વાત્સલ્યરસિત નિરાળું મનોહારી ઊર્મિકાવ્ય : પ્રેમપચીશી


મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેમજ સંસ્કૃત અને વ્રજભાષાના સાહિત્યમાં પણ શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધના ૪૬ અને ૪૭ માં અધ્યાયમાં આવતાં ઉદ્ધવસંદેશના પ્રસંગ પર આધારિત અનેક સ્વરૂપમાં અનેક રચનાઓ થઇ છે. એ સર્વ રચનાઓમાં વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીશી’ એની નિરૂપણકલાથી જુદી ભાત પાડે છે ને નોખી તરી આવે છે. ૨૫ પદોમાં સુગ્રથિત વિશ્વનાથ જાની કૃત ‘પ્રેમપચીશી’ માં ભાગવતના ઉદ્ધવસંદેશની કથા નવા દ્રષ્ટિકોણ સાથે પ્રાપ્ત થાય છે.

કૃષ્ણને મથુરામાં કેમ ગમતું નથી એ વિશેના દેવકીના પ્રશ્નોથી કાવ્યનો પ્રારંભ થાય છે. કૃષ્ણના આ પ્રશ્નના ઉત્તરમાં પરોક્ષ રીતે વ્રજ અને નંદ-જશોદાનું મહત્વ સ્થાપિત થાય છે. દેવકી અને વસુદેવ વચ્ચેના સંવાદ દ્વારા કાવ્ય આગળ વધે છે. વસુદેવ પુરુષસહજ ધૈર્ય અને સમજણથી દેવકીને સાંત્વન આપતાં ગોકુળનું મહત્વ ગાય છે. કાવ્યના નવમાં પદ સુધી કવિ ઉદ્ધવને વ્રજ મોકલવાની ભાવાત્મક ભૂમિકા જ તૈયાર કરે છે. પોતાના માતાપિતાને પ્રેમભર્યો આશ્વાસનસંદેશો પહોંચાડવાને અને ગોપીઓને “હું અલગો નથી લગાર” એ સમજાવવા માટે કૃષ્ણ ઉદ્ધવને વ્રજ મોકલે છે. કાવ્યના ભાવતત્વ તરફ નજર રાખનાર વિશ્વનાથ જાની ઉદ્ધવે જોયેલા ગોકુળ કે નંદગૃહનું વર્ણન કરતા નથી. નંદ જશોદા સાથેના ઉદ્ધવના વાર્તાલાપમાં ઊભરાતા વાત્સલ્યનાં રમણીય ચિત્રો આપીને સત્તરમાં પદથી કવિ ઉદ્ધવ-ગોપી મિલન યોજે છે. ઉદ્ધવ દરેક ગોપીને આંગણે જાય છે અને કૃષ્ણના પદસ્પર્શથી પુનિત થયેલા સ્થાનો જુએ છે. જશોદાનો નિરવધિ અપત્યપ્રેમ અને ગોપીઓની વિરહ વ્યાકુળ અવસ્થાને પ્રત્યક્ષ જોઈ ઉદ્ધવ પણ ભક્તિમાર્ગનું મહત્વ સમજે છે. અંતે કવિ પુનઃ નંદ જશોદા સાથે ઉદ્ધવનો મેળાપ યોજે છે. અને નંદે છેવટે આપેલા કૃષ્ણ પ્રત્યેના સંદેશના કરુણ વાતાવરણમાં કાવ્ય સમાપ્ત થાય છે.
‘ભાર ઊતારો, ભૂધરા રે! ગરઢો જાણીને તાત;
કોહોને દુઃખ મનનું કહે, મોહન! તાહારી માત?’ (પદ ૨૫,પંક્તિ-૭૯૪,૭૯૫)

