‘મહાભિનિષ્ક્રમણ’: આધુનિક અને પ્રયોગશીલ નવલકથા


આજથી સાડા ચાર દાયકા પહેલા પ્રગટ થયેલી ‘મહાભિનિષ્ક્રમણ’ નવલકથા જેટલી વખોડાઈ નહોતી તેનાથી વધારે વખણાઇ હતી. ‘મહાભિનિષ્ક્રમણ’ કથાગંધી કૃતિ છે. મુકુન્દ પરીખની એકમાત્ર નવલકથા છે. એ બળવાન પ્રયોગશીલ અને આધુનિક કૃતિ છે. ‘મહાભિનિષ્ક્રમણ’ જીવાઇ ચૂકેલા અતીતની કરુણ કથા છે. સંબંધ શૂન્યતા, સામાજિક સંદર્ભોથી થયેલો વિચ્છેદ, ઠરી ગયેલા વર્તમાન, એ વર્તમાનની કોતરોમાં પડઘાતો દર્દનાક ભૂતકાળ અને ભૂતકાળથી હજીયે હલબલી ઉઠતી એની વ્યક્તિ ચેતનાને કુંઠીત કરી નાખતો માતૃસંવેદનનો બોજો, પત્ની અને પ્રેયશી સાથેના વંધ્ય રહી ગયેલા સંબંધો, કંટાળો, રિક્તતા, આદિ આવીને એની કથનીમાં ભળે છે. ‘મહાભિનિષ્ક્રમણ’માં ભાષા ટેકનિક રચના રીતિ ઇત્યાદીમાં આપણને નવતા જોવા મળે છે. દરેક યુગના વિશિષ્ટ માનવીય સંદર્ભને સર્જકો પોતાની આગવી શૈલીથી કૃતિમાં પ્રયોજે ત્યારે તેમાં એક પ્રકારની નવીનતા, પ્રયોગશીલતા, રૂઢિભંજકતા આવી જાય છે. માનવીની એકલતા, હતાશા, જિજીવિષા,મુમુક્ષા , તેના આવેગો, આવેશો, આધુનિક સર્જકની સામે પડેલી સામગ્રી છે. આ બધી સામગ્રીનો સર્જકે તેમની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’માં સાર્થક કરી બતાવી છે.

આ નવલ પ્રથમ પુરુષ એક વચન પદ્ધતિએ લખાયેલી છે. કથાનાયક અમિત દલાલનું સળવળતું સ્મરણ છે. ભૂતકાળને વાગોળે છે અને flas back પદ્ધતિમાં નિરુપાયેલી આ નવલ ઇન્ટરનલ મોનોલોગ એકોક્તિઓમાં રજૂ કરાઇ છે. ભાષામાં પણ ઘણી નવતાઓ જોવા મળે છે. ‘મહાભિનિષ્ક્રમણ’માં દીર્ધકવિતાની ઈબારતનો સાક્ષાત્કાર થાય છે. ‘મહાભિનિષ્ક્રમણ’ નવલકથાનું વિષયવસ્તુ-કથાવસ્તુ આ પ્રમાણે છે. કથાનાયક અમિતનું ભાવવિશ્વ તથા અમિતના વલોપાત, વેદના કૃતિની સામગ્રીનું કેન્દ્ર છે. પ્રેમ વાસના, સહવાસ, ઝંખના, પ્રાપ્તિ, તુપ્તિ-અતૃપ્તિ, સ્ત્રીત્વ, માતૃત્વ જેવા ઘટકો અહીં તાણાવાણાં રૂપે આલેખાયા છે. અમિત અને ચંદનનું જગત અને મનોજગતનું પ્રાગટ્ય એકોક્તિ રૂપે પ્રગટ થયું તે ‘મહાભિનિષ્ક્રમણ’ લઘુનવલકથાની સામગ્રી છે. પતિ, પત્ની, માતા, પુત્ર, નોકર, માલિકનો પ્રેમ આલેખાયો છે. પોતાની માને તિરસ્કારતો અમિત દલાલ છેલ્લે પોતાની માતાનો ખાલીપો ભરી દેવા ઇચ્છે છે. માતાની સેવા કરવા ઇચ્છે છે. માતામાં મધર મેરીની કલ્પના પણ તેની માતા પ્રત્યેનો ઉતકટ સ્નેહ બતાવે છે. જ્યારે સરોજ સાથેની મુલાકાતમાં સરોજને મેળવવાની ઝંખના જોવાં મળે છે. સરોજ સાથેની મુલાકાતમાં તે કહે છે. “હું પણ એક પુરૂષ છું, મારે પણ છાયા છે, ને મારી છાયામાં એક સ્ત્રીને શાતા મળે એ જ મારી ધન્યતા એ જ મારી પૂર્ણતા, મારા પ્રેમનો અર્થ પણ આવો જ.” આમ સમગ્રપણે જોતા અને તેના વિધાનો વાચતાં આપણને સ્નેહ અને વાસના જોવા મળે છે. પ્રથમ વાક્યથી ફ્રિજ થઈ ગયેલો સમય અંત વાક્ય સુંધી ફ્રિજ રહે છે. પહેલાં વાક્યમાં દાદર ઊતરતી બતાવેલી સરોજ કૃતિના અંતિમ વાક્યમાં પણ દાદર ઊતરતી હોય છે. આમ સમય અને સમયસાપેક્ષ ગતિ, ભીતરી પ્રવાહો આ બધું આ નવલકથામાં એક રૂપ બન્યું છે. કહો કે તે જ મહાભિનિષ્ક્રમણની કથા છે. લેખકનું પાત્રનિરૂપણ કળા પણ મહત્વની બની રહી છે. પાત્રના ભાવજગતને ઊપસાવવા લેખકે, તેના આંતરિક મનોભાવને રજૂ કરવા યોગ્ય સંવાદોની રચના કે સ્વગતોક્તિનો સહારો પણ લીધો છે. અમિત, સરોજ, ચંદન, રમા, સુમતિમાસી, વિઠ્ઠલ જેવાં બહુ વધુ નહીં, બહું ઓછા નહીં કથાનો અનુરૂપ પાત્રાલેખન કર્યું છે.

‘મહાભિનિષ્ક્રમણ’ નવલકથાનું જો કાઈ ચડીયાતું પાસું હોય તો તે છે એમાનું ભાષાકર્મ મુકુન્દ પરીખમાં રહેલા નવલકથાકારને એમના કવિત્વનો લાભ અવશ્ય મળ્યો છે. દા.ત.
“આ શિથિલ ચરણોને આધારે મારી જાત કે જાતના આધારે મારા ચરણો,
ચરણો જુઠ્ઠા, ચરણો સાચાં....
ઊઠો ચરણો,
ફર્શ પર ચાલો ચરણો” …
“તો મિત્રો આવો
મિત્રો આવે, મિત્રો જાય, મિત્રો વગર પણ જીવાય, હું રમાના સાહચર્ય વગર પણ જીવું છું.”

નવલકથામાં મોનોલોગની ભાષા પણ ઉલ્લેખ પાત્ર છે. તેમાં રમા અને ચંદનને કરેલા અન્યાયનો એકરાર જોવા મળે છે. આમ સમગ્રપણે જોતાં ‘મહાભિનિષ્ક્રમણ’ એક સાંગોપાંગ આધુનિક અને પ્રયોગશીલ કૃતિ છે. તેમાં આધુનિક માનવીની સ્થિતિ છે. તેની સામે હતાશા, જિજીવિષા, અસંગતતા, વિષાદતા, ચિત્તની દોહલાયમાન સ્થિતિ આ બધી સામગ્રીનો કંઇક વિશેષ રીતે ઉપયોગ કર્યો છે. ચિત્તની અગોચર સ્થિતિનું વર્ણન કરવામાં લેખક કળાત્મકતા સાંધી શક્યા છે. આ નવલકથાનું મહત્વનું પાસું છે તેમનું ગદ્ય, ઘણી ઓછી કૃતિમાં આવું ગદ્ય જોવા મળે છે. આમ ‘મહાભિનિષ્ક્રમણ’ ભાષા, ચરિત્ર-ચિત્રણ, કથાવસ્તુ, પ્રતીક, કલ્પનના વિનિયોગથી પ્રયોગશીલ નવલકથા બની રહી છે

ગૌતમ પી વાઘેલા