Download this page in

લોકનાટ્ય ભવાઈની વિશેષતાઓ



ભવાઈ ગુજરાતનું લોકનાટ્ય છે.એક જમાનામાં ભવાઈનાં માધ્યમથી જ પ્રજાનું મનોરંજન અને શિક્ષણ (લોકઘડતર) થતું હતું.ભવાઈવેશ ભજવવા આવતા ભવૈયાની રાહ જોવાતી.ભવાઈમાં અનેક કલાઓનો સંગમ થયેલો હોય છે. ગાયન, વાદન અને નર્તનકળાની ત્રિવેણી ભવાઈમાં એકરૂપ થઇને પ્રજાજીવનને અભિનયકલાનો અચ્છો પરિચય કરાવવામાં ભવાઈ સ્વરૂપે કોઈ કચાશ રાખી નથી. ભવાઈના વેશોનું કથાવસ્તુ ધાર્મિક પૌરાણિક ઉપરાંત સામાજિક ઐતિહાસિક પણ છે.

ભવાઈનો રચનાકાર અસાઈત હોવાનું મનાય છે. પરંતુ સાથે સાથે એ પણ કહી શકાય કે આ સ્વરૂપ કઈ એક જ દિવસમાં જન્મ્યું અને વિકસ્યું હશે એમ માની શકાય તેમ નથી. ભવાઈ અનેક પરંપરાનો સંગમ છે. અસાઈતે ૩૬૦ જેટલા વેશ લખીને ભવાઈને વ્યવસ્થિત કરી છે. અસાઈતનો સમય ચૌદમી સદીનો છે. ચૌદમી સદીથી આ સ્વરૂપને વ્યવસ્થિતતા સાંપડી અને આજપર્યંત એનું મૂલ્ય ઓછું થયું નથી. આજે ભવાઈ શાસ્ત્રીય ગણાય છે. એની ભજવણી કરનારા કલાકારોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી રહી છે.

અસાઇતે ભવાઈવેશોની રચના કેમ કરી એનો પ્રસિદ્ધ કિસ્સો છે.અલ્લાઉદ્દીનનું શાસન જયારે દિલ્હીમાં હતું ત્યારે એનો સરદાર જહાનરોઝ ગુજરાત પર ચડી આવ્યો હતો.આ સમયે ઊંઝાના હેમાળા પટેલની સ્વરૂપવાન પુત્રી ગંગાનું તેણે અપહરણ કરેલું.આ સમયે અસાઈત ઠાકરે હેમાળા પટેલની મદદ કરવા માટે તેની પુત્રીને છોડાવવા તે સરદાર પાસે જાય છે અને એને રીઝવી ગંગાને છોડવાની માંગણી કરે છે.એ વખતે આ તમારી જ પુત્રી છે એવું સાબિત કરવા માટે અસાઈતને ગંગા સાથે ભોજન કરવાનું કહેવામાં આવે છે.અસાઈત ભોજન કરવા તૈયાર થાય છે. ગંગા-અસાઈતે સાથે ભોજન કર્યું.આ ઘટનાથી બ્રાહ્મણ જ્ઞાતિએ અસાઈતને વટલાયેલો ગણ્યો અને નાતબહાર મુક્યો.કણબી જ્ઞાતિએ તેને વંશપરંપરાગત અમુક હક્કો લખી આપ્યાં.અસાઈતનું કુટુંબ તરગાળા તરીકે ઓળખાયું.પછીથી તેણે ભવાઈ સ્વરૂપને વ્યવસ્થિત કરી ૩૬૦ વેશ લખ્યાં.

ભવાઈ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિવિધ મતો છે.શ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું છે : ‘ભવ: એ શિવનું નામ છે.કેટલાક ધારે છે કે એ પરથી ભવાઈ શબ્દ ઉત્પન્ન થયો હશે ને એનો અર્થ શિવની રમત કહીએ તો ચાલે.ભવાયા કહે છે કે અમને અંબા ભવાનીએ હુન્નર શીખવ્યો ને અસલ ભવાની આગળ એ નાચ થતો ત્યારે કદાપિ ભવાની ઉપરથી ભવાઈ શબ્દ થયો હશે.

