અસ્પૃશ્યતાને સ્પર્શતી વાર્તા ‘દૂધ કા દામ’
‘કાયાકલ્પ’, ‘સેવાસદન’, ‘પ્રેમાશ્રમ’, ‘ગબન’, ‘કર્મભૂમિ’, ‘ગોદાન’ જેવી નવલકથાઓ તેમજ ‘બડે ઘર કી બેટી’, ‘નમક કા દારોગા’, ‘રાની સારંધા’, ‘કફન’, ‘સવા શેર ગેંહૂઁ’, ‘રાજા હરદૌલ’. ’સદગતિ’, ‘શતરંજ કે ખિલાડી’, ‘પૂસ કી રાત’, ‘ઠાકુર કા કુઆઁ’ જેવી ઉત્તમ વાર્તાઓના કર્તા અને જેમને વાચકોએ ‘ઉપન્યાસ-સમ્રાટ’ તરીકે નવાજેલ એવા હિન્દી સાહિત્યના ખ્યાતનામ સર્જક પ્રેમચંદનો સમયગાળો ઈ.સ.૧૮૮૦ થી ૧૯૩૬ સુધીનો. આ સમયગાળો ભારતના ઈતિહાસમાં ઘણો મહત્વનો રહ્યો. ૧૮૫૭ના બળવા પછી ભારતે અર્વાચીનતા તરફ પગરણ માંડ્યા. રેલ્વે, તાર, શાળાઓનો આરંભ થયો. આ પ્રગતિની આડે ગ્રામીણ વિસ્તારની સામંતશાહી તથા નગરજીવનમાં જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા અને કોમવાદી મનોદશા અવરોધરૂપ હતી. આવું તત્કાલીન ભારતીય જીવન પ્રેમચંદની કૃતિઓમાં આબેહૂબ ઝીલાયું છે.
‘નવાબરાય’ ઉપનામથી એમની પહેલી વાર્તા ‘દુનિયા કા સબસે અનમોલ રતન’ ઈ.સ.૧૯૦૭માં પ્રગટ થઈ. પ્રેમચંદનું ખરું નામ તો ધનપતરાય. સરકારી નોકરી કરતાં કરતાં તેમણે ‘નવાબરાય’ ઉપનામથી લખેલો પહેલો વાર્તાસંગ્રહ ‘સોઝે વતન’ ઈ.સ.૧૯૦૯માં સરકારે જપ્ત કરતાં તેઓએ તે ઉપનામ છોડી દીધું. એ પછીનું બધું સાહિત્ય ‘પ્રેમચંદ’ ઉપનામથી લખ્યું. ‘પ્રેમચંદ’ ઉપનામથી પ્રગટ થનાર એમની પહેલી વાર્તા હતી-‘બડે ઘર કી બેટી’.
પ્રેમચંદે એમની વાર્તાઓમાં પીડિત, શોષિત, દલિત તેમજ શ્રમિક વર્ગના વિવિધ પ્રશ્નો અને એમના સંવેદનોને વાચા આપી છે. ‘ સદગતિ’, ‘ઠાકુર કા કુઆઁ’, ‘દૂધ કા દામ’, ‘મંદિર’ વગેરે વાર્તાઓમાં હરિજનોની દીન-હીન દશાનું કરુણ ચિત્ર રજૂ કર્યું છે. જોઈએ ‘દૂધ કા દામ’ વાર્તા વિશે –
બાબુ મહેશનાથ, જે ગામના જમીનદાર છે. તેમની પત્નીને ત્રણ પુત્રીઓ પછી ચોથો પુત્ર જન્મે છે. આ વખતે પણ ગૂદડની વહુ ભૂંગીએ જ પ્રસૂતિ કરાવી. જે ભંગી હોય છે. ગૂદડને બીક હોય છે કે આ વખતે દીકરી ના જન્મે તો સારું, નહીં તો શેઠ તરફથી માત્ર એક રૂપિયો ને એક સાડી જ મળશે. ગૂદડે તો ભૂંગી સાથે શરત પણ લગાડી હતી કે , ‘જો આ વખતે શેઠાણીને છોકરો ન જન્મે તો હું મૂંછ મૂંડાવી લઇશ.’(પૃ.૭૬ ) – લેખકે અહીં તત્કાલીન સમાજમાં પ્રવર્તમાન દીકરા-દીકરી વચ્ચેના ભેદ તરફ સંકેત કર્યો છે. પુત્રીજન્મ કરતાં પુત્રજન્મની ખુશી વધારે હતી. એથી જ મહેશનાથને ત્યાં પુત્રજન્મ થતાં ગૂદડ અને એની વહુનું સ્વાગત કરવામાં આવે છે, તેમને જમાડવામાં આવે છે.
પુત્રજન્મ તો થયો પરંતુ શેઠાણી આ વખતે પોતાના બાળકને ધવડાવી નથી શકતા. એટ્લે ભૂંગી પોતાના ધાવણથી શેઠાણીના બાળકને ઉછેરે છે. જેના પરિણામે ભૂંગીને પોતાના બાળક માટે બહારના દૂધની વ્યવસ્થા કરવી પડે છે. પણ ભૂંગીનું બાળક એ દૂધ પચાવી ન શકતા તે દિવસે ને દિવસે સૂકાતો જાય છે. આખા ઘરમાં શેઠાણી પછી ભૂંગીનું રાજ હતું. તેના હુકમનું અક્ષરશઃ પાલન કરવામાં આવતું. લગભગ વરસ સુધી આ બધું ચાલ્યું. પછી એકાએક આ પરિસ્થિતિમાં વળાંક આવે છે. મોટેરામ શાસ્ત્રીએ ભૂંગી ભંગિયણ હોવાથી તેની સામે વાંધો ઉઠાવ્યો અને પ્રાયશ્ચિતનો પ્રસ્તાવ મૂક્યો. પ્રાયશ્ચિત તો નથી થઈ શકતું પણ ભૂંગીને મહેશનાથના ઘરેથી જવું પડે છે.
આ જ વર્ષે પ્લેગ ફાટી નીકળતાં ગુદડ પ્લેગનો ભોગ બને છે. ભૂંગી હવે એકલી પડી જાય છે. તેનો માંદલો-દૂબળો-પાતળો છોકરો મંગલ પાંચ વરસનો થઈ ગયો છતાં એ શેઠાણીના છોકરા, સુરેશની સામે ચકલી જેવો લાગતો હતો. વિધિની વક્રતા કેવી કે મંગલને હવે માતાનો વિરહ પણ સહન કરવો પડે છે !
એક દિવસ ભૂંગી મહેશનાથના ઘરની મોરી કાદવ જામ થઈ ગયો હોવાથી સાફ કરતી હોય છે. તેનો ડાબો હાથ આખો મોરીની અંદર હોય છે અને એ હાથ પર એકાએક ઝેરી નાગના દંશથી તે મૃત્યુ પામે છે. મંગલ હવે અનાથ બની જાય છે. મહેશબાબુના ઘરના બધાં લોકો સારાં-સારાં વાસણોમાં જમતાં , જ્યારે મંગલને માટીના શકોરામાં ઊંચેથી ખાવાનું આપવામાં આવતું, ત્યારે એને બહુ જ ખરાબ લાગતું. એને તો છૂત-અછૂતનો ભેદભાવ શું છે એ ખબર પણ નથી. જ્યારે ગામનાં છોકરાઓ એને ચીડવે છે, કોઈ એને પોતાની સાથે રમાડતું નથી, એ જે કંતાન પર સૂતો એને પણ કોઈ અડતું નથી, ત્યારે એને આ છૂત-અછૂતનો ભેદભાવ સમજાય છે. મંગલનું ઘર તો પડી ગયું હતું. તેથી એ મહેશનાથના મકાનની સામેના લીમડાના ઝાડ નીચે પડી રહેતો. તેની સાથે માટીનાં બે શકોરાં, કંતાનનો ટુકડો અને સુરેશબાબુની ઊતરેલી ચાદર હતી. આ દુનિયામાં મંગલનું કોઈ જ નહોતું. એક માત્ર ટોમી કૂતરો જ એનું સ્વજન હતો. બંને સાથે જ રહેતાં.
મહેશબાબુના મકાનની સામે મંગલનું પડી રહેવું ગામના ધર્મિષ્ઠ લોકોને ધર્મ વિરુધ્ધ લાગતું. ખરેખર તો ધર્મ એ છે જે માણસને માણસની નજીક લાવે પણ અહીં તો એ ધર્મ છે જે માણસને માણસથી દૂર લઈ જાય છે.
એક દિવસ કેટલાક છોકરાઓ રમતાં હોય છે, ત્યાં મંગલ દૂરથી એમને જોતાં ઊભો રહે છે. સુરેશ એને રમવા બોલાવે છે. મંગલ પર દયા આવી હશે એટલા માટે કે પછી રમનારાની જોડી પૂરી નહીં થઈ હોય. સુરેશ મંગલને રમતમાં ઘોડો બનવાનું કહે છે અને પોતે એના પર સવારી કરે. મંગલને લાગે છે કે પોતે પણ કોઈના પર સવારી કરે . એટલે એ કહે છે-‘ હું ઘોડો જ રહીશ કે સવારી પણ કરીશ એ કહી દો.’ ત્યારે સુરેશ એમ કહીને મંગલનું અપમાન કરે છે કે – ‘ વિચાર તો કર. તને કોણ પોતાની પીઠ પર બેસાડે? છેવટે તો તું ભંગી ખરો કે, નહીં?’(પૃ.૮૧) મંગલની ઇચ્છા ન હોવા છતાં સુરેશ તેને જબરદસ્તીથી ઘોડો બનાવે છે. સુરેશનો ભાર સહન ન થતાં મંગલ ધીમેથી સરકી જાય છે અને સુરેશ પડી જવાથી રડવા લાગે છે. સુરેશ મા પાસે જઈ રડતાં-રડતાં મંગલ અડી ગયો હોવાની જૂઠ્ઠી ફરિયાદ કરે છે. શેઠાણી મંગલ પર ગુસ્સે થાય છે અને એને ત્યાંથી ચાલ્યા જવાનો હુકમ કરે છે. મંગલને પણ થાય છે કે હું ભૂખે મરી જઈશ એટલું જ ને ! પણ આ રીતે જીવવામાં શો ફાયદો? આમ વિચારીને એ પોતાના ખંડેર જેવા ઘરમાં જઈ ખૂબ રડે છે. ટોમી કૂતરો પણ એની પાછળ પાછળ ત્યાં આવે છે.
મંગલને કકડીને ભૂખ લાગી હતી. તેથી એની નજર વારંવાર ખાલી શકોરાં તરફ જતી. તેને લાગે છે કે અત્યારે જો એ મહેશબાબુના ઘરની સામેના લીમડાના ઝાડ નીચે હોત તો સુરેશની એંઠી મીઠાઇ તો મળી ગઈ હોત!
ટોમી કૂતરાની અને મંગલની સ્થિતિમાં સમાન્તરીકરણ જોવા મળે છે. જેમ કે – ટોમીએ કૂં-કૂં કરીને કદાચ કીધું : ‘ આવું અપમાન તો જિંદગીભર સહેવાનું છે. આમ હિમંત હાર્યે કેમ ચાલશે ? મારા તરફ જુઓ ને ! ક્યારેક કોઈએ લાકડી મારી, બૂમો પાડી, તો ય ફરી પાછો પૂંછડી પટપટાવતો એની પાસે પહોંચી જાઉં છું. હું ને તું આટલા માટે જ સરજાયા છીએ, ભાઈ ! ' (પૃ.૮૩) કેટલો કરુણ વ્યંગ છે અહીં !
