દુષ્યંતકુમાર: હિન્દી ગઝલનો સશક્ત અવાજ
સ્વાતંત્ર્યોત્તર હિન્દી ગઝલક્ષેત્રે દુષ્યંતકુમારનું નામ ખૂબ આદર પૂર્વક લેવાય છે. દુષ્યંતકુમાર પૂર્વેની હિન્દી ગઝલ ઉર્દૂ-ફારસી પરંપરાના અનુસરણ સુધી સીમિત જણાય છે. ગઝલ ક્ષેત્રે એવું કોઈ નોંધપાત્ર પરિવર્તન પ્રગટ્યું નહીં, જે દુષ્યંતકુમારના આગમનથી પ્રગટે છે. અમીર ખુશરો અને મહાત્મા સંત કબીરના હાથે હિન્દી ગઝલનો પાયો નંખાયો હોવા છતાં હિન્દી ગઝલ આ પરંપરાના માર્ગે આગળ વધી શકી નહીં, એટલુ જ નહીં રીતિકાળમાં તો ગઝલે દરબારી સભ્યતા અને સંસ્કૃતિનાં ગુણ-ગાન ગાવાનો જ ઉદ્દેશ સેવ્યો જણાય છે, પરિણામે બિનજરૂરી ઉર્દૂ-ફારસી શબ્દો અને શરાબ, જામ, સાકી, મયખાના, જેવાં પરંપરાગત ભાવપ્રતીકો છૂટથી પ્રયોજાયાં. ભારતેન્દુયુગ-દ્વિવેદીયુગમાં આ અરાજકતા થોડી દૂર થઈ ખરી, તો છાયાવાદમાં જયશંકર પ્રસાદ, નિરાલા આદિ ગઝલકારોએ ગઝલને નવી દિશા આપી, જેમાં રોમાનિયત સંસ્કૃતિ, સભ્યતાને બદલે તત્કાલીન જીવન સંદર્ભને વાચા મળી. ઉત્તર છાયાવાદમાં પ્રેમ, પ્રકૃતિની સાથે-સાથે આધુનિક પરિવેશગત યથાર્થ બોધનાં ચિત્રો ગઝલમાં નિરૂપાયાં, ભાષાકીય બદલાવની સાથે અભિવ્યક્તિરીતિમાં પણ કેટલાક બદલાવ થયા. આ બધાં પરિવર્તનોના પરિણામે હિન્દી ગઝલ આગળ જતાં એક વિસ્તૃત પરિવર્તન દાખવે છે. પ્રયોગવાદમાં શમશેર બહાદુરસિંહ, ત્રિલોચન શાસ્ત્રી, ગિરિજાકુમાર માથુર આદિનો નોંધપાત્ર ફાળો પણ હિન્દી ગઝલના પરિવર્તન માટે મોકળાશ રચે છે.
દુષ્યંતકુમાર ઈ.સ. ૧૯૭૫માં ‘સાયે મેં ધૂપ’ સંગ્રહથી ગઝલ ક્ષેત્રે પ્રવેશ કરે છે ત્યારે એક ચોક્ક્સ ભૂમિકા તેમના મનમાં પડેલી હતી. આ સંગ્રહની કુલ 52 ગઝલો તત્કાલન સમાજની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. ગઝલ જે રાજસિંહાસન ઉપર બિરાજમાન હતી તેને આમ આદમીની વચ્ચે લઈ આવવાનું કામ દુષ્યંતકુમારે કર્યું. આ અંગે તેઓ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહે છે કે “ઉર્દૂ ઔર હિન્દી અપને-અપને સિંહાસન સે ઉતરકર જબ આમ આદમી કે પાસ આતી હૈં તો ઉનમેં ફર્ક કર પાના બડા મુશ્કિલ હોતા હૈ. મેરી નિયત ઔર કોશિશ યહ રહી હૈ કી ઈન દોનો ભાષાઓ કો જ્યાદા સે જ્યાદા કરીબ લા સકુ. ઈસલીએ યે ગઝલે ઉન ભાષા મેં કહી ગઈ હૈ, જિસે મેં બોલતા હૂઁ.” (સાયે મેં ધૂપ પૃ. iii) આવો ભાષાકીય ભેદભાવ દૂર કરવા તેમજ સામાન્ય માનવીની સંવેદના રજૂ કરવા માટે દુષ્યંતકુમારે ગઝલનું સ્વરૂપ પસંદ કર્યું, જે આજે સામાજિક વાસ્તવિકતાને પ્રગટ કરવા માટેનું એક સશક્ત માધ્યમ સાબિત થયું છે. સમગ્રતયા જોતાં દેશ જે પરિસ્થિતિમાં સપડાયેલો હતો એ પરિસ્થિતિનું બયાન એટલે દુષ્યંતકુમારની ગઝલો.
‘ઈશ્કે હકીકી’ અને ‘ઈશ્કે મિજાજી’નો ભાવ ધરાવતી ગઝલમાં દુષ્યંતકુમારે ગરીબી, ચોરી, લૂંટફાટ, બેંકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, બોંબધડાકા જેવી સામાજિક વાસ્તવિક્તાઓને, સમસ્યાઓને ગઝલનું રૂપ આપ્યું. અહીં સામાજિક, રાજકીય, આર્થિક અસમાનતા સામેનો આક્રોશ, ગરીબ-મધ્યમવર્ગ પ્રત્યેની સહાનુભૂતિ, જાતિવાદ, ધર્મવાદ, કોમવાદની આંટીઘૂંટીઓમાં ફસાયેલા માનવીની વ્યથા-પીડા અને શોષિતો પ્રત્યેનો અણગમો છે. સમકાલીન સામાજિક વ્યવસ્થા અને તેમાં પ્રગટતી વિસંગતિઓની તારસ્વરે રજૂઆત છે. જુઓ-
યહાઁ તો સિર્ફ ગૂંગે ઔર બહરે લોગ બસતે હૈ,
ખુદા જાણે યહાઁ પર કિસ તરહ જલસા હુઆ હોગા.(સાયે મેં ધૂપ, પૃ. ૧૫)
* * *
મુજમે રહતે હૈ કરોડો લોગ ચુપ કૈસે રહું,
હાર ગઝલ અબ સલ્તનત કે નામ એક બયાન હૈ.(સાયે મેં ધૂપ, પૃ. ૫૭)
દુષ્યંતકુમારની ગઝલોમાં એક પ્રકારની આગ છે. તેમાં સમાજમાં જે પરિસ્થિતી ઊભી થઈ છે તેના પ્રત્યેનો જ રોષ નથી પરંતુ એ પરિસ્થિતીને વેગ આપનાર વર્ગ પ્રત્યેનો પણ રોષ છે, જો કે આ રોષ કોઈ નફરતમાંથી નહીં પરંતુ એ વર્ગ પ્રત્યેની સહાનુભૂતિમાંથી પ્રગટ્યો છે. સામાજિક રૂઢિઓ અને સ્થગિત મૂલ્યોને બદલવા માટે સમગ્ર સમાજને જગાડવાનું કામ દુષ્યંતકુમારે ગઝલના માધ્યમથી કર્યું. પૂરી સભાનતા અને મક્કમતાથી આ બદલાવ લાવવા માટેની અભિવ્યક્તિ પણ એટલી જ સચોટ છે. જુઓ-
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહીયે.
મેરે સિને મેં નહીં તો તેરે સિને મેં સહી,
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહીયે . (સાયે મેં ધૂપ, પૃ. ૩૦)
સૂરત બદલવાની અને આગ જલાવાની વાત માત્ર બયાન તરીકે નથી કરી પરંતુ વાસ્તવમાં દુષ્યંતકુમારમાં આ ભાવના પડેલી હતી. દેશની ગરીબી, શોષણ અને અસમાનતા દુષ્યંતકુમારને અંદરથી જ વિદ્રોહ કરવા પ્રેરે છે. ભય અને ભૂખથી પીડાતો સમાજનો એક વર્ગ સતત સંઘર્ષમાં જીવન પસાર કરે છે. શોષક વર્ગ પ્રત્યેનો કટાક્ષ કેવો કાવ્યત્મક, વેધાત્મક બન્યો છે તે જુઓ.
ભૂખ હૈ તો સબ્ર કર, રોટી નહીં તો ક્યા હુઆ,
આજ કલ દિલ્હી મેં હૈ જેરે બહસ યે મુદદુઆ. (સાયે મેં ધૂપ, પૃ. ૨૧)
રાજકીય નેતાઓનાં ખોટાં ચૂંટણી ઢંઢેરાઓ, ગંદુને દુષિત રાજકારણ, તેની છળ-કપટ, બહુરૂપિયાઓની જેમ વેશ બદલતા નેતાઓ, દેશના સંવિધાનને થેલામાં લઈને ફરતા રાજકારણીઓ વગેરે પ્રત્યેનો રોષ આ સંગ્રહમાં ઠેર ઠેર નજરે પડે છે.
વો આદમી નહીં મુકમ્મલ બયાન હૈ,
માથે પે ઉસકે ચોટ કા ગહરા નિશાન હૈ.
સામાન કુછ નહીં હૈ ફટેહાલ હૈ મગર,
ઝોલે મેં ઉસકે પાસ કોઈ સંવિધાન હૈ.(સાયે મેં ધૂપ, પૃ. ૫૯)
* * *
હમકો પતા નહીં થા હમેં અબ પતા ચલા
ઈસ મુલ્ક મેં હમારી હકૂમત નહીં રહી (સાયે મેં ધૂપ, પૃ. ૧૮)
સામાન્ય માનવી અરાજકતા, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને શોષણથી ભયગ્રસ્ત છે. કહેવાતી લોકશાહીનાં મૂલ્યો પ્રત્યે પણ એને શંકા છે, તેમ છતાં આવી પરિસ્થિતી સામે કોઈ કંઈ બોલવા પણ તૈયાર નથી. સમાજમાં ચાલતી આવી અંધાધૂંધીથી પ્રજા પણ જાણે ટેવાઇ ગઈ છે. આથી શોષક અને શોષિત બંને વર્ગને સરખી અસર કરતા આ શેરની ચમત્કૃતિ નોંધનીય છે.
ઈસ શહર મેં તો કોઈ બારાત હો યા વારદાત,
કિસી ભી બાત પર ખુલતી નહીં હૈ ખિડકિયાં.(સાયે મેં ધૂપ, પૃ. ૨૧)
દેશ જ્યારે રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તેની સામે જયપ્રકાશ નારાયણ અવાજ ઉઠાવે છે અને પ્રખર વિરોધ કરે છે. આ જયપ્રકાશ નારાયણની વિચારધારનો પ્રભાવ દુષ્યંતકુમાર ઉપર પડ્યો છે તે એક શેર દ્વારા વ્યક્ત થયો છે. જેમાંથી તત્કાલિન સામાજિક, રાજકીય સ્થિતિનો ખ્યાલ આવે છે. ઉદા. તરીકે.
એક બુઢા આદમી હૈ મુલ્ક મેં યા યોં કહો
ઈસ અંધેરી કોઠરી મેં એક રૌશનદાન હૈ. (સાયે મેં ધૂપ, પૃ. ૨૧)
આઝાદીનાં આટલાં વર્ષ થયાં હોવા છતાં દેશમાં સામાજિક, રાજકીય, આર્થિક સ્થિતિમાં જે અસમાનતા પ્રવર્તે છે તેના કારણે અનેક વિડંબનાઓ ઊભી થઈ છે. આવી વિસંગતિઓને દુષ્યંતકુમારે ખૂબ નજીકથી જોઈ છે અને તેની અસલિયત અને ભયંકરતાને ગઝલનું રૂપ આપ્યું છે, તેમાં અભિવ્યક્તિમાં સચ્ચાઈ અને ગઝલકારનો આગવો મિજાજ વર્તાય છે. ઉદા. તરીકે.
રોજ જબ રાત કો બારહ કા ગજર હોતા હૈ,
યાતનાઓ કે અંધેરે મેં સફર હોતા હૈ. (સાયે મેં ધૂપ, પૃ. ૪૭)
* * *
કહાઁ તો તય થા ચિરાગાં હરેક ઘર કે લિએ
કહાઁ ચિરાગ મયસ્સર નહીં શહર કે લીએ (સાયે મેં ધૂપ, પૃ. ૧૩)
* * *
યહાઁ તક આતે-આતે સૂખ જાતી હૈં કઈ નદિયાં
મુજે માલૂમ હૈ પાની કહાઁ ઠહરા હુઆ હોગા.(સાયે મેં ધૂપ, પૃ. ૧૫)
તત્કાલિન સમાજમાં પ્રવર્તતી આવી પરિસ્થિતિના પરિણામે મૂલ્યગત પરિવર્તનો પણ પ્રગટ્યાં છે તે નોંધ્યા છે. દિનપ્રતિદિન ગરીબ વધુ ગરીબ અને ધનિક વધુ ધનિક બની રહ્યો છે ત્યારે પશુ સમાન વર્તતા માનવીને ‘આદમી કો ભૂનકર ખાને લગે હૈ’ દ્વારા મૂકીને માનવીય સબંધોમાં આવેલ બદલાવને રજૂ કર્યો છે. તેવી જ રીતે યંત્રયુગીન સમાજની ભયાનકતાની સાંકેતિક અભિવ્યક્તિ કેવી કરી છે તે જુઓ-
બંજર ધરતી, ઝૂલતે પૌધે, બિખરે કાંટે, તેજ હવા
હમને ઘર બૈઠે-બૈઠે હી સારા મંજર દેખ લિયા (સાયે મેં ધૂપ, પૃ. ૫૨)
ભાવ-વિચાર, સંવેદન અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ પણ દુષ્યંતકુમારની ગઝલો નોંધપાત્ર બની છે. ભાવને અનુરૂપ ભાષા પ્રયોજન અને ભાવને વ્યંજનાત્મક બનાવા માટે પ્રયોજેલ પ્રતીકો, કલ્પનો તેમજ રદીફ, કાફિયાનો સમુચિત વિનિયોગ હિન્દી ગઝલને પરંપરાગત ગઝલ કરતાં જુદી દિશામાં લઈ જાય છે. શરાબ, જામ, સાકી, મયખાના જેવાં પરંપરાગત ભાવ પ્રતીકોને સ્થાને સાંપ્રત જીવનની અભિવ્યક્તિ સાધવા કાલ્પનિકતાને સ્થાને વાસ્તવિક્તા મૂકીને પોતાના સમય અને સમાજની જે માંગ કે અપેક્ષા હતી તેને ગઝલના માધ્યમ દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. આ સંદર્ભમાં ડૉ. વિશ્વનાથ તિવારીનું વિધાન નોંધપાત્ર બન્યું છે, તે લખે છે કે-“ઈન ગઝલો કી જમીન ઈશ્ક કી નહીં, રાજનીતિ ઔર યથાર્થ કી જમીન હૈ, ઈન ગઝલો મેં પ્યાલા, શરાબ ઔર સાકી કી જગહ આજકા તડપતા, છટપટતા આદમી હૈ, ઉસકી જિંદગી હૈ, ઉસકી સચ્ચાઈ હૈ, ઉસકી ભૂખ હૈ, ઉસકી ઈચ્છા હૈ, ઉસકા ભય હૈ, વહ ભરા પૂરા આદમી હૈ- યાતનાએ ઝેલતા હુઆ, ભૂખે, નંગે, બેઘર, બેજુબાન લોગો કી પીડા કો હી દુષ્યંતકુમારને આપની ગઝલો કા વિષય બનાયા હૈ. દુષ્યંતકુમારની ગઝલે આજકી ખતરનાક સચ્ચાઇઓ કો બયાન કરતી હૈ.” (દુષ્યંતકુમાર: એક વિદ્રોહી ગઝલકાર પૃ. ૮૦)
માનવીય જીવનની વિસંગતિઓને, સામાજિક આંતર વિરોધને ભાષિક ચેતના દ્વારા પ્રગટાવતી સાંકેતિક અભિવ્યક્તિ વ્યંજનાત્મક બની છે. જુઓ-
બાઢ કી સંભાવનાએ સામને હૈ,
ઔર નદીયો કે કિનારે ઘર બને હૈ. (સાયે મેં ધૂપ, પૃ. ૪૩)
* * *
જિસ તરહ ચાહો બજાઓ ઈસ સભા મેં,
હમ નહીં હૈ આદમી, હમ ઝુનઝુને હૈ. (સાયે મેં ધૂપ, પૃ. ૪૩)
હિન્દી-ઉર્દૂ ભાષા વચ્ચેનો જે સંઘર્ષ હતો તે દૂર કરવાનું કામ પણ તેમણે કર્યું છે. તેમણે પ્રયોજેલ શુધ્ધ હિન્દી, તળપદી હિન્દી, અરબી-ફારસી તેમજ ઉર્દૂ ભાષાનું મિશ્રિતરૂપ તેમની ભાષિક સમર્થતાને વ્યક્ત કરે છે. આ અંગે તે કહે છે કે “મૈંને ઉસ ભાષા કી તલાશ કી જો હિન્દી કો હિન્દી ઔર ઉર્દૂ કો ઉર્દૂ દિખાઈ દે ઔર આમઆદમી અપની જબાન સમાજ કર અપના સકે.” (સારિકા પૃ. ૩૬, મે ૧૯૭૬)
આમ દુષ્યંતકુમારે ગઝલ સ્વરૂપના માધ્યમ દ્વારા સામાજિક વાસ્તવને પ્રગટાવવાનું કામ કર્યું. ગઝલના રૂઢ અને પરંપરાગત માળખામાં ફેરફારો કરીને ગઝલ સ્વરૂપની ચુસ્તતા, સંકુલતા બક્ષી. પરંપરિત ગઝલને એક નવી દિશામાં લઈ જવાનું કામ કર્યું.