Download this page in

લઘુકથા
લહેરખી

બસમાં ધસી આવતી લૂ અને ઉતારુંઓની વધતી જતી ભીડથી એ વ્યાકુળ થતો જતો હતો.

લાંબુ અંતર, લોકલ બસ, થોડા થોડા અંતરે આવતાં રહેતાં સ્ટેશન, ગામડિયા ઉતારુઓ, બસની ઘરેરાટી, બારીના કાચની ખડખડાટી, ખરાબ રસ્તાઓ, પાંસળા ઊંચા કરી દતા રોદા ! એ સમસમી રહ્યો.

ટિકીટો ફાડીને આપતી રહેવાની, પૈસા ગણ્યા કરવાના, વધ – ઘટની આપ – લે કર્યા કરવાની, બેલ વગાડ્યા કરવાનો ! ઉફ ! આ તે કંઇ નોકરી છે ?

એણે ઘડિયાળમાં નજર કરી. હજુ તો અરધું અંતર માંડ કપાયું. મુખ્ય સ્ટેશન સુધી પહોંચતાં નહીં – નહીં તોયે સાડા ચાર કલાક તો થવાના જ. એક રાતનો હોલ્ટ સ્ટેશન પર જ, ને સવાર પડતાં ફરીથી બીજી શિફ્ટ. છેક બીજા દિવસે સાંજે ઘરે પહોંચી શકાય. એટલું સારું હતું કે ... !

ટન....! એણે બેલ વગાડ્યો. બસ ઊભી રહી. એણે બારીમાંથી બહાર નજર કરી.

નાનકડી દિકરીને સાથે લઇને, લઘર – વઘર વેશે આવેલી એની પત્નીએ ટીફીન એના હાથમાં પકડાવ્યું. પુલકિત થયેલા બે ચહેરાઓને જોઇ એનું હૃદય છલકાઇ ઊઠ્યું. દિકરીના ગાલ ઉપર હળવેથી ટપલી મારી એણે બેલ વગાડ્યો. પત્ની અને પુત્રીએ હાથ હલાવી ‘આવજો’ કર્યું. બસ ચાલવા લાગી.

હવાની એક શીતળ લહેરખી આવીને રોમાંચિત કરી ગઇ. બધો જ ઉકળાટ શમી ગયો. ઉત્સાહથી એ બોલી ઊઠ્યો, ‘ છે કોઇ ટીકીટમાં બાકી ?’