આધ્યાત્મિકશૌર્ય અને સાક્ષાત્કારોથી રસાયેલું નાટક: ભણે નરસૈંયો
કળા પ્રવાહને આપણે અનેક રૂપો-આકારો ધરી ગતિમાન રહેતો અનુભવ્યો છે. ગુજરાતી ભાષામાં ચરિત્રસાહિત્ય આત્મકથા, સંસ્મરણ, રેખાચિત્ર, જીવનચરિત્ર ઈત્યાદિ રૂપે ખેડાય છે. નવલકથામાં પણ ચરિત્ર પ્રવેશે છે અને દિનકર જોષી, માધવ રામાનુજ વગેરે સર્જકો જીવનચરિત્રાત્મક નવલકથાઓ આપે છે. આપણે ત્યાં આ વિષય નાટકમાં પણ પ્રવેશ્યો’ને સાહિત્યિક સર્જકો, ભક્તો, નટો, સંગીતકારો, ક્રાંતિકારીઓ વગેરે વિશિષ્ટ વ્યક્તિત્વો પર નાટકો લખાવા લાગ્યા. ગાંધીયુગથી જીવનચરિત્રાત્મક નાટક ખરો વેગ પકડે છે, પણ આ નવી નાટ્યવસ્તુનો ખ્યાલ આપણા આરંભના નાટ્યકારો પાસે નહતો એવું પણ નથી. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં મહત્ત્વનુ પ્રદાન કરનાર નાટક મંડળી ‘શ્રી દેશી નાટક સમાજ’(૧૮૮૯-૧૯૮૦)દ્વારા કવિ-નાટયકાર ‘પ્રભુલાલ દ્વિવેદી’ના જીવન પર હરગોવિંદદાસ શાહે, એ પછી વર્ષ ૧૯૧૫માં સ્થપાયેલ ‘શ્રી આર્યનૈતિક નાટક મંડળી’એ પણ વડોદરામાં ‘સુરદાસ’ નાટક ભજવ્યુ હતું. સુધારકયુગમાં નથુરામ સુંદરજી શુક્લએ ‘નરસિંહરાય’ અને ગાંધીયુગમાં ર.વ. દેસાઇએ ‘કવિદર્શન’ (૧૯૫૭)માં ચાર જીવનચરિત્રાત્મક નાટકો આપ્યા છે પણ આ કાર્યમાં પ્રશસ્ય સફળતા સંપ્રાપ્ત કરે છે રંગભૂમિ સાથે અનેક રીતે સક્રિયપણે સંકળાયેલા નાટયકાર ચંદ્રવદન ચી. મહેતા. એમની પાસેથી નાટકમાં ચરિત્રનો વિષય ઊંચકાયો. તેમણે ‘અખો’, ‘નર્મદ’ કાન્તના જીવન પર ’કપૂરનો દીવો’ જેવા નાટકો આપી આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું. એક નવી જ નાટ્યસૂઝ સાથે આવા નાટકો લખાયા અને નવી નાટ્યમંડળીઓ દ્વારા ભજવાયા. સતીશ વ્યાસે પણ કાન્તના જીવન પર ‘જળને પડદે’, જયંત ખત્રીના જીવન પર ‘ધૂળનો સૂરજ’ હરીશ ત્રિવેદીએ ‘નર્મદ:મારી હકીકત’ ભરત યાજ્ઞિકે ઝવેરચંદ મેઘાણીના જીવન પર ‘પહાડનું બાળક’ ચિનુ મોદીએ ‘નોખો નાગર નરસૈંયો’ ધીરુભાઈ ઠાકરે ‘ઊંચો પર્વત, ઊંડી ખીણ’ મણિલાલ દ્વિવેદીના જીવન પર મિહિર ભૂતાએ ‘જલ જલ મરે પતંગ’ મણિલાલ દ્વિવેદીના જીવન પર અને કલાપીના જીવન પર ‘હૃદય ત્રીપૂટી’ વગેરે જેવા નાટકો આપ્યા અને ભજવાયા પણ ખરા. સિતાંશુ યશશ્ચંદ્ર રચિત નરસિંહ મહેતાના જીવનકેન્દ્રી ‘જાગીને જોઉં તો...’ નાટકનું ટૂંક સમયમાં જ અમદાવાદમાં વાચિકમ થયું. સાંપ્રતમાં આવા નાટકો પ્રત્યેનો લગાવ વધ્યો છે ને કેટલાક સમીક્ષાત્મક લેખો પણ થયા છે.
આવુ જ એક ચરિત્રાત્મક નાટક પન્નાલાલ પાસેથી પણ મળી આવે છે ‘ભણે નરસૈંયો’. જેમાં તેમણે નરસિંહ મહેતાના ચરિત્રકર્મ, ભાવ અને સ્થળ - કાળને વણી, એમાં કલ્પનાથી ઉચિત પરિવર્તનો કરી ચરિત્રાત્મક નાટકનું કળારૂપ અર્પ્યુ છે. ઇ.સ. ૧૯૭૭ માં પ્રકાશિત આ નાટક શ્રી અરવિંદ આશ્રમ નિવાસી પન્નાલાલના મિત્ર શ્રી ઉષા દેસાઈના આગ્રહથી શ્રી માતાજીના શતાબ્દી વર્ષ નિમિત્તે ભજવવા ઉદ્દેશથી લખાયું હતું. નરસિંહ ઉપર અગાઉ ગુજરાતીમાં નથુરામ સુંદરજી શુક્લે અને પછી ર.વ. દેસાઈએ નાટક આપ્યુ છે. પન્નાલાલ મુખ્યત્વે નવલકથા-વાર્તાના સમર્થ સર્જક છે. તેમણે કથાસાહિત્યમાં વસ્તુને નાટ્યાત્મક ઓપ આપવાની અને સંઘર્ષ જન્માવે તેવા સંવાદો ગૂંથવાની કૂશળતા દાખવી છે, એવી જ સૂઝ સાથે આ નાટકમાં નરસિંહને સમકાલીન જીવનરંગમાં મૂકી અનુકૂળ આકાર સર્જવામાં સાર્થક થયા છે.
નાટકનું વસ્તુ વીસેક પાત્રોને આધારે ત્રણ અંક’ને અગિયાર પ્રવેશોમાં નિરૂપાયું છે. કથાવસ્તુને વિવિધ પરિસ્થિતિઓના કુશળ ગૂંફન અને માવજત દ્વારા નરસિંહના જીવનને નાટકમાં સારો એવો કલાઘાટ સાંપડ્યો છે. નરસિંહ મહેતાના જીવનમાં ઘટનાર શિવદર્શન, હૂંડીનો પ્રસંગ, શામળના વિવાહ, ઝારીનો પ્રસંગ, હારમાળાનો પ્રસંગ જેવા મહત્ત્વના પાંચેક પ્રસંગોને લઈ પન્નાલાલે આ નાટક સર્જ્યું છે. પહેલા અંકમાં બાવીસેક વર્ષનો જુવાન નરસિંહ પ્રવેશ છે અને પરસાળેથી ઘરમાં અવાજ નાખે છે: ભાભી! કોઈ... પાણી આપો તો. ત્યાંથી નાટક ઉપડે છે. ત્યાં ત્રિસેક વર્ષની ભાભી પ્રવેશે છે, નરસિંહને ખાલી હાથે જોતાં ગુસ્સે ભરાયેલી ન બોલવાનું બોલે છે. ભાભીના મે’ણાંથી આંતર સંઘર્ષમાં મૂકાતો નરસિંહ ઘર ત્યાગી નિર્જન વનમાં મહાદેવના મંદિરે જઈ ચઢે છે, ત્યાં સાત-સાત દિવસ સુધી શિવની તપસ્યા કરે છે. આઠમા દિવસે શિવ પ્રસન્ન થાય છે. નરસિંહને કૃષ્ણની રાસલીલાના દર્શન, કૃષ્ણ નરસિંહને તારી વાણી કરૂણાપ્રસાદી બની રહેશે એવા આશીર્વાદ આપે છે. પછી નરસિંહ ઘરે આવે છે. ત્યાં સુધીની વસ્તુ ત્રણ પ્રવેશોમાં યોજાય છે. પ્રથમ અંકમાં નાટકને સારો એવો ઉઘાડ આપવામાં નાટયકાર સાકાર થયા છે.
બીજા અંકમાં નરોત્તમ, મથુર, વસંત, ગોર અને નરસિંહનાં બે સંતાનો શામળ અને કુંવર, જેવા પાત્રો પ્રવેશે છે. જૂનાગઢ નિવાસ પછી નરસિંહ મહેતાની ભક્ત તરીકેની પ્રશસ્તિ, હૂંડીનો પ્રસંગ, દ્વારકામાં જાત્રાળુઓ દ્વારા સામળશા શેઠની શોધ આખા નગરમાં નરસિંહની હુડી ન સ્વીકારતા જાત્રાળુઓનો અંદરો અંદર ઝઘડો, નરસિંહ પર ઠગાઈનો આરોપ અંતે કૃષ્ણનું સામળશા શેઠના વેશમાં આવવું, જાત્રાળુઓની હૂંડી સ્વીકારી રૂપિયા ચૂકવવા, એ પછીના દૃશ્યમાં વડનગરથી શ્રી મદન મહેતાએ પુત્રીના વિવાહ માટે મોકલેલ ગોર દ્વારા નરસિંહના પુત્ર શામળની પસંદગી. જેવા પ્રસંગો કુલ ચાર દૃશ્યોમાં યોજાયા છે. બીજા અંકમાં પન્નાલાલ નાટકને ગતિ આપી મધ્યાંત તરફ ઢાળી શક્યા છે.
ત્રીજા અંકનું પ્રથમ દૃશ્ય દામોદર કૂંડ પાસેનું છે મથુર અને વસંત જેવા બે મશ્કરા પાત્રો નરસિંહને સંકટમાં મૂકવા અછૂતોને વાસમાં ભજન કરવા આવવા નરસિંહને કહેવા ઉસકેરણીનું દૃશ્ય. હરીજનવાસમાં ભજન કરવા જતાં બનતો ઝારીનો ચમત્તકારિક પ્રસંગ, નાગર બ્રાહ્મણોનો વર્ણવ્યવસ્થાને તોડી બ્રાહ્મણસમાજને અભડાવ્યાનો નરસિંહ પર આરોપ. રા’માંડલિકના દરબારમાં ભક્ત નરસિંહની કસોટી, સવાર સુધી નરસિંહનું ભજન, વચ્ચે વચ્ચે દરબારમાં બેઠેલા રા’ માંડલિક, દેસાઈ કાકા, મથુર, વસંત દ્વારા થતી નરસિંહની ઠઠ્ઠા મશ્કરી. અંતે કૃષ્ણ પ્રગટ થાય છે અને નરસિંહને હાર પહેરાવે છે, ચકિત થયેલ રા’માંડલિક અને લોક નરસિંહને નમન કરે છે, નરસિંહ ઈશ્વરમાં લીન થાય છે અને પ્રેક્ષકોને ઈશ્વરની અનુભૂતિ કરાવતા આ નાટક સુખાંત સાથે સફળ રીતે સમાપ્ત થાય છે. નાટકમાં ક્યાય કંટાળાજનક દૃશ્યો જોવ મળતા નથી એકી બેઠકે જોય શકાય કે વાંચી જઈએ એવું આ નાટક છે.
ભક્ત નરસિંહનું જીવન મુખ્યત્વે ચમત્કારોથી ભરેલું’ને એના કરુણાનિધિ વ્યક્તિત્ત્વને આબેહૂબ મૂકી આપવા પાત્રાલેખનમાં પન્નાલાલની કચાશ જરા પણ વર્તાતી નથી. ઈશ્વરદર્શન પછી સમગ્ર જીવન ભક્તિમાં લીન નરસિંહ પૂજન- અર્ચન, એકતારા પર ભજન અને કાવ્યસર્જનમાં વિતાવે છે એ બધા સ્થિતિઅંતરો અને ભક્તની કસોટીઓના વ્યવસ્થિત નિર્માણ દ્વારા આ મુખ્યપાત્ર જીવંત બન્યું છે.
નરસિંહની ભાભીના મૂળનામના નિર્દેશની જરૂરિયાત નાટ્યકારને જણાઈ નથી. નરસિંહનો તિરસ્કાર કરતાં આ સ્ત્રી પાત્રમાં એક કર્કશા નારની છબી ખરેખર ઊભરી છે. વાણી - વર્તનથી તેનો સ્વભાવ વાસ્તવિક લાગે છે. ક્લેશ, ત્રાસ દ્વારા નરસિંહને ગૃહત્યાગ કરવા સુધી પ્રેરતું આ પાત્ર વાસ્તવિક સમાજનું જીવતું લાગે છે. ત્રણેક મહિના પછી નરસિંહ ઘરે આવે છે ત્યારે તે બોલે છે: હાશ! ભગવાને છેવટે મારી આબરૂ રાખી ખરી, લોક કે’તું તું કે ભાભીના મે’ણાને લીધે નરસિંહે કૂવો હવાડો કર્યો હશે. ત્યારે, કે’નારની તો હવે ખેર છે ને? એમ કહેતી ભાભીનો નાટકના ઉપાડમાં મહત્ત્વનો ફાળો છે.
બીજા અંકમાં નરસિંહના જૂનાગઢ નિવાસ પછી નરોત્તમનું પાત્ર પ્રવેશે છે. નાટકના અંત સુધી વિકસતું આ પાત્ર ગામનો એક સજ્જન યુવાન જેને નરસિંહની તત્ત્વજ્ઞાનની વાતો અને ભજનોથી શ્રદ્ધા જન્મે છે, એ શામળનો વિદ્યા ગુરુ છે. જ્યારે મથુર અને વસંત જેવા બે મશ્કરા નાગર પાત્રો નરસિંહનના જીવનમાં સમસ્યાઓ ઊભી કરીને ફસાવા વિવિધ યોજનાઓ ઘડે છે, વસ્તુના વિકાસમાં નાટ્યાત્મક વળાંક આણવામાં આ બે પાત્રો ઘણા મહત્ત્વના છે. બીજા પાત્રોમાં સીતારામ, સાધુ, ત્રણ યાત્રાળુઓ નાટકની પૂર્ણાહુતિ સમયે મુખ્ય ભૂમિકામાં રા’મંડલિક અને દીવાન, રતન, ચપરાસી, મહંત ,દેસાઈ કાકા વગેરે પાત્રો નાટ્યસંઘર્ષ નીપજાવવામાં અગત્યના રહ્યા છે.
સમગ્ર નાટકમાં પ્રથમ અંકથી જ સંઘર્ષ જોવા મળે છે, ભાભીના મે’ણાંથી નરસિંહ પોતાની જાત સાથે સંઘર્ષમાં મુકાય છે. નાગર બ્રાહ્મણો અને રા’મંડલિક દ્વારા ભક્તની પરીક્ષા જેવી પરિસ્થિતિઓના નિર્માણથી અંત સુધી નરસિંહનુ જીવન સંઘર્ષમય જોવા મળે છે. સંવાદો લાઘવ અને માર્મિક, ચોટદાર પાત્રની સ્વાભાવિક છબીને પરિચિત કરનારા, કથાવસ્તુને વેગ આપનારા અભિનયક્ષમ્ય નિવળ્યા છે. જેથી નાટક જીવંત લાગે છે. સંવાદો પ્રેક્ષકોને જકડી રાખે એવા અસરકારક છે. જે આ નાટકની સફળતાનું અગત્યનું ઘટક છે. ત્રીજા અંકના છેલ્લા દૃશ્યનો એક સંવાદ જોઈએ.
રા’માંડલિક: અલ્યા ભગત, આમ ને આમ અડધી રાત વહી ગઈ. તારો ભગવાન ઊંઘી ગયો લાગે છે.
નરસિંહ : સરકાર, મારો ભગવાન ઊંઘતો હશે તોય આ નરસૈંયો એને ઢંઢોડીને જગાડશે. પૃ.૧૦૮
પન્નાલાલની સૌથી મોટી ખૂબી તેમની ભાષાશૈલીમાં છે. માન્યભાષાના અનેક વાક્યો જે અસર ન કરી શકે, એ તળપદી બોલીના એકાદ વાક્ય દ્વારા કરી જાણે છે. નાટકમાં કહેવતો-રૂઢિપ્રયોગોનાં ઉપયોગ દ્વારા નાટકની ભાષા લોકવ્યવહારુ બની રહી છે જેથી પાત્રો નરસિંહના સમય અને પરિવેશ હોય એવું લાગે છે. ભાભીના સંવાદમાં ‘બે’ડાં ખવાને જાયફળનો કેફ રાખવો’, ‘અક્કરમીનો પડિયો કાણો’, ‘જેવુ મોં એવો કોળિયો’ જ્યારે, મોટા ભાઈના મુખે ‘શુરાં હોય તે બાણ ઝીલે ને શાણા હોય તે વેણ સહે’ જેવી કહેવતો દ્વારા પાત્રની સ્વાભાવિક છબીનો ખ્યાલ થાય છે. મથુર અને વસંત જેવા પાત્રોના મુખે ‘પુત્રના લક્ષણ પારણમાં, વહુના બારણાંમાં, ને ભગતના લક્ષણ ભજનમાં’ જેવી લોકબોલીની કહેવતો, કેટલાક રૂઢિપ્રયોગો અને પ્રાદેશિક બોલીના લય-લે’કાઓ દ્વારા સંવાદો સહજ લાગે છે. ઉપરાંત નાટકમાં નરસિંહનાં મુખે ગવાતા પદોનું સંયોજન, ભક્ત કવિ નરસિંહની જ રચનાઓ છે. જરૂર પડી ત્યાં પન્નાલાલે નરસિંહના પદોમાંથી વીસેક જેટલી પંક્તિઓ સીધી સંવાદ રૂપે મૂકી છે. જે જ્ઞાન-વૈરાગ્ય-તત્વદર્શનની વાણી છે. દૃષ્ટાંત લેખે જોઈએ તો રા’માંડલિક સાથેના એક સંવાદમાં નરસિંહ કહે છે:
‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’ પૃ.૧૦૧
નરસિંહનાં એકતારાના તાલે ગવાતા ભાવભક્તિના આઠેક જેટલા પદોનું પ્રસંગોપાત સંયોજન થયું છે. જેવા કે, વાહલા મારા વૃંદાવન રે ચોક્ય કે, વિહિલા પધારજો રે લોલ... / જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા... / વૈષ્ણવજન તો... / જળકમળ છાંડી જાને બાળા... / વાસ નહિ જ્યાં વૈષ્ણવ કેરો... / ઘડપણ કોણે મોકલ્યું... / પ્રેમરસ પાને તું, મોરના પીછધર... / આપને હાર કપટી રે તું કહનુડા... આમ, નાટકનાં ત્રણે અંકમાં આવા પદો મૂકીને નરસિંહની ભક્તજીવની છબીને ખીલવવામાં નાટયકાર યોગ્ય ન્યાય આપી શક્યાં છે.
નરસિંહના જીવનમાં ઘટતા ચમત્કારી પ્રસંગોથી નાટકમાં મુખ્યત્વે અદ્ભુતરસની પ્રતીતિ થાય છે. જ્યારે નરસિંહની તત્વજ્ઞાનની વાતો, વૈરાગ્ય ચિત્તશુદ્ધિ, અધ્યાત્મ, ધ્યાન-ઉપાસના વગેરે અનુભાવો દ્વારા શાંતરસ જોવા મળે છે. તો સામળશા શેઠના યાત્રાળુઓ સાથેના સંવાદમાં હળવું હાસ્ય અનુભવાય છે. ભાભીના પાત્ર દ્વારા રૌદ્ર જ્યારે ભક્તની પરીક્ષામાં કરૂણ રસની છાંટ વર્તાય છે. પન્નાલાલે અભિનય અને રંગમંચન પર વિશેષ ભાર મૂક્યો છે. નાટકના ત્રણેય અંકમાં એકપણ દૃશ્ય એવું જણાતું નથી કે જેને ભજવવામાં મુશ્કેલી વર્તાય. ખાસ ભજવાના આશયથી લખાયેલુ આ નાટક તખ્તાલાયકીની દૃષ્ટિએ સફળ છે, જુદા જુદા દૃશ્યો એક પછી એક છૂટા છૂટા ભજવી શકાય તેમ છે. શેરીમાં પણ ભજવી શકાય તેવું આ નાટક ભજવણીમાં ક્યાય ખલેલ કરે તેવું જણાતું નથી.
પન્નાલાલે નરસિંહની પત્ની અને પુત્રનું મૃત્યુ, કુંવરબાઇનું મામેરું વગેરે જેવા પ્રસંગોને નરોત્તમના સંવાદ દ્વારા મૂકી આપ્યા છે. નરસિંહના જીવનનો મહત્ત્વનો મામેરાનો પ્રસંગ નાટકમાં દૃશ્યરૂપે જોવા મળતો નથી. બે-ચાર ટૂંકા સંવાદોમાં જોવા મળતું માણેકનું પાત્ર લથડી પડે છે. તે નરસિંહની પત્ની હોવા છતાં નાટકમાં ક્યાંય બંને વચ્ચે સંવાદ યોજ્યો નથી. એ રીતે આ પાત્રનો વિકાસ રુંધાયેલો જોવા મળે છે. વિવિધ સ્થળોના અગિયારેક દૃશ્યો અલગ અલગ રીતે ગોઠવાયેલા લાગે છે, એટલે કે દૃશ્યો વચ્ચે એકસૂત્રતા સંધાતી નથી. કેટલાક ઈશ્વરીય ચમત્કારોથી નાટક ચાલે છે. ભક્ત નરસિંહના અંતિમ જીવનનું દૃશ્ય નાટકમાં નથી. તે છતાં નરસિંહનું જીવન વાસ્તવિક લાગે છે, ચમત્કારો કાવ્યાત્મક ન બની જતા સહજ લાગે છે. આમ, સમગ્ર નાટકને સારો કલાઘાટ સાંપડ્યો છે.