ટહુકો
સવારના પાંચ વાગ્યામાં ચાર – ચાર થેલા ઊંચકી હોસ્ટેલથી ચાલતી છેક બે કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેશન પહોંચી. આ તે કંઇ ગામ છે ! નામની છે ગુજરાતની આ ઐતિહાસિક રાજધાની પાટણ. સગવડતાને નામે મીંડું. એક રિક્ષાયે ન મળે.
હજી તો માત્ર બસ સ્ટેશન આવ્યું. પૂરા દસ કલાકની મુસાફરી કરી અથડાતાં - કૂટાતાં બસમાં ભાવનગર પહોંચવાનું. મુસાફરીનો ખ્યાલ આવતાં જ માથું ભમવા માંડ્યું.
બાજુમાં એક ગામડિયા બેન આવી ઊભાં રહ્યાં. મને પૂછ્યું, “ બકા, આ રઇ એ બસ ચ્યોં જાય સ ?”
“ ડિસા.”
“ નેહાળ્યમાં ભણસ ?” એણે ટગર ટગર તાકી રહેતા મને પૂછ્યું. મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થવાના આરે હતું. છતાંય વાત ન કરવાના આશયથી કંટાળી ‘હા’ કહી દીધી. એક તો સાલું ગામેય ખખડધજ ને અહીંની બોલીય કાનમાં વાગે એવી.
દોઢ કલાકની રાહ જોવડાવ્યા પછી મારી બસ આવી. હું ફટાફટ ચડી ગઇ. મારી કષ્ટદાયક મુસાફરી ચાલતી રહી, ચાલતી જ રહી. તડકો, ભૂખ, ઉલટી, સિગારેટના ધુમાડા, ગંદી હોટલનો હોલ્ટ, એ બધું સહન કરતાં કરતાં આખરે ધક્કાગાડી આઠ કલાકને અંતે ધંધુકા લઇ આવી.
થોડીવાર પગ છૂટા કરવા હું બસમાંથી ઉતરી ઊભી રહી ત્યાં જ એક માજીએ આવીને પૂછ્યું,
‘ બટા, આવડી આ બસ શીદ ઝાય સે ? ભાવનગર ?”
માજીની મીઠી બોલી સાંભળતા જ હું ખુશીથી ઊછળી પડી. ઘરના ઉંબરે આવીને ઊભી હોઉં ને મને વધાવવા આવેલી માનો મીઠો ટહુકો જાણે.
“ હા માડી, જલદી ચાલો.” કહી મેં એ માડીના હાથમાંનું થેલકું લઇ મારી બાજુની ખાલી સીટમાં જગ્યા આપી દીધી. પછીના બે કલાક મારા માટે પતંગિયું બની ગયા.