નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’ની કાવ્યસૃષ્ટિ
ઈ.સ.૧૯૪૦ની આસપાસ વ્યવસ્થિત પણે ગાંધીયુગ સંકેલાઈ જાય છે. વિષય પરત્વે ગાંધીજી અને અભિવ્યક્તિ પરત્વે બળવંતરાય ઠાકોરની આણ છૂટી અને ગુજરાતી કવિતા નુતન કેડી કંડારે છે. ઈ.સ.૧૯૪૦માં કવિ પ્રહલાદ પારેખનો ‘બારી બહાર’ કાવ્ય સંગ્રહ પ્રગટ થાય છે. ઉશનસ પ્રહલાદ પારેખની કવિતાને ‘નુતન કવિતાની નાંદી’ તરીકે ઓળખાવે છે. ઈ.સ.૧૯૪૦ થી ઈ.સ.૧૯૬૦ સુધીની બે દાયકાની ગુજરાતી કવિતા અનુગાંધીયુગની કવિતા તરીકેની ઓળખ પામી છે. આ યુગમાં રાજેન્દ્ર શાહ, પ્રહલાદ પારેખ, હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ, હસમુખ પાઠક, ઉશનસ, જયંત પાઠક, મકરંદ દવે, બાલમુકુન્દ દવે, હરિન્દ્ર દવે, સુરેશ દલાલ, નિરંજન ભગત વગેરે અગ્રણી કવિઓ છે. અનુગાંધીયુગને રાજેન્દ્ર-નિરંજનયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજેન્દ્ર-નિરંજનયુગની કવિતા પોતાની નોખી મુન્દ્રાઓ અને અનેક કાવ્યવિશેષો પ્રગટાવીને પોતાનું સ્થાન નક્કી કરી લે છે. સુરેશ જોશી કહે છે કે, ‘ગુજરાતી કવિતામાં આધુનિકતવાદી વલણો બહુધા રૂપરચનાની નવી નવી ટેકનિક શોધવા તરફ વધુ વળેલા દેખાય છે. રૂપરચનારીતિનાં પ્રયોગો અછાંદસ દ્વારા વધુ થયાં તેમજ ગીત-ગઝલ વગેરેમાં પણ પ્રયોગો થતાં રહ્યા છે. આ પ્રયોગશીલતા ખાસ તો ગાંધીયુગ પછી તરત અનુગાંધીયુગમાં પ્રગટી ઊઠી છે. કવિતા ઉશનસ કહે છે તેમ ‘કામગરી’ મટીને ‘કામણગારી’ બને છે. અલબત્ત પ્રકૃતિ અને પ્રણયનાં સંવેદનવિશ્વો તો એજ છે, એને થોડો ઓપ ચડ્યો છે. પણ વધુતો નવી અભિવ્યક્તિરીતિઓએ કવિતાને બદલી છે. પરંપરાનો નવા વલણો સાથે અહી પ્રથમ સમન્વય થયો છે.[૧]
અનુગાંધીયુગનાં યુગપ્રવર્તક કવિ તરીકેની ઓળખ પામેલા અગ્રણી કવિ નિરંજન ભગતનો જન્મ તા. ૧૮-૦૫-૧૯૨૬ના રોજ અમદાવાદમા થયો હતો. તેમની પાસેથી ‘છંદોલય’(૧૯૪૯), ‘કિન્નરી’(૧૯૫૦), ‘અલ્પવિરામ’(૧૯૫૪), ‘છંદોલય’(૧૯૫૭, આગળના ત્રણેય સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યોમાં ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓ ઉમેરીને તૈયાર કરેલો પ્રતિનિધિ કાવ્યસંગ્રહ), ‘૩૩ કાવ્યો’(૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત વિવેચન, અનુવાદ અને સંપાદનના પુસ્તકો મળે છે. નિરંજન ભગતની કવિતા પોતિકા અનેક વિશેષોથી સમૃદ્ધ છે. નિરંજન ભગત બહુશ્રુત વિદ્વાન અધ્યાપક હોવા સાથે જીવનમૂલ્યોના આરાધક તથા સંરક્ષક નાગરિક તરીકે જીવવા મથતા નગરવાસી કવિ છે. નિરંજન ભગતની કવિતાને મણિલાલ હ. પટેલ ત્રણ સ્તબકમાં વહેચે છે, ‘૧. ઈ.સ.૧૯૪૩થી ઈ.સ.૧૯૪૯ સુધીનો પ્રથમ તબક્કો રંગદર્શી કવિતાનો છે. ૨. ઈ.સ.૧૯૫૦થી ઈ.સ.૧૯૫૮ નો ગાળો નગરકવિતા/આધુનિકતાની છડી પોકારતી કવિતાનો કહી શકાય. ૩. આયુષ્યના છેલ્લા દાયકામાં- ત્રણ દાયકાના મૌન પછીની, અંતિમ દોરની કવિતા-જે એમની સૌથી નબળી કવિતા છે.’[૨] મારે અહી તમને નિરંજન ભગતની બીજા સ્તબકની નગરકવિતા અને આધુનિકતાની છડી પોકારતી ‘પ્રવાલદ્વીપ’ની કવિતા વિશે વાત કરવી છે.