‘એહ પંચવીશી પ્રેમની રે, ગાશે સુણશે જેહ;
જાની જદુપતિ રાખશે રે, તે જન ઉપર નેહ.’ (પદ ૨૫,પંક્તિ-૮૦૨,૮૦૩)
આ સંક્ષિપ્ત ફલશ્રુતિ એ પચીસ પદોની આ માળાનું પૂર્ણવિરામ છે.ભગવાન શ્રીકૃષ્ણના સંદેશા સાથે ગોકુલ આવેલા ઉદ્ધવ સાથે જશોદા અને ગોપીઓનો સંવાદ તથા ભગવાનના ગોકુળના પ્રસંગોનું સંસ્મરણ અને ભ્રમર પ્રત્યેની ઉપાલંભયુક્ત ઉક્તિઓ દ્વારા પ્રગટ થતાં ગોપીઓના પ્રેમભાવનો પ્રસંગ ખરેખર રસિક, હૃદયસ્પર્શી અને કવિત્વમય છે. ઉદ્ધવસંદેશના આ પ્રસંગમાં નંદજશોદાનો વિરહભાવ અને એ નિમિતે વત્સલરસ, તો ગોપીઓની કૃષ્ણવિરહની ભાવના અને એ નિમિતે શૃંગારરસ મળે છે. તદ્ ઉપરાંત ઉદ્ધવ અને ગોપીઓના દ્રષ્ટિભેદમાંથી ઊપસી આવતી ભક્તિવિષયક જ્ઞાનચર્ચા નિરૂપવાનો પણ વિશાળ અવકાશ હોઈને મધ્યકાલીન ગુજરાતી કવિઓએ આ પ્રસંગને પોતપોતાની દ્રષ્ટિ અને રૂચી અનુસાર નિરુપ્યો છે. આ કથા ‘ભ્રમરગીતા’, ‘સ્નેહગીતા’, ‘સરસગીતા’, ‘રસીકગીતા’, ‘ઉદ્ધવગીતા’ નામે પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત ‘ભ્રમરપચીશી’, ‘પ્રેમપચીશી’ એ નામે પણ પ્રાપ્ત થઈ છે. આ બધા શીર્ષકોમાં ‘પ્રેમપચીશી’ શીર્ષક તરીકે આગવું તરી આવે છે. આ કથામાં આવતાં ભ્રમરતત્વના આલેખનને લીધે અને વ્રજભાષાના સંસ્પર્શને કારણે તથા સુરદાસરચિત ‘ભ્રમરગીત’ ની અસર નીચે ભાગવતની ઉદ્ધવસંદેશની આ કથા ભ્રમરકાવ્ય તરીકે ઓળખાવા લાગી. પરંતુ ઉદ્ધવસંદેશના કાવ્યની ભાવાત્મક ભૂમિકા ભ્રમરતત્વમાં રહેલી નથી પણ પ્રેમતત્વમાં રહેલી છે એમ સમજી શકનાર કવિ વિશ્વનાથ જાનીએ આ જ કારણથી એની રચનામાં ભ્રમરતત્વને અલ્પ મહત્વ આપ્યું અને કાવ્યનું શીર્ષક ‘પ્રેમપચીશી’ રાખ્યું.

મથુરામાં નંદ-યશોદા અને વ્રજવાસીઓના વિરહથી વ્યથિત શ્રીકૃષ્ણ, પુત્રની વ્યથાથી ચિંતિત દેવકી, શ્રીકૃષ્ણ વિના ઝૂરતા નંદ-જશોદા, વ્રજવાસીઓને કૃષ્ણે ઉદ્ધવ દ્વારા મોકલાવેલ સંદેશો, ઉદ્ધવનું વ્રજાગમન, નંદ-જશોદા અને ગોપીઓ સાથે તેમનો મેળાપ, સંવાદ, ગોપીઓનો ઉપાલંભ, નંદ-યશોદાનો વળતો સંદેશ અને અંતે કૃષ્ણસંદેશનું મહત્વ એ ‘પ્રેમપચીશી’ નું વિષયવસ્તુ છે.

‘પ્રેમપચીશી’ ના કવિએ મધ્યકાલીન કવિતાની ઈષ્ટદેવની પ્રારંભિક સ્તુતિની પરંપરાને ત્યજી દઈને કાવ્યનો આરંભ દેવકીના પ્રશ્નથી નાટ્યાત્મક ઢબે કર્યો છે. શ્રીકૃષ્ણને ઊંડો નિસાસો મૂકી, નેત્રે નીર ભરતાં જોઈને, પદને આરંભે દુહાની ચાર પંક્તિમાં દેવકી શ્રીકૃષ્ણને પૂછે છે કે,
“ મોહનજી ! મથુરા વિષે, શેં નથી માનતું મન ? ”
વિશ્વનાથ જાની નંદ-જશોદા-ગોપીઓ-વાસુદેવ-દેવકી વગેરે પાત્રો દ્વારા મધ્યકાલીન સાહિત્યમાં વિરલ ગણાય એવા વાત્સલ્યરસનું અહીં ચિત્રણ કરવા માગે છે. તેનું પ્રમાણ કૃતિની પ્રથમ પંક્તિથી જ મળી રહે છે.

