Download this page in

કોલાહલ

આમ તેમ એણે પડખા ઘસ્યે રાખ્યા. પથારીમાં બેઠા થઇ બારી બહાર નજર કરી. વાતાવરણમાં ચૂપકીદી હતી. રાત ઘણી વહી ગઇ હશે એવું એણે અનુમાન લગાવ્યું. એ સાચો હતો. ઘડિયાળમાં બારના ડંકા પડ્યા.
એકાંત ઘરમાં એણે આંખો પહોળી કરી અંધારામાં કશુંક જોઇ લેવા ઇચ્છ્યું. બે દીકરાઓમાંથી મોટો લગ્ન થયા પછી વહુને લઇ તરત દૂરના શહેરમાં જતો રહ્યો. ક્યારેક કાગળ આવતાં. છેલ્લો કાગળ હતો :
પૂજ્ય બાપુજી,
શહેરમાં ખૂબ ભીંસ અનુભવું છું. છેલ્લા બે માસથી પગાર મળ્યો નથી. બની શકે તો કંઇક મદદ કરો. હું ધીમે ધીમે પરત કરી દઇશ.
એણે ઇચ્છ્યું હોત તો રૂપિયા મોકલી શકત. મોટાની લુચ્ચાઇથી મદદ કરવાનું માંડી વાળ્યું.
નાનો ઉકળ્યો હતો. હવે તો મોટાભાઇની હદ થાય છે. પત્ની આવી કે, બાપને છોડી દીધો.
નાનો એકદમ બદલાવા લાગ્યો. રખડવાનું બંધ કરી દીધું. અભ્યાસમાં મહેનત કરવા લાગ્યો.
એણે નાના માટે કેટલાક પૈસા વ્યાજે લાવીને વાપર્યા હતા.
નાનાનું ભાગ્ય સારું. અભ્યાસ પૂરો થયો કે તરત નોકરી મળી ગઇ. એને દૂર શહેરમાં જવું પડ્યું. નવી જિંદગી શરૂ કરી. બાપુજીને પત્રો લખ્યે રાખ્યા.
અંધકારમાં એણે આંખો મીંચી દીધી. બહાર બધું શાંત હતું, ભીતર માત્ર કોલાહલ હતો. શાંત કોલાહલ.