સૂર્યારોહણ: કિશોર જાદવનો પ્રતિનિધિ વાર્તાસંગ્રહ


આધુનિક વાર્તાકારોમાં ઘટનાતત્વોના લોપના પ્રયોગ કરનાર વાર્તાકાર કિશોર જાદવે ૧૯૬૯માં ‘પ્રાગૈતિહાસિક અને શોક્સભા’, ૧૯૭૨માં ‘સૂર્યારોહણ’ ને ૧૯૮૨માં ‘છદ્મવેશ’ એ ત્રણ વિશિ વાર્તાસંગ્રહ આપ્યા હતા. એમાં આથમા દાયકાનો વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’ એમની વાર્તાકલાનો ને ગુજરાતી વાર્તાકલાની વિશેષ્ટતાનો પ્રતિનિધિ વાર્તાસંગ્રહ છે. એમાં ઘટનાતત્વના સદંતર લોપના ધ્યાનપાત્ર નમૂના છે. એવી પ્રયોગશીલતા કિશોર જાદવમાં પરાકાષ્થાએ પહોંચે છે.

‘સૂર્યારોહણ’માં વાર્તાઓ છે, એમાં ‘સરરિયાલિજમ’ સારા પ્રમાણમાં છે. અતિવાસ્તવની એ વાર્તાઓમાં ઘટન, પાત્ર, ભાવ કે વિચારનું કોઈ સાતત્ય કે સુસગતતા ભાગ્યેજ મળે. ત્યાં તર્કશાસ્ત્ર કામ ન લાગે. બુધ્ધિથી પર કલ્પનતરં, સ્વપ્ન, નિદ્રા, મૂર્છા, દિવાસ્વપ્નની એ સ્રુષ્ટિ છે. સુરેશ જોશીથી ને મધુરાયથી પણ આગળ વધી એ ઘટનાલોપ ને કલાત્મક યુક્તિપ્રયુક્તિના પ્રયોગ કરે છે. સ્વપ્નના વાસ્તવને સાકાર કરવાની મથામણ છે. પચ્ચિમમાં ફ્રાંજ કાફકા જેવા વાર્તાકારે સ્વપ્નસ્રૃષ્ટિની તરંગલીલામાંથી વાર્તા સર્જવાના પ્રયોગ કર્યા હતા,તેમાંથી પ્રેરણા લઈને લેખક આ પ્રકારની વાર્તાઓ રચે છે.

આ ગ્રંથમાંની ‘લેબીરિન્થ’, ‘પોલાણાનાં પંખી’, ‘મહાપ્રસ્થાન’ ને ‘આદિમોત્સાહ અને બીજાં હળાહળ’ વાર્તાઓ લેખક્ની સિધ્ધિરુપ વાર્તાઓ છે ને એમને વિવેચકોનો સમાદર પણ ખાસ્સો મળ્યો છે.

‘લેબીરિન્થ’નો આસ્વાદ કરાવતાં ડૉ.સુમન શાહ કહે છે કે એમાં કથા નથી કે કશીક અસ્પષ્ટ ઘટના નથી. કોઈ નિચ્ચિત પરિચિત પાત્ર કે એવાં પાત્રો પણ નથી. સળંગસૂત્રતાનો અભાવ છે. ક્રમાનુવર્તી વિકાસ નથી. મોટા ભાગનાં વાક્યો સ્થળ-કાળ-નિરુપક નથી ને એમાં સંયોજકો પણ નથી. કથક ને ક્થ્યનો બોધ સરળ નથી. કૃતિ કોઈ એક ભાવ , વિચાર કે લાગણીનો શબ્દાનુવાદ હોય એવી લાગતી નથી. ટૂંકી વાર્તાનું કોઈ જાણીતું લક્ષણ જણાતું નથી. પણ એ રચનાઓ વિશેષ એ સંકુલતાની એક વિગતે શબ્દસંજ્ઞામાં રૂપાંતરિત કરી આપવામાં રહેલો છે. ‘લેબીરિન્થ’ એવો સકંજો છે, એવી ભુલભાલામણી છે કે જેમાંથી બહાર નીકળવાનું દુરુહ અને દુર્ગમ છે. સકંજાની સરચના અહીં કૃતિની સંરચનામાં ગોચર થાય છે. સકંજાને માર્ગો હોય છે, કૃતિમાં માર્ગો છે. સકંજાના માર્ગો અનિયમિત હોય છે, કૃતિના માર્ગો પણ અનિયમિત છે, બંનેના માર્ગો કશીક આંતર-શોધને બાહ્ય મદદ દોરવણીને અનિવાર્ય બનાવે છે. તો, ડૉ. ચિનુ મોદી કહે છે કે ‘લેબીરિન્થ’નો એક અર્થ થાય છે ભલાવામાં નાખે એવો સ્થાપત્યગત ચકરાવો. આ વિશ્વનું પણ ભુલવામાં નાખે એવું, ચકરાવે ચડાવે એવું, ચકરાવે ચડાવે એવું તંત્ર છે, એવી રચના છે. મરણોન્મુખ માણસ આ બધા માંથી પસાર થઇ ચક્કર ચક્કર ભમ્યો છે એવી પ્રતીતિ કિશોર જાદવે ભાષાચકરાવા દ્વારા ઉપસાવી આપેલી છે. લેખકની આ રચનારીતિ છે.

કિશોર જાદવની અન્ય વાર્તાઓ ‘પોલણનાં પંખી,’ ‘સ્મૃતિવિલય’, ‘આદીમોત્સાહ અને બીજાં હળાહળ,’ ‘મહાપ્રસ્થાન,’ ‘એક પ્રત્યકનું સૂર્યારોહણ’, ‘આદિ-અંત વિનાનું’ વગેરેમાં પણ વસ્તુ આવું જ આછુંપાતળું ને ઝાંખુંપાંખું છે. એમાંથી અંતે તત્વો નો ધ્વની સ્ફુટ થાય છે.

‘ પોલાણનાં પંખી’માં સ્થિતિ અંતે ગતિનો , અસ્તિત્વ અને અનસ્તીત્વનો વિરોધાભાસ ધ્વનિત થાય છે. વાર્તાના આરંભમાં ‘વાવંટોળની જેમ મારફાડ દૂબળો ઘોડો જાને દોડવા મથી રહ્યો છે, અશ્વ જેવા ગતિશીલ પ્રાણીની અગતિ, ગતિશીલતા અને સ્થગિતતા વાર્તામાંથી ધ્વનિત થાય છે.

‘સૂર્યરોહણ’ માં સર્જનાત્મક કાવ્યત્મ્ક ગદ્ય છે. કેવાં કેવાં કલ્પનો યોજે છે!
‘આ લાસરતી લટ, ભમ્મરિયાં લેતા નિતંબ, રસ્તા વચ્ચે કાંધ ઉપર નાખીને ઉપાડી જવાતા ચીરી નાખેલા ડુક્કરનું લસપસતું માંસ...’(પૃ.૪)
‘ટીક ટીક અવાજની માખીઓ અહીંતહીં બણબણતી રહે.!’ (પૃ.૯) ‘ શબ્દોથી ઊભા કરેલી ઇમારતોને ઈયળો ચાટી ગઈ છે.’ (પૃ. ૩૮)

ડૉ. ચંપૂ વ્યાસ કિશોર જાદવની વાર્તાકલા વિષે કહે છે : ‘વાર્તામાં હોવી જોઈતી વર્તાનોય છેડો વાર્તામાં ન મળે અને બીજે છેડે ભાવકચિત્તકનાં અર્થઘટનોમાં અનો અંકુર ફૂટે, જે રીતે ફૂટવો હોય તે રીતે ફૂટે . અને પછી ભાવકની ક્ષમતા પર એ અંકુર ફૂલેફાલે, પલ્લવ – પુષ્પિત થાય , એવી સમજણ સાથે રચાતી આવતી સર્જનકૃતિઓએ અને એના સર્જન કિશોર જાદવે ગુજરાતી વાર્તાને નવો કલાસંદર્ભ આપ્યો છે.’

મોહનભાઈ પટેલ માને છે : “ કીશીર એની વાર્તાઓમાં ભર્યોભર્યો લાગે છે. ભર્યોભર્યો લાગે છે એટલે વાર્તાસંગ્રહની શલાકા-પરીક્ષા કરીશું તોય એ ભર્યો- ભર્યો જ સિદ્ધ એમ છે. અને એય ‘સ્મગડલ્ડ ગૂડઝ’થી નહિ, સ્વોપાજિર્ત પુરુષાર્થપ્રાપ્ત એવી સાહિત્યિક સૂઝની સંપત્તિથી.”

પ્રા. રમણલાલ પાઠક આ વાર્તાઓનું મૂલ્યાંકન કરતાં કહે છે : ‘ટેક્નિકની સંપૂણૅ મોલીકતા સહીત કિશોર જાદવે આપણી ટૂંકી વાર્તાને એક નવા જ સમુન્ન્ત શિખરે પહોંચાડી છે.

ઉપર્યુક્ત અભિપ્રાયથી વિરુદ્ધ, ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા કહે છે કે ‘એમની વાર્તાઓ જાણે સંવેદનાનું સીંધુ ટાંચણ હોય એવી લાગે છે, ટાંચણ પણ ત્રુટક છે. એમાંથી કોઈ સુરેખ ભાવપરિસ્થિતિ રચાતી નથી.’ તો પ્રા. અનિરુદ્ધ બ્રહ્યભટ્ટ કહે છે, ‘ સરરિયાલના નામે નિરૂપણમાં ‘ઓટોમેટિક’નો અતિયોગ સાધતી કલાકૃતિઓ અકસ્માતે જ નીવડી શકે એમ લાગે છે. આથી કિશોર જાદવની રચનાઓ સાશંક નજરે જોઉ છું.”

સમગ્રયતા જોતાં, કિશોર જાદવ એ આધુનિક વાર્તાઓ છેલ્લે મોટો પ્રયોગશીલ સર્જક છે. એની વાર્તાઓ પરંપરાથી ખાસ્સી દૂર છે અને ઘત્નાત્વ લોપની વાર્તાઓ તરીકે સીમાચિહ્નરૂપ છે. સુરેશ જોશીએ વાર્તાક્ષેત્રે જે ક્રાંતિ કરી તેનો અંતિમપરિપાક છે. એને વાર્તા કહો કે શબ્દલીલા, કલ્પન- પ્રતિકોની સૃષ્ટિ તો છે જ. સુરેશ જોશીએ વાર્તાને નિજાનંદની લીલા અને ઍબ્સડિર્ટી ને ફેન્ટસીની સૃષ્ટિ કહી હતી, તેની એક પરાકાષ્ઠ અહીં જણાય છે. મધુરાયની વાર્તાઓ હમોર્નીકાની એક ‘સિમ્ફની’ રચે છે, તો કિશોર પણ અતિવાસ્તવની ચૈતસિક અનુભૂતિનો ઉન્ન્ત સ્તરે આવિષ્કાર કરે છે. આ એની આસ્વાદ્ય ને હદ્ય મોલિક સૃષ્ટિ છે ગુજરતી વાર્તાના ઈતિહાસમાં આ છેલ્લું સોપાન હતું, પછી તેનો પ્રત્યાઘાત આવે છે. અને વાતો ઘટનાતત્વના સમાદર સાથે લોકપ્રિય સ્વરૂપ તરફ વળે છે.

સંદર્ભસૂચિ :

  1. 1. ‘સૂર્યારોહણ’ - કિશોર જાદવ
  2. 2. ‘કિશોર જાદવની વાર્તાઓ – સ. રાધેશ્યામ શર્મા
  3. 3. આધીત – ત્રણ : ચિનુ મોદી
  4. 4. પરબ – આથમો દયકો : ચમ્પુ વ્યાસ
  5. 5. ઇતરોદ્ગાર : ભાનુપ્રસાદ પંડ્યા

નિશા ઇશ્વરભાઇ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત