Download this page in

‘તર્પણ’ નાટ્યકૃતિમાં સગરનો માનસિક સંઘર્ષ

કનૈયાલાલ મુનશી આપણા અગ્રણી નાટ્યકાર છે. ગુજરાતી નાટ્યસાહિત્યના ક્ષેત્રમાં તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે ૧૯૨૧ થી ૧૯૪૯ સુધીના સમય ગાળામા પંદર જેટલાં નાટકો લખ્યાં છે. તેમના આ નાટકોમાં વિષયવસ્તુ, રસ, તેમજ નિરૂપણની બાબતમાં વિશેષ વૈવિધ્ય જોવા મળે છે. તેમણે કરુણ, ગંભીર તેમજ હાસ્યપ્રધાન નાટકો આપ્યાં છે, તો વળી ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નાટકો પણ લખ્યાં છે. તેમનાં આ નાટકો પ્રસંગોપાત રંગભૂમિ પર ભજવાયાં પણ છે. તેમનાં પૌરાણિક નાટકોમાં કેટલીક વિશેષતા જોવા મળે છે. જે વિષયવસ્તુ, વિચાર, નિરૂપણ વગેરે બાબતોમાં ગુજરાતી નાટ્યસાહિત્યમાં જુદી ભાત પાડતાં નાટકો છે. તેમાં સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકીનો સમન્વય સધાયો છે.

ગુજરાતી નાટકોમાં સૌ પ્રથમવાર પાશ્ચાત્ય નાટ્યકલાનું સંપૂર્ણ અનુસરણ ક.મા.મુનશીનાં પૌરાણિક નાટકોમાં થયેલું જોવા મળે છે. નર્મદ, દલપતરામ, મણિલાલ દ્વિવેદી, કાન્ત વગેરેનાં નાટકોમાં ભવાઈ, સંસ્કૃત અને અંગ્રેજી એમ વિવિધ નાટ્યરીતીનું મિશ્રણ જોવા મળે છે.

મુનશીનાં પૌરાણિક નાટકો વિચાર અને વિષયવસ્તુની દ્રષ્ટિએ પણ ધ્યાનાકર્ષક છે. જો કે મુનશી પૂર્વે ગુજરાતીમાં સંખ્યાબંધ નાટકો લખાયાં છે. પૌરાણિકકાળમાં વિકસેલાં અને વેદકાળની કથાવસ્તુવાળાં નાટકોમાં પણ વેદકાલીન પરિવેશ અને પરિસ્થિતિનું ચિત્રણ થવા પામ્યું છે. તેમનાં નાટકોમાં ભાવકને જકડી રાખે તેવા રસતત્વ પર વિશેષ ભાર મુકાયો છે. તેમણે આપેલાં પૌરાણિક નાટકોમાં ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ વિશિષ્ટ કોટીનાં નાટકો છે. નાટકનાં તમામ તત્વો જોતાં મુનશીનાં પૌરાણિક નાટકો કેટલીક વિશેષતાઓ લઈને આવે છે. અને તેમાં ખાસ કરીને આંતર-બાહ્ય સંઘર્ષનું તત્વ વિશેષ ધ્યાન ખેંચે છે. આંતર-બાહ્ય સંઘર્ષથી સભર, જિજ્ઞાસાવૃત્તિને દ્ર્વતી રાખે તેવી રહસ્યમય, અણધારી, ઉત્કટ થઈ પરાકાષ્ઠામાં પરિણમતી અને લક્ષ્ય તરફ ગતી કરતું કથાવસ્તુ, અસાધારણ, પ્રતાપી, તરવરીયાં, સતત કાર્યરત એવાં જીવંત પાત્રો, ધારદાર અને સચોટ સંવાદો, સ્થળ-કાળની ઝાંખી કરાવતું વાતાવરણ વગેરે તેમનાં પૌરાણિક નાટકોમાં જોઈ શકાય છે.

‘તર્પણ’ મુનશીનાં અગાઉનાં નાટકો કરતાં ઉચ્ચકોટિનું નાટક છે. આંતર-બાહ્ય તીવ્ર સંઘર્ષથી સભર વસ્તુ, સમભાવપ્રેરક જીવંત પાત્રસૃષ્ટિ, ધારદાર તેમજ માર્મિક સંવાદો વગેરે ચોક્કસ સંયોજનાને લઇ તે આકર્ષક બન્યું છે. વેરની વસુલાત અર્થે બે વિરોધ પક્ષો વચ્ચે ચાલતા ભીષણ સંઘર્ષની, તેમજ તેને કારણે એ બે પક્ષોનાં પ્રેમી સગર-સુવર્ણા વચ્ચે જન્મેલો ઉત્કટ પ્રણય અધૂરો રહેવા પામે છે. ઔર્વ ભાર્ગવનો પટ્ટશિષ્ય સગર અને હૈહયરાજની પુત્રી સુવર્ણા અકસ્માતે એકબીજાના પરિચયમાં આવ્યાં છે. તેમનો પરિચય ગાઢ પ્રણયમાં પરિણમ્યો છે. તેમના પક્ષો એક બીજાના લોહીતરસ્યા કટ્ટર દુશ્મન બની ગયા છે, આ વાતથી બંને અજાણ છે. તેની જાણ થાય છે ત્યારે તો તેઓ પ્રણયના માર્ગમાં ઘણાં આગળ વધી ચૂક્યાં હોય છે. પરસ્પરનું લોહીરેડવા તત્પર બંને પક્ષો વચ્ચે સંધિ થાય તેવું બંને ઈચ્છે છે. પરંતુ સગરના પાલક પિતા અને ગુરુ ઔર્વ ભાર્ગવને આ વાત મંજૂર નથી. તે તો હૈહયરાજ અને તેના વંશના એક માત્ર અવશેષ રૂપ સુવર્ણાના લોહોથી પોતના કમોતે મરેલા પૂર્વજોનું તર્પણ કરવા (પૂર્વજોને તારવા), પોતાની મરતી માતાએ કરાવેલો સંકલ્પ- ‘અવશેષ રહેલા છેલ્લા હૈહયના તાજા રુધિરથી તારા પિતાઓનું તર્પણ કરજે’. આમ હૈહયરાજે જીતી લીધેલા આર્યાવર્તનું તે પુનઃસ્થાપન ઝંખે છે. હૈહયો સામેની લડાઈમાં ઔર્વ સગરનો આર્યાવર્તના રાજા તરીકે ઐન્દ્રાભિષેક કરે છે. અને ગુરુદક્ષિણા તરીકે હૈહયરાજ અને સુવર્ણાનું માથું માગે છે. સગર, પ્રેમ અને કર્તવ્યની પરસ્પર વિરોધી તીવ્ર લાગણીઓ વચ્ચે અસહ્ય ભીંસ અનુભવે છે. છેવટે સગર યુદ્ધ શરુ થતાં હૈહયરાજનું માથું કાપી લાવે છે, અને સુવર્ણાનું માથું વધેરવા જતાં ઔર્વ તેને રોકે છે. આમ હૈહયવંશને નિર્મૂળ કરી ઔર્વ સગરને સ્વતંત્ર આર્યાવર્તનો રાજા બનાવે છે. ‘વિતહવ્ય તલવારથી શાંડીલ્યનો હાથ કાપી નાખે છે.’ શાંડીલ્યનો બીજો હાથ કાપી નાખે છે. (તર્પણ-પૃ. ૧૧૭)’ ‘સગર વિકરાળ સ્વરૂપે ને ગાંડા જેવા ડોળા ફાડી વીતહવ્યનું લોહીથી નીગળતું ડોકું લઇ દાખલ થાય છે.’(એજન-પૃ.૧૬૭)

નાટકના વસ્તુનો આરંભ જિજ્ઞાસાપ્રેરક, રહસ્યમય, રસિક લાગતી ઘટનાથી થાય છે. તેમાં સ્વાભાવિક અંતર-બાહ્ય સંઘર્ષભરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેમાં વિકાસ સાથે ગતિ પકડે છે, અને અંતિમ પરાકાષ્ઠા તરફ સતત ચાલુ રહે છે. તેમ છતાં ઔર્વ અને હૈહયરાજ વચ્ચેના બાહ્ય ક્રૂર સંઘર્ષની પશ્ચાદ્દભૂમાં રજૂ થતો સગર-સુવર્ણાનો તીવ્ર આંતર સંઘર્ષ ભાવક ચિત્ત પર ઊંડી અસર મૂકી જાય છે. નાટ્યાત્મક વ્યંગથી સભર પરિસ્થિતિઓ અને સંવાદોના કલાત્મક નિરૂપણ દ્વારા લેખક તેને મર્મ સ્પર્શી બનાવી શક્યા છે. દા.ત.અંતિમ યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે. ઔર્વને ગુરુદક્ષીણા રૂપે હૈહયરાજ અને સુવર્ણાનાં માથાં લાવી આપવાની ફરજનો સગરે સ્વીકાર કરી લીધો છે. આવા વિપરીત સંજોગોમાં સગર સુવર્ણાને છેલ્લીવાર મળી લેવા રાત્રે તેના મહેલમાં આવે છે. સુવર્ણા પ્રસન્ન થાય છે. કારણ કે સગર ઝગડતા બંને પક્ષને સમજાવવામાં સફળ થયો છે, એમ સમજે છે. પ્રેમી સગરને હવે લગ્ન દ્વારા એક પતિના રૂપમાં પામી શકાશે. પરંતું સગર આ તમામ બાબતોથી સભાન છે. અને તેથી તે સુવર્ણાના આંનંદ-ઉત્સાહમાં ભાગ લઇ શકતો નથી. ‘કાલ’ની કલ્પના કરતાં પણ તે ધ્રુજી ઉઠે છે. સાચી વાત તે કહી શકતો નથી અને ખોટી આશાનો ભાર તેનાથી જીરવાતો નથી. પ્રસંગ, પાત્ર, પરિસ્થિતિ, સંઘર્ષ અને સંવાદનું અહીં થયેલું હદયંગમ નિરૂપણ અને નાટ્યાત્મક કટાક્ષનો કલાત્મક વિનિયોગ મુનશીની નાટ્યકલાનું ઉત્કૃષ્ટ જમા પાસું છે. જેના કેટલાક સંવાદો અહીં પ્રસ્તુત છે :
સુવર્ણા : (હોંશથી) પરમ દિવસે આપણે પરણી જઈશું.
સગર : (હોઠ કરડી) અરે કાલે સવારે........
સુવર્ણા : (મજાકમાં) કાલે સંધી થાય, ને કાલે પરણી જવાય ? આ પુરુષોને ઉતાવળ કેટલી હોય છે.
સગર : (નિસાસો નાખી) ઘણી છે સુવર્ણા ઘણી છે.
સુવર્ણા : (અંધારામાં તેને વળગી) તોબા છે આ પુરુષોથી. એક રાતની વાત તેમાં નિસાસા કેટલા ?
સગર : ખરી વાત છે. એક જ રાતની વાત છે.

સુવર્ણા હવે એમ સમજે છે કે, પોતાનાં બધાં જ દુઃખનો હવે અંત આવી ગયો છે. સગરના સાથમાં પોતાને કશી જ બીક નથી. સુવર્ણા નિશ્ચિંત બની સગરના ખોળામાં માથું મૂકી ઊંઘી જાય છે. તે યાતનાથી મુક્ત બની જાય છે. કારણ કે તે કશું જ જાણતી નથી. સગર ગંભીર મનોવ્યથામાં ડૂબેલો છે. તેની અસહ્ય મનોવેદનાને તેની સ્વગતોક્તિઓમાં વેધક રૂપે પ્રગટ કરી છે. સગર આવી ભોળી, નાસમજ, નિર્દોષ, નિખાલસ, પ્રેમાળ, શ્રધાળું પ્રિયાને કેવી રીતે મારી શકે ? તો બીજી બાજુ, મહાભયંકર ઔર્વના આદેશનું ઉલ્લંઘન પણ કેવી રીતે કરી શકે ? નાટ્યકારે આ પરિસ્થિતિમાં સુવર્ણાને આઘાતની મારી પોતાની મેળે મરી જતી બતાવી સગરને તેના જીવનની સૌથી મોટી કપરીકટોકટીમાંથી ઉગારી લીધો છે. સગર પાસે જો સુવર્ણાની હત્યા કરાવી હોત તો તેનું પાત્ર ભાવકનો સમભાવ ગુમાવી બેસત. બીજી બાજુ ઔર્વ પાસે જો સુવર્ણાની હત્યા કરાવી હોત તો પ્રતાપી એવો ભાર્ગવ ઋષિ ભાવકોની બિભત્સતાનો, આક્રોશનો ભોગ બનત. પરંતુ આવી પરિસ્થિતિમાં સુવર્ણા આપ મેળે જ મરે તેમાં જ ઉચિતતા જણાય છે. જે તેનું મૃત્યુ પ્રતીતિકર લાગે છે. ‘સુવર્ણાનું સુકોમળ શરીર, અત્યંત સંવેદન શીલ સ્વભાવ, ચાલી રહેલ ખૂનખાર યુદ્ધથી ઉપજેલો સંત્રાસ, ઔર્વની ક્રુરતા, સાંભળેલી જોયેલી વાતોથી લાગેલો ભય, ‘ભયંકર માણસ’ (ઔર્વ)ને કારણે જન્મેલ ઉદ્વેગ, આ બધું લક્ષ્યમાં લેતાં ગભરુ યુવતી ફાટી પડે એ બનવાજોગ છે. સગરનું સમજદાર, લાગણીશીલ, માનવીય ગુણયુક્ત, પ્રેમ અને કર્તવ્ય વચ્ચે ઝોલાં ખાતું, તેજસ્વી છતાં વિષમ સંજોગોને લીધે લાચાર બની રહેલા પાત્ર માટે પણ ભાવકોના હદયમાં લાચારી અને કરુણાનો ભાવ જન્માવે છે.

નાટકનું અતિપ્રતાપી પાત્ર ઔર્વ પ્રભાવશાળી લાગે છે. લેખક તેને સ્વતંત્ર આર્યાવર્ત અને આર્યત્વના સ્થાપન માટે એકલપંડે ઝૂઝતા કોઈ આદર્શવાદી અતિમાનવ તરીકે રજૂ કરવા પ્રયત્નશીલ છે. પરંતું વાસ્તવમાં એથી કંઈક ઊલટું બને છે. ભયાનક, રહસ્યમય, મહાપ્રતાપી, થવાની સાથે અતિ ક્રૂર, ઝનૂની, આદિમ વૃત્તિ-પ્રવૃત્તિયુક્ત વ્યક્તિ બની ગયો છે. તેનામાં વીરતા, પરાક્રમતા કરતાં ક્રુરતા વિશેષ જોવા મળે છે. એટલે, કે તે દાહક, અમાનુષી પ્રભાવ પાડી શકે છે. આ સાથે હૈહયરાજ જેવો તેનો શત્રુ પણ નિર્મમતા, કટ્ટરતા અને અડગ ઈચ્છાશક્તિની પ્રતીતિ કરાવી શકે છે. કોઈ પણ ભોગે વેરની વસુલાત કરવી એજ તેનું લક્ષ્ય છે. આમ અહીં સાગરનો માનસિક સંઘર્ષ લેખકની આગવી શૈલીમાં નિરૂપાયો છે.

આ બધાં પાત્રો તેમના વિચાર અને વ્યવહાર ઉપરાંત વાણી દ્વારા સ્વયમેવ અનાયાસે ઊપસે છે. આમ, વસ્તુસંકલના, સંઘર્ષ, ચરિત્ર-ચિત્રણ, સંવાદ, વગેરે આકર્ષક બન્યાં છે. આમ મુનશીનાં પૌરાણિક નાટકોનું કથાવસ્તુ એકસરખું ના હોવા છતાં સાહિત્યિક ગુણવત્તા અને રંગભૂમિક્ષમતાએ ગુજરાતી નાટ્યસાહિત્યના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

સંદર્ભ ગ્રંથ સૂચિ –

1. શૈલી અને સ્વરૂપ- ઉમાશંકર જોષી- પ્રકાશક- કાંતિલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીમાર્ગ, અમદાવાદ. પુનઃમુદ્રણ : ૧૯૯૪
2. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ- ગ્રંથ : ૪ સંપાદકો- ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. બીજી આવૃત્તિ : ૨૦૦૫
3. સમગ્ર નાટ્યકૃતિઓ- ખંડ-૧ ચન્દ્રવદન મહેતા- ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. દ્વિતીય આવૃત્તિ : ૨૦૦૨
4. બૃહદ નાટ્યલોક- જશયંત શેખડીવાલા- પ્રકાશક- બાબુભાઈ શાહ, પાશ્વ પબ્લીકેશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૨૦૦૯
5. શિવ કુમાર જોશીનું નાટ્યસાહિત્ય- ડૉ. સોહન દવે- પ્રકાશક- બાબુભાઈ શાહ, પાશ્વ પબ્લીકેશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