લઘુકથા: શંકાનું સમાધાન
મેં આણંદથી સુરત જવા માટે ટ્રેનની ટિકીટ લઇ લોકલ ડબ્બામાં ચઢવાનો પ્રયત્ન કર્યો. હું માંડ ડબ્બામાં ચઢી ધીરે ધીરે અંદર પ્રવેશી શક્યો. મહામુસીબતે મેં પ્રથમ કમ્પાર્ટમેન્ટ પાસે ઊભા રહેવાની જગ્યા કરી. આ સમય દરમિયાન ટ્રેન શરૂ થવાને પંદર મિનીટ થઇ ચૂકી હતી. મારી નજર બારી પાસે બેઠેલા એક બહેન પર પડી.
પ્રથમ દ્રષ્ટિએ જોતાં તેમનો પહેરવેશ મને ખૂબ વિચિત્ર લાગ્યો. બાળકોને ઊઠાવી જનારી મહિલા જેવો..!! તેના પર વ્યવસ્થિત દ્રષ્ટિપાત કરતા મારી નજર તેના ખોળામાં સૂતેલા એક બાળક પર પડી જે દરેક બીજી મિનીટે રડી રહ્યું હતુ.(ખબર નહિ છોકરો હશે કે છોકરી). બાળકના રડવા સાથે તે મહિલા તેને પોતાની સાડીનો છેડો ઓઢાડીને સૂવડાવી દેતી હતી. આ ઘટનાનો નજારો મેં લગભગ પોણો કલાક સુધી જોયો. આ સમય દરમિયાન બાળક આઠથી દસ વખત રડીને સૂઇ ચૂક્યૂ હતુ પરંતુ તે મહિલાએ તે બાળકનું મુખ દેખાવા દીધુ ન હતુ.
મારી બરાબર બાજુમાં ઉભેલા એક સજ્જન પણ આ બધુ નિહાળી રહ્યાં હતા. મારી અને એમની નજર એક થઇ, જાણે અમારા બંનેના વિચારો સમાન દિશામાં કાર્યરત હોય એવું લાગ્યું. મારા ઉતાવળા સ્વભાવને કારણે મારાથી પૂછાય ગયું, “આ બેન છોકરાને ઉઠાવી તો નથી જતાને..?” તેઓએ પણ આવો જ વિચાર પ્રદર્શિત કર્યો. અમે બંને એવુ વિચારી રહ્યાં હતા કે આ મહિલાની જડતી લઇ આ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ.
ભરુચ આવવાની તૈયારી હતી ત્યાં જ તે મહેલાએ સામેની સીટ પર બેઠેલી એક મહિલાની સીટ નીચે સૂતેલા બીજા એક બાળકને ખોળામાં લીધુ અને તેના ખોળામાં રહેલુ બાળક સામેવાળી મહિલાને આપ્યું, તેણીએ એ રડતા બાળકને છાતી સરસું ચાંપીને સ્તનપાન કરાવવાનુ શરુ કર્યું અને અમારી શંકાનુ સમાધાન થઇ ગયું. એ મહિલા તેના સાસુ અને ત્રણ બાળકો સાથે પુના જઇ રહ્યાં હતા.