ભારતીય ભાષાઓની આરંભકાલીન નવલકથાઓ
પશ્ચિમના સંપર્કમાં મુકાયા પછી પાશ્ચાત્ય સાહિત્યના પ્રભાવ હેઠળ ભારતની વિવિધ ભાષાઓના સાહિત્યમાં અર્વાચીનતાનો પ્રાદુર્ભાવ થયો અને ઊર્મિકાવ્ય, નવલિકા, નવલકથા, નાટક આદિ સ્વરૂપો વિકસ્યા. નવલકથાનો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકાસ થયો. સાહિત્યિક પુનરુત્થાનનો આરંભ બંગાળમાંથી થયો અને નવલકથાના ક્ષેત્રમાં પણ બંગાળનું પ્રથમ યોગદાન રહ્યું છે.
નવલકથાના ઉદ્દગમ અને વિકાસની પાછળ કેટલાક પરિબળોએ પ્રેરક અને પોષકબળ તરીકે કામ કર્યું છે. પુનરુત્થાનકાળ (renaissance)માં આવેલી વ્યક્તિ સ્વાતંત્ર્યની જાગૃતિ, વીર સેનાની કે સુભટના પરાક્રમોની જગ્યાએ જીવનમાં વૈયક્તિક સાહસોને મળેલું મહત્વ, ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે જન્મેલી નવી અર્થવ્યવસ્થા, એ અર્થવ્યવસ્થાએ સમાજમાં ઊભો કરેલો નવો વર્ગ-મધ્યમમવર્ગ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધેલો પ્રચાર અને પ્રસાર, એના પરિણામે વસ્તુલક્ષી વૈજ્ઞાનિક દ્રષ્ટિની જીવનમાં વધતી જતી વગ, જ્ઞાનવિજ્ઞાનની વિકસતી જતી શાખાઓના પ્રભાવના પરિણામે માણસને પોતાની અંદરની અને બહારની દુનિયાનો થવા લાગેલો પરિચય, એ પરિચયના પરિણામે મનુષ્યની જાતભાતની શ્રદ્ધાઓ, આસ્થાઓ, માન્યતાઓ અને ભ્રમણાઓમાંથી થતી મુક્તિ, સમૂહ સંસ્કૃતિનો થયેલો ઉદ્ભવ આ બધાં પરિબળોના કારણે નવલકથાનો ઉદ્દભવ થાય છે.
ગુજરાતી ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
19મી સદીના મધ્ય ભાગમાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કના કારણે ભારતની મોટા ભાગની ભાષાઓના સાહિત્ય પર પ્રભાવક અસર થઈ હતી. ટૂંકીવાર્તાની જેમ નવલકથા પણ પશ્ચિમના સાહિત્યમાંથી આવેલી છે. ઇ.સ.૧૮૬૨માં સોરબશા મુનસફે એક ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદ ‘India cottage’ ઉપરથી તેનું ગુજરાતી ભાષાંતર ‘હિંદુસ્તાન મધ્યેનું એક ઝૂપડું’ પ્રકાશિત કર્યું ત્યારથી નવલકથાનો આરંભ થાય છે. આમ અંગેજી, ફારસી જેવી વિદેશી ભાષાઓના અનુવાદની સાથે બંગાળી, મરાઠી, હિન્દી, તેલુગુ વગેરેમાંથી પણ અનુવાદો થવા લાગે છે. આ ભાષાંતરના કારણે મૌલિક નવલકથા લેખનની પ્રેરણા મળે છે. મૌલિક નવલકથા તો ઇ.સ.૧૮૬૬માં નંદશંકર મહેતા રચિત ‘કરણઘેલો’ છે. જેને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાનું બહુમાન મળે છે. નંદશંકરનો જમાનો સંસાર સુધારનો હતો, આથી પોતાની કેટલીક માન્યતાઓ અને તે સમયમાં સુરતમાં બનેલી કેટલીક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે. તે જ સમયમાં ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ મહિપતરામ નીલકંઠ દ્વારા રચાય છે. આમાં તેમના સમયની સામાજિક પરિવારિક સમસ્યાઓનું ઘેરું કરુણરસિક અને વાસ્તવદર્શી ચિત્ર રજૂ કરે છે. ‘સઘરા જેસંગ’ અને ‘વનરાજ ચાવડો’ તેમની નોંધપાત્ર ઐતિહાસિક નવલકથાઓ છે. સુધારકયુગમાં અન્ય સર્જકો દ્વારા પણ નવલકથા લેખન થયેલું છે. અનંત પ્રસાદ વૈષ્ણવની ‘રાણકદેવી’, હરગોવિંદદાસ કાંટાવાળા કૃત ‘અંધેરી નગરીનો ગંધર્વસેન’, ઇચ્છારામ સૂર્યરામ કૃત ‘હિન્દ અને બ્રિટાનિયા’ સર્વપ્રથમ લખાયેલી રાજકીય નવલકથા છે. જહાંગીર તાલ્યારખાન રચિત બંને નવલકથા ‘રત્નલક્ષ્મી’ અને ‘કુલિન અને મુદ્રા’માં ઇતિહાસની પીઠિકા પર અંગ્રેજી શાસકો પ્રત્યેની રાજભક્તિ અને તેમના રાજ્ય અમલની ઉજળી બાજુ આલેખાઈ છે. અરદેશર કુંવરજી રચિત ‘ટીપુ સુલતાન’, કેશવલાલ પરીખે લખેલી ‘રૂઢિ અને બુદ્ધિની કથા’, મણિલાલ દ્વારા રૂપાંતરિત ‘ગુલાબસિંહ’, અમૃત કેશવ નાયકકૃત ‘એમ.એ.બનાકે મેરી મીટ્ટી ખરાબકી’ વગેરે નવલકથાઓ પ્રસિદ્ધ થઈ. આમ ઇ.સ.૧૮૬૬થી આરંભાયેલ નવલકથા લેખન બે અઢી દાયકા સુધી મૌલિક તથા ભાષાંતર રૂપાંતર કક્ષાની કથાઓનું જ સર્જન થાય છે. વિષયની દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ વિશેષ રચાઇ છે. આમ સુધારક યુગમાં નવલકથા લેખનની પૂર્વભૂમિકા રચાઇ છે એમ કહી શકાય. ઇ.સ.૧૮૮૭માં ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતીચંદ્ર’નો પ્રથમ ભાગ લઈને આવે છે. એ ગુજરાતી સાહિત્યની જ નહીં પણ ભારતીય સાહિત્યની એક અસાધારણ ઘટના છે. ચાર ભાગમાં પ્રગટ થયેલી ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં તે સમયના સંક્રાંતિકાળનું ચિત્રણ રજૂ કરેલું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતની પ્રાચીન, પરંપરાગત સંસ્કૃતિ, અર્વાચીન સમયની દેશસ્થિતિ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્ક સંઘર્ષમાં ઉદ્દભવેલી સંક્રાંતિકાળની પરિસ્થિતી તથા તજજન્ય સમસ્યાઓ અંગે પોતે કરેલું ચિંતન ગોવર્ધનરામે પ્રજા સમક્ષ નવલકથાના માધ્યમ દ્વારા મૂક્યું, બીજા શબ્દોમાં કહેવું હૉય તો તેમાં વ્યક્તિ, કુટુંબ, ધર્મ, સમાજ, રાજ્ય એમ પ્રજા સંસ્કૃતિના અનિવાર્ય એવાં બધા પાસાનું સ્થળકાળના વિશાળપટ પર આલેખન કરાયેલું છે. આમ આવા વિવિધ પરિબળોના કારણે નવલકથા લેખનનો આરંભ ઓગણીસમી સદીમાં જ થઈ જાય છે.
હિન્દી ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
હિન્દી નવલકથાનો આધુનિક યુગ અનેક નવા સાહિત્ય સ્વરૂપોનો ઉદ્દભવકાળ મનાય છે. હિન્દીમાં નવલકથાને ઉપન્યાસથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં ઉપન્યાસ શબ્દ મળે છે. પરંતુ આજે જેટલા વ્યાપકરૂપમાં પ્રયોજાય છે એટલો પ્રાચીનકાળમાં પ્રયોજતો ન હતો. ઉપન્યાસ અંતર્ગત ગદ્ય દ્વારા સંપૂર્ણ કલ્પના પ્રચૂર અભિવ્યક્તિથી કથા સાહિત્ય રચાય છે. સ્વતંત્રતા પૂર્વના હિન્દી ઉપન્યાસ સાહિત્યના અભ્યાસમાં સુવિધા રહે એ માટે જુદાજુદા યુગમાં વિભાજન કરવામાં આવ્યું છે. ૧. પ્રેમચંદપૂર્વ યુગ (ઇ.સ.૧૮૮૨થી ૧૯૧૬) ૨. પ્રેમચંદયુગ (ઇ.સ.૧૯૧૬થી ૧૯૩૬) ૩. પ્રેમચંદોત્તર યુગ (ઇ.સ.૧૯૩૬થી ૧૯૪૭). હિન્દી સાહિત્યની પહેલી મૌલિક ઉપન્યાસ લાલા શ્રીનિવાસદાસ કૃત ‘પરીક્ષા ગુરુ’ (ઇ.સ.૧૮૮૨)ને ગણવામાં આવે છે. ત્યારબાદ દેવકીનન્દન ખત્રીનું તિલસ્મી અને ઐયારી કથાનકવાળી રચનાઓ લઈને આગમન થાય છે. તેમની ચંદ્રકાંતા ઇ.સ.૧૮૯૦માં લખાયેલ કૃતિ છે તેનું સાહિત્યિક મૂલ્ય ભલે ના હોય પણ હિન્દીમાં પ્રચાર પ્રસારમાં અને પાઠક વર્ગની વૃદ્ધિ માટે મહત્વની ગણાય છે. જાસૂસી અને ઐયારી ઉપન્યાસ ‘ચંદ્રકાંતા’ને વાંચવા માટે અનેક લોકોએ હિન્દી ભાષા શીખી હતી આ એક વિરલ ઘટના ગણાય. હિન્દીના પ્રથમ ઐતિહાસિક નવલકથાકાર કિશોરીલાલ ગોસ્વામી છે. તેમણે કુસુમકુમારી (ઇ.સ.૧૮૮૯), લવગલતા વા આદર્શબાલા (ઇ.સ.૧૮૯૦), તારા (ઇ.સ.૧૯૦૧), ચપલા વા નવ્ય સમાજ (ઇ.સ.૧૯૦૩) વગેરે નવલકથાઓ આપી છે. લજ્જારામ મહેતાની ‘ધૂર્ત રસીકલાલ’, વ્રજનંદન સહાયકૃત ‘રાધાકાન્ત’, ‘માલતી’, ‘સૌંદર્યપાસક’, રાધાકૃષ્ણદાસની ‘નિસ્સહાય હિન્દુ’, બાલકૃષ્ણ ભટ્ટની ‘નૂતન બ્રહ્મચારી’ તથા ‘સો સુજાન ઓર એક સુજાન’ આદિ રચનાઓ મળે છે. ઉપન્યાસ સાહિત્યમાં પ્રેમચંદનું આગમન એક અદ્ધિતીય ઘટના છે. તેમના આગમનથી હિન્દી ઉપન્યાસ જગતને એક નવી દિશા મળે છે. પૂર્વેના ઉપન્યાસોમાં મૌલિકતાનો જે અભાવ હતો તે પ્રેમચંદના આવવાથી દૂર થાય છે. વ્યક્તિગત તેમજ સામાજિક સ્તર પર પ્રેમચંદે જે પ્રત્યક્ષ જોયું અનુભવ્યું તેને યથાર્થ રૂપમાં ઉપન્યાસમાં આલેખ્યું. પ્રેમચંદજીએ બાર જેટલી ઉપન્યાસ લખી છે તેમાં સેવાસદન (ઇ.સ.૧૮૧૮), વરદાન (ઇ.સ.૧૯૨૧), નિર્મલા (ઇ.સ.૧૯૨૫-૨૬), ગબન (ઇ.સ.૧૯૩૧), પ્રેમાશ્રમ (ઇ.સ.૧૯૧૨), રંગભૂમિ (ઇ.સ.૧૯૨૫), કાયાકલ્પ (ઇ.સ.૧૯૨૬), કર્મભૂમિ (ઇ.સ.૧૯૩૨), ગોદાન (ઇ.સ.૧૯૩૬) વગેરેનો સમાવેશ થાય છે. ‘સેવાસદન’માં ભારતીય નારીની પરાધીનતા અને વેશ્યાજીવનની સમસ્યાનું ચિત્રણ છે. ‘નિર્મલા’ ઉપન્યાસમાં નારીજીવનની કરુણતાનું ચિત્રણ કુશળતાપૂર્વક કરેલું છે. ‘ગોદાન’ હિન્દી સાહિત્યની શ્રેષ્ઠ ઉપન્યાસ છે. જેમાં સામાજિક, રાજનૈતિક, આર્થિક વિષમતાઓ, ગ્રામીણ સમસ્યાઓ તથા નાગરિક સમસ્યાઓનું યથાર્થ વર્ણન મળે છે. પ્રેમચંદયુગના અન્ય ઉપન્યાસકારોમાં જયશંકર પ્રસાદ, વિશ્વંભરનાથ, ચતુરસેન શાસ્ત્રી, પાંડેય બેચર શર્મા, વૃંદાવનલાલ વર્મા, ઉપેન્દ્રનાથ, ઋષભચરણ જૈન આદિ ઉલ્લેખનીય છે. પ્રેમચંદયુગ પછી ઉપન્યાસ સાહિત્યમાં કોઈ નવીનતા જોવા મળતી નથી આ સમયના ઉપન્યાસો પર ફ્રોઈડ, એડલર તથા માર્કસનો પ્રભાવ જોવા મળે છે. આમ, હિન્દી સાહિત્યમાં નવલકથાનો ઉદભવ ઓગણીસમી સદીના અંત સુધી થઈ ચુક્યો હતો.