મંગલને એટલી બધી ભૂખ લાગી હોય છે કે ઇચ્છા ન હોવા છતાં એ ટોમીને લઈને મહેશાબાબુના ઘર પાસે જાય છે. પરંતુ જતાં પહેલાં એ વિચારે છે કે જો કોઈ મારું નામ લઈને બૂમ નહીં પાડે તો હું પાછો આવતો રહીશ. અહીં એ બાળકનું સ્વમાની વ્યક્તિત્વ ઉપસી આવતું દેખાય છે. મંગલ અંધારામાં સંતાઈને ઊભો રહે છે અને નોકરોમાં થતી વાતચીત સાંભળે છે
એક નોકર કહે છે – ‘આજ મંગલ દેખાતો નથી. શેઠાણીએ ધમકાવ્યો હતો એટલે કદાચ ભાગી ગયો હશે.’(પૃ.૮૪ )
ત્યાં બીજા નોકરે કહ્યું - ‘કાઢી મૂક્યો તે સારું કર્યું. સવારના પહોરમાં ભંગીનું મોં જોવું પડતું હતું.’ (પૃ.૮૪)
આ સાંભળીને એ બાળકનું હૃદય કેવું દુ:ખ અનુભવતું હશે એ તો એ જ જાણી શકે !
ક્યારે મંગલના નામની બૂમ પડે ને ક્યારે એની ભૂખ સંતોષાય? – મંગલ આ ક્ષણની રાહ જોતો હોય છે. પરંતુ જ્યારે કોઈ મંગલના નામની બૂમ નથી પાડતું ત્યારે એની બધી આશા નિરાશામાં પલટાઈ જાય છે. શેઠના ઘરના બધાં જમી રહ્યા પછી નોકર થાળીનું એઠું એક પતરાળામાં લઈ ફેંકવા જતો હોય છે. મંગલથી હવે ભૂખ્યા પેટે વધુ ન રહેવાતા તે અંધારામાંથી બહાર આવે છે. નોકરને તેના પર દયા આવતાં તેના ફેલાયેલા હાથમાં એઠું પતરાળું ખાવા માટે ફેંકે છે. એ એઠું પતરાળું લઈ મંગલ લીમડાના ઝાડ નીચે બેસી ટોમી સાથે ખાવા લાગે છે.
ભૂખ માણસના સ્વમાનને પણ હણી નાખતી હોય છે. તેનું નિદર્શન અહીં લેખકે મંગલના પાત્ર દ્વારા કરાવી આપ્યું છે. તેથી જ મંગલ ટોમીને પંપાળતા કહે છે – ‘જો પેટની આગ આવી હોય છે. આ લાતથી મારેલી રોટલી પણ ન મળત તો શું કરત?’(પૃ.૮૫)
વાર્તાના અંતે એક વાક્ય છે – ‘લોકો કહે છે કે દૂધની કિંમત કોઈ ચૂકવી શકતું નથી અને મને દૂધની કિંમત આ મળે છે.’(પૃ.૮૫ )
અહીં વાર્તા બોલકી બની ગઈ હોય એમ લાગે છે. લેખકે આ ન લખ્યું હોત તો પણ વાર્તામાંથી એ આપોઆપ વાચક સમક્ષ સ્ફૂટ થઈ રહે છે. આ મર્યાદાને ધ્યાનમાં ન લઈએ તો લેખકે સમગ્ર વાર્તામાં એક અસ્પૃશ્ય એવા બાળકની વ્યથાનું નિરૂપણ સાદી અને સરળ ભાષામાં હૃદયને સ્પર્શી જાય એવી રીતે કર્યું છે.
ક્યારેક એમ લાગે છે કે માણસ કરતાં પશુ વધારે સારાં હોય છે. થોડુંક આગળ જઈને કહેવું હોય તો, માણસ બનવા કરતાં પશુ બનવું વધારે બહેતર છે. એમનામાં છૂત-અછૂતના ભેદભાવ તો નથી હોતા ને !
પ્રેમચંદના સમયની તુલનામાં આજે તો ઘણી બધી પ્રગતિ થઈ છે. છતાં આ છૂત-અછૂતનો કોયડો હજી પણ જડમૂળથી ઉકેલાયો નથી. તેથી જ આ વાર્તા આજે પણ પ્રસ્તુત બની રહે છે.
( ‘પ્રેમચંદની નવલિકાઓ’ – સંપા. રાધાકૃષ્ણ , અનુ. લાભુબેન મહેતા, બીજી આવૃત્તિ ૨૦૦૦, નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા )