Download this page in

‘થળી’ – દલિતનારીના વિદ્રોહની વાર્તા

મોહન પરમારની ‘થળી’ વાર્તામાં સવર્ણો સામે ભારોભાર આક્રોશ વ્યક્ત થયો છે. સવર્ણો દ્વારા આચરવામાં આવતાં દમન અને તેઓ દ્વારા દલિત વર્ગની સ્ત્રીઓનું કેવું શોષણ કરવામાં આવે છે? તે પ્રસ્તુત વાર્તામાં જોવા મળે છે. શોષિત સ્ત્રી જયારે વિદ્રોહ કરે ત્યારે શોષણ કરનારની શી વલે થાય છે? તેનું કલાત્મક આલેખન આ વાર્તામાં કરવામાં આવ્યું છે.

વાર્તાની નાયિકા રેવી ડાંગર ખાંડી રહી છે. તેના દ્વારા સાંબેલાના ઘા સીધા પડતાં નથી. રેવીનું ધ્યાન ડાંગર ખાંડવામાં નથી પણ બીજે ક્યાંક છે. મનોમન વ્યગ્રતા અનુભવે છે. માનસિંહ સાથેના અનૈતિક સંબંધોથી ત્રાસેલી રેવી કોઈ કારણસર માનસિંહના ખેતરમાં જવાનું ટાળે છે. રેવીના દેહને રોજ ચૂંથવા ટેવાયેલો માનસિંહ રેવી જયારે નિત્યક્રમ તોડે છે ત્યારે ચિક્કાર દારૂ પીને લાલચોળ આંખો સાથે રેવીના વાસમાં આવી રેવીને ન આવવાનું કારણ પૂછે છે. વાસ વચ્ચે પોતાની ફજેતી થતી જોઈ માનસિંહને કરગરીને ચાલ્યા જવા રેવી જણાવે છે. માનસિંહ રેવી પાસે બીજા દિવસે ખેતરમાં આવવા માટે વચન લઇને જાય છે.

રેવી ઘણાં વરસોથી માનસિંહ સાથે અનૈતિક સંબંધથી બંધાયેલી છે. માનસિંહ દ્વારા કરાયેલ વાણીવિલાસથી ફળિયામાં રેવીની ઈજ્જતના કાંકરા થઈ જાય છે. ફળિયાની સ્ત્રીઓ પણ રેવીની ઠેકડી ઉડાવે છે. જેઠ પણ તેને ઠપકો આપે છે. આ બધું સહીને પણ મન મક્કમ કરી માનસિંહના ખેતરમાં પહોંચે છે. કામવાસનાગ્રસ્ત માનસિંહ રેવીને ઉપભોગનું સાધન ગણે છે. પાંચ વર્ષથી રેવી માનસિંહની કામવાસના સંતોષે છે પરંતુ રેવી માનસિંહના શોષણથી ત્રાસી ચૂકી છે એટલે માનસિંહને જડબાતોડ જવાબ આપવા મનોમન મક્કમ બની છે. તે માનસિંહને જણાવે છે કે, ‘‘ મારઅ તમારુ ઘર માંડવું છઅ! ’’ રેવીની વાત સાંભળીને માનસિંહ ભડકે છે અને જેમ ચાલે છે તેમ ચાલવા દેવાનું કહે છે પરંતુ રેવી સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દે છે કે, ‘‘આમ બીતાં બીતાં રઈએ ઇના કરતાં કાયમ હંગાથે રેવું હારું .....’’ [૧] રેવીની વાત સાંભળી માનસિંહ નન્નો ભણે છે. પોતે બાપુ હોવાથી અને રેવી હરિજન હોવાથી આ શક્ય નથી. માનસિંહ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દે છે કે, ‘‘ તું રયી હરિજન અનઅ અમે રયા બાપુ! છીં છીં છીં મારા ઘરમાં તું ના શોભે.....!’’ [૨]

માનસિંહને દલિત રેવી સાથે શરીરસંબંધ રાખવામાં વાંધો નથી પણ લગ્ન કરવામાં વાંધો છે. શરીરસુખ માણતી વખતે લગીરેય આભડછેટ નડતી નથી અને ઘર માંડવાની વાત આવી ત્યારે ઊંચનીચના ભેદભાવ ! સવર્ણો નિમ્ન સમાજના લોકોનું કેવું શોષણ કરે છે તેનું ઉદાહરણ આ વાર્તામાંથી મળી રહે છે.