ઈ.સ.૧૯૫૭માં કવિ નિરંજન ભગતના કાવ્યસંગ્રહ ‘છંદોલય’ની બીજી સંકલિત આવૃત્તિનું પ્રકાશન થયું છે, જેમાં ઈ.સ.૧૯૪૬ થી ઈ.સ.૧૯૫૬ સુધી લખાયેલા આધુનિક નગરસંવેદનના ૧૬ જેટલાં કાવ્યોને ‘પ્રવાલદ્વીપ’ નામે છંદોલયની સંવર્ધિત આવૃત્તિમાં સમાવી લેવામાં આવ્યા છે. આ કાવ્યોમાં ગુજરાતી કવિતાનો આધુનિક ભાવબોધનો પ્રથમ ઉન્મેષ ઝીલાયેલો જોવા મળે છે. ‘લગભગ એક સદી પહેલાં ફ્રેંચ કવિ બોદ્લેરની Tebleaux Parisiens (તાબ્લો પારિસાં) ‘પેરિસ ચિત્રાવલિ’માં અને ઈ.સ.૧૯૦૬માં એટલેકે વીસમી સદીનાં આરંભમાં જર્મન કવિ રાઈનર મારિયા રિલ્કેની પેરિસ યાત્રાના ફળસ્વરૂપ Das Buch Des Bilder (ચિત્રપોથી)ની બીજી આવૃત્તિમાં નગરજીવનની બિભીષિકા, કરુણતા અને કવિહૃદયતાનું કારુણ્ય ઝીલયુ, જે ભિખારી, આંધળો, શરાબી, આત્મઘાતી વિધવા, મૂર્ખ, અનાથ, ઠિંગુજી અને પતિયાની યુક્તિઓ રૂપે જોવા મળે છે. રિલ્કેનું કવિહૃદય નગરમાં વસતા છતાં સમાજથી સાવ અલગ પડી ગયેલાં આ માનવપાત્રોથી દ્રવી ઊઠે છે. લોકોની ઉપેક્ષા પામતાં રહેલાં આ લોકો માટે કવિ રીલ્કેએ જે ગાયું તેમાં આધુનિકયુગબોધને આગવો શબ્દદેહ સાંપડ્યો છે.’[૩] રક્તપિત્તિયાનું રૂગ્ણોનાં નગર પેરિસ વિશે જે પાશ્ચાત્ય કવિઓએ અનુભવ્યું હતું તેવું ઊંડું સંવેદન તેમજ એની તીવ્રતમ અભિવ્યક્તિ મહાનગરી મુંબઈના ‘પ્રવાલદ્વીપ’માં કવિ નિરંજન ભગત દ્વારા આલેખાઈ છે. બોદલેર, રિલ્કે, જેમ્સ જોયસ કે એલિયટની રચનાઓમાં પ્રગટતી નગરચેતના જેવીજ તેમ છતાં કવિ નિરંજન ભગતની સ્વકીય પ્રતિભાથી સંવેદાયેલી મુંબઈ મહાનગરની શબ્દસ્થ છબીમાં આધુનિક નગરજીવનની સંકૂલ ચેતનાં આલેખાયાનો સંતર્પક અનુભવ સહૃદયોને થયો છે.
