ઈન્ટેલેક્ચ્યુઆલીટીની ઊંચાઈનું એવરેસ્ટ- ‘વોર્ડનં. સિક્સ’
ચેખોવની ‘વોર્ડ નં. સિક્સ’ વાર્તા એ વિચારોનો વિશાળ વોર્ડ છે. ચિંતક ચેખોવે આ વોર્ડને પોતાના તત્વજ્ઞાનથી સજાવ્યો છે. ૧૮ જેટલા ખંડમાં વિસ્તરેલી આ વાર્તાને જગતભરના અભ્યાસુઓ philosophical conflictના ઉત્તમ વિનિયોગ તરીકે ઓળખાવતા આવ્યા છે. ગુજરાતીમાં આ વાર્તાનો અનુવાદ જયંત પાઠક તેમજ રમણ પાઠકે ‘છ નંબરનો વોર્ડ’ શીર્ષકથી કરેલ છે. આ વાર્તાના મુખ્ય બે પાત્રો છે. પાગલ દર્દી ઇવાન ડીમીત્રીચ ગ્રોમોદ અને ડોક્ટર એન્ડ્રી યેફીમીચ રેગીન અથવા રાગિન. આ બે પાત્રો વચ્ચેની વાતચીત એ જ આ વાર્તાનો શ્વાસ છે. અન્ય ગૌણ પાત્રો તેમજ નિરુપિત થયેલું હોસ્પિટલનું ઉદાસ વાતાવરણ આ બે મુખ્ય પાત્રોની લાચારી અસહાયતાને નક્કર ટેકો આપે છે. કોઈ સતત પોતાનો પીછો કરી રહ્યું છે એવું ગાંડપણ ધરાવનાર ગ્રોમોદ બૌધિક અને સંવેદનશીલ છે. પાદરી થવાની ઈચ્છા ધરાવતો પણ ડોક્ટર બાપની ઈચ્છાને કારણે પરાણે ડોક્ટર બનેલો ડૉ. રાગિન પણ અતિસંવેદનશીલ વ્યક્તિ છે. બસ, આ બૌધિકતા અને સંવેદનશીલતાના કિસ્સામાં આ બંને પાત્રો સંપર્કમાં આવી એક સમાન બિંદુએ સ્થિરતાથી અને ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરીને દુનિયાની વાસ્તવિકતાની કડવી બાજુઓને સમજવાનો તેમજ તેમાંથી ઊગરવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગે છે અને હોસ્પિટલની સંચાલક દુનિયા ગ્રોમોદની સાથે ડૉ. રાગિનને પણ પાગલ પુરવાર કરી દઈને છ નંબરના વોર્ડમાં ગ્રોમોદની બાજુના પલંગમાં જ ફેંકે છે. પોતે પાગલ નથી એવી ડૉ. રાગિનની વાત કોઈ માનતું નથી અને ચોકીદારના મારના લીધે તે મૃત્યુ પામે છે. આ ડૉ. રાગિનના philosophical conflictની મર્યાદા એ છે કે આ conflictનીકોઈ દવા નથી, એcurable નથી કારણ કે ઢોંગી-પાખંડી અને પત્થરદિલ દુનિયાને આવી બધી બાબતોની care નથી.
ગ્રોમોદ અને ડૉ. રાગિન વચ્ચેનો બૌદ્ધિક સત્સંગ અને એ સત્સંગમાંથી નિષ્પન્ન થતો બૌદ્ધિક સંઘર્ષ આ બંને પાત્રોને ઈન્ટેલેક્ચ્યુઆલીટીના એવરેસ્ટ પર મૂકી આપે છે. જૂઓ ગ્રોમોદ વિશેનું વાર્તાકથકે કરેલું વર્ણન- “ ઉચ્ચ કુટુંબમાં જન્મેલો તેંત્રીસ વર્ષનો ઇવાન ડીમીત્રીચ ગ્રોમોદ એક વાર બેલીફ અને પ્રાંત સરકારની કચેરીમાં મંત્રીપદે હતો. કોઈ હેરાન કરવા એનો પીછો પકડી રહ્યું છે. એવું એને ગાંડપણ વળગ્યું છે. એ કાં તો એના ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહે છે અથવા તો ઓરડામાં જાણે વ્યાયામ માટે હોય એમ આંટા મારે છે . એ ભાગ્યે જ બેસતો હોય છે, ને હંમેશાં અસ્પષ્ટ અને અનિશ્ચિત ચિંતાઓથી વ્યગ્ર અને ઉશ્કેરાયેલો રહે છે. ચાલીમાં કે ચોગાનમાં જરા પણ અવાજ થાય કે એનું માથું ઊંચું કરી સાંભળી રહે છે-એને થાય છે: શું કોઈ મને પકડવા આવ્યું છે ? શું તેઓ મારી શોધ કરી