હરિવલ્લભ ભાયાણી કહે છે કે:
‘ભવાડવું એટલે પસંદ કરવું. શોભા વધારવી અને તેના પરથી ભવાઈ શબ્દનો અર્થ ભપકો કે શોભા-સજાવટ થઈ શકે છે.’

શ્રી જયશંકર સુંદરીએ જુદી જ વાત રજુ કરી છે:
‘ભવાઈની વ્યાખ્યા ભવની વહી – જગતનું જમાઉધાર પાસું એવી કરવામાં આવે છે. મનુષ્યજીવનની પુણ્યપ્રવૃત્તિ અને પાપવૃતિ એમ બંનેનું ચિત્ર તેમાં દોરેલું છે. એમ વ્યાખ્યા ઉપરથી સમજાય છે.’

ડો. સુધાબેન દેસાઈએ કહ્યું છે કે :
‘ ભાવન એટલે ભક્તિ અથવા ગુણગાન કે લીલા વિસ્તાર’

આ ભાવન શબ્દ ભવાઈમાં ઘણે સ્થળે વપરાયેલો જોવા મળે છે. માંડણ નાયકે પોતાની રચનાઓને ભાવન કહી છે.આપણે ત્યાં ભાવન ભજવે તે ભાવક કહેવાય છે. તે જ રીતે ભવાઈ ભજવે તે ભવૈયો. ભવાઈને શક્તિપૂજા સાથે પણ સંબંધ છે.નવરાત્રિમાંપણ ભવાઈ ભજવાય છે.એનો અર્થ એ થાય કે ભવાઈ અંબા માતાના ચાચરમાં થતું ભાવન છે.

રતિલાલ નાયક કહે છે:
‘ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને,રંગમંચની પણ પરવા ન કરીને,પ્રેક્ષકો સાથે તાદાત્મ્ય સાધીને,પ્રેક્ષકગણની વચ્ચે વર્તુળાકાર જગ્યા આંતરી તેમાં સંગીત નૃત્ય અને સંવાદ વડે વણાયેલા વિવિધ પ્રસંગો ભજવવાની ક્રિયાને ‘ભવાઈ’નામ અપાયું છે.’

ભવાઈમાં ઓછામાં ઓછી સાધનસામગ્રીનો ઉપયોગ થાય છે.ભવાઈ ભજવવા માટે બે વાંસડા ખોડી એકાદ લાઈટ લગાવવામાં આવે છે.એક પડદો બાંધવામાં આવે છે.જેમાં પાછળ પાત્રો ઊભા રહે છે.ગામના ચોકમાં બહુધા ભવાઈ ભજવાય છે.જુદાં જુદાં પાત્ર ભજવતા પાત્રો જરૂર પૂરતી સામગ્રીનો ઉપયોગ કરે છે.સંગીતના સાધનોમાં ભૂંગળ,તબલાં,હાર્મોનિયમ,કાંસીજોડાંહોય છે.પ્રેક્ષકો પણ વધુ સામગ્રીની અપેક્ષા રાખતા નથી.

ભવાઈનું સ્વરૂપ એક વિશિષ્ટ સ્વરૂપ છે.ભવાઈ અનેક લાક્ષણિકતાનો સંગમ છે.ભવાઈ લોકશિક્ષણનું એક અસરકારક માધ્યમ હતું.ભવાઈ કરનારા લોકો ગામડે ગામડે ફરતા ત્યારે તેમની પાસે લોકજીવનનો વ્યાપક અનુભવ રહેતો.સમાજની ચડતી-પડતી ,ઘરઘરની સારી-નરસી બાબતોથી એ પરિચિત રહેતાં.ગામેગામના પ્રેક્ષક વર્ગની નાડ ભવાઈ કરનાર જાણતાહોય છે.અસાઈત ઠાકરે પોતાના વેશો દ્વ્રારા સમાજસુધારણાને પ્રોત્સાહન મળે એ માટેનો પ્રયત્ન કરેલો જણાય છે.પ્રજાનાં વહેમો,કુરિવાજોનો ચાચર ચોકમાં ખુલ્લા પાડી એનાં અનિષ્ટો પ્રત્યે પ્રજાનું માનસ જાગરૂક કરવાનો પ્રયત્ન ભવાઈમાં થયો છે.

