Download this page in

કીર્તિલાલસા અર્થે પુત્ર ગુમાવતા પિતાના સંવેદન સાથે ઊઘડતું મનોવિશ્વ - ‘ધૂમ્રસેર’ - ગુલાબદાસ બ્રોકર

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ અને લોકપ્રિય એવા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરનો જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૦૯ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના વાર્તાસંગ્રહોની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય ઘણું રહેલું હોવા છતાં પણ પાત્રોના માનસને ઉજાગર કરવાનો તેમનો પ્રયત્ન સરાહનીય કહી શકાય.

ગુલાબદાસ બ્રોકરની ‘ધૂમ્રસેર’ વાર્તા પિતાના પોતાના પુત્રને ગુમાવ્યા બાદ જાગતાં સંવેદનો અને તેમાંથી વ્યક્ત થતી મનોવેદનાને ઉજાગર કરે છે. Flash back ટેકનિકથી લખાયેલી આ વાર્તામાં કમલનયનબાબુ પોતાના પુત્ર બિપિનને આઝાદીની લડતમાં મોકલે છે અને ત્યારપછી તેમનો તે પુત્ર શહીદ થઈ જાય છે. એક ક્રાંતિકારી પુત્રના પિતા કહેવડાવવાની લાલસામાં પોતાના યુવાન પુત્રને ગુમાવી બેસતા કમલનયનબાબુને ચિરૂટ પીતાં તેમાંથી નીકળતા ધુમાડામાં દેખાતું પોતાનું ભૂતપૂર્વ જીવન તેમના મનોવિશ્વને ઊઘાડ આપે છે. વરઘોડામાં જવા કમલનયનબાબુ અને તેમનાં પત્ની નીલિમાદેવી તૈયાર થાય છે ત્યાં તેમને પોતાનો એકનો એક પુત્ર બિપિન યાદ આવે છે અને ધુમાડાની એ સેરમાં તેઓ એક પછી એક પ્રસંગોને જોતા પોતાના પુત્રને યાદ કરતા રહે છે અને ત્યાં તેમનું જે સંવેદન છે, તેમની પુત્રને ગુમાવ્યાની જે વેદના છે તે ગાઢ બનતી જણાય છે અને તેમાંથી વ્યક્ત થતી તેમની માનસિકતા વાર્તાને કરુણ સ્પર્શ કરાવે છે.

એકવાર વરઘોડાના પ્રસંગમાં જવા તૈયાર થયેલા કલમનયનબાબુ ત્યાંથી પાછા વળે છે ત્યારે તેમને રોકતાં તેમનાં પત્ની નીલિમાદેવી પણ ત્યાં જ રોકાઈ જાય છે અને ભૂતકાળની સ્મૃતિમાં સરી પડતાં જણાય છે. તેમને સ્તબ્ધ જોઈને કમલનયનબાબુ દ્વારા પૂછાતા પ્રશ્નનો ઉત્તર ન આપી શકતાં તેમની સ્થિતિ જોતાં કમલનયનબાબુ પોતે જે દ્રશ્ય જોયું હતું તેની યાદમાં સરી પડે છે. અને વરઘોડામાં ઘોડા પર સવાર એ યુવાનને પોતે પહેલીવાર જોઈ રહ્યા હોવાનો એવો વિચિત્ર ભાવ તેઓ અનુભવે છે સાથે જ વરઘોડામાં એ યુવાનના સ્થાને પોતાનો પુત્ર હોવાની એવી મૃદુતર કલ્પના કરવા લાગે છે ત્યાં ફરીથી નીલિમાદેવી જવાનું મોડું થશે એમ કહે છે છતાં પણ કમલનયનબાબુ ત્યાંજ રહે છે અને ફરીથી તેમના સ્મૃતિનો એ દોર આગળ વધે છે. એમાં એ બિપિનને બોલાવે છે અને ફરીથી તેઓ ચિરૂટ પીવા લાગે છે ત્યાં: “ચિરૂટ સળગી. તેની ધૂમ્રસેર વિવિધ આકૃતિઓ રચી રહી. ગરદન ઊંચી રાખી આકાશમાં વહી જતી એ સેરોને નિહાળી રહેલા કમલનયનબાબુને એ સેર કોઈ જુદા જ પ્રદેશમાં ઘસડી ગઈ.” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૩૯)

જેમ જેમ ધૂમ્રસેર વહે જતી હતી તેમ તેમ કમલનયનબાબુની નજર સમક્ષ એ યુવાનનો દેખાવ તેમજ વિવિધ આકૃતિઓ વધુ સ્પષ્ટ થતી જતી હતી અને ત્યાં તેમને પોતાનો યુવાનીનો સમય યાદ આવી જાય છે અને સાથે જ બિપિન સાથેનો પોતાનો વાર્તાલાપ યાદ આવે છે. તેમની દ્રષ્ટિ એકાએક બિપિન પર પડે છે. તેઓ જુએ છે અને ચિંતામાં ડૂબેલા બિપિનને તેનું કારણ પૂછે છે તે બધી બાબતો આજે અચાનક તેમના સ્મૃતિપટ પર પથરાતી જોવા મળે છે. એક તરફ વરઘોડામાં જવાનું મોડું થઈ રહ્યું હોય છે અને બીજી તરફ ભૂતકાળ તેમના વર્તમાનમાં તરવરતો જણાય છે. અહીં જે સંવેદન છે તે કમલનયનબાબુના વિચારજગતને ખુલ્લું કરી દેતું જોવા મળે છે.

ફરીથી એક સ્મૃતિ તરંગ કમલનયનબાબુને ભૂતકાળની યાદોમાં ખેંચી જાય છે અને વળી પાછા તેઓ બિપિન સાથેના સંવાદને યાદ કરે છે અને ત્યાં ક્રાંતિકારી થવા થનગની રહેલા પોતાના પુત્ર વિશે વિચારવા લાગે છે અને પુત્ર જ્યારે ક્રાંતિકારી આંદોલનોમાં જોડાવાની રજા લેવા પિતા પાસે આવ્યો હતો ત્યારે તેમને ઈતિહાસ પોતાના પુત્રને સદીઓ સુધી યાદ કરશે એવો વિચાર આવે છે અને બિપિન સામે જોતાં, તેનો માસૂમ ચહેરો જોતાં કમલનયનબાબુ વિચારે છે: “હા પાડું ? હંમેશ માટે એ નષ્ટ ન થઈ જાય?” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૧)

ત્યાં ક્ષણિક થંભી જતા કમલનયનબાબુને તેમનો પુત્ર પોતાના આદર્શ અને ભાવનાની વાત કરે છે અને ફરીથી તેઓ એક સોનેરી કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતા જણાય છે. તેઓ પોતે ક્રાંતિકારી બિપિન મુકરજીના પિતા કહેવડાવવામાં ગર્વ અનુભવતા જોવા મળે છે. એક તરફ પુત્રને આંદોલનોમાં મોકલતાં જાગતી વેદના છે અને બીજી તરફ કીર્તિ મેળવવાની તીવ્ર એવી લાલસા. આ બંને વચ્ચે ફસાતા કમલનયનબાબુનો મનોદ્વન્દ્વ રચાતો જોવા મળે છે અને ત્યાં ફરીથી વિચારોમાં ખોવાઈ જતા તેઓ: “અનેક વિચારો આવે છે. ફરી પાછી પેલી વણજાર દેખાય છે. કીર્તિદેવી આંગણે આવી. એને કેમ પાછી વળાય? પુત્રને એની મહેચ્છા કેમ પૂર્ણ કરવા ન દેવાય? વીર પુત્રના પિતા કહેવાવાની તક કેમ જવા દેવાય?” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૨)

છેવટે પોતાની ખ્યાતિ અર્થે તેઓ પુત્રને ખુશીથી ક્રાંતિકારી આંદોલનોમાં જોડાવાની અનુમતિ આપે છે અને ફરીથી એક ભયાવહ દ્રશ્ય તેમની આંખ સામે તરવરવા લાગે છે તેમાં શહીદપુત્રની યાદ આવે છે. તેનું લોહીથી તરવરતું એ શરીર અને ચહેરા પર છવાયેલી ખુશી તેમજ સંતોષ દેખાય છે ત્યાં અશ્રુભીની આંખે ફરીથી તેઓ ધુમાડાની એ સેરે સેરે દ્રશ્યોની હારમાળા જોવા લાગે છે. ફરીથી તેમને બિપિન શહીદ થયો તે સમયે લોકોના મુખેથી નીકળતા પ્રશંસાના એ બોલ યાદ આવે છે સાથે જ નીલિમાદેવીનું તીવ્ર આક્રંદ પણ સંભળાય છે: “વીરપુત્રના પિતા બનવું હતું, પોતાને પ્રશંસાના પુષ્પોની માળા વીણવી હતી?” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૪)