નિરંજન ભગત ૨૫મી માર્ચ ઇ.સ.૧૯૪૪માં ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે સન્માન પ્રસંગના વ્યક્તવ્યમાં જણાવે છે કે ‘પ્રવાલદ્વીપ’ એ ‘છંદોલય’ના કેન્દ્રમાં છે. ‘પ્રવાલદ્વીપ’ એ ૧૬ કાવ્યોનો ગુચ્છ છે. આ કાવ્યોનો એકજ વિષય છે મુંબઈ, એક આધુનિક નગર, આધુનિકતાનું નગર. આમ, ‘પ્રવાલદ્વીપ’ની કવિતા એ આધુનિકતાની કવિતા છે, આધુનિક કવિતા છે. એમાં વિષયની એકતા છે. આ કાવ્યગુચ્છના શીર્ષક તરીકે ‘કાળમૃગયા’ અને ‘અંધારયાત્રી’ એવા બે વિકલ્પોનો પણ વિચાર કર્યો હતો. પણ ‘પ્રવાલદ્વીપ’ વધુ મૂર્ત અને માર્મિક હતું. એથી અંતે એ શીર્ષક તરીકે સ્વીકાર્યું હતું. ‘પ્રવાલદ્વીપ’ એટલે પરવાળાનો ટાપુ. આમ, શીર્ષકમાં જ કરૂણ કટાક્ષ છે. મુંબઈ એક વાર પરવાળાનો ટાપુ હતો અને કાલાંતરે ક્યારેક ફરી એક વાર પાછો પરવાળાનો ટાપુ થશે. આમ આ કાવ્યોમાં Apocalyptic vision – rather nightmare છે. સર્જન-વિસર્જનનું, જીવન-મૃત્યુનું દર્શન બલકે દુસ્વપ્ન છે. પરવાળાનો ટાપુ એટલે રંગીન, રંગદર્શી ટાપુ. એમ એની સામે મુંબઈનું અસામ્ય છે. તો પરવાળાનો ટાપુ એટલે પલાયન અને નિર્વાસન- escape and exile નો ટાપુ. આમ એની સાથે મુંબઈનું સામ્ય પણ છે. આ કાવ્યોમાં મુંબઈનું વર્ણન, કથન કે ચિત્રણ નથી, મુંબઈ વિશેનો દસ્તાવેજ કે ચિત્રસંપુટ નથી. મુંબઈ અંગેનો આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક, અધ્યાત્મિક કે સાંસ્કૃતિક અહેવાલ કે અભ્યાસ નથી. મુંબઈ કોઈ નકશા પરનું નગર નથી. ભૌતિક કે ભૌગોલિક વસ્તુ નથી. મુંબઈ ચિત્તની એક અવસ્થા છે, સંવેદના છે. આ કાવ્યોમાં એનો શાબ્દિક પર્યાય છે, કલ્પન છે, રૂપક છે. મુંબઈ એક માનસિક અનુભવ છે. આ કાવ્યોમાં કાવ્યનાયક્ની ચૈતસિક ભૂગોળ છે. ‘પ્રવાલદ્વીપ’નો કાવ્યનાયક કહી શકે છે કે, ‘I am Bombay’ ‘હું જ મુંબઈ છું.’ પ્રવાલદ્વીપના કાવ્યોમાં એકલા અટુલા મનુષ્યનાં ચિત્ત પર, સંવેદન પર મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોનો પ્રભાવ અને પ્રત્યાઘાત છે. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો ચિંતનોર્મી કાવ્યો છે.
‘પ્રવાલદ્વીપ’નો પ્રથમ મણકો ‘મુંબઈનગરી’ છે.
