Download this page in

‘રાનેરી’ની કાવ્યસૃષ્ટિ

‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ’

ગુજરાતીના ઉત્તમ ગીતોની હરોળમાં જેને મૂકી શકાય એવા આ લોકપ્રિય ગીતના રચયિતા કવિ મણિલાલ દેસાઈનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૯ના રોજ વલસાડ જિલ્લાના ગોરગામમાં થયો. મુંબઈની વાડીલાલ ચત્રભુજ ગુરુકુલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી તેઓ ઉચ્ચ કેળવણી અર્થે ત્યાંની કે.સી.કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા બાદ સોમૈયા કૉલેજમાંથી એમ.એ. થઈ ઘાટકોપર, મુંબઈની ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એક વર્ષ અધ્યાપન કાર્ય કર્યું, ત્યાં તો ૧૯૬૬ની ૪મેના રોજ આ કવિ-પુષ્પ અકાળે કરમાઈ ગયું. પરંતુ ૨૭ની વયે કરમાઈ ગયેલા આ પુષ્પની સુવાસ એમની કવિતા દ્વારા હજી સુધી પ્રસરી રહી છે. એમના કવિવ્યક્તિત્વના ઘડતરમાં કવિ સુરેશ દલાલ, જ્યોતીન્દ્ર દવે, રામપ્રસાદ શુક્લ જેવા અધ્યાપકો તેમજ મુંબઈ-અમદાવાદના નવકવિઓનો ફાળો રહેલો. એમની પહેલી કાવ્યકૃતિ ‘બાપુના શિષ્યો’ મુંબઈના ‘જનશક્તિ’માં પ્રગટ થઈ હતી. છતાં પ્રથમ નોંધપાત્ર ગણી શકાય એવું કાવ્ય તો ‘પલ’ છે.

સુરેશ દલાલ એક સમયે પોતાના વિદ્યાર્થી રહી ચૂકેલ મણિલાલની કવિતા વિશે લખે છે કે− “મણિલાલની કવિતાની વાત કરવી એટલે ડૂબી ગયેલા સૂરજની કિરણની સળી લઈ− અંધારાના પટ પર આલેખાયેલી એની કાવ્યસૃષ્ટિને ઉકેલવાનો પ્રયત્ન કરવો.”

‘રાનેરી’ (૧૯૬૮) કવિ મણિલાલ દેસાઈનો જયંત પારેખ સંપાદિત એકમાત્ર મરણોત્તર કાવ્યસંગ્રહ છે. જેમાં ગીત, ગઝલ, સૉનેટ, છાંદસ, અછાંદસ અને ગદ્યકાવ્ય સ્વરૂપની રચનાઓ છે. પ્રકૃતિ, પ્રણય, નગરસંવેદના, આધુનિક ચેતના, અંગત અનુભૂતિ અહીં કાવ્યવિષય બન્યા છે.

મણિલાલ દેસાઈનો કવિજીવ પ્રકૃતિનું પયપાન કરીને વિકસ્યો છે. તેમનાં પ્રકૃતિકાવ્યોમાં સુરજ, ચંદ્ર, તારાઓ, આકાશ, અમાસ, ચાંદની, સવાર, સાંજ, રાત, અંધકાર જેવાં પ્રકૃતિતત્વોનો વિનિયોગ થયેલો છે. ‘સાંજ’, ‘અમાસ’. ‘રાતભર’, ‘અંધારાની દીવાલ પાછળ’, ‘રાતવન’, ‘અંધારાની રાત’, ‘આમંત્રણ’, ‘વણરેખાયું વન’, ‘સવાર’, ‘રંગલયગતિ’, ‘રાનેરી’, ‘હે આવ, વસંત કુમારી !’, ‘આ શાન્ત સુપ્ત ધરતી નભ શાન્ત શાન્ત ’ વગેરે પ્રકૃતિકાવ્યો ‘રાનેરી’માં મળે છે.

પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ આ કવિ કેવી લાઘવતાથી કરે છે તે જુઓ –

‘ધરણીએ તૃણના ઘૂંઘટને જરા હઠાવી જોયું,
આકાશે વાદળની લટને જરા સમારી જોયું,’ (પૃ.૪)
*
‘સુસવાટ કરતી
આવતી ભીની હવામાંથી
એકાદ બે જલબિન્દુ લઈ
ડાળે
સવારે ડોકિયું કીધું.
કીધું ને હાંક મારી :
આવ વર્ષા.’ (પૃ.૫૧)

