Download this page in

મહાભારતના સભાપર્વમાં નારદકથિત માનવ-અધિકાર*

અધિકાર શબ્દ અધિ ઉપસર્ગ અને कृ કરવું એવા ધાતુથી બન્યો છે. તેનો અર્થ વધારે સંભાળ રાખવી એવો થાય છે. આ ઉપરાન્ત તેના કર્તવ્ય, હક, દાવો અને કાર્યભાર જેવા અન્ય અર્થો પણ છે. માનવજીવન સાથે સંકળાયેલા આ શબ્દને વ્યાપક અર્થમાં જોઈશું તો, પૃથિવીસંબંધી અનેક પ્રાણીઓમાંથી જે માત્ર બુદ્ધિસામર્થ્યથી ભિન્નતા અને શ્રેષ્ઠતા પામ્યો છે તેવા માનવ માટે તેનો વિશેષ વિનિયોગ જોવા મળે છે. વળી, છેક વૈદિકકાળથી આજ સુધી ઉત્તરોત્તર વિકાસશીલ મનુષ્ય માટે તેના અનેકવિધ આયામો પણ જોવા મળે છે. માનવના અધિકાર સમ્બન્ધે મહાભારતમાં ઠેકઠેકાણે અનેકઘણું કહેવાયું છે. તેમાં સભાપર્વના ‘કચ્ચિદ્’ અધ્યાય પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે. સભાપર્વમાં યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે તેવા સમયે દેવર્ષિ નારદનું આગમન થાય છે. તેમણે યુધિષ્ઠિરને કેટલાક રાજ્યસમ્બન્ધી પ્રશ્નો પૂછ્યા છે. તેમાં સામાન્ય માનવને મળવાપાત્ર અને મૂળભૂત જરૂરિયાતવાળા કેટલાક વેધક પ્રશ્નો પણ હતા. તેમના વક્તવ્યમાં રાજાથી રંક સુધી પ્રત્યેક માનવને તેના મૂળભૂત અધિકાર મળવા જ જોઈએ એવી હિમાયત કરી છે. નારદજીએ યુધિષ્ઠિરને લગભગ એકસો જેટલા પ્રશ્નો પૂછ્યા છે. તેમાં માનવના અધિકારો સમ્બન્ધી અનેક પ્રશ્નો પણ છે. જેને ચાર-પાંચ ભાગમાં વહેંચી શકાય એમ છે. જેમ કે, મૂળભૂત અધિકારો, સુરક્ષાસમ્બન્ધી અધિકારો, વ્યવસાય-અન્તર્ગત અધિકારો અને વ્યક્તિગત અધિકારોનો પણ સમાવેશ થાય છે. નારદજીએ જણાવેલા માનવ અધિકારોને ઉપર્યુક્ત વિભાગોની દૃષ્ટિએ જોઈએ.

1. મૂળભૂત અધિકારો –

સભાપર્વના ‘કચ્ચિદ્ અધ્યાયના પ્રારંભે નારદજી રાજા યુધિષ્ઠિરને ધર્મ-અર્થ-કામ સંબંધી પ્રશ્નો પૂછીને ધીમે ધીમે માનવના મૂળભૂત અધિકારોની વાત કરતો એક પ્રશ્ન પણ પૂછે છે.

कच्चिद्दुर्गाणि सर्वाणि धनधान्यायुधोदकैः ।
यन्त्रैश्च परिपूर्णानि तथा शिल्पिधनुर्धरैः ।। 5.25
અર્થાત્ “તમારા બધા જ કિલ્લા, ધન-ધાન્ય, આયુધ, પાણી, યન્ત્રો, શિલ્પીઓ અને ધનુર્ધારીઓથી પરિપૂર્ણ તો છે ને ?”

નારદજીએ પૂછેલા આ પ્રશ્નમાં માનવજીવન માટે જરૂરી એવી પાયાની અને મૂળભૂત જરૂરીયાતો સંતોષવાની વાત છે. સમાજ સ્વરૂપે જીવતા બુદ્ધિશાળી અને ઉત્કૃષ્ટ પ્રાણીવિશેષ માટે પાયાની જરૂરીયાતો શું હોઈ શકે ? માનવનો જન્મ કદાચ અરણ્યમાં થાય – અને તેની આજુબાજુ તેના પ્રેરક-પોષક કે પોતીકા અન્ય માનવો ન હોય તેવા સંજોગોમાં તેની જરૂરીયાતો ન સંતોષાય એ સ્વાભાવિક છે. પરન્તુ બુદ્ધિશાળી પ્રાણી તરીકે સંગઠિતસમાજમાં રહેતા માનવની જરૂરીયાત અનિવાર્યપણે સંતોષાવી જોઈએ. આનો અર્થ એ કે, માનવ તરીકે જન્મેલા અને કોઈથી અનુશાસિત થયેલા મનુષ્યની પ્રથમ પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન છે. जीवो जीवस्य कारणम् । એક જીવ બીજા જીવનું કારણ છે. આ કારણ ધીમે ધીમે જરૂરીયાત બને છે અને જરૂરીયાત છેવટે અધિકારમાં પરિવર્તિત થાય છે. નારદજી યુધિષ્ઠિરને ઉપર્યુક્ત શ્લોક દ્વારા પૂછે છે કે, તમારા રાજ્યમાં રહેતા પ્રત્યેક મનુષ્યને પૂરતું ધાન્ય મળી રહે છે? તેને યોગ્ય પ્રમાણમાં પાણી આપવામાં આવે છે? અને યોગ્ય ધનુર્ધરોથી તેમની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે ને ? કેમ કે, અનુશાસિત માનવનો એ અધિકાર છે કે તેના આશ્રિત તરફથી તેને જીવન જીવવાની આ મૂળભૂત સગવડો પૂરી પાડવામાં આવે. આમ, એક જ પ્રશ્નથી માનવના મૂળભૂત અધિકારોની વાત નારદજીએ અહીં સ્પષ્ટ કરી છે.

2. સુરક્ષાસંબંધી અધિકારો –

નારદજી હવે યુધિષ્ઠિરને તેમની પ્રજાની સુરક્ષા વિશે પ્રશ્નો પૂછે છે. તેમાં સૌપ્રથમ નિર્દોષ-પ્રજાનું શોષણ કે પીડન ન થવું જોઈએ. એની હિમાયત કરે છે. જેમ કે,

कच्चिन्नोग्रेण दण्डेन भृशमुद्वेजितप्रजाः ।। 5.34
અર્થાત્ “ઉગ્ર એવા દંડથી પ્રાજને અત્યન્ત ઉદ્વેગ-પીડા તો અપાતી નથી ને ?

માનવ જીવનમાં નિયમો અર્થાત્ દંડ હોવા જરૂરી છે. પરંતુ એ દંડથી કે નિયમથી પ્રજાકલ્યાણ અને પ્રજાજીવનમાં સ્થિરતા કે શાન્તિનું વાતાવરણ બનવું જોઈએ. માનવનો એ પણ અધિકાર છે કે, તેનું દંડ કે નિયમ વગેરેથી પીડન ન થવું જોઈએ. એટલે કે સુરક્ષાના હેતુથી દંડ આવકાર્ય છે પણ તેનાથી ઉદ્વેગ કે પીડા ન થાય એ પણ તેનો અધિકાર છે. કેમ કે, ભયભીત કે ઉદ્વિગ્ન મનુષ્યથી ઉત્તમરાષ્ટ્રનું કે ઉન્નત સમાજનું નિર્માણ થતું નથી. આ વાત નારદજીએ અહીં પ્રજાલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરી છે.

માનવસમાજમાં સ્ત્રી-પુરુષ ઉભયનું સમાન મહત્ત્વ છે. તેમ છતાં સ્ત્રીઓને પોતાની વિશેષ સુરક્ષા પ્રાપ્ત થાય એ અતિ-અનિવાર્ય છે એમ જણાવતા નારદજી કહે છે કે, “હે યુધિષ્ઠિર ! તમે સ્ત્રીઓને દુઃખના સમયે સાન્ત્વન આપો છો ને ? વળી તમારા રાજ્યની સ્ત્રીઓ સુરક્ષિત તો છે ને ?” (कच्चित्स्त्रियः सान्त्वयसि कच्चित्ताश्च सुरक्षिताः ।) અર્થાત્ નારદજી અહીં સ્ત્રીઓને વિશેષ સુરક્ષા મળે તેવા વિશેષ અધિકારની વાત જણાવે છે. રાજા દ્વારા રાજ્યમાં મનુષ્ય, પશુ, કિલ્લા, ધન, ધાન્ય અને સુવર્ણાદિ સમ્પત્તિની સુરક્ષા તો અનિવાર્ય છે જ. પરન્તુ સ્ત્રીઓના વિશેષ સુરક્ષાનો અધિકાર છે જે રાજાએ પરિપૂર્ણ કરવો જ જોઈએ એવી વિશેષ હિમાયત કરી છે.

એટલે કે, પ્રજાનું અકારણદમન નહીં થવું જોઈએ અને સ્ત્રીઓની વિશેષ સુરક્ષા થવી જોઈએ. આમ, સુરક્ષાસંબન્ધી આધિકારો પણ મહાભારતકાળમાં વિશેષ ચુસ્ત અને અોખા પ્રકારના હતા.

3. વ્યવસાય સમ્બન્ધી અધિકારો –

નારદજી ત્યારબાદ યુધિષ્ઠિરને પ્રજાને અપાતી વ્યવસાય સમ્બન્ધી સગવડો અને અધિકારોની વાત કરે છે. રાજ્યની સદૈવ સુરક્ષા કરતા અને નિયમ પાલનમાં ઉપયોગી બનતા સૈન્યના વેતન અને ખોરાક અંગે પણ વિશેષ પ્રાવધાન હોવું જોઈએ. કેમ કે, જે સૈન્ય આઠ પ્રહર સુરક્ષા પ્રદાન કરતું હોય તેના પણ કેટલાક જીવનસંબંધી અધિકારો હોય છે. આ અધિકારો એટલે પોતાની સેવાવૃત્તિ, ત્યાગ અને સમર્પણ ભાવનાના બદલામાં પોતાનું યોગ્ય વેતન અને ખોરાકથી ભરણપોષણ થાય એવું જરૂહી છે. અનિવાર્ય પણે તેમના વ્યવસાય સંબંધી આ અધિકાર પ્રશાસને પૂર્ણ કરવો જ જોઈએ. જેમ કે-

कच्चिद्बलस्य भक्तं च वेतनं च यथोचितम् ।
सम्प्राप्तकालं दातव्यं ददासि न विकर्षसि ।। 5.38
અર્થાત્ “(તમે) સૈન્યને ખોરાક અને પગાર યોગ્ય રીતે આપો છો ને ? ખરા સમયે આપવા યોગ્ય (પુરસ્કારાદિ) તમે આપો છો ને ? આપેલું (ઈનામ) પાછું તો લઈ લેતા નથી ને ?”

વળી નારદજી જે વિદ્યાવાન્ વિદ્વાનો સમાજ માટે પોતાનો જીવનનિધિ આપીને સંપૂર્ણ સમાજનું કેળવણીવર્ધન કરવામાં સહાયભૂત બને છે તેનો પણ યોગ્ય દાન અને માન મેળવવાનો અધિકાર છે. જેમ કે –

कच्चिद्विद्याविनीतांश्च नराञ्ज्ञानविशारदान् ।
यथार्हं गुणतश्चैव दानेनाभ्यवपद्यसे ।। 5.43

