શ્રીમદ્ ભગવત ગીતા- એક ધર્મનિરપેક્ષ વૈશ્વિક ગ્રંથ
જ્યારથી આ દુનિયા અસ્તિત્વમાં આવી અથવા જ્યારથી આ ધરતી ઉપર માનવ વસવા લાગ્યો ત્યારથી તેમનું હૃદય બે જુદી જુદી દિશાઓમાં તણાંતું રહ્યું છે. આ બે દિશાઓ છે સ્વાર્થ-પરમાર્થ, ભલાઇ-બુરાઇ, પાપ-પુણ્ય. જેને આપણે દ્વન્દ્વો પણ કહીએ છીએ. એવો માણસ દુર્લભ છે, જેના ઉપર આ દ્વન્દ્વોની અસર ન થઇ હોય. આ બન્ને માર્ગો મનુષ્યને પોતાના તરફ આકર્ષતા રહે છે. અને આ ખેંચતાણ- અંદરનો ઝઘડો દુનિયાનો મોટામાં મોટો સંગ્રામ છે. આ દ્વ્ંદ્વો ઉપરનો વિજય એ જ મોટામાં મોટી જીત છે અને તેનાથી પ્રભાવિત થવું એ મોટામાં મોટી હાર છે. આ મોટામાં મોટી જીત એટલા માટે છે કે તેની અંદર જ આપણા સમસ્ત માનવ સમાજની ભલાઇ અને હિત છે, ઉન્નતિ છે, પ્રગતિ છે. તેનાથી સમસ્ત દુનિયાના સુખ-ચેનના માર્ગો મળી આવે છે. અને મોટામાં મોટી હાર એટલા માટે છે કે તેનાથી માનવને વધારેમાં વધારે વિપત્તિઓ વેઠવી પડે છે. તે જ માનવ સમાજની ઘોર દુ:ખ અને અવનતિનું કારણ છે.
આ દ્વન્દ્વો સામેની જીતમાં દુનિયાની ભલાઇ અને હારમાં દુનિયાના પતન અને દુ:ખનું મૂળ છે. જો આપણે માનવ જીવન ઉપર ઉંડી દૃષ્ટિ નાખીશું તો સ્પષ્ટપણે દેખાઇ આવશે કે મનુષ્યો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે, જેવી રીતે આપણાં શરીરના વિભિન્ન અંગો- હાથ, પગ, આંખ, કાન, નાક વગેરે. એ જ પ્રમાણે દુનિયાની બધી વસ્તુઓ અને ખાસ કરીને માનવ સમૂહો પરસ્પર એવા અતૂટ અને ઘનિષ્ઠ સંબંધોથી બંધાયેલા છે કે એના મૂળભૂત લાભ તથા હાનિ જુદા પાડી શકાતા નથી.
પરંતુ આ સમજણ માનવીના આવતાં વાર લાગે છે. ખાસ કરીને પ્રજાઓમાં, જુદા જુદા દેશોમાં અને એ રીતે સમગ્ર વિશ્વમાં આ વિચાર ઉત્પન્ન થવો અને તેને વિકસાવવો એ બહુ અઘરું કામ છે. આવી મૂળભૂત સમજણના અભાવે દુનિયાને ઘણા મોટા નુકશાનો થયા છે અને આપત્તિઓનો સામનો કરવો પડ્યો છે. અને ભવિષ્યમાં પણ આ જ પરિસ્થિતિ ચાલું રહેવાની છે.
આ અણસમજ પ્રત્યે મનુષ્યોનું ધ્યાન દોરવાનું તથા તેનાથી દૂર રહેવાનો રસ્તો બતાવવાનું કામ ધર્મોએ વધારેમાં વધારે કર્યું છે. આ સાથે એ પણ નિ:સંદેહ છે કે દુનિયાના સર્વ મોટા મોટા ધર્મોએ આ પૃથ્વીના કરોડો મનુષ્યોને હજારો વર્ષો સુધી સાચે રસ્તે વાળ્યા છે. આજ સુધી કરોડો માનવીઓના હૃદય તથા મનને, એમના આત્માને સુખ તથા શાંતિ આપનાર ધર્મ સિવાય બીજુ કોઇ મળ્યું નથી. મનુષ્યમાં પરસ્પર પ્રેમ અને ભાઇચારો ઉત્પન્ન કરવામાં તથા એક જ વિચારતળે એકત્રિત કરવામાં ધર્મ સિવાય અન્ય કોઇ તાકત હજુ સુધી જગતમાં મળી નથી.
પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવા અને આટલા મહાન ધર્મો, સંપ્રદાયો ભેગા મળીને પણ જગત-દુનિયામાં સાચી અને શાશ્વત શાંતિ અને સુખ પ્રસ્થાપિત કરી શક્યા નથી. ઉલટું પોત-પોતાના ધર્મની સંકુચિત દૃષ્ટિને લીધે નવા નવા પ્રશ્નો ઉભા થયા કરે છે. સમય સાથે વિજ્ઞાન અને તકનિકી શોધોનો આવિષ્કાર થતાં આ સમસ્યા વધુ ગંભીર બની છે. માનવ જાતિ પાસે ક્યારેય ન હતા તેવા વિજ્ઞાન અને ટેકનોલોજીના સાધનો ઉપલબ્ધ છે. માણસે ઇશ્વરીય કહી શકાય તેવી શોધો કરી અને તેનાથી દૈવી કહી શકાય તેવા ભૌતિક સુખો ભોગવી રહ્યો છે. સમુદ્ર્ના પેટાળથી ચન્દ્ર સુધી માણસ પહોંચ્યો છે. આ બધુ કરવા છતાં વિશ્વશાંતિ, સુખ, ઉન્નતિ, ભાઇચારો, ગરીબી, ભ્રષ્ટાચાર, કામચોરી, દેશદ્રોહ વગેરે દૂર થઇ શકે તેવું કોઇ રસાયણ વિજ્ઞાને શોધ્યું નથી.
આજે જગત જે વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેમાં સૌથી ગંભીર બાબત છે આતંકવાદ.અને આ આતંકવાદનું મૂળ માનવીના ધર્મમાં-સંપ્રદાયમાં છે. આજે વિશ્વના ફલક પર દૃષ્ટિ નાખતા ખ્યાલ આવશે કે દુનિયામાં જે કંઇ માનવ સંહાર થયો હતો અને થઇ રહ્યો છે, તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક ધર્મ જ રહેલો છે. દરેક ધર્મ એવી કંઇ બાબત ચૂકી ગયો કે સદીઓ પછી પણ માનવ હૃદયમાં હજુ સાચી સમજ ઉભી કરી શક્યો નથી આજે ફરી વિશ્વના માનવ સમૂહ સામે એ વિચારવાનો ગંભીર સમય આવી ગયો છે.
એ બાબત નિ:સંદેહ છે કે આ સમસ્યાઓનું મૂળ ધર્મ જ છે અને તે સમસ્યાઓના નિરાકરણનું સાધન પણ ધર્મ જ છે. ધર્મ અને ધાર્મિક ગ્રંથો પાસે આવી મોટી અપેક્ષા છે ત્યારે, સમગ્ર માનવજાતને કોઇપણ દેશ, કાળ કે જાતના ભેદભાવ વિના માર્ગદર્શક બની રહે તેવા ધર્મનિરપેક્ષ અને કાલનિરપેક્ષ વિચારો આપણને શ્રીમદ ભગવત ગીતામાંથી પ્રાપ્ત થાય છે. અહી શ્રીમદ ભગવત ગીતાની એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાનો નમ્ર ઉપક્ર્મ છે.
શ્રીમદ ભગવત ગીતા[1] માં કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણો મેં ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે સર્જ્યા છે. જન્મથી કોઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી, પરંતુ તેના ગુણ અને કર્મથી તેઓ આ વર્ણ પ્રાપ્ત કરે છે. અર્થાત જે વ્યક્તિ જેવા ગુણ અને કર્મવાળો હોય તે વર્ણનાળો તે વ્યક્તિ કહેવાય છે. જ્ઞાતિ, જાતિ કે સમાજના વૈમનસ્ય રાખવાનું કોઇ કારણ જ નથી. આથી જ ગીતા એવું પણ કહે છે કે વ્યક્તિ પોતે જ પોતાના બંધન અને મોક્ષનું કારણ છે[2]. અર્થાત તમે જે કંઇ છો તેના માટે તમે પોતે જ જવાબદાર છો. અન્ય કોઇ નહી. તમે જ તમારા ઉત્થાન અને પતનનું કારણ બની શકો છો. તેથી અન્ય કોઇને દોષ આપવાને કે જવાબદાર ગણવાની જરૂર નથી અને તેથી અન્ય પ્રત્યે વેરભાવ રાખવાની પણ આવશ્યક્તા રહેતી નથી.
શ્રીમદ ભગવત ગીતા જેને સાચો ધર્મ કહે છે અને જેનું સ્મરણ વારંવાર કરાવે છે તે એ છે કે બધે સમત્વ જાળવી, દ્રઢ બની ઇન્દ્રિયોને વશમાં રાખી[3] નિર્દ્વન્દ્વ થઇને સુખ, દુ:ખ, લાભાલાભની પરવા ન કરીને,[4] સકળનું કલ્યાણ વાંછીને, કોઇનાથી દ્વેષ કે વેરભાવ ન રાખીને,[5] લોક કલ્યાણમાં ચિત્ત પરોવીને, બીજાઓ પ્રત્યે પોતાની ફરજો અદા કરીને જે વર્તે છે તે જ સાચો ધર્માત્મા છે. અહી સ્પષ્ટ જોઇ શકાય છે કે અહી ક્યાંય કોઇ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયની વાત છે જ નહી પરંતુ સમગ્ર માનવજાતના હિત અને કલ્યાણની જ વાત કરવામાં આવી છે. વિશ્વના કોઇપણ ખૂણે અને કોઇપણ સમયે દરેક મનુષ્યને આ બાબત જ્ઞાતિ, જાતિના કોઇ ભેદભાવ વિના સર્વાંશે લાગું પડે છે.
વળી ગીતામાં કહ્યું છે કે નરક એટલે કે અવનતિના ત્રણ કારણો છે. કામ, ક્રોધ અને લોભ[6]. કેટલી અદભૂત વાત છે કે જગતના અને માનવીના તમામ અનર્થોનું મૂળ આ ત્રણ છે. ક્રોધની તો સમગ્ર મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા દર્શાવતા ગીતમાં કહ્યું છે કે ક્રોધથી મૂઢતા-મોહ આવે છે, મોહથી સ્મૃતિભ્રમ થાય છે, સ્મૃતિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી સમગ્ર વ્યક્તિનો નાશ થાય છે. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય તે વ્યક્તિ ગમે તેવું નિદ્ય કાર્ય કરતાં પણ અચકાતો નથી.
આથી ગીતા કહે છે કે સાચું જ્ઞાન અને સમજ એ છે કે મનુષ્યો પોતાની જેમ સૌને, પોતાનામાં સૌને, સૌને ઇશ્વરમાં અને સૌને એક ઇશ્વરમાં જૂએ. આવો મનુષ્ય સૌના હૃદયમાં વસે છે.
વ્યક્તિએ ક્યારેય નિરાશ ન થવું અને પોતાના કર્તવ્ય ફળની કોઇ ચિંતા કે અપેક્ષા રાખ્યા વિના કરતા રહેવું જોઇએ. તેથી જ ગીતા કહે છે- समत्वं योग उच्यते અર્થાત દરેક પરિસ્થિતિમાં સમત્વ – સમાનતા જાળવી રાખવી એ જ યોગ છે. જે કંઇ પણ કર્મ કરવામાં આવે એ પુરું થાય કે ન થાય તેમજ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ જે પણ મળે તેમાં સમભાવ રાખવો તે સમત્વ છે. વળી કહ્યું છે કે योग: कर्मसु कौशलम् એટલે કે કર્મમાં કુશળતા એ યોગ છે. પોતાનું કર્મ પરિણામ કે ફળની અપેક્ષા વિના પુરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરવું. પોતાના જીવન દરમિયાન પોતાના ભાગે જે કાર્ય અને ફરજ આવેલ છે તેને જીવન પર્યંત કરતા રહેવું. ગીતા કહે છે પોતાના ધર્મ – કર્યવ્યનું પાલન કરતા કરતા મૃત્યુ પણ શ્રેષ્ઠ છે, પરંતુ પોતાનું ત્યજીને અન્યનું કર્તવ્ય કરવું એ તો ભયંકર બાબત છે.[7]
મહાન માણસો અને શ્રેષ્ઠીઓને ગીતા કહે છે કે તેમણે જીવનમાં ભલે કંઇ કરવાની જરૂર ન હોય તો પણ લોકસંગ્રહ માટે પોતાના ભાગે આવેલું કર્તવ્ય કરતા રહેવું જોઇએ. કરણ કે મોટા માણસો જે કંઇ કરે છે તેનું અન્ય મનુષ્યો અનુકરણ કરતા હોય છે.
શ્રીમદ ભગવત ગીતાના સ્વાતંત્ર્યવાદ અને લોકશાહી અંગેના વિચારો અદભૂત છે. દરેક વ્યક્તિ મૂળભૂત રીતે સ્વંતંત્ર છે અને અદ્વિતીય છે. એટલે કોઇ કોઇના જેવો બની શકે નહી કે બનાવી શકાય નહી. એટલે કોઇ વ્યક્તિને આપણે અમુક બાબત કરવા સમજાવી શકીએ, પરંતુ તેમ કરવાની ફરજ કદાપિ ન પાડી શકીએ. અને એટલે જ લોકશાહીના સંપૂર્ણ આદર્શ જેવા વિધાનો ગીતાકાર કરે છે. શ્રીમદ ભગવત ગીતામાં સંપૂર્ણ પરિસ્થિતિનું યથાતથ વર્ણન અઢાર અધ્યાયમાં કરીને શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે. यथेच्छसि तथा कुरु લોક્શાહી અંગેના આવા અંતિમ વિધાનો ભાગ્યે જ ક્યાંય જોવા મળે.
આમ, સંપૂર્ણ ભગવત ગીતાનો તાત્વિક અભ્યાસ કરતા એ સ્પષ્ટ જણાંય છે કે આ કોઇ એક રાષ્ટ્ર, ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ કે પ્રદેશનો ગ્રંથ નથી પણ વૈશ્વિક ગ્રંથ છે. ગીતા માનવીને માનવ બનાવે છે. ‘હું માનવી માનવ થાઉ તો ઘણું’.
ટૂંકમાં ગીતા માણસને માણસ યોગ્ય, પૃથ્વીને જીવવાને યોગ્ય, પ્રકૃતિને માણવાને યોગ્ય અને સમગ્ર બ્રમાણ્ડને ઇશ્વરને યોગ્ય બનાવવાનો હાથવગો ઉપાય છે. આવનારી પેઢી અને વિશ્વને શ્રીમદ ભગવત ગીતા વિના ચાલવાનું નથી. આ બાબત જેટલી વહેલી સમજાય અને સ્વીકારાય જાય તેટલું વિશ્વ માનવ માટે શ્રેષ્ઠ છે.