લઘુકથા: ધનાભાઇના દાદાજી


જૂના મકાનની અગવડતાઓથી બાપુજી પરીચીત હતા. સતત આગ્રહ કર્યાં કરતા હતા નવા મકાન માટે. આખરે મેળ પડ્યો ને નવા ફલેટમાં અમે રહેવા ગયા. બાપુજીને કહ્યું હતું નવું મકાન જોઈ જાય.
બાપુજી આવ્યા. થોડા દિવસ રહ્યા. માત્ર થોડા દિવસ જ રહ્યા.
દહાડો પૂરો થવાને બીજે દિવસે હું હિસાબ કરવા બેઠો. બધું મનમાં હતું. કોણ કોણ ઉભું રહ્યું હતું અને કોણ કોણ બેઠું હતું અને કોણ કોણ શું કરતા હતા તે બધું.
મે સામેવાળા ધનાભાઇ ને બોલાવ્યા. મારી સામે આવીને બેઠા. ચા તૈયાર હતી. શ્રીમતીજી આપી ગયા. મે કહ્યું, ‘ધનાભાઇ હિસાબ આપો. શું આપવાનું નીકળે છે?’
‘શેનો હિસાબ?’
‘અરે ભલા આદમી નહિ બોલો? છ-સાત લીટર દૂધની બરણી તમે લઇ આવતા હતા.દસેય દિવસ કાંઈકને કાંઈક શાક પાંદડું તમારે ઘરેથી જ આવ્યું. પથરણા, ગાદલા-ગોદડા લાવીને તમે ઢગલો કર્યો હતો. બધાય દિ’ સવાર સાંજ મારી બાજુમાં તમે જ બેઠા. દહાડાની રસોઈ સારું રીંગણાની ગાંસડીઓ તમે જ આપી ગયા. ભલા, આંખો નરવી છે હો.’
‘ભલા, તમેય હિસાબ આપો. આ ગણપતની મા કામમાં હોય ત્યારે જ ગણપતીયો કકળાટ કરે. એને લઈને દાદાજી રમવા જાય. કલાક બે કલાકે પાછા આવે ત્યારે ઘરમાં ઘણું કામ પતિ ગયું હોય. આઇસ્ક્રીમ કે ચોકલેટ , વેફર કે મીઠાઈ કે કેળા-જમરૂખ કાં તો ખાધું હોય ને કાં તો ઘરે આવ્યું હોય. માળો બેટો ઘરે કાંઈ લખવા બેસે નંઈ પણ દસ દિ’ માં એને કક્કો આવડી ગ્યો. લ્યો કરો હિસાબ આ બધાનો.’
ધનાભાઇ ને હું રોજ મળીએ ખરા પરંતુ ડોકું હલાવીને, સ્મિત રેલાવતા, સામાન્ય અભિવાદન કરીને પોતપોતાના ઘરમાં ઘુસી જતા. એથી ધનાભાઇ પાસે કઈ અપેક્ષિત નહોતું.
બાપુજીની આવી પ્રવૃત્તિ મારા ધ્યાને આવી નહોતી. ગામડે-ગામમાં એ સૌ કોઈના દાદાજી હતા પરંતુ આ અજાણ્યા શહેરમાં એમને કોણ ઓળખે?
હું થોડી વાર મૂંગો થઇ ગયો પછી કહ્યું, ‘અરે પણ એ બધું તો સાહજિક છે ધનાભાઇ. એનો થોડો હિસાબ હોય?’
‘તો સાંભળો. અમારેય દાદાજી હતા હોં. તમારા બાપા અમારાય દાદાજી હોં. કે’તા હો તો બધી ગણતરી કરું?’
અને મેં હિસાબની ચોપડી બંધ કરી.

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com