સમાજની વાસ્તવિકતાને રજૂ કરતી વાર્તા : ‘સહી’
નવા વિષયોને લઈને વાર્તા લખવાનું પસંદ કરતાં કલ્પેશ પટેલે શ્રદ્ધાભંગ(2000), વાડ(2008) અને મલાજો(2012) એમ ત્રણ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેમની ‘વાડ’, ‘સહી’, ‘સોદો’, ‘મલાજો’ વગેરે વાર્તાઓ તેમની વાર્તાકળાની લીધે તથા વસ્તુને લીધે નોખી તરી આવે છે. આ નોખા અવાજના વાર્તાકારની ‘સહી’ વાર્તા વિષે અહીં વાત કરવી છે.
કલ્પેશ પટેલની ‘સહી’ વાર્તા સાંપ્રત સમાજ જીવનને રજૂ કરે છે. નાયિકા ‘કોકિલા કાંતિલાલ પટેલ’ને મહિલા સરપંચ તરીકે ઉમેદવારી કરાવામાં આવે છે. અત્યારે સુધી ગામમાં સરપંચ કોકિલાના સસરા હતા. પરંતુ મહિલા અનામત બેઠક આવવાને કારણે આ વખતે ‘કોકિલા’ને ઉમેદવારી કરાવામાં આવે છે. નાયિકાને સરપંચ બનવામાં રસ નથી. પરંતુ ઘરમાંથી સત્તા-સરપંચપણું ન જાય માટે તેને વગર ઈચ્છાએ તૈયાર કરવામાં આવે છે.
સરપંચની ચૂંટણીમાં તરલિકાબેન (શિક્ષિકા) અને કંકુ ડોશી જેવી સ્ત્રીઓ ‘ગોંમના ઓટલા તોડતા’ નાયિકના સાસરને મત આપવા તૈયાર નથી પણ નાયિકા કોકિલા કંઈક કરી બતાવશે એ આશાએ તેને મત આપે છે. ને તે જીતે પણ છે. વિજેતા મહિલા સરપંચ-કોકિલાને શિક્ષિકા તરલિકાબેન પંદરમી ઓગષ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણ આપી બહુમાન કરાવા માગે છે. તેથી તે પ્રા.શાળામાં બોલાવે છે. આ વાત નાયિકના પતિને મંજૂર નથી. ‘બૈરાં પંચાત કૂટશીં તો ભાયડા ચ્યાં જશીં?... ગયા’ (વાડ-વાર્તાસંગ્રહ, પૃ.90) જેવા વિચારો ધરાવતો પતિ, કોકિલા ધ્વજવંદન કાર્યક્રમમાં જશે તો પોતાની આબરૂ જશે એમ માને છે. પરંતુ શિક્ષિકા-વિદ્યાર્થીનીઓની લાગણી, આગ્રહને વશ થઈને તે જાય છે. આ વાતનું પતિને ખોટું લાગે છે. થોડાક દિવસ પછી ગામની શાળામાં એક ઘટના બને છે. ‘મોહન રેવા’ પોતાની અંગત ફરિયાદ લઈને શાળામાં જાય છે. આચાર્યની ગેરહાજરીમાં ‘મોહન રેવા’ શાળામાં ગાળો બોલતા તરલિકાબહેનથી સહન ન થતાં તરલિકાબહેન મોહન રેવાને થપ્પડ મારે છે. આ વાતનો બદલો લેવા મોહન રેવા, નાયિકના સસરા અને પતિ ત્રણેય મળીને શિક્ષિકા સામે મોરચો મંડાય છે, ‘તરલિકાબહેન ચારિત્રહીન સ્ત્રી છે, તેનાથી કન્યાઓનાં સંસ્કારો બગડે છે’ તેવું ખોટું લખીને શિક્ષિકા વિરુધ્ધની અરજીમાં સરપંચ-નાયિકાની સહી કરાવા પતિ આવે છે. તરલિકાબહેન વિરુધ્ધની અરજીમાં પોતે સહી કરે તે માટે પતિ નાયિકાને હૂકમ કરે છે પરંતુ કોકિલાને ખબર છે કે શિક્ષિકા સાચી છે. પતિની જોહૂકમી-પુરુષપણા આગળ તે સંકલ્પ લે છે. : ‘નહીં કરૂં ! મારી-મારીને તોડી નાખશો તોય આમાં તો સહી નહિ જ કરું...! કાંઈક સાચું તો હોવું જોઈએ ને !’(વાડ,પૃ.94) પરંતુ ‘સહી ન કરું તો મારા ઘરમાં ન જોઈએ’ તથા ‘સહી કર કાં તો બિસ્તરા બાંધ !’ તથા ‘લે, કરં છં કં, લાકડી લઈ આવું માંય થી ?’ જેવા શબ્દો આગળ નાયિકા અંતે વિચારે છે કે ‘મારા સંકલ્પો બરફ જેમ ઑગળતા કળાયા. હું... મારું ઘર ...પિયર ... સંતાનો... ગોળ ને મારી આબરૂ... મેં પેન લેવા માટે ધ્રૂજતો હાથ લંબાવ્યો.’ (વાડ,પૃ.94) વાર્તાના અંતના શબ્દો નાયિકા આ ભ્રષ્ટ તંત્ર સામે ઝૂકતી બતાવી છે. પોતે જે સંકલ્પ કરે છે તેની સામે આ અંતનું વાક્ય- ‘મેં પેન લેવા માટે ધ્રૂજતો હાથ લંબાવ્યો.’ જે સૂચક છે. સરકાર દ્વારા મહિલા અનામતની અમુક ટકા બેઠકો પંચાયતીરાજમાં રાખવામાં આવી છે. તેવા સંજોગોમાં સરકારના ચોપડે ઉમેદવારી મહિલા જ કરે છે. સરપંચ તરીકેનું નામ પણ મહિલાનું જ હોય છે. પણ તેના નિર્ણયો ઘરના પુરુષ વર્ગ જ લઈ રહ્યાં હોય છે. જેવી કઠોર વાસ્તવિકતાને આ વાર્તા રજૂ કરે છે.
વાર્તામાં કોકિલાનો નિર્ણય જુદો છે. પરંતુ પુરુષ-પતિ અને તેના સસરાની સામે તે પોતાનો અવાજ - નિર્ણય રજૂ કરે છે. પણ તે દબાવી દેવામાં આવે છે. આમ ગ્રામીણ જીવનની સ્ત્રીની સ્થિતિ વાર્તાકારે આલેખી છે.
‘સહી’ વાર્તા એ અર્થ ભાવકને સ્પર્શી જાય છે કે કોકિલા મનથી આ કામ કરવા તૈયાર નથી. તે ‘સહી’ ન કરવાનો નિર્ણય પણ લે છે. નારીની આ જાગૃતિ ગ્રામીણ સમાજમાં ખૂબ મોટી કહેવાય. કદાચ આ વિચાર એક દિવસ સંકલ્પ બની જશે. અને સમાજમાં જાગૃતિ આવશે, તે અર્થમાં પણ આ મનોસંઘર્ષ વાર્તાનો મહત્ત્વનો અંશ બને છે પરંતુ સમાજમાં સ્ત્રીને દબાવવા માટે ‘ઘરમાંથી કાઢી મૂકવાની વાત’ તથા તેની સામે ચારીત્ર્યના પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. ને આ જ પ્રશ્નોનો ભોગ સરપંચ કોકિલા અને શિક્ષિકા તરલિકાબહેન બને છે. અને તેથી નાયિકા કહે છે કે ‘મારો જ વાંક છે ભૂલી ગઈ કે, પુરુષ નથી. સરપંચ બની તેથી શું?’(વાડ,પૃ.90) પોતે ઉચ્ચ હોદ્દા ઉપર છે પણ સ્ત્રી હોવાને લીધે તેને જુદા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અને નીચા નમવું પડે છે. સાંપ્રત સ્ત્રીની સ્થિતિને આ વાર્તા રજૂ કરે છે.
તરલિકાબહેન નાયિકા કોકિલાને મળે છે ત્યારે નાયિકા કહે છે કે ‘ખોટું એ તો ખોટું જ છે ને? ખોટાનો સાથ તો દેવાય જ કેમ?’ (વાડ,પૃ.92) ને ખરા અર્થમાં તે સાથ દેવા પણ માગતી નથી. તરલિકાબહેન ભવિષ્ય જાણતા હોય એમ તે સામેથી કહે છે કે ‘પણ... પણ... આ લોકો તમને હેરાન કરશે તો? નાહક મારે માટે થઈને તમારે શું કામ આફત વહોરવી જોઈએ?’ તથા આગળ તરલિકાબહેન કહે છે કે ‘તમને તકલીફ થાય એવું કશું ન કરતાં. સહી કરશો તોય મને ખોટું નહીં લાગે’ (વાડ,પૃ.92) આ વાક્ય શિક્ષિકા કહે છે તેમાં આવનાર મુશ્કેલીનો અણસાર મળે છે. ને વાર્તાને અંતે ઉપરનું વાક્યસાર્થક સાબિત થાય છે. તે અર્થમાં આ સંવાદ વાર્તાનો મહત્ત્વનો ભાગ સાબિત થાય છે.
તળ પ્રદેશની બોલી આ વાર્તાનું ચાલક બળ છે. બોલીનો સર્જનાત્મક વિનિયોગથી ગ્રામીણ સમાજ જીવન, નારીની મન:સ્થિતિ વગેરે બાબતો સચોટતાથી વ્યક્ત થઈ છે. જેમકે
- ‘તારામાં જ થપ્પો મારીશ પણ સરપંચ થઈને કાંક કરી દેખાડજે પાછી!’(વાડ,પૃ.88)
- ‘એ તો કૂટશે પાણો ને પાંશેરી ! આપણે તો સહી કરીને છૂટાં !...’ (વાડ,પૃ.88)
- ‘આપણે સ્ત્રીઓ ક્યાં લગી ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહેશું કે’જો ?’(વાડ,પૃ.89)
- ‘મારો જ વાંક છે ભૂલી ગઈ કે પુરુષ નથી. સરપંચ બની તેથી શું ?’(વાડ,90)
- ‘આખા ગોંમ વચીં નેંચો દેખાડવો છં મનં ? કોંમેવળ છોંનીમોંની ! બૈરાં પંચાત કૂટશીં તો ભાયડા ચ્યાં જશીં ?’… ગયા.’ (પૃ. 9૦)
- ‘એ મહેતીને ગોંમાંથી વહેતી ના કરી દઉં તો હું મગન રાંમાનો કાંતિ નહિ!...’ (વાડ,પૃ.91)
- ‘મહેતી બઉં ફાટી છં એને કાઢોં બસ!...’ (વાડ,પૃ.91)
- ‘પણ બેનનો કયાં વાંક છે ? પાડાને વાંકે પખાલીને ડામ દેવાય એ તો કેમ ચાલે ?’ (વાડ,પૃ. 93)
- ‘માદરબખત ! હામું ચપચપ બોલે એટલા ખાતર તને સરપંચ બનાઈ’તી ? બરડા પર વાગેલો મુક્કો એવો જોરૂકો હતો કે હું તો બેવડ વળી ગઈ!’ (વાડ,પૃ. 94)
ઉપરના ગદ્યના ઉદાહરણોમાં દેશીશબ્દો, કહેવતો, વાક્યખંડોના વિનિયોગ દ્વારા ગ્રામીણસમાજ, નારીની મન:સ્થિતિ, પુરુષની જોહુકમી, પ્રજાની ઈચ્છાઓ વગેરે બાબતો દેશી-તળપદી બોલીમાં અભિવ્યક્ત થઈ છે. આ તળપદી બાનીને કારણે વાર્તાને એક નવી ઊંચાઈ મળી છે.
સરકારનો પ્રયાસ છે કે સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં સ્ત્રીઓ ભાગીદાર બને. તે ઘર-સમાજના પાયાના પ્રશ્નોને સારી રીતે સમજે માટે તેનો ઉકેલ કરે. પચાસ ટકા મહિલા અનામત દ્વારા ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહેલી મહિલાઓને બહાર લાવાનો પ્રસંશનીય પ્રયાસ છે પરંતુ વાસ્તવિક્તા જુદી જ બયાન કરે છે. આઝાદીના આટલા વર્ષો પછી મહિલા અનામતને વેગ મળ્યો છે પરંતુ ગામમાં સ્ત્રી ઉમેદવાર કેવળ એક માથું જ છે. નિર્ણયો તો સસરા અને પતિ જ લે છે ને ‘કોકિલા’ જેવી સ્ત્રીઓને માત્ર ‘સહી’ જ કરવી પડે છે. કલ્પેશ પટેલે આ ‘સહી’ વાર્તા દ્વારા ગ્રામીણ જીવનનું સાચું ચિત્ર રજૂ કર્યું છે . તો આવું જ અનામત દલિત કે આદિવાસી ઉમેદવાર સંદર્ભે પણ જોવા મળે છે. સરકારના મહિલા અનામત પ્રયાસથી કેટલીક કોકિલા જેવી સ્ત્રીઓ જાગૃત થઈ છે ‘એ તરલિકાની બદલી કરાવવાના પત્રમાં ‘સહી’ ન કરવા અંગે વિચારે છે. આ ઘટના સામાન્ય લાગે છતાં પરિવર્તન પામતા ગ્રામજીવન માટે ઘણી વજનદાર કહેવાય.’ (વાડ,પૃ.12) જેવો રઘુવીર ચૌધરીનો મત સાચો છે. કોકિલા જેવી સ્ત્રીઓ એ દિશામાં જે વિચારી રહી છે તે ખૂબ જ મોટી વાત છે. આ દિશામાં સરકારનો પ્રયત્ન સારો છે પણ સફળતા હજી દૂર છે...