Download this page in

દોરો

“ ચારુ…….” ફરી એ જ બૂમ… થોડા ધમપછાડા….એક ઇન્જેક્શન અને થોડા કલાકોની નીરવ શાંતિ.
છેલ્લા બે દિવસથી આ જ ક્રમ ચાલ્યો આવતો હતો. સુનીતાબેન નિસહાય એના દીકરા દેવાંશને જોયા કરતા.
દેવાંશનો ચારુ માટેનો લગાવ એને આમ હોસ્પિટલ પહોંચાડી દેશે એ નહોતું ધાર્યું એમણે. ‘સ્પર્શ - હોમ ફોર સ્પેશિયલી એબલ્ડ કિડ્સ’, દેવાંશની સ્કૂલમાં ચારુ ડ્રોઈંગ ટીચર તરીકે છ મહિના પહેલાં જ નોકરીએ લાગી હતી. જિદ્દી, તોફાની, માથાભારે - આવા વિશેષણોથી સ્કૂલમાં ઓળખાતો દેવાંશ અચાનક જ ડાહ્યો ને કહ્યાગરો બની ગયો હતો. ભણતર તો ઠીક સ્કૂલની ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ એવરેજ રહેનારો દેવાંશ ચારુમેમના માર્ગદર્શન હેઠળ સારા ચિત્રો દોરતો થઇ ગયો હતો. ચારુમેમની પ્રેમભરી શિક્ષા રંગ લાવી રહી હતી. સુનીતાબેન પણ દેવાંશની પ્રગતિથી ખુશ હતા. ચારુના આવવાથી દેવાંશના સમગ્ર વ્યક્તિત્વમાં ફરક પડવા લાગ્યો હતો. સુનીતાબેન સિવાય કોઈનેય ન ગણકારનારો દેવાંશ બધાની વાત માનતો થઈ ગયો હતો. દેવાંશના શબ્દકોશમાં ‘મા’ સિવાય બીજું પણ એક નામ ઉમેરાઇ રહ્યું હતું, ચારુ’.
ટીનએજમાં પ્રવેશી રહેલા દેવાંશની હાલત સુનીતાબેન સમજતા હતા. મન ભલે વિકલાંગ રહ્યું પણ શરીરી આવેગો તો એનું કામ કરે જ ને! ધીરે ધીરે બધું થાળે પડી જશે એવી જાતને બંધાવેલી આશા પણ ખોટી પડી જ્યારે ચારુ અચાનક સ્કૂલ આવતી બંધ થઈ ગઈ. બે ત્રણ દિવસ તો દેવાંશ શાંત રહ્યો પણ પછી એની ધીરજ ખૂટી ગઈ. સ્કૂલમાં એના તોફાનો વધતા જ ચાલ્યા. બે દિવસ પહેલાં તો એણે ચારુ પાસે જવાની જીદ કરીને ઘરનો બધો જ સમાન વેરવિખેર કરી નાખેલો. સુનીતાબેન એને અટકાવવા ગયા તો ચપ્પુથી પોતાના જ હાથ પર…
હોસ્પીટલમાં સમયસરની સારવાર મળવાથી હાથનો ઘાવ તો કાબૂમાં લઈ લેવાયો. ચારુને મળવાની જીદ એટલી બેકાબૂ થઈ ગયેલી કે જેવો એ જાગતો એવો ચારુના નામનું રટણ કરવા લાગતો. એક તો પોતાની માનસિક બીમારી ને એમાં ગમતી વ્યક્તિનો વિયોગ.. દેવાંશ લગભગ પાગલની જેમ વર્તન કરવા લાગ્યો હતો. ડોક્ટરને ડર હતો કે જો આવું જ રહેશે તો એમણે શોક ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે.
છેલ્લા બે દિવસથી એને હેરાન થતો જોઈને સુનિતાબેનની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ ડગી ગઈ હતી. એવામાં કોઈએ એમને મંત્રેલા દોરા વિશે કહ્યું. ‘અંધશ્રદ્ધા કહેવાય એને. ધતિંગ છે આ બધા.’ સામાન્ય સંજોગોમાં આવી સલાહ દેનારા માણસોને રોકડું પરખાવી દેનારા સુનીતાબેન આજે એ દોરો લઈને જ આવ્યા હતા. ‘બસ દેવ, આજે આ દોરો બાંધું એટલે બધું ઠીક થઈ જ જશે.’ મનોમન વિચારતાં એ દેવનો દોરો બાંધવા જતાં જ હતાં ત્યાં ચારુ લગભગ દોડતી જ રૂમમાં ઘસી આવી.
“ચારુ, તું આવી ગઈ? ક્યાં જતી રહી હતી?” દેવાંશ તો અડધો ઊભો થઈ ગયો.
“એ તો થોડું કામ આવી ગયું એટલે જવું પડ્યું. પણ તું તો મારો ડાહ્યો સ્ટુડન્ટ છે. આવું કરાતું હશે?”
“પણ ચારુ, મને એમ કે આજના દિવસે પણ તું નહીં આવે તો?”
“આજનો દિવસ કંઈ ભૂલાય? લાવ હાથ આપ તારો.”
ચારુ એ પર્સમાંથી લાલ રંગનો ગાંઠ મારેલો દોરો કાઢ્યો. દેવાંશને કપાળે પોતે લાવેલ કંકુની ડબ્બીમાંથી ચાંદલો કર્યો ને પસલી બાંધી.
સુનીતાબેન તો આભા બનીને આ આખો ખેલ જોઈ રહ્યા હતા. ચારુએ બાંધેલા એ દોરાની શક્તિથી સુનીતાબેન પણ ક્યાં અજાણ હતા? વીરપસલીનો એ લાલ દોરો પણ ભાઈ બહેનના પ્રેમથી મંત્રેલો જ હતો ને!