મુક્તિની કામના અને મુક્તિથી દૂર : ગીધાનુભૂતિ
ભારત વર્ણ, ધર્મ, જાતિ, પેટા જાતિ, પંથ-સંપ્રદાય, વાળા-પાટિયા વગેરેમાં વિભાજીત છે. વર્ણ-ધર્મમાં જાતિભેદ પ્રમુખ છે જેને ‘મનુસ્મૃતિ’ તેમજ અન્ય ધાર્મિક ગ્રંથો દ્વારા માન્યતા મળેલી છે. ભારતવર્ષમાં ચાર વર્ણ હોવા છતાં આ જ વર્ણ વ્યવસ્થામાં ૪૦૦૦થી પણ વધુ જાતિઓ છે. દરેક જાતિ પોતપોતાના વિશેષાધિકારને ભોગવે છે. જે સૌથી ઉચ્ચ તે હંમેશા ઉચ્ચ રહે છે પછી તે ભલે ગમે તેવાં ઘૃણિત કાર્ય કરે જ્યારે જે નીચે જન્મે છે તે કુશળ હોવા છતાં તેને ઊંચે આવવા માટે નિષેધાજ્ઞા છે. ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. આંબેડકર આ બાબતને વિશ્વમાં સૌથી ખરાબ બાબત ગણે છે. જાતિભેદ અને તેમાંય અસ્પૃશ્યતા વિશે ડૉ. આંબેડકર કહેં છે કે -
“अनुसूचित जाति के लोगों की स्थिति की सुरक्षा के लिए संविधान में किये गए प्रावधान से मैं संतुष्ट नहीं हूँ... वही पुराना अन्याय वही पुराना उत्पीडन वही पुराना भेदभाव जो पहले था अब भी है. बल्कि पहले से भी बुरा है मुझे आश्वर्य होता रहा है की भारत में अनुसूचित जाति के लोगों की जो दशा है उसके बराबर बुरी दुनिया में कोई भी चीज नहीं है.” 1
ભારત જ્યારે આઝાદીના શ્વાસો લઈ રહ્યું હતું ત્યારે આઝાદ ભારતની દલિત જનતા અજ્ઞાનતાના અંધકારમાં સબડતી હતી અને આઝાદી માટેનો સંઘર્ષ કરતી હતી તેમજ આજે પણ કરે છે. આ સંઘર્ષ અંગ્રેજો સામે પછી પણ પહેલાં પોતાનાં જ દેશ બંધુઓની સામે હતો. આજે પણ આ સંઘર્ષ ચાલું જ છે. ડૉ. આંબેડકરની પ્રેરણાથી ઉદ્દભવેલું દલિત સાહિત્ય પણ આઝાદી મેળવવા માટેની તીવ્ર ઝંખના જ અભિવ્યક્ત કરે છે. માટે જ આઝાદ ભારતનાં ઉચ્ચ સમાજ-વર્ણ-ધર્મ-જાતિના લોકો દલિતોની પીડા સમજી શકતાં નથી અને તેને ખંડનાત્મક આંદોલન કહી નકારી કાઢે છે.
દલિત સાહિત્યનો ઉદ્દભવ મરાઠી સાહિત્યમાં પ્રથમ થયો હતો. ગુજરાતમાં જ્યારે ૧૯૮૧ અને ૧૯૮૫માં આરક્ષણ વિરોધી આંદોલનો ફાટી નીકળ્યા ત્યારે દલિત સમાજ સંગઠિત થયો અને તેમાં ચેતના પ્રસ્ફુટિત થઇ. આ ચેતનાએ જ દલિતોને ડૉ. આંબેડકરના આંદોલન સાથે જોડ્યા અને તેના દ્વારા દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું.
ગુજરાતી દલિત વાર્તામાં દશરથ પરમાર એક ઉભરતું નામ છે. દશરથ પરમારના સાહિત્યમાં દલિત જીવનની વાસ્તવિક સમસ્યા, અસ્મિતાના પ્રશ્નો, વૈચારિક દ્વંદ્વ વગેરે અભિવ્યક્ત થાય છે. દશરથ પરમારનું પ્રદાન મુખ્યત્વે વાર્તા સ્વરૂપે રહ્યું છે. તેમનો ‘પારખું’ નામે વાર્તા સંગ્રહ ૨૦૦૧માં પ્રકાશિત થયેલ છે. તેમની પ્રમુખ વાર્તાઓમાં જોઈએ તો ત્રીજું ઘર, વિચ્છેદ, ભેટો, ઓછપ, જીવતર, પારખું, જાત વગેરે છે. અહીં તેમની પ્રસિદ્ધ દલિત વાર્તા ‘ગીધાનુભૂતિ’ પર વિશેષ વાત કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
‘ગીધાનુભૂતિ’ વાર્તાનું કથાવસ્તુ જોઈએ તો પ્રસ્તુત વાર્તામાં એક દલિત નાયક છે જે દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. વાર્તાની શરૂઆત જ કથાનાયકની જમણી આંખને એક ગીધ પોતાની અણિયાળી ચાંચથી ખોતરી રહ્યું છે ત્યાંથી થાય છે. ગીધ એ બ્રાહ્મણવાદી, મનુવાદી કે સામંતવાદી માનસિકતાનું પ્રતીક છે. તેઓ ઉચ્ચ જાતિના હોવાથી દલિતો પર પોતાની સત્તા ધર્મના કારણે કાયમ રાખે છે અને પોતાનો જન્મસિદ્ધ વિશેષાધિકાર જાળવવા હિંસાનો માર્ગ પણ અપનાવે છે. અણિયાળી ચાંચ આંખમાં ખુંપવાથી નાયક જાગી જાય છે. ત્યારથી નાયકની સંઘર્ષ યાત્રા પણ શરૂ થઇ જાય છે. વાર્તામાં નાયક ગામ મંદિર, શહેર અને ફરી ગામ તરફ વળે છે. આમ, નાયકના ભ્રમણ સાથે કથા આગળ વધતી જાય છે. નાયક ગીધોથી બચવા ફૂલદેવી માતાના મંદિરમાં આશ્રય લે છે. પરંતુ પથ્થરની મૂર્તિના દર્શન થવાથી તેનો મોહ ભંગ થાય છે. કથાનાયક ફૂલદેવી માતાને નિર્વસ્ત્ર કરી ચૂંદડીનું કાપડ પોતાની લોહી નીતરતી આંખ પર રાખી દે છે. ગામના ગીધોથી બચવા નાયક નગર તરફ દોટ મુકે છે પરંતુ નગરમાં પણ જાતિભેદ વિકૃત રીતે ફેલાયેલો છે તે જોઈને નાયકની સમતાવાદી ધારણાઓ ખોટી પડે છે. નાયક ગામ અને શહેર બંનેમાં એક જેવી અ-માનવીય પરિસ્થિતિનો ભોગ બને છે. તેને પાણી પણ નશીબ થતું નથી. જ્યારે કથાનાયક સાર્વજનિક સ્થળે પાણી પીવા જાય છે ત્યારે તેને તથાકથિત ગીધ સમાજનાં પ્રતિનિધિ વહેતી ગટર બતાવી દે છે. નાયકને ખતમ કરી દેવા અથવા તેનું શોષણ કરવા કોઈને કોઈ સવર્ણ ‘ગીધ’ રૂપ લઈ તાકીને જ બેઠું હોય છે ત્યારે થાય છે કે ગામ થી નગર, નગરથી ગામ એક છેડાથી બીજા છેડા સુધી સવર્ણ ‘ગીધ’ રૂપી માનસિકતા જ ફેલાયેલી છે. દલિતોની પ્રતિભાઓનું ભારત જેવાં લોકતાંત્રિક દેશમાં કોઈ જ સ્થાન નથી. નાયક અવિરત સંઘર્ષરત દલિત સમાજનું પ્રતીક તેમજ ‘ગીધ’ બ્રાહ્મણવાદી માનસિકતાનું પ્રતીક બની ઉભરી આવે છે.
‘ગીધાનુભૂતિ’ દલિત જીવનની હકીકતને સૂક્ષ્મ રીતે અભિવ્યક્ત કરે છે. તે માત્ર કપોલ-કલ્પના નથી, તે એક હકીકત છે. તેનું અર્થઘટન વિશ્લેષણ કે સમીક્ષા નીચે પ્રમાણે કરી શકાય.
ભારતીય સમાજ વિષમતાવાદી છે. ભારતીય સમાજ ચાર વર્ણો અને તેમાંય અનેકો જાતિઓથી બનેલો છે. આવી વિષમતા ભરી સમાજ વ્યવસ્થાને ભારતીય લોકો સુવ્યવસ્થામાં ખપાવે છે. હિંદુ ધર્મની આ સુ(કુ)વ્યવસ્થામાં હર એક જાતિને વિશેષાધિકાર મળેલો છે. માટે જ બ્રહ્મણવર્ણ થી માંડી શૂદ્રવર્ણમાં અનેક જાતિ-પેટા જાતિ પોતપોતાના સ્થાન પર રહી એક અલગ પ્રકારનો વિશેષાધિકાર ભોગવતા જોવા મળે છે. દુનિયાના લગભગ ધર્મો પુરુષસત્તાત્મક ધર્મ છે તેમાં પુરુષનું વર્ચસ્વ છે. માટે સ્ત્રી દરેક ધર્મમાં ગુલામ છે. આમ છતાંય અજ્ઞાનતાને કારણે અથવા ગુલામીની અનુભૂતિના અભાવને કારણે તે આજ સુધી ગુલામીમાં સબળે છે. સ્ત્રીનું ધર્મમાં વિશેષ સ્થાન હોવા છતાં અમાનવીય અત્યાચાર અને અન્યાયનો ભોગ બને છે. દલિત અને સ્ત્રી બંને ભારતીય સમાજ વ્યવસ્થામાં પીસાય છે. આ અન્યાયી, અત્યાચારી, અમાનવીય અને હિંસાત્મક વ્યવસ્થા સામે વિદ્રોહ કરતી વાર્તા એટલે ‘ગીધાનુભૂતિ’. ‘ગીધાનુભૂતિ’ ભારતીય સમાજનાં નગ્ન સત્યને અને અમાનવીય રૂપને નિર્ભિકતાથી પ્રસ્તુત કરે છે. ‘ગીધાનુભૂતિ’ ગુજરાતી દલિત સાહિત્ય સિવાય રાષ્ટ્રીય સ્તરે પણ પ્રસિદ્ધ વાર્તા છે. ‘ગીધાનુભૂતિ’ વાર્તામાં દલિત જીવન અને ભારતીય વિષમતાભરી સમાજ વ્યવસ્થાનું આલેખન કરતી ઉત્તમ રચના છે.
‘ગીધાનુભૂતિ’ એક તરફ જ્યાં ‘ગીધ’ રૂપી બ્રાહ્મણવાદી કે મનુવાદી માનસિકતાને આલેખે છે, તો બીજી તરફ દલિતોની પોતાની ભીરુતા અને અસંગઠનાત્મક પરિસ્થિતિને પણ આલેખે છે. આમ, સ્વતંત્રતા પછીના સમયમાં દલિતોને વિશેષ સંવેધાનિક અધિકારો મળતા હોવા છતાં દલિત સમાજ જોઈએ એવી પ્રગતિ સાધી શક્યો નથી. પૂના કરારની સયુંકત નિર્વાચન પદ્ધતિને કારણે દલિત સમાજ આજ સુધી સંગઠિત બની ન શક્યો અને રાજનૈતિક રીતે તે કોઈને કોઈનો હાથો બની પોતાના અધિકારોને ગુમાવતો ગયો. માટે જ ‘ગીધાનુભૂતિ’માં આઝાદી પછીની યથાસ્થિતિ રૂપ સમાજ વ્યવસ્થાનો ચિતાર આપ્યો છે. ‘ગીધાનુભૂતિ’નો નાયક જાગૃત પણ વાસ્તવિક પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરતો નાયક છે. કથાનાયક ગુજરાતનાં સામાજિક પરિદૃશ્યમાં ઉછર્યો હોવાથી તેમાં ડૉ. આંબેડકર અને મહાત્મા ગાંધીની વિચારધારા એમ બંને વચ્ચે આંતર દ્વંદ્વ અનુભવી રહ્યો છે. નિર્ણય લેવાની સ્થિતિમાં તે દ્વિધા અનુભવે છે. ધર્માંધતા, અંધશ્રદ્ધા, પુનર્જન્મ અને ભાગ્યવાદના કારણે દલિત સમાજ ભીરુ અને ભયત્રસ્ત બની વર્તમાન જીવનમાં અજ્ઞાનતાના અંધકારમાં જીવતો જોવા મળે છે. તે પોતાના જાગૃત દલિત બંધુને સુરક્ષા આપી નથી શકતો અને સદીઓથી ચાલી આવેલી વ્યવસ્થાને સ્વીકારી જીવ્યે જાય છે. જેમ કે, દલિત જાતિઓમાં બ્રાહ્મણવાદી માનસિકતા પ્રત્યે અંદરથી ઘણો આક્રોશ છે પરંતુ તેને અભિવ્યક્ત કરવામાં કે તેને બહાર લાવવામાં ભય અનુભવે છે. કથાનાયક ‘ગીધ’(મનુવાદી-બ્રાહ્મણવાદી)થી બચવા પોતાના મહોલ્લામાં જાય છે પણ ત્યાંથી તેને નિરાશા જ હાથ લાગે છે. દલિત મહોલ્લો ‘બારી-બારણા બંધ કરી શાહમૃગ વૃત્તિ’માં ગરક થયેલો જણાય છે. દલિત લોકો નાયકને સંભળાવે છે કે –
“લ્યા, પડી જઈશ તો બીજી આંખેય ખોઈ બેસીશ, લે આ છરી, કુલ્હાડી ... કાપી નાખ એ ગીધને ને પી જા એનાં લોહીને ... પણ કોઈએ બહાર આવીને એને પડકાર્યું નહિ. માર્યુંય નહિ.” 2
ઉપર્યુક્ત કથનમાં દલિત સમાજનાં હૃદયમાં આક્રોશ ધરબાઈને પડ્યો છે. પણ, નાયકને મદદ કરવા કે તેનો સાથ આપવા કોઈ બહાર નથી આવતું એ પણ એક કડવું સત્ય છે. સવર્ણ માનસિકતાની હિંસાત્મક પ્રવૃત્તિને કારણે દલિત સમાજ લાચાર છે. કથાનાયકને આ સંઘર્ષ એકલા હાથે જ કરવો પાડે છે. નાયક પોતાના સમાજની શાહમૃગ વૃત્તિથી દુખી થાય છે અને પોતાના મહોલ્લાને છોડી ગીધથી બચવા આગળ ચાલ્યો જાય છે. કથાનાયક જાગૃત છે માટે જ તે ગીધ માટે ખતરો ઊભો કરે છે. હિંદુ ધર્મને જ્યારે પોતા પર ભય દેખાય છે ત્યારે તે પૂરા જોર સાથે હુમલો કરે છે અને તેને નેસ્તનાબુદ કરવા મરણિયો બની જાય છે – તે હિંસક બની જાય છે. કથાનાયકની પોતાના અધિકારો પ્રત્યેની સમજ જ પોતાની દુશ્મન બની જાય છે, પોતાના સમાજનાં અન્ય લોકો શોષણ અને અન્યાયને મૂંગે મોએ સહન કરી પોતાનું જીવન પસાર કરે છે માટે ગીધ તેને નથી મારતું. કથાનાયક બંને રીતે પીસાય છે. પોતાના સમાજની અજાગૃકતાથી અને હિંદુ લોકોની હિંસાત્મકતાથી. કથાનાયકને આ સંઘર્ષ જ વધુ ચેતનમય બનાવે છે.