રહ્યા છે ? આવે વખતે એના ચેહરા પર અતિશય ગભરામણ અને વ્યગ્રતા જણાય છે. આ માણસનો મોટાં જડબાંવાળો , પહોળો, ફિક્કો અને દુઃખી ચહેરો મને ગમે છે., અરીસાની જેમ એ ચહેરામાં સતત જીવનસંગ્રામ અને ભયથી વ્યથિત આત્માની છબી દેખાય છે,એની ચેષ્ટાઓ વિચિત્ર અને રોગિષ્ઠ છે. પરંતુ સાચી અને ઊંડી યાતનાએ એના ચહેરા પર આંકેલી રેખાઓમાં સંવેદનશીલતા અને બુદ્ધિમત્તા જણાય છે, અને એની આંખોમાં એક પ્રકારનું હુંફાળું, શાણપણનું તેજ છે.”[1] ભાઈ અને પિતાના મૃત્યુને લીધે કુટુંબ ઉપર આફત આવી એટલે ગ્રોમોદે અભ્યાસ પડતો મૂકવો પડ્યો અને મિત્રોની લાગવગથી શિક્ષકની નોકરી મેળવી પણ ન ફાવ્યું અને એ પણ છોડી દીધી, મા પણ અવસાન પામે અને આ ગ્રોમોદ બેકારીમાં દિવસો ગુજારે ત્યાર બાદ તેને બેલીફની નોકરી મળી અને સ્વાસ્થ્ય બગડ્યું-પાગલ કરાર કરવામાં આવ્યો ત્યાં સુધી આ નોકરી તેણે નિભાવી. આમ અત્યંત ગરીબી અને લાચારીમાં મોટાં થયેલા આ ગ્રોમોદના ચિત્તમાં આ જગતની વાસ્તવિકતાઓ વિશે નક્કર જાણકારી છે અને એટલે જ તેનું વર્તન પણ કંઇક અલગ જ હોય છે. જૂઓ- “ એનો અવાજ તીણો હતો, એ મોટેથી અને આવેશપૂર્વક બોલતો. એમાં કેટલીકવાર ગુસ્સાભર્યો તિરસ્કાર હોય, તો કેટલીક વાર અતિશય આનંદ અને આશ્ચર્યના ભાવો વ્યક્ત થાય. એની વાણીમાં હંમેશાં સચ્ચાઈનો રણકો સંભળાતો. તમે એની સાથે ગમે તે વિષય પર વાત કરો. એ વાતચીતને પોતાના પ્રિય વિષય તરફ જ ઘસડી જવાનો. આ પ્રિય વિષય એટલે- આપણા ગામનું વાતાવરણ ગૂંગળાવી નાખે એવું છે, જીવનનીરસ છે, સમાજને ઉચ્ચ વસ્તુઓમાં રસ નથી અને શુષ્ક તેમજ અર્થ વગરની એની હસ્તી માત્ર હિંસા, વ્યભિચાર અને ઘમંડથી જ જીવંત લાગે છે. લુચ્ચાઓને જોઈએ તેટલું ખાવાનું, પહેરવાનું મળે છે, જયારે પ્રામાણિક માણસોને ખાવાનાં સાંસા પડે છે. શાળાઓ, પ્રગતિશીલ સ્થાનિક અખબાર, નાટકઘર, જાહેર વ્યાખ્યાનો અને બધાં બૌદ્ધિક પરિબળોનો સહકાર એ આજની જરૂરિયાત છે. સમાજને આ બધાનું ભાન કરાવવું જોઈએ અને એ કેટલું આઘાતજનક છે તે સમજાવવું જોઈએ. એના સાથીઓના ચરિત્ર ચિતરવામાં ઇયાન ઘેરા રંગો વાપરે છે. પણ એની પાસે માત્ર કાળો અને સફેદ બે જ રંગ છે, રંગના વિવિધ મિશ્રણો નથી. એને મન માણસજાત પ્રામાણિક અને લુચ્ચા લોકોની બનેલી છે. આ બે સિવાય કોઈ વચલા વર્ગને એ સ્વીકારતો નથી. સ્ત્રી અને પ્રેમ વિશે એ બહુ જ ઉત્સાહથી બોલે છે- જો કે એ કદી પ્રેમમાં પડયો ન હતો....એ જબરો વાંચનારો હતો. ક્લબમાં પોતાની નાની દાઢી પસવારતો સામાયિકો અને પુસ્તકોનાં પાનાં ફેરવતો બેઠો હોય. એના ચહેરા પરથી લાગે કે એ વિચારપૂર્વક વાંચતો નથી પણ અકરાંતિયાની જેમ મનને વિચાર કરવાનો સમય આપ્યા વગર વાંચ્યે જાય છે. વાચનની એની આદત જાણે રોગ બની ગઈ હતી. ગયા વર્ષનાં અખબાર હોય કે પંચાગ હોય – જે હાથ ચઢયું તે એ સરખા જ ઉત્સાહથી વાંચી કાઢતો. ઘેર એ હંમેશાં સૂતો સૂતો જ વાંચતો.”