લોકસાહિત્ય ક્ષેત્રે દિવાસાનાં ગીતોનું સર્વ પ્રથમ શાસ્ત્રીય સંપાદન: “દિવાસાનું પરબ અને તેનાં ગીતો”


ઉત્તર ગુજરાતના લોકસાહિત્યને સંશોધિત-સંપાદિત કરતા લોકસાહિત્યવિદોમાં ડૉ. પ્રેમજી પટેલ પણ કાર્યરત છે. આમ તો મૂળ જીવ લઘુકથાનો. પણ ક્યારેક જીવંત વ્યકતિચિત્રો (છાયાલોક) તો ક્યારેક હળવા લલિત નિબંધો, તો ક્યારેક બાળવાર્તાઓ (‘મકોડાની મુસાફરી’ અને ‘નવતર બાળવાર્તાઓ’) પણ આપે છે. ને વિવેચન પર પણ કલમ ચલાવી જાણે. વિશેષમાં, લોકસાહિત્ય એમણા ભ્રમણનો વિષય. આ ભ્રમણ દરમિયાન હંમેશ એમની નજર લોકસાહિત્યને જ શોધતી ફરતી હોય. આ શોધતી નજરના પરિપાક રૂપે એમની પાસેથી ‘ચૌદલોક’ , ‘લોકજણસ’ ને ‘અમીલોક’ જેવાં લોકકથાઓનાં ઉત્તમ સંપાદનો મળ્યાં છે. ભ્રમણ અટકતું નથી. ને, તાજેતરમાં જ ‘દિવાસાનું પરબ અને તેનાં ગીતો’ નામે દિવાસાનાં ગીતોનું શાસ્ત્રીય સંપાદન મળે છે. જેને લોકસાહિત્યવિદ ડૉ. ભગવાનદાસ પટેલ ‘….લોકસાહિત્ય ક્ષેત્રે દિવાસાનાં ગીતોનું સર્વપ્રથમ શાસ્ત્રીય...’ સંપાદન કહીંને પોંખે છે.

ખૂબજ ખંતથી અને ધીરજ પૂર્વક કરાયેલા આ સંપાદનમાં દિવસાના નામે ઉજવાતાં પર્વની પૂરી વિગત અને તેમાં ગવાતાં લોકગીતોને સંપાદિત કર્યાં છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની આજુબાજુના વિસ્તારને ક્ષેત્રકાર્ય તરીકે પસંદ કર્યું છે.

સંપાદનની શરૂઆતમાં ‘દિવસાના પર્વ વિશે’ની વિગતે પ્રસ્તાવના આપી, દિવાસા પર્વના અથતિઇતી સુધીનો ગહન અભ્યાસ લેખ મુકાયો છે. વિવિધ શબ્દકોશોમાં દિવાસા શબ્દના કોશાગત અર્થને જોઇ-તપાસી શાસ્ત્રીય રીતે તેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ને, આ બધામાંથી પસાર થયા પછી, લોક મુખે થતા વિધ વિધ લોકમતોને રજૂ કરાયા છે. જૂઓ: “....ભગવદ્ગોમંડળ ભા-5 માં ‘દિવાસા’નો અર્થ ‘અષાઢ વદિ અમાસનું પર્વ. અષાઢ વદિ અમાસનો દીપદાન દેવોનો તહેવાર. અષાઢ માસનો છેલ્લો દિવસ…” તો, રતિલાલ ગો. પંચાલ ‘મધુર’ની વ્રતકથાઓ (પૃ:૨૧૯)માં “...આજથી દિવાળીને સો દિવસનું અંતર વહે છે. દિવસ-સો એટલે દિવાસો...” ઇ. કોશગત અર્થો રજૂ કરીને પછી લોકમુખે, “...દેવોનો વાસો એટલે દિવાસો. યાને દેવોના પ્રથમ તહેવાર પછી માણસોનો તહેવાર શરૂ થાય. છેક દિવાળી, હોળી ને ધૂળેટી સુધી. ટૂંકમાં તહેવારોમાં પ્રારંભક... (પૃ:૨૧) તો ક્યાંક “...કરવટું, રૂઢિગત, પરંપરાગત કોઇ દેવ-દેવીની વિધિ નિમિત્તે કરાય છે... એમ પણ જાણવા મળ્યું છે.” (પૃ:૨૧) એમ જણાવે છે. મૂળ સંપાદનકારે શબ્દના સૂક્ષ્મતીસૂક્ષ્મ અર્થોના મૂળ સુધી જવાનો પ્રયત્ન કર્યો છે, જે આ સંશોધનની શાસ્ત્રીયતા પ્રગટ કરે છે.

આ સંશોધનની સાથે સાથે આ વિષયમાં રહેલી બિજી કેટલીક અન્ય પ્રકારની શક્યતાઓ પણ ખોલી આપે છે. કહે છે કે “....અન્ય પ્રદેશમાં દેવી પૂજકો માટે કે તેની કોઇ પેટા-જાતિઓમાં તેનું મહત્ત્વ અલગ હોય છે....તે પણ અભ્યાસ કરીને મૂકી શકાય....(પૃ:૨૨) આશા રાખીયે કે આ પ્રકારના બીજાં સંશોઘન એમની જોડેથી મળી રહે. અત્યારે માણીએ તલોદ તાલુકાના આજુબાજુના ક્ષત્રિય સમાજમાં ઉજવાતાં આ અનોખા પર્વને....

-ને પછી, આ વિસ્તારના ક્ષત્રિય સમાજમાં ઉજવાતાં આ પર્વની વાત કરતાં નોંધે છે કે: “…દિવાસાના દિવસે સરસ રસોઇ બનાવી-બધી હિંદુ જ્ઞાતિઓ ઉજવણી કરે છે.- એક શુભ પર્વ તરીકે, ઉજેડિયા, વક્તાપુર, સલાટપુર, વરવાડ. દાદરડા, લીંબ-ઉંટરડ, બડોદરા-ખાખરા વગેરે ગામોમાં ક્ષત્રિય સમાજનાં કુટુમ્બો પોતાની રીતે-વિશેષ ભાવથી ઉજવે છે. તે લોકોનો જાણે કે વિશિષ્ટ તહેવાર છે... વરસ સારું જાય એવી માન્યતાઓ પણ છે...(પૃ:૨૨) મૂળ આખુય પર્વ આ વિસ્તારના કૃષિકર્મ સાથે સંકાળાયેલું છે. લોકોના આયખામાં ઉતરેલા આ પર્વને અહીં અક્ષરદેહે અવતાર્યું - સંપાદિત કર્યું છે. પર્વની ઉજવણી આ રીતે કરે છે.

વર્તની ઉજવણી એક જ દિવસની છે, પણ એનો મહિમા અનેરો છે. એક અઠવડિયા અગાઉથી એની તૈયારીઓ ચાલે છે. મુખ્યત્વે ‘જવારાની વાવણી’થી શરૂ કરી ‘જવારાની જળપધરામની’ સુધીની ક્રિયા ચાલે છે. જોકે ‘પાર્વતીવ્રત’ કે ‘ગૌરીવ્રત’ કરતાં આ જવારા વાવવાની રીત જરા અલગ પ્રકારની છે. જેને સંશોધક અહીં ચાર મુદ્દઓમાં વહેંચી આપે છે. (૧) જવારા વાવણી, (૨) ’કુવાસી’ કન્યાઓએ પાળવાના નિયમો અને વિધિઓ, (૩) પૂજન, અને (૪) દિવાસો અને જવારાની પધરામણી.

ઘેર ઘેર ફરીને ઘઉં, જવ, તલ, ડાંગર, કઠોર, ઇત્યાદી ‘સાતસળા’નું અનાજ ભેગું કરવામાં આવે છે, તે અનાજ શલાવડાં (મોટાં માટીનાં કોડિયાં) માં વાવવામાં આવે છે. ત્યાર બાદ નિશ્ચિત કરેલા કોઇ ઘરે કે મંદિરમાં તેને મુકવામાં આવે છે. આ આખીય પ્રકિયા દમિયાન ઘેર ઘેરથી અનાજ ભેગું કરતી વખતે, ઉકરડે ખાતર લેવા જતી-આવતી વખતે, કેટલાંક નિશ્ચિત ગીતો ગવાય છે, જેમકે ખાતર લેવા જતી વખતે--
“ગંગાજીમાં તારો ઊગ્યો મારા રાજ
નગરીમાં અજવાળું શેનું મારા રાજ !” (પૃ:૩૦ )

કેવું સુંદર અને અદભૂત વર્ણન આ લોકગીતમાંથી મળે છે. ગંગાજી(આકાશાગંગા)માં તારો ઊગ્યો, ને એનું અજવાળું આખી નગરી (પૃથ્વી)માં. કેવો ઊર્મિ વિસ્ફોટ થાય છે!. ને વળી,
જગુભા તે ગામના ગરાસી મારા રાજ
રૂપિયાની પોઠ્યો ચલાવઅ મારા રાજ !
રૂપિયો જોવે તો એમનો લેજો મારા રાજ....”

આખોય પ્રસંગ ઉકેલવા જે રૂપિયા કે કંકુ કે જે પણ વસ્તુની જરૂર પડે તે તેની પૂર્તિ ગામના વડિલ વર્ગની જ રહેશે એવી સમુહની ભાવના આ ગીત વ્યકત કરી જાય છે. આવાં કેટલાંય સુંદર ગીતો ખાતર લેવા જતી વખતે ગવાયાં છે.

ખાતર લાવી શલાવડામાં સાતસળાનું અનાજ ભેગું કરી જવારા વવાય છે. પછી જવારા વાવનારી બહેનો જવારા વાવ્યાના બે દિવસ પછી યાની કે નોમની તિથિથી બપોરે ગામના ચૉકમાં એકઠી થાય છે. ને ગીત ગાતી ગાતી નદી તળાવ કે કુવા પાદર પરથી પાણી લાવી તેને સીંચે છે. આ પાણી લેવા જતાં-આવતાં પણ ગીતોનું ગાન કારાય છે. જેવાં કે: “…
ગોર્યમાનો વર કેશરિયો, નદીએ નાવા જાય રે ગોરમા,
પાંદડી મેલી વાંસલડી, સાંયલો જોતો જાય રે ગોરમા...” (પૃ: ૩૭)

અહીં પણ ગોર્યમા(ગૌરી-પાર્વતીજી), અને વર કેશરિયો(મહાદેવજી)નો મહિમા ગવાયો છે તો સાથે સાથે--
“મારા જવાંના જવારા રે, જવ તલ ડોડણાં.
મારાં કયાં બાને વાયા રે? જવ તલ ડોડણાં.
મારાં ઊજમબાને વાવ્યાં રે, જવ તલ ડોડણાં...” (પૃ:૪૪)

એમ ક્રમશ: સ્ત્રીવર્ગનો પણ મહિમા ગવાયો છે. એની સાથે-
“…વાડી તે વાડી વાવલડી મારા ભમરજી હો રાજ
વાડીમાં પેઠ્યું એ કુણ?,
પેઠ્યા ભીખુભા પાતરિયારે મારા ભમરજી હો રાજ
ચૂંટ્યું ચમેલીનું ફૂલ...” (પૃ:૩૫) -ને એમ કરાતાં કરતાં આખાય ગીતમાં વિધ વિધ ફૂલોને નિમિત્ત બનાવીને ફૂલ ચૂંટવાનો અને ફૂલા ચૂંટવા જનાર વ્યક્તિઓ (ગામાના કે આડોશ પાડોશના પ્રતિષ્ઠિત માણસો) નો અનેરા મહિમા ગવાયો છે. શિવ-જીવ-સૃષ્ટિ બધું જ એનકેન પ્રકારે આ ગાણાંમાં ગવાયા જ કર્યું છે.

જળ લઇને આવ્યા પછી, કુમકુમ અગરબત્તી આદીથી જવારાની પૂજા કરે છે, દરરોજ આ જગ્યાને સોનાવર્ણું જળ છાંટીને પવિત્ર કરાય છે.

મૂળ જવારા વાવવાની આખી પ્રક્રિયા અમાસથી અગાઉ વદ-છ્ઠ કે વદ-આઠમ એમ ગણીને –સાતવારિયાકે નવવારિયાના દિવસે વાવવામાં આવે છે. વાવણી કરે છે તે કન્યાઓ (કુંવાસીઓ) કેટલાક નિયમો સાથે જવારાનું પૂજન-પાણીસિંચન કરે છે. એક ટાણું ભોજન- ભોજનમાં લીલવણ શાક, અમુક ફળફળાદિ લઇ શકતી નથી. આ બધાનું કારણ “....જવારા વાવનાર ‘કુવાસી’ જે કાંય ખાય-પીએ તેની અસર જવારા ઉપર પડતી હોય છે- એવી શ્રદ્ધા-માન્યતા પણ છે... માથાના વાળ ઓળતાં નથી. માને છે કે વાળ તુંટે તો, જવારા તુટે અને તેનાથી નુકશાન થાય. ..” (પૃ:૨૪) પછી સંપાદક આ વાતનું અનુમોદન વ્યક્ત કરતાં નોંધે છે કે: “...આમ તો કલ્પના કરી શકીએ કે મૂળમાં તો કુવાસીએ જીવનમાં અન્યને ઘરે જવાનું હોય છે. ત્યાં જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે જીવન જીવવાનું હોય છે...વ્રત કે નિયમો તેના મનને ઘડવામાં અગત્યતા ધરાવે છે. વ્રત કે નિયમો માણસના મનને એક અર્થમાં દ્રઢ કરતાં હોય છે, ઇચ્છના નિયંત્રણમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન હોય છે...(પૃ:૨૪) કેવી અદ્દ્ભૂત ફિલસોફી અહીં ગોપિત થયેલી છે!

પછી, આ નિત્યક્રમ છેક બારસ સુધી ચાલે છે. તેરસનો દિવસ પડતર રાખવામાં આવે છે, આ દિવસે ભોજન લેવાની છૂટ હોય છે, ને ત્યાર પછીના દિવસે નકોરડો ઉપવાસ હોય છે. એજ રાતે જાગરણ કરવામાં આવે છે. “...નકોરડા ઉપવાસના દિવસે બપોરે ઘઉં, ચણા, મકાઇ, જુવાર ઇ. મૂઠી મૂઠી અનાજ અને બે ટકા (પૈસા)નું ઉઘરાણું કરે છે. જેમાંથી અનાજનો પ્રસાદ માટે ઉપયોગ કરે-ટોઠા તૈયાર કરાય છે. રોકડ રકમ આ તૈયાર કરનાર કે એ કામમાં મદદ કરનાર વડીલવર્ગ (પુરુષો)ને ચા-પાણી, બીડી-બાકસ માટે વાપરવામાં આવે છે...” (પૃ:૨૫) કોઇ કોઇ ગામે એ દિવસે કોઇ એક કુંવાસીને વારરાજા બનાવીને વરઘોડો પણ કાઢવામાં આવે છે. લગ્નના વરઘોડની જેમ આખો પ્રસંગ ઉજવાય છે. ‘ગાણાં’ , ‘શલોકા’ અને ‘વાજાં’ પણ હોય છે. ને તે જ રાતે કુંવાસીઓ ગાણાં ગાતાં જગરણ કરે છે.

આમ કરતાં કરતાં આષાઢ વદ અમાસના ઉજવણી દિવસે જાણે કે, આ દિવસ આખાય ગામનો અવસર બની જાય છે. એ દિવસે જવારાની અનોખી રીતે જળ પધરામણી કરાતી હોય છે. સંપાદક નોંધે છે તેમ “...બે બાજોઠના આઠ પાયા સાથે બાંધવાના આઠ ‘ડાંડા’ (સીધી ડાળખીઓ) સરગવાના કાપી લાવે છે... તે બાજોઠના દરેક પાયા સાથે એક એક એમ બાંધવામાં આવે છે. તેના ઉપર રહેલા ચારેના છેડા ભેગા નાડાસડીથી બાંધવામાં આવે તેથી બાજોઠ પર પાંચેક ફૂટનો શંકુ આકાર તૈયાર થાયો હોય છે...ત્રાંબાના બે મોટા લોટા લાવી રાખ્યા હોય છે. એમાંથી એક લોટો તે પર મુકવામાં આવે છે, તે રીતે બીજા પર બીજો.... એકને પુરૂષનાં વસ્ત્રોથી બાજોઠ ને દાંડા ના દેખાય તેમ સજાવવામાં આવે છે. તે દાંડા ઉપર પુરૂષ વસ્ત્રોનું પરિધાન કરવામાં આવે ત્યારે ઊંધો પાડેલો લોટો તેનું માથું ગણી તેંને ફેંટો વીંટવામાં આવે છે. જેનાથી કોઇ યુવાનનો ભાસ થાય. તને લોકો ‘પુનંગડો’/ ‘પુનંગો’/ ‘પુનંગ ભૈ’ કે ‘કાનુડો’થી ઓળખે છે. તેજ રીતે બીજા બાજોઠના પાયાઓથી બાંધેલા દાંડાઓના ઉપરના છેડા નાડાછડીથી ભેગા બાંધીને તે પર ત્રાંબાનો લોટો ઊંધો મુકવામાં આવે છે. તેંને સ્ત્રીનાં વસ્ત્રો પહેરાવી તૈયાર કરાય છે. લોટા ઉપર સાડલાનો છેડો ઘૂંઘટની જેમ ઢાંકી કાઢેલો હોય છે. તેને ‘પુનંગડી’/ ‘પુનગી’ / ‘પુનંગબેન’ તરીકે ઓળખે છે. ‘પુંનગડા’ અને ‘પુંનગડી’ના ગળે ફૂલોનો હાર પહેરાવે છે. ‘કુવસીઓ’નાં બે જૂથ પડ્યાં હોય છે. એક ‘પુનંગડા’ પક્ષે અને બીજું ‘પુનંગી’ના પક્ષે...જવારાનાં શલાવડાં બાજોઠ ઉપર વસ્ત્રો નીચે બન્નેમાં ગોઠવી દેવાય છે...” (પૃ:૨૭)

-ને આ રીતે તૈયાર કર્યા પછી બન્નેને ‘પુંનગડા’ અને ‘પુંનગડી’ ને ચૉક વચ્ચે લાવવામાં આવે છે. ત્યાં ‘ગાણાં’ની રમઝટ ઊડે છે. ગરબાની જેમ જ. જેમાં બે-એક ‘ગાણાં’ જે ક્રિયાગીતો તરીકે વિશિષ્ટ રીતે ગવાય છે. “…જેમાં સ્ત્રીઓના હાથમાં સૂપડાં અને સાંબેલાં પણ લેવાય છે. ત્યાર બાદ કાપણીની ક્રિયા બતાવતાં ગવાય છે, જૂઓ:-
“ડાંગર ચોપાવોરે ગોલો રાંણો એકલા રે
ડાંગર ચોપીસું અમે બે બુનો રે
પાણી વરાવાં રે ગોલો રાંણો એકલા રે
પાણી વરીશું અમે બે બુનો રે... (પૃ: ૨૯)

-ને પછી ક્રમશ: ‘ડાંગર વાઢાવો રે, ડાંગર લેવડાવો રે, સીસરો ખંડાવો રે, પરુણા જમાડો રે, પરુણા વળાવા રે...’ ને એમ આખાય ગીતમાં શ્રમનો અનેરો મહિમા ગવાયો છે. મૂળ આ ગીત ડાંગરની વાવણીથી શરૂ કરી ને તેનો ખીચડો બનાવી મહેમાનોને જમાડવા સુધીનું ક્રિયાગીત બની રહે છે. આ ગીતને ‘...સૌરાષ્ટના ‘ટીપ્પણી’ નૃત્યની...’(પૃ:૨૭) સાથે સરખાવે છે.

છેલ્લે, ‘પુનંગા’ અને ‘પુનંગી’ને માથે લઇ કુંવાસીઓ વિદાયનાં ગીત ગાતાં ગાતાં વળાવવા નીકળે છે. ચાલતાં ચાલતાં આવાં ગાણાં ગવાય છે. જૂઓ:
“...સંઘ ચાલ્યો રે ભવાની મા સંઘ ચાલ્યો.
તમને કયા ભા વળાવઅ મા સંઘ ચાલ્યો,
તમને જગુભા વળાવઅ મા સંઘ ચાલ્યો.
તમને પાણી છલાં નાળિયેર મા સંઘ ચાલ્યો…” (પૃ:૮૩)એમ આખાય ગાણામાં જવરાને વળાવવા નિમિત્તે જવારાના ગુણગાણ ગાઇ જાત જાતના શણગારો ને પહેરામણીઓથી જવારનાં ઓવારણાં લેવામાં આવે છે. માનભેર, મોભાદાર માણસોની સાથે તેમને વળાવવમાં આવે છે.

જળપધારામણી કરાવતાં પહેલાં જો તક-સમય મળે તો, ત્યાં પણ ગીતો ગાવામાં આવે છે. “...ગીતો ગાવાની જાણે કે આ છેલ્લી તક હોય તેમ...” (પૃ:૨૮) મન ભરીને ગાણાં-ગીતો ગવાતાં રહે છે. ખાસ આ પ્રકારનાં ગાણાં. કે-
“હું તો જોન્યું જવાની અમર રહેવાની !
સાત તલવારો મેં તો સાથે ઓરી
ઓરીના જોની હુ ખેલી ના જોની,
હું તો જોન્યુ જવાની અમર રહેવાની!...” (પૃ:૮૭)

જવારાના વિદાયને નિમિત્ત બનાવી આ ગણાંમાં માણસના જીવન-મરણની કેવી અદ્દ્ભૂત ફિલસોફી રજૂ કરી જાય છે. જવારાની જેમ માણસની જવાની પણ એક દિવસ વિદાય..?! પરિવર્તન સંસારનો નિયમ છે. એજ વાત નઇ આ ગાણામાં?

ને જે સ્થળે, (તળાવ, કૂવો, નદી) જલભંડાર હોય ત્યાં તેમની જળપધરામણી કરવામાં આવે છે. જળપધરામણી વ્ખતે “...વિદાયનું કરુણ વાતાવરણ સમી સાંજે ઉચિત ઉઠાવ...” (પૃ:૨૮) પામે છે. ને સૌ જણ “…જાણે કૃષિ-મંગલની કામના વ્યકત કરતા હોય તેમ. કેમકે, આ જળ જ કૃષિના, સારા કે નરસા વરસ માટે જવાબદાર હોય છે. જવારા (સમસ્ત પાકોનું પ્રતિનિધિરૂપ) ને તરાવવા કે ડુબાડવા તે જળના જ (વરુણદેવ) હાથમાં છે, તે શુભ ભાવનાના સમુહ રૂપે વ્યક્ત કરાય છે...” (પૃ:૨૮) પધરામણી પછી બે પક્ષ પાડી ડાભનું લાંબુ વલેણું દોરડું લઇ, દોરડાખેંચની રમત ગાણાં સાથે ગવાય-રમાય છે. રમત પૂરી થયે પાછાં ગાણાં ગાતાં ગાતાં ગામમાં પાછાં આવે છે. ગામમાં આવી ફરી, એજ ચૉકમાં—
ગૉર્યમા તમનં વળાવી પાછાં વળીયાં,
ગૉર્યમા બાર મહીને સૈયર જુવે વાટ
ગૉર્યમા પૉર વહેલાં આવજો....
ગૉર્યમા બાર મહીને જોઇશું તમારી વાટ
ગૉર્યમા પૉર વહેલાં આવજો.... (પૃ:૯૩)

આમ, એક સપ્તાહ સુધી ચાલતા આ દિવાસના અનેરા પર્વની આનંદભેર પૂર્ણાહુતિ થાય છે. ને ફરી સામેના વર્ષે હરખભેર પછા આવવાનું આમંત્રણ આપીને સૈ સૌના ઘેર જાય છે.

