આવે છે. “તે સમયે પ્રલય (ઝળુકાર) હતો. જળમાં ભરતી આવી. જળ રમવા લાગ્યું. જળનાં ચાર ઈંડાં થયાં. ઈંડાં જળ ઉપર રમવા લાગ્યાં. બાર વરસ થયાં. સમય પૂરો થયો. શિવ ભગવાને ઈંડાં જોયાં. તે દિવસે સત્યની કાંબ ઈંડાં પર ફેરવી અને ઈંડાં ફૂટીને મેઘ અને મોર જન્મયા. બીજા ઈંડાંમાંથી ગંગા-જમના બહેનો જન્મી.” (પૃ - ૬૨) દેવીઓ બાર વર્ષ સુધી નિંદ્રામાં હોય છે. ત્યાર પછી જાગ્રત થાય છે ત્યારે તેઓ જળ ખાય છે અને જળ પીએ છે આ બાબત અચંબો પમાડે તેવી છે. તેઓ જળમાં સંતાકુકડી રમે એ બાબત પણ કેવી અલૌકિક લાગે છે? અહીં આપણે આપણી બાળપણની વાર્તાઓ કે જલપરીની છાંટ જોઇ શકીએ છે.
શિવની ગેરહાજરીમાં અંબા દેહનો મેલ ઉતારી બાળક પેદા કરે છે. શિવ તે બાળક વિશે કશું જાણતા નથી. તેથી શિવ તે બાળકનું મસ્તક ઉડાવી દે છે. અંબા આ જોઇને ગુસ્સે થાય છે અને શિવને ફરી આ બાળક સજીવન કરવા જણાવે છે. શિવ બાળકના ધડ ઉપર મકના હાથીનું મસ્તક રાખીને દબાવે છે ત્યારે ‘ખાણિયા જેવડી ડૂંટી’ અને ‘ફાંદાવાળો ગણેશ’ સજીવન થાય છે. આ કથા જાણીતી હોવા છતા ભગવાનદાસ પટેલ આ વાર્તાને વધુ રસપ્રદ બનાવી શકયા છે. આમ, ભીલી આદિવાસી સમાજમાં જ નહીં પણ અન્ય ઘણા સમાજમાંથી ગણેશની ઉત્પત્તિ વિશેના સંદર્ભો મળે છે. જોકે થોડીઘણી બાબત બદલાતી રહે છે.
૨. ભીલી પ્રજાના શિવ તેમના જ જેવા:
કોઇપણ મનુષ્ય તેના ભગવાન પોતાના જેવા જ દેખાતા હશે એવું માનતો હોય છે. તેથી પોતે જે રીતે ખાય છે તે રીતે ભગવાન પણ ખાતા હશે એમ માને છે. ભીલી આદિવાસીઓ જંગલમાં રહે છે. તેથી તેમને પોતાના પેટનો ખાડો પૂરવા માટે કંદમૂળ કે શિકારનો જ આધાર રાખવો પડે. પરિણામે તેમને શિકાર કરવાની ફરજ પડે છે. આ વાર્તામાં હીરું–રાંપું, ટુટી–ટાવળી, ખાંડી–ખાપરી જેવી નવલાખ દેવીઓનો સમૂહ સૂવરની પાછળ પડે છે. સૂવર મારીને તેનું લોહી પીએ છે. ભીલી લોકો ઉત્સવ કરે છે ત્યારે તેમના ભગવાન પોતાની ઉપર પ્રસન્ન રહે તે માટે તેમની પૂજા કરે છે. પૂજા પૂર્ણ થયા પછી તેમને પશુઓની બલી પણ ચઢાવે છે. “ અને મૂર્તિઓને લોહીનાં તિલક કરે છે.” (પૃ – ૭૦) આ વાર્તામાં ચીતરાયેલ આદિવાસીઓના શિવની છબી પણ આદિવાસી મનુષ્ય જેવી જ છે એમ કહી શકાય. અહીં આદિવાસી સંસ્કૃતિની ભાતીગળ છાપ ઉપસી આવે છે.
૩. ભીલોના દેવી-દેવતાઓમાં રહેલ માનવસહજ સ્વભાવના દર્શન:
દેવીઓને ‘ખાણિંયા જેવડી ડૂંટી’ અને ‘કરંડિયા જેવડું પેટ’ વાળા ગણપતિની સાથે દેશ-પરદેશ ફરવા જવાની લજ્જા આવે છે. તેથી દેવીઓ ગણપતિ સાથે છળ કરે છે. ગણપતિને સૂતો રાખીને નવલાખ દેવીઓ દેશ પરદેશ ફરવા નીકળે છે,પણ ગણેશને દેવીઓ દ્રારા આચરવામાં આવેલ છળકપટની ખબર પડી જાય છે તેથી તે તેમના સ્થાને કોઇ ચમત્કારથી અટકાવી દે છે. તે વિચારે છે કે “ હવે જુઓ આ મર્દના ખેલ...!” (પૃ-૬૪) અહીં ભીલોના દેવી-દેવતાઓમાં રહેલ માનવ સહજ સ્વભાવના દર્શન થાય છે. તેમની વચ્ચે રહેલ છળકપટની નીતિનો પણ ખ્યાલ આવી શકે છે.
૪. ભીલી સમાજમાં ‘ઝોહ’ જોવાની પ્રથાનું રહસ્ય:
આજે પણ આદિવાસીઓમાં સવામૂઠી દાણાને આધારે ‘ઝોહ’ (ભાગ્ય) જોવાની પ્રથા જળવાઈ છે. ઘરમાં કોઇ વ્યક્તિ બીમાર થાય તો તેને ડોકટર પાસે ન લઇ જતા પહેલા સવામૂઠી દાણા લઈને ભૂવા પાસે જાય છે. પછી ભૂવો ‘ઝોહ’ જોઈને તેમના પ્રશ્નનો નિવેડો લાવે છે.
અહીં ગણેશને સૂતો મુકીને નવલાખ દેવીઓ દેશ-પરદેશ ફરવા ચાલ્યા જાય છે. પણ આગળ જતાં જ દેવીઓના રથ માર્ગમાં જ ઊભા રહી જાય છે. ત્યારે અંબાદેવી બાર નદીઓના સંગમે ધારિયાભૂવા પાસે જાય છે. આ ભૂવો સવામૂઠી દાણાને આધારે ‘ઝોહ’ જોઇ આપે છે અને કહે છે “તમારે ગુણકાની બાબતે ભૂલ પડી છે. તમે તેને લેવા મેરું-સુમેરું પર્વતો પરના દૂધિયા દેવળે પાછાં જાઓ. ગુણકાને મનાવો. નહીંતર તમારા રથ નહીં ચાલે.” (પૃ-૬૫) છેવટે રિસાળ ગણેશને દરેક દેવીઓ મનાવવાના પ્રયત્ન કરે છે પણ ગણેશ કહે છે કે, તેને રથના અગ્રસ્થાને બેસાડવામાં આવે તો જ તે આવે. આવી બાબત હાસ્ય ઉપજાવે છે. જો કે ગણેશની ઇચ્છાપૂર્ણ થવાથી દેવીઓની યાત્રામાં કોઇ અવરોધ આવતા નથી. આપણે જાણીએ છીએ કે કોઇપણ શુભકાર્યમાં ગણેશની ઉપાસના સૌથી પહેલી થાય છે. ભગવાનદાસ પટેલની આ વાર્તામાં આવતી ‘ઝોહ’ જોવાની ઘટનાની બાબત અને આજે શુભકાર્યમાં સૌથી પહેલા થતી ગણેશની ઉપાસનાની બાબતે સરખાપણું જોવા મળે છે.
૫. આરતી વખતે વાગતા શંખનું રહસ્ય:
મંદિરમાં આરતી થવી એ આપણે જાણીએ છે. ભગવાનદાસ પટેલ આ વાર્તામાં એક કથાને જોડતા હોય તેમ મંદિરમાં આરતી થતી વખતે શંખ વાગે છે તેનું રહસ્ય ભાવક સમક્ષ મુકે છે. શંખ દાનવ છે. તે ભગવાનને ક્રોધિત કરે છે. પરિણામે ભગવાન શંખ દાનવનું ગળું પકડીને મસ્તક તોડી લે છે. પછી શંખ દાનવ ભગવાનને વિનવે છે, પોતાના અપરાધની માફી માગે છે. ભગવાન તેને માફ કરીને નવો અવતાર આપતા કહે છે કે “શંખ આજે તો સત્તયુગ છે, કાલે કારમો કલિયુગ આવશે ત્યારે તને શંખ કહેશે. મારી આરતી થશે ત્યારે તું (મુખથી) વાગજે જેથી તારો અવાજ મને સ્વર્ગમાં સંભળાશે.” (પૃ - ૬૩) આમ, ભગવાન દાનવને વાગતા શંખનો અવતાર આપે છે ત્યારથી શંખ આરતીમાં ભગવાનને આમંત્રે છે. આ બાબત નાવીન્ય લાગે છે.
૬. પ્રકૃતિનું વર્ણન:
જળ, જળની માછલી, મગરમચ્છ, કાચબીનો અવતાર, પાતાળદેડકી, ઘોડો, ઈંડાં, મેરું-સુમેરું પર્વત, કૂકડો, પરોઢ, પીળો પ્રકાશ, પરાગ વડલો, મોર, ગંગા-જમના બહેનો, શંખ, પારિજાતની ડાળીઓનાં ધનુષ, સૂવર, સમડી, સાંજ, મધ્યરાત્રિ જેવા પ્રકૃતિના તત્વોને પણ ભગવાનદાસ પટેલ આગવી સુઝથી ખિલવી શકયા છે.
‘આદિવાસી લોકાખ્યાનો’ની આ વાર્તામાં લેખકે ભીલી ભાષામાં અમુક શબ્દોને સરસ રીતે ગુંથી લીધેલ છે એ પણ લેખકની વિશેષતા છે. આમ, ભીલી આદિવાસીઓની ધાર્મિક જીવનરીતિમાં જળપ્રલય અને વિશ્વની ઉત્પત્તિકથા પ્રમુખ સ્થાને હોય છે. આવી પુરાકથાઓ તેમની ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલી હોવાથી અનેક વિધિ-વિધાનોને ક્રિયાશીલ કરે છે.
(નોંધ: અવતરણોની જોડણી મૂળ પ્રમાણે રાખેલ છે.)
******************************
પ્રા. અનિતા પી. ચૌધરી.
સરકારી વિનયન કોલેજ, થરાદ.
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel