Download this page in

સ્વાધ્યાયલોક -૪: અમેરિકન તથા અન્ય સાહિત્ય વિશે...

નિરંજન ભગતને આપણે અનુગાંધીયુગના મૂર્ધન્ય કવિ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી કવિતામાં ઊર્મિસમૃદ્ધિનો નવતર પ્રયોગ કરનારા કવિઓમાં રાજેન્દ્ર શાહ પછી તરત જ બીજું નામ નિરંજન ભગતનું લેવું પડે. નિરંજન ભગતની કવિતામાં બે ફાંટા જોઈ શકાય, પૂર્વ છેડે સૌંદર્યરાગી કવિતા પ્રગટી છે તો, બીજે છેડે ઉત્તરભાગની કવિતા એ મુખ્યત્ત્વે નગરચેતનાની છે, જેમાં આધુનિક વલણ જોવા મળે. આખરે સમગ્રકવિતા જોતાં કવિનું ચિત્ત માનવસંભાવમાં સ્થિર થતું અનુભવાય છે. તેથી આ કવિને મૂર્ધન્ય કવિ ઉમશંકર જોશી યોગ્ય રીતે જ ‘સ્વપ્નનો સુરમો આંજેલ કવિ’ તરીકે ઓળખાવે છે. તેમની સિદ્ધિઓ ગણાવીએ તો ઇ.સ. ૧૯૭૮ થી ૧૯૮૨ સુધી સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીની જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે અને ઇ.સ. ૧૯૭૬માં ગુજરાત સાહિત્ય પરિષદના અઠ્ઠાવીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગમાં પ્રમુખ તરીકે પણ પસંદગી થયેલી. તેમને વિવિધ પરિતોષિકોથી સન્માનવામાં પણ આવ્યા છે. નિરંજન ભગત ૧૯૫૬ -૧૯૫૮માં ‘સાહિત્ય સાધના’ સાપ્તાહિક કૉલમ પણ લખતા, આ ઉપરાંત ૧૯૭૭માં ગ્રંથ માસિક અને ૧૯૭૮-૧૯૭૯માં સાહિત્ય ત્રૈમાસિકનું સંપાદન પણ કરેલું.

નિરંજન ભગત પાસેથી ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘૩૩ કાવ્યો’ વગેરે જેવા કાવ્યસંગ્રહો સાંપડે છે. એમની સમગ્ર કવિતા ‘છંદોલય’ (બૃહદ)માં સંગ્રહિત થઈ છે. કવિતા સિવાય નિરંજન ભગતે વિવેચન વિરેચન જેવી પ્રવૃત્તિઓ પણ કરી છે. ગુજરાતી, અંગ્રેજી અને યુરોપીયન વગેરેનાં સાહિત્ય વિશેના લેખો અને વાર્તાલાપો પણ કર્યા છે, આ બધા લેખો વિધ વિધ સમયિકોમાં છાપતાં, છૂટા છવાયા આ લેખો ‘સ્વાધ્યાયલોક’ એવા શીર્ષકથી એક સાથે આઠ એકરૂપ ગ્રંથોમાં વિભાજિત કરી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી સાહિત્ય વાચકો સૌ પરિચિત હશે, આ આઠ ગ્રંથોની શ્રેણીના પ્રથમ ભાગમાં ‘કવિ અને કવિતા’ વિશેના લેખો, જ્યારે અન્ય ભાગોમાં અનુક્રમે અંગ્રેજી, યુરોપીયન, અમેરિકન તથા અન્ય સાહિત્ય, એ પછીના ગ્રંથ પાંચ અને છમાં ગુજરાતી સાહિત્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના લેખો, ભાગ-૭માં બલવંતરાય, ન્હાનાલાલ, સુન્દરમ, ઉમાશંકર આ ચાર કવિઓ વિશે તો અંતિમ ભાગ ‘અંગત’માં વ્યક્તિવિશેષ અને આત્મવૃતાંત, કેફિયત વગેરે લેખો સંગ્રહિત છે.

અહીં આપણે સ્વાધ્યાયલોકની શ્રેણી ચોથીમાં સંગ્રહિત લેખો ‘અમેરિકન તથા અન્ય સાહિત્ય’ વિષે વાત કરવાના છીએ. જેમાં અમેરિકન સાહિત્ય સિવાય ભારતીય-અંગ્રેજી કવયિત્રીઓ તરુ દત્ત અને સરોજની નાયડુની કવિતા, રવીન્દ્રનાથની કવિતામાં બાળનિરૂપન, જાપાની કવિતામાં મહત્ત્વનું પ્રદાન કરનારા કવિ બાશો અને ચીની કવિ લિ પો. વિશેના લેખો છે. આ ગ્રંથમાં મોટા ભાગના લેખો અમેરિકન સાહિત્ય પર અને તેમા ય ત્યાંની કવિતામાં મુખ્ય સ્થિતિયાંતરોરૂપ મુખ્ય કવિઓ વિશે છે. આ તમામ લેખોનું અહીં વિહંગાવલોકન કરાવી આપવાનો મારો ઉપક્રમ છે.

આ ગ્રંથમાં કુલ અઢાર લેખો સંગ્રહિત છે. પ્રથમ લેખ ‘વ્હીટમેનનો વારસો –આધુનિક અમેરિકન કવિતા’ આ સુદીર્ઘ લેખમાં આરંભે અમેરિકની કવિતાઓ વિશે ચર્ચા કરતાં, વ્હીટમેનની અમેરિકન કવિતામાં રહેલી ભૂમિકાની વાત છે, યુરોપ અને ઈંગ્લેન્ડના ટેકે સ્થિર થયેલ અમેરિકન કવિતા વિશે નિરંજન ભગત સ્વાધ્યાયલોકના પૃષ્ઠ છ પર નોંધે છે કે: “ પરંપરાની પ્રેરણા વિના જો કોઈ કવિતા પાંગરી હોય અને તે પણ એક સદી જેટલા અલગ સમયમાં, તો તે અમેરિકન કવિતા”[૧] કવિ એમર્સનું અમેરિકત્વની શુદ્ધ રાષ્ટ્રવાદી કવિતાનું સ્વપ્ન હતું, એ સ્વપ્નું કવિ વ્હીટમેનની ‘લીવ્ઝ ઓવ ગ્રાસ’ની કવિતાથી ઉજાગર થાય છે, અહીં આ અભ્યાસલેખમાં કવિ વ્હીટમેનની કવિતાથી અમેરિકન કવિતાને નવી દિશા મળી તેની વાત કરતાં કેટલીક કાવ્યપંક્તિઓ દ્વારા વાતને વધુ રસાત્મક રીતે મેકેલી જોવા મળે છે. સાથે સાથે નિરંજન ભગત આપણી સાથે અમેરિકન કવિતાની ચર્ચા કરતાં હોય એવું લાગે છે.

એ પછીના લેખમાં વ્હીટમેનના અનુગામી કવિ સેન્ડબર્ગ વિશેની વિચારણા છે. નિરંજન ભગતને વ્હીટમેન પછી સેંડબર્ગને અમેરિકન કવિતાને આગળ ધપાવતા ગણાવ્યા છે. અહીં કવિના જીવન અને કવન વિશે વિસ્તારથી વાત મુકાઈ છે. આધુનિક કવિતા અને સેન્ડબર્ગને પર્યાય ગણાવ્યા છે. વ્હીટમેનની કવિતાનો વધુ વિકસિત પડાવ અનુગામી કવિ સેન્ડબર્ગમાં નિરંજન ભગતને જણાયો છે, તેમણે વ્હીટમેનના કાવ્યસંગ્રહ ‘વીગ્ઝ ઓવ ગ્રાસ’ની સમગ્ર કવિતાની સરખામણીએ સેન્ડબર્ગની ‘શિકાગો’ શીર્ષકથી રચાયેલી નાનીશી કાવ્યરચનાને કાફી ગણાવે છે. આ ઉપરાંત સેન્ડબર્ગની પદ્યકવિતા, ‘શિકાગો પોએમ્સ’ (૧૯૧૬), ‘કોર્નહસ્કર્સ’ (૧૯૧૮), ‘સ્મોક એન્ડ સ્ટીલ’ (૧૯૨૦), ‘સ્લેબ્ઝ ઓવ ધ સનબર્ણ્ટ વેસ્ટ’(૧૯૨૩),’ગૂડ મોર્નિંગ અમેરિકા’(૧૯૨૮), ‘ધ પીપલ, યસ’(૧૯૩૬)ની કવિતાનો પરિચય કરાવ્યો છે. આ લેખમાં સેન્ડબર્ગની બે વિશિષ્ટ કાવ્યરચનાઓ ‘શિકાગો’ અને ‘ફોગ’ની આસ્વાદાત્મક ચર્ચા પણ કરી છે. આ લેખના અંતે નિરંજન ભગત, વ્હીટમેન અને સેન્ડબર્ગની તુલના કરતાં કહે છે: વ્હીટમેન એ અમેરિકન કવિતાનો કોલંબસ છે તો સેન્ડબર્ગ અમેરિકન કવિતાના લિંકન ગણાવે છે.

લેખ ત્રણ અને ચારમાં કવિ રોબર્ટ ફ્રોસ્ટના વ્યક્તિત્વ અને કાવ્ય વિશે ઘણી લાંબી વિચારણા છે. જેમાં ‘Two Tramps in Mud Time’ કાવ્યનો અંતિમ શ્લોકનો અને ‘Kitty Hawk’ આસ્વાદમૂલક ચર્ચા છે. આ સિવાય ‘The Pacific’, ‘A Pack of Gold’ , ‘A Record Stride’ વગેરે ઘણી બધી કાવ્ય રચનાઓ વિશે ટૂકમાં પરિચય કરાવી રોબર્ટ ફ્રોસ્ટની કવિતાના સ્થિતિયાંતરો તપાસી આપ્યા છે.

કવિ નાટયકાર ડબલ્યુ. એચ. ઑર્ડન પર બે લેખ છે. આગળ પ્રમાણે, આ લેખમાં પણ નિરંજન ભગતે ઓર્ડનના જીવન-કવનની વાત કરી છે. જે રસ પડે એવી શૈલીના છે. જન્મ, શાળાજીવન વિશે કેટલાક પ્રસંગોની વાત મૂકી, ઓર્ડનની સર્જન શક્તિની ઝાખી કરાવતા ધીરે ધીરે કવનની વાત તરફ લઈ જતાં ઓર્ડનના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’(૧૯૨૮) એ પછી ૧૯૨૯માં ઈશરવૂડ સાથે મળીને ‘ધ એનિમિઝ ઓવ એ બિપશ’ અને ૧૯૩૩માં ધ ડાન્સ ઓવ ડેથ’ પદ્યનાટકો રચ્યા અને ભજવ્યા તેની વાત કરી છે. આ ઉપરાંત ‘યુદ્ધયાત્રા’ પ્રવાસગ્રંથ, ૧૯૩૮માં રચેલું ‘ઓન ધ ફ્રંટિયર’ નાટક એમ, પાંત્રીસેક રચનાઓની ટૂંકી નોંધ આપી છે. તે પછી બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકન સાહિત્ય જેમાં નાટકોની મૌલિક પરંપરા, ‘Stopping by woods on a snowy evening’ અને ‘The Gift Outright’ કાવ્યને નિરંજન સાહેબ ભક્તિ દ્વારા મુક્તિનું કાવ્ય કહે છે.

એ પછીના બે લેખો ભારતની બે અંગ્રેજી કવયિત્રીઓ પર છે. તરુ દત્ત વિશે જે ચર્ચાઓ કરી છે તે જોતાં આ કવયિત્રી મોટાગજાના હોય એમ લાગે છે. પરંતુ આ લેખમાં એમની કાવ્યપંક્તિઓના અનુવાદો જોવા મળે છે, તેમાં ખાસ ઝાઝી કાવ્યપ્રતિભા જણાતી નથી. ભારતીય અંગ્રેજી કવિતામાં સરોજની નાયડુનું વિશેષ નામ છે, આ કવયિત્રી વિશે કિરીટ દૂધાત ‘પરબ’ સામયિકમાં નોંધે છે કે: “એમની કવિતા આપણને સ્પર્શે કે કેમ તેનો જવાબ ‘ના’માં આવે, એટલે જ કદાચ ઇંગલેંડમાં એમનો કોઈ કાવ્યસંગ્રહ કે એમની ચૂંટેલી કવિતાનું કોઈ પુસ્તક હાલમાં પ્રસિદ્ધ થયા નથી’’[૨]

‘રવીન્દ્રનાથની કૃતિઓમાં બાળનિરૂપન’ આ લેખમાં રવીન્દ્રનાથના બાલકાવ્યોનું નિરૂપણ ઉડીને આખે વળગે એવું છે. તેમના આ કાવ્યોમાં બાળક્રીડાની સાથે સાથે મૃત્યુની પણ વાત આવે છે. તે સહજ રીતે આ લેખમાં જોઈ શકાય છે. રવીન્દ્રનાથના જીવનમાં બનેલા પોતાના જ સ્વજનોના મૃત્યુના પાંચ પ્રસંગોની વાત પણ નિરંજન ભગતે આ લેખમાં મૂકી છે. આમ, રવીન્દ્રનાથના સાહિત્યના અભ્યાસીએ સૌ પ્રથમ આ લેખ વાંચવો જોઈએ એવો આ લેખ છે.

‘કવિતાનો કીમિયો કરુણા’ લેખમાં જાપાનના સર્વશ્રેષ્ઠ હાઇકુ કવિ માત્સુઓ બાશો વિશે ચર્ચાઓ કરી છે. બાશોના જીવનની કથા અને સાહિત્યની વાતો રસપ્રદ રીતે વણાયેલી છે. બાશોની પ્રકૃતિ નિરૂપણની કવિતા, કલ્પન, ચિંતન વગેરે વિશેના હાઇકુ કવિતાની વિચારણા મૂકી છે, તેના ગુજરાતી અનુવાદો પણ આપ્યા છે. જેમકે:
‘રાતાં ફૂલોને
પાંખો જો તમે આપો
તો પતંગિયાં’ સ્વા.-૪ ,પૃ. ૨૧૨

અંતે ચીની કવિ લિ પોને નિરંજન ભગત સૌમ્યના કવિ તરીકે ઓળખાવે છે, અને એમના એક મદિરાકાવ્યનો અનુવાદ આપ્યો.

આ આખું પુસ્તક વાંચતાં આપણને એક પ્રતિભાસંપન સાહિત્યના અભ્યાસી સાથે ચર્ચા કરતાં હોય, એવું અનુભવાય છે. અમેરિકન સાહિત્ય-કવિઓની ચર્ચાના લાંબા લેખોમાં નિરંજન ભગતની વિદ્વત્તા સ્પષ્ટ જણાય છે. પાછલાં ત્રણ-ચાર લેખો સાવ ટૂંકા છે, જેની સાત-આઠ પેજમાં વિચારણા કરવી જોઈતી, પણ તે નથી કરી શક્યા. તેમની લેખનશૈલીની વાત કરું તો, તે પ્રસાદાત્મક છે. અહીં અમેરિકન કવિઓની સાહિત્ય પ્રવૃત્તિ વિશે ચર્ચા કરતાં તેમણે જીવનની ઘણી વિગતો મૂકી અને પછી સમાંતરે એમના સાહિત્યની વાત કરી છે. આ પુસ્તકમાં નિરંજન ભગતે અમેરિકન કવિતાની વાત કરતાં ૨૧૫ જેટલાં પાનાંમાંથી લગભગ ૧૭૫ જેટલાં પાનાં રોક્યા છે. આમ, અમેરિકન કવિતાની પાસે જતાં પહેલા આ પુસ્તક અવશ્ય વાંચવું પડે તે કક્ષાનું છે.

સંદર્ભો :

1. સ્વાધ્યાયલોક ભાગ-૪,આ. પ્રથમ-૧૯૯૭, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
2. ‘પરબ’ વર્ષ:૩૮ અંક:૧૨ ડિસે. ૨૦૯૩
3. ‘ઑડનનાં કાવ્યો’ અનુ. નિરંજન ભગત, આ. પ્રથમ-૨૦૭૬