Download this page in

દલિતચેતનાની વાર્તા: ‘ઉકરડા’

ગુજરાતી દલિત સાહિત્યમાં આરંભે કવિતાઓ વધારે લખાઈ. પરંતુ તેમાં દલિત સમસ્યાઓનું સ્પષ્ટ ચિત્રણ કરવું કઠોર કામ હતું. જયારે વાર્તા, નવલકથા કે આત્મકથાઓમાં વાસ્તવનું નિરૂપણ સરળ બને છે. ગુજરાતી સાહિત્યમાં સામાજિક સમસ્યાઓ આરંભે ધૂમકેતુ, રા.વી.પાઠક, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ઈશ્વર પેટલીકર, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, બકુલેશ, જયંત ખત્રી, જયંતી દલાલ, સુરેશ જોશી વગેરે વાર્તાકારોની વાર્તાઓમાં નીચલા સ્તરના પાત્રોની વેદના-સંવેદનાઓ, સમસ્યાઓનું આલેખન જોવા મળે છે. આરંભે ‘પેંથર’, ‘આક્રોશ’ અને ‘કાળો સૂરજ’ સામયિકમાં દલિત કવિતાઓ પ્રગટે છે. સમયાંતરે ‘દલિત કવિતા’, ‘વિસ્ફોટ’ અને ‘અસ્મિતા’ જેવા અનેક સંચયો પ્રાપ્ત થયા. ત્યારબાદ ઈ.સ.૧૯૮૦ સ્વતંત્ર દલિત વાર્તા અને નવલકથાઓનું આલેખન થવા લાગે છે. દલિત વાર્તાને ઓળખાવવા માટે મોહન પરમાર મુખ્ય ચાર પરિબળો તારવી આપે છે. : ૧. દલિત પરિવેશ, ૨. વર્ણ્ય વિષયવસ્તુ લેખે દલિતોની મૂળભૂત સમસ્યાઓનું નિરૂપણ, ૩. દલિત પાત્રોના વાણીવર્તન અને તેની રીતભાત, ૪. દલિત સંવેદના અને સમગ્ર કૃતિનો અર્થસંદર્ભ.[૧] આમ, આ પરીબળોના આધારે દલિત વાર્તાની સંકલ્પના ઓળખી શકાય. આપણને ગુજરાતી દલિત વાર્તાના વિકાસમાં જોસેફ મેકવાન, મોહન પરમાર, હરીશ મંગલમ્, દલપત ચૌહાણ, પ્રવિણ ગઢવી, ધરમાભાઈ શ્રીમાળી, રાઘવજી માધડ, માવજી મહેશ્વરી, દશરથ પરમાર, ડૉ. પથિક પરમાર, ભી.ન.વણકર, બી.કેશર શિવમ્, અનિલ વાઘેલા, ચંદ્રાબહેન શ્રીમાળી, નરસિંહ પરમાર, મંગળ રાઠોડ, સંજય ચૌહાણ વગેરે લેખકોએ મહત્વનો ફાળો આપ્યો છે. આ વાર્તાકારો પર જ્યોતિબા ફૂલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પ્રભાવ જોઈ શકાય. અહીં, દલિત સાહિત્યકાર શ્રી બી.કેશર શિવમની ‘ઉકરડા’ વાર્તામાં ઉદભવેલી દલિતોની વેદના અને પરિસ્થિતિ વિશે ચર્ચા કરીશું.

શ્રી ભીખાભાઈ શિવાભાઈ જાદવનો જન્મ ઉત્તર ગુજરાતના કલોલમાં ૨૮મી સપ્ટેમ્બર, ૧૯૪૦ના રોજ થયો હતો. તેમનાં પિતાનું નામ શિવાભાઈ અને માતાનું નામ કેશરબેન. તેમનું ઉપનામ ‘બી. કેશરશિવમ્’ નો અર્થ જોઈએ તો બી. એટલે બી. આર. આંબેડકર, કેશર એમનાં માતાનું નામ અને શિવ પિતાનું નામ. આમ, અસ્પૃશ્યમાં જન્મેલા હોવાથી તેમના સર્જનમાં જીવનનો અનુભવ, અસમાનતા, ગરીબાઈ, સ્રીની પરાધીનતા વગેરે પરિબળો પ્રેરણાદાયી બને છે. શ્રી બી. કેશરશિવમ્ સાહિત્યક્ષેત્રે નવલકથા, આત્મકથા, નિબંધ, વાર્તા અને સંપાદનો આપે છે. તેમને અનેક પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. આમ, ભાર્ગવ ઓમગુરુ દ્વારા સંપાદિત ‘બી. કેશવશિવમની દલિતચેતનાની વાર્તાઓ’માંથી તેરમાં ક્રમાંકની ‘ઉકરડા’ વાર્તાને તપાસવાનો ઉપક્રમ છે.

શ્રી બી.કેશરશિવમના પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહોમાં ‘રાતી રાંયાણની રતાશ’(૨૦૦૧), ‘જન્મદિવસ’ (૨૦૦૩), ‘ડૉ. સીમા’ (૨૦૦૩), ‘લક્ષ્મી’ (૨૦૦૪), ‘અધૂરું ત્રાગું’ (૨૦૦૪), ‘મધપૂડો’ (૨૦૦૫), ‘શહીદ’ (૨૦૦૬), ‘માણકી’ (૨૦૦૬) વગેરે મળે છે. જેમાંથી ‘જન્મદિવસ’ વાર્તાસંગ્રહમાં પ્રકાશિત થયેલ ‘ઉકરડા’ વાર્તા વિશે જોઈશું. ‘જેલના રોટલા’, ‘જન્મદિવસ’, ‘સિમંતોન્નયન’, ‘શિવાજી’, ‘ઉકરડા’ વગેરે વાર્તાઓમાં પરંપરાગત વર્ણવ્યવસ્થામાંથી ઉદભવતી સમ્યાસ્યોનું આલેખન મળે છે. ‘ઉકરડા’ વાર્તામાં દલિત સમાજના સંવેદનને ઉજાગર કરતી વાર્તા છે. ઉકરડા વાર્તામાં કેદ્રસ્થાને ઉકરડો-કચરાનો ઢગલો-ના પ્રતીક દ્વારા દલિત સમાજમાં ઉદભવતા પ્રશ્નોનું આલેખન છે. વાર્તાનો આરંભ સવર્ણ વર્ગની સ્ત્રી શાંતાના આગમન સાથે થાય છે. આરંભે શાંતા છાણનો ટોપલો નાખવા ઉકરડે જાય છે. એ સમયે બાજુના દલિત મહોલ્લાનો નાનો છોકરો વાલાને ઝાડે બેઠેલો જોઈને તે કરાંજી ઊઠી:
‘મારા ભઈ દિયોર, તારા ઘરમઅ ચૂલો નહીં તે આંય બેઠો સે? ચૂલો ના હોય તો તારી માના મુઢામઅ અઘ.’

વાલો દૂરથી શાંતાને જોઈને ઘબરાઈને નાઠો. તેને દોડતો જોઈ, માથા પરનો ટોપલો ઉકરડામાં નાખી, બાજુમાં પડેલો અણિયારો પથ્થર ઉપાડી, એણે વાલા પર ફેંક્યો. વાલાના કોણી નીચેના ભાગ પર વાગતાં લોહીની ધાર થઈ છતાં તે દોડીને મહોલ્લામાં પેસી ગયો ને ડામચિયાની પાછળ સંતાઈ ગયો.’[૨]

આમ, શાંતા વાલાને ત્યાંથી ભગાડી, પકડવા પાછળ દોટ મુકે છે. પરંતુ પકડતો નથી. શાંતા દલિત મહોલ્લામાં જઈને હાહાકારો કરે છે. છોકરા તરફથી સૌ દલિત સમાજના લોકો માફી માંગે છે. આમ, આરંભે જ સવર્ણ અને દલિત સમાજના ઊંચ-નીચના ભેદભાવો ઉદભવે છે. તેમજ દલિત સમાજના પ્રશ્નો પ્રગટે છે.

મહોલ્લાની બાજુમાં આવેલા ઉકરડાની પાછળ દલિત સમાજ રહે છે. આ ઉકરડાને કારણે દલિતોને પડતી મુશ્કેલીઓ અને ઉકરડા ખસેડવાના પ્રયત્નો, અરજીઓ વગેરે વિષયક માહિતી આપવામાં આવી છે. આ ઉકરડાના મુદ્દે દલિતોને ઘણું સહન કરવું પડ્યું. આ ઉકરડાની આસપાસ જ બાળકો રમત રમતાં. ગામમાં આવા-જવાનો રસ્તો પણ ઉકરડા વચ્ચેથી જ હતો. આ ઉકરડાને કારણે દલિતવાસમાં બારેમાસ ગંદકી અને દુર્ગંધ ફેલાયા કરે છે અને ચોમાસામાં સમગ્ર વસ્તી જાણે જીવતા નર્કમાં ફેરવાઈ જતી. મહોલ્લામાં સંકડાશ પણ ઘણો. આના કારણે દલિત મહોલ્લામાં શુભ પ્રસંગે બનેલો પ્રસંગ જોઈએ તો, એક લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ કહેતા, ‘હવે ક્યાં સુધી દબાયેલા રહેશો? ના ખસેડે તો પોલીસ કેસ કરો.’[૩] ઉકરડે છાણ નાખવા આવેલી ગંગા ડોશીના કાને અથડાય છે. એણે જાનૈયાને ભાંડી નાખ્યા. દલિત સમાજ પર સવર્ણ વર્ગ તૂટી પડે છે. દલિતોને માર પડ્યો અને શીરામાં રેત-માટી નાખી. કારણ કે તેમણે શીરામાં ઘી નાખ્યું હતું. અને સવર્ણો કહે, ‘સાલાઓએ શીરો બનાવ્યો છે ! દિયોરોથી ઘી ના ખવાય એ ભૂલી ગયા? પાછા પોલીસમાં ફરિયાદ કરવી છે?’૩ આમ, આવા માહોલમાં લગ્ન લેવાયા, છેડા બંધાયા અને જાનૈયા વિદાય થાય છે.

મહોલ્લાના ઉકરડા પાછળ એક નેળિયું હતું. આ નેળિયામાં થઈને ગામલોકો ખેતરે જતા. આ નેળિયામાં દલિત મહોલ્લાનું પાણી ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડતું. દલિતોએ પાણીનો ઓછો ઉપયોગ કરવો પડતો. દલિત સ્ત્રીઓને પ્રાથમિક ક્રિયાઓમાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી. પરંતુ ઉકરડાના પ્રશ્નો મહોલ્લાના પંચાયત આગળ તેજો મુકે છે ત્યારે પંચાયતના સભ્ય મનોર ડોસો કહે છે,
‘અલ્યા ભઈ, આ ઉકેડા કાંઈ આજના સઈ ? પેઢી દર પેઢી આંય નંખાઈ છે.’
‘પણ તમે મુખીનઅ વાત તો કરો. આજ નંઈ તો મઈને બે મઈને તો ખહેડાશે નઅ ! આ તો તમે પંચાયતના મેમ્બર સો એટલઅ તમનઅ વાત કરી. ઈય કાંય મેલ્લામઅ બીજાનઅ કે’વાય?’
‘ભઈ, વાત કરીનય મારો બઈડો ભાગાવવો સઅ? અવઅ આ ઉંમરે...!!!’[૪]

આમ, આ પ્રશ્નો દલિત મેમ્બરોને પણ પંચાયત સામે મુકવાની હિમ્મત ન હતી. મનોર ડોસો મૃત્યુ પામ્યો. ઘણા અધિકારીઓ બની ગયા. પેઢીઓ વીતવા લાગી. પણ તેમનો કોઈ ઉકેલ મળતો નથી. સમયાંતરે વાલાભાઈ ધારાસભ્ય બન્યા, મંત્રી તરીકે નિમાયા. પણ ગામના સવર્ણ સમાજ સામે તેઓ સદંતર લાચાર છે. દલિતોની વસ્તી પાસેથી સવર્ણોના ઉકરડા ખસેડવા માટે જયારે તેઓ કાયદાની રૂએ કાર્યવાહી કરવાની ઘમકી આપે છે ત્યારે રાજકીય વર્ગ ધરાવતા ગામના સવર્ણ લોકો તેમને મંત્રીમંડળમાંથી રાજીનામું અપાવે છે. અંતે વાલાભાઈ મંત્રી પદેથી રાજીનામું સ્વીકારે છે. આમ, ઉકરડાના પ્રતીકે દલિતોના પ્રશ્નો ત્યાંજ દબાઈ ગયા.

વાર્તાના આરંભના અંશોને સમર્થન જણાવતા અંતમાં વાર્તાકાર કહે છે કે,
‘અઠવાડિયું પૂરું થાય એ પહેલાં મુખ્ય મંત્રીશ્રીએ વાલાભાઈનું રાજીનામું માંગી લીધું. વાલાભાઈ નિરાશ વદને પોતાના મહોલ્લામાં ઘેર પાછા આવ્યા ત્યારે પેલા ઉકરડા જાણે તેમનું સ્વાગત કરી રહ્યા હતાં. એ ક્યાંય સુધી આ ઉકરડાઓ સામે તાકી રહ્યા. એમનું બાળપણ આ ઉકરડાઓમાં આળોત્યું હતું. પેલા કોણી નીચે પડેલો પત્થરના ઘા પર તેમની આંગળીઓ ફરી વળી. આજનો આ ઘા જાણે એમના સમગ્ર અસ્તિત્વ પર પડ્યો હતો. એમની બંને આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા ને જાણે એમનું ત્રીજું નેત્ર ખૂલવા મથી રહ્યું હતું.’[૫]

આમ, દલિત સમાજમાં સંઘર્ષ કરવાની વાત ડગલે ને પગલે આવે છે. વાર્તામાં મુખ્યત્વે સવર્ણ અને દલિત વર્ગ વચ્ચેના પ્રશ્નોના આધારે નિમ્ન વર્ગના સમાજના પ્રશ્નોને આલેખ્યા છે. તળપદી ભાષામાં આલેખાયેલી વાર્તા સંવેદનશીલ બને છે. તેમજ ભાષા દ્વારા સ્થળ, કાળ, વાતાવરણ આલેખન ભાવકની દૃષ્ટિ સમક્ષ આખો દલિત સમાજ ચિત્રાંકન થતું દેખાય છે. દરેક પાત્રોનો પરિચય આબેહૂબ પરિસ્થિતિ અનુસાર આલેખ્યા છે. ઉકરડા વાર્તામાં દલિત વર્ગના લોકોનું જીવન નર્કમાં ફેરવી નાખતા ઉકરડો અંતે સમાજની વર્ણવ્યવસ્થાના પ્રતીક બને છે. લેખક સમય બદલાયાનો સંકેત આપે છે. છતાંપણ આ સમયગાળામાં સવર્ણ વર્ગનો દલિત સમાજ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાયો નથી. અહીં સામાજિક સમસ્યાઓની સાથે દલિત સમાજનું ચિત્રણ તેમજ સવર્ણોનો વ્યવહારનું આબેહૂબ ચિત્રણ થયું છે. એક તરફ કાયદાનું પાલન કરવાવાળી સર્વોપરી રાજકીય સત્તા છે તો બીજી બાજુ ગંધાતા ઉકરડા.

પાદટીપ:

૧. ગુજરાતી દલિત વાર્તા, સં. મોહન પરમાર, હરીશ મંગલમ્, ૧૯૯૩, પૃ.૨
૨. બી.કેશરશિવમની દલિતચેતનાની વાર્તા, સં. ભાર્ગવ ઓમગુરુ, પ્ર.આ. ૨૦૦૪, પૃ.૮૮
૩. એજન, પૃ.૮૯
૪. એજન પૃ.૯૦
૫. એજન પૃ. ૯૬

સંદર્ભ:

૧. બી.કેશરશિવમની દલિતચેતનાની વાર્તા, સં. ભાર્ગવ ઓમગુરુ, પ્ર.આ. ૨૦૦૪ (વાર્તા ક્રમાંક: ૧૩ ‘ઉકરડા’)
૨. ગુજરાતી દલિત વાર્તા, સં. મોહન પરમાર, હરીશ મંગલમ્, આર. આર. શેઠની કંપની, પ્ર.આ. ૧૯૯૩.
૩. ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિત સંવેદના, ડૉ. જયશ્રી સોલંકી, ફ્લેમિંગો પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ. ૨૦૧૩
૪. ગુજરાતી દલિત સાહિત્યનાં લેખાં-જોખાં, સં. નાથાલાલ ગોહિલ, ગુજરાત સાહિત્ય અકાદમી, પ્ર.આ. ૨૦૧૩
૫. સામ્પ્રત દલિત સાહિત્ય પ્રવાહ, ડૉ. પથિક પરમાર, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ, પ્ર.આ.૨૦૧૧
૬. ગુજરાતી સાહિત્ય કોશ ખંડ: ત્રણ, મુ. સં. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર.આ. ૧૯૯૬