[2] વાંચનનો આ જબરો શોખીન ગ્રોમોદ અત્યંત સંવેદનશીલ હતો એટલે જ તો દુનિયાની દ્રષ્ટીએ એક સાવ સામાન્ય સામાન્ય ઘટના આ ગ્રોમોદ માટે સામાન્ય નથી અને એ ઘટનાને લીધે જ તે પાગલ બને છે. બેલિફ તરીકેની કામગીરી સારી રીતે કરતા આ ગ્રોમોદ સામે જે ઘટના બને છે તે ઘટના એટલે-“ રસ્તે એને ચાર હથિયારબંધ ચોકીદારો બે માણસોને હાથકડી પહેરાવીને લઈ જતા મળ્યા”[3] આ ઘટનાની તેના ઉપર થયેલ અસર જૂઓ- “ આવે વખતે એ દયા અને મૂંઝવણની લાગણી અનુભવતો, પણ આ વખતે કોણ જાણે કેમ , એની બહુ તીવ્ર અસર થઈ. કોઈ કારણસર અચાનક એને એવો વિચાર આવ્યો કે એને પોતાને પણ હાથકડી પહેરાવીને આ કેદીઓની જેમ કાદવવાળા રસ્તે થઈને કોઈ કેદખાનામાં લઈ જાય તો !”[4] બસ ત્યાર બાદ એને વહેમ થઈ ગયો કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, તેના વિશે પૂછપરછ થઈ રહી છે વગેરે વગેરે... “ પોતાને પણ પકડવામાં આવે અને હાથકડી પહેરાવી કેદમાં નાખવામાં આવે, એ વિચારમાં એને ઊંઘ ન આવી. એને ખાતરી હતી કે એણે કોઈ ગુનો કર્યો નથી અને ભવિષ્યમાં ખૂન, આગ કે ચોરીનો કોઈ ગુનો એ કરનાર નથી; તો પણ એને થતું કે અકસ્માત, ઈરાદા વગર પણ ગુનો થઈ જવાનો સંભવ નથી શું ? વળી દગો કે ન્યાયમાં ગફલત પણ ક્યાં નથી થતાં? ગરીબાઈ અને કેદમાંથી કોઈ બચી શકતું નથી.’ એવી લોકકહેવતમાં શું જમાનાઓનો અનુભવ પ્રગટ નથી થતો ? અને હમણાં જે રીતે અદાલતોમાં કેસ ચાલે છે; તેમાં તો ન્યાય આપવામાં ગફલત થવાનો જ વધારે સંભવ નથી !”[5] અત્યંત બુદ્ધિમત્તાથી વિચારનાર આ ગ્રોમોદ માટે ચેખવ લખે છે-
“ પણ જેમ જેમ એ વધારે શાણપણ અને બુધ્ધિપૂર્વક વિચારતો જાય છે, તેમ તેમ એનો અજંપો વધતો જાય છે. એની દશા પેલા સાધુ જેવી છે, જે જંગલમાં પોતાને માટે થોડી જગા સાફ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યાં વધુ ને વધુ ગીચ ઝાડીઝાંખરા ઊગી નીકળે છે. ઈવાન ડીમીત્રીચ આખરે બુદ્ધિપૂર્વક વિચારવાનું નિરર્થક જણાતાં છોડી દે છે અને ભય અને નિરાશાને તાબે થાય છે.”[6] પોતે સતત એ ચિંતામાં રહે છે કે કોઈ ને કોઈ ગુનો જાણતા-અજાણતા થઈ જશે અને સરકાર એને પકડી લેશે અને સજા કરશે, તેવા સમયે એક ડોશી અને નાના બાળકની લાશ મળવાની ઘટના બને છે અને ખૂનીની શોધ ચાલુ હોવાના અહેવાલ તેને મળે છે અને પોતે નિર્દોષ હોવા છતાં ભયની સપાટી એ હદે વધે છે કે ગ્રોમોદ ભોંયરામાં સંતાય રહે છે, કોઈની સાથે વાત નથી કરતો અને બહાર નીકળી દોડવા લાગે છે. ડૉ. રાગિનને બોલાવાય છે અને તેના સૂચનથી તેણે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને થોડા જ વખતમાં તેને પાગલ કરાર કરી પાગલોના છ નંબરના વોર્ડમાં મૂકવામાં આવે છે. આ છે ગ્રોમોદના વ્યક્તિત્વ અને પાગલ બનવાની વ્યથા-કથા અને વાર્તાની એક મહત્વની ઘટના.
આ વાર્તાની બીજી મહત્વની ઘટના આ છે-“ હમણાં હમણાં જો કે હોસ્પિટલમાં એવી વિચિત્ર અફવા ફેલાઈ છે કે ડોક્ટર નિયમિત રીતે છ નંબરના વોર્ડની મુલાકાત લે છે.”[7] આ એ જ ડોક્ટર છે કે જેણે ગ્રોમોદને હોસ્પિટલમાં-છ નંબરના વોર્ડમાં મૂક્યો હતો. નિયમિત રીતે છ નંબરના વોર્ડમાં જવાનું કારણ દિલચશ્પ છે. આ ડોક્ટર પાગલ ગ્રોમોદને મળવા, તેની સાથે વાતચીત કરવા જાય છે. તેની સાથે વિવિધ વિષયો ઉપરચર્ચા-વિચારણા, ખંડન-મંડન કરવાનું તેને ખૂબ ગમે છે અને એ તેને ગમતી ઘટના હોસ્પિટલના સમગ્રસ્ટાફ- સંચાલકો માટે વિસ્મયતાની બાબત બની રહે છે. ડૉ.રાગિનનું વ્યક્તિત્વ સમજ્યા વિના તેની ગ્રોમોદ સાથેની દોસ્તી ન સમજાય. પોતે ધાર્મિક વૃત્તિ ધરાવતા રાગિને પાદરી થવા માટેના સપના જોયા હતાં પણ પિતાના કારણે ડોક્ટર બનવું પડ્યું. વાર્તાકથક કહે છે- “ પણ મેં એન્ડ્રી યેફીમીચને ઘણીવાર એવું કહેતાં સાંભળ્યો છે કે , મને દાકતરના ધંધામાં કે વિજ્ઞાનની કોઈ શાખામાં રસ નથી.”[8] જયારે એ આ હોસ્પિટલમાં જોડાયો ત્યારે અહીની અવ્યવસ્થા, ગંદકી, નબળું આયોજન એ બધું જોઈ તેણે શક્ય તેટલા સુધારા કરવાના ઝાઝા પ્રયત્નો પણ નહિ કર્યા. જૂઓ-
“ હોસ્પિટલની પહેલી જ વાર તપાસ કરતાં એન્ડ્રી યેફીમીચને ખાતરી થઈ ગઈ કેમ, સંસ્થા અનીતિનું ધામ બની ગઈ છે અને સમાજના સ્વાસ્થ્ય માટે એ ઘણું જ ખતરનાક છે, એના મતે સારામાં સારો ઉપાય એ હતો કે , દર્દીઓને રજા આપી દેવી અને હોસ્પિટલ બંધ કરી દેવી. પણ એને લાગ્યું કે એમ કરવા માટે એની ઈચ્છા ઉપરાંત કંઇક વધુ શક્તિની જરૂર છે. વળી એમ કરવાથી પણ લાભ થવાનો કશો સંભવ નથી. એક ઠેકાણેથી નૈતિક અને સ્થૂલ ગંદકીને વાળીઝૂડીને સાફ કરવામાં આવે, પણ તે બીજે ઠેકાણે જમા થવાની જ; એ ગંદકી પોતે જ નાશ ન પામે ત્યાં સુધી રાહ જોવી એ જ ઠીક છે. વળી લોકોએ હોસ્પિટલ ખોલી છે અને નિભાવી છે, એનો અર્થ એ છે કે એમને એની જરૂર છે. આ અજ્ઞાનમૂલક પૂર્વગ્રહો અને રોજેરોજની આ ગંદકી એ જરૂરી વસ્તુઓ છે- ઉકરડો જેમ ફળદ્રુપ જમીનમાં પલટાઈ જાય છે, તેમ આમાંથી પણ કંઇક ઉપયોગી નીપજ્શે. બધી સારી વસ્તુઓ બૂરી વસ્તુઓમાંથી જ નીપજી આવી છે.”[9] તે હોસ્પિટલમાં ચોરી અટકાવી નથી શકતો, ખોટા હિસાબો ઉપર સહીં કરવાનું પણ તેણે ફાવતું નથી, દર્દીઓની ખરાબ હાલત જોઈને તે ચિંતામાં પડે છે. દર્દીઓની કાળજી ન લેવાતી હોવાની વાસ્તવિકતાથી તે વાકેફ હોવા છતાં કશું કરી શકતો નથી. ઉત્સાહથી કામની શરૂઆત કરનાર આ ડૉ.રાગિન સમય જતા સાવ જાણે માત્ર કરવા ખાતર ડોક્ટરની નોકરી કરી રહ્યો છે. હોસ્પિટલનું ગંદુ અને ભ્રષ્ટ વાતાવરણ તેના વ્યક્તિત્વને ખાઈ ચૂક્યું છે એ વાતનો અહેસાસ અહીં વાચકને થાય છે. તેના બૌદ્ધિક મનોજગતમાં વિચારો ઘૂમરાય છે કે-“ જો મૃત્યુ એ જીવનનો સામાન્ય અને સ્વાભાવિક અંત છે, તો પછી લોકોને મરતા શા માટે બચાવવા જોઈએ ? એક દુકાનદારની કે કારકુનની જિંદગી પાંચ કે દશ વર્ષ લંબાઈ તેથી શું ? અને જો તબીબશાસ્ત્રનો ઉદ્દેશ દવાઓથી વેદના હળવી કરવાનો હોય, તો પ્રશ્ન એ થાય કે વેદનાને હળવી શા માટે કરવી ? એક તો વેદના માણસજાતને પૂર્ણ બનાવવામાં સહાય કરે છે એમ માનવામાં આવે છે.”