અહીં માત્ર પોતાની ખ્યાતિ અર્થે કમલનયનબાબુ એ પોતાના પુત્રને જે રીતે ગુમાવ્યો હતો તે સ્થિતિ અત્યારે યાદ આવતાં તેઓ અત્યંત વ્યાકુળ થઈ જાય છે. તેમનું ભીતર તેમને કોરી ખાતું જણાય છે અને ત્યારે તેઓ અનુભવે છે કે બધે જ પ્રશંસાના સૂર રેલાઈ રહ્યા છે ત્યાં પોતાની જ પત્ની તેનાથી ખુશ નથી. પોતાના દીકરાએ દેશ માટે આપેલા આ બલિદાનનું તેને ભાન નથી એ વિચારે તેઓ દુ:ખી થઈ જાય છે. અને ત્યારે બધા લોકો એકઠા થઈને બેસ્યા હતા ત્યાં ચાલતી વાતોના કેટલાક શબ્દો તેમને સંભળાય છે: ‘મૂર્ખો, છોકરાને ચડાવી માર્યો !’ તેથી આગળ સાંભળવા તેઓ પ્રયત્ન કરે છે ત્યાં તેમને સાંભળવા મળે છે: “ ‘મર્દ હતો તો પોતે કેમ ન ગયો, અત્યારે બહાદુરી કરે છે તે ?’” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૫) અને આટલું સાંભળતાં જ તેઓ મનોમન ખૂબ જ દુ:ખી થઈ જાય છે અને તે સમયે તેમને ખૂબ ઊંડો આઘાત લાગે છે. એક તરફ બંગાળના ભાગલા પડ્યાનો અને જુવાનો નીકળી પડ્યાનો પ્રસંગ યાદ આવતાં ફરીથી લોકોના ‘મર્દ હતો...’ એ શબ્દો તેમના કાનમાં ગૂંજ્યા કરે છે અને તેથી તેમનું મન વધુ વ્યગ્ર બને છે.

પુત્રને ગુમાવવાનું ભાન થતાં જ જાણે કે પોતાનું સર્વસ્વ ખોઈ બેસ્યા હોય એવી નિરાધાર અનુભૂતિ સાથે લાચાર સ્થિતિમાં મૂકાયેલા એવા કમલનયનબાબુનું મન જાણે કે અવાજ કરી ઉઠ્યું હોય એમ તેઓ નીલિમાદેવી આગળ ખૂબ રડે છે અને ત્યાંથી આગળ વધતા વિચારોમાં તેઓ પોતે વૃદ્ધ હોવાનો અહેસાસ કરે છે. સાથે જ ઉંમર થતાં બીજું બાળક પણ થઈ શકતું નથી અને તેથી તેઓ હતાશ બની જાય છે અને પોતાના પુત્રને રોક્યો હોત એ વિચારે તેઓ અંદર ને અંદર મુંઝાયા કરે છે. પોતે પુત્રને ન રોક્યો એ વાતનો તેમને વસવસો રહી જાય છે. સાથે જ પોતાની જાતને તેઓ ધિક્કારે છે: “પોતાને વીર નહોતું બનવું, વીરપુત્રના પિતા કહેવડાવવું હતું. પોતાની એકની એક આશાવલ્લરીને ચિતામાં સુવાડી તેનું જ અભિમાન કરવું હતું.” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૭)

સતત તેમના મનમાં માત્ર એક જ વાત ઘૂમ્યા કરે છે કે પોતાના બદલે છોકરાને ચડાવી માર્યો અને ત્યારે પુત્રના મોતનો બોજ ન સહી શકતા એવા એ પિતા અશ્રુભીની આંખે જુએ છે ત્યાં ધૂમ્રસેર વધુ એક આકૃતિ રચે છે. દર વખત કરતાં આ વખતે કંઈક ભિન્ન પ્રકારનું એક દ્રશ્ય તેમના દ્રષ્ટિપથ પર પથરાય છે. તેમાં તેઓ પોતાના પુત્ર બિપિનને વરરાજારૂપે જુએ છે અને બિપિન તેમના આશીર્વાદ લેવા જેવું માથું નમાવે છે કે તરત જ તેઓ એકાએક અર્ધા બેઠા થઈ જઈને હાથમાં રહેલું ચિરૂટ પણ ફેંકી દે છે અને ત્યાં આશીર્વાદના રૂપમાં મનોમન ‘ઘણું જીવો બેટા’ એવું ઉચ્ચારે છે અને એજ સાથે બીજી પળે જ ભાનમાં આવી જતાં પોતાના જીવનમાં માત્ર એકલતા છવાઈ ગઈ હોવાનું અનુભવે છે. પોતાની આવી લાચાર સ્થિતિના કારણે તેઓ બધી જગ્યાએ જવાનું પણ બંધ કરી દે છે અને અસહાય એવી સ્થિતિમાં ઢગલો થઈ પડતા તેમને તેમનાં પત્ની સંભાળી લે છે અને ત્યારે કમલનયનબાબુ નીલિમાદેવીને વરઘોડામાં વરરાજાની જગ્યાએ તેણે કોને કલ્પ્યો હતો એમ પૂછતાં તેમનો જવાબ પણ કમલનયનબાબુની કલ્પના સાથે જ ભળતો આવે છે અર્થાત્ તે બંને એ ત્યાં પોતાના પુત્ર બિપિનને જ કલ્પ્યો હતો અને તે સમયે નીલિમાદેવી સમક્ષ પોતાના ગુનાનો એકરાર કરતા એવા કમલનયનબાબુની લાચાર સ્થિતિમાં નીલિમાદેવી તેમને સાંત્વન આપે છે ત્યારે કમલનયનબાબુ પોતાની ભૂલ સ્વીકારતાં કહે છે: “મારે માન જોઈતું હતું, પ્રતિષ્ઠા જોઈતી હતી. હું નામર્દ હતો. રત્ન જેવો પુત્ર ગુમાવ્યો. જિંદગી વેડફી નાખી.” (ગુલાબદાસ બ્રોકર, ‘શ્રી બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ.૧૪૯) અને આ સાથે જ કમલનયનબાબુને તેમનાં પત્ની સંભાળી લે છે ત્યાં તો તેમની જિંદગીના બે પાંચ વર્ષ વધી ગયા હોવાનું જણાય છે અને ત્યાં જ તેમના એ સંવેદન સાથે વાર્તાનો અંત આવે છે.

પ્રસ્તુત વાર્તા ‘ધૂમ્રસેર’એ પિતાની કીર્તિ મેળવવાની તીવ્ર એવી ઝંખનાના કારણે શહીદ થઈ જતા પુત્રને ગુમાવ્યા બાદ જાગતું સંવેદન અને તેમાંથી ઘેરી બનતી વેદનાને વાચા આપે છે. કમલનયનબાબુ પોતે ક્રાંતિકારી પુત્રના પિતા થવાનો જશ લેવા ઈચ્છુક છે. પોતે એક ક્રાંતિકારી પુત્રના પિતા હોવાનું ગર્વ લેવા માંગે છે અને પરિણામે તેઓ પોતાના જુવાન દીકરાને આઝાદીની લડતમાં હોમાઈ જવાની પણ અનુમતિ આપી દે છે. Flash back ટેકનિકના સુંદર પ્રયોગ દ્વારા વાર્તાકારે અહીં કમલનયનબાબુના ભૂતકાળને સ્મૃતિ સ્વરૂપે ચિરૂટમાંથી નીકળતા ધુમાડાની સેરમાંથી ઊઘડતો બતાવ્યો છે. કમલનયનબાબુ જે ચિરૂટ પીવે છે તેમાંથી નીકળતા ધુમાડાની જે સેરો છે અર્થાત્ ધૂમ્રસેર છે તેમાં તેઓ પોતાના ભૂતકાળના પ્રસંગોને જુએ છે અને સાથે જ પુત્ર બિપિનની યાદો, તેનો લડતમાં જવાનો નિર્ણય, પોતાની સંમતિ તેમજ શહીદ થતાં પુત્ર ગુમાવતાં ચારે બાજુ થતી પ્રશંસા સાથે નિંદાના એ બોલ તેમની ઈચ્છા પૂરી થઈ હોવા છતાં પણ તેમને મળવો જોઈતો આનંદ કે સંતોષ થતો નથી. તેઓ તો પોતાની પ્રશંસામાં પણ પોતાની નિંદાને જુએ છે અને ત્યારે પોતાની કીર્તિ મેળવવાની જે લાલસા હતી તેના કારણે પોતે જે પુત્રરત્ન ગુમાવ્યું હતું તેની ભારોભાર વેદના તેમના સમગ્ર માનસપટ પર છવાઈ જાય છે અને પરિણામે તેમની લાચાર સ્થિતિ વ્યક્ત થતી જોવા મળે છે. આ વાર્તા સંદર્ભે ડૉ. રતિલાલ રોહિત નોંધે છે: “Flash backની ઢબે લખાયેલી વાર્તા ‘ધૂમ્રસેર’માં પોતાના પુત્રનાં પૂર્વ જીવનનાં સંસ્મરણોને જોતાં કમલનયનબાબુનું મનોજગત આલેખવાનો અહીં સાર્થક પ્રયાસ થયો છે.”૧

પોતાના જે પુત્રને કમલનયનબાબુએ કીર્તિ મેળવવાની ઝંખનાથી આઝાદીની લડતમાં મોકલ્યો હતો છેવટે લોકો દ્વારા ઉચ્ચારતા શબ્દોથી તેઓ ભીતરથી હચમચી જાય છે અને એકવાર ચિરૂટ પીતાં તે બધા જ સંસ્મરણો તેમની સામે ખડાં થાય છે ત્યાં તેમની જે મનોવેદના છે તે આકારિત થતી દ્રષ્ટિગોચર થાય છે. શ્રી અમૃતલાલ યાજ્ઞિક નોંધે છે:
“ધૂમ્રસેર વાર્તાનું કલાવિધાન ચિત્તાકર્ષક અને હ્રદયવેધક બન્યું છે. ક્રાંતિકારી વિચારો ધરાવનાર પિતા કમલબાબુ પોતે ક્રાંતિકારી નથી બની શક્યા. પરંતુ તેમનો એકનો એક પુત્ર બિપિન ક્રાંતિકારી થવા થનગની રહ્યો છે. પુત્ર પિતાની પાસે એ માટે આશીર્વાદ લેવા આવે છે. પિતા તે આપે છે અને બિપિન ક્રાંતિની આગમાં ઝંપલાવી ભસ્મીભૂત થઈ જાય છે. લોકટીકા ખરું જોતાં ટીકા જ નહોતી. અંત:શ્રુતિથી અંત:કરણની ટીકા પણ હતી. બિપિનની માતા નીલિમા તો પુત્રવિહિન થઈ જવાથી જીવનનો આનંદ જ ગુમાવી બેઠી છે. વાર્તાના આ વિષય માટે જે કલાત્મક નિરૂપણ કરવામાં કૌશલ્ય ગુલાબદાસે દાખવ્યું છે તેથી જ વાર્તાસૌંદર્ય પ્રકાશી રહ્યું છે. એને માટે પાશ્ચાત દર્શનની રીતિ (Flash back) ટેકનિક વાર્તાકારે અજમાવી છે. તેમજ ગુલાબદાસની વાર્તાકલા પ્રતિબિંબિત થાય છે.”૨

‘ધૂમ્રસેર’ વાર્તામાં પોતાની પ્રતિષ્ઠા મેળવવાની લાલસાને લઈને ક્રાંતિકારી પુત્રને ગુમાવી બેસતા કમલનયનબાબુ ચિરૂટમાંથી નીકળતી ધૂમ્રસેરમાં પોતાનું જે ભૂતપૂર્વ જીવન જુએ છે તેમાંથી જાગતાં તેમનાં સંવેદનો અને પોતે ક્રાંતિકારી થવાના બદલે પુત્રને તેમાં હોમી દીધો હોવાની તીવ્ર એવી વેદનાસભર સ્થિતિમાં મૂકાતા તેમની માનસિક સ્થિતિ વ્યગ્ર બનતી જણાય છે. જેમ ધૂમ્રસેરમાં એક પછી એક સેર નીકળતી જાય છે તેમ કમલનયનબાબુની સ્મૃતિઓ પણ એક પછી એક એમ તેમના સ્મૃતિપટ પર પથરાતી જાય છે અને એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક પણ યોગ્ય ઠરે છે. અહીં પિતાની જે કીર્તિલાલસા છે તે ચિરૂટ જેવી છે. અર્થાત્ થોડીક ક્ષણ માટે તેમાં ઝગમગાટ થાય, થોડીક ધૂમ્રલીલા અને અંતે રાખ થઈ જાય તેવી. જે પ્રતિષ્ઠા માટે પુત્રને હોમી દીધો છેવટે તે જ લોકનિંદામાં પરિણમતાં વ્યક્ત થતાં સંવેદનો કમલનયનબાબુના મનોવિશ્વને ઊઘાડ આપે છે.

સંદર્ભ:

1. ડૉ. રતિલાલ રોહિત, બ્રોકરની વાર્તાકલા, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્ર આ.૨૦૦૧, પૃ.૬૦
2. સં. રમણલાલ જોશી, અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર ગ્રંથકારશ્રેણી, કુમકુમ પ્રકાશન અમદાવાદ, પ્ર આ. નવે.૧૯૮૩
3. ગુલાબદાસ બ્રોકર, શ્રી ગુલાબદાસ બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ, નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ, ૧૯૮૭