‘ચલ મન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી,
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવા;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી.’ (છંદોલય, પૃ.૨૦૧)
આ કાવ્યમાં કવિ આધુનિક અરણ્ય એવા મહાનગરની પીડા પાસે લઈ જાય છે. લોહ, શિલા, સિમેન્ટ, કોંક્રીટ, કાચનું અરણ્ય એવું મુંબઈ આધુનિક નગરની યાંત્રિકતાને પ્રથમવાર ગુજરાતી કવિતામાં લાવે છે. મણિલાલ હ. પટેલ આ કાવ્ય વિશે કહે છે કે, ‘આ કાવ્યને લય છે પણ જીવનલય તો તૂટી ગયો છે. સંવેદના, ભાષાભાત, મૂડ-મિજાજ બધુ બદલાઇ જાય છે.[૪] વધુમાં તેઓ કહે છે કે, ‘ગુજરાતીમાં આધુનિક કવિતાની નાંદીરૂપ ‘મુંબઈ નગરી’ રચના કવિ તારસ્વરે ઉચ્ચારે છે. કાળવા-બિકાળવા નગરની વાત સોંસરવી ઊતરી જાય એ રીતે કવિ મૂકે છે.’[૫]
‘પ્રવાલદ્વીપ’ કાવ્યગુચ્છનો બીજો મણકો ‘આધુનિક અરણ્ય’ નમૂનારૂપ કાવ્ય રચના છે.
‘વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વોલ્યુમે;
નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આલ્ફાલ્ટની;
ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈ ઘાટની.’ (છંદોલય, પૃ.૨૦૨)
બળવંતરાય ઠાકોરની રચનારીતિનો ને પૃથ્વી છંદનો અહીં અર્થપૂર્ણ તથા સફળ વિનિયોગ થયો છે. નગર અને અરણ્યને કવિએ Juxtapose કરીને નગરની સંવેદનહીન વિકરાળતાનો પરિચય કરાવ્યો છે. સુરેશ જોશી કહે છે કે, ‘આ કાવ્યમાં અપહ્નુતીની વિડંબના જોવા મળે છે. આ વિડંબનાનો પણ આગવો રસ છે અને એ પણ આસ્વાદ્ય બને છે.’[૬] કાવ્યના ઉત્તરાર્ધમાં કાવ્યત્વથી કથયિત્વને વધુ વળ ચઢે છે ને કાવ્ય વધુ ઊંચાઈએ પહોંચે છે.
‘મ્યુઝિયમમાં’ કાવ્યમાં કવિ સિંહને જુએ છે અને તેને ઉદ્દેશીને કહે છે કે તને હું જાઉં છું ત્યારે જાણેકે હું વનમાં ઊભો હોય તેવું લાગે છે. અહીં કવિ પોતાની વ્યથા રજૂ કરે છે અને અંતિમ પંક્તિઓમાં કટાક્ષનો તણખો મૂકે છે.
‘તને હું જોઉ છું,
અને...નહીં, નહીં, હું જોઉ માત્ર તાહરી પ્રતિકૃતિ;
તને હું જોઉ છું ન, જોઉ માત્ર સ્વપ્નની જ વિકૃતિ.’ (છંદોલય, પૃ.૨૦૩)
‘મ્યુઝિયમમાં’ કાવ્યમાં સિંહને જોઈને કવિને જે અનુભૂતિ થાય છે તેથી વિપરીત પીંજરામાં પુરાયેલા સિંહને જોઈને કવિ જે અનુભવે છે તે ‘ઝૂમાં’ કાવ્યમાં વ્યક્ત કરે છે. જંગલમાં છૂટા ફરતાં સિંહમાં જે સ્ફૂર્તિ, ઝનૂન અને પૌરૂષ છે તે બધુ જ પીંજરામાં પુરાયેલ સિંહમાં પણ છે પણ વન્યભૂમિની વિશાળતા અને આઝાદી તેની પાસે નથી. ગુલબંકી છંદમાં કાવ્ય ચમત્કૃતિ સાધે છે. અંતિમ પંક્તિઓમાં કાવ્યની નજાકત જોવા મળે છે.
‘પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જોઈ જોઈ સભ્યતા થકી પશું.’ (છંદોલય, પૃ.૨૦૪)
આધુનિક માનવીની વિડંબના અહીં વ્યક્ત થઈ છે. કવિએ માનવ નિયતિની વક્રતા અહીં રજૂ કરી છે. મનુષ્ય સિંહને પીંજરામાં પૂરી તેને સમાજની બધી કળાઓ અને સભ્યતા શીખવે છે, જ્યારે બીજી બાજુ બધા માનવીઓ સિંહની સભ્યતા જોઈ જોઈને પશુતા શીખે છે.
‘ઍકવેરિયમમાં’ કાવ્ય ગુલબંકી છંદમાં રચાયેલું છે. આ કાવ્યમાં ‘માછલી’નું પ્રતિકાત્મક આલેખેન થયું છે. ઍકવેરિયમમાં સૂર્યનો પ્રકાશ નથી તેમજ જળ સમુદ્રનું છે પણ તેમાં તરંગોનું પ્રાબલ્ય નથી. માત્ર કૃત્રિમતા જ જોવા મળે છે.
‘વેંત વેંતમાં જ ગાઉં ગાઉં માપવા
અને ન ક્યાંય પહોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા
ન થોભવું, ન શોચવું.’ (છંદોલય, પૃ.૨૦૫)
નગરમાં વસતા મનુષ્યની યાંત્રિક જીવનશૈલી અને સંબંધોની કૃત્રિમતાને કવિએ આ કાવ્યમાં પ્રતિકાત્મક રીતે અભિવ્યક્ત કરી છે.
‘ઍરોડ્રામ પર’ કાવ્યમાં નિરંજન ભગત પાંદડા વિનાના વૃક્ષની વિશાળ ડાળ ઉપર બેઠેલા વિહંગની ઈંડું ન મૂકવાની વેદનાને રજૂ કરે છે. ‘કાફેમાં’ કાવ્યમાં કવિએ ઉપમાઅલંકાર પ્રયોજીને ચમત્કૃતિ સાધી છે. સમુદ્રનાં તોફાનો સહન કરીને ભાંગી ગયેલી નૌકા તટ ઉપર નાંગરવામાં આવે તેવી જ કપમાં ભરેલી કૉફી કાવ્યનાયકને વ્યથાઓ જેવી લાગે છે. નગરમાં વસતા મનુષ્યની વિડંબનાઓ કવિએ અહીં ઉપજાતિ છંદમાં વ્યક્ત કરી છે.
‘કાફેમહીં મંદ પ્રવેશતી, યથા
સમુદ્રનાં રુદ્ર તુફાન સૌ સહી
કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી;
કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા.’ (છંદોલય, પૃ.૨૦૭)
‘ફૉકલૅન્ડ રોડ’ ચાર લીટીનું લઘુકાવ્ય છે. આ કાવ્યમાં સ્નેહલગ્નના નગ્ન સ્વરૂપની વાત કરી છે. ‘ફ્લોરા ફાઉન્ટન’ છ પંક્તિનું ગુલબંકી છંદમાં લખાયેલ લઘુકાવ્ય છે. આ કાવ્યમાં નગરની છબી ઉપસાવવામાં કવિ સફળ થયા છે. અમુલ્ય એવા વસંતસ્વપ્ન લઈને વિશ્વમાલણી બેઉ હાથમાં શલ્યફૂલ લઈને ઊભી રહી છે. એની ચારેકોર લોહનાં પતંગિયા ભામિ રહ્યાં છે. કવિનું કલ્પન કાવ્યને ઉચ્ચકોટીએ લઈ જાય છે.
‘કાચકાંકરેટના અનન્ય કાનને,
સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને
ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમુલ;
બેઉ હાથમાં ધાર્યા છ શલ્યફૂલ;
ચારકોર લોહનાં પતંગિયાં ભમિ રહ્યાં,
અચેત જે પરે અનેક જંતુડાં રમી રહ્યાં.’ (છંદોલય, પૃ.૨૦૯)
‘પ્રવાલદ્વીપ’માં ‘કોલાબા પર સૂર્યાસ્ત’ અને ‘ઍપોલો પર ચંદ્રોદય’ એ બે સોનેટ કાવ્યો શાર્દૂલવિક્રિડિત છંદમાં લખાયેલ છે. સૂર્ય અસ્ત થઇ રહ્યો છે છતાં નગરમાં હજી રોજિંદા જીવનની દોડધામ ચાલુ જ છે. કાફેમાં પ્યાલા, રકાબી, છરી વગેરે ખખડવાનો અવાજ આવી રહ્યો છે. આ કાવ્યમાં કવિએ સૂર્ય અસ્ત થતાં તિમિરનું સામ્રાજ્ય ફેલાય છે તેનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. ‘ઍપોલો પર ચંદ્રોદય’ સોનેટમાં કવિ રાત્રિના અંધકારમાં થતાં ચંદ્રોદયથી રચાતાં પ્રાકૃતિક સૌંદર્યની રજૂઆત કરે છે.
‘એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચંદ્ર કેવો લચે,
સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં લેલતો.
કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચંદ્ર જે રેલતો.
તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે.’ (છંદોલય, પૃ.૨૨૨)
ઉપરોક્ત સોનેટમાં છેલ્લી બે પંક્તિઓમાં કવિ ચોટ સાધવામાં સફળ થાય છે. કવિ પોતાના ઘરમાં જેમ ચંદ્રલોકે ફરતાં હોય એવી અનુભૂતિ કરે છે.
‘પ્રવાલદ્વીપ’માં પાંચ જેટલા દીર્ઘકાવ્યો છે. આ કાવ્યોમાં ‘ફાઉન્ટનના બસસ્ટૉપ પર’, ‘ચર્ચગેટથી લોકલમાં’ અને ‘હોંબી રોડ’ એ ગુલબંકી છંદમાં લખાયેલા છે. જ્યારે ‘પાત્રો’ હરિગીત છંદ અને ‘ગાયત્રી’ અનુષ્ટુપ છંદમાં લખાયેલ છે. ‘ફાઉન્ટનના બસસ્ટૉપ પર’ કાવ્યમાં કવિ નગર જીવનની નગ્ન વાસ્તવિકતાનો ચિતાર આપે છે.
‘ખીલતાં અહીં ન ફૂલ,
એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો
ભરાય, એકસાથ ફાલ જ્યાં સમગ્ર વર્ષનો;
છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ.’ (છંદોલય, પૃ.૨૧૦)
નગરજીવનની વિડંબના અને એકલતા અહીં પ્રગટ થયા વિના રહેતી નથી. કવિ પોતે જ પોતાની જાતથી અજાણ થઈ ગયાની વેદના અનુભવે છે.
‘અશક્ય હ્યાં સ્મૃતિ,
અહીં નરી જ વિકૃતિ,
મને જ હું અજાણ લાગતો,
ન ખ્યાલ ને રહું પુકારતો; ‘નિરંજન ઓ’
થતો ન અર્થ, માત્ર અક્ષરો, કંઈ સ્વરો કંઈક વ્યંજનો.’ (છંદોલય, પૃ.૨૧૩)
‘ચર્ચગેટથી લોકલમાં’ કાવ્યમાં કવિને ચર્ચગેટનું પ્લેટફોર્મ જાણે કે કોઈ બેટ હોય તેવું લાગે છે. આ કાવ્યમાં કવિએ અંગ્રેજી શબ્દો વાપરીને પ્રયોગશીલતા સિધ્ધ કરી છે.
‘Next train અઢાર-સત્તરે,
ઘડી વીશે કલાકનેમિનિટ બેઉ કાંટ છે સ્થિર,
બધાંજ ચક્ષુ એમના સમાં, કરંત ત્યાં જ સત્વરે.’ (છંદોલય, પૃ.૨૧૫)
‘ઈન્ડિકેટરે લખ્યું છ; Next train; વાંદરા-વીરાર;
Stopping At All Station, થોભશે જ વારંવાર; (છંદોલય, પૃ.૨૧૬)
‘હોંબી રોડ’કાવ્યમાં કવિ સ્નિગ્ધ, સૌમ્ય અને સપાટ એવા અસ્ફાલ્ટના રોડની વાત કરે છે. આ રોડ પર વૃદ્ધ, નવજવાન, ફાંકડા, રાંકડા, મજૂર, ટાઈપિસ્ટ, કારકુન, રૂપજીવી લલનાઓ તેમજ પોતાના જેવા કવિઓ સવાર સાંજ કામકાજ હોય કે ના હોય છતાં આવ-જા કરે છે. કવિએ અહીં ઉપરોક્ત જણાવેલ દરેકની વિડંબના રજૂ કરી છે.
‘અનેક નવજવાન,
જેમનું ભવિષ્ય ઠોકરે ચડ્યું, જરી ન ભાન,
ને ન શાગ્રીલા ન સેન્ટ્રલે ભવિષ્યની છવી
સુપ્રાપ્ય; એ.જી.આઈ. ગૅલપર, ચાર્ટરે જ પામવી.’ (છંદોલય, પૃ.૨૧૮)
‘ગાયત્રી’ અને ‘પાત્રો’ પ્રવાલદ્વીપની પરાકાષ્ઠા છે. ‘પાત્રો’ કાવ્યમાં પરંપારિત હરિગીત છંદમાં ભિખારી, આંધળો, ફેરિયો, વેશ્યા, કવિ વગેરે જેવા પાત્રો પોતપોતાની વાત ખૂબીપૂર્વક કરે છે. કવિ મણિલાલ હ. પટેલ કહે છે કે, ‘આ કાવ્યના કથનવર્ણનમાં માનવજાતે અર્જિત કરેલી સભ્યતા અને સંસ્કૃતિની સાંપ્રતકાળમાં યંત્રવિજ્ઞાને અને શહેરીકરણે શી અવદશા કરી છે એનો અંદરથી હલાવી દેનારો કાવ્યપૂર્ણ આલેખ મળે છે. નિરંજનની કવિતાનું આ સૌથી ઉન્નત શૃંગ છે.’[૭]
‘ફેરિયો;
જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી,
પણ એમ તો મારું નશીબે ક્યાં ફરે છે?’ (છંદોલય, પૃ.૨૨૩)
‘આંધળો;
કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર
તે મારા જનમને કેટલી છે વાર?’ (છંદોલય, પૃ.૨૨૪)
આમ, અહીં કવિ, ફેરિયો, આંધળો, ભિખારી, પતિયો અને વેશ્યા –આ આધુનિક મહાભારતના પાંચ પાંડવો અને એક દ્રૌપદી એમ કુલ છ પાત્રો છે. નગરના વૈભવ અને વિલાસની પછવાડે આ પાત્રોની દીનતા અને દરિદ્રતાનું પણ અસ્તિત્વ છે. આ પાત્રો સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે અટ્ટહાસ્ય કરે છે. અને પોતાની જાત પ્રત્યે પણ ઉપહાસ કરે છે. અહીં કરૂણ હાસ્ય છે. આ હસ્યામાં કરૂણનો તિરસ્કાર નથી પણ કરૂણનો પુરસ્કાર છે. આ કાવ્યમાં બોલ-ચાલની ભાષામાં લય, લહેકા, લઢણ અને કાકુમાં પાત્રોની નાટ્યાત્મક એકોક્તિઓ અને સ્વગોક્તિઓ રહેલી જોવા મળે છે.
‘પાત્રો’ અને ‘ગાયત્રી’ કાવ્યોમાં રચનાના નવા આયમો ઊઘડે છે. ‘ગાયત્રી’માં આધુનિક નગરના આધુનિક મનુષ્યની પ્રાર્થના છે. આ કાવ્યમાં પ્રાચીન ગાયત્રીના વૈદિકછંદોનાં કુળનો પ્રાસયુક્ત અનુષ્ટુપછંદ છે. કાવ્ય પ્રાત:, મધ્યાહન અને સાયં એમ ત્રણ વિભાગમાં લખાયેલું છે.
‘પ્રાત:
સિંધુશય્યા પરે સૂતી સ્વપ્ને નીંદરમાં સરી’
આછેરાં અંચલો ધારી નગરદ્વીપ–સુંદરી;
મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દ્રગે,
ધીરેથી ઉછળે છાતી હૈયે શા હિરલા ઝગે.’ (છંદોલય, પૃ.૨૨૮)
ઉપરોક્ત કાવ્યમાં નગર અને મનુષ્ય વચ્ચેનો દ્વંદ્વ રજૂ કર્યો છે. નગરમાં મનુષ્યને એકાંતમાં સમૂહનો અને સમૂહમાં એકાંતનો અનુભવ થાય છે. નગરમાં ક્ષણ-પ્રતિક્ષણનાં બાહ્ય અને ભૌતિક પરિવર્તનની વચ્ચે મનુષ્યને માટે આંતર અને અધ્યાત્મિક પરીવર્તન અશક્ય છે. એથી મનુષ્યમાં નિર્વાસન, નિબદ્ધતા, નિર્વેદ, નિસરતા, નિરાધારતા અને નિર્વીર્યતાનો અનુભવ થાય છે. એ મૃત્યુને જીવન માને છે, અને જીવનને મૃત્યુ માને છે. અને જીવ્યા વિના જ મરે છે. તેથી જ ‘ગાયત્રી’માં અંતે મનુષ્ય માત્રને ઇચ્છામૃત્યુ, જીવનની પરાકાષ્ઠારૂપ, સાર્થક મૃત્યુ પ્રાપ્ત થાય એવી સૂર્યને પ્રાર્થના કરે છે.
‘આવતી કાલના સૂર્ય! તારું વ્યર્થ જ ઉગવું,
હોંસે હોંસે પ્રભાતે આ પૃથ્વીને તટ પુંગવું,
તેં જો આ સર્વને તારા તેજ નો અંશ નાં ધર્યો,
અપૂર્ણ માનવી માત્ર એને જો પૂર્ણ નાં કર્યો,
સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે
આપે તો ભવ્ય કો મૃત્યુ, ઇચ્છામૃત્યુ જ આપજે.’ (છંદોલય, પૃ.૨૩૫)
‘પ્રવાલદ્વીપ’માં આધુનિક નગર એટલે શું? તે કેવું હોવું જોઈએ? અને કેવું છે? મનુષ્ય કેવો છે? એની પ્રશ્નોત્તરી છે. એમાં માત્ર મુંબઈ અને મુંબઈના મનુષયોની જ નહીં પણ નગર અને મનુષ્યમાત્રની વેદના અને કરુણતા છે, અને તેના પ્રત્યે સંવેદના અને કરુણા છે. કવિની અસંતુષ્ટતા અહીં એક ભાવમુંદ્રામાં પરિણામે છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવિતાની તુલના કરતાં કહેલું; ‘રાજેન્દ્રની કવિતા અષાઢી મેઘનો રોમેન્ટીક આવિષ્કાર લાગે, નિરંજનની કવિતા શ્રાવણની નિર્મળ અને નિયંત્રિત સૌષ્ઠવયુક્ત મેઘધારાની શિષ્ટ છાપ પાડે છે.’[૮] નિર્દોષ મુક્ત હાસ્ય, પ્રગલ્ભ નિર્ભીકતા અને અધ્યાપકની તેજસ્વિતાની સાથે સાથે કવિ કર્મની સભાનતા તેમના કાવ્યોમાં જોવા મળે છે.
નિરંજન ભગતે પોતાને ‘નગરનું સંતાન’ કહીને ઓળખાવે છે. ગુજરાતી નગરકવિતામાં એમનું પ્રદાન મૂલ્યવાન અને વિશિષ્ટ છે. ‘પ્રવાલદ્વીપ’માં વ્યક્ત થતો કવિનો મૌલિક અવાજ પ્રગલ્ભ આધુનિકતાનું પ્રવેશદ્વાર બની ગયો. ગુજરાતી કવિતામાં આધુનિકતાનો પ્રારંભ ‘પ્રવાલદ્વીપ’ની કવિતાથી થાય છે એવું નીર્વિવાદ પણે કહી શકાય.
સંદર્ભ નોધ
૧. ગુજરાતી કવિતાનો આસ્વાદ, સુરેશ જોશી, પૃ.૭૨
૨. શબ્દસૃષ્ટિ, માર્ચ-૨૦૧૮, મણિલાલ હ. પટેલ, પૃ.૩૬
૩. આધુનિક કવિતા પ્રવાહ, જયંત પાઠક, પરિશિષ્ઠ-૧, રમેશ ત્રિવેદી, પૃ.૨૪૭
૪. કવિતા કાલની અને આજની, મણિલાલ હ. પટેલ, પૃ.૧૦
૫. શબ્દસૃષ્ટિ, માર્ચ-૨૦૧૮, મણિલાલ હ. પટેલ, પૃ.૪૦
૬. ગુજરાતી કવિતાનો આસ્વાદ, સુરેશ જોશી, પૃ.૯૬
૭. શબ્દસૃષ્ટિ, માર્ચ-૨૦૧૮, મણિલાલ હ. પટેલ,પૃ. ૪૧
૮. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ડૉ. ધીરુભાઈ ઠાકર, પૃ.૩૪૪