ભવાઈ સ્વરૂપને હાસ્ય સાથે નિકટતમ સંબંધ રહ્યો છે.હાસ્ય વિના ભવાઈ અધૂરી ગણાય.ભવાઈની સૃષ્ટિમાં હાસ્યને માનભર્યું સ્થાન મળ્યું છે.ભવાઈ સાથે પ્રજાને જોડી રાખનાર હાસ્યરસ છે.ભવાઈ જોવા આવતા લોકોને હાસ્યની વિશેષ અપેક્ષા રહેતી.ભવાઈમાં રંગલો સૌથી અગત્યનું પાત્ર ગણાય છે. રંગલાને અમારા વિસ્તારમાં ‘ફારસિયો’ કહેતા.આ ફારસિયાને આધારે જ ભવાઈ મંડળીની કિંમત થતી.જો ફારસિયો શબ્દને યોગ્ય રીતે બહેલાવી જાણનાર હોય તો લોકોને મજા પડે.ભવાઈનું હાસ્ય વિશેષ તો શબ્દરમત ઉપર નિર્ભર હોય છે.પ્રાસનું તત્વ એમાં વિશેષ હોય છે. જુદી જુદી અંગભંગીમાઓ પણ હાસ્ય જન્માવામાં કારણરૂપ બને છે.રંગલાનું પાત્ર ભવાઈમાં ગમે ત્યારે પ્રવેશ કરી શકે છે.એ ગમે તેને સત્ય પણ સંભળાવે.એનું સાચાબોલાપણું અને આખાબોલાપણું લોકોને હાસ્યમાં તરબોળ કરે છે.મુખ્ય વેશની વચ્ચે વચ્ચે પણ આ રંગલાને રજૂ કરવો પડે જેથી પ્રેક્ષકોનું મનોરંજન થઈ શકે.ભવાઈમાં રંગલો વિવિધ બેહૂદા પાત્ર ભજવે છે.તેની પાસે વાચિક અને આંગિક અભિનયની વિશેષ અપેક્ષા રહે છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ આ રંગલો વધુને વધુ છૂટછાટ લેતો ગયો.પ્રજાને રીઝવવાની લાલચમાં ચાચર ચોકમાં જ બીભત્સ ચેનચાળા અને અશ્લીલ સંવાદોની ભરમાર શરુ થઈ.જે ભવાઈ એક સમયે મંદિરમાં ભજવાતી તેનાથી સમાજનો અમુક વર્ગ દૂર થયો અને તે પાદર સુધી પહોંચી ગઈ.

ભવાઈના મૂળ વેશોમાં પણ ઘણી જુદી જુદી જાતનું ઉમેરણ થયેલું જોવા મળે છે.ભવાઈમાં વચ્ચે વચ્ચે આવતાં ગીતો પણ ભવાઈની આગવી શોભા ગણાય છે.ગણપતિની સ્તુતિ હોય કે શક્તિ ઉપાસનાનાં ગરબા હોય કે પછી કથાને અનુરૂપ પ્રાસંગિક ગીતો હોય એ બધું ભવાઈમાં ગવાય છે.એમાં કેટલીક પ્રાસબદ્ધ રચનાઓ પણ આવે.મેં જે ભવાઈ જોઈ છે એમાં ‘હમચૂડું’ આવતું.આ હમચૂડામાં જે તે વ્યકિતને બાર બાર સ્ત્રી હોવાની વાત કહેવામાં આવે અને એ સ્ત્રી કોઈ શારીરિક ખોડખાંપણ ધરાવતી (દિવ્યાંગ) સ્ત્રી હોય.આ સ્ત્રીની માંગણી વિચિત્ર હોય.પગ ન હોય એ સ્ત્રી કડલાં માંગે,આંખ ન હોય એ સ્ત્રી કાજળ માંગે.આ ગવાતું ગીત કોઈ વ્યક્તિ વિશેનું હોય જેને એ વ્યકિત વધારે પૈસા આપીને કટ કરાવે અને પછી બીજી વ્યકિતના નામ સાથે ગીત શરુ થઈ જાય.ગામલોકોને મનોરંજન મળે અને એકબીજાની મશ્કરી કરવાનો નિર્દોષ આનંદ મળે.ભવાઈમાં મનોરંજન માટે ફારસિયો ડોશીમાની વાત પણ માંડે છે. આ ડોશીમાની વાત ફરમાઇશથી રજૂ થતી.ડોશીમાની વાત બીભત્સ અને હાસ્ય રસના મિશ્રણથી યુક્ત રહેતી. આ વાતનું કથાનક એ પ્રકારનું હોય છે કે જેમાં એક ડોશી તેના પતિ સાથે શહેરમાં જાય છે.તેની આ પહેલીવારનાં અમદાવાદ યાત્રાના અનુભવોને તે બહેલાવીને રજૂ કરે છે. આ સંવાદમાં ગ્રામ અને શહેરી જીવનની ભિન્નતતાને કારણે જે જે અગવડો પડે છે તેને રજૂ કરવામાં આવે છે.ભવાઈમાં આવી વાર્તાઓનું પ્રેક્ષકોને ખુબ જ આકર્ષણ રહેતું. આ વાર્તામાં વીસ રૂપિયા કેવી રીતે વપરાયા તેની વિગતો પણ આવે. જેમાં રૂપિયા વધ્યા વીસ; ભાગી ખાટલાની ઈસ,રૂપિયા વધ્યા ઓગણી, ઘરમાં પેઠી જોગણી,રૂપિયા વધ્યા અઢાર;ગામમાં આવ્યા પઢાર;રૂપિયા વધ્યા સત્તર;ડોસા વાંસે પૂરી પત્તર એમ દરેક વખતે એક એક રૂપિયો વપરાયો એવી પ્રાસ રમતથી પણ લોકોનું મનોરંજન થતું.ભવાઈનું સ્વરૂપ જ એવું છે કે એમાં વચ્ચે વચ્ચે ઉખાણાં,સમસ્યા,છપ્પા,ભજન,દૃષ્ટાંત અને કહેવત છૂટથી ઉમેરાયાં છે.સ્થળ-કાળ અનુસાર એમાં પરિવર્તન લાવવામાં આવતું.પ્રેક્ષક પ્રમાણે ભવાઈ ભજવાતી.

ભવાઈમાં કેટલીક વિશિષ્ટ રચનારીતિ છે.ખાસ કરીને ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વગાડીને કરવામાં આવતી.ગણપતિનો વેશ પ્રારંભે રજૂ કરવામાં આવે. જેમાં એક પાત્ર ગણપતિ બનીને હાથમાં ઊંધી થાળી લઈ આવે.આ થાળી ઉપર સ્વસ્તિક દોરેલો હોય.એ પછી કાળકા માતાનો વેશ પણ આવે.આ વેશમાં પતઈ રાજાના પતનની કથા અને ગરબો રજૂ થાય.એ પછી કોઈ વેશ રજૂ થાય.સમય જતા ભવાઈનાં વેશોની જગ્યાએ સામાજિક નાટકોનું કથાનક પણ ભવાઈમાં રજૂ થવા લાગેલું.ભવાઈના રંગમંચ સાથે ભવાઈ કરનાર ભવૈયાનો ભાવનાત્મક સંબંધ રહેતો.ભવાઈ શરુ થતા પહેલા નાળિયેર વધેરવામાં આવે.ભવાઈમાં આવણું હોય છે. આ આવણું એટલે પાત્રનો પડમાં પ્રવેશ થવાનો હોય કે વેશ શરુ થતાં ગીત વગેરે દ્વ્રારા પાત્રનો પરિચય કરાવવાનો હોય ત્યારે જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તે.

ભવાઈ કરનાર લોકો પાસે સામગ્રી ઓછી હોય અને છતાં એની અસરકારકતા ઘણી રહેતી.મોટે ભાગે તો ખભા ઉપર લઈને એક ગામથી બીજે ગામ જઈ શકાય એટલી સામગ્રી રહેતી.ભવૈયાઓ જે તે ગામમાં જઈ ખૂટતી સામગ્રી મેળવી લેતાં.કોઈકને ત્યાંથી વસ્ત્રો માંગે,જમવાનું બનાવવા માટે તો સીધું તો ગામલોકો તરફથી મળી રહેતું.ખૂટતી વસ્તુઓ મેળવી આપવામાં રંગલો બહુ મદદ કરતો.રંગલાની રમૂજ ભરેલ માંગણીને કોઈ ભાગ્યે જ મના કરતું.ભવાઈના રંગમંચને ખાસ કોઈ સજાવટની જરૂર ન પડતી.ભવાઈ કરનાર લોકો પાત્ર પ્રમાણેના વસ્ત્રો પહેરતાં.રંગમંચની કોઈ સજાવટ કરવામાં ન આવે. પ્રેક્ષકો પણ એવી કોઈ અપેક્ષા રાખતા નહિ.

ભવાઈમાં ગીત-સંગીત નૃત્યનો ભારે મહિમા થયેલો છે.ભવાઈ વેશનો આરંભ ભૂંગળ વાગવાથી થાય.ભૂંગળ વિનાની ભવાઈ સંભવે જ નહિ.તબલાં,કાંસીજોડા,ઢોલ,હાર્મોનિયમ વગેરે સાધનોનો ઉપયોગ પણ ભવાઈમાં થતો.સંગીતની સાથે સાથે ભવાઈમાં નૃત્યનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ થતો.તત્ થા તત્ થા ઠેકાઓ ઉપર ભવાઈના બોલ બોલાય અને એ પ્રમાણે ભવાઈની રમઝટ જામે.માતાજીનો ગરબો આવે ત્યારે તો બધાં જ પાત્રો ગરબે રમવા મંડી પડે.રંગલાનું તો પ્રત્યેક પગલું નૃત્યના લયમાં જ ઉપડે. ભવાઈમાં વચ્ચે વચ્ચે ગીત રજુ કરવાનો ચલ આવેલો. એ ગીત નૃત્ય સાથે જ રજૂ થાય છે. આ ગીતો ફરમાઇશથી રજૂ કરવામાં આવે છે.

ભવાઈ ભજવનાર લોકોનું એક ટોળું હોય છે. આ ટોળામાં દસેક માણસો હોય. ઓછાં વધારે હોઈ શકે. આ ટોળામાં એક વેશગોર હોય છે જે મંડળનો મુખ્ય નાયક છે. પુરુષ પાત્રોની ભૂમિકા ભજવનાર છથી સાત મૂછબંધ હોય છે. બે-ત્રણ કાંચળિયા હોય છે જે સ્ત્રીનું પાત્ર ભજવે છે. એક ભગત હોય છે જે ડાગલો,વિદૂષક,જૂઠણ,રંગલો,હસાઉલો,નટાવો,ફારસિયો વગેરે બને છે.વાદ્યકારોમાં બે ભૂંગળીયા એક તબલચી હોય છે.બધાનું કામ કરનાર એક કામગરો પણ હોય છે.ભવૈયાનો ગરાસ હોય છે.જે ગામ તેમના હોય ત્યાં જઈ ભવાઈ કરે છે.તેમના યજમાન તરફથી તો તેમને બક્ષિશમળે જ છે.ગામનાં બીજા લોકો પણ તેમને યથાશક્તિ ફાળો આપી રાજી કરે છે.એક ગામમાં ભવૈયાનો બે-ત્રણ દિવસ પડાવ રહે.મોટું ગામ હોય તો ચાર-પાંચ દિવસ પણ પડાવ રહે. દરેક દિવસે જુદી જુદી રીતે મનોરંજન થાય.ભવૈયાને દરેક ગામના આગેવાનોનો ગાઢ પરિચય થઈ જાય છે.યજમાનોનો પણ ગાઢ પરિચય થઈ જાય છે.કોણ કેટલું આપી શકે તેમ છે એ તેઓ જાણતા હોય છે અને એ પ્રમાણે આગ્રહ પણ કરતા હોય છે.

ભવાઈ કરનાર લોકોની દિનચર્યા જુદી હોય.રાત્રે તે ભવાઈનો વેશ ભજવી લીધા પછી જમે છે.ભવાઈ શરુ થતા પહેલા તે તૈયાર થાય છે. સ્ત્રી પાત્રો ભજવનારા ભવૈયાઓ વહેલા તૈયાર થવા લાગે છે. સ્ત્રી તરીકે તૈયાર થતો ભવૈયો સ્ત્રીનો વેશ આબેહુબ ભજવે છે. એનો પહેરવેશ અને એનો શણગાર અદભુત હોય. પુરુષ પાત્રો પાસે પણ જુદા જુદા પહેરવેશ સુંદર હોય છે. મનમોહક પહેરવેશથી એમના પાત્રને સારો ઉઠાવ મળે છે. રંગલાની વેશભૂષા વિચિત્ર હોય છે.ભવાઈ ગામડામાં રાત્રે ૯:૦૦ થી ૧:૦૦ સુધીના સમયમાં સામન્ય રીતે ભજવાતી.

ભવાઈમાં ગીતો અને પધમય સંવાદોની બોલબાલા રહેતી. ‘ઝંડાઝૂલણનો વેશ’માં આવતું આ ગીત જુઓ:
‘ગોરમા,આ તે શો અવતાર
કે અબલા જાતનો રે
સોળ વરસની રાજ હું સુંદરી
મારો એંશી વરસનો ભરથાર
મને જોડું વિધાતા એવું મળ્યું
મારો એળે ગયો અવતાર
ગોરમા,આ તે શો અવતાર
કે અબળા જાતનો રે.’

કયારેક ભવાઈ વેશમાં લગ્નગીત પણ ગવાય. ‘જસમા’ના વેશમાં આવતું આ લગ્નગીત જુઓ:
‘પહેલા પહેલા મંગલ વરતાવો રે,મારી જસમાનાં લગન લેવાય
બીજા બીજા મંગલ વરતાવો રે મારો પરણે રૂડીયો રામ
ત્રીજા ત્રીજા મંગલ વરતાવો રે માડીને હૈયે હરખ ન માય
ચોથા ચોથા મંગલ વરતાવો રે,જસમા પરણીને સાસરે જાય.’

ગીતની સાથે સાથે પદ્યમાં સંવાદ પણ આવે. ‘જસમા’નો આ સંવાદ જુઓ:
રાજા :જસમા,તારે ખોદવી કાં માટી રે બનો મારી રાણી રે
જસમા :મને ગમે મારી માટી રે નથી બનવું મારે રાણી રે.
રાજા : જસમા,તને શીરો ને સેવ આવા રોટલા ન ખાવા રે.
જસમા :શીરો ને સેવ રાણીને સોહાય અમને ભલા છે રોટલા રે.

ભવાઈની આજની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે દુઃખ થાય એવી સ્થિતિ છે.આજે ભવાઈ કરનાર લોકો પોતાનો વંશપરંપરાગત વ્યવસાય છોડીને અન્ય વ્યવસાયમાં જોડાઈ રહ્યાં છે.ટી.વી. અને સેલફોનના આ યુગમાં મનોરંજન હવે હાથવગું બન્યું છે ત્યારે ભવાઈને પ્રેક્ષક વર્ગ ક્યાંથી લાવવો એ સૌથી મોટી સમસ્યા છે.ભવાઈને બચાવવામાં સરકારનું વલણ પણ ઉદાસીન રહ્યું છે.ભવાઈને લોકાશ્રય મળતો બંધ થયો છે પરિણામે ભવાઈ જેવું સશક્ત માધ્યમ આજે અશક્ત બન્યું છે એ ચિંતાનો વિષય છે.ભવાઈ આજે ક્લાસિકલ સ્વરૂપ બનીને રહી ગયું છે.ભવાઈ સાથે સાંસ્કૃતિક સંદર્ભ જોડાયેલો હતો.એક મૂલ્યવાન માધ્યમ આપણે ગુમાવ્યું એનો ખેદ પણ જોઈએ એવો કોઈને થયો નથી.ભવાઈ સાથેનો આ અભિગમ આપણું નીચાજોણું છે.આજે તો ગુજરાતી ભાષા ઉપર જ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે ત્યારે ભૂંગળનો અવાજ કોણ સાંભળે ?

સંદર્ભગ્રંથ:

1. લોકનાટ્ય-ભવાઈ,કડકિયા,કૃષ્ણકાન્ત,પ્રકા.ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૯,૧૯૯૦,પહેલી આવૃત્તિ
2. વિવેચનની વાટે, નાયક, રતિલાલ, પ્રકા.આદર્શ પ્રકાશન, અમદાવાદ-૧, ૧૯૮૩, પ્રથમ આવૃત્તિ