ધોડિયા સમાજની લૌકિક પરંપરા : ઉજવણાં
જીવનમાં જન્મ એ જેમ આંનદનો પ્રસંગ છે, તેમ મૃત્યુ એ આરામ-વિશ્રામનો અવસર છે. જન્મ અને મૃત્યુ વિશે વિશ્વનાં માનવસમુદાયમાં વૈવિધ્યસભર સાંસ્કૃતિક સંસ્કાર જોવા મળે છે. પરાપૂર્વથી આ કરૂણમંગલ ઘટનાને માનવી સાંસ્કૃતિક દરજ્જો આપીને એની પ્રતિષ્ઠા કરતો આવ્યો છે. આદિવાસી સમુદાયમાં પણ મૃત્યુ જેવી કરૂણ ઘટનાને અન્ય માનવ સમુદાયની જેમ અનોખા સાંસ્કૃતિક મોભા સાથે નિભાવવાની પરંપરા પ્રવર્તે છે. આદિવાસી સમાજોમાં પણ ધોડિયા સમાજમાં મૃત્યુની પ્રતિષ્ઠા કરવાનો એક અસાધારણ રિવાજ છે, ઉજવણાં.
ઉજવણાં એટલે એક જ કુળના સમુદાય દ્વારા દર બે વર્ષે, એ બે વર્ષની અંદર મૃત્યુ પામેલાં વ્યક્તિઓની સામૂહિક રીતે કરવામાં આવતી મૃતાત્માના ઉદ્ધાર માટેની પરંપરાગત વિધિ. ઉજવણા ફક્ત ધોડિયા આદિવાસી સમાજમાં જ અસ્તિત્વ ધરાવતો રિવાજ છે. આ પ્રસંગને ધોડિયા લોકબોલીમાં ‘ઉજવણે ધરુંને આહે’ એમ કહેવામાં આવે છે. સમય જતાં ઉજવણા માટે પર્યાય ‘પરજણ’ શબ્દ રૂઢ થયેલો જોવા મળે છે.
ધોડિયા સમુદાયમાં પરંપરિત રીતે વર્ષના બાર મહિના પૈકી ‘મહા’ મહિનામાં જ ‘ઉજવણા ધરવામાં’ આવતાં, તેથી મહા મહિનો આ સમુદાય માટે ખૂબ અગત્યતા ધરાવે છે. મહા મહિનો આવે તે પૂર્વે કુળના પ્રમુખ આગેવાનો તથા સભ્યો ઉજવણા ધરવાનો દિવસ નક્કી કરવા ભેગા થાય છે. આ પર્વ માટે શુક્લપક્ષ[ચાંદરણું હોય તેવો દિવસ]કે પૂનમની આસપાસનો વખત પસંદ કરવામાં આવે છે, રહેવા માટે પ્રાકૃતિક સ્થળ[નદી-કિનારાની આસપાસનો વિસ્તાર]અને થનાર ખર્ચ માટે કુટુંબદીઠ આર્થિક ફાળો ઉઘરાવવામાં આવે છે. ઉજવણાં માટેના દિવસની ચોક્કસ ગણતરી કરવા શણની દોરી વણી તેમાં ગાંઠ મારવામાં આવે છે જેને ધોડિયા લોકબોલીમાં ‘ગાંઠન પડ્યા’ કહે છે. ઉજવણાં માટેનો જે દિવસ ખચીત કરવામાં આવ્યો હોય એટલી ગાંઠ શણની દોરીમાં પાડી દરેક કુટુંબના મુખ્ય સભ્યોને એક-એક દોરી આપવામાં આવે છે અને આ દોરીમાંથી દરરોજ એક-એક ગાંઠ છોડવાની આજ્ઞા આપવામાં આવે છે,છેલ્લી ગાંઠ છોડતાં આજે ઉજવણાનો દિવસ છે એની સ્વાભાવિક રીતે ખાતરી થતી.આ પદ્ધતિ ધીમે-ધીમે ભૂંસાતી જાય છે. હવે શિક્ષણના પ્રતાપે આ આદિવાસી સમુદાય ઝડપથી દિવસની ગણતરી કરી નાંખે છે અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે તે દિવસને સરળતાથી યાદ પણ રાખી શકે છે. પણ, પહેલાના સમયમાં દિવસ ગણવાની ને તેને યાદ રાખવાની આ અનક્ષર આદિવાસી- સમાજની સૂઝ કેટલી પ્રમાણિક હતી? અદ્યાવધિ લોકજીવનની આ પ્રણાલીને પરંપરાની રીતે ચાલું રાખતાં કેટલાંક કુળ નજરમાં આવે તો એ ગૌરવાન્વિત છે.
દરેક કુટુંબમાં પ્રાતઃકાળથી જ ઉજવણાંની તૈયારી શરૂ થઈ જાય છે. ખાસ કરીને જે કબીલામાં પ્રિયજનનું નિધન થયું હોય ત્યાં સવારે ‘હાથ ધોવડાવવાની’[જમાડવાની ક્રિયા]વિધિ થાય છે. આ વિધાન માટે સગાંવહાલાં એકત્રિત થઈ મૃત વ્યક્તિના શોકમાં પાઘડી ઉતારે છે. ચાને વડનાં પાંદડામાં ભરીને છાક૧ પાડે છે.થોડી ચા અને વડનાં પાંદડાને છાપરી૨ એ મૃતાત્મા માટે મૂકી આવવામાં આવે છે ત્યારબાદ કુટુંબની એક વ્યક્તિ દરેકને હાથ ધોવડાવે છે અને સૌ સાથે ભોજન ગ્રહણ કરે છે.
સંધ્યાકાળે ઉજવણાં માટે નિયત કરેલાં સ્થળ પર એક જ કુળના સર્વે કુટુંબ પહોંચે છે. બધા પડાવ પાસે એકઠાં થઈ ‘ભંગું’ (નાનો માંડવો) પાડે છે. તે ભંગાને પુરુષ વર્ગ જ છાણથી લીપે છે ત્યારબાદ કુળમાં મૃત્યુ પામેલી વ્યક્તિની પ્રતિષ્ઠામાં અગાઉ જોઈ ગયાં એ રીતે સમૂહમાં ચાને વડનાં પાંદડાનો ઉપયોગ કરી ધોડિયા સમુદાયના આદ્ય વડીલો ધનાખાત્રી અને રૂપાખાત્રીને ઉદ્દેશીને ધોડિયા લોકબોલીમાં ભગત નીચે મુજબની ઉક્તિઓ બોલી છાક પાડે છે –
‘ ધનાખત્રી રૂપખત્રીયા નામની આજ છાક પડે...
કોયે વાઢી નાય માયરાં,
કોયે તોડી નાય માયરાં.
આમની ચિઠ્ઠી, ગુવાં ઉઠી, નવા પિતર આમનેલા...
અંગે ધરજા, બાંયે ધરજા, હાટે જાજા, નગરે જાજા,
દાળિયા, મમરા વેહ્ચી ખાજા.
જો પૂળ આજ કરીને વાડા વડીલાયા નામની છાક પડે...’
[ ભાવાર્થ: ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પડે/આ પૃથ્વી પર રહીને કોઈ કશું કરી શક્યું નથી (મૃત્યુને રોકી શક્યું નથી) /જેવું યમનું તેડું આવ્યું/તે જીવ મૃત્યુ પામ્યો/તે નવો પિતૃ તમારી પાસે આવ્યો છે,તેને તમારામાં સમાવી લેજો/વ્હાલપૂર્વક એમનો સત્કાર કરજો/બજારમાં જજો/નગરમાં ફરજો/દાળિયા અને મમરા વહેંચીને ખાજો/જે પણ આજે હયાત નથી એવા સ્વજનોના નામની છાક પડે.]
છાક પાડવામાં આવે ત્યારે પૂર્વજો તેમજ જેનાં ઉજવણાં કરવાના હોય તે વ્યક્તિના નામ બોલવામાં આવે છે, પછી ભંગાની અંદર બેસનાર કુળની એક વ્યક્તિ ખોબામાં ચોખા લઈ લીંપેલી જગ્યાએ મોટી પૂંજ મૂકે છે તેમાં એક રૂપિયોનો સિક્કો,થોડાં ફૂલ અને ચોખા નાંખી તે પૂંજ પર કરવો [માટીનો નાનો ઘડો] મૂકવામાં આવે છે આમ, અનુક્રમે દરેક પૂંજ ઉપર કરવામાં આવે છે. પછી એ સ્થાનથી થોડાં અંતરે બેસેલી સ્ત્રીઓને નક્કી કરેલાં વડીલો સૂચના આપવા જાય છે “ છેડો વાળી લિયા’’ એટલે સ્ત્રીઓ સ્વજનની યાદમાં થોડું રડી મનને હળવું કરી લે છે “ ઓગા રવા ”[શાંત થાવો]નો આદેશ મળતાં રડવાનું થંભી જાય છે આ તમામ ક્રિયા પછી સમૂહમાં રાત્રિનું ભોજન કરવામાં આવે છે, જમ્યા બાદ મોડી રાત સુધી ભજન, વ્યાખ્યાન અને સાધારણ સભા યોજવામાં આવે છે. આમ, ત્યાં એક દિવસનો રાતવાસો કરવામાં આવે છે.
બીજા દિવસે વહેલી સવારે જે કુટુંબમાં વ્યક્તિનું નિધન થયું હોય તેના વારસદાર પૈકી એક વ્યક્તિ સામૂહિક વિધિમાં બેસવાની તૈયારી કરે છે નદી-કિનારે ભગત કે બ્રાહ્મણ મારફતે કુળના મૃતાત્મા માટેની સારણક્રિયા થાય છે. આ વિધાનને અંતે વિધિમાં સામેલ તમામ સભ્યો પાણી ભરીને પીપળાનાં થડમાં ‘કરવો’ મૂકવા જાય છે, ત્યારબાદ સૌ સાધારણ સભામાં સહભાગી બને છે. જ્યાં કૌટુંબિક સમસ્યા વિશે ચર્ચા-વિચારણા કરી કુળના પ્રમુખ આગેવાનો દ્વારા યોગ્ય નિવેડો લાવવામાં આવે છે. આ સિવાય કારોબારી વ્યવસ્થા, મંડપમાં ફેરફાર, ભેટમાં આવેલ ચીજ-વસ્તુઓ આદિની નોધ રજૂ કરવામાં આવે છે. કુળનાં મંત્રીશ્રી તમામ સભ્યો વતી ફાળાની રકમ, દાનની રકમ અને ઉજવણા નિમિત્તે થયેલ તમામ ખર્ચ અંગેનું સરવૈયું રજૂ કરે છે. પછી બધા ‘પાંચ હગવાડી, પાંચ ગોવાટિયા, રામ... રામ..., રામ...રામ...’ બોલી પાધડી બાંધવાનો રિવાજ પૂરો કરે છે. અંતે સૌ સામૂહિક ભોજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે છે
વિશેષતા :
મહા મહિના દરમ્યાન ઉજવણાં આવતાં હોય તો આ સમુદાયમાં લગ્નને લગતાં સગપણ, વહેવાર, ચાંદલાવિધિ, લગ્ન અને કથા-કીર્તન વગેરે જેવા પ્રસંગો મોકૂફ રાખવામાં આવે છે.
ધોડિયા સમુદાય લગભગ પોણા બસોથી (?) વધુ કુળમાં વહેંચાયેલો છે. જેમાં કુળબહિર્લગ્ન પ્રથા પ્રવર્તે છે. ઉજવણાંનાં પ્રસંગ નિમિત્તે એક કુળના સદસ્ય પરિચયમાં આવે છે અને સમાજ- વ્યવસ્થા જાળવવામાં ઉપકારક નીવડે છે.
ઉજવણાંને લીધે કૌટુંબિક સમસ્યા, મૂંઝવણો, સામાજિક ઉત્થાન માટેના કાર્યોનું સામૂહિક રીતે સ્પષ્ટીકરણ થાય છે અને યોગ્ય નિરાકરણ મળી રહે છે.
આ પ્રસંગ આર્થિક રીતે નબળા વર્ગ માટે સહાયરૂપ બની રહે છે. ઓછા ખર્ચમાં તે પિતૃતર્પણની વિધિમાં ભાગ લઇ શકે છે.
ભયસ્થાન : ઉજવણાંમાં કરવામાં આવતી તમામ વિધિ ભગતની દેખરેખમાં થતી હવે તેનું સ્થાન બ્રાહ્મણોએ(કોઈએ બંધ બેસતી પાધડી પહેરવી નહીં)લીધું છે જેથી અસલ સંસ્કૃતિમાં કૃત્રિમતા અનુભવાતી જોવા મળે છે.
આમ, માનવજીવનની આ અનિવાર્ય મૃત્યુ પછીની પ્રણાલીને યોગ્ય સન્માન સાથે સંસ્કારોત્થ કરવાની ધોડિયા આદિવાસી સમુદાયની લોકસંસ્કૃતિની માન્યતા ખરેખર અદ્વિત્ય છે.
પાદટીપ :
છાક : મરણ પામેલી વ્યક્તિના સન્માનમાં સગાંવહાલાં ઘરમાં એકસાથે ઉભડક બેસી હાથમાં વડનાં પર્ણમાં ચા ભરી પ્રથમ પોતાના મુખની વિરુદ્ધ દિશામાં [ઉત્તરમાં હોય તો દક્ષિણ દિશા તરફ] જમીન પર થોડી ચાની ધાર પાડી મૃત વ્યક્તિને અર્પણ કરવામાં આવતી ક્રિયા. જેમાં એક જ કુટુંબના સ્વજનો ચાને પછી ગ્રહણ કરે છે, અન્ય સગાંવહાલાં માનપૂર્વક ભૂદેવને [જમીનને] અર્પિત કરે છે.
છાપરી : મૃત પામેલ વ્યક્તિની સ્મૃતિ સાથે જોડાયેલી ચીજ-વસ્તુઓને [કપડાં, ખાટલો, ગોદડા, સાદડી અને વાસણો વગેરે.] ગામના પાદરે મૂકવા માટેનું નિશ્ચિત સ્થાન.