વિશ્વનાથ જાની ‘પ્રેમપચીશી’ નો પ્રારંભ જુદા રચના કૌશલ્યથી કરે છે. ૮૦૩ પંક્તિઓની સંવાદાત્મક એવી આ રચનાના પ્રત્યેક પદને પ્રારંભે દુહાઓ કથાતંતુને સાંધે છે. પ્રત્યેક પદમાં પ્રસંગનો ઉત્તરોતર વિકાસ સધાતો કવિએ બતાવ્યો છે. ‘પ્રેમપચીશી’ ના લગભગ બધાં પદોમાં પ્રારંભે ચાર લીટીનો દુહો અને પછી ગીત એવી યોજનાને કારણે તે રચના મધ્યકાળનું મનોહારી ઊર્મિકાવ્ય બની રહે છે. એમાં પણ,
‘ગેહેલી ! ગોકુળની શી વાત ’ (પદ ૪, પંક્તિ-૯૧);
‘એક વાર જો આવે, ઉદ્ધવ !’ (પદ ૧૫, પંક્તિ-૩૭૩);
‘આવોજી, એકવાર આતા !’ (પદ ૨૫, પંક્તિ-૭૬૨)
..... વગેરે પંક્તિથી શરુ થતાં પદો આ સમગ્ર કથાપરંપરાના શ્રેષ્ઠ ગીતિકાવ્યો બની રહે છે.

ભાગવતના દશમસ્કંધના ૪૬ માં અધ્યાયમાં ઉદ્ધવ-નંદજશોદા મિલન અને ૪૭ માં અધ્યાયમાં ઉદ્ધવ-ગોપી મિલનને ભાગવતના કવિએ આલેખ્યું છે. આમ પ્રસ્તુત કથામાં ભક્તિના દ્વિવિધ સ્વરૂપો, વાત્સલ્ય અને માધુર્યનું નિરૂપણ કરવાની શક્યતાનો સંકેત ભાગવતમાંથી જ પ્રાપ્ત થઈ રહે છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓએ શ્રીમદ્ ભાગવતમાંથી પ્રાપ્ત થતાં આ ભાવાત્મક સંકેતને પોતાની નિજી કવિત્વશક્તિ અનુસાર નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે.

ભાલણની જેમ વિશ્વનાથ જાની જેવા કવિ માટે આ કથા શૃંગાર કરતા વાત્સલ્યના નિરૂપણનું એક રમણીય નિમિત બની રહી. પરિણામે આ બંને કવિઓની રચનાઓમાં ઉદ્ધવને મળતાં જશોદાના ચિત્રમાં કૃષ્ણના પૂર્વસ્મરણથી જાગતી સ્મૃતિઓએ અત્યંત કલાત્મક કાવ્યરૂપ ધારણ કર્યું. ઉદ્ધવના દર્શનથી જાગેલી સ્મૃતિઓને કારણે વિશ્વનાથ જાનીની જશોદા મનની સંભ્રાંત દશામાં જે દીવાસ્વપ્નોનો અનુભવ કરે છે એને વાણીમાં ઉતારતાં વિશ્વનાથ જાનીની કલમ કેટલેક સ્થળે સુરદાસની સમકક્ષ બની રહે છે. વિશ્વનાથ જાનીની જશોદા માતૃત્વની જીવતી જાગતી પ્રતિમાસમી લાગે છે. આટલું જ નહિ પણ માતાપિતાના હૃદયભાવોની આકુળતાને વર્ણવતો આ કવિ પિતા નંદની એકલતાને પણ એટલી જ કુશળતાથી નિરૂપે છે. મધ્યકાળની આ કથાની સમગ્ર પરંપરામાં માતા જશોદાની વ્યથાને તો અનેક કવિઓએ પોતપોતાની શક્તિ અનુસાર નિરૂપી હશે પણ પિતા નંદની આવી અશબ્દ વ્યથાને કદાચ વિશ્વનાથ જાની સિવાય અન્ય કોઈ કવિ સમજી શક્યો નથી.

