જાત સાથે વાત
ગઈકાલ અને આજ વચ્ચે
હું મારા લંબાતા... પડછાયાને શોધું છું.
હજુ તો હું,
બ્રેઈનસ્ટ્રોકના આઘાતમાં ઢળેલી ‘મા’ની દીકરી છું.
પિતાની આંખમાં ઘેરાયેલાં અંધકારને
પી જવા મથું છું.
અગણિત જવાબદારીઓ વચ્ચે
પીડાયેલી, ખુંવાર થયેલી વહુ,
એક સમઝદાર, હસમુખા પતિની પત્ની,
બે બાળકની માતા,
એમાંય પહેલાં દીકરીની મા.
આ સભાનતા તો ત્યારે આવી જ્યારે,
હું દીકરીમાંથી ‘મા’ બની,
પ્રિયામાંથી પત્ની બની,
અને પત્નીમાંથી ....?
સમયનો પટ વિસ્તરતો જાય છે
ચહેરા પર ચહેરો પહેરીને જીવું છું.
દીકરી... પત્ની... વહુ... નણંદ... ભાભી... મા...
આ બધાની વચ્ચે હું કોણ ?
જેનો કોઈ વિકલ્પ નહીં એવો પ્રશ્ન.
ઉત્તરની શોધમાં છું.
પ્રગટ થવા માંગું છું હવે !
જાણું છું, જાણું છું કે જાતને શોધી લઈશ તો...!
બદલાઈ જશે વાસ્તવિકતા.
જાતને ભૂલીને જીવું છું ત્યારે,
મારી આસપાસ જોઉં છું અસંખ્ય સીમાઓ...
તોડી નાંખું સીમાઓ ?
મનેય મન થાય છે હો !
વરસાદની જેમ વરસવાનું.
ફૂલોની જેમ મહેંકવાનું.
ખુલ્લાં આકાશમાં મધમધતા તારાઓની
ભીડમાં શોધું છું મારી જગ્યા.
પણ ધરતીની વેદના તો ધરતી જ જાણે !
વૃક્ષોને કોઈ પૂછે છે ? એની પીડા વિશે !
આકાશના ખાલીપાને એકવાર તો અનુભવી જુઓ !
અંધકારને પૂછો શું છે એની ઝંખના ?
ખરી ગયેલાં પર્ણની પીળાશમાં ડોકાતી વ્યથા
કાશ...? કોઈ સમઝી શકે !
હે પવન ! તારા સ્પર્શથી મને મારો અહેસાસ થાય છે.
હે વરસાદ ! મને લીલીછમ વનરાજિમાં કરીદે અર્દશ્ય...
પ્રતિકાર અને પ્રતિબદ્ધતા
બન્ને છેડે મૌન ? અવાજ ?
મૌન પણ નહીં અવાજ પણ નહીં !
સન્નાટો..........................................
જાત સાથે ઝાઝી વાત કરીશને, તો...
દોસ્ત ! કાન દઈને સાંભળજે હો !
પવન, પાણી, સુગંધ, તેજ અને અવકાશની જેમ
હું પારદર્શક થઈને પથરાઈ જઈશ.
હજુ, હૃદયના કોઈ ખૂણામાં,
અવિસ્મરણીય, અવર્ણનીય અને અચિંતનીય ક્ષણો
બેઠી છે ટૂંટિયુંવાળીને.
જોઉં છું રાહ સમયની
કે મારો પડછાયો ક્યાં સુધી મને
સાચવી રાખે છે
આ.............. જગતથી.