રાજાના રાજ્યમાં રહીને ખેતી કરતા ખેડૂતોનો પણ વિશેષ અધિકાર હોય છે. એમ જણાવતાં નારદજી કહે છે કે, જ્યારે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતી, બીયારણ કે અનાજ નાશ પામે ત્યારે રાજાનું એ પરમ કર્તવ્ય બને છે કે, તેણે ખેડૂતોને પ્રતીક સ્વરૂપે અર્થાત્ એકસો રૂપિયે એક રૂપિયો વ્યાજ લઈને પણ મદદ-સહાય કરવી અનિવાર્ય છે. કેમ કે, પ્રજાનું જીવન ખેતીની ઉપજથી જ ચાલે છે. ખેતપેદાશોથી જ રાજ્ય જીવે છે, સમૃદ્ધ બને છે અને ખ્યાતિ પામે છે. રાજાની અને સમગ્ર રાજ્યની સાચી આધારશીલા ખેતી જ હોય ત્યારે વિકટ પરિસ્થિતિમાં રાજાની પાસેથી વિનિમયના ધોરણે વિત્ત માગવાનો ખેડૂતોનો આગવો અધિકાર છે. ખેડૂતોને હાલના સમયમાં અપાતી લોન વગેરેની ઋણમુક્તિમાં પણ મહાભારત અને પૂરોગામી અન્ય સાહિત્યિક – આધારો જ અધિકારના અર્થને વધારનારા અને પુષ્ટ કરનારા બન્યા છે. નારદજીએ કહેલો તે શ્લોક આ મુજબ છે.

कच्चिद्बीजं च भक्तं कर्षकायावसीदते ।
प्रतीकं च शतं वृद्ध्या ददास्यृणमनुग्रहम् ।। 5.68
અર્થાત્ “જ્યારે તમારા ખેડૂતો માટેનું બીયારણ અને અનાજ નાશ પામે છે ત્યારે તેમને એકસો એ એક પ્રતીક (અર્થાત્ એક રૂપિયો કે એક ટકો) વ્યાજ લઈને ઉપકાર રૂપે ઋણ આપો છો ને ?”

અહીં ઉપકારરૂપે એવો શબ્દ ખેડૂતો માટે અધિકારપ્રદાન કરનારો છે. કેમ કે, આજીવન રાજા અને રાજ્ય ખેડૂતોનું ઋણી હોય છે. ખેડૂતોનો સદૈવ તેમના ઉપર ઉપકાર હોય છે. માટે તેના બદલામાં તેમને મળતી સહાય એ તેમનો અધિકાર છે, એ વાત રાજાએ કદાપિ ન ભૂલવી જોઈએ એમ નારદજી યુધિષ્ઠિરને જણાવે છે.

4. વ્યક્તિગત અધિકારો

વ્યક્તિગત અધિકારોની વાત કરતા નારદજી યુધિષ્ઠિરને પ્રજાા એક વિશેષ અધિકારથી વાકેફ કરે છે. નારદજી કહે છે કે, હે યુધિષ્ઠિર તમે પ્રજાના સ્વામી છો. અને તે કારણે તમને મળવા આવનારો વર્ગ ઘણો મોટો હોય છે. પરન્તુ તે બે પ્રકારનો હોય છે. કેટલાક લોકો માત્ર નિવેદક રૂપે આવે છે. પોતાની વાત કે વિગતનું નિવેદન કરીને જાય છે. પરન્તુ બીજા કેટલાક લોકો પ્રતિનિવેદક રૂપે પણ તમારી પાસે આવે છે. ત્યારે તમે ગર્વ, મોહ કે કામને લીધે તેમને સાંભળ્યા વિના જ ગમે તે રીતે અપમાનિત કરીને કાઢી તો મૂકતા નથી ને ? નારદજી આ વાત આજના સમયમાં અર્થાત્ લોકતંત્રમાં મળએલા વાણી સ્વાતન્ત્ર્યના અધિકારની પુષ્ટિ કરે છે. એવી માન્યતા હતી કે રાજાશાહીમાં રાજાનો શબ્દ એ જ કાયદો કે નિયમ હતો. પરન્તુ નારદજી જે રીતે જણાવે છે તે રીતે તત્કાલિક રાજાઓએ પણ પ્રજાને વાણીસ્વાતન્ત્ર્યનો અધિકાર આપ્યો હતો. માટે જ નારદજી કહે છે કે, જે પ્રતિનિવેદકો છે તે રાજાની વિરુદ્ધ હશે તેવાં નિવેદનો કરશે. આજનો વિરોધપક્ષ એ પૂર્વે નો પ્રતિનિવેદક હતો. અને તેથી રાજા તેમની તે વિરોધી વાત, ન ગમતી વાત, અવ્યવસ્થા કે અન્યાયની વાતથી વિમુખ બને એ સ્વાભાવિક છે. આવા સમયે પાજા ગર્વથી, મોહથી કે કામ અર્થાત્ લાલસાથી તેમને ન સાંભળએ અને કાઢી મૂકે કે ધૂત્કારે તે સહજ છે. પરન્તુ ખરેખર પ્રજાને પોતાના નિવેદન કરવાનો અધિકાર પણ છે. માટે સાજાએ તેને અનિવાર્ય પણે સાંભળવી જ જોઈએ. આમ, મહાભારતમાં પણ વ્યક્તિની વ્યક્તિનિષ્ઠા તેના સમાજ માટે પ્રતિનિવેદકના સ્વરૂપે વ્યક્ત કરવાનો પણ સંપૂર્ણ અધિકાર હતો. આ વાતને સ્પષ્ટ કરતો મૂળ શ્લોક આ મુજબ છે.

कच्चिन्न मानान्मोहाद्वा कामाद्वापि विशां पते ।
अर्थिप्रत्यर्थिनः प्राप्तानपास्यसि कथंचन ।। 5.81
અર્થાત્ “હે પ્રજાના સ્વામી તમને મળવા આવેલા નિવેદક અને પ્રતિનિવેદકને ગર્વ, મોહ કે કામને લીધે તમે ગમે તે રીતે કાઢી મૂકતા તો નથી ને ?”

આમ, વર્તમાન સમયમાં માનવમાત્રને કેટલીક પાયાની જરૂરિયાતો છે. એવી જ રીતે માનવ તરીકે તેના કેટલાક અધિકારો પણ છે. પોતે સમાજનું અને પ્રશાસનું અવિભાજ્ય અંગ હોવાથી તેના અસ્તિત્વ અને અસ્મિતાનું પણ પૂર્ણપણે ગૌરવ જળવાય એ જરૂરી જ નહીં, અતિ-અનિવાર્ય છે. આ સંજોગોમાં પૂરોગામી સાહિત્યની તરફ દૃષ્ટિપાત કરીશું તો, મહાભારતના સભાપર્વમાં આવેલા કચ્ચિદ્ અધ્યાયમાં નારદજીએ યુધિષ્ઠિરને પૂછેલા કેટલાક પ્રશ્નોના જવાબમાં આપણને માનવના અધઇકારોનું અવલોકન જણાય છે. જે આજના અધિકારોની પુષ્ટિ કરનારા છે. અને સાથે-સાથે માનવ તરીકે આપણને શું અધિક મળવું જોઈએ, આપમો શું હક કે દાવો છે, તેનું પણ દૃઢસ્મરણ કરાવે છે.

પાદટીપ -:

  1. • સરસપુર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, રીલિફ રોડ, અમદાવાદ ખાતે યોજાયેલા UGC Sponsered National Seminar માં ‘Rights In Modern Perspective’ વિષય અન્તર્ગત રજૂ કરેલ શોધપત્ર, તા. 24 સપ્ટેમ્બર, 2015.
  2. 1. સભાપર્વ – મહાભારતની સમીક્ષિત આવૃત્તિ, ભાંજારકાર ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પૂણે, સન્ 1967, (પ્રથમાવૃત્તિ)
  3. 2. સભાપર્વ – એજન. પૃષ્ઠ 170
  4. 3. સભાપર્વ – એજન. પૃષ્ઠ 172
  5. 4. સભાપર્વ – એજન. પૃષ્ઠ 173
  6. 5. સભાપર્વ – એજન. પૃષ્ઠ 174
  7. 6. સભાપર્વ – એજન. પૃષ્ઠ 179
  8. 7. સભાપર્વ – એજન. પૃષ્ઠ 201