શરૂઆતનાં બે પદોમાં દેવકી અને કૃષ્ણની મનોવ્યથા છે. દેવકીના પ્રશ્નોનો જવાબ શ્રીકૃષ્ણ આપે છે, જેમાં વિશ્વનાથ પરોક્ષ રીતે નંદ-જશોદા અને ગોકુળનો નિર્વ્યાજ પ્રેમ પ્રગટ કરે છે. કવિની ખરી ખૂબી તો એ છે કે શ્રીકૃષ્ણ વિષયક વાત દેવકી-વાસુદેવના સંવાદથી કાવ્યમાં આગળ ચાલે છે. ૧ થી ૯ માં પદ સુધી, દેવકી-વાસુદેવ, દેવકી-શ્રીકૃષ્ણ, વાસુદેવ-શ્રીકૃષ્ણના સંવાદોમાંથી પણ, એ પાત્રોની વેદનાની સાથે સાથે વ્રજવાસીઓ, નંદ-જશોદા અને ગોપીઓની વિરહવેદનાને પણ ધ્વનિત કરીને, વાત્સલ્યરસનું એક વાતાવરણ સર્જીને રચનાની મજબૂત પૂર્વપીઠિકા રચે છે. આ રચનામાં ઉદ્ધવસંદેશને લગતો પ્રસંગ,
‘ઉદ્ધવને કહે કૃષ્ણજી : ‘સાંભળો ભ્રાત !’ (પદ ૧૦)
થી શરૂ થાય છે. શ્રીકૃષ્ણ જશોદાને દુઃખ ન લાગે તેથી ‘માહરી માવડી’ કહી સંબોધે છે. દેવકીનો પુત્રપ્રેમ તીવ્ર વેધકતાથી વ્યક્ત થયો છે. વાસુદેવના વાત્સલ્યભાવનું આલેખન રુચિકર છે. વિશ્વનાથ પ્રેમનું મહાત્મ્ય દર્શાવી –
‘સાંભલ્ય, પ્રેમ તણી ગત્ય મીઠી, શું જાણે જેણે નવ્ય દીઠી ?’ (પદ ૬, પંક્તિ-૧૪૦)
-આગળનાં પદોના ભાવવિચારોનો ધ્વનિ પુનઃપ્રસારિત કરે છે. છઠ્ઠા પદમાં વસુદેવ પ્રેમનો મહિમા વર્ણવી જીવનમાં પ્રેમનો જ તંતુ બળવત્તર છે એમ કહે છે. પ્રેમનું મહત્વ વિગતે વર્ણવતા કવિ પ્રેમના બળ વિશે લખે છે :
“અષ્ટસિદ્ધી નવનિધથી મોંઘો, સિર સાટે મળે તો સોહોંઘો.” (પંક્તિ-૧૪૪)
“પ્રેમે પાણ્ય ધરીને જાચ્યો, ગ્રાસ એક માખણ માટે નાચ્યો.” (પંક્તિ-૧૫૨)

આઠ, નવ, દસ, અગિયારમાં પદમાં કૃતજ્ઞભાવે ઊભરાતો શ્રીકૃષ્ણનો નંદ અને જશોદા પ્રત્યેનો ભક્તિભાવ કરુણરસને ગાઢ બનાવે છે. પ્રત્યેક પંક્તિમાં કૃષ્ણનો નંદ-જશોદા પ્રત્યેનો સ્નેહભાવ છલકાય છે. નંદ-જશોદા અને કૃષ્ણની સાથે વાચકનું હૃદય પણ કરુણ રસમાં આર્દ્ર બને છે. આઠમાં પદમાં કવિએ ઝૂલણા છંદમાં નંદના સ્નેહસંભારણા નિરૂપતા કૃષ્ણના આંદોલિત હૃદયને સ્પર્શક્ષમ બનાવ્યું છે. ‘પ્રેમપચીશી’ ના બધા પાત્રો આ પ્રેમના તાંતણે જ બંધાયેલા છે –
‘પ્રીતમાં પ્રીત પામ્યો ઘણું, વ્રજવાસીને વાસ;
અષ્ટસિદ્ધ નવનિધથી અધિક, એક અંજલિ છાશ.’( દુહો, પદ ૮, કડી ૧,)
પ્રેમની આ ખેંચતાણમાંથી કરુણરસ ઝવે છે. ‘પ્રેમપચીશી’ ના પચીસ પદોમાં ‘ઉદ્ધવસંદેશ’ માં વાત્સલ્યભાવ તથા ભક્તિનું મધુર નિરૂપણ થયું છે.

૧૦ મા પદથી ૧૨ મા પદ સુધીમાં, શ્રીકૃષ્ણ-ઉદ્ધવનો વાર્તાલાપ યોજીને, પણ નંદ-જશોદા, ગોપીની વ્યથાકથાને જ વાચા આપે છે. શ્રીકૃષ્ણની વિવિધ ભાવોર્મિઓનું સરસ આલેખન કર્યા પછી, છેક ૧૩માં પદથી કવિ ગોકુળ પહોંચેલા ઉદ્ધવ દ્વારા, ઉદ્ધવ સંદેશની મૂળભૂત ‘થીમ’ ને ૨૫ માં પદ સુધીમાં વિસ્તારે છે. શ્રીકૃષ્ણ પોતાની વાત સમજાવવા માટે ઉદ્ધવને ગોકુળ મોકલે છે તેમાં પોતાના પાલક માતાપિતા નંદજશોદાને -
‘રાત્ય-દિવસ અલગું નથી, તમથી માહારું મન’ (પદ-૧૦,પંક્તિ-૨૩૮)
અને ગોપીઓને -
‘ હું અલગો નથી લગાર ’ (પદ-૧૨, પંક્તિ-૨૭૦)

એ ખાતરી આપવામાં પણ તેમનો આશય અમુક અંશે સહેતુક છે એમ કહી શકાય. આમ પદ ૧ થી ૯, ૧૦ થી ૧૨, ૧૩ થી ૨૫ - એમ ત્રણ તબક્કે આ રચનાને વિશિષ્ટ આયોજન સંયોજનથી વિસ્તારીને કવિએ એક અખંડ અનવદ્ય આકૃતિ સર્જવાનો પણ સરાહનીય સફળ પ્રયાસ કર્યો છે, અર્થાત સમગ્ર રચના ઉપર, વાત્સલ્યરસ છવાઈ ગયો હોવાનો ભાવકને અનુભવ થાય છે. મૂળ કથાનકમાં ભાગવતકાર ગોપીઓના વિપ્રલંભ શૃંગારને પ્રાધાન્ય આપીને ઉદ્ધવ સંદેશની કથાને વિસ્તારે છે. અહીં કવિ નંદ-જશોદા-દેવકીના વાત્સલ્યરસને પ્રાધાન્ય આપીને ઉદ્ધવસંદેશનું મૂળભૂત કાર્ય પાર પાડે છે અર્થાત્ અહીં કરુણ અને વાત્સલ્યરસનું પ્રાધાન્ય છે. ગોપીઓના વિપ્રલંભ શૃંગારનું સ્થાન ગૌણ છે. ગોપીઓ પણ શ્રીકૃષ્ણની બાળલીલા, દાણલીલા વગેરેને સ્મરીને વાત્સલ્ય પ્રગટ કરે છે. આમ રચનામાં કરુણ, વિપ્રલંભ શૃંગાર અને વાત્સલ્યરસ, ભક્તિરસનું નિરૂપણ કરીને કવિએ રસવૈવિધ્ય સિદ્ધ કરીને, આખ્યાનની જેમ સળંગ રસપ્રદ કૃતિ-આકૃતિ સર્જવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમાં એમને નોંધપાત્ર સફળતા પણ મળી છે. એટલે અહીં પદમાળાનું દરેક પદ સ્વતંત્ર અને સ્વયંસંપૂર્ણ રહીને પણ આસ્વાદનો વિષય બને છે અને છતાં દરેક પદ આખ્યાનનાં કડવાની જેમ, બીજા પદ સાથે એવી રીતે સાંકળી લીધું છે કે, રચના વિન્યાસ ક્યાંય શિથિલ થયાનો ભાસ થતો નથી. કે પદ વિન્યાસ ક્યાંય વિશૃંખલ લાગતો નથી અને સાદ્યંત રસસાતત્ય, કથાસાતત્ય જળવાઈ રહેલું જણાય છે.

૨૫ માં પદની અંતિમ બે પંક્તિમાં, કવિએ મધ્યકાલીન સાહિત્યની ફલશ્રુતિ નિરૂપવાની પરંપરાનું જતન કર્યુ છે, પરંતુ ફલશ્રુતિમાં ઝાઝી પંક્તિઓ ન ખર્ચવાની સૂઝ બતાવી છે. આ બધાને કારણે આ પદમાળાનો વિષય ધાર્મિક કે સાંપ્રદાયિક હોવા છતાં, ૧૮ અને ૧૯ માં પદમાં ઉદ્ધવ- ગોપીઓની શાસ્ત્રીય જ્ઞાન વાર્તા એમાં હોવા છતાં, એ શુદ્ધ સાહિત્યિક કૃતિ તરીકેની છાપ ઉપસાવવામાં સફળ થાય છે.

પાત્રો પૌરાણિક છે, શ્રીમદ્ ભાગવતની પાત્રસૃષ્ટિ છે, તે છતાં એ પાત્રો વ્યાપક સનાતન માનવસમાજના હોવાની પ્રતીતિ થાય છે. જશોદા-દેવકી-વાસુદેવ-નંદના વ્યક્તિત્વ એકબીજાથી ભિન્ન જણાય એ રીતે એ પાત્રોની લાક્ષણિક વિશિષ્ટ મુદ્રાઓ ઉપસાવવામાં કવિને ગણનાપાત્ર સફળતા મળી છે. કાવ્ય વાત્સલ્યરસના પ્રાધાન્યનું હોવાથી શ્રીકૃષ્ણ–જશોદાના પાત્રો સમગ્ર રચના ઉપર છવાઈ ગયેલા જણાય છે. ગોપીઓ અને એમના વિપ્રલંભ શૃંગારને કવિએ પોતે સ્વીકારેલા પ્રયોજનને વશ વર્તીને ગૌણ સ્થાને રાખ્યા છે. તેમાં ઔચિત્ય છે.

કવિએ આ રચનામાં કથન, વર્ણનની નહિ, પણ સંવાદની રીતિનો જ સવિશેષ આશ્રય લઈને, પેમાનંદ જેવા સંવાદકૌશલનું દર્શન કરાવ્યું છે. આ કૃતિના સંવાદો પાત્રોચિત, સ્વાભાવિક અને પાત્રના સૂક્ષ્મ મનોગતને પણ પ્રગટ કરનારા બની રહે છે. મોટાભાગે સંસ્કૃત શબ્દની સાથે લોકબોલીના શબ્દોનો કવિએ ઔચિત્યપૂર્વક ઉપયોગ કરી જાણ્યો છે, ને તેને લીધે, ભાવાભિવ્યક્તિ નૈસર્ગિક અને હૃદયસ્પર્શી બની આવી છે. ૧૮માં પદમાં રજૂ થયેલી ઉદ્ધવની જ્ઞાનવાર્તા, વ્રજભાષામાં પ્રગટ કરવામાં પણ ઔચિત્ય છે. વિશ્વનાથ જાનીનું આ કાવ્ય વિવિધ દેશીઓમાં રચાયેલું હોઈ સારું ઢાળવૈવિધ્ય રજૂ કરે છે. વિશ્વનાથની કવિતા સ્વભાવસરલા ગોપી જેવી છે.

રચનાનો આરંભ આમ તો દેવકીના વિલાપથી (માતૃસહજ ચિંતાથી) તો અંત નંદરાયના વિલાપથી થાય છે. વાત્સલ્ય કરુણથી રચનાનો આરંભ ને ગહન કરુણથી રચનાનો અંત ભાવકો માટે હૃદયસ્પર્શી બની રહે છે. પાત્રોના મનોગતના વિવિધ સ્થિત્યંતરો પણ અહીં આસ્વાદ્ય બની રહે છે. આખુંયે કાવ્ય કરુણરસનો એક સુંદર નમૂનો છે.

આમ, ચરિત્રચિત્રણ, રચનાવિન્યાસ, ભાષા-સામર્થ્ય, રસનિરૂપણ આદિ વિવિધ દ્રષ્ટિએ જોતાં ‘પ્રેમપચીશી’ પદમાળા આખી વાત્સલ્યરસ પ્રધાન કૃતિ તરીકે ખાસ ધ્યાનાકર્ષક બને છે.

પ્રા. બીના ડી. પંડ્યા, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી), ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ.