ગઝલ – આજકાલ
અમીર ખુશરોના જમાનાથી સતત વિકસતી રહેલી ‘ગઝલ’ આજે તેના ઉત્તુંગ શિખરે પહોંચી છે . ગઝલની આ વ્યાપક સ્વીકૃતિ પાછળ એના સરળ અને પ્રવાહી છંદો ઉપરાંત ગઝલકારોના ઝીણવટભર્યા કાંતણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ગઝલ સાહિત્ય સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં જ્યારથી પગરણ માંડ્યા ત્યારથી લઈને આજદિન સુધી તેનાં માનપાન દિવસેને દિવસે વધતાં રહ્યાં છે. ફેસબુકની વૉલ પર કે વ્હોટસેપના કોઈ ગ્રુપ માં આખા દિવસ દરમિયાન ગઝલનો કોઈ શેર કે આખી ગઝલ શૅર ના થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. જે આ સાહિત્ય સ્વરૂપની લોકપ્રિયતાની ચાડી ખાય છે !
ગઝલની ઉત્પત્તિ કે તેની વ્યુત્પત્તિ વિષે ચર્ચા કરવાનો અહીં મારો ઉપક્રમ નથી. એના વિશે તો ઢગલાબંધ પુસ્તકો લખાઈ ચૂક્યા છે – લખાતાં રહ્યાં છે ! અહીં તો માત્ર ગઝલ સાહિત્ય સ્વરૂપમાં આજકાલ જે ખેડાણ થઈ રહ્યું છે – જે રીતે ખેડાણ થઈ રહ્યું છે તેનાં તરફ થોડી મીટ માંડવી છે .
‘તમારે ગઝલ શીખવી છે?’ માં ડૉ.અદમ ટંકારવી ‘જત લખવાનું કે...’ શીર્ષક હેઠળ લખે છે કે આજકાલ ગઝલ કાવ્ય પ્રકાર એટલો બધો લોકપ્રિય થઇ ગયો છે કે કોઇ પણ નવોદિત કવિ એની કવિતા લખવાની શરૂઆત ગઝલથી જ કરે છે ! જો કે સારી ,સાચી અને હ્રદયસ્પર્શી ગઝલ લખવી એ ઘણું અઘરૂ છે. અલબત્ત અશક્ય નથી !
ગઝલ પ્રકાર પોતાની શૈલીગત સરળતા,સચોટતા અને કાફિયા , રદીફની ગોઠવણના કારણે અન્ય કાવ્ય પ્રકારો કરતાં સરળતાથી સમજી શકાય એવો કાવ્ય પ્રકાર છે એટલે કવિતામાં ગઝલ પ્રકારને સહેલો કે સરળ સમજીને નવોદિત કવિ ગઝલ લખવા માટે પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ નવોદિત કવિ ગઝલ પ્રકારની ગંભીરતા અને તેનાં ઊંડાણને સમજ્યા વગર,ગઝલ શાસ્ત્રના યોગ્ય અભ્યાસ વગર માત્ર પોતાના મનની લાગણીઓમાં વહી ગઝલ લખી નાંખે તો તે ગઝલ ન બનતાં માત્ર તૂકબંધી બનીને રહી જાય છે.
જો કવિતા અથવા કાવ્ય ગમે તેમ લખી શકાતાં હોત તો પછી કોઇ પણ પ્રકારના છંદો શોધવાની કે તેના શાસ્ત્રો રચવાની કે પછી તેના સ્વરૂપગત માળખાની આવશ્યક્તા જ ન રહે. તમે જે પ્રકારની કાવ્ય રચના કરવા ઈચ્છતા હોવ તે કાવ્ય જે તે કાવ્ય પ્રકારના છંદ શાસ્ત્રના નિયમ મુજબ તેની સ્વરૂપગત લાક્ષણિકતા મુજબ જ હોવું જોઇએ.તેથી કોઇપણ પ્રકારની રચના કરવા માટે જે તે કાવ્ય પ્રકારના અભ્યાસની ખૂબ આવશ્યકતા રહે છે.
આ સ્વરૂપગત વાત બાજુ પર મૂકી આપણે મૂળ વાત પર આવીએ. ગઝલ મૂળ ઉર્દૂ અને ફારસી કાવ્યપ્રકાર છે જેનો શાબ્દિક અર્થ ‘પ્રિયતમાને સંબોધન’ થાય છે. શરૂના દાયકાઓની ગઝલો આ અર્થને વળગીને જ લખાતી હતી અને ગઝલમાં પ્રેમિકા, સાકી-શરાબ અને ઈશ્વરની વાતો જ થતી હતી. કાળક્રમે ગઝલમાં નવા સંદર્ભો ઉમેરાતા ગયાં આજકાલ ગઝલ સ્વરૂપમાં લગભગ બધા જ સંદર્ભો ઉમેરાતા રહ્યા છે .
જુદા જુદા સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થયેલી નવા સંદર્ભો ઉમેરેલી ચુનંદા ગઝલકારોની ગઝલોને ગઝલ સાહિત્ય સ્વરૂપના સંદર્ભમાં મૂલવીએ.
ડિસેમ્બર-૨૦૧૬માં શબ્દસૃષ્ટિમાં પ્રકાશિત થયેલી કવિશ્રી રાજેશવ્યાસ મિસ્કીનની ‘ આંસુ ખારાં મળે’ ગઝલ ઊડીને આંખે વળગે એવી છે. તેનાં થોડા શેર મત્લા સાથે અહીં રજૂ કર્યા છે:
સર્વ દીવાની નીચેથી માત્ર અંધારા મળે,
કોઈપણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે .
****
ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી ,
આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે.
****
સાવ નિર્મોહી બની ના જાય તો એ થાય શું ?
કોઈને જ્યારે બધા સંબંધ ગોઝારા મળે.
****
ગઝલકાર પોતાની પરિપક્વ કલમના સારરૂપે ઘણીવાર જે જીવનના તથ્યો રજૂ કરે છે તેનાં કારણે જે-તે ગઝલની લોકપ્રિયતા ઓર વધી જાય છે.જે અહીં સુપેરે પ્રતીત થાય છે.
‘કલાવિમર્શ’ જાન્યુઆરી-૨૦૧૭ માં પ્રકાશિત થયેલી સાહિલની ગઝલના શેરમાં પ્રતિબિંબિત થતું દાર્શનિક જ્ઞાન-ફિલસૂફાના કેવું સ-ચોટ રીતે નવા સંદર્ભ સાથે રજૂ થયું છે તે જુઓ :
જગતના લોક ઢળવા માટે કેવળ ઢાળ શોધે છે,
વહે છે ખુદ સમય સાથે અને ઘડિયાળ શોધે છે.
સ્વભાવે કાલના જેવી છે માણસજાત આજે પણ,
સ્વયં ના ભાવિ બદલે અન્યનો ભૂતકાળ શોધે છે.
આવા શેર દ્વારા કહેવાતી વાત ભાવકના મનોજગત પર એક અમીટ છાપ છોડી જાય એમાં નવાઈ નહીં .
તગઝઝુલનો રંગ-પ્રેમરંગ એ ગઝલના બીજા રંગો કરતાં ખૂબ મહત્વનો રંગ છે. ગઝલ હોય અને તગઝઝુલ ના આવે એવું ભાગ્યે જ બને !
‘પત્રમાં’ રદ્દીફ વાળી કવિ શ્રી હરીશ ધોબીની જાન્યુઆરી -૨૦૧૭માં શબ્દસૃષ્ટિમાં પ્રકાશિત થયેલી એક પ્રેમ વિષયક ગઝલ આ નવા સંદર્ભ સાથે રજૂ થઈ છે જુઓ :
અક્ષરો કે આંસુઓ છે શું છે આખર પત્રમાં
સંભળાય છે ડૂસકાં એનાં નિરંતર પત્રમાં
આ જ ગઝલનો પાંચમો શેર સંવેદન ઝંકૃત કર્યા વિના રહેતો નથી-
વાંચું વારંવાર તોપણ ખૂટતું લાગે કશું
કૈ ન સમજાતું શું ખૂટે છે ખરેખર પત્રમાં
****
પત્ર તો પૂરો થયો પણ છે નજર એમાં હરીશ
વાંચવું’તું ખાસ જે – છે ગેરહાજર પત્રમાં
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છુ એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે .
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે ,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે .
આ તો વાત થઈ નવા સંદર્ભોની ! આજકાલ ગઝલ સાહિત્ય સ્વરૂપમાં બીજા સાહિત્ય સ્વરૂપોની સરખામણીમાં સારું કામ થાય છે એમાં બે મત નથી પણ એકવાત ખૂંચ્યા વિના રહેતી નથી અને તે છે ‘કોયલવૃત્તિ’ – બીજાના માળામાં ઈંડા મૂકી દેવાની વૃત્તિ. નવોદિતો કે ગઝલના રસિયાઓ પોતાના નામની પ્રસિદ્ધિ વધારવા કે એવા કોઈ બીજા આશયથી અન્ય કવિની ગઝલ પોતાના નામે ચડાવી દે છે . આવા ‘કોયલવૃત્તિ’વાળા ઘણા કવિઓ સોશ્યલ મીડિયા પર અને સામાયિકોમાં ફર્યા કરે છે . અરે ! એકના એક રદ્દીફ કાફિયાવાળી ગઝલ લઈને તેના કેટલાક શે’રમાં થોડોઘણો ફેરફાર કરીને નીવડેલા ગઝલકારો પણ આવી ‘કોયલવૃત્તિ’થી પર નથી . તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હિન્દી તથા ઉર્દૂમાં લખાયેલી કેટલીક ગઝલોના રદ્દીફ અને કાફિયાઓનું સીધેસીધું ગુજરાતીકરણ કરીને આપણી ભાષામાં ઉતારી દેવાની અમુક ગઝલકારોએ તક જવા દીધી નથી ! આ પ્રકારની વૃત્તિ ગઝલ સ્વરૂપને રાસ ન આવે ! ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતી ભાષામાં ગઝલ સ્વરૂપને પોંખતા હોઈએ ત્યારે !
બીજું એક ભયસ્થાન ગઝલ સાહિત્ય સ્વરૂપમાં આજકાલ ‘તરહી ગઝલ’નું છે . કોઈ ગઝલકારે પોતાની કલમથી જ્યારે કોઈ ઉત્તમ ગઝલનું સર્જન કર્યું હોય અને એ ગઝલના મત્લામાં વપરાયેલા રદ્દીફ કાફિયા લઈને બીજો કવિ આખેઆખી ગઝલ તે જ રદ્દીફ કાફિયા લઈને લખે તે ‘તરહી ગઝલ’ . આજકાલ વ્હોટસેપ પર કે ફેસબુકના કોઈ ગ્રુપમાં આખે આખો દિવસ આ પ્રકારની ‘તરહી ગઝલ’ માટે ફાળવવામાં આવે છે ! જેમાં ગ્રુપના તમામ સભ્યો કોઈ કવિની ગઝલના મત્લામાં વપરાયેલા રદ્દીફ કાફિયા લઈને પોત પોતાના શે’ર રજૂ કરે છે . અંતે આ બધા શે’ર ભેગા કરીને તેમાંથી સારા શે’ર વીણી ‘આખી ગઝલ’ પૂરી કરવામાં આવે છે . આ તૈયાર થયેલી ગઝલ જે તે ગ્રુપના ગઝલકારોના નામ સાથે વળી પાછી કોઈ પર્સનલ બ્લોગ કે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે ! ક્યારેક તેની ‘ઈ –બુક’ પણ બનાવવામાં આવે છે ! આ પ્રકારનું ‘પોસ્ટમોર્ટમ’ કરીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ ? આ તરહી સર્જકો મૂળ કવિ કે ગઝલને ફાયદો કરે ખરા ? શું આને આપણા સાહિત્યની સેવા ગણાવી શકાય ? આ દિશામાં મનોમંથન કરવું આવશ્યક જણાય છે .
ખેર ! કવિ જેમ કવિતા રચે છે, એ જ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. કવિતાએ અંતઃસ્ફુરણાની વાત છે.ગઝલ શી રીતે લખાય ? એ વિશે ડો. મુકુલ ચોકસીનો એક શે’ર ટાંકીને હું મારી વાત પૂરી કરું છું.
“ખાઈ પી ને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.”