Download this page in

ઝંખના

રક્તના એકે એક બુંદમાં
ઘોળાઈને પરિપક્વ
બનેલી વ્યથાઓ
ફૂટી નીકળી છે રૂંવે રૂંવે ,
વૈશાખી બપોર હોય
ને
એમાંય અનંત
પ્રસરાયેલા રણ-વચાળે
પ્યાસા હોઠ વલવલતા હોય
એવી જ હાલત છે રોમેરોમની !!
આંખો જેવું હોય તો હું રડું ને ,
હવે
છે બધું અંધકારમય ,
છે હા પ્રલયમય...
અગણિત અરમાનોના ડુંગરા
નિસ્તલ રણની રેતી બનવા
આતુર બન્યા છે .
મૃત્યુને કિનારે
નિષ્ક્રાન્ત જિંદગીય
થતી જાય છે શૂન્યસ્થ !
હું
થઈ જાઉં નામશેષ
એ પહેલાં
તું પાસે આવીને
બે શબ્દો
વહાલના સંભળાવ ,
હે આથમેલ અંશ .....
નહિતો
મૃત્યુ બાદ પણ
તરફડતો રહીશ
નિશિત, નિ:શબ્દ બની
લીલાંછમ્મ શબ્દો કાજે ........!!

શબ્દાર્થ
- નિસ્તલ - તળિયા વિનાનું
- નિષ્ક્રાન્ત - ચાલ્યું ગયેલું ,નીકળી ગયેલું
- નિશિત -તીક્ષ્ણ