સવાર અને રાતનું વર્ણન તો જુઓ કવિ કેટલી સુંદર રીતે કરે છે-

‘ કોઈ રાતા રંગનો ઘોડો હલ્યો,
ખૂલી અટારી,
કળીએ આંખ ચોળી,
દૂર ડાળે ઝૂલતી કોયલ ઊઠી બોલી...
ને
રાત નાઠી. ’ (પૃ.૩૯)
*
‘પર્વતટોચે પહેલો રેલો તેજ તણાયો
ધરતીટોચે ગલગોટાનો છોડ જણાયો
આંખોથી અળગું અંધારું મોભે વળગ્યું
સૂરજમુખી સાત સાત પાંદડીએ સવળ્યું’ (પૃ.૮૩)
*
‘ચટાક દઈ ઊડનારું ઘુવડ નભનું અસ્તર ચીરે
રાત ઊતરતી ધીરે ધીરે ધીરે ધીરે ધીરે’ (પૃ.૮૧)

‘રાનમાં’, ‘રાનેરી’, ‘રાતવન’,’જંગલો’ – કાવ્યો જંગલનું વાતાવરણ આપણી સમક્ષ ખડું કરી આપે છે.

‘પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ’ (પૃ.૯૯)

ઉક્ત પંક્તિઓમાં ગાઢ વનનું સુંદર ચિત્ર કવિએ શબ્દો દ્વારા ચિત્રિત કરી બતાવ્યું છે. ‘રાનેરી’ના વન વિશેના કાવ્યો માટે ભાનુપ્રસાદ પંડ્યાએ નોંધ્યું છે – ‘જંગલ કે વન સાથેના અનેક, અભિનવ અને સઘન અધ્યાસો મણિલાલની વનકવિતામાં dશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણનાં કલ્પનોની નજાકત સાથે આલેખાય છે, જેમાં જંગલ-વન-રાનની આદિમ છટા સાકાર થાય છે. આપણે ત્યાં આવાં વનકાવ્યો વિરલ છે. કદાચ ‘રાનેરી’નો કવિ એમાં અજોડ બને તેમ છે.’
અંધકાર જેવા અમૂર્ત પદાર્થને પણ કવિ વિશિષ્ટ રીતે કાવ્યમાં મૂકી તેને મૂર્ત રૂપ આપે છે. જોઈએ અંધકાર વિશેની કેટલીક કાવ્યપંક્તિઓ –

હવે અંધારાનો અજગર ફરે ગામ, વનમાં;
હવે અંધારાનું જલ ટપટપે ઘેર, ગલીમાં;
હવે અંધારાનું પવન થઈ વહેવું ગગનમાં;
હવે અંધારાનો મગર ગળી જાતો અવનિને. ’ (પૃ.૮૭)
*
‘ અંધારાની દીવાલ પાછળ લીલાં કુંજર ઝાડ હશે ’ (પૃ.૭૯)
*
‘ બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે ’ (પૃ.૭૯)

આમ, અંધકારને કવિ પંચેન્દ્રિયથી અનુભવીને આલેખે છે. તેથી જ તો સુરેશ દલાલે મણિલાલને ‘ અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ કહીને ઓળખાવ્યા છે. ’ એમના ‘અંધારું’ કાવ્ય વિશે ચિનુ મોદી જણાવે છે કે – ‘ગીતના ફોર્મ અને કન્ટેન્ટ બેઉ સંદર્ભે, મણિલાલની આ રચના, સતત આસ્વાદકર રહેવાની એ વિશે મને શંકા નથી.’

‘હળવે રહીને હાક મારો’, ‘હળવી હવાને હિલોળે’, ‘વરસો તો ફોરાં ઝીલી લઈએ’, ‘બોલ વાલમના’, ‘મનામણાં’, ‘તમે આવો ત્યારે’, ‘તમે નહોતા ત્યારે’, ‘એને ભૂલવા’, ‘મારા આ ઉરના ઉમંગને’, ‘તોયે ન તમે આવિયા’ આદિ પ્રણયપ્રાપ્તિ અને પ્રણયવિરહનાં કાવ્યો છે. ‘ઉજાગરો’, ‘હારજીત’, ‘દોહ્યલું કામ’, ‘મારા લાલને’ વગેરે કાવ્યોમાં કવિએ રાધામાધવને સ્ત્રી-પુરુષના પ્રેમના પ્રતીકરૂપે પ્રયોજ્યા છે. ‘મૌન:શબ્દ’ અને ’૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬નો પ્રશ્ન’ બંને ગદ્યકાવ્ય પણ પ્રણયકાવ્ય છે. હસમુખ દોશી નોંધે છે- ‘આકૃતિની સુરેખતા અને ભાવની સચ્ચાઈભરી સચોટતા મણિલાલના પ્રણયકાવ્યોનું આકર્ષક લક્ષણ બની રહે છે.’

કવિ મણિલાલે પ્રકૃતિ, પ્રણય સિવાય ‘બાને’, ‘પૂજ્ય નાનાને’. ‘કવિનો પુનર્જન્મ’, ‘હું જીવું છું’ વગેરે અંગત અનુભૂતિના કાવ્યો, ‘અમદાવાદ’, ‘અ’વાદ’, ‘પત્ર’, ‘ફૂટપાથ અને આપણે’ વગેરે નગરસંસ્કૃતિનાં કાવ્યો ઉપરાંત નાસ્તિકમૂલક ચેતના, શબ્દસંવેદના, આદિમચેતના, મૂલ્યહ્રાસને રજૂ કરતાં કાવ્યો પણ આપ્યાં છે. વળી, પ્રેસિડન્ટ કેનેડી, મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાપુરુષો પર પણ કાવ્યો લખવા કલમ ઉપાડી છે. સંગ્રહના અંતે આદિલ મન્સૂરી, નલિન રાવળ અને રાવજી પટેલના કવિ મણિલાલને અંજલિ આપતાં કાવ્યો સમાવિષ્ટ થયા છે.

કવિએ ‘રાનેરી’માં કરેલ છંદ, કલ્પન ને પ્રતીકનો વિનિયોગ પણ ધ્યાનાર્હ છે. ‘બાને’, ‘પૂજ્ય નાનાને’ તથા ‘રાત’ કાવ્યમાં શિખરિણી છંદ, ‘તમે આવો ત્યારે’માં ખંડશિખરિણી, ‘આ શાન્ત સુપ્ત ધરતી નભ શાન્ત શાન્ત’ માં વસંતતિલકા, ‘રંગલયગતિ’ અને ‘નગર’માં કટાવ તેમજ ‘વિશ્વ મારું’ માં હરિગીત છંદનો વિનિયોગ કરેલ છે.

‘રાત’ કાવ્યમાં અંધકારનાં દ્રશ્ય-શ્રાવ્ય કલ્પનો, ‘બોલ વાલમના’માં આવતાં દ્રશ્ય-શ્રાવ્ય કલ્પનો, ‘રાતવન’માં ઘુવડ, વાઘણના કાન જેવાં દ્રશ્યકલ્પન, ‘અંધારાની દીવાલ પાછળ’માં અંધારાને માટે ખાટા સ્વાદનું કલ્પન તેમજ પૃ.૩૬ અને પૃ.૬૪ પર દેડકો, સાપ અંધારું,અજગર, કરોળિયાનાં જાળાં વગેરે મૃત્યુ ચેતનાના કલ્પનો પ્રયોજ્યાં છે.

પ્રતીકોને પણ કવિએ આવશ્યક્તાનુસાર ખપમાં લીધા છે. ‘એને ભૂલવા’માં અંધારું, રેશમી કીડો, ‘હવે એ બારણું બંધ કરવું જોઈએ’માં સમુદ્ર, સૂર્ય, ચંદ્ર અને બારસાખે લટકતાં ચોકિયાત ફૂલોની બેધારી નજર, ‘અમાસ’માં ચાંદની અને કૂતરો, ‘સમણું સાત દિવસ આવ્યું’માં રામણદીવો, ‘મારા આ ઉરના ઉમંગને’માં સાગરના ઊઠતા તરંગ તથા સુનેરી સુગંધ, ‘તોયે ન તમે આવિયા’માં સૂરજ, સોનાનું પિંજર, રૂપાનું બારણું વગેરે પ્રતીકો, ‘બોલ વાલમના’માં ગ્રામપ્રતીકો તેમજ ‘રાનમાં’, ‘હવે’, ‘અમાસ’ કાવ્યોમાં પણ પ્રતીકોનો વિનિયોગ થયેલો છે.

પ્રલંબ લયની રચના ‘રંગલયગતિ’ અને ‘આભ’ તથા ‘રાનેરી’, ‘પલ’, ‘બોલ વાલમના’ જેવી યાદગાર ગીત રચનાઓ આપનાર મણિલાલના ‘રાનેરી’ સંગ્રહ વિશે પ્રવીણ દરજી યોગ્ય જ નોંધે છે – “ ‘રાનેરી’ના કાવ્યો ઝરમર જલ જેવાં નાજુક અને ચંચલ, છલક છલક છલકાય તેવાં છે....”

પાદટીપ::

  1. ૧. ‘ગ્રંથ’ સામયિક નવે.૧૯૬૮, પૃ. ૩૧
  2. ૨. ‘અસ્મિતાપર્વ’ વાક્ધારા ૮- સંપા.હર્ષદ ત્રિવેદી, પ્ર.આ.૨૦૦૮, પૃ.૧૫૫
  3. ૩. ‘છેલ્લા બે દાયકા ચાર કવિઓ’- લે. ચિનુ મોદી, પ્ર.આ.૧૯૭૪, પૃ.૩૨
  4. ૪. ‘પરિપ્રેક્ષા’- લે. ડો.હસમુખ દોશી, પ્ર.આ.૧૯૭૪, પૃ.૯૩
  5. ૫. ‘ચર્વણા’- ડૉ. પ્રવીણ દરજી,પ્ર.આ.૧૯૭૬, પૃ.૮૯