SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
‘જગરું’ વિશે
નટવરસિહં પરમારે મુખ્યત્વે વિવેચન, નિબંધ સ્વરૂપે સાહિત્ય સર્જન કર્યું છે. આ ઉપરાંત કેટલીક કવિતાઓ અને ટૂંકીવાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ છે. ‘જગરું’(૨૦૦૮) નવટરસિંહ પરમારનો નિબંધસંગ્રહ છે. ‘જગરું’ એટલે દેશી સગડી (તાપણું). જેમા લેખકની સ્મરણકથા છે. કહો કે ‘વતનનું પ્રોફાઈલ’ છે. જે આપણને સાવ જ અપરિચિત રહસ્યમય એવી જુદી જ દુનિયાનો પરિચય કરાવે છે. જયંત કોઠારી આ સંદર્ભે નોંધે છે. “‘જગરું’ વાંચીને ખુશ થઈ ગયેલો. એક નવી જ દુનિયા ઉઘડતી લાગેલી.” (પ્રસ્તાવનામાંથી)
ડાંગના અરણ્ય પશ્ચિમી સરહદ વિસ્તારમાં લેખકનું વતન છે. વીસમી સદીના પૂર્વાધમાં બ્રિટીશ પેરામાઉન્ટસી અંતર્ગત રહેતી નાનીમોટી અનેક ઠકરાતોમાં મોટી ઠકરાતી હકૂમત ધરાવતા દા’ઉજી અને દા’ઉજીના સુખાસન હેઠળ જામતી ‘જગરું’ની મહેફિલ નિબંધોના કેન્દ્રમાં છે. માગશર પૂર્ણ થાય અને પોષના આરંભે શિયાળાની રાતે સાડા સાત આઠે દા’ઉજીના ઘરઆંગણે ‘જગરું’ સળગે. અને માઘના અંત સુધી ક્યારેક તો વસંત પંચમી સુધી સળગતું રહે. એની આસપાસ આથરનું ગોળ પાથરણું પથરાય. ઓટલાને અટેલીને વચ્ચે દા’ઉજીનું સુખાસન ગોઠવાય ને તેમની ફરતે તખ્તસિંહ, રત્નસિંહ, શંભુરાજા એમ એક પછી એક પોતાની બેઠક લઈ ગોઠવાતા જાય. અને જગરુંની મહેફિલ જામતી જાય. બાળપણમાં નિહાળેલી ‘જગરું’ની આ મહેફિલ સિત્તેર વર્ષ બાદ પણ એમના ચિત્તમાંથી ખસતી નથી, એમના ચિત્તમાં એ બધું અકબંધ છે. આથી જ પ્રથમ નિબંધના આરંભે તેઓ નોંધે છે, “મારા ચિત્તની ભોંય પર એક જગરું સળગી ઉઠે છે, અવારનવાર સળગી ઉઠે છે, રાત-મધરાત હોલવાઈ – હોલવાઈને સળગી ઉઠે છે, સળગ્યા કરે છે. વતનના અમારા ઘર આંગણામાં શિયાળા દરમિયાન સળગતું જગરું ત્યાં તો હવે બિલકુલ હોલવાઈ ગયું છે. પરંતુ મારા ચિત્તમાંથી એ હજીય હોલવાતું નથી.” (પૃ.૯) જો કે ‘જગરું’ તો અહીં એક નિમિત્તમાત્ર છે. એ નિમિત્તે લેખકને તો અહીં તાદ્રશ કરવો છે. એમના વતનનો પરિવેશ, વ્યક્તિઓના આલેખ, પ્રસંગોને રીતરિવાજો. આ સંદર્ભે લેખક પ્રસ્તાવનામાં જ્ણાવે છે જુઓ, : “એ રાવણામાં અમારા લોકોના રાની અબળાઓ, લોહીના છંદ પ્રતિછંદો, પ્રાણના તડફડતા આવેગો, હૃદયમનના ઉદ્દેગો, સંતાપોના પ્રસંગો ઘટનાઓની વાતોના લાંબા દોરે અમારી રાતોની રાતો ભાંગતી રહી હતી. શિશિરની ઠંડી રાતો ‘જગરું’માં એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન છે.” (પૃ. ૫)
‘જગરું’માં અંગ્રેજોના શાસન હેઠળ રહેલો એક એવો સમાજ આલેખાયો છે કે, જેને નથી થયો દેશમાં પ્રવેશેલ આધુનિકતાનો સ્પર્શ કે નથી થયો તત્કાલીન રાષ્ટ્રો–પ્રવાહોની અનુભવ છતાંય ગ્રામીણ માહોલમાં જીવતાં આ સમાજનું જીવન સહેજેય શુષ્કતાથી ભરેલું કે નિરસ નથી, વૈવિધ્યથી સભર છે. અહીં ઈબ્રાહીમ ચાચાનો પરિવાર અને એમાં પણ ‘મને કૃષ્ણ બહું ગમે’ એમ કહેનારી કૃષ્ણ પ્રેમી વહીદા પણ છે, પીવાનું, હસવાનું, રડવાનું કે મજાક કરવાની ટેવવાળા શંભુરાજા પણ છે, જેમને અલ્લાહ, જીવન અને ધર્મગ્રંથોનો સ્પર્શતા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. એવા વિરલ વ્યક્તિત્વ ધરાવતાં સુલેમાનચાચા પણ છે, અંગ્રેજ અફસરની દીકરીના પ્રેમમાં પડેલા પણ લગ્ન નહિ કરી શકેલા અને જીવન ભર અપરિણિત રહેલા મામાજી પણ છે, બહારથી આવેલા અને શોષણનો ભોગ બનેલા શ્યામજી – તારાબાઈ પણ છે, ઊંડા પ્લેટોનિક પ્રેમમાં પડતી અંગ્રેજ બાઈના નિમિત્ત બનેલા રજપૂત રામસિંહ પણ છે. ભૂતપ્રેત, ડાકણ, મંત્રતંત્ર જાણનારા શિક્ષિત કહી શકાય એવા ભગતકાકા પણ છે. તો કેશવ, પુરુષોત્તમ, ડાહ્યાલાલ, ખુશાલ માસ્તર, રાજુ પણ છે. આ બધાની વચ્ચે રહેલા અને સૌની વાતો સાંભળનારા અને વચ્ચે ક્યાંક ક્યાંક બોલનારા, સલાહ-સૂચન કરનારા દા’ઉજી પણ છે. આમ, અહીં એક અદભુત માનવમેળો આલેખાયો છે. જે ‘જગરું’ની મહેફિલને આકર્ષક રૂપ આપે છે.
‘જગરું’ના ૧૪૫ પુષ્ઠોને બાર પ્રકરણોમાં ઢળાયેલા નિબંધોમાં સર્જક મુખ્યત્વે ભૂતકાળમાં નિહાળેલા સમયને વર્તમાનમાં જીવંત આકાર આપે છે. એ પણ સુરમ્ય, સરળ અને લલિતમય ગદ્યશૈલીમાં. આથી ચંદ્રકાન્ત ટોપીવાળા નોંધે છે, “અંગત મૂડીનું અહીં લિલામ છે પણ એ લલિત લિલામ છે.”
‘જગરું’માં સૌથી વધુ આકર્ષણ રૂપ બન્યું છે. સર્જકે નિબંધોમાં કરેલું વ્યક્તિચિત્રો, સ્થળચિત્રોનું ઝીણવટપૂર્વકનું આલેખન. સર્જકની સમક્ષ જાણે કોઈ દેહાકૃતિ ખડી હોય અને તેને સર્જક શબ્દોમાં આકાર આપતા હોય એવું નકશીદાર ચિત્રણ થયેલું અહીં જોવા મળે છે. આપણે વ્યક્તિ ચિત્રો અને સ્થળ ચિત્રોનું એક એક દ્રષ્ટાંત જોઈએ.
“... ઈબ્રાહીમ કાકા દા’ઉજીની વયના, ઉંચુ ટટ્ટાર અને ગોરું શરીર બધા બટન દીધેલું કિરમજી અચકન. સફેદ સુલવાર ચળકતા કાળાબુટ અને માથે ફેઝ-કાળા ઝુમખાવાળી લાલ તૂર્કી ટોપી એ એમનો પહેરવેશ” (પૃ. ૧૫-૧૬)
“અમારી સિગરામનો ઠાઠ પણ ઓછી નહીં. સીસમના રંગની ઝલે દીધેલા, વચ્ચે વચ્ચે સોનેરી રૂપેરી વરખના રંગની નકશીમાં કંડારેલા મેખલાથી શોભતા સાગના ઘોરિયા, ખુલ્લા ઉઘડતા લાલ રંગની કોતરણી વાળી ધૂંસરી, ધૂંસરીના બંને છેડે સામેલ પરોવવાના બાકોરાની આજુબાજુ સોનેરી રૂપેરી દોટવાતા રંગની સાંકળીની કારીગીરી, ધૂંસરીના બન્ને બાજુ સરખા અંતરે.” આવા ચિત્રો તો ‘જગરું’ સંગ્રહમાં પૃષ્ઠે પૃષ્ઠે જોવા મળે છે. જે સર્જકની સજ્જતાનો પરિચય કરાવી રહે છે. જો કે આમ થવા પાછળનું કારણ સર્જક એમના નિબંધોમાં જણાવે છે તેમ આ બધું એમના ચિત્તમાં જડાઈ ગયું છે.
‘જગરું’માં મહત્વની વાત તો એ છે કે સર્જકે કેટલાંક પાત્રો દ્વારા જીવનની કેટલીય ફિલસૂફીઓ વેરી છે. આ ફિલસૂફી સંવાદોમાં એવી રીતે વણાઈ છે કે જે આપણને સહેજેય કઠતી નથી. સરળ રીતે શીરાની જેમ ઊતરી જાય છે. સર્જકની આવી આંતરસૂઝ એમની સજ્જતાનો પરિચય કરાવી રહે છે. એકાદ દ્રષ્ટાંત જોઈએ. કૃષ્ણ રૂપે ઉત્કટ પ્રેમ ધરાવનાર વહીદા કરે છે. ‘મને બાબાં, કૃષ્ણ બહું ગમે, અને બાબાં, તમારે મોટું સુખ કે, પૂજા બંદગી કરો ત્યારે તમારા મનમાં ભગવાન ખડો થઈ જાય. અમે અલ્લા અલ્લા કરીએ ત્યારે મન તો ખાલી જ રહે, એમાં કોઈ ભગવાન ઉભો થતો નથી. કોઈ આધાર વિના મન ખાલી જ રહે, ખાલી-ખાલી બહુ મોટું દુઃખ છે ને ? (પૃ. ૧૮) આ પ્રશ્નોનો બાબાં ઉત્તર આપે છે. “કશા પણ આધાર વિના મન ખરેખર ખાલી હોય. ત્યાં જ ભગવાન ઉત્તરે મનનો ખાલીપો જ ભગવાનનાં ઉત્તરવાની ભોર બને, બેટાં ? (પૃ. ૧૮) એ જ રીતે સુલેમાન ચાચાવાળું સમગ્ર પ્રકરણ ફિલસૂફીથી ભરેલું છે.
‘જગરું’ની શૈલી કથનાત્મક છે, પણ મહત્વની બાબત તો એ છે કે લેખકને પોતાના અતીતની કથા જાણે ઝડપથી એકી શ્વાસે કહી દેવી છે. આથી જ એમના કથનમાં તેઓ મોટેભાગે અલ્પવિરામથી જ કામ ચલાવે છે. ઘણા લાંબાગાળે પૂર્ણવિરામનો ઉપયોગ કરે છે. એકાદ દ્રષ્ટાંત જોઈએ : “મોસમના ફસલની આવનારી, જમીનના સોદા અને ઝઘડા, કોને કોની સાથે બાપમાર્યાનું વેર બંધાયું, કોના ઘરની ડાકણ કોને ખાઈ ગઈ, કોના ઘરમાં બૈરાનું ચલણ, કોના ઘરની વહુ-દીકરી પાતર જેવા ફંદે ચઢી ગઈ. કોણ સોહામણી ઘરવાળીને ઘરમાં મૂકી બહાર રખડતો ફરે, તાલુકામાં ક્યો અધિકારી બદલીમાં આવ્યો, નવો ફોજદાર દરબારી છે કે બીજી વરણનો, આવતી હોળી પર કોણ કોની સાથે ધિંગાણું કરવાનું બકે છે, કોનાં કોની સાથે લગ્ન ગોઠવવાની વકી છે, દહેજમાં કોણ કેટલો અંદાજ આંકે છે, આંગલાં પાછલાં લગ્નો, મરણો, લગ્નો અને બારમાના જમણવારની પ્રશંસા કે ખણખોદ, આગલા લગ્ન પ્રસંગે દા’ઉજીને આંગણે મુજરામાં નાચેલી રામજણીના રૂપ, અદા અને નાચના કસબની પ્રશંસા અને એ અમારી કમલનાં લગ્ન વખતે ગાયકવાડી વડોદરાને બદલે દા’ઉજી લખનૌથી રામજણી બોલાવે એવો આગ્રહ, આવતી ગોકળ આઠમે દૂધપાક લાડુના ભોજનની સાથે ભજન સપ્તાહનું આયોજન, મહાશિવરાત્રિએ દા’ઉજીની પૂજા પછી ભાંગની મહેફિલ અને કાળીચૌદસે દા’ઉજી તરફથી મદ્યપાન અને રંગરાગવાળી જિયાફત...” (પૃ. ૧૧-૧૨)
‘જગરું’માં ભાષાનું વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે તેવું છે. શિષ્ટભાષાની સાથે સાથે ટિહકારી, ઓખલી, વટોર, ડીચું, આથર, નેફો, મેં’સાણી, ઘાસિયા, ખાપરું જેવાં દક્ષિણ ગુજરાતના તળપદા શબ્દો પણ લેખકે આલેખ્યા છે. જે ‘જગરું’ સંગ્રહના ગદ્યને સમૃદ્ધ કરે છે. તો વળી વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દોનો વિનિયોગ પણ છે. આવા અંગ્રેજી શબ્દો લેખક જેમ્સ, એની માતા રામસિહં અને કિન્સેઈડ સાહેબ, બહાદુર જેવા પાત્રોના સંદર્ભમાં વાપરે એ બરોબર (યોગ્ય) છે. પરંતુ રાજુ, ખુશાલ માસ્તર કે ભગતકાકાનાં સંદર્ભે વાપરે એ યોગ્ય નથી. કેમ કે આવા પ્રયોગો ભાષાના પ્રવાહમાં અવરોધ ઊભા કરે છે. જેમ કે, રામૈયા કાકા મેં’સાણી ભેંસ લઈ ભગતકાકાના દ્વારે પહોંચે છે ત્યાનું વર્ણન જુઓ. “સવારે આઠેક વાગે અને ભગતના મંદિરે બહાર ઓટલા પર ખળી લઈને આવેલા. ભગતના આઠ-દસ કલાયન્ટસ બેઠેલા.” (પૃ. ૪૧) તો રાજુના રૂપનું વર્ણ કરતું ગદ્ય જુઓ. “એ પોપટી લીલા રંગનો તો ક્યારેક ઘટવાદળી રંગનો નેફા સુધીના છુટા છેડાવાળો ઘાઘરો પહેરે બંધ; સીવેલો નહિ છુટ્ટો એવી રીતે પહેરે કે જમણી તરફ પાટલી સુધીનો પગ ઢંકાયેલો રહે, જ્યારે ડાબી બાજુનો પગ પાટલીથી તે જાંઘના અંતરિયાળ મૂળ સુધી ખુલ્લો રહે. છૂટા નેફાના બંને છેડાને બંને તરફ ખેંચી કેડે આંટી મારે. ઉપર લાલ કે કિરમજી રંગના ગવનને અવળે છેડેથી પીઠ ઢાંકી માયાના અંબોડાને છોગું બાંધીને પહેરે. દૂંટી સુધીનું પેટ ખુલ્લું રહે એવી રીતો પાછળ કસ બાંધીને કમખો પહેરે, તંગ અને ચુસ્ત કમખો. બોલ્ડ એકસ્ટીરીઅર.” (પૃ. ૧૧૬-૧૧૭)
આ ઉપરાંત ‘દાઝ્યા ઉપર ડામ દેવું’ (પૃ. ૨૬), ‘વટળાવી મારવું’ (પૃ. ૨૪), ‘ચોખા મૂકવા આવેલું’ (પૃ. ૧૦૦) જેવા રૂઢિપ્રયોગો, તો ‘જેના સામ્રાજ્યમાં ચાંદો-સૂરજ આથમતા નથી’ (પૃ. ૧૦૩), ‘ઉંચે આકાશ અને નીચે ધરતી સિવાય કોઈ આધાર ન રહ્યો’ (પૃ. ૮૪), રાજા ભોજનું અવંતી રહ્યું ? ‘ન જાણ્યું જાનકી નાથે’ (પૃ. ૧૦૩) જેવી કહેવતો, તો ‘રાજા એટલે રાજા’ (અનન્વય) (પૃ.૨૧), ‘મનનું ડીચું’ (રૂપક) (પૃ.૨૬), ‘સહજ બની રહેવાનું હવાની જેમ કુદરતી રીતે’ (ઉપમા) (પૃ. ૬૩), ‘પીપળો, શીમળો, ઉમરો’ (શબ્દાનુંપ્રાસ) (પૃ. ૧૧૦) જેવાં અલંકારોનો લેખકે સાહજિક રીતે વિનિયોગ કર્યો છે. જે ગદ્યને ઓર રમણીય અને લલિતમય બનાવે છે.
આમ, ‘જગરું’ સંગ્રહમાં નિબંધકારે પોતાના ચિત્તમાં અંક્તિ થયેલી તસ્વીરોને મૂર્ત કરવાનો પ્રયાસ કર્યો છે. એક નવી જ દુનિયાનો ઉઘાડ કરતો આ સંગ્રહ સર્જકની આંતરસૂઝ શબ્દશક્તિને કારણે સર્વ-સ્પર્શી અને સર્વભાવન બનવા પામ્યો છે અને એથીએ મોટી વાત સર્જકના આ સુફળરૂપે ગુજરાતી સાહિત્યને એક ઉત્તમ લલિત નિબંધસંગ્રહ પ્રાપ્ત થયો છે.
******************************
હરેશ પ્રજાપતિ
રિસર્ચફેલો, ગુજરાતી વિભાગ,
ભાષા- સાહિત્ય ભવન,
ગુજરાત યુનિવર્સિટી.
મો. ૯૮૨૫૩૬ ૮૧૦૬
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel