રઘુવીર ચૌધરીની કવિતામાં કૃષિપદાવલિ
'મેં ખેતરમાં મન વાવ્યું
ને
ઊગી આવ્યું નગર.' (પૃ.૧૮, 'તમસા' માંથી)
-એવું કહી પોતાના કૃષિસંસ્કારોને પ્રત્યક્ષ કરતાં કવિ રઘુવીર ચૌધરી, ગુજરાતી ભાષાના રાષ્ટ્રીયસ્તરે સુકીર્તિ પ્રાપ્ત સર્જક છે. ભારતીય સાહિત્યના સહ્રદયી વાચકો તેમને 'અમૃતા' નવલકથાથી ઓળખે છે. ગુજરાતી નવલકથામાં એમનું માતબર પ્રદાન રહ્યું છે. જે એમને સિદ્ધહસ્ત નવલકથાકારનું બિરુદ અપાવે છે. નવલકથા ઉપરાંત અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ સર્જક તરીકે એમની ગતિ મહત્વપૂર્ણ રહી છે. કવિતા, ટૂંકીવાર્તા અને નાટકના ક્ષેત્રે રધુવીર ચૌધરીનું નામ સન્માનથી લેવામાં આવે છે. આઝાદી આસપાસના સમયગાળામાં આપણા ઘણાં સર્જકો ગામ છોડીને નગરવાસી બન્યાં છે. જ્ઞાન અને આજીવિકાની શોધમાં એમનું નગરમાં આવવું અનેક રીતે સંઘર્ષમય રહ્યું છે. એ સંઘર્ષ, સર્જનની દિશામાં વળ્યો અને પરિણામે ગુજરાતી સાહિત્યને ગામ અને નગરની વચ્ચે દોલાયમાન ભાવસ્થિતિમાં ઝૂલતાં-ઝૂરતાં સાહિત્યનો અને સર્જકોનો પરિચય થયો. રઘુવીર ચૌધરી પણ આ પરિસ્થિતિમાંથી નીપજેલું નામ છે. વતનગામ બાપુપુરામાં આજે ય દર અઠવાડિયે બે દિવસ ખેતર-વાડીએ પહોંચી 'ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક / ખેતરમાં કામ કરીને ઉતારું છું.' (પૃ.૬૯, 'ફૂટપાથ અને શેઢો') એમ કહીને આ કવિ પોતાની કૃષિનિસબત પ્રગટ કરે છે. રઘુવીર ચૌધરીની કાવ્યસર્જન યાત્રા 'તમસા' (૧૯૬૭)થી શરૂ થઈ. 'વહેતાં વૃક્ષ પવનમાં' (૧૯૮૪), 'દિવાળીથી દેવદિવાળી', (૧૯૮૬) 'ફૂટપાથ અને શેઢો', (૧૯૯૭) 'પાદરનાં પંખી', (૨૦૦૭) 'બચાવનામું', (૨૦૧૧) અને 'ધરાધામ',(૨૦૧૪) – સુધી અવિરત વહેતી રહેલી એમની કાવ્યધારા રઘુવીર ચૌધરીને સાતત્યપૂર્ણ કાવ્યસર્જન કરી રહેલા કવિ પૂરવાર કરે છે. આ સંગ્રહોની કવિતાઓમાંથી પસાર થતાં કવિ રઘુવીરની એકાધિક લાક્ષણિકતાઓના દર્શન થાય તેમ છે.
સામાજિક નિસબત અને જીવનમૂલ્યોમાં અપાર શ્રદ્ધા ધરાવતાં આ સર્જકની કવિતાને ગુજરાતી કાવ્યવિવેચને, કસોટીને એરણ પર વધુ ન ચડાવી હોઈ કવિ રઘુવીરની પ્રતિભાનો હિસાબ નવલકથાકાર રઘુવીરની તુલનાએ પ્રમાણમાં ઓછો મળ્યો છે. ગીત, ગઝલ, સોનેટ, છાંદસરચનાઓ, લઘુકાવ્યો અને ખાસ કરીને અછાંદસ કવિતામાં ધ્યાનાર્હ કવિકર્મ સિદ્ધ કરતાં રઘુવીર ચૌધરીની કવિતાઓને કૃષિપરિવેશ અને કૃષિપદાવલિનાં સંદર્ભમાં જોવાં-તપાસવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. ભારતીય સાહિત્યનો સર્વોચ્ય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ કવિની કવિતાનું મૂળ ખેતર, -ખેતરની માટીમાં રોપાયેલું છે અને જે સબળ રીતે ઊંડે ઊતરેલું છે. એટલે માટી-ધરતી સાથેનો આ કવિ અને તેની કવિતાનો સંબંધ નાભિનાળ જેવો છે. રઘુવીર ચૌધરીની ઘણી કવિતાઓ આ વાતની પ્રતીતિ કરાવે છે. ગુજરાતી ભાષાનાં ઘણાં સર્જકો ગામડાંની ધૂળથી રજોટાઈ-રગદોળાઈને આપબળે કહો કે શબ્દબળે શહેરનો 'નાગરિક' ધર્મ પામ્યાં છે. નગરવાસી બન્યાં પછી ય 'અંતર-અંદર'ના ગામડાંને, તેનાં મૂલ્ય-સંસ્કારને સતત જીવતાં આ સર્જકોએ પોતાના સર્જનમાં ગ્રામજીવનનો અનુભવ પ્રગટ કર્યો છે. રઘુવીર ચૌધરીની કવિતામાં આવો જ ગ્રામ-અનુભવ કૃષિસંસ્કારો અને પરિવેશ સાથે વિભિન્ન મુદ્રાઓમાં ઝીલાયો છે. અહીં કૃષિપદાવલિને કેન્દ્રમાં રાખીને રઘુવીર ચૌધરીની કવિતાઓને એક વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં તપાસવાનો મુખ્ય ઉદ્દેશ છે.
રઘુવીર ચૌધરી સીમ-ખેતરના કવિ છે. કૃષિસંસ્કારને વ્યંજિત કરતી એકાધિક રચનાઓ તેમની પાસેથી મળી છે. ખેડૂતપુત્ર તરીકે તેમણે કેટલીક કવિતાઓમાં કૃષિપ્રીતિ અને કૃષિસંસ્કારને વિષય બનાવ્યો છે. રઘુવીર ચૌધરીની ગણના ગુજરાતી ભાષાનાં ઉત્તમ ગીતકવિઓમાં નથી એ વાત કબૂલ. પણ 'ધરાધામ' સંગ્રહનું એક ગીત 'કૃષિગીત' વાંચતા રઘુવીર ચૌધરીની ગીતરચના પરની હથોટીનો ખ્યાલ આવી શકે તેમ છે. વળી, આ ગીતમાં રહેલી કૃષિસંવેદના કવિતાની વિશિષ્ટતાની પરિચાયક બને છે. જોઈએ :
'વહેલી સવારે રઈવર પાણતમાં હાલ્યા,
પાણત કરતાં રે રઈવર હૈયે ભીંજાયા.
આભે ચંદરવો સાહ્યો ઝાકળનો નીચે,
ગોરીને એકલ મેલી-જીવ થાતો ઊંચો.
ઊગે ઉગમણી કોરે સોનેરી માયા
પડખું બદલે છે ધીરે ગોરીની કયા.
ચાંદાને જોતો સૂરજ ઉગમણે ભોળો,
દાતણિયાં કીધાં, વંદી પાણેરો ઢોળ્યો.
ખેતરની વાડે ડમરો મઘમઘતો ડોલે
આંગણમાં તુલસીક્યારે ચરકલડી બોલે.
ઝટપટ ભાથું લઈ ગોરી લીલેરી વાટે,
વનરાવન આવે સામું રુદિયાને ઘાટે.
ભોજનિયાં જમતા રઈવર ટીંબાના ઢાળે
કાછોટો વાળી ગોરી ડામાં બે વાળે.
