સિક્રેટ સુપરસ્ટારનું ભાવવિશ્વ અને બે સાહિત્યકૃતિઓ: તુલનાત્મક અભ્યાસ
‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મ જોઈ ત્યારે બે અલગ અલગ સમય, સ્થળ અને સ્વરૂપની કૃતિઓ હેન્રિક ઈબ્સનની ‘અ ડાલ્સ હાઉસ’ (1879) અને પોલો કોએલોની ‘Alchemist’ (1988) સતત મનમાં રમતાં હતાં. કારણ, બંને કૃતિઓના ભાવવિશ્વ જુદા હોવા છતા ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મમાં કોઈક રીતે વણાયા છે. એક તરફ નોરાનું કેન્દ્રવિભજન ઈન્સિયા અને નઝમામાં થયું છે તો ખુલી આંખે જોયેલા સપનાને સાકાર કરવા સાન્ટિયાગોની જેમ ઈન્સિયા પણ સફર ખેડે છે. સાન્ટિયાગોની સામે રણ, ચોર લુટારુઓ રૂપી બાહ્ય પડકાર છે, જ્યારે ઈન્સિયા સામે રૂઢિચુસ્ત પિતારૂપી કૌટુંબિક પડકાર છે, જેમાં કીમિયાગર બની શક્તિકુમાર મદદ કરે છે.
અદ્વેત ચંદનના લેખન-દિગ્દર્શનમાં બનેલી ‘સિક્રેટ સુપરસ્ટાર’નું વસ્તુ સંઘર્ષની અપાર શક્યતાઓથી સભર બે વિરોધ –‘कुछ लोगो को सपने देखना अलाउड नहीं होता’1 અને ‘सपने देखना तो बेसिक है, इतना तो सबको अलाउड होना चाहिये।’2 સિનેમેટિક ફલક પર ઉઘાડ પામે છે.
મધુરકંઠ અને સંગીતથી પ્રતિભાસંપન પંદર વર્ષની ઈન્સિયા(ઝાયરા વસિમ) સુપરસ્ટાર બનવાના સપના જુએ છે, આ સપનાનું સિંચન છ વર્ષની ઉંમરમાં જ અમ્મી નઝમા(મહેર વિજ)એ ગિટાર આપીને કર્યું હતું. આ સુપરસ્ટારને પ્લેટફોર્મ સુધી પહોચાડવાનું કામ પણ માએ(અજાણતા જ) લેપટોપ આપી કર્યું અને ઈન્સિયા બની ગઈ સિક્રેટ સુપરસ્ટાર. રૂઢિચુસ્ત અબ્બા ફારૂક મલ્લિકે(રાજ અર્જુન) સપના, ગિટાર અને લેપટોપ બધું જ તોડીને કેટલાય પ્રતિબંધ લાદી દીધા, ત્યારે ઈન્સિયાના લાગણીના તંતુ ઘરની બહાર શાળામાં ચિંતન(તીર્થ શર્મા) સાથે બંધાયા. ઈન્સિયાના સ્વપ્ન-સંવેદના ચરમસીમાએ હતાં ત્યારે જ પિતાને સાઉદી(રીયાદ)માં નોકરી મળી જતાં સહકુટુંબ ત્યાં જઈ, નોકરીના ફાયદા માટે અધિકારીના દીકરા સાથે ઈન્સિયાને પરણાવવાની પેરવી પણ કરી રાખી છે-આ બધું જાણીને, પૈત્રૃકસત્તાથી અમ્મી સાથે જાતને પણ મૂક્ત કરાવવા ચિંતન અને શક્તિકુમાર(આમિર ખાન)ની મદદથી ઈન્સિયા સાહસિક પગલું ભરે છે-ઘરથી છાના મુંબય જઇ શક્તિકુમાર માટે ગીત રૅકર્ડ કરી બદલામાં જાણીતા લોયર શીના સબાવાલા(મોના અંબેગાવકર)ને મળી પિતા વિરુદ્ધ ‘ઘરેલું હિંસા’ કેસની તૈયારી કરે છે પણ નઝમા શારીરિક અને માનસિક યાતનાઓ છતા પતિને છોડવા તૈયાર નથી. માની આવી કાયર માનસિકતા પર ઈન્સિયા રોષે ભરાઈ ત્યારે બડીઆપા(ફારુખ ઝફ્ફર)એ એક રહસ્ય ખોલ્યું- ગર્ભસ્થ ઈન્સિયાને બચાવવા નઝમા હોસ્પિટલમાંથી ભાગી ન હોત તો ગર્ભમાં જ એનું કામ તમામ થઈ ગયું હોત. આ જાણી ઈન્સિયા પોતાના બધા જ સપનાઓને સંકેલી સાઉદી જવા તૈયાર થઈ ગઈ. પણ ક્ષણે ક્ષણે ઠંડી કૃરતાથી ફારુકની પૈત્રૃકસત્તામાં સ્વમાન અને સ્વપ્નને રેહસાતા જોઈ નઝમાનું સ્ત્રીમાનસ પ્રતિકાર કરી ઈન્સિયાના સ્વપ્નને વાસ્તવની ધરા આપે છે.
ભૌતિક રીતે ફિલ્મમાં લેવાયેલો સમય એક વર્ષનો છે. પ૭માં ગ્લોબલ એવોર્ડથી આરંભાતી ઈન્સિયાની સ્વપ્ન સાકાર કરવાની યાત્રા પ૮માં ગ્લોબલ એવોર્ડ પર આવીને અટકે ત્યાં સુધી સંપૂર્ણ રજૂઆત રૈખિક રીતે જ કરવામાં આવી છે, છતાં દૃશ્યાન્વિત થતી નાનામાં નાની ઘટના પણ કૃતિની બાંધણીમાં દરેક સ્તરે મહત્ત્વનું પરિમાણ ઉમેરે છે: એક સિનમાં ગૂડ્ડુ તૂટેલું લેપટોપ જોડે ત્યારે ‘પિતાથી સારો માણસ’ બનાવવાની માની ભાવનાને ઈન્સિયા મનોમન સ્વીકારે છે જે અંતમાં ભાઈને પણ પોતાની સાથે લઈ જવાનાં ઇંગિત દર્શાવે છે. સમયની સાથે જ અવકાશ પણ અહીં એટલી જ સહજતાથી નિરૂપાયો છે. ઘર, સ્કૂલ, ટ્યુશન, એરપોર્ટ અને રેકોર્ડીંગ સ્ટુડિયો પૂરેપૂરી કરકસરથી પંદર વર્ષની કિશોરીના મનોવિશ્વને અનુરૂપ કથનબાંધણી, વાતાવરણ અને સમયનું નિરૂપણ થયું છે.
ફિલ્મકૃતિમાં ટી.વી. અને ઈન્ટરનેટ(યુ ટ્યુબ) બંને માધ્યમોનો સકારાત્મક ઉપયોગ થયો છે. ટી.વી.નો ઉપયોગ ઉદ્દીપક તરીકે ઈન્સિયાના સ્વપ્ન દૃઢ કરવા તેમજ પ્રેક્ષક સુધી પહોંચાડવા. શક્તિકુમાર ઈન્ટરવલ પહેલા ફક્ત ટી.વી.ના માધ્યમથી જ ઈન્સિયા અને પ્રેક્ષકો સુધી પહોંચે છે. જે પછી પ્રત્યક્ષ આવતા એ અસંગત નથી લાગતુ. ઈન્ટરનેટ-લેપટોપથી ઈન્સિયાની ઓળખ ‘સિક્રેટ’ રહીને પણ પ્રતિભાનો પ્રસાર શક્ય બન્યો છે, જે કૃતિની મૂળગત સમસ્યાને ઉજાગર કરવામાં પણ પ્રયુક્તિનું કામ કરે છે.
અહીં કેટલાક પાત્રોને ‘Alchemist’3 સાથે સરખાવતા કૃતિનું પાત્રવિધાન રસપ્રદ બનશે- સાન્તિયાગો સાથે સામ્ય ધરાવતી ઈન્સિયા સપનાને સાચા કરવા કંઇ પણ કરવા તૈયાર છે. એ દૃઢપણે માને છે કે અમ્મીએ, અબ્બાને છોડી દેવા જોઈએ, એ એના સપના(સુપરસ્ટાર)ને સાકાર કરવા આવશ્યક છે, એટલે જ નહી પણ અબ્બાની પૈત્રૃકસત્તામાં અમ્મી પર થતો ત્રાસ કોઈ પણ રીતે વ્યક્તિસ્વાતંત્ર્યને ખપે એવો નથી. સાન્તિયાગોની સમસ્યાઓ પરિસ્થિતીજન્ય હતી જયારે ઈન્સિયાની સમસ્યાઓનું કારણ અબ્બાનું આધિપત્ય છે, નઝમા કે ઈન્સિયા એના પગલુછણીયા માત્ર છે. ચિંતન, ઈન્સિયાને ફાતિમાની જેમ લક્ષ્ય તરફ ધપવા પ્રેરણારૂપ અને મદદરૂપ રહે છે. જ્યારે શક્તિકુમાર આ યાત્રામાં કીમિયાગરની જેમ પ્રત્યક્ષ મધ્યાંતર પછી આવે છે જેના પથદર્શન અને સહકારથી ઈન્સિયાનું સ્વપ્ન- ગાયક બનવાનું, એવોર્ડ મેળવવાનું, સુપરસ્ટાર બનવાનું હકીકત બની જાઈ છે. શક્તિકુમાર અનેક વિરોધી ગુણધર્મ ધરાવતુ રસપ્રદ પાત્ર છે. અભિનયકર્મી ચયન અને અભિનયક્ષમતાથી ફિલ્મકૃતિનું પાત્રવિધાન સુરેખ, આવશ્યક અને સાહજીક થયું છે.
પટકથા,સંગીત, આહાર્ય, અભિનય, કૅમેરાવર્ક તમામ પાસાઓને કંડાર્યા બાદ થતી બાંધણીની પ્રક્રિયા એટલે સંપાદન. આ ફિલ્મમાં સંપાદન પ્રયુક્તિઓ દ્વારા રજુઆતમાં લાઘવ આવ્યું જ છે, સાથે કેટલાક રસસ્થાનો પણ સર્જયા છે- એરપોર્ટ પર પિતા ગિટાર કચરાપેટીમાં નખાવે અને ટી.વી. પર સિક્રેટ સુપરસ્ટરના ન્યુઝ આવે છે, વર્ગમાં ઈન્સિયાના મનમા સંગીતની તરજ બને અને શિક્ષક આયરની વિશે પુછે, ઈન્સિયાની લાગણી ચિંતન જાણી જાઈ એ દૃશ્ય પછી પિતા ઘરે આવી ઈન્સિયાને પરણાવવાની વાત કરે છે. આ વિરોધો પ્રેક્ષકને જકડી રાખે છે.
આરંભ અને અંતને ફિલ્મકૃતિના આંતરિક બંધારણ સંદર્ભે જોઈએ: આરંભે લોંગ શોટમાં વિશાળ ફલકમાં ટ્રેન, મીડ શોટમાં બારીમાંથી ઈન્સિયા અને ટ્રેનમાં કલબલાટ કરતાં ટીનએજરમાં ગિટાર અને ગાયકીથી નોખી પડતી ઈન્સિયા, ચિંતન દ્વારા સિંગીંગ કોમ્પિટીશનની જાહેરાત જેમાં ઈન્સિયાની મહત્ત્વકાંક્ષા દૃઢ થાય છે. ઘરે આવતા સુધી વાતાવરણ સંકુચિત બને છે પણ ગ્લોબલ એવોર્ડ જોતા મહત્ત્વકાંક્ષા, સ્વપ્નમાં રૂપાંતરિત થઈ ગઈ અને મોડી રાત્રે અબ્બુના ઘરે આવતા જ સ્વપ્ન કોઈ અપરાધ બની ગયું, અહીં વિશાળથી સંકુચિતતા દૃશ્યાત્મકતાની સાથે ભાવનાત્મક અસર પણ ઊભી કરે છે.
અંતમાં પતિનાં રૂઢિચુસ્ત શાસન સામે પ્રતિકાર કરતી નઝમા જાણે ‘અ ડોલ્સ હાઉસ’4 ની નોરા જ બની રહે છે. પતિ સામે આ બીજો સક્ષમ પ્રતિકાર હતો જેના મૂળ દીકરીને જન્મ આપીને કરેલા પ્રતિકારમાં હતાં. જયારે નઝમા ઍરપોર્ટની બાર નીકળે ત્યારે પ્રેક્ષક પણ હાશકારો અનુભવે છે. અબ્બુના અધિકાર ક્ષેત્રમાંથી મૂક્ત થતા જ જેમાં પોતાનું અભિજ્ઞાન છુપાવ્યું એ બુરકો પણ ઉતારીને એક વ્યક્તિ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરતી ઈન્સિયા પણ નોરાનો જ વિસ્તાર છે. અંતમાં પ્રતિકાર અને અભિજ્ઞાનસ્થાપનથી કૃતિ નારીવાદી ન રહેતા વ્યક્તિવાદી બની રહે છે.
સંદર્ભ સૂચિ:
- 1 સિક્રેટ સુપરસ્ટાર, દિ.અદ્વેત ચંદન, ફિલ્મના અંતિમ ભાગમાંથી,ઓક્ટોબર 2017.
- 2 સિક્રેટ સુપરસ્ટાર, દિ.અદ્વેત ચંદન, ફિલ્મના મધ્ય ભાગમાંથી,ઓક્ટોબર 2017.
- 3 The Alchemist, Paulo Coelho, Harper Collins Publishers-2010.
- 4 અ ડોલ્સ હાઉસ, હેન્રિક ઈબ્સન, અનુ.બળવંત જાની, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ.૧૯૯૪.