યોગેશ જોષીની નવલક્થામાં ‘મોટીબા’નું ચરિત્ર ચિત્રણ
યોગેશ જોષીએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલી છે. યોગેશ જોષીની ‘નહીંતર’ નવલકથાને વિસનગર લાઈબ્રેરીનું પારિતોષિક મળેલું છે. ‘વાસ્તુ’ નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રિયકાન્ત પરીખ પુરસ્કાર, ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવોર્ડ, ઘનશ્યામ સરાફ સાહિત્ય પુરસ્કાર, જેવા નવલકથા ક્ષેત્રે પુરસ્કારો મળેલાં છે. જયંત કોઠારી કહે છે કે, ‘યોગેશને વાસ્તવની સારી પકડ છે.’ યોગેશ જોષી વર્ણનકળામાં પોતાની આગવી છાપ પ્રગટ કરે છે.
‘નહીંતર’, ‘આરપાર’ નવલકથામાં ‘મોટીબા’ પાત્રનું ચિત્રણ સૂક્ષ્મ પણે મૂકેલું જોવા મળે છે. યોગેશ જોષીએ ‘મોટીબા’ નામે ચરિત્રનું આલેખન પણ કરેલું છે.
‘નહીંતર’ નવલકથામાં ‘મોટીબા’ કેતનનાં દાદીમાં છે. કેતનએ નવલકથાનું મુખ્ય પાત્ર છે. કેતન અને નિયતિ દાઝ્યા છે તેવી જાણ થતા મોટીબા ઘરે ચિંતિત થાય છે. મોટીબા સોપારી ઝીણી કાતરતાં હતાં. કેતન, નિયતિની ચિંતામાં “જેવીતેવી જેમતેમ કતરેલી સોપારી પાનમાં મૂકી પાન મોંમાં તો મુંક્યું; પણ મોંમાં જાણે જીભ જ નહીં ! કશોય સ્વાદ જ નહીં ! ચોકઠાના દાંતોએ શરૂમાં તો પ્રયત્ન કર્યો પાન ચાવવાનો, પણ પછી તો એ પાન એમ જ પડી રહ્યું મોઢામાં. દાંતના ચોકઠાની ભેગું, ચોકઠા જેવું ! જાણે પાન મોંમાં મૂકતાંવેંત મોટીબા ઊંઘી ન ગયાં હોય ! પણ ઉંમરના કારણે ઊંઘ તો મોટીબાને આમેય ઓછી થઈ ગયેલી.”
“પાન જ નહીં, જાળી પાસે મોટીબા ઊભેલાં ત્યારે ખાસ્સી ચપટી ભરીને છીંકણી તાણેલી, તો છીંકણીનોય કશો જ સ્વાદ નહીં ! છીંકણીના બદલે જાણે કોરીધાકોર રેતી ન સૂંઘી હોય ! મોતીબાના મોંમાં જમણા ગલફોરા તરફ પાન પડયું રહ્યું છે. જમણું ગલફોર હવે તો આળું થઈ ગયું છે. એમની વ્યાકુળ નજર હજીય બારણાં તરફ મંડાયેલી છે. અસંખ્ય કરચલીઓની વચ્ચે મોટીબાની આંખો, પોપચાં, પાંપણો, બધું એવું તો સ્થિર છે કે જાણે એ આંખો મટકું મરવાનુંય ભૂલી ગઈ હોય ! વ્યાકુળતા જો ન હોય તો તો એમ જ લાગે જાણે કોક શબના ખુલ્લા રહી ગયેલા ડોળા !”
“સા...વ ધીમો હીંચકો ચાલે છે, તોય ખૂબ મોટો અવાજ થાય છે. કીચૂ...ડ કીચૂ...ડ કીચૂડ...મોટીબાને લાગે છે કે એ અવાજ જાણે કડામાં નહિં, પણ પોતાના માથામાં જ થઈ રહ્યો છે. હરિયાના બાપા લાવેલા એ લોલક્વાળા ઘડિયાળનો અવાજ નહિં, પણ જાણે અટકી અટકીને ચાલતા સમયનો જ અવાજ, મોટીબાના લમણાની તંગ નસોમાં થરકતો, થરકતો, હાંફતો, ફૂલતો, સંકોચાતો સમયનો જ અવાજ, મોટીબાના મગજની નસોમાં, એમની બધીયે શિરાઓમાં અને ઘમનીઓમાં !” જાણે ફરતો હતો.
મોટીબાને નિયતિ પાસે જવાની તાલાવેલી જોવા મળે છે. કેતન અને નિયતિએ પ્રેમ લગ્ન કર્યા ત્યારે મોટીબા એ કેટકેટલુંય વિચારેલું કે કેતન અને નિયતિ ઘરે આવે ત્યારે તેને કહેવા માટે, પણ જ્યારે નિયતિને મોટીબા જોવે છે ત્યારે મોટીબા બધું ભૂલી ઘરનો વ્યવહાર સોપવા નિયતિને વ્યવહારની ઝીણી-ઝીણી વાતો કરે છે.
‘આરપાર’ નવલકથામાં ‘મોટીબા’ એ તન્વીના દાદી છે. તન્વી નવલકથાનું મુખ્ય સ્ત્રીપાત્ર છે. મોટીબા અને તન્વી જાણે સરખે સરખી સહેલી છે. મોટીબા હસતાં ત્યારે ચોકઠાના નાના નાના દાંત ચમકી ઉઠતા. કપાળની કરચલીઓ વધુ ઊંડી બની જતી હતી. મોટીબાને “ગાંધીજીનાં ચશ્માં જેવાં ચશ્માં, સફેદ સાડલો, સફેદ વાળ, કરચલિયાળો પણ જીવંત લાગતો ગોરો ગોરો ચહેરો.” જ્યારે “જાડા કાચનાં ચશ્માંમાંથી મોટીબા આંખો ઝીણી કરીને વિનોદને ધારીધારીને જોતાં હતાં.”
“મોટીબાએ અંદરથી ડોરબેલનો અવાજ સાંભળેલો પછી કોકના બોલવાનો સાવ ધીમો અવાજ તે અવાજ ઓળ-ખાયો નહોતો. ને એ વાકય પણ સાંભળ્યું નહોતું. પગ સીધા કરતાં ઢીંચણમાં દુઃખાવો થયો તો પણ જપે તો મોટીબા શેનાં? ઊભાં થઈ એ તો ઘીરે ઘીરે ચાલવા લાગ્યાં, બહારના રૂમ તરફ. કોણ આવ્યું છે એ જોવા. ને બારણાંની ફ્રેમ પાસે આવતાં જોયું તો તન્વી-વિનોદ ઊભેલાં હાથમાં હાથ રાખીને ! મોટીબા પાછાં ફર્યા, દબાતે પગલે.” અને “મોટીબા વિનોદ સાથે વાતો કરતાં જાય ને ચશ્માનો ખૂણો પકડી ઘડી ઘડી ચશ્માં ઠીક કરતાં જાય ને વિનોદને નિરખતાં જાય.” એવાં સરળ સ્વભાવનાં મોટીબા હતાં.
‘નહીંતર’ અને ‘આરપાર’ બંને નવલકથામાં મોટીબા પાત્ર જોવા મળે છે. બંને પાત્રોનો સ્વભાવ જિદ્દી છે. ‘નહીંતર’ નવલકથામાં મોટીબા વ્યાસની છે. જ્યારે ‘આરપાર’ નવલકથામાં મોટીબા મંદિરે જતાં ભગતી કરતાં જોવા મળે છે. ‘મોટીબા’ ગૌણપાત્ર હોવા છતાં તેને સજાગતા સાથે નવલકથામાં મૂકેલું જોવા મળે છે. યોગેશ જોષીએ ‘મોટીબા’ પાત્રનું ચરિત્ર સૂક્ષ્મતા સાથે જીવંત દર્શાવ્યું છે.
સંદર્ભસૂચિ:
- જોષી, યોગેશ. ૧૯૯૧. નહીંતર. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કર્યાલય.
- જોષી, યોગેશ. ૧૯૯૨. આરપાર. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કર્યાલય.