બંગાળી ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
બંગાળી નવલકથાની વાત કરીએ તો ઇ.સ.૧૮૨૧માં ‘સમાચારદર્પણ’માં ‘બાબુ’ નામે એક રેખાચિત્ર પ્રગટ થયું, તેના ઉપરથી ઇ.સ.૧૮૨૩માં પ્રથમનાથ શર્માની ‘નવ બાબુવિલાસ’ નામની રચના પ્રગટ થઈ. કેટલાકના માટે એ બંગાળીની પહેલી નવલકથા છે. આ રેખાચિત્રોનો ઉદ્દેશ સમાજ સુધારણાનો છે. એક ચારિત્રહીન ધનિક પુત્ર પોતાની આંતરિક શૂન્યતાને કેવા આડંબર અને દંભથી ઢાંકવાનો પ્રયત્ન કરે છે એનું હાસ્યાસ્પદ ચિત્ર એમાં અપાયું છે. બંગાળીના બીજા લેખક છે પ્યારી ચાંદ મિત્ર, તેમણે ટેકચાંદ ઠાકુરના ઉપનામથી ઇ.સ.૧૮૫૫-૮૭ દરમિયાન ‘માસિક પત્રિકા’માં ‘આલાલેર ઘરેર દુલાલ’ નામે નવલકથા ક્રમશ: પ્રગટ કરી. આ નવલકથાએ એમની પ્રતિનિધિ રચના છે અને બંગાળીની પહેલી મૌલિક નવલકથા છે. પુસ્તકકારે તે ઇ.સ. ૧૮૫૮માં પ્રગટ થઈ. આ નવલકથામાં અંગેજી કેળવણીની પ્રથમ પ્રતિક્રિયાનું ચિત્ર છે. ઇ.સ.૧૮૬૨માં કાલિપ્રસન્ન સિંહની ‘હુતોંમ પેંચાર નકશા’ પ્રગટ થઈ. તેમાં સસ્તો નર્મ-મર્મ વિનોદ છે. બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પહેલી અંગ્રેજી નવલકથા ‘Raj Mohan’s wife’ ગણાય છે. પછી બંગાળીમાં જ ‘દુર્ગેશનંદીની’ (ઇ.સ.૧૮૬૫)માં રોમેન્ટિક નવલકથા આપે છે. ત્યારબાદ કપાલકુંડલા (ઇ.સ.૧૮૬૬), મૃણાલિની (ઇ.સ.૧૮૬૯), વિષવૃક્ષ (ઇ.સ.૧૮૭૩), ચંદ્રશેખર (ઇ.સ.૧૮૭૭), રજની (ઇ.સ.૧૮૭૭), કૃષ્ણકાંતેર વિલ (ઇ.સ.૧૮૭૮), રાજસિંહ (ઇ.સ.૧૮૮૧), આનંદમઠ (ઇ.સ.૧૮૮૨), દેવી ચૌધરાની (ઇ.સ.૧૮૮૪) અને તેમની છેલ્લી નવલકથા સીતારામ (ઇ.સ.૧૮૮૬)માં લખાય છે. આ નવલકથાઓમાં રોમાન્સ કથાઓ, ઐતિહાસિક કથાઓ, બોધપ્રધાન, પ્રચારાત્મક, ધાર્મિક વિચારોના પાસવાળી કૃતિઓ છે. ‘કૃષ્ણકાંતનું વિલ’ અને ‘વિષવૃક્ષ’માં પરણિત માણસ વિધવાના પ્રેમમાં પડે છે તે બતાવ્યું છે. વિધવાના મોટિફ ઉપરાંત બંકીમચંદ્ર એમની નવલકથાઓમાં સંન્યાસીઓનો મોટિફ રજૂ કરે છે. એક વડે સમાજસુધારાના વિચારને પુષ્ઠિ મળે છે, તો બીજાથી ધાર્મિક વિચારણાને પુષ્ઠિ મળે છે. સર્વત્ર તેમની દેશભક્તિની ભાવના અને બંગાળી સમાજનાં સુખ-દુખ, આશા-આકાંક્ષા, ખાસ કરીને એના ગૃહકુટુંબના પ્રશ્નો અને મથામણને વાચા મળી છે. ભારતની ઘણી ભાષાઓમાં બંકીમચંદ્રની નવલકથાઓના અનુવાદ થયા છે. તેમની કથાઓનું ફલક વિસ્તૃત નથી, તેમનું દર્શન ઉડું નથી, ક્યારેક તે પ્રચારક પણ બને છે, આમ છતાં બંગાળી નવલકથાનો પાયો તેમના હાથે નંખાયો એ હકીકત ભૂલવા જેવી નથી. બંકીમચંદ્રના મોટાભાઈ સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય એક શક્તિશાળી લેખક હતા. તેમણે નવલકથાઓ, વાર્તાઓ વગેરેનું લેખન કાર્ય કર્યું છે. ‘માધવી લતા’ (ઇ.સ.૧૮૭૮-૮૦), અને ‘જાલ પ્રતાપચાંદ’ (ઇ.સ.૧૮૮૧) તેમની જાણીતી નવલકથાઓ છે. રમેશચંદ્ર દત્ત બંકિમચંદ્રના નિકટના સાથી હતા. બંકીમચંદ્રની પ્રેરણાથી તેઓ સાહિત્ય લેખન તરફ વળ્યા. તેઓ મુખ્યત્વે ઐતિહાસિક નવલકથાકાર છે. ‘જ્ઞાનાંકુર’માં પહેલા ધારાવાહિક રૂપે આવેલી તેમની નવલકથા ‘બંગ વિજેતા’ (ઇ.સ.૧૮૭૪) માં પ્રગટ થઈ. એ પછી ‘માધવી કંકણ’ (ઇ.સ.૧૮૭૭), ‘મહારાષ્ટ્ર જીવનપ્રભાત’ (ઇ.સ.૧૮૭૮), ‘રાજપૂત જીવન સંધ્યા’ (ઇ.સ.૧૮૭૯), ‘સમાજ’ (ઇ.સ.૧૮૯૪) અને ‘સંસાર’ (ઇ.સ.૧૮૯૫)માં પ્રગટ થયેલી તેમની નવલકથાઓ છે. ‘માધવી કંકણ’ અમુક અંશે ટેનીસનના ‘Enoch Arden’ પર આધારિત છે. ‘બંગ વિજેતા’ એ ઐતિક-કૃતિહાસિક રોમાન્સ છે. ઔરંગઝેબના શિવાજી સાથેના સંઘર્ષ અને મરાઠી સત્તાના ઉદયને આલેખતી ‘મહારાષ્ટ્ર જીવનપ્રભાત’ અને જહાંગીરના અમલમાં રાજપૂત લશ્કરશાહિના પતનની કથા આલેખતી ‘રાજપૂત જિવનસંધ્યા’ નિતાન્ત ઐતિહાસિક નવલકથાઓ છે. ‘સમાજ’ અને ‘સંસાર’ એ બે સામાજિક નવલકથાઓ છે. ‘સંસાર’માં વિધવાવિવાહનો પુરસ્કાર થયો છે તે નોંધપાત્ર છે. પૃથ્વીરાજની ઐતિહાસિક વાર્તા પરથી સ્વર્ણકુમારી દેવીએ ‘દીપનિર્વાણ’ (ઇ.સ.૧૮૭૬)માં લખી. તેમની બીજી અનેક નવલકથાઓમાં ‘સ્નેહલત્તા’ (ઇ.સ.૧૮૯૨) શ્રેષ્ઠ છે. બીજાં એક સ્ત્રી નવલકથાકાર શ્રીમતિ હેમાંગિની કૃત ‘મનોરમા’ પણ ઉલ્લેખનીય છે. આમ આ યુગમાં ટેકનિક પરત્વે કોઈ ઉન્મેષ દેખાતો નથી. આ જાતની નવલકથાઓ માટે બજારુ માંગ હતી અને લેખકો એને સંતોષતા. લોકોની કલારૂચિ પણ સારી રીતે ઘડાઈ ન હતી એ કાળમાં આ જાતની મધ્યમ-બરની રચનાઓ જ લખાય એ સ્વાભાવિક છે.
અસમિયા ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
અસમિયા ભાષામાં નવલકથાનો આરંભ પશ્ચિમના સંપર્કને અને ખ્રિસ્તી મિશનરીઓને આભારી છે. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સ્થાપિત ‘અરુણોદય’ માસિક કવિતાની જેમ નવલકથાના વિકાસમાં પણ એક ઉદ્દભાવક પરિબળ બને છે. ઇ.સ.૧૮૫૦-૫૧માં જોન બુનિયનની પ્રસિધ્ધ નવલકથા ‘પિલગ્રીમ્સ પ્રોગ્રેસ’ નો ‘જાત્રિકર જાત્રા’ નામે ધારાવાહિક અનુવાદ પ્રગટ થવા લાગ્યો હતો. ખ્રિસ્તી ધર્મનો પરિચય આપવાના આશયથી આ અનુવાદ પ્રગટ થયો હતો. તે પછીના ઇ.સ.૧૮૫૭માં એ.કે.ગર્નિની બે નવલકથાઓ પ્રગટ થઈ. (૧) એલોકેશી વેશ્યાર કથા અને (૨) કામિની કાંતર ચરિત્ર. ‘કામિની કાંતર ચરિત્ર’માં અંગ્રેજોના આગમન અને ખ્રિસ્તી ધર્મના પ્રચારને કારણે સામાજિક બંધનોમાં આવેલી શિથિલતાનું આલેખન છે. પત્ની સરલા અને પતિ કામિનીકાંતને હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેની ખેંચતાણમાં ભોગવવી પડતી યાતના અને આખરે ખ્રિસ્તી ધર્મમાં કેવી રીતે સમાધાન થયું તે બતાવવામાં આવ્યું છે. કેટલાક ઈતિહાસકારો હેમચંદ્ર બરુવાને અસમિયા ભાષાના પ્રથમ નવલકથાકાર ગણે છે. તેમણે ઇ.સ.૧૮૭૬માં ‘બાહિરે રંગમંચ, ભીતરે કોવા ભાતુરી’ નામે નવલકથા લખી. તેમાં ધર્મ નેતા ગોવર્ધન દેઉ અને આઇચું દેઉના વ્યભિચારી જીવનનું આલેખન છે અને તે સાથે જ તે સમયના સમાજમાં પ્રચલિત કુસંસ્કાર, દંભ વગેરેનું સુંદર ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. તે પછી પદ્માવતી દેવી ફૂકનનીની ‘સુધર્માર ઉપાખ્યાન’ નામે કથા ઇ.સ.૧૮૮૪માં પ્રગટ થઈ. આ કથા પણ પ્રથમ નવલકથા હોવાનો દાવો કરે છે. નવલકથાની દ્રષ્ટીએ એમાં અનેક મર્યાદાઓ હતી. ત્યારબાદ ઇ.સ.૧૮૮૯માં અસમિયા ભાષામાં ‘જોનાકી’ અને ‘બિજુલી’ નામના બે માસિકો શરૂ થાય છે, ‘જોનાકી’માં ‘પદમકુંવરી’ અને ‘બિજુલી’માં ‘ભાનુમતી’ નામે નવલકથાઓ હપ્તાવાર પ્રગટ થવા લાગી. ખરેખર આ બે નવલકથાઓથી અસમિયા નવલકથા સાહિત્યનો આરંભ થાય છે. નવલકથાના સ્વરૂપનો ખ્યાલ રાખીને જો નિર્ણય કરવાનો હોય તો પદ્મનાથ ગોહાઈ બરુવાને અસમિયાના પહેલા નવલકથાકાર ગણી શકાય. ‘ભાનુમતિ’ નવલકથાની રચના તેમણે ઇ.સ. ૧૮૯૧માં કરી. આ કરુણાંત પારિવારિક નવલકથા છે. સનાતન પ્રણય ત્રિકોણ પર આધારિત છે. નવલકથાનો આરંભ બે તરુણીઓના એક પુરુષ પ્રત્યેના પ્રેમથી અને બે પુરુષોના એક તરુણી પ્રત્યેના પ્રેમથી થાય છે. જ્યારે કથાનો અંત કરૂણ છે. ગોહાઇની બીજી નવલકથા ‘લાહરી’ ઐતિહાસિક ભૂમિકા પર આધારિત છે આ પણ એક પ્રેમકથા છે.
અસમિયા નવલકથાના આરંભિક નવલકથાની જે ઉત્તમતાઓ છે તેનો આવિષ્કાર રજનીકાંત બરદલૈની નવલકથામાં જોવા મળે છે. બરદલૈએ અંગ્રેજી નવલકથાકાર સ્કોટ અને બંગાળી નવલકથાકાર બંકિમચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી પોતાની નવલકથાઓ લખી છે. અસમના ઈતિહાસમાંથી પોતાની નવલકથાઓની સામગ્રી તેમણે લીધી, એટલું જ નહીં, અસમના પ્રાચીન ગૌરવ અને સમૃદ્ધિને પોતાની કૃતિઓમાં પ્રતિષ્ઠિત કર્યા, જો કે એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થ અનુભૂતિ તો ‘પ્રેમ’ની છે. ‘મિરિ જીયરી’ તેમની પહેલી નવલકથા છે. અસમિયા સાહિત્યની પણ એ સામાજિક નવાલકથા છે. પોતાની નોકરી દરમિયાન મિરિ જાતિના આદિવાસીઓ ના જીવનનો પરિચય તેમને થયેલો. જંકી અને પાનેઈ નામનાં બે બાલમિત્રોથી કથા શરૂ થાય છે. તેમની મિત્રતા પ્રેમનું રૂપ લે છે. પણ સામાજિક પારિવારિક રૂઢીઓને કારણે તેઓ પરણી શકતા નથી. મિરિ જાતિના આદિવાસી પંચના નિર્ણય પ્રમાણે બન્નેને મોતની સજા ફરમાવવામાં આવે છે. જીવતા તો બંને એક ન થઈ શક્યા, પણ સોવનશિરિ નદીમાં એકસાથે વીંધી નાખવામાં આવેલા તેમના મૃતદેહો એક બની તરી રહે છે. આમ નવલકથાનો અંત આવે છે. બરદલૈની ‘મનોમતી’, ‘રંગીલી’, ‘રહદૈ લિગિરિ’, ‘નિર્મલ ભક્ત’, ‘તામેશ્વરી મંદિર’ અને ‘રાધા-રુક્મીણી’ તેમની નવલકથાઓ છે. સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવનાઓના વર્ણનને કારણે તેમની નવલકથાઓના રસાસ્વાદમાં કોઈ કોઈ વાર મુશ્કેલી થાય છે. તેમાં છતાં બરદલૈએ અસમિયા નવલકથાને નવો વળાંક આપ્યો. આમ અસમિયા નવલકથાને નવલકથાની સાચી દિશામાં લઈ જવામાં તેમનું ઐતિહાસિક મહત્વ છે. આમ અસમિયા ભાષામાં ઓગણીસમી સદીમાં નવલકથાઓનો વિકાસ થયો છે.
મરાઠી ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
મરાઠી નવલકથાનો ઉદ્દભવ સો વર્ષ કરતાંય જૂનો છે. ઇ.સ.૧૮૬૭માં બાબા પદમજીએ ‘યમુના પર્યટણ’ નામની મૌલિક નવલકથા લખી. આ નવલકથાને મરાઠી ભાષાની પ્રથમ નવલકથા તરીકે ઓળખાવતાં કેટલાક વાચકોને મુશ્કેલી નડે છે તેનું મુખ્ય કારણ તેમાં પ્રયોજાયેલી અંગ્રેજી મિશ્રિત ભાષા, અને ખ્રિસ્તી ધર્મના વધુ પડતા સંસ્કાર ને કારણે. તે વખતના હિન્દુ સમાજમાં વિધવાની શી સ્થિતિ હતી એનું આલેખન કરવાનો લેખકનો આશય હતો. બીજા મરાઠી લેખક હરીનારાયણ આપ્ટે છે. તેમની પ્રથમ કૃતિ ‘મધલી સ્થિતિ’ (ઇ.સ.૧૮૮૫)માં મધ્યમવર્ગના જીવનનો સાચો ચિતાર આપવાની સાથે સાથે મધ્યમવર્ગની કેટલીક સમસ્યાઓ તરફ આંગળી ચીંધવાનું મહત્વનું કામ તેમણે કર્યું. તેમની બીજી નવલકથા ‘પણ લક્ષાંત કોણ ઘેતો’માં બાળ વિધવાની કથા આવે છે. તેના પછી ‘સૂર્યગ્રહણ’, ‘ઉષ:કાલ’, ‘ગઢ આલા પણ સિંહ ગેલાં’ વગેરે નવલકથાઓ ઉલ્લેખનીય છે. હરિનારાયણ આપ્ટે પછી નાથ માધવનો ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે સંખ્યાબંધ નવલકથાઓ લખી છે. જેમાં ‘સ્વરાજ્યાચ્યા શ્રી ગણેશા’ અને ‘સ્વરાજ્યાચી દુફળી’ જેવી ઐતિહાસિક અને ‘ગ્રહદશાચા ફેરા’ તથા ‘દોન ભાવડે’ જેવી સામાજિક નવલકથાઓ આપી છે. ઇ.સ.૧૯૧૫માં શ્રી વામન મલ્હાર જોશી એમની પ્રથમ નવલકથા ‘રાગિણી’ લઈ આવે છે. મરાઠી કુટુંબજીવનમાં આ ગાળામાં જે નોંધપાત્ર પલટો આવ્યો તેનું આ નવલકથામાં યથાર્થ નિરૂપણ મળે છે. નીતિવિષયક સમસ્યાઓની ચર્ચા કરવા સાથે સમાજમાં સ્ત્રીઓના સ્થાન અંગે પ્રવર્તતા મતમતાંતરોમાં આ નવલકથા એક બુદ્ધિગમ્ય દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે. ‘સુશીલેચા દેવ’ અને ‘ઇન્દુ કાળે આણી સરલા ભોળે’ “નવલકથાની કળામાં એક નવો પ્રયોગ હોવાની સાથે સાથે એક પેઢીના આદર્શવાદ, તત્વચિંતન અને સામાજિક ક્રાંતિની કથાઓ” છે. ‘સુશીલેચા દેવ’માં એક શિક્ષિત સ્ત્રીના બૌધિક વાલણોમાં થતા ફેરફારનો અભ્યાસ છે. જ્યારે ‘ઇન્દુ કાળે આણી સરલા ભોળે’માં કલા અને નીતિના સનાતન સંઘર્ષનું નિરૂપણ છે. આપ્ટેના અનુગામીઓમાં ભાર્ગવરાવ વિઠ્ઠલ વરેરકર આશરે નેવું જેટલી નવલકથાઓ લખવા ઉપરાંત નાટયકાર અને નવલિકાકાર તરીકે જાણીતા છે. તેમણે શરદબાબુ અને બંકિમચંદ્રની કેટલીક બંગાળી નવલકથાઓના મરાઠી અનુવાદો કરવા ઉપરાંત કેટલીક જાસૂસી નવલકથાઓ પણ લખી છે. ‘ચીમણી’, ‘વિધવા કુમારી’, ‘ધાવતા ધોટા’, વગેરે એમની નોંધપાત્ર નવલકથાઓ છે. આમ ઓગણીસમી સદીમાં અનુવાદ પ્રવૃતિ અને પશ્ચિમના સંપર્કના કારણે મરાઠી ભાષામાં નવલકથાનો ઉદ્દભવ થાય છે.
તેલુગુ ભાષામાં નવલકથાનો ઉદ્દભવ :
દક્ષિણ ભારતની ભાષાઓમાં નવલકથાનો આરંભ કરવાનું શ્રેય તેલુગુ ભાષાને ફાળે જાય છે. ઇ.સ.૧૮૬૭થી આજ સુધી તેલુગુ ભાષામાં નવલકથાઓનો ગંજાવર ઢગ ઠલવાતો રહ્યો છે. તેલુગુમાં સ્વ. કોકકોંડા વેંકટરત્નમ પંતુલુજીએ ઇ.સ.૧૮૬૭માં ‘મહાશ્વેતા’નામે નવલકથાની રચના કરી. શ્રી શિવશંકર પંડયાએ તેની ખૂબ પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તેની રચનાનો આધાર સંસ્કૃત ભાષાની બાણભટ્ટની ‘કાદંબરી’ની કથા છે. પણ ‘મહાશ્વેતા’ સંપૂર્ણ ગ્રંથ સ્વરૂપે ઉપલબ્ધ નથી. ઇ.સ.૧૮૭૨માં નરહરિ ગોપાલકૃષ્ણમ સેટ્ટીએ ‘રંગરાજ ચરિત્ર’ નામે કૃતિ પ્રકાશિત કરી, તેની ભૂમિકામાં જણાવ્યા પ્રમાણે તે કલ્પિત કથા છે. ઇ.સ.૧૮૭૮માં શ્રી કન્દુકૂરી પન્તુલુએ ‘રાજશેખર ચરિત્ર’ નામે ગદ્યગ્રંથ પ્રકાશિત કર્યો. આને મૌલિક નવલકથા માનીને શ્રી પંતુલુજીએ પોતાની રચનાને નવલકથાના રૂપમાં આગળ કરી, જે પોતાની વિશેષતાઓને કારણે અંગેજીમાં અનુવાદિત થઈ. ‘મહાશ્વેતા’ ઉપલબ્ધ ન હોઇ અને ‘શ્રી રંગરાજચરિત્ર’ પ્રસિધ્ધ ન થવાથી ઘણા આલોચકો ‘રાજશેખર ચરિત્ર’ને તેલુગુની પ્રથમ નવલકથા તરીકે ઘટાવે છે, જે અંગ્રેજી કૃતિ ‘વિકાર ઓફ ધી વેકફિલ્ડ’થી પ્રભાવિત મનાય છે. આમ છતાં સમાજ સુધારાની દ્રષ્ટિએ ‘રાજશેખર ચરિત્ર’ પહેલી તેલુગુ સામાજિક નવલકથા છે. રસુલકોંડા (ગોદાવરી જિલ્લો) નામના કસ્બાની સરકારી પાઠશાળાના આધ્યાપક સ્વ. ખંડવિલ્લી રામચંન્દ્રડુંની ‘ધર્મવતી વિલાસ’, ‘માલતી માધવ’, ‘લક્ષ્મીસુંદર વિજય’ નામની ત્રણ લઘુનવલો તે દિવસોમાં ‘ચિંતામણિ’ પત્રિકા દ્વારા પ્રસંશા અને પુરસ્કારને યોગ્ય મનાઈ હતી. જો કે અંગ્રેજીમાં અનુદિત થવાનું સુભાગ્ય આંધ્ર રચનાઓમાંની આંગળીને વેઢે ગણી શકાય તેટલી નવલકથાઓને પ્રાપ્ત થયું છે, જેમાંની ‘રાજશેખર ચરિત્ર’ એક છે. જેનું હાસ્ય ચમત્કૃતિજન્ય અને સંવાદશૈલી મનોહર છે. તેમાં સામાજિક દુરાચારોને વેધક રીતે ખુલ્લા પાડવામાં આવ્યા છે. શ્રી કન્દુકૂરી વીરેશલિંગમ પંતૂલુની અન્ય નવલકથાઓમાં ‘રાઘવેન્દ્ર વિજય’ અને ‘સત્યરાજાની પૂર્વ દેશની યાત્રાઓ’ છે. જેમાંની પાછલી અંગ્રેજી ‘ગુલીવરની યાત્રાઓ’થી પ્રભાવિત છે. સમાજ સુધારાની ભાવનાથી આ રચના ઓતપ્રોત છે. અને ગુજરાતીમાં ‘ભદ્રંભદ્ર’ની જેમ અંધશ્રધ્ધા તેમજ જુનવાણી દ્રષ્ટિ પર વ્યંગાત્મક પ્રહાર કરનાર એક સરસ રચના છે. આમાં સનાતનીઓ ઉપર કઠોર પ્રહારો કરવામાં આવ્યા છે. ‘રાઘવેન્દ્ર વિજય’નું કથાવસ્તુ સામાજિક છે. આ નવલને ઇ.સ.૧૮૯૪ માં ‘ચિંતામણિ’ પત્રિકાનો પ્રથમ પુરસ્કાર મળ્યો. તેની દ્રષ્ટિ ઐતિહાસિક છે અને તે દ્રષ્ટિકોણથી લેખકને ‘આન્ધ્રના સ્કોટ’ની ઉપાધિ આપવામાં આવી. ઐતિહાસિક નવલકથા રચનામાં તેઓ જયેષ્ઠ તથા શ્રેષ્ઠ મનાયા અને તેમના પછી ‘કેતવરપુ વેંકટ શાસ્ત્રી’, ‘દુગ્ગિરાલ રાઘવચંદ્રચ્યા’, ‘વેંકટ પાર્વતીશ્વર’, ‘વેલાલ સુબ્ધારાવ’ વગેરેની ઐતિહાસિક નવલકથાઓ પ્રકાશિત થઈ. આમ તેલુગુ ભાષામાં પણ અનેક નવલકથાઓ ઓગણીસમી સદીમાં રચાય છે.
સંદર્ભ ગ્રંથસૂચિ:
૧. ભારતીય નવલકથા-૧, લેખક-રમણલાલ જોશી, પ્રકાશક-જે.બી. સેંડિલ અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પ્રથમ આવૃત્તિ-૧૯૭૪
૨. નવલકથા : શિલ્પ અને સ્વરૂપ, સંપાદક-ડો. નરેશ વેદ, પ્રકાશક-બાબુભાઇ હાલચંદ શાહ, પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલિફરોડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૦
૩. નંદશંકરથી ઉમાશંકર, સંપાદક-ધીરેન્દ્ર મહેતા, પ્રકાશક-ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ-૪૦૦૦૦૨, પ્રથમ આવૃત્તિ- માર્ચ ૧૯૮૪