દલિત નાયક એટલો પણ જાગૃત નથી કે તે પોતાના નિર્ણયો પોતાની રીતે લઈ શકે. તે પણ ભ્રમિત છે. પણ તેની ભ્રમિત સ્થિતિ જ તેને ભ્રમમાંથી મુક્ત કરાવે છે. નાયક પોતાના ભ્રમોને ભ્રમ જાણી લે છે ત્યારે તે ભ્રમમાંથી મુક્ત બની જાય છે. નાયક માને છે કે ગામમાં આવેલ ‘ફૂલદેવી માતા’નાં મંદિરમાં ફૂલદેવી માતા સાક્ષાત બિરાજમાન છે. પરંતુ દલિતો માટે મંદિર પ્રવેશ નિષેધ છે. આમ છતાં, નાયક ચોરીછુપીથી મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ફૂલદેવી માતાની પથ્થરની મૂર્તિ જુએ છે. પથ્થરની મૂર્તિ જોતાં નાયકની ભ્રમણા તૂટે છે. પોતાની આંખમાંથી લોહી વહે છે તેને કેમ રોકવું ? તે માતાને ઓઢાળેલ ચૂંદડીને લઈ પોતાની આંખમાં લગાડી લે છે. કથાનાયક મનમાં જ બળબળે છે –
“હા, આ ચૂંદડી જ બરોબર છે. આ પથ્થરની મૂર્તિને વળી આવાં આવરણ શા કામનાં ?” 3
પ્રસ્તુત વિધાનમાં અને પ્રસંગમાં નાયકની ફૂલદેવી માતા પ્રત્યેની ભ્રમણા દૂર થાય છે. અહીં ડૉ. આંબેડકરની વિચારધારા અને દર્શન સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે.
કથાનાયક હિંદુઓની એકજુટતા સામે હારી જાય છે અને કથાનાયક સાક્ષાત બિરાજમાન ફૂલદેવી માતાની સામે હિન્દુવાદી હિંસાત્મક માનસિકતાનો ભોગ બને છે. નાયક આથી આઘાત પામી શહેર તરફ વળે છે. ‘ગીધાનુભૂતિ’નો નાયક અન્ય દલિત નવયુવકોની માફક માને છે કે શહેરમાં બધાં સમાન હોય છે અને ત્યાં કોઈ જ જાતિ કે અન્ય વાળાઓ હોતાં નથી. નાયક રાતના અંધકારમાં આગળ અને ગીધ રૂપી મનુવાદી માણસ પાછળ હોય છે. મનુવાદી માનસિકતા અને જાતિ દલિતને કોઇપણ ક્ષેત્રે છોડતી નથી, જ્યાં સુધી તે પોતાનું શરીર નથી છોડી દેતો. શરીર છોડી દીધા પછી પણ જાતિ તેની પાછળ કૂતરાની દૂમની જેમ લટકતી જ હોય છે. શહેરમાં પ્રવેશતાં જ તેને ત્યાંના દોડધામ ભર્યા અને ભવ્ય માહોલનો પરિચય થાય છે. પરંતુ શહેરમાં પણ ધીરે ધીરે ત્યાં ફેલાયેલી હિંદુવાદી માનસિકતાનો પરિચય કથાનાયકને થવા લાગે છે. ભારતીય સમાજમાં સ્ત્રી ગુલામ મનાય છે. ‘મનુસ્મૃતિ’માં પણ સ્ત્રીને ઢોલ, શૂદ્ર અને પશુ-પક્ષી સાથે સરખાવવામાં આવે છે તેમજ ‘તાડનતે અધિકારી’ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સ્ત્રી ગુલામ હોવા છતાં તે એક નથી તે પણ પિતા-પતિ-પુત્રનાં ધર્મ પ્રમાણે અને જાતિ પ્રમાણે વિશેષ અધિકારો ભોગવે છે. સ્ત્રી સમુદાય પુરુષ સમાન અથવા તેનાથી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આમ છતાં સ્ત્રી અસંગઠિત હોવાથી ધાર્મિક તેમજ પુરુષસત્તા દ્વારા શોષણનો ભોગ બને છે. પ્રસ્તુત વાર્તામાં નાયકને પાણીની તરસ લાગે છે ત્યારે તે શહેરમાં ઝરૂખામાં ઊભેલી સ્ત્રી સામે ખોબો ધરી પાણી માગે છે. અભિજાત વર્ગની આ સ્ત્રી નાયકની તરસ પર ખળખળાટ હસે છે. પુરુષસત્તાત્મક સમાજમાં ગુલામ સ્ત્રી જાતિવાદના કારણે બનેલાં ગુલામ પર હસે છે. નાયક અપમાનિત થઇ આગળ વધે છે. દલિતો માટે સાર્વજનિક પાણી પર પણ અધિકાર નથી માટે જ્યારે કથાનાયક એક સાર્વજનિક નળ પર પાણી પીવા જાય છે ત્યારે સવર્ણ સમાજના પ્રતિનિધિઓ તેને તેને હળધુત કરતાં કહેં છે કે -
“એય ... આ નળ કંઈ તારા માટે નથી મુક્યા. જા, પીવું હોય તો પેલી ગટરમાં ઘણુંય છે. ત્યાં જા ...!” 4
કથાનાયક ન સહેવાય ન રહેવાય તેવી સ્થિતિમાં મુકાય છે. શહેર તરફની ભાવના અકાળે મૃત્યું પામે છે અને તે તરસથી વ્યાકુળ બની જાય છે. તે ગટરનું પાણી કઈ રીતે પી શકે? જ્યારે અભિજાત વર્ગ કૂવો બનાવવાં માટે દલિતોને બોલાવે છે, અસ્પૃશ્યતાનો નિયમ ત્યાં કેમ નથી લાગું પડતો ? અવસરવાદી સવર્ણ માનસિકતા સામે કથાનાયકનો વિરોધ છે અને તે પોતાનો વિરોધ ‘જેવાં સાથે તેવાં’ બની આપે છે. ગીધોનું ખુન કરીને અને તેનું લોહી ચૂસીને. નાયકની ભ્રમણા ડગલે અને પગલે તૂટે છે અને તેને વધુ નગ્ન તેમજ ભયંકર સત્ય લાધતું જાય છે. કહેવાતા સાધુ મહાત્મા અને પોલીસ પ્રશાસન દલિત માટે ઘાતક સાબિત થાય છે. નાયક પોલીસ અને સાધુ-મહાત્માને પોતાના હિતચિંતક માને છે અને તે તેઓની પાસે મદદ માંગવા જાય છે પરંતુ સાધુ અને પોલીસ સવર્ણ સમાજનાં પ્રતિનિધિ છે. સાધુ અને પોલીસની વાત અહીં જોઈએ તો –
સાધુ - “સમજ ગયા ... તૂં બતાના નહિ ચાહતા લેકિન મૈં સમજ ગયા ... તૂને બહોત હત્યાએં કી હૈ... યે અચ્છા નહીં કિયા તૂને ! જા, તેરા સત્યાનાશ હો જાયેગા ... યે ગીધ તુજે કભી નહીં છોડેંગે !”5
પોલીસ - “તમે લોકો જીવો કે મરો શો ફરક પડે છે ? ખાલી ખોટી ગંદગી વધારો છો સમાજમાં. તમને તો રસ્તા વચ્ચે નાગા કરીને ...” 6
જ્યારે દલિતો પર હિંસાત્મક અભિયાન ચાલે ત્યારે પોલીસપ્રશાસન અને સાધુ સંતો-મહાત્માઓનું ગંભીર અને ભયાનક મૌન પ્રસરતું હોય છે. પોલીસપ્રશાસનમાં અભિજાત વર્ગનું વર્ચસ્વ હોઈ દલિતોને હમેશા અન્યાય અત્યાચારનો ભોગ બનવું પડે છે. મહાત્માઓ આવ્યા અને ગયા પણ દલિતોની સ્થિતિમાં આઝાદી પછી પણ કોઈ જ ફરક નથી પડ્યો. લેખક હકીકતને જાણે છે અને તે પોતાની વાર્તામાં બૃહદ્ રીતે બતાવવા માગે છે. પ્રસ્તુત વાર્તામાં સામાજિક સંઘર્ષ સતત ડોકાતો રહે છે. નાયકને જાતિવાદના કારણે શહેરમાં પણ સંઘર્ષ કરવો પડે છે. ડૉ. આંબેડકરની કલ્પના પ્રમાણેનું આ શહેર નથી, અહીં પણ દલિત વસ્તી અલગ હોય છે. અહીં દલિત વસ્તીનાં નામ બદલાયા હોય છે. જેમ કે, ગૌતમ બુદ્ધ નગર, ડૉ. આંબેડકર નગર, ફુલે નગર વગેરે પણ અન્યાય અને અત્યાચાર ‘જૈસે થે’. દલિત કથાનાયક નગર અને ગામ વચ્ચેનો ભેદ અને સમાનતા નજીકથી જુએ છે. પરિસ્થિતિ એક હોય અને સ્થળ બીજું હોય તો પરિસ્થિતિ બળવાન બની હાવી બની જાય છે અને કથાનાયક જેવાં દલિત લોકો વારે તહેવારે હિન્દુવાદી હિંસાત્મક માનસિકતાનો ભોગ બનતા હોય છે.
કથાનાયકને પ્રસ્તુત વાર્તામાં માત્ર અન્યાય અને અત્યાચારનો જ અનુભવ નથી થતો પણ તેને અમુક બાબતોમાં હકારાત્મક અનુભવ પણ થાય છે. જેમાં કથાનાયકને એક શાંત અને સ્વમાની બૌદ્ધધર્મી મળે છે. નાયકને તે સ્વમાન, સ્વાભિમાન અને પ્રકાશનો માર્ગ બતાવે છે અને સમતાવાદી બૌદ્ધધર્મ અંગીકાર કરવાનું આહ્વાન પણ કરે છે. નાયક ઘડીભર વિચારમાં પડી જાય છે. તે વિચારે છે કે –
“ધર્મપરિવર્તનથી આ સમસ્યા ઉકલી જશે ? ને એનાથી તો હું એકલો ઊગરી જાઉં. પણ પછી મારા પરિવારનું શું ? મારા ભાઈઓને તો આ ગીધ નહીં જ છોડે ને ? ના... ના... ! આવો દ્રોહ મારાથી નહીં થઇ શકે.” 7
આમ, નાયક પોતાના સ્વાર્થને નહિ પણ પોતાના સમાજનું ભલું ઈચ્છે છે. આમ છતાં, સમાજનું ભલું તો ‘ધર્મપરિવર્તન’માં વિશેષ જોવા મળે છે. કથાનાયક અહીં ધર્મપરિવર્તનનો માર્ગ નથી અપનાવી શકતો માટે તે સમાજનો દ્રોહ કરે છે સાથે તે ખુદ સાથે પણ દ્રોહ કરે છે. કથાનાયક ડૉ. આંબેડકરની વિચારધારા પાસે આવી રોકાય જાય છે અને માનસિક સંઘર્ષમાં તપે છે. લેખકે અહીં આટલી નાનકડી વાર્તામાં એક બૃહદ્ વાતાવરણનું આલેખન કર્યું છે. જેમાં દલિત જીવનની લગભગ સમસ્યાનું આલેખન સચોટ રીતે થયું છે. પ્રસ્તુત વાર્તામાં જ કથાનાયકની વિપરીત અને વિષમ પરિસ્થિતિમાં હિંદુ ન હોવાનો ઉલ્લેખ મળે છે. જો કથાનાયક તેમજ અન્ય દલિત હિંદુ ન હોય તો તેને માટે હિંદુ ધર્મમાં રહેવાનો કોઈ અર્થ નથી સરતો. લેખક અંત તરફ આવતા આવતા પોતાની જ દિશા ભૂલી જાય છે અને કથાનાયકને ફરી ગામ તરફ વાળે છે અને ફરી એ જ અન્યાય, અત્યાચાર અને હિંસાત્મક ચક્ર યથાવત ચાલે છે. લેખક પણ અહીં ડૉ. આંબેડકર અને મહાત્મા ગાંધીની વિચારધારા વચ્ચે દ્વંદ્વ અનુભવે છે. એક કહે છે કે ‘ગામ છોડી શહેર તરફ જાઓ’, જ્યારે બીજી તરફ ગામ તરફ વળવાની વાત પણ લેખકને કયાંક ને ક્યાંક ખેંચે છે. લેખક અહીં ક્રાંતિની સંભાવનાઓને નિર્દેશે છે. પણ, ક્રાંતિની પરિસ્થિતિ સમયે ખરો ન્યાય પાર પાડી શકતાં નથી. લેખક અહીં ક્રાંતિ માટેનો એક માર્ગ અપનાવતા ચૂકી ગયા છે. જે યથાર્થ સત્ય છે તેનો અહીં ઉલ્લેખ કરી લેખક વાર્તામાં અન્યાયના કુચક્રને દર્શાવી થંભી જાય છે. ડૉ. આંબેડકરે જે માર્ગ બતાવ્યો હતો તે દલિત યુવક આજે શા માટે અપનાવી નથી શકતો ? ડૉ. આંબેડકરે આ અમાનવીય અને અન્યાયી વ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને જ એ ઘોષણા કરી હતી કે –
“मेरा जन्म हिंदू के रूप में हुआ, जिसे मैं बदल नहीं सकता, पर मैं एक हिंदू के रूप में मरुगा नहीं.” 8જ્યારે નાગપુરમાં પોતાનાં લાખ્ખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધા પછી તેમનાં ઉદ્દગારો નીચે પ્રમાણેના હતાં –
“बौद्ध धर्म अंगिकार कर मुझे बेहद संतोष और अकल्पनीय खुशी मिली है. मैं महसूस करता हूँ कि जैसे मुझे नरक से छुट्टी मिल गई है.” 9
લેખક ડૉ. આંબેડકર ચિંધ્યા માર્ગને અપનાવી શક્યા નથી. જેમાં પુરાતનકાલીન માનસિકતા અને મહાત્મા ગાંધીનો પરોક્ષ પ્રભાવ પણ જોવા મળે છે.
‘ગીધાનુભૂતિ’ વાર્તામાં દલિત ચેતનાની સંભાવનાઓને ન નકારી શકાય. દલિત ચેતના ડૉ.આંબેડકરની વિચારધારાનું એક અભિન્ન અંગ છે. કથાનાયકમાં દલિત ચેતનાના બીજ લક્ષણો જોવા મળે છે. કથાનાયક પરિસ્થિતિને તાબે ન થતાં પોતાની રીતે તેનો પ્રતિકાર અને સંઘર્ષ કરે છે. કથાનાયક શહેરમાં પણ સુરક્ષિત નથી, તેને સાર્વજનિક નળ પરથી પાણી પીવા નથી મળતું, શહેરમાં તેને બે ઘડી આશરો નથી મળતો ત્યારે તે ‘ગીધ’ રૂપી બ્રાહ્મણવાદી સામે વિદ્રોહ કરી ઉઠે છે. કથાનાયકના કાનો પર હમેશા ‘મારો-કાપો’ના નારા ગૂંજ્યા કરે છે. માટે આજે તેને હિસાબ કરવો છે અને તે એક એક ગીધની પાંખો, ડોક, ધડ, પગ જે અંગ હાથમાં આવ્યું તેને કાપે છે અને યુદ્ધે ચઢે છે. જે નાયકને ગામ તેમજ શહેરમાં પાણી નથી મળતું તે નાયક અભિજાત વર્ગનું લોહી પી પોતાની તરસ છીપાવે છે. લેખકે કરેલ પ્રસ્તુત વર્ણન અહીં ઉલ્લેખનીય છે –
“ઝડપથી ઉઠીને એક ગીધનું મસ્તક ઉઠાવ્યું અને જોરજોરથી ચૂસવા માંડ્યો. કોઈ મરેલી ભેંસની ગુલ્લી ચૂસતો હોઊં એવી અનુભૂતિ થવા માંડી. અહો ! શો મીઠો સ્વાદ હતો એ ગીધરક્તમાં” 10
પ્રસ્તુત ઘટના એમ જ નથી બનતી પણ તે અનેકો શોષણની પ્રતિક્રિયા છે, તે બીભત્સ છે, ઘૃણિત છે પણ કઠોર સત્ય છે. સંભવિત નહિ પણ અતીત અને વર્તમાન સત્ય છે. ઉપર્યુક્ત પ્રસંગમાં લેખક ક્યાંક ને ક્યાંક દલિત પૈંથર આંદોલનથી પ્રભાવિત છે. બીજું ક્રાંતિની સંભાવના દર્શાવતું ઉદાહરણ ફૂલદેવી માતાના મંદિરમાં ફૂલદેવી માતા પર રહેલી ચૂંદડીને ઉતારવી અને તેને પોતાની સુરક્ષા માટે ઉપયોગ કરવો તે છે. આમ દલિત ચેતનાના પ્રમુખ ઘટક અંશોમાં વિદ્રોહ અને નકારની તીવ્ર ભાવના છે, જે અહીં પ્રમુખ રૂપે અભિવ્યક્ત થયાં છે.
લેખકની પ્રસ્તુત વાર્તા ક્રાંતિની સંભાવનાઓને ચીંધે છે પણ કથાનાયક તે માર્ગને અપનાવી શકતો નથી. અહીં કથાલેખકનું કથાનાયકમાં પ્રવેશવું ખટકે છે. જો નાયકને પોતાની રીતે નિર્ણય કરવા દીધો હોય તો તેનું પરિણામ કદાચ બીજું જ હોત. પ્રસ્તુત વાર્તા ક્રાંતિની સંભાવનાઓને નિર્દેશી રોકાઈ જાય છે. આમ, પ્રસ્તુત વાર્તા મુક્તિની કામનાં જરૂર કરે છે પણ તે મુક્તિથી દૂર ચાલી જાય છે. મુક્તિના દ્વારો ખુલ્લા છે પણ લેખક તેને અપનાવી પોતાનાં સમાજને દિશાનિર્દેશ કરી શક્યા નથી.