મૂળ જવારા વાવવાથી માંડીને ‘પુંનગા’ અને ‘પુનંગી’ ને વળાવવા સુધીની આ આખીય ક્રિયા-પ્રકિયા એક અનોખા કૃષિ પર્વની ઉજાણી સમી બની રહે છે.

આખાય પ્રસંગમાં પ્રસંગને અનુરૂપ ‘ગાણાં’ તો ગવાતાં જ રહે છે, જે દરેકે દરેક ગીતોનું અહીં સંપાદન કર્યું છે. જેની સંખ્યા ૮૦થી પણ વધારે થવા પામી છે. દરેકે દરેક ગીત પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે, જેની ઝિણવટથી તપાસા કરી પ્રતાપસિંહ હ. રાઠોડે ‘ત્રિપરિમાણીય સંપાદન’ નામની પ્રસ્તાવનામાં સર્વે ગાણાંને ખીલતાં રૂના કાલાની જેમ ફાટ ફાટ ખોલી આપ્યાં છે. કહે છે કે: “…જુદા જુદા લયમેળ.. દીપચંદ, કહેરવા, અને ખેમચો-હિંચ જેવા તાલમાં નિબધ્ધ આ ગીતો છે. ને તેય વિલંબિત, મધ્ય તો દ્રુતલય પણ જોવા મળે છે...સારંગ, ભુપાલી કે ભીમપલાસી રાગની અસર પણ જોવાય છે...” (પૃ:૧૬)

સમગ્ર તયે જોતાં, ગુજરાતી લોકસાહિત્ય સંપાદન-સંસોધનમાં ઉત્તર ગુજરાતનું એક અનોખું ‘દિવાસાનું પરબ અને તેનાં ગીતો’ મળ્યાનો આનંદ એક પર્વની ઉજાણીથી ઓછો કઈ રીતે હોઇ શકે? પણ..!, સંપાદક કહે છે તેમ દુ:ખ એ વાતનનું છે કે “… ભાવિ પેઢીને આ પર્વ જોવા મળશે કે કેમ? સપ્તઋષિના નક્ષત્ર જેવો સવાલ મનોરાજ્ય થયો. બધું ‘ઓન લાઇન’ થતું જાય છે તે શી ખબર?...” (પૃ:૫) પણ સાહેબ, આ સંશોધન-સંપાદન મળ્યા પછી એટલું તો જરૂર, જરૂરથી કહીં શકાશે કે ભાવિ પેઢીને આ પર્વ જોવા મળશે કે કેમ? એ તો ખબર નહીં, પણ એટલું ચોક્ક્સ કે સંપાદકની જહેમત બધી ‘લાઇન ટું લાઇન’ આ સંશોધન નિમિત્તે સચવાશે. ને અક્ષ્રર દેહે, તો તે હવે જીવંત જ થઇ ગયુંને! એ હવે ક્યારેય “ઑફ – લાઇન” નહીં થાય.

આ સંપાદન નિમિત્તે એક અનોખા પર્વમાંથી પસાર કરાવવા બદલ ડૉ. પ્રેમજીભાઇ પટેલનો ખૂબ ખૂબ આભાર... એમનું ભ્રમણ સતત થતું/વધતું રહે ને આવાં સ-રસ સંશોધન- સંપાદન ગુજરાતી લોકસાહિત્ય અને ભેટ થતાં રહે એવી આશા સહ...

સંદર્ભગ્રંથ :

  1. ‘દિવાસાનું પરબ અને તેનાં ગીતો’ સંપાદન: પ્રેમજી પટેલ, આવૃત્તિ -૨૦૧૩, ફ્લેમિંગો પબ્લિકેશન્સ, અમદાવાદ, મૂલ્ય: રૂ. ૧૧૦

દશરથ સો. પટેલ, મીઠીબાઈ આર્ટ્સ કૉલેજ, વિલેપાર્લે, વેસ્ટ મુંબઈ