પાનીનું રૂપ સરકતું રમતું જુવારે,
ભોજનિયાં ભૂલી રઈવર આ શું નિહાળે ! (પૃ.૧૧૧, 'ધરાધામ' માંથી)
'પાણત' શબ્દ ખેતી સાથે સંકળાયેલ હરકોઈ વ્યક્તિ માટે પરિચિત છે. પાણી વાળવાની ક્રિયાનો સૂચક છે. ખેડૂતનો દીકરો સારી પેઠે જાણે છે કે ખેતરમાં મોલાતને પાણી પાવાનો નિશ્ચિત સમય હોય છે. ઉછરતા-ઉઝરતા મોલને પાણી ન મળે તો તે મૂરઝાઈ જાય. આ ગીતકવિતાનો નાયક 'રઈવર' એટલે કે 'વરરાય' છે. તાજો પરણેલો છે. વહેલી સવારે ખેતરમાં પાણી વાળવાના કામે નીકળ્યો છે અને એટલે 'પાણત' કરતા હૈયે ભીંજાય છે. કારણકે ગોરીને, નવવિવાહિતાને ઘરે મૂકીને આવ્યો છે. અહીં કવિતાનો આસ્વાદ નથી કરાવવો. પરંતુ કવિએ કૃષિસંસ્કારોની સાથે કૃષિપદાવલિઓને સંયોજીને કૃષકનાયકનું ઋજુ સંવેદન પ્રભાવક રીતે આલેખ્યું છે તેનો મહિમા કરવો છે. 'ઝટપટ ભાથું લઈ ગોરી લીલેરી વાટે', પંક્તિમાં 'ભાથું' જેવો શબ્દ કૃષિસંસ્કારની સાથે ગોરીના ભાવજગતનો પણ પરિચાયક બને છે. 'રઈવર', 'ભોજનિયાં જમવામાં વ્યસ્ત છે ત્યારે 'ગોરી કાછોટો વાળી ડામાં બે વાળે'માં 'ડામાં'નો અર્થ ખેતરમાં કામ કર્યું હાય તેને તરત સમજાય જાય. આ કવિ 'કૃષિસૂક્ત' વાંચતાં જે અનુભવે છે તેને આ રીતે આલેખે છે,
'કવિ જેવા ધીર પુરુષો
હળ જોડી યુગોને વિસ્તારે છે.
હે કૃષક ! હળ જોડી
લોઢાની કોસથી ઊંડી ખેડ કરી
યુગોને ફેલાવી,
બીજ વાવી
ભરપૂર ઊપજ મેળવો.
રાશથી જોડાયેલા
ખંતથી ખેતર ખેડતા બળદ
તમને સુખ આપો.
હે સીતે,
અમે આપને વંદન કરીએ છીએ.
હે ખેડાયેલી ભૂમિમાતા,
આપ અમારા માટે શ્રેષ્ઠ મન
અને શ્રેષ્ઠ ફળ આપનાર છો.
સીતે વન્દામહે
ત્વાર્વાચી સુભગે ભવ.
યથા ન: સુમના અસો
યથા ન: સુફલા ભુવ: .
જલ અને મધથી સિંચિત
સર્વ દૈવી તત્ત્વોથી સ્વીકૃત હે સીતે
પોષક રસ સમેત
અમારા ભણી મૂખ કરો. (પૃ.૯૭, 'ધરાધામ' માંથી)
અહીં ઋષિ-કવિની સાથે કૃષિનો સમન્વય રઘુવીર ચૌધરીની કૃષિગત નિસબતની શાખ પૂરે છે. હળ, કોસ, ખેડ, બીજ, ઊપજ, રાશ, ખંત, ખેતર, બળદ,-જેવી પદાવલિ માત્ર યાદી નથી બની પરતું આ શબ્દોમાં કૃષિકવિની સંવેદના સંયોજાઈ છે. 'આપલે', ઉધેઈ', 'ધરાધામ', 'ખેડુને જડેલાં છોકરાં', 'પૂત્ર સમોવડી સ્ત્રી' અને પાંદડું' જેવી અન્ય રચનાઓને પણ આ સંદર્ભમાં જોઈ શકાય તેમ છે.
રઘુવીર ચૌધરીના પ્રથમ કાવ્યસંગ્રહ 'તમસા'ની એક રચના લઈને આ કવિના કૃષિગત સંસ્કારોને જરા વધુ સ્પષ્ટ કરીએ. 'મેઘદૂતમ્'માં કાલિદાસે વર્ષાવર્ણન કરતાં ઈન્દ્રગોપનું સુંદર ચિત્ર આલેખ્યું છે. રઘુવીર ચૌધરી એ 'મેઘદૂતીય' સંસ્કાર ઝીલી 'મોતિયો'(ઈન્દ્ર્ગોપ) નામની કવિતામાં કૃષિપદાવલિની સંનિધિએ 'મોતિયો'ની સૌન્દર્યલીલાને આસ્વાદ્ય બનાવી છે. આ આખી જ રચનામાં કૃષિશબ્દોનો કાવ્યાત્મક વિનિયોગ ધ્યાન ખેંચે છે. કવિતાને જ જોઈએ :
ઊતર્યો આખા આભથી અષાઢ અમને ભીડી બાથ,
કાલ લગીની કુંવારકાને આજ અજાણ્યો સાથ.
આંગણે નેવાં રણકી ઊઠ્યાં શેરીએ રેલો છેક,
દેવળની તલાવડી જાગી, ગામ ને પાદર એક.
ઝાડવાં ઝૂલ્યાં વગડો ખીલ્યો, રાતમાં નવી વાત,
હળ જોડાયાં ખેતર સૈયર આલવા ચાલ્યાં ભાત.
ભોમકા મારી ગોરમટી, શો ચાસમાં ફોરે ભેજ !
હાલતો આંબો વચલી ડાળથી ટપકે તાજું તેજ.
બેસતી શેઢે ચાસમાં જોતી, મોતિયો ધીમે જાય,
અડકું કે? ના, કેસરના ફોરા શી એની કાય.
એ જ મૂઓ ગઈકાલનો પાછો આજ ફૂટીને મા'લે,
એક દાડાના આયખામાંયે રૂપ બધું લઈ ચાલે.
ભાઈ જોડીને ચાવર મને પેરવા આલે બીજ,
વાવતાં ભેગા મોતિયા, મારે કાળજે પડે વીજ. (પૃ.૬૪, 'તમસા'માંથી)
કવિતાનું શીર્ષક 'મોતિયો'(ઈન્દ્ર્ગોપ) છે, પરંતુ 'મોતિયા'નું દર્શન જે સ્થળ-કાળમાં શક્ય બને છે એ ઋતુ અને તેનાં ભાવસંસ્કારની આ કવિતા છે. કુંવારકા-ધરતીને અષાઢી મેઘના આગમન સાથે જે ભાવસ્પંદન જન્મે છે તેને અહીં કવિ 'મોતિયા'ના માધ્યમે પ્રગટ કર્યું છે. વરસાદ પછીની ખેતરની માટીમાં ખેતીની પ્રક્રિયા સાથે કાવ્યનાયિકાના મનોભાવને ઇન્દ્ર્ગોપના આકર્ષણ સાથે સંયોજીને કવિ પોતાની અભિવ્યક્તિને પ્રભાવક બનાવી શક્યા છે. અહીં અધોરેખિત શબ્દોમાં પ્રગટ કૃષિસંસ્કાર સ્વયંસ્પષ્ટ છે. તળબોલીમાં અભિવ્યક્ત થતી સંવેદના આ કવિતાનું જમા પાસું બની રહે છે. 'તમસા'ના આ કવિ 'કપાસનાં કાલાંમાંથી ધસી આવેલી ધવલતામાં લાલકિરણોની સહજ સંતાકુકડી' જોઈ શકે છે. 'બાજરીના વાવેતર'માં ઘેટાંના ટોળાંની ઊજળી ભોળાશને કલ્પી શકે છે. 'જુવારના છોડવાઓએ ખેતર ચણવાનો વિચાર કર્યોનું વિચારી શકે છે. 'શેઢા પરની ધરો સુકાઈ' ગયાનું દુ:ખ અનુભવે છે.
રઘુવીર ચૌધરીના બીજા કાવ્યસંગ્રહ 'વહેતાં વૃક્ષ પવનમાં'(૧૯૮૪)ની ઘણી કવિતાઓમાં કૃષિપદાવલિઓ અને કૃષિસંસ્કારનો સંયોગ ધ્યાનાકર્ષક છે. 'ગુલાબ ઉગમણું' ગીતકવિતામાં સંતકાર્યનો મહિમા કરતાં આ કવિ 'સંતચરણ સીંચે છે કણકણ ધરતી સરિતાતીરે...' એવું કહે ત્યારે 'સીંચે' જેવું પદ સંતકાર્યના વિશેષ પરિશ્રમ અને પોષણનો સંકેત આપે છે. અન્ય એક રચના 'તમે રે ગગનગોફે'માં કવિ અભિવ્યક્ત થતાં આમ લખે છે :
'તમે રે ગગનગોફે ગુંજતા
અમે સૂકી ધરતીના તરણાની આશ રે.
તમે રે ઝીણેરું ઝરમર સિંચયું
અંતર કણકણનું આજ તો ઉદાસ રે.
આવશો ઓરા તો ઊંડે ઊગશું
દઈશું ઉરમાં અવિચળ વાસ રે ! (પૃ.૧૧, 'વહેતાં વૃક્ષ પવનમાં' માંથી)
અહીં સૂકી ધરતી, સિંચયું, કણકણ, ઊગશું જેવી પદાવલિ રઘુવીર ચૌધરીની કૃષિપ્રીતિને વ્યંજિત કરે છે.