[10] બસ મળેલી પરિસ્થિતિ સામે લાચાર થઈને આ બૌદ્ધિક ઉત્સાહી ડૉ.રાગિન દરરોજ હોસ્પિટલ જવાનું પણ માંડી વાળે છે અને કોઈ કોઈ દિવસ હોસ્પિટલ જઈ પોતાના મદદનીશ સેરેગેઈ સેરેગેઈચ સાથે મળી દર્દીઓને તપાસે છે. મોટા ભાગનો સમય એ ઘરે રહી વાંચન કરે છે-“ પગારની અડધી રકમ તે પુસ્તકો પાછળ ખર્ચે છે અને એના મકાનના છમાંથી ત્રણ ઓરડાઓ તો પુસ્તકો અને જૂના સામયિકોથી ચિક્કાર ભરાઈ ગયા છે. એના પ્રિય વિષયો ઈતિહાસ અને ફિલસુફી છે. તબીબીશાસ્ત્રના એક જ સામયિક ‘ ધી ફીઝિશ્યન ’નો તે ગ્રાહક છે. અને આ સામયિક તે હંમેશાં છેડેથી જ વાંચે છે. એને ગમતા હોય કે સમજવા કઠણ હોય એવા ભાગો વાંચવામાં એ વધારે વખત લે છે. એની પાસે વાંચતી વખતે હંમેશાં વોડકાથી ભરેલું એક પાત્ર હોય છે અને મીઠું લગાડેલી કાકડી કે મસાલાવાળું સફરજન ટેબલ ઉપર મૂકેલું હોય છે. દર અર્ધા કલાકે ચોપડીમાંથી આંખ ઉઠાવ્યા વગર એ વોડકાની એક પ્યાલી લે છે અને કાકડીનો કકડો ખાય છે.”[11] વાંચે છે વિચારે છે અને તેનો મિત્ર પોસ્ટ માસ્તર મિખાઈલ એવર્યાનીચ તેને મળવા આવે તેની સાથે પણ ધૂમ્રપાન- દારૂની મહેફિલ માણતા બૌદ્ધિક ચર્ચાઓ જ કરે છે. આ મિત્રના ગયા પછી પણ તે વાંચ્યા કરે છે અને વિચાર્યા કરે છે.પુસ્તકમાંના વિચારો ઉપર તે ઊંડું મંથન કરવામાં ડૂબી જાય છે. અને પોતાના જીવન અને હોસ્પિટલની સ્થિતિના સંદર્ભમાં જે તે વિચારોને તુલનાત્મક સ્તરે મૂકે છે-“ હું એક અનિષ્ટ વસ્તુને મદદરૂપ બની રહ્યો છું. જે માણસોને હું છેતરું છું, તેમની પાસેથી હું પગાર લઉં છું; હું અપ્રામાણિક છું પણ હું પોતે કંઈ જ નથી, હું તો એક જરૂરી સામાજિક અનિષ્ટનો અંશ માત્ર છું. જીલ્લાના બધા અમલદારો ખરાબ છે અને તેઓ કંઈ પણ કામ કર્યા વગર પગાર ખાય છે....એટલે મારી અપ્રામાણિકતા માટે મારા કરતાં જમાનો જ વધુ દોષપાત્ર છે. જો હું બસો વર્ષ પછી જન્મ્યો હોત તો કંઇક જુદો જ હોત.”[12]
રાત્રે ત્રણ વાગ્યે એ ફાનસ બુઝાવીને સુવા જાય છે પણ એ ઊંઘી શકતો નથી. આવા વિલક્ષણ વ્યક્તિત્વના માલિક ડૉ.રાગિનને પેલા બૌદ્ધિક પાગલ ગ્રોમોદ સાથે દોસ્તી થાય જ એ સહજ છે. એક વખતની મુલાકાત દરમિયાનની વાતચીતમાંથી આ રાગિનને ગ્રોમોદ સાથે વાત કરવામાં રસ પડે છે. અને પછી આ સિલસિલો ચાલું જ રહે છે. હોસ્પિટલમાં માત્ર કોઈ કોઈ વાર આવનાર આ ડૉ.રાગિન હવે નિયમિત રીતે હોસ્પિટલ આવે છે અને ખાસ કરીને છ નંબરના વોર્ડમાં પાગલ દર્દી ગ્રોમોદને મળે છે અને કલાકો સુધી તેની સાથે વાત કર્યા કરે છે. ડૉ. રાગિન સાથે જોડાયેલા બધા જ લોકો માટે આ ઘટના કંઇક ખાસ પ્રકારની વિચિત્ર ઘટના છે. હોસ્પિટલમાં નવો ડોક્ટર આવ્યો હતો એ ખોબોટોવ તો પહેલેથી જ આ ડૉ.રાગિનને દૂર કરવાની ફિરાકમાં હતો અને ડૉ.રાગિનની જાણ વગર એના વિશેની વિચિત્ર વાતોનું વર્તુળ રચાતું જાય છે. ગ્રોમોદ અને ડો.રાગિન મનુષ્યજીવન સાથે જોડાયેલા અસ્તિત્વના પ્રશ્નો વિશે વિશદ ચર્ચાઓ કરે છે. અને આ ચર્ચા દરમિયાનની આ બંને પાત્રોની દલીલ બૌધિકતાના ઉચ્ચતમ સ્તરોને પાર કરે છે. ગ્રોમોદને આ વોર્ડ નંબર છની કેદમાંથી છૂટવું છે ડો. રાગિન તેને દર્દી તરીકેનો સ્વીકાર કરવા બાબતે મનાવવાનો પ્રયત્ન કરે છે. અને આ સંઘર્ષમય સ્થિતિમાંથી ઈન્ટેલેક્ચ્યુઆલીટીની ઊંચાઈનું એવરેસ્ટ રચાતું જાય છે. ગ્રોમોદની દલીલ જૂઓ- “ ખરી વાત છે, હું બીમાર છું. પણ એવા કુડીબંધ, અરે સેંકડો ગાંડા માણસો છે, જેઓ માત્ર તમે ગાંડા ડાહ્યા વચ્ચે ભેદ કરી શકતા નથી એને જ કારણે છૂટ ભોગવે છે. તો પછી બીજાનાં પાપ માટે મને અને આ બિચારાઓને બકરા બનાવી, શા માટે અહીં ગોંધી રાખવામાં આવ્યા છે ? તમે પોતે, તમારો મદદનીશ, ઈન્સ્પેક્ટર અને આખી હોસ્પિટલના નોકરો અમારામાંના કોઈ પણ માણસ કરતાં નૈતિક દ્રષ્ટીએ વધારે અધમ છે. તો પછી અમને પૂરવામાં આવ્યા છે અનેતમને કેમ નહિ ? આ તો કઈ જાતનો ન્યાય ?”[13] ગ્રોમોદને છોડી મૂકવા અસમર્થ એવો ડો.રાગિન તેને સમજાવતા કહે છે- “ તમારે માટે સૌથી સારી વસ્તુ તો એ છે કે તમે નાસી જાવ; પણ કમભાગ્યે એમ કરવું નકામું છે. તમને રોકી લેવામાં આવશે. જયારે સમાજ ગુનેગારો, પાગલો અને બીજા ત્રાસ આપનારા માણસોથી બચવાનો નિશ્ચય કરે, ત્યારે એની સામે જીત મેળવવી અશક્ય છે. તમારે માટે માત્ર એક જ રસ્તો રહ્યો છે, અને તે એ કે અહીં તમારી હાજરી જરૂરી છે એમ માનીને સમાધાન મેળવવું....જ્યાં સુધી કેદખાના અને પાગલખાના જેવી વસ્તુઓ છે, ત્યાં સુધી તેમાં રહેનારા માણસો પણ જોઈએ જ. તમે નહીં તો હું, નહીં તો કોઈ બીજો. એવા દૂરના ભાવિ માટે રાહ જૂઓ કે જયારે કેદખાનાં, પાગલખાનાં, સળિયા જડેલી બારીઓ કે હોસ્પિટલના ઝભ્ભાઓ નહિ હોય. એ સમય આવવાનો જ છે – વહેલો કે મોડો.”[14] તેઓ ઈશ્વર, આત્માની અમરતા, નાસ્તિકતા વિશે વાત કરે છે. દોસ્તોયેવ્સકી, વોલ્તેર, ડાયોજીનીસ, માર્ક્સ ઓરેલીયસ જેવા ચિંતકોના સંદર્ભોની વાત કરે છે. તેમની વાતચીતમાં જે બૌધિક ચમકારા જોવા મળે છે એમાંના કેટલાક આ રહ્યા-
- વેદના એ માત્ર દુઃખનો ખ્યાલ છે. તમારી ઈચ્છાશક્તિથી તમે એ ખ્યાલ બદલી શકો, એને નાબૂદ કરી શકો છો. ફરિયાદ કરતાં બંધ થાવ, તો વેદના નાબૂદ થઇ જશે.
- જેટલી નીચા પ્રકારની જીવનશક્તિ એટલી ઓછી સંવેદનશક્તિ અને પ્રત્યાઘાતની શક્તિ. જીવનશક્તિ જેટલી ઉચ્ચ પ્રકારની, તેટલી સંવેદનશીલતા વધારે, અને વાસ્તવિકતાનો પ્રત્યાઘાત પામવાની શક્તિ પણ વધારે.
- જે તત્વજ્ઞાનીઓના બોધને તમે હાસ્યાસ્પદ બનાવી રહ્યા છો. તેઓ ખરેખર ગણનાપાત્ર માણસો હતા. પણ એમનું તત્વજ્ઞાન છેલ્લા બે હજાર વર્ષથી થીજી ગયું છે. એક ઇંચ પણ આગળ વધ્યું નથી.
- દોલત અને એશોઆરામ પ્રત્યે વૈરાગ્ય કેળવવાનું , દુઃખ અને મૃત્યુને હસી કાઢવાનું કહેનાર ફિલસુફી વિરાટ જનતાને સમજાય એવી છે જ નહિ, કારણ કે એમણે કદી દોલત કે એશોઆરામ દીઠાં જ નથી.; એમને માટે તો દુઃખની અવગણના એટલે જીવનની જ અવગણના છે.
- એ ફિલસુફી નથી, એ ચિંતન નથી, એ કંઈ વિશાળ દ્રષ્ટિબિંદુ નથી, એ તો માત્ર એદીપણું છે. દૈવવાદ છે. માનસિક જડતા છે.
- મુદ્દો તો એ છે કે, તમે અને હું વિચાર કરી શકીએ છીએ. આપણને એકબીજામાં વિચાર અને દલીલ કરવા શક્તિમાન વ્યક્તિઓ મળી ગઈ છે અને આપણા મંતવ્યો ગમે તેટલા ભિન્ન હોય છતાં, આ વસ્તુ આપણી વચ્ચે સહાનુભૂતિ જગાડે છે. આ દુનિયાના ગાંડપણ, સામાન્યતા અને બેવકૂફીથી હું કેવો તંગ આવી ગયો છું અને તમારી સાથે વાત કરતાં મને કેવો આનંદ થાય છે એ તમે જાણતા હોત તો કેવું સારું ! તમે બુદ્ધિશાળી છો અને તેથી જ તમારી સોબતમાં મનેઆનંદ આવે છે.
આવા બૌદ્ધિક ચમકારાઓથી ભરેલો તેમનો આ સત્સંગ ચાલતો હતો એવામાં જ મેયર તરફથી ડો.રાગિનને બોલાવવામાં આવે અને કેટલાંક સવાલો પૂછીને આ ડો.રાગિન પાસે રાજીનામું લખાવી લેવાય છે. ડો.રાગિન દ્રઢતાપૂર્વક માને છે કે તે પાગલ નથી પણ બીજા બધા લોકો માટે તે પાગલ થઇ ચૂક્યા હતાં કારણ કે તેમની વાત અને વર્તન ખાસ્સા એવા બદલાઈ ચૂક્યા હતાં. મિત્ર મિખાઈલ સાથે મોસ્કો ફરવા જાય છે પણ તેને મિખાઈલનો સંગાથ પસંદ નથી કારણ કે ગ્રોમોદ જેવી એક પણ વાત તે કરતો નથી. તે તેના દર્દી મિત્ર ગ્રોમોદને યાદ કરે છે. હોસ્પિટલ દ્વારા મળેલું ઘર છોડી દેવું પડે છે અને એક નાનકડા ઘરમાં ભાડેથી રહે, પૈસા ન હોવાથી પુસ્તકો-સામયિકો વેચી દેવા પડે એવી કરુણ સ્થિતિ સ્થાન જમાવે છે. ખોબોટોવ અને પોસ્ટ માસ્તર તેને હોસ્પિટલમાં દાખલ થવા કહે છે પણ તે માનતો નથી અને એક દિવસ ખોબોટોવ તેને ગ્રોમોદને તપાસવા માટે સમજાવીને વોર્ડ નંબર છમાં લઈ જાય છે અને દરવાજો બંધ કરી દેવામાં આવે છે જે ત્યાર પછી ખૂલતો નથી. ડો.રાગિન ખોબોટોવને મળવા માંગે છે-સ્પષ્ટતા કરવા માંગે છે પણ ચોકીદાર નિકિતા માનતો નથી અને ડો.રાગિનને બધું સમજાય જાય છે કે તેને પાગલ સમજીને અહીં પૂરી દેવામાં આવ્યો છે. ગ્રોમોદ ડો.રાગિનને વોર્ડમાં જોઈ ખુશ થતો કહે છે- “ છેવટે એ લોકો તમને આ સ્થળે લાવ્યા ખરા, કેમ ? ...તમને જોઇને બહુ ખુશ થાઉં છું. તમે બીજાનું લોહી ચૂસતા હતા, તેને બદલે હવે તમારું લોહી ચૂસવામાં આવશે. ઠીક થયું !”[15] ડો.રાગિનને વાસ્તવિકતાનું ભાન થતાં તે ભયની સ્થિતિમાં મૂકાય છે અને નિકિતાને વારંવાર દરવાજો ખોલવાની વિનંતી કરતો રહે છે. આખરે નિકિતા હંમેશની તેની ટેવ મૂજબ આ ડોક્ટરને પણ ઝૂડી નાખે છે અને ડો.રાગિનની મૃત્યુ થાય છે.
આ વાર્તામાં ગૌણ પાત્રોમાં ગ્રોમોદ સિવાયના પાગલ પાત્રો પણ મહત્વની ભૂમિકાએ જોઈ શકાયછે. દૂકાન બળી જવાથી ગાંડો થઇ ગયેલો અને હોસ્પિટલની બહાર જઈ ભીખ માંગતો યહૂદી મૂસો મૃત્યુ પામેલા ડો.રાગિન પાસે પણ એક કોપેકની ભીખ માંગતું નોંધનીય પાત્ર છે. ઉપરાંત જુલ્મી ચોકીદાર નિકિતા, મિખાઈલ એવર્યાનીચ,સહાયક સેરેગઈ અને ખોબોટોવ, નોકરાણી દાર્યા આ બધા પાત્રો ડો.રાગિન સાથે જોડાયેલા છે અને ડો.રાગિન તેના દર્દી મિત્ર ગ્રોમોદ સાથે જોડાયેલા છે. જીવનની વાસ્તવિકતાના ઊંડાણ સુધી પહોચવાના મંથનમાં આ બધા પાત્રો પણ ડો.રાગિનના પાત્રને ટેકો આપી રહે છે. કેદખાનાંનો ડર, મૃત્યુનો ડર, અને મૃત્યુની નિશ્ચિતતા આ બધાની સામે લોકોની જીવન પ્રત્યેની જડતાની ચરમસીમાને ચેખવે ચિન્હિત કરી આપી છે. ચેખવે મેક્સિમ ગોર્કીને એકવાર કહેલું કે- “ એકંદર, આખી જીંદગી વધુ ને વધુ જટિલ બનતી જાય છે, ને મરજી ફાવે તેમ વહ્યે જાય છે. લોકો વધુ ને વધુ મૂઢ બનતા જાય છે, ને જાણે જીવનના પ્રવાહથી જ અળગા પડી જાય છે !...કેમ જાણે અપંગ ભીખમંગાઓનું ધાર્મિક સરઘસ ન હોય...એમ સંસારનો અ સમૂહ ચાલી રહ્યો છે.”[16] ચેખવના આ જ વિચારો આ વાર્તામાં પણ અહીં તહીં વેરાયેલા છે.આખા શહેરમાં માત્ર પેલો પાગલ ગ્રોમોદ જ ડો.રાગિન જેટલો સમજદાર અને બૌધિક કક્ષાનો માણસ છે અને કામભાગ્યે એ પાગલ છે એટલે ડો.રાગિનની દશા પણ કરુણ બને છે. જમાનાએ નક્કી કરેલા ખાનાની બહાર આ ડો. રાગિન સ્વતંત્ર વર્તન કરે છે જે બીજા બધા માટે અસામાન્ય બની જાય છે. લેનિન પણ આ વાર્તા વાંચીને અસ્વસ્થ થઇ ગયેલો. આ વાર્તા ઉપરથી સિરિયલ બની છે જેમાં ડો.રાગિનની ભૂમિકામાં ઈરફાન ખાને દાદુ અભિનય કર્યો છે. ચેખવની ઈન્ટેલેક્ચ્યુઆલીટીની ઊંચાઈનું આ એવરેસ્ટ આજે પણ દુનિયાભરના સાહિત્યજગતમાં અણનમ છે. એન્ટન પાવલોવીચ ચેખવ એ માત્ર એક નામ નથી પણ હકીકતમાં એવરેસ્ટ છે એવું આ વોર્ડ નંબર સિક્સને જોતા ચોક્કસ કહી શકાય.
પાદટીપ-સંદર્ભ :
- ૧- ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપાદક-અનુવાદક જયંત પાઠક,રમણ પાઠક,શબ્દલોક પ્રકાશન- અમદાવાદ,પાંચમું પુનર્મુદ્રણ-૨૦૧૩, પૃ. ૧૦૦-૧૦૧
- ૨- એજન, પૃ.૧૦૨-૧૦૩
- ૩- એજન, પૃ.૧૦૩
- ૪- એજન
- ૫- એજન, પૃ. ૧૦૩-૧૦૪
- ૬- એજન, પૃ.૧૦૫
- ૭- એજન, પૃ.૧૦૮
- ૮- એજન
- ૯- એજન, પૃ.૧૦૯
- ૧૦- એજન, પૃ.૧૧૧
- ૧૧- એજન, પૃ.૧૧૨-૧૧૩
- ૧૨- એજન, પૃ.૧૧૮
- ૧૩- એજન, પૃ.૧૨૦
- ૧૪- એજન, પૃ.૧૨૧
- ૧૫- એજન, પૃ.૧૪૭
- ૧૬- સાહિત્યિક પ્રતિમાઓ,મૂળ લેખક-મેક્સિમ ગોર્કી,અનુવાદ- સુભદ્રા ગાંધી,ચેતન પ્રકાશન ગૃહ-વડોદરા,પ્રથમ આવૃત્તિ-૧૯૬૩,પૃ.૧૪૨