આનંદ મેળવવા –વાસના સંતોષવા માટે માનસિંહ તત્પર છે પરંતુ જયારે રેવી એનું ઘર માંડવાનું કહે છે ત્યારે રેવીને માનસિંહ નીચી જાતિની-વરણની કહે છે. મારા ઘરમાં તું કેવી રીતે આવી શકે? એમ કહીને માનસિંહ રેવીને હડધૂત કરે છે. માનસિંહ પાંચ વરસથી રેવીને ભોગવતો હતો ત્યારે જાતિ કે વરણ નડતી નહોતી. રેવીનો દેહ ચૂંથતી વખતે જાતિ દેખાતી નહોતી પરંતુ રેવી ઘર માંડવાની વાત કરે છે તે વખતે માનસિંહને જાતિ આડી આવે છે. માનસિંહના પાત્ર દ્વારા સવર્ણોની ગંદીવૃત્તિને, એમનામાં પડેલી જાતિ –અસ્પૃશ્યતા –આભડછેટની વૃત્તિને પ્રગટાવી છે. રેવીનું જીવન કેન્દ્રસ્થ કરીને ઉપલા વર્ગના પુરુષોની વૃત્તિને-હવસખોરીને રજૂ કરી છે. સવર્ણોની ગરજીલીવૃત્તિને ખુલ્લી પાડી છે.

માનસિંહની વાતથી ગુસ્સે ભરાયેલી રેવી જડબાતોડ પ્રત્યુત્તર આપતાં જણાવે છે : ‘‘આ જોનઅ મારો ભાનો દિયર ! પાંચ વરસથી મારો દેહ ચૂસી ચૂસીનઅ ચાયણી જેવો કરી મેલ્યો. નઅ ઇના ઘરમાં મીં બેહવાની વાત કરી તાણઅ હું હલકી વરણની લાજી. આય હવઅ હું તનઅ મારા પડખે ચડવા દઉં છું !’’ [૩] માનસિંહથી પીછો છોડાવવા બુદ્ધિપૂર્વકનો રસ્તો કાઢી માનસિંહને બરાબર સાણસામાં લે છે અને ફરી ક્યારેય રેવીને હેરાન-પરેશાન નહિ કરે એવું વચન લે છે.

દમન-શોષણથી વાજ આવી ગયેલ વ્યક્તિમાં વિદ્રોહ પ્રબળ બને છે ત્યારે દમનકારીઓની –શોષણકારીઓની શી વલે થાય છે ? તે પ્રસ્તુત વાર્તામાં જોઈ શકાય છે. આ વાર્તાનો અંત આકસ્મિક નથી. આખી કૃતિમાં રેવીની મૂંઝવણ, મનોમંથન અને પીડાને અંતે એ વિદ્રોહી વલણ દાખવે છે. વાર્તાને અનુકૂળ પરિવેશ, પાત્રોની રહેણીકરણી તથા બોલીનો અનિવાર્ય વિનિયોગ આ વાર્તાનું નોંધપાત્ર પાસું છે. અહીં એક નારીની ચેતના પ્રકટી છે,ને એય પાછી દલિત નારી. સવર્ણનારીનું શોષણ અને દલિતનારીનું શોષણ આ બન્નેમાં ઘણો ફરક છે. સવર્ણનારીનું શોષણ પુરુષ અને સ્ત્રીના ભેદભાવમાંથી ઉત્પન્ન થયેલું છે જયારે દલિતનારીનું શોષણ બળાત્કાર અને જાતીય શોષણમાંથી જન્મ્યું હોવાથી એની અધોગતિ વિશેષ પ્રમાણમાં થતી રહે છે. દલિતનારી એ આ પરિસ્થિતિમાંથી જાતે જ બચવાનું હોય છે. રેવી એ કોઈનો સહારો લીધા વિના આ ચૂંગાલમાંથી બચવા જાતે કરેલો નિર્ણય ‘ થળી ’ વાર્તાની નિજી મૂડી છે. આમ, ‘ થળી ’ વાર્તા મોહન પરમારની જ નહિ પણ ગુજરાતી દલિત સાહિત્યનું મોઘું નજરાણું છે.

સંદર્ભ

૧. મોહન પરમારની વાર્તાસૃષ્ટિ, (સં) માય ડીયર જયુ, પાર્શ્વ પબ્લિકેશન, પ્ર.આ. ૨૦૦૫,પૃ. ૧૧
૨. એજન, પૃ. ૧૧
૩. એજન, પૃ. ૧૧