અંતે, દશરથ પરમારની સર્જક પ્રતિભા વિશે કોઈ બાબત કહેવા જેવી નથી રહેતી કારણ કે ભાવકને તે અંત સુધી વાર્તાના પ્રવાહમાં ઝકડી રાખે છે. તેમની વાર્તામાં દલિત જીવન અને સમસ્યા મુખર રીતે અભિવ્યક્તિ પામી છે. ગુજરાતીના લેખક મોહન પરમાર પ્રસ્તુત વાર્તા વિશે કહેં છે કે –
“કૃતિની સંરચના તપાસતાં એટલું ચોક્કસ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ખેંચી ખેંચીને કે તાણીતૂસીને અર્થઘટન કરવા જતાં કૃતિને અન્યાય થવાનો સંભવ છે. સાદીસીધી સરળશૈલીમાં લખાયેલી અને આક્રોશ-વિદ્રોહ ઝટ દઈને પ્રગટ કરતી દલિત વાર્તાઓ કરતાં દલિત સમસ્યાઓને ઊડળમાં લઈને ચાલતી આવી કૃતિઓ વધારે અસરકારક બની આવે.” 11
પ્રસ્તુત વાર્તા અસરકારક છે પણ સમાજને કેમ છોડી શકાય ? માત્ર સમસ્યાઓનું આલેખન વાર્તાનું અંતિમ ધ્યેય નથી. સામાજિક પરિવર્તન અને દલિત ચેતના જગાવવામાં પ્રસ્તુત વાર્તા અસફળ રહે છે. ડૉ. આંબેડકરની સામાજિક પ્રતિબદ્ધતાનાં અને તેના સંદર્ભોને જોતાં પ્રસ્તુત વાર્તાનું અર્થઘટન અને વિશ્લેષણ કરવું પણ અનિવાર્ય બની રહે છે. દલિત સમાજ અને દલિત સાહિત્યનો સીધો સંબંધ છે. તો તે બંને પક્ષોને જોડતી કડી ડૉ. આંબેડકરની વિચારધારા છે. જો ડૉ. આંબેડકરની વિચારધારાને હટાવી લઈએ તો દલિત સાહિત્ય દલિત સાહિત્ય રહેતું નથી. પ્રસ્તુત વાર્તામાં આજના દલિત યુવાનની ‘ધર્મપરિવર્તન’ અંગેની દ્વિધાનું આલેખન થયું છે જેમાં કથાનાયકની જેમ જ અન્ય દલિત યુવાન પણ ‘ધર્મપરિવર્તન’ અંગે દ્વિધા અનુભવે છે. આમ લેખકે બહું જ સૂક્ષ્મ રીતે એક જાગૃત, સજગ દલિત યુવાનની વાસ્તવિક પરિસ્થિતિનું આલેખન કર્યું છે. માટે ‘ગીધાનુભૂતિ’ માત્ર વાર્તા નથી, તે દલિત દસ્તાવેજ છે કપોલકલ્પિત નહીં. અહીં દલિત જીવન પ્રતીક દ્વારા સફળતા પૂર્વક અભિવ્યક્ત થાય છે. દલિત લોકોને પોતાનું હિત-અહિત પોતે જોવાનું છે. કયો ધર્મ વધું માનવીય છે અને તે ધર્મ પોતાનાં માનવીય અધિકારને કેટલો પોસે છે તે વધું મહત્ત્વનું છે. ભવિષ્યમાં આવતાં સાહિત્યમાં નવા માનવીય મૂલ્યોને સ્થાપવા રહ્યા જે નવા સમાજનું નિર્માણ કરી શકે. દલિત સાહિત્ય લેખન સંદર્ભે ડૉ. આંબેડકરની વિચારધારા અને દર્શનને ફરી સમજવા જરૂરી છે. સાહિત્યિક પ્રતિબદ્ધતા કરતાં દલિત સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા વધું મહત્ત્વની છે.
સંદર્ભ સૂચિ:
- 1. रत्तू, नानकचंद, ‘डॉ. अंबेडकर : जीवन के अंतिम कुछ वर्ष’, नई दिल्ली : किताबघर प्रकाशन, २००६, पृ. ૩૩
- 2. પરમાર, દશરથ ‘ગીધાનુભૂતિ’, ‘દલિત વાર્તાસૃષ્ટિ’ {પરમાર, મોહન (સંપા.)}, અમદાવાદ : પાશ્વ પ્રકાશન, ૨૦૦૫, પૃ. ૫૯
- 3. એજન, પૃ. ૬૦
- 4. એજન, પૃ. ૬૫
- 5. એજન, પૃ. ૬૭
- 6. એજન, પૃ. ૬૮
- 7. એજન, પૃ. ૬૯
- 8. रत्तू, नानकचंद, ‘डॉ. अंबेडकर : जीवन के अंतिम कुछ वर्ष’, नई दिल्ली : किताबघर प्रकाशन, २००६, पृ.૨૯૬
- 9. એજન, પૃ. ૨૯૫
- 10. પરમાર, દશરથ ‘ગીધાનુભૂતિ’, , ‘દલિત વાર્તાસૃષ્ટિ’ {પરમાર, મોહન (સંપા.)}, અમદાવાદ : પાશ્વ પ્રકાશન, પ્ર. આ. ૨૦૦૫, પૃ. ૬૬
- 11. પરમાર, મોહન (સંપા.), ‘દલિત વાર્તાસૃષ્ટિ’, અમદાવાદ : પાશ્વ પ્રકાશન, પ્ર. આ. ૨૦૦૫, પૃ. ૧૪૭