રઘુવીર ચૌધરીની 'ચાડિયો' નામની કવિતા કૃષિપરિવેશના સંદર્ભમાં ઝીણી નજરે જોવા જેવી છે. 'ખેતર', 'વાવેતર', શેઢો', ઢોર', 'રખેવાળી', 'પડતર', 'ખાતર', 'માટી', છોડ', વરસાદ' – આવી પદાવલિઓથી યુક્ત આ કવિતામાં 'ચાડિયો' એક રૂપક બનીને ઊઘડે છે. કવિતા જ જોઈએ:
આ એક ખેતર છે.
એમાં બધે વાવેતર છે.
એની વચોવચ ચાડિયો છે.
દૂરથીય દેખાય એવો તો એ જાડિયો છે.
સામે શેઢે ઢોર ચરે
એ જોઈ ચાડિયાના મનમાં એમ ઠરે કે
એ બધાં તો મારી રખેવાળી કરે.
ખુશ થઈ થઈ એ તો હવામાં તરે ,
ને વાંસની સાથે વળગી રહે.
પંખીને ડરાવે,
સસલાને તો શું હરણનેય ભડકાવે.
એમ જ માને
કે પોતે આ વાવેતર પર રાજ કરે.
પણ પછી તો ઊડી ગયા તેતર,
સુકાયા છોડ ને જતાં રહ્યાં ઢોર,
રહ્યો ચાડિયો તે પડતર પર જોર કરે.
કહે, જુઓ, આ વાદળ તો આવે ને જાય,
હું તો અહીંનો અહીં રહું.
આવો, તમને મારા અમલની વાત કરું.
એની આછીપાતળી વાત વાદળ સાંભળી જાય,
તેથી વરસાદ ન થાય.
ચાડિયો એથી રોજ રાજી થાય.
પવન આવે તો પોતાનાં જ ગાણાં ગાય.
એકવાર આંધીની બીકે મોર આવ્યો.
ચાડિયાને એનો સાથ ન ફાવ્યો.
પોતે તો ઊંચો, એમ કંઈ અડવા દે?
મોરને એના મનની વાત તે કંઈ કરવા દે?
એ તો બિચારો અટવાતો અથડાતો દૂર ગયો.
હિંમતકરી એક ઠૂંઠા ઝાડ પર ચઢ્યો.
ચાડિયો પવનમાં ગુમાનથી ઝૂલ્યો,
ત્યાંમોરના બીજા ટહૂકે વરસાદ થયો.
ચાડિયો હતો ત્યાં ભીંજાતો રહ્યો,
લથબથ ગોથાં ખતો રહ્યો,
પછી તો પાણી ભેગો અહીં ગયો, તહીં ગયો.
ઠેર ઠેર ફાટ્યોતૂટ્યો રહી ગયો.
છેવટે ખાતર ભેગો માટીના ખોળામાં સૂઈ ગયો.
જાગે ત્યાં તો એ જાતે જ એક છોડ થયો.
એ પછી એણે આ આખો ઈતિહાસ
પેલા મોરને ખુલ્લા દિલે કહ્યો. (પૃ.૩૪-૩૫, 'વહેતાં વૃક્ષ પવનમાં' માંથી)
'વાવેતર' પર રાજ કરવાના ગુમાનમાં ચાડિયાએ સઘળું ગુમાવ્યું. જીવંત પશુ-પંખી સમેત સહુથી દૂર થયો. મોરના સાદે આવેલા વરસાદે ચાડિયાને ભીંજવ્યો તો ખરો જ પણ તેના અહમનેય ઓગાળીને માટી સાથે ભેળવી છોડના રૂપમાં પુનઃજીવિત કર્યો અને એ ઈતિહાસ ચાડિયાએ મોરને કહ્યો એ વાત નાટ્યાત્મક ચમત્કૃતિ સર્જે છે. 'ચાડિયાપણું' ગુમાવવાની તત્પરતા હોય ત્યારે છોડની સજીવતા અને જીવની (મોર) સંવાદિતાનો યોગ રચાય છે. કૃષકકવિને જ સૂઝી શકે તેવી કલ્પના સાથેની આ કવિતામાં એક નાની કથાનો પણ આસ્વાદ મળે છે.
કવિ તરીકે રઘુવીર ચૌધરીને પ્રસિદ્ધિ મળી 'ફૂટપાથ અને શેઢો' કાવ્યસંગ્રહથી. આ સંગ્રહમાં 'ક્યારા વાળુ ને ', 'ફૂટપાથ અને શેઢો', 'સૂકું ખેતર અને ટહુકો', ઘઉંના ખેતરમાં', 'રાઈનાં ફૂલ' જેવી કવિતાઓમાં રઘુવીર ચૌધરીની કૃષિકવિ તરીકેની મુદ્રા ઉપસે છે. ખેતીના કામ સાથે વણાયેલી પરિસ્થિતિઓ અને પદાવલિઓનો સંયોગ કાવ્યાત્મક રીતે કરી કવિતા સિદ્ધ કરવાનો સર્જકીય ઉદ્યમ રઘુવીર ચૌધરીએ કર્યો છે.
આ કવિતાઓની કેટલીક પંક્તિઓ ઉદાહરણ રૂપે જોઈએ :
• ' હું તો ક્યારા વાળુ
ને ડાળ છાંયો ધરે.....
હું તો નીકો ખોળું
ને કેવું કૌતુક ભાળું.....' (પૃ.૩૦, 'ફૂટપાથ અને શેઢો' માંથી)
• 'ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું.' (પૃ.૬૯, 'ફૂટપાથ અને શેઢો' માંથી)
• 'સૂકું ખેતર ખેડતાં પહેલાં
ઈંડાં શેઢે મૂકવા ધારું ત્યાં યાદ આવે :
આદમીનાં અડકેલાંને ઢેલ સેવે નહીં,
તો શું કરું ?
ભલે પડી રહે પડતર આ આખું ખેતર,
મોરના સાદે વરસાદ આવે કે ન આવે,
મને ટહુકો તો સાંભળવા મળશે. (પૃ.૭૨, 'ફૂટપાથ અને શેઢો' માંથી)
• ઘઉંની ઊંબીમાં
લીલા દાણા ભરાશેજેમ માતાની છાતીમાં દૂધ.
સોનેરી રંગ આખા ખેતરમાં લહેરાશે,
મલકાશે તારી અગાસી ! (પૃ.૭૩, 'ફૂટપાથ અને શેઢો' માંથી)
• સરસવ અને રાઈના છોડને
પાનખર હોતી નથી.
ફૂલ એક સવારે ઝાકળ ઓઢીને
લીલા દાણામાં સમાઈ જાય છે... (પૃ.૭૯, 'ફૂટપાથ અને શેઢો' માંથી)
આમ, રઘુવીર ચૌધરીની કવિતાઓમાં કૃષિસંસ્કાર વિશેષ પરિમાણ બનીને ઊઘડે છે. કૃષિપદાવલિઓનો આવો કાવ્યાત્મક વિનિયોગ ગુજરાતી ભાષાના બહુ ઓછા કવિઓ કરી શક્યા છે. આ કવિતાઓમાં પ્રયોજાયેલ આ શબ્દાવલી અનુભવજન્ય હોવાને કારણે પ્રતીતિકર બની છે. વળી, કાવ્યગત સંવેદનને ઉચિત ઘાટ આપવામાં આ શબ્દોએ અસરકારકતા સિદ્ધ કરી છે. આ કવિતાઓમાં પ્રયોજાયેલા આ શબ્દો ક્યાંક સંજ્ઞા, ક્યાંક વિશેષણ, ક્યાંક ક્રિયાપદ,કે ક્યાંક નામપદના રૂપમાં કારગત નીવડ્યા છે. રઘુવીર ચૌધરીની કવિતાનો ભાવસંક્રમણનો ગુણ આ કૃષિપદાવલિને આભારી છે એવું કહેવું અનુચિત નહિ ગણાય. રઘુવીર ચૌધરીની કવિતામાં આ કૃષિપદાવલિઓ કૃષિ પરિવેશને જીવંત બનાવી ઉપસાવે છે. ગીત અને અછાંદસ કવિતામાં મુખ્યત્વે પોતાની કૃષિગત ઊર્મિઓને રઘુવીર ચૌધરી આલેખે છે. આ પદાવલિનું રઘુવીર ચૌધરીની કવિતામાં હોવું આકસ્મિક કે કૃત્રિમ નથી. ભાવ-સંવેદનની ગતિમાં સહજક્રમમાં કવિની તળવાણી કૃષક સંસ્કારો લઈને પ્રગટી છે. ક્ષેત્રકાર્યને જીવન સાથે જોડી મૂલ્યોનું વાવેતર કરતાં આ કવિ પોતાની આ કૃષિપ્રીતિની કવિતાથી ધન્ય છે.