Download this page in

પન્નાનાયકની "ફ્લેમિન્ગો"વાર્તાનો આસ્વાદ

ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક સમયગાળામાં નારીચેતનાને ઉજાગર કરતી ઘણી વાર્તાઓ મળે છે. જેમાં હિમાંશી શેલત, સરોજ પાઠક, કુન્દનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, બિંદુ ભટ્ટ, પન્ના નાયક, પન્ના ત્રિવેદી, મોનાપાત્રાવાલા, ભારતી ર. દવે, ઉષા ઉપાધ્યાય, પારુલ કંદર્પ દેસાઇ વગેરેએ નારી ચેતના-સંવેદનાને ઉજાગર કરતી વાર્તાઓ આપી છે. જેમાં પન્નાનાયકના વાર્તાસંગ્રહની શીર્ષક પામેલી વાર્તા 'ફ્લેમિન્ગો' વાર્તાનો આસ્વાદમૂલક અભ્યાસ કરવાનો ઉપક્રમ છે.

પન્ના નાયક એ ગુજરાતી ભાષાના પ્રથમ ડાયસ્પોરા નારીસર્જક વાર્તાકાર છે. મુંબઇમાં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ઇ.સ. 1956માં ત્યાંથી એ જ વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરે છે. ઇ.સ. 1960માં લગ્નગ્રંથીથી જોડાયા બાદ અમેરિકા સ્થાયી થતાં ત્યાં પણ ઇ.સ. 1973માં પુનઃ સાઉથ એશિયન સ્ટડીઝ સાથે એમ.એ. થયા. ઇ.સ. 1964 થી 2003 સુધી પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અમેરિકાની 'ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા'માં 'ફ્રેન્ડઝ ઓફ ફિલાડેલ્ફિઆ'માં અને 'ગુર્જરી ડાયજેસ્ટ'માં સતત સહયોગી રહ્યા. એમની કલમ વાર્તાકલાની સાથે સાથે નિબંધ અને કવિતાક્ષેત્રે પણ વિહરી છે. એમની પાસેથી 'પ્રવેશ' (1975), 'ફિલાડેલ્ફિઆ' (1981), 'નિસ્બત' (1984), 'અરસપરસ' (1989), 'આવનજાવન' (1991), 'ફ્લેમિન્ગો' (2003),'રંગઝરૂખે' (2004), 'ચેરીબ્લોસમ' (2004), 'અત્તર અક્ષર' (2010) સાહિત્ય સર્જન મળે છે. અહીં આપણે તેમની વાર્તા 'ફ્લેમિન્ગો'નો આસ્વાદ મૂલક અભ્યાસ કરીશું.

વિદેશી ભારતીયોની સંસ્કૃતિ, સભ્યતા અને પરિવેશભેદે પ્રકટતી ડાયસ્પોરિક,સંવેદના એ આપણી ગુજરાતી ચેતનાનો એક નવો જ પ્રદેશ છે. વિદેશમાં વસતી ગુજરાતી ભારતીય સ્ત્રીની સંવેદનાને નિરૂપતી આ વાર્તા નારીના મુક્તસ્વાતંત્ર્યને પ્રગટ કરે છે.

'ફ્લેમિન્ગો' વાર્તા વાર્તાસંચયનું શીર્ષક પામેલી અને જાણીતી વાર્તા છે. 'ફ્લેમિન્ગો' એટલે સુરખાબ, પંખી- જળચર, સંવનન માટે અનુકૂળ જગ્યાઓ પર ઋતું પ્રમાણે ઊડીને પહોંચી જતાં 'ફ્લેમિન્ગો'યાયાવર પક્ષીઓ છે. વાર્તાનું શીર્ષક પણ પ્રતીકાત્મક છે.

વાર્તાની નાયિકા આશા છે. તે એક બિઝનેસવુમન છે. તેને કંપનીના કામ અર્થે લંડન જવાનું થાય છે. લંડનમાં આશા 'આશા બળવંત શાહ'નો ન્યૂયોર્કનો ભાર છોડીને 'આશા ઉષાકાન્ત પારેખ' બનીને મહાલે છે. અહીં લેખિકાએઆધુનિક નારીની બોલ્ડનેસ ને રજૂ કરી છે.તો વિદેશની ધરતી પર મુક્ત થઇને પોતાના સંજોગો અને માનસિકતા પ્રમાણે આચરણ કરે છે તે રજૂ કર્યું છે.

વાર્તાનાયિકા આશાનો પરિસર નોંધવાથી વાર્તામાં વાતાવરણ કેવું સૂચક છે. એનો ખ્યાલ આપણને જોતાંવેંત આવે છે.

"આશાએ ઑફિસથી આવી ઘરમાં પ્રવેશી રોજની જેમ આન્સરિંગ મશીન ચેક કર્યું. રોજની જેમ મૅસેજ હતા. ખભેથી પર્સ ઉતારી ખુરશી પર લટકાવી. ટેઇપ રિવાઇન્ડ કરવા મૂકી.... આશાએ બિઝનેસ સૂટ ઉતાર્યો. બોબ્ડ વાળ પરથી રિબન કાઢી છૂટા કર્યા. કાંડે, ગળેથી આછાં ઘરેણાં ઉતારી ડ્રેસરમાં મૂક્યાં. ઊંચી એડીનાં શૂઝ કાઢી ક્લોઝેટમાં મૂક્યાં. લાંબા પગ લંબાવી પારદર્શકસ્ટોકિંગ ઉતાર્યાં. બ્રીફકેસ ખોલી અંદરથી યુનાઇટેડ એરલાઇનની ટિકિટ તપાસી જોઇ." (પૃષ્ઠ - 84)

અહીં આશા એક બિન્દાસ્ત યુવતીની ભૂમિકા ભજવે છે. અને કોઇની રોકટોક વિના પોતાના જીવનને માણે છે. આશા પરણેલી છે.વિમાનમાં બેસતાં જ નક્કી કરી લે છે કે લંડનમાં પોતે 'આશા બળવંત શાહ' નહિ, પણ 'આશા ઉષાકાન્ત પારેખ' બનીને મહાલશે ને તે એમ જ કરે છે. વિમાનમાં પોતાની બાજુની સીટ ઉપર કોઇ યુવાન પુરુષને બેસાડવા માટે ઝંખે છે. અને ત્યારે જ બાજુની સીટ ઉપરગોરો, ઊંચો ઓસ્ટ્રેલિયન યુવક પેટ્રિક સૉરેનસન એને મળે છે. બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે. અને પેટ્રિક તેનાથી આકર્ષાય છે. આમ, બંને જણે લંડન આવતા પહેલાં વિક્ટોરિયા સ્ટેશન પર બપોરે બાર વાગ્યે એક વખત મળવાનું અને ભોજન લેવાનું કબૂલે છે. એરપોટ પરથી હોટલના રસ્તે આશા પેટ્રિક સાથે જાતીય આકર્ષણ અનુભવે છે. તેથી 'પેટ્રિક શાવરમાં કેવો લાગે?' વગેરે ઊંડા વિચારમાં ખોવાય જાય છે. અને ત્યાં જ પરિચિત મિત્ર અનુરાગ આશાને મળે છે ત્યારે આશાને 'ફ્લેમિન્ગો'ના સંબોધનથી બોલાવે છે. જે શિકાગોથી અધિવેશનમાં લંડન આવ્યો હોયછે.

આમ, નાયિકા આશા 'ફ્લેમિન્ગો'ની જેમ ન્યૂયોર્કની કંપનીના કામેલંડન જાય છે ને ત્યાં પહોંચીને મિટિંગ પતાવ્યા પછી બધે ફરવા માગે છે એ પણ સારી પુરુષકંપની શોધીને, અને સાથે જ તેને અનુરાગની કંપની પણ મળી જાય છે જે તેને ગમતી હોયછે. આમ, નાયિકા આશા પેટ્રિક સોરેનસન અને અનુરાગ બંનેમાંથી અનુરાગને મળવાનું નક્કી કરે છે. પોતે અનુરાગની રાહ જુએ છે. અનુરાગ વિશે આશા ઘણું ઊંડાણમાં વિચારે છે. અનુરાગને જોઇ પોતે પ્રેમની લાગણી અનુભવેછે.

''અનુરાગે આશાને ગુલાબ આપ્યું અને તરત એના હાથમાંથી લઇ, દાંડી તોડી, આશાના વાળમાં એકબાજુ બોબી પિનથી ખોસી દીધું. આશાને અનુરાગનું આ જેસ્ચર ખૂબ ગમ્યું. આશાની ધડકન થોડી વધી. એના સાક્ષીતેનાં સ્તનો હતાં.'' (પૃષ્ઠ -88)

જ્યારે બંને પિઝ્ઝા હટની દુકાન તરફ જાય છે ત્યારે જમૈકન માણસ બંનેને રોકે છે અને આશાને કહે છે 'એય છોકરી તારો વર કાળો છે.' ત્યારબાદજમૈકન બંનેને થોડાક કવર આપે છે. અને તેમાં અનુરાગને એક કવરમાંથી ફ્રેન્ચ વાઇનની બોટલ અને પેરિસની સાત દિવસની સફરનું ઇનામ લાગે છે. ત્યારબાદ ટ્રાવેલ કંપનીની ઓફિસમાં અનુરાગઆશાનું 'ફ્લેમિન્ગો ઇમાનદાર' અટક લખાવે છે. આમ, નાયિકા અનુરાગ સાથે 'ફ્લેમિન્ગો ઇમાનદાર' થઇને 'ઇન્વાઇટ મિ. હોલ હોર્ટેડલી' નાટક જોવા જાય છે. નાયિકા આશા અનુરાગ સાથે થિયેટરમાં શાવરબાથ લેતી હોય તેવી ફેન્ટસીમાં રાચે છે. અનુરાગ તેને ચૂમી લે એવી એની તીવ્ર ઇચ્છા છે. પછીના બે કલાકે એ પુનઃ એકલી નીકળી પડે છે. પેટ્રિકને મળવા જે તેની રાહ જોતો ઊભો છે. તેમજ ગિફ્ટ વાઉચર પ્રમાણે પેરિસમાં અનુરાગ સાથે જવાની તક તો ઊભી જ હતી.

લેખિકાએ અહીં નાયિકા દ્વારા આધુનિક નારીના મનની સંવેદનાને વાચા આપી છે. જે સ્વતંત્રપણે કોઇની રોકટોક વિના જીવનના આનંદને માણે છે.તેઓ કહે છેકે દેશ બદલાતા નારીનું નિત્યજીવન જ નહિ, એનું મન પણ બદલાય છે. એ પોતાની પરંપરાઓને કે એવા કુટુંબધર્મને ખપ પૂરતી જ અનુસરે છે. પછી એ જે દેશમાં જઇ વસી છે ને જ્યાં નોકરી કરે છે એને અનુરૂપ પોતાના વાણી-વર્તન-વિચાર-આચરણ પણ બદલે છે. વાર્તાનાયિકા આશા હવે ગુજરાતી યુવતી નથી કે નથી ભારતીય પરંપરાની વહુ. એ ભોગપ્રધાન યુગમાં જીવતી મહાનગરોની નારી તીરકે પ્રતિનિધિત્વ કરે છે. પોતાન દેશ-વતન છૂટ્યા પછી હવે બદલાવું અનિવાર્ય છે. પરંપરાઓ પરાયા દેશમાં કશા કામ નથી લાગતી. જો કે દરેક સ્ત્રી માટે આમ કરવું સહેલું નથી. છતાં લેખિકા અહીં એક અલગ નારીવર્ગ વિસ્તારતો આવે છે એનો સંકેત કર્યો છે.

અનુરાગ સાથે ફરતી નાયિકા તેના પ્રત્યે પ્રેમની લાગણી ઉદભવે છે. તે તેને ફેન્ટસીમાં શાવરમાં પણ જોઇ લે છે.હવે આશાને ઇચ્છા હતી કે તે અનુરાગના હાથમાં હાથ મિલાવીને આખું પેરિસ જુએ. અહીં નાયિકાની જાતીય ઇચ્છા પણ ઉજાગર થતી જોવા મળે છે.

લેખિકા નાયિકાની પ્રેમની સંવેદના સાથે તેની જાતીય ઇચ્છાને રજૂ કરતા કહે છે,''આશાના કાનમાં કોઇ શબ્દ વીંધાતો નહોતો. અનુરાગને હવે જુદા સ્વરૂપમાં જોતી હતી. આશાએ અનુરાગને શાવરમાં જોયો હતો. એણે એ દૃશ્ય વિસ્તાર્યું. શાવર પછી અનુરાગનો જાડો ટુવાલ શરીર પરથી વહી જતાં બિંદુઓને શોષી લેશે. અનુરાગ બાથરોબ પહેરશે. બેડરૂમમાં જશે. ખૂણાના ટેબલ પરથી લૅમ્પની સ્વિચ ઑન કરશે. વાતાવરણને અનુરૂપ કૅસેટ શોધીને વગાડશે અને આશાના નિરાવરણ દેહનું શિરીષના ફૂલની જેમ માવજત કરશે. આશાના તૂટતા શબ્દો કહેશે અનુરાગ, 'પ્લીઝ... પ્લીઝ...' એ ટ્રેનનાં કમ્પાર્ટમેન્ટમાં નહીં પણ બેડરૂમના પોતે જ કંડારેલા એક કમ્પાર્ટમેન્ટમાં જીવી રહી હતી.''(પૃ. 93)

આશા જ્યારે અનુરાગ વિશે વિચારે છે ત્યારે તેના મનમાંથી બળવતં, રાકેશ, પેટ્રિક સોરેનસન, પીટર બ્રૂક બધા પુરુષો અદૃશ્ય થઇ જાય છે. અનુરાગ સાથે એ જાતીય આકર્ષણ અનુભવે છે. એની જાતીય ઇચ્છાઓ પણ ઉત્તેજિત બને છે. અંતમાં જ્યારે બંને છૂટા પડવાના સમયે અનુરાગ સ્ટેશનનો નકશો સમજાવે છે અને 'સાચવીને જજે' એના છેલ્લા શબ્દો આશાના કાનમાં ગૂંજે છે. તે અનુરાગમય બનીને મેફલાવર હોટલમાં પાછી આવીપોતાને અરિસામાં જુએ છે. એને થાય છે કે અનુરાગ આ અવસ્થામાં તેને જુએ તો? આમ, તે અનુરાગસાથે કેવી રીતે જીવનને માણે તેની ફેન્ટસીમાં રચ્યા કરે છે.

અહીં લેખિકાએ નાયિકા આશાની આરંભથી અંતસુધી તેના મનમાં પડેલી, અધૂરી રહેલી ઇચ્છાઓ, આકાંક્ષાઓને ઉજાગર કરી છે. આ વાર્તા સંદર્ભે ડૉ. મણિલાલ હ. પટેલ નોંધે છે કે ''આ વાર્તા ડાયસ્પોરાનો પોઝિટિવ પડઘો પાડે છે. અને નારીવાદ સંદર્ભે નારી પણ પોતાની ઇચ્છા પ્રમાણે બિન્દાસ્ત વર્તતી દેખાડીને નારી પણ માત્ર વુમન નહિ, એય હ્યૂમન છે એવો સંકેત આપવામાં આવ્યો છે.''

મુક્ત રીતે હરવા-ફરવાથી મુક્ત પ્રકારના સંબંધો બાંધી એમાંથી આનંદ પ્રાપ્ત કરવાનું આશા જેવી સ્ત્રીઓ માટે સહજ છે. તેમજ તેમની એ જીવનપદ્ધતિ પણ છે. એક પરિણિત સ્ત્રી કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતી, બિઝનેશ ટૂર દરમિયાન સહપ્રવાસીઓ સાથે સંપર્ક, જૂના મિત્રોસાથે ગાળેલી ક્ષણોને ફેન્ટસીમાં પોતાના આંતરમનનાં આવેગો, ઇચ્છાઓની પૂર્તિ કરે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ આ વાર્તામાં નારીને અબળા નથી રહેવા દીધી. તો વાર્તાનો પરિવેશ પણ પાશ્ચાત્ય સંસ્કૃતિનો છે. નિરૂપણ નીતિની દૃષ્ટિએ જોતાં વાર્તામાં કથાવસ્તુને અનુરૂપ એવું પાત્રવિધાનતેમજ પાશ્ચાત્ય પરિવેશનો કાર્યસાધક વિનોયગ, ફેન્ટસીનો કલાત્મક વિનિયોગ સમગ્ર વાર્તામાં પ્રતીતિ કરતાં ઊભી કરવી એ વાર્તાકારનો મહત્ત્વનો ઉદ્દેશ રહ્યો છે.

આમ, ગુજરાતી નારીવાદી વાર્તાઓમાં આ વાર્તા અલગ તરી આવે છે. તેમાં વસ્તુનું નાવિન્ય, નૂતન પરિવેશ, અભિવ્યક્તિમાં તાજપ તથા લાઘવભરી ભાષાસંયોજના વગેરે પન્નાનાયકની વાર્તાના વિશેષો છે. જેમાં,

  1. - આ વાર્તામાં નારીસંવેદના છે.
  2. - નાયિકા બોલ્ડનેસ દાખવે છે.
  3. - સંકુચિતતા કે પરંપરામાંથી મુક્ત થઇને પોતાના સંજોગો અને માનસિકતા પ્રમાણે આચરણ કરે છે.
  4. - આર્થિક રીતે આત્મનિર્ભર નારી, પશ્ચિમી પરિવેશ અને ભૌતિકવાદી જીવન અભિગમ-આ ત્રણેની કશ્મકશ વાર્તાને નોંખી બનાવે છે.
  5. - એન.આર.આઇ. પાત્રોની વિચારસરણી અને મુક્તજીવનશૈલી પણ આ વાર્તામાં નિરૂપાઇ છે.
  6. - જાતીયતા, ભાવાવેગો, રતિઇચ્છાપૂર્તિ કે એવી તેવી સંવેદનાઓનું નિઃસંકોચ છતાં વિવેકપૂર્ણ આલેખન પણ અહીં ધ્યાનપાત્ર બને છે.
  7. - કેવળ આર્થિક પગભરતા એ નારીને સાંવેદનિક કે માનસિક સમસ્યાઓથી મુક્ત નથી રાખી પરંતુ વ્યક્તિ સ્વાતંત્ર્યથી પણ મુક્ત છે તે વાસ્તવિકતા અહીં સ્વીકારવી જ રહી.

સંદર્ભ ગ્રંથઃ-
  1. 1. 'ફ્લેમિન્ગો' લે. પન્ના નાયક, પ્ર.આ. 2003, ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
  2. 2. 'પન્ના નાયકનો વાર્તાલોક' સં. મણિલાલ હ. પટેલ પ્